કેમ છો? મજા માં? પહેલા આ વાત વાંચો પછી જ જવાબ આપજો…

કોઈ પરિચિત તમને મળે અને પૂછે કે કેમ છો ?

તો તમારો જવાબ શું હોવો જોઈએ ?

કેવો હોવો જોઈએ ! એ સંદર્ભને આવરી લેતો કિસ્સો વાચી તમે તમારો જવાબ પોઝીટીવ જ આપશો એવી ખાતરી છે.

==================================================

કેમ છો ?

એવું તમને કોઈ પૂછે તો મઝામાં છો એવો જવાબ આપજો. મઝામાં ન હોવ તો ઠીક છે એવો પણ જવાબ આપી સામે વાળાની કદર કરજો કેમ કે એણે તમારા ખબર અંતર પૂછ્યા છે માટે આપણી ફરજ બને છે કે એને યોગ્ય ઉત્તર આપવો જોઈએ. તો આ કાર્ય તમે જો કરતા જ હોવ તો વંદન અને ન કરતા હોવ તો આજથી જ શરુ કરી દો એવી અરજ છે.
અહી આવી જ એક ખબર પૂછનારની વાત કરવી છે. એ સાલ હતું વર્ષ ૨૦૧૫. બે કોલેજના મિત્રો કેયુર અને મયૂર લગભગ આઠ એક વર્ષ પછી એક જ શહેરમાં ભેગા થઈ ગયા. અને તમને તો ખબર જ છે કે જ્યાં મિત્રો મળે ત્યાં એક પ્રયાગ રચાય છે. મળતાની સાથે જ બંને પ્રથમ તો એક બીજાને ભેટી પડ્યા.

કેયુર : બોલ મિત્ર શું ચાલે છે ? કેમ છે બધું ?

મયૂર : બસ તારા જેવું નહી ?

કેયૂર : કેમ તારે તો મસ્ત મઝાનો ડુપ્લેક્ષ છે ને ?

મયૂર : હા! પણ યાર તારા જેવું નહી જ હોય !
આ સાંભળતા જ પેલો કેયૂર ખુશ ખુશ થઈ ગયો. મયૂરે ખુશીનું કારણ પૂછ્યું.

“યાર ભગવાનનો પાડ માન કે તને મારા જેવું નથી અને હોવું પણ ન જોઈએ. તું જેવો છે એ જ મારી માટે આનંદની વાત છે. આટલું કહેતા કહેતા કેયુરને ડૂમો ભરાઈ આવ્યો. કેયુરે કહ્યું તું ચાલ મારી સાથે મારા ઘરે. આટલું કહી બંને ઘર તરફ જવા નીકળી પડ્યા.

જેવું ઘર આગળ કેયૂરનું જુનું સ્કુટર ઉભું રહ્યું કે સ્કુટરનો અવાજ સાંભળી એક સુકલકડુ બાળક પપ્પા કરતું બહાર દોડી આવ્યું. સ્કુટર સ્ટેન્ડ પર કરી કેયૂરે એને તેડી લીધો. પછી કહે “આ છે મયૂર કાકા. મારા ભાઈબંધ. એટલું બોલી તેઓ ઘરમાં દાખલ થયા. ઘર જોઈ મયૂરને થોડો કચવાયો. ક્યાં એનો ડુપ્લેક્ષ અને ક્યાં આ એક રૂમ કિચનનું ખોયડુ.
બીજા દ્રશ્યમાં જ મયૂરની નજર પલંગ પર સુઈ રહેલ એક વડીલ પર પડી. ત્યાં કેયૂર બોલ્યો આ મારા પપ્પા છે. અસ્થમાની બીમારીથી વર્ષ ૧૯૮૫થી પીડાય છે. મહિનામાં બે ત્રણ વાર એમને હોસ્પિટલાઈઝ કરવા પડે છે. એમનું આખું પેન્શન એમની દવામાં જ ખર્ચ થઈ જાય છે.

એટલામાં પેલો સુકલકડો બાળક જેની ઉમર ચાર વર્ષની હતી તે કેયૂર પાસે આવી એના ખોળામાં બેસી જાય છે. એનો પરિચય કરાવતા કેયૂર બોલે છે “આ દિવ્ય છે. ચાર વર્ષની ઉમર છે. પણ દોઢ વર્ષનો હતો ત્યારથી એને પણ અસ્થમાના એટેક આવે છે. ગમે ત્યારે એને અસ્થમાનો એટેક આવે ત્યારે ઈમરજન્સીમાં એને તુરંત દાખલ કરવો પડતો હોય છે. હજુ એની વાતચીત ચાલુ જ હતી ત્યાં એના બનેવીનો ફોન આવે છે કે બહેનની તબિયત વધારે ખરાબ થઈ છે તમે લોકો ચાર પાચ હજાર તુરંત મોકલાવો અથવા લઈને આવી જાવ.
કેયુરની પત્ની પૂછવા આવે છે “ભાઈ ચા પીસેને ? નહી તો શરબત બનાવું!” “નાં ભાભી કશું જ નહી. મારું મન ભરાઈ ગયું છે. મિત્ર મળ્યો એટલે બધું જ મળ્યું.” મયૂરે આંખો લુછતા કહ્યું.

હોતું હશે પહેલીવાર તમે આવ્યા છો અને આમ જ તમને જવા દઉં તો મારા માતા-પિતાના સંસ્કાર લાજે અને તમારા મિત્રનું સ્વમાન ઘવાય. એમ કહી એણે પાચ રૂપિયા દિવ્યના હાથમાં આપતા બોલી “લે બેટા સામેની ડેરીમાંથી પાંચ રૂપિયાની દૂધની થેલી લઇ આવ.
મયૂર આ બધી જ ઘટના એક શ્વાસે નિ:શબ્દ અનુભવી રહ્યો હતો. એની વાચા જાણે ગાયબ થઈ ગઈ હતી. પસીનો પસીનો થઈ ગયો એટલે કેયૂર કહે “આવ યાર બહાર બેસીએ. એમ કહી બંને ઘરની બહાર જાય છે.

મયૂરના ખભા પર હાથ મૂકતા કેયુર બોલે છે “બોલ મિત્ર હવે તને કોના જેવું જોઈએ છે ? મારા જેવું કે પછી તને તારું જે છે એમાં જ આનંદ છે ?”

ફરી બંને મિત્રો ભેટી પડે છે પણ આ વખતે બંનેની આંખોમાંથી અશ્રુ સરી રહ્યા હતા. થોડા હળવા થયા બાદ. ચા પીધા પછી બંને મિત્રો છુટા પડે છે.

મયૂર મિત્રની આવી સ્થિતિ જોઈ મનોમન દુઃખી થાય છે અને એ વાત માટે ભગવાનનો પાડ માને છે કે તેની સ્થિતિ કેયૂર જેવી તો નથી જ. આ હિસાબે તો પોતે કેટલી સારી સ્થિતિમાં છે એનો અહેસાસ તેને એ દિવસે થાય છે.

તે મનોમન મિત્ર માટે પ્રાર્થના કરે છે અને નક્કી કરે છે કે આજ પછી કોઈને નહી કહું કે તમારા જેવું નથી. સદા એવું જ કહીશ કે સારું છે. મઝામાં છું.

આ એક સત્ય ઘટના છે જે આ લેખકના જીવનની આસપાસ જ રચાયેલી છે.

મિત્રો કોઈનો મહેલ જોઈ આપની ઝુપડી ખરાબ છે એ કહેવું યોગ્ય નથી.આપણા કરતા પણ ઘણા એવા લોકો છે જે ખૂબ જ દુઃખી છે છતાં તેઓ ખુશ રહેવા માટે પ્રયત્ન કરતા રહે છે. અને પ્રયત્નો જ તમને સિદ્ધિ તરફ લઈ જાય છે. કોઈને કોસવાથી કે કોઈનું બુરું બોલવાથી,, ઈર્ષા કરવાથી આપણી પરિસ્થિતિ સુધરી નથી જવાની.

પેલું પ્રચલિત ગીત છે “દુનિયામેં કિતના ગમ હૈ,મેરા ગમ કિતના કમ હૈ ! ઓરોકા ગમ દેખા તો મે અપના ગમ ભૂલ ગયા”
અરે જેઓને દ્રષ્ટિ નથી હોતી, હાથપગ નથી હોતા છતાં તેઓ પુરુષાર્થ કરતા રહે છે પણ હિમ્મત હારતા નથી. નથી તેઓ તેમની આ પરિસ્થિતિ માટે પરમાત્માને દોષ આપતા નથી.તો પછી આપણે તો એમનાથી સારી શારીરિક ક્ષમતા ધરાવીએ છીએ તો આ બળાપો કેમ ? કે તમારે તો જલસા છે. તમારા જેવું કઇ થોડું છે ? વગેરે કટાક્ષવાણીનો ઉપયોગ કરવાનું તાળીએ એમાં જ આનંદ છે.
સંસાર એક નદી છે અને દુઃખ સુખ એ નદીના કિનારા છે. આ નદીને સુખ દુઃખની ભરતી ઓટ આવતી જ રહે છે.એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. પરમાત્માએ મનુષ્યને જે વરદાન આપ્યું છે તેવું વરદાન દુનિયામાં બીજા કોઈ જીવને નથી મળ્યું. છતાં આપણે પરમાત્મા પર આરોપો લગાવતા રહીએ છીએ કે ભગવાન “સામે વાળાને લીલા લ્હેર છે અને અમને ફાંકા ?”

એવા લીલા લ્હેર કરનારા પણ સમય આવતા પલાયન થઈ ગયાના કિસ્સાઓ તમે સૌએ અનુભવ્યા જ હશે.
માટે જે છે તે સારી જ પરિસ્થિતિ છે. ઉત્તમ છે સર્વોત્તમ છે.
હવે હું તમને પૂછુ છું કેમ છો ?

લેખની કોમેન્ટમાં શું લખવું એ તમારા પર છોડું છું :
તમે તમે જ છો અને સર્વોત્તમ છો એમ જાણી પોતાની પીઠ થાબડતા રહો. પરમાત્માએ ખૂબ જ સમજી વિચારીને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે. એને કોઈની ઈર્ષા કરી દુષિત કરવા કરતા પોતાની જાતને જ એટલી ઉજાગર કરો કે એના પ્રકાશમાં મોટા ભાગનું અંધારું ગાયબ થઈ જાય.

છેલ્લે છેલ્લે થ્રી ઇડીયટ ફિલ્મનો પ્રચલિત ડાયલોગ “ઓલ ઈઝ વેલ”

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી