કલઈનો મહિમા : કલઈ કળા કલઈ એક કથા, આજની પેઢી તો અજાણ જ હશે આ કળાથી…

‘કલઈ’નો મહિમા : ‘કલઈ’ કળા ‘કલઈ’ એક કથા

ધમણ લઈને કલઈ કરવા નીકળેલા વ્યક્તિને જોઈ જૂની યાદો તાજી થઈ ગઈ એ વ્યક્તિ સેલ્ફ માર્કેટિંગ કરી બોલી રહ્યો હતો પિત્તળના વાસણોને કલઈ કરાવી હોય….એવું બોલતો ફેરિયો સોસાયટીમાં દેખાયો ત્યારે એને જોતા જ બાળપણમાં જોયેલું જે થોડું ઘણું યાદ હતું એ જાણે એકદમ તાજું તાજું થઈ ગયું. ઘરમાં ત્યારે મોટા ભાગે પિત્તળના જ વાસણો જોવા મળે. સ્ટીલના વાસણોનું ચલણ ત્યારે ખૂબ જ ઓછુ હતું. એ એટલા મોંઘા પણ મળતા આથી એ મોટેભાગે શ્રીમંતોના ઘરની શોભા બની રહેતા. તપેલી,થાળી વાડકા, ગ્લાસ, ચમચો વગેરે બધું જ પિત્તળનું.પાણી ભરવાની ગોળી અને ડોયો પણ પિત્તળનો. પહેલા આવા કલઈ કરવાવાળા અઠવાડિયામાં બે ત્રણ વાર જોવા મળતા હતા જે હવે વર્ષે માંડ એકાદ વખત જોવા મળતા હોય છે

એ કલઈવાળા સાથે તે દિવસે તો મનભરીને વાતો કરી. હવે માંડ દેખાતા આવા કલઈ કરનારાને જો નવી પેઢી જુએ તો કહે“ખોટ્ટી મહેનત શું કામ કરવાની ? સ્ટીલના વાસણ ક્યાં નથી મળતા તો આ પિત્તળના વાસણો ખરીદવા ! જ્યારથી સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો ઉપયોગ દરેક ઘરમાં વધી ગયો ત્યારથી ગલી મહોલ્લામાં આવતા કલઈ કરનારા દેખાતા ઓછા થયા અને ધીમે ધીરે લગભગ તો બંધ જ થઈ ગયા છે એવું માની શકાય . કારણ કોણ બધી આ ઝંઝટમાં પડે. પિત્તળનાં વાસણોનો ઉપયોગ પણ ધીમે ધીમે સાવ જ ઓછો થઈ ગયો છે અને રહી કાસાના વાસણની વાત તો એ હવે કોઈને ભેટ આપવા માટે જ ઉપયોગમાં લેવાતા હોય છે.

કલઈને ટીન પણ કહેવામાં આવે છે. એમ પણ થતું કે આ બધા પિત્તળનાં વાસણનોને કલઈ કેમ કરતા હશે ? ત્યારે મમ્મીએ જણાવ્યું હતું કે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો હોય તો અવારનવાર તેમના પર કલઈ કરાવતાં રહેવું પડે છે જેનાથી પિત્તળનાં વાસણોમાં ખાદ્ય ચીજ લાંબા સમય સારી રહે છે જો એને કલઈ ન કરાવીએ તો એ ખાદ્ય ચીજ વસ્તુઓ જો સહેજ પણ ખટાશવાળી હશે, તો કટાઈ જશે. પછી તે ચીજ ખાવામાં વાપરવામાં આવે તો તબિયત બગડે. માટે એને કલઈ જરૂરી થઈ જાય છે.

આ પિત્તળના વાસણો મમ્મી મોટે ભાગે ચુલાની રાખોડીથી જ સાફ કરે ત્યારે ત્યારે જે વાસણ માંજવાના વિવિધ લીક્વીડ અને સાબુ મળે છે તે નહોતા. ત્યારે તો એક જ રામબાણ ઈલાજ રાખોડી. એ બધા વાસણો માંજ્યા પછી એને કોરા કપડાથી લુછીને મમ્મી જયારે શ્રેણીબદ્ધ હરોળમાં ગોઠવતી ત્યારે એ વાસણો પણ એટલા જ સુંદર દેખાતા.

ત્યારે વાસણોને સમયાન્તરે કલઈ કરવાનો રીવાજ હતો. એકાદ બે મહીને કલઈ કરનારો ફેરિયો ફળીયામાં આવતો. એટલે ફળિયાની બેનો એને બોલાવતી અને પછી ભેગામળીને ભાવતાલ નક્કી કરતા. એકસાથે ચાર પાંચ ઘરના વાસણો કલઈ કરવાના હોવાથી થોડા ઓછા ભાવમાં પણ એ માની જતો. પછી એ કોઈ ખૂણો શોધી કલઈ કરવાનું યંત્ર ગોઠવતો. આ બધી જ પ્રકિયા અમે ટાબરિયાઓ જોતા. ત્યારે એ અમારા માટે મનોરંજન જ કહેવાતું. પિત્તળની તપેલી ગરમ કરી જયારે કલઈના તારથી એ તપેલીનાં અંદરના ભાવમાં ફેરવતો પછી કપડાથી આખાભાગમાં ઘસતો. કાળી તપેલી ચમકવા લાગતી. અમને એ જોઈ આનંદ આવતો. કંઇક નવું જોયાનું કુતુહલ પણ થતું. કે કેવું એક તાર ગરમ તપેલી પર ઘસવાથી અને કપડું ફેરવવાથી કાળી તપેલી ચમકવા લાગતી.

આ તો થઈ ‘કલઈ’ ની વ્યવહારુ વાતો પણ આ જ કલઈ શબ્દને અલગ અલગ અંદાજમાં રજુ કરો તો તેના ઘણા બધા અર્થ આજના સંજોગોમાં નીકળે છે.

‘કલઈ’ ફક્ત ત્રણ અક્ષરનો આ શબ્દ આમ જોવા જાવ તો સાવ સામાન્ય જ લાગે પણ એનો જો કોઈ વાક્ય રચનામાં ઉપયોગ કરવામાં આવે તો એ એની ચળકાટ તમને આંજી નાખવા માટે સમર્થ છે એ નક્કી.ધારદાર સાબિત થતો હોય છે.

“રમું પહેલા પહેલા એકદમ પરફેક્ટ દાખલા ગણી લાવતો અને વર્ગમાં એનો ઉકેલ પણ પૂછતાની સાથે જણાવી દેતો. છેલ્લા બે ત્રણ મહિનાથી એ ખોટા જવાબો વધારે આપતો થઈ ગયો હતો અને અનિયમિત પણ થઈ ગયો હતો આથી માસ્તરે એને ઠપકો આપતા કહ્યું “રમું આજકાલ તારી બુદ્ધિને કાટ લાગી ગયો લાગે છે. એ કાટ દૂર કરી તારા મગજની કલઈ કરવાનો સમય આવી ગયો છે. તું એક કામ કર નિશાળ છુટે પછી સીધો મારે ઘરે આવજે તારા મગજની કલઈ કરવી જ પડશે”
જેઠાલાલના મહોલ્લામાં એક ફેરિયો આવ્યો. ઘરે એની પત્ની હતી. ફેરીયા જોયું કે ઘરમાં એ એકલી જ છે. પહેલા એણે એની પાસે પાણી માગ્યું પછી કહે હું ગમે એવા કાળા પડી ગયેલ દાગીનાને એકદમ ચળકતા કરી આપું છુ . તમારી પાસે કોઈ દાગીના હોય તો આપો એકદમ મસ્ત પોલીશ(કલઈ) કરી આપીશ. ભોલી જેઠીબા તો ખુશ ખુશ થઈ ગઈ. એકપછી એક સોના ચાંદીના દાગીના કાઢી આપી દીધા. થોડી જ વારમાં એણે સાફ કરી જેઠીબાને પાછા આપી પોલીશ કરવાની મજૂરી લઈ જતો રહ્યો.સાંજે જેઠાલાલ પરત આવતા જ જેઠીબાએ ખુશ થતા થતા એ દાગીના બતાવ્યા અને કહે “ફક્ત પચાસ રૂપિયામાં ૧૨ દાગીનાને પોલીશ કરાવી બોલો. જુઓ કેવા જોરદાર ચળકે છે !” દાગીના હાથમાં પકડતા જ જેઠાલાલના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. અરે ગાંડી પચાસ રૂપિયામાં એ આપણી કલઈ કરી ગયો …! એટલે કે છેતરી ગયો.
જેમ પિત્તળનાં વાસણોને જો લાંબો સમય સુધી અંદરની બાજુએ કલઈ ન કરાવો તો એમાંની ખાદ્ય ચીજો બગડી જાય છે. પિત્તળની એક પ્રકારની ખટાશ એ ચીજ વસ્તુને બગાડી નાખે છે જેને આરોગવાથી બીમાર પડવાના ચાન્સ વધી જાય છે. બસ એવું જ કેટલાક સંબંધોમાં પણ જોવા છે. જો એની સમયસર કાળજી ન લેવામાં આવે તો એના પર પણ વહેમ, અવિશ્વાસ અને આશંકાનો કાટ લાગી જાય છે જેના કારણે સંબંધોમાં ખટાશ આવી જાય છે અને એ ખટાશ સંબંધોને બીમાર કરવામાં કશું બાકી નથી રાખતી. આથી સમયાંતરે સંબંધોને કલઈથી ચમકાવતા રહો.
કલઈ આમ તો ધોળી અને ઝટ ઓગળી જાય એવી એક હલકી ધાતુ;પણ કામ કેવું ઉત્તમ કરે છે. જે માત્ર વાસણો જ નથી ચ્મ્કાવતું પણ એ કલઈ શબ્ધનો યોગ્ય મર્મ સમજો અને જીવનને સમય સમય પર નિયમિત કલઈ કરતા રહો તો જીવન ચમકી ઉઠશે. જીવનને ચમકતું રાખવાની એ કલઈ તમને કોઈ પણ રૂપમાં મળે એવું બને બસ એને ઓળખતા આવડે અને ઉપયોગ કરતા આવડે તો જીવન સુધરી જાય. પણ જો એને નકારાત્મક રીતે કોઈને છેતરવા માટે, કાનાફૂસી માટે કે શંકા ઉત્પન્ન કરવા માટે વાપરો તો એ જીવનમાં ચળકાટ નહી પણ કકળાટ જ કકળાટ પેસી જાય એવું બને.
આ તો થયા જુના સંસ્મરણો. આધુનિક યુગની હવામાં એ ક્યાં લુપ્ત થઈ જશે તે કહેવાય નહી. પણ એ વીતી ગયેલા યુગના સંસ્મરણો તમને પણ આ લેખ વાંચતા થાય તો નક્કી લખજો.

બાય ધી વે તમને કોઈ એવું કહે કે બુદ્ધિ કાટ ખાઈ જાય એ પહેલા એને કલઈ કરાવી લે તો એ વાતને હકારાત્મક લેજો અને મુખ પર સુંદર સ્મિતની કલઈ કરવાનું ચુકતા નહી.

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક વાતો અને માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી