બુકે અને બૂક – તમે એકવાર જરૂર તમારી ભેટ આપવાની રીત બદલી જુઓ…

બુકે અને બૂક

બુકેનું આયુષ્ય કેટલું ?
અને બૂક તમને આયુષ્યમાં કેટલા સમયની ખુશી આપે છે?  એ વિચારી જુઓ  તમે એકવાર જરૂર તમારી ભેટ આપવાની રીત બદલી જુઓકેમ પુસ્તક જ મહત્વનું ?
કારણ કે પુસ્તકનું કામ ચાણક્ય જેવું છે જે રાજા બનવાની બધી જ ખૂબીઓ ધરાવે છે છતાં પણ એ રાજા બનતો નથી પણ એનામાં અન્યને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા જરૂર છે .

ભેટ આપવી એ પણ એક કળા છે
કોને ભેટ આપવી એ પણ એક કળા છે
કઈ ભેટ આપવી એ પણ એક કળા છે
અને જો તમે કોઈને ભેટ આપવાના જ છો કે એનું સ્વાગત કરવા ઈચ્છો છો તો
બુકે નહી બુક ભેટ આપી સ્વાગત કરો
તમારી ભેટ કરવાની રીત અત્યારે જ બદલી નાંખો

बुके नही बुक दो
अपने दोस्तोंको तोहफेमें बुक दो

તમારી સામે એકદમ મોંઘો બૂકે પડ્યો છે અને એની બિલકુલ લગોલગ એક પુસ્તક પડ્યું છે જેનું નાણાંકીય મુલ્ય એ બુકે કરતા સાવ સામાન્ય છે. તમને આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે તો તમે શું પસંદ કરશો ?

સાવ સામાન્ય લાગતો આ પ્રશ્ન છે પણ ઘણું બધું કહી દે છે આ પ્રશ્નના જવાબમાં કોઈ બુદ્ધિજીવી તમને સારું દેખાડવા કહેશે કે “ઓફકોર્સ હું બૂક જ પસંદ કરીશ” પણ કદાચ એવું બને કે એને એ બુક ગમતી જ ન હોય પણ સુંદર બૂકે છે એ ખૂબ ગમતો હોય એવું પણ બને. આ તો જસ્ટ વાત છે. બાકી દરેકને જેમ બોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે એવો જ અધિકાર પસંદગીનો પણ આપવામાં આવ્યો જ છે.
વાત એક ઉગતા લેખકનીછે જેણે પોતાના લખેલા પહેલા પુસ્તકના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ ગોઠવ્યો હતો. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિમંત્રણ આપેલું હતું. ડાયસ પણ એટલુંજ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. લગભગ ૩૦૦ જેટલા શ્રોતાઓ પણ ઉપસ્થિત હતા. મંચ પર બિરાજમાન મહેમાનોનું સ્વાગત મોંઘા એવા સુંદર બૂકેથી કરવામાં આવ્યું હતું લગભગ દસ મહેમાનો અને અન્ય થઈ કુલ ૧૪ જેટલા બૂકેથી સ્વાગત કરવામાં આવ્યું. બાકીના વધારાના એમ જ બાજુમાં મુકેલ ટેબલ પર પડયા હતા.

સ્વાગત પછી થોડી ઔપચરીકતા પૂરી કરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. મંચ પર એક પછી એક મહેમાનો પોતાની વાત રજુ કરતા હતા.. અને નીચે બેસેલો પ્રેક્ષક વર્ગ કંટાળો અનુભવતો હોવાથી મોબાઈલમાં વ્યસ્ત હતો.
ત્યાર પછી પુસ્તક વિષે નવાસવા લેખકે આંશિક પરિચય આપ્યો. એની વાત પરથી એવું લાગતું કે એક તકવાદી આભા ઉભી કરવા માટે અને કહેવાતા ભદ્રલોકની પ્રસંશા મેળવવા માટે જ એણે આ પુસ્તક વિમોચનનું તરકટ યોજ્યું હોય એવું લાગતું હતું.

જેટલો સમય સ્વાગતમાં ગયો એનાથી ખૂબ જ ઓછો સમય પુસ્તક પરિચય વગેરેમાં ગયો અને કાર્યક્રમ પૂરો થયો.

પણ પેલા મોંઘા બૂકેનું શું ? અરે મહેમાનો તો એને ત્યાં જ છોડી જતા રહ્યા. કેટલાક વિમોચન કરેલ પુસ્તક પણ ત્યાં જ છોડતા ગયા. લેખક અને પ્રેક્ષકો પણ જતા રહ્યા. રહી ગયા માત્ર પેલા બૂકે જેની ખરીદ કિમંત તે ઘડીએ જેટલી હતી તે એકદમ શૂન્ય થઈ ગઈ. ત્યાં જ હોલની સાફ સફાઈ કરનાર આવ્યો અને એણે એ બધા બુકે એક પ્લાસ્ટિકની કચરા પેટીમાં નાખી દીધા. લગભગ દસ હજારની કિમતના બૂકે ….!? આમ જ કચરા પેટીમાં ?

ત્યારે થયું એના કરતા મહેમાનોનું સ્વાગત બુકેને બદલે બૂક આપી કરવામાં આવ્યું હોત તો પણ એ પુસ્તકો કોઈને કોઈને કામ લાગત. પેલો સફાઈ કામદાર પણ એને કચરા પેટીમાં નાખવાને બદલે સાચવીને કોઈ જગ્યાએ તો મુકત જ. અથવા એ લેખકે એના જ પુસ્તકની બીજી કોપી છપાવી હોત કે પછી એ દસ હજારના પુસ્તકો ખરીદી કોઈ પુસ્તકાલયમાં આપ્યા હોત તો ?

કોઈ અન્ય વ્યક્તિ જો આવું કાર્ય કરે તો સમજ્યા કે એની સમજ શક્તિની બહાર હોય એમ બને પણ આ તો એક લેખક હતો ભલા એને તો એટલું કળવું જ જોઈએ કે શું કરી શકાય.

મિત્રો જીવન ભવ્ય છે તો પુસ્તક દિવ્ય છે. એ દિવ્ય પુસ્તક જયારે તમારા પાસે આવે છે ત્યારે કંઇક આપવા આવે છે એ સમજીને એનું સ્વાગત કરો. જો તમને કોઈ પુસ્તક ભેટમાં મળે તો એને ક્યારેય રઝળતું ન મૂકો. તમે નહી તો ઘરનું કોઈક તો એવું સભ્ય હશે જ જે એ પુસ્તક વાચી ધન્ય થશે. ખરેખર તો આવી ભેટ પામનારા ખૂબ નસીબદાર હોય છે જેમની પાસે માતા સરસ્વતી સામેથી મળવા આવે છે. અને આ પુસ્તક જયારે તમારા ઘરમાં સ્થાન પામે છે ત્યારે એ દેવી શારદાના મંદિરમાં જાણે પ્રતિમાની જેમ સ્થાપિત થઈ જતું હોય છે.

એક મિત્રને એના મિત્રએ સવાલ કર્યો કે એવું તે કયું વ્યક્તિત્વ છે જે તમને ક્યારે પજવતું નથી ?

એનો જવાબ હતો “પુસ્તક” અહી પુસ્તકને એક વ્યક્તિત્વ તરીકે સંબોધીને વિવેકનો અતિરેક ઉપયોગ કર્યો હોય તો માફ કરજો પણ એ નક્કી કે પુસ્તક ક્યારેય તમને પજવતું તો નથી જ ! ઉલટાનું તમે એનો યોગ્ય ઉપયોગ કરો તો લોકોની પજવણીથી દૂર એમાંથી મારગ મળી જાય છે!

તમને ખબર છે પુસ્તક મિત્ર સમાન કોઈ મિત્ર નથી એવું કેમ સૌ કહેતા હોય છે ? એની પાછળ પણ એક તથ્ય છે કે આપણી સાથે રમનારો , જમનારો તથા મસ્તી કરનારો મિત્ર કંઈ કાયમ તમારી સાથે રહે એવું ન પણ બને કારણ કે એની પણ પોતાની એક અંગત જિંદગી હોય છે પરિવાર હોય છે તથા એવા ઘણા બધા કાર્યો કે જેમાં એને તમારાથી દૂર રહી કરવા પડતા હોય છે. એ હમેશા તમારી સાથે જ રહે એવું ન પણ બને અને બને તો પણ કેટલીક એવી ક્ષણો હોય છે જયારે તમને પણ એકાંતની જરૂર પડતી હોય છે. પણ પુસ્તક તો કયારેય પણ તમારા એકાંતને ખલેલ પહોંચાડતું નથી અને ચુપચાપ તમે તમારી મરજી મુજબ એને જ્યાં મુકો ત્યાં પડ્યું રહે છે.

કદાચ એક દિવસ તમે તમારા એ મિત્રને ન મળો તો તે તમને ન મળવાનું કારણ પૂછી શકે છે , તમે કેમ ના મળવા ગયા એના વિષે તમને અનેકો સવાલ પણ પૂછી શકે છે, શક્ય હોય તો તે મિત્ર તમારાથી નારાજ થઈ અબોલા પણ પાળી શકે છે ! જયારે આ બાપડું પુસ્તક ! તમે એને વરસ સુધી શું વર્ષોના વર્ષ ન વાચો તો પણ તમને ફરિયાદ નથી કરે, મ્હેણાં નહી મારે, તમારું જાહેરમાં કોઈની સામે અપમાન પણ નહી કરે !!

અહી આપણે આપણા હકીકતના મિત્ર અને પુસ્તક મિત્રની કોઈ તુલના કરતા જ નથી અને એ કરવી પણ જરૂરી લાગતી નથી કારણ બંને આપણા માટે એટલા જ મહતવનાં છે એ બંને મિત્રોનું આપણા જીવનમાં અનેરું સ્થાન છે અને તેથી એ બંને મિત્રનો સાથ સૌ કોઈને મળતો રહે એવી જ મહેચ્છા આપણે રાખી શકીએ. આ બંને મિત્રની વાત જ સાવ અનોખી હોય છે.

આ તો જસ્ટ વાત છે કોઈ લાંબા પ્રવાસે જવાનું થાય અનેતમારી સાથે તમારો મિત્ર પણ આપવાનો હોય કે તમારી સાથે તમારા પરિવારનું સદસ્ય આવવાનું હોય પણ એનું તમારી સાથે પ્રવાસમાં આવવાનું અચાનક રદ્દ થાય તો તમે થોડા નર્વસ થાવ એ સ્વાભાવિક છે પણ ત્યાં જ તમારી નજર તમે તમારી બેગમાં બિરાજમાન પુસ્તક મિત્ર પર પડે છે અને તમે તુરંત મૂડમાં આવી જાવ છો ..કે ચાલો એક મિત્ર તો છે સાથે જે મને સાથ આપવા મારી સાથે પ્રવાસ ખેડે છે.

ખરા અર્થમાં સવાર સવારમાં સ્ફૂર્તિ માટે જેમ “ચા” કે “કોફી”ની અને ભોજન પછી મુખવાસની જરૂર હોય છે તેમ દિવસની શરુઆત , મધ્યમાં કે દિવસના અંતે આપણા મસ્તિસ્કને સારા વિચારો આપવા માટે વાચનની જરૂર તો નહી કહી શકાય પણ વાચનની ટેવ કેળવવી જરૂરી બની જાય છે. મેં ઘણા બધા એવા વડીલોને જોયા છે જેઓ પુસ્તક માત્ર ઊંઘ સારી આવે એ માટે લઇ જતા હોય છે …તેઓનું કહેવું એવું હોય છે કે રાતના ઊંઘ ના આવે ત્યારે થોડીવાર આડા પડ્યા પડ્યા પુસ્તક વાચો તો થોડી જ વારમાં ઊંઘ આવી જાય છે !!! લે બોલો !!! જે કામ સ્લીપિંગ પિલ્સ ના કરી શકે એ કામ “પુસ્તક” કરી બતાવે છે અને એ પણ કોઈ આડ અસર વિના !!! તો પછી તો આ “પુસ્તક” દવા તરીકે પણ કામ આપે છે એવું પ્રતિત થાય છે !!!
તમને પુસ્તકના મહાત્મ્ય વિષે બીજી એક ખાસ વાત જણાવવી રહી કે પુસ્તક તમને સારા નરસા વ્યક્તિની ઓળખ કરવી આપવામાં પણ સહકાર પૂરો પાડે છે.

પુસ્તક એ લેખકની મનની વાત શબ્દો સ્વરૂપે પ્રસ્તુત કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. એક લેખક જે સ્વય પણ એક મનુષ્ય છે એની ખરી છબી પ્રસ્તુત કરે છે. એના વિચારો કેવા છે ? એ બંધુ જ લેખક એના વિચારો સાથે પુસ્તકમાં પ્રગટ કરે છે અને મનુષ્યને એને ગમતા વિચારો એ પુસ્તકમાંથી તારવે છે પોતાના અનુભવો સાથ એ પણ સરખાવે છે. ક્યારેક એને એ પુસ્તકમાં લખેલા વિચારો ખુદના જીવન સાથે સુસંગત છે એવી અનુભૂતિ પણ થતી જ હોય છે અને એ અનુભૂતિ એનામા એક રોમાંચ, એક પ્રકારની સાંત્વના આપનાર પણ બની શકે છે.

આજ તો પુસ્તકની ખરી ઓળખ છે જે આપણને આપણી સાથે ઓળખ કરાવનાર બને છે.

પુસ્તકનું કામ ચાણક્ય જેવું છે જે રાજા બનવાની બધી જ ખૂબીઓ ધરાવે છે છતાં પણ એ રાજા બનતો નથી પણ એનામાંઅન્યને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા જરૂર છે .

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી નાની પણ સમજવા જેવી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી