ઍક નાનકડી વાત

છેલ્લા એક-બે વર્ષ માં આપડો દેશ બહુ બદલાય ગયો છે એ વાત તો માનવી જ પડે. બાળપણ તો સાવ અજાણ્યું થઈ ગયુ છે અને શહેરોમાં રહેતાં લોકો નું જીવન તો કાલ્પનિક વાર્તા જેવું લાગે છે આજકાલ મને. પ્રદુષણ, ઘોંઘાટ, ભાગદોડ અને બદલાતા સંબંધ ની વચ્ચે જીવવા માટે લોકો એ એક નવો રસ્તો પકડ્યો છે, અને એ છે ટેકનોલોજી. આ બધાં ની વચ્ચે જો ક્યાંક ભૂલે ચુકે કાંઈક જૂનું દેખાય જાય તો મુખામૃત માંથી અપશબ્દો સરી પડે.

બે દિવસ પેલા હું સુરત આવ્યો, રાજકોટ થી સુરત આવવું એટલે તો એક દેશ બદલવા જેવી વાત. ગીચ વસ્તી અને અહીંની ભાષા નો લહેકોં, બાબા રે બાબા. અહી મારા સબંધી ફ્લેટ માં ત્રીજા માળ પર રહે. આજે સવારે બાલ્કની માં ઉભા ઉભા મે જોયું કે નીચે છોકરાવ ક્રિકેટ રમતા હતાં, મારે પણ કાંઇ કામ ન હતુ એટલે નીચે ગયો. થોડી વાર ત્યાં બેઠો અને બધુ નિહાળ્યું. પછી એક છોકરો મારી પાસે આવી ને બેઠો એટલે વાતચીત થઈ. મે એને સીધું એમ જ કીધું કે ભાઈ તમને આવી રીતે ક્રિકેટ રમતા જોય ને મને આંનદ થયો, તો એની હંસી છુટી ગઇ. ચાલુ ઇંનીન્ગ પુરી થઈ એટલે મને રમવા બોલાવ્યો, મને તો ક્રિકેટ રમવા નો જબરો શોખ એટલે રમવા લાગ્યો. જે જગ્યા એ અમે રમતા હતા એ જગ્યા પણ બહુ સરસ. ફોટો માં જે જગ્યા છે એ જ, પાંચ રસ્તા ભેગા થાય, અને વચ્ચે બધાં રમે. ટી ટી પો પો નો અવાજ આવ્યાં રાખે અને ચાલતા ચાલતા પણ ઘણાં લોકો નીકળે. પણ આ બધાં છોકરા ટેવાઈ ગયેલાં અને મને તો બેટિંગ કરતા પણ બીક લાગે, કદાચ કોઈ ને બોલ વાગી જાય તો !

એક ઇંનીન્ગ પુરી થયાં પછી મે વાત શરૂ કરી અને બધાં ને એક સાથે પુછ્યું કે તમને અહિયાં રમવાનું કેમ ફાવે? વાહન સાથે ટકરવા ની બીક ના લાગે? તો એક ટાબરીયો બોલ્યો કે કાકા અમે તો વેકેશન માં આમ જ રમીએ. વળી મે પુછ્યું કે અહિયાં ક્યાંય મેદાન નથી? તો એ બોલ્યો કે આ સુરત છે કાકા. મારી અંદર પણ ઘણાં પ્રશ્નો નું આગમન થવા લાગ્યું અને હું પૂછતો ગયો. પછી મે એક ટેકનોલોજી નો સવાલ પૂછયો તો બધાં મને તાકી રહ્યાં અને એક ચશ્માવાળો છોકરો બોલ્યો કે અમે બધાં મિત્રો એ એકબીજા ને એક પ્રોમિસ કર્યું છે, વેકેશન માં ફક્ત ક્રિકેટ રમવાનું. મે તરત પુછ્યું કે કેમ વેંકેશમ માં જ ? તો એ બોલ્યો કે જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે મમ્મી રમવા ના આવવા દે. લખવા વાંચવા બેસાડે અને સમય પણ ના મળે. સ્કૂલ, ટ્યૂશન, હોબી સેન્ટર, હોમ વર્ક અને એમા જો થોડોક સમય મલે તો પછી હુ ફોન માં ગેમ રમું અથવા ટીવી જોવ. આ જવાબ પછી મારા બધાં સવાલ અંદર જ દબાય ગયાં. અને મન માં એકસાથે કેટલાય જવાબો ટકરાવા લાગ્યા.

આપણે બધાં જાણીએ જ છીયે કે આજકાલ આ વાત જરાય નવી નથી, લગભગ બધાં શહેરો માં આવુ જ છે. પરંતું મારા મન નાં તાર રણકી ગયા અને થયુ કે જો તો ખરાં આજ નું જીવન. માણસ ક્યાં થી ક્યાં પહોચી ગયો છે. જીવન ની સુખ સુવિધા તો વધી ગઇ છે પણ જીવન જ ગાયબ. આ દેશ ની વસ્તી તો વધી ગઈ પણ માણસાઈ ગાયબ. ખોટે ખોટી જરૂરિયાત સંતોષાઇ ગઇ પણ સાચા સંબંધો ગાયબ. શહેરો તો મોટા થઈ ગયા પણ એમા બાળપણ થઈ ગયું છે સાવ ગાયબ.

ખરેખર યારો, મને જરાક સમજાવો કે આપણું જીવન સુધરી રહ્યુ છે કે એક અજાણ્યો અંત આવી રહ્યો છે ?

લેખક – પ્રતિક જાની

ટીપ્પણી