નમસ્કાર છે આ ફાઇટરને – ઓલમ્પિકમાં ગોલ્ડ જીતનાર મુરલીકાંત પેટકરની સંધર્ષગાથા – ફિલ્મ પણ આવશે

ઓલમ્પિક ગેમ્સના ઇતિહાસમાં, પેરાઓલમ્પિક્સ રમતવીર મુરલીકાન્ત પેટકરનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું છે.

૧૯૭૨માં પેટકરે પેરાઓલમ્પિક્સમાં મેડલ જીત્યું એટલું જ નહિ તેમના પહેલાં કોઈ પણ ખેલાડીએ સામાન્ય ઓલમ્પિક્સમાં પણ ભારત માટે કોઈ પદક જીત્યું નહોતું.

મુરલીકાન્ત પુના શહેરના બહારના ભાગમાં એક ત્રણ માળના મકાનમાં, પહેલે મળે પોતાના કુટુંબ સાથે રહે છે.

તેઓ કહે છે, ” જર્મનીનું તે સ્વિમિંગ સ્ટેડિયમ ઠાંસોઠાંસ ભરેલું હતું અને મેં ચારમાંથી ત્રણ વખત જીત મેળવી હતી. લોકો મને પ્રોત્સાહિત કરી રહયાં હતાં. મને ખબર હતી કે હું ઇતિહાસ રચી શકું તેમ છું. હું ભારત માટે પ્રથમ સુવર્ણપદક લાવી શકું તેમ છું.”

૮૪ વર્ષીય મુરલીકાન્ત ભારત-પાકિસ્તાનની વચ્ચે, ૧૯૬૫માં થયેલાં યુદ્ધ દરમિયાન ખરાબ રીતે ઘવાયા હતા.

તેઓ ઉમેરે છે, “અમે સિયાલકોટમાં હતાં અને હું લાઈટ ઇન્ફેન્ટ્રીનો ભાગ હતો. અમે બંકરોમાં બેઠાં હતાં ત્યાં જ અચાનક બહારથી સાયરનનો અવાજ આવ્યો.અમારામાંના ઘણાંને લાગ્યું કે આ તો રોજિંદો ચા માટેનો અવાજ છે. અને મારા સાથીદારો બહાર ચાલ્યા ગયા. પણ તે તો પાકિસ્તાની વાયુ સેનાનો હુમલો હતો.”

તેઓ કહે છે, “ચારે બાજુ ગોળીબાર ચાલી રહ્યો હતો. અમારા પર કોઈ પણ જાતની ચેતવણી વગર જ હુમલો કરાયો હતો. હું અને બાકીના ૩-૪ હવાલદાર બહાર ભાગ્યા અને ૪૫ મિનીટ સુધી લડ્યા બાદ મારે સ્થાન બદલવું જરૂરી બન્યું.”

તેઓ એકીશ્વાસે કહે છે, “હું જેવો ગુફાની પાછળથી નીકળ્યો કે એક લડાઈ કરી રહેલા વિમાને, મારા માથાં ઉપરથી પસાર થતાં ગોળીઓનો વરસાદ કર્યો. પગથી લઈને માથાં સુધી મને ૭ ગોળીઓ વાગી અને હું પહાડની નીચે આવેલી એક સડક પર ફેંકાયો જ્યાં ભારતીય સેનાનાં કેટલાય વાહનો અવરજવર કરી રહયાં હતાં. હું બરાબર એક આર્મર ટ્રકની સામે પડ્યો અને એ ટ્રક મને કચડતી થોડા અંતરે જઈને અટકી. હું બેહોશ થઇ ગયો.”

૧૭ મહિનાઓ સુધી કોમામાં રહ્યા બાદ, દિલ્લીની રક્ષા હોસ્પિટલમાં મુરલીકાન્ત ભાનમાં આવ્યા અને એમને ખબર પડી કે પડખામાં ગોળી વાગવાથી તેમની કમરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત બની ગયો હતો.

એમને જણાવવામાં આવ્યું કે થોડો સમય લાગશે, કદાચ તેઓ ચાલી પણ શકે. પણ તેમને લાગેલી ગોળીઓમાંની એક હજુ પણ હાડકાંમાં મોજુદ હતી જેને ક્યારેય કાઢી શકાય તેમ નહોતી.

મુરલીકાન્તને ફિઝિઓથેરેપી માટે મુંબઈની રક્ષા હોસ્પિટલ, આઈ.એમ.એસ. અશ્વિનીમાં મોકલી અપાયા. જ્યાં તેઓ તરવાની તાલીમ લેવા માંડ્યા. તેઓ કહે છે, ” રક્ષા અર્થે શીખેલી બોક્સિંગ માટે મેં આંતર રાષ્ટ્રીય કક્ષાએ કેટલીય સ્પર્ધાઓ જીતી હતી. હું તો બોક્સિંગ માટે જ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગતો હતો. પણ વિધાતાને કૈક જુદું જ મંજૂર હતું.

તેઓ કહે છે, ” અમને મોકલવા માટે રક્ષા અધિકારો અને એક-બે મંત્રીઓ સિવાય કોઈ પણ ખુશ નહોતું. ઉપરથી મહેણાંઓ મારતાં હતા કે ચાલો, આમને પણ એક તક આપી દો. ”

પણ જર્મનીમાં યોજાયેલ પેરાઓલમ્પિક ગેમ્સમાં મુરલીકાન્તે ઇતિહાસ રચ્યો. એમણે ભારત માટે સુવર્ણ પદક તો જીત્યું જ, પણ સહુથી ઓછા સમયમાં ૫૦ મીટરની તરવાની સ્પર્ધા જીતીને પેરાઓલમ્પિક્સમાં વિશ્વ રેકોર્ડ સર્જ્યો.

 

મુરલીકાન્ત કહે છે, ” એ વખતે તરવાના કુંડમાં મને માત્ર એટલો જ ખ્યાલ હતો કે હું જીતી ગયો હતો. પણ બહાર નીકળ્યા પછી મને ખબર પડી કે મેં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ”

ભારત માટે આ બહુ મોટી ઉપલબ્ધિ હતી અને મુરલીકાન્તને પણ ભારત સરકાર તરફથી કેટલાય પુરસ્કાર મળ્યા. ભારતની ટાટા કંપનીએ તેમને નોકરી આપી. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘ મહારાષ્ટ્ર ભૂષણ’ નો ઈલ્કાબ આપી નવાજ્યા. ભારતીય સુરક્ષા દળ તરફથી તેમને ઇલાજનો ખર્ચ તેમજ મુસાફરી ખર્ચ આપવામાં આવે છે.

જો કે તેમને એક વાતનો રંજ પણ છે, ” ભારત સરકારે મને ક્યારેય રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર કે અર્જુન એવોર્ડ કે પદ્મશ્રીને લાયક ન ગણ્યો. ”

તેઓ ઘણાં બધા કાગળો બતાવીને કહે છે, ” મેં કેટલીયે સરકારી ઓફિસને કાગળ લખી મોકલ્યા, પણ મારી અરજીને કોઈએ ધ્યાનમાં ન લીધી. મેં ભારત માટે પહેલું સુવર્ણ પદક જીત્યું હતું, પણ લોકો પેરાઓલમ્પિકને ભૂલી જાય છે. તેઓ મને પણ ભૂલી ગયા. ”

અભિનેતામાંથી નિર્માતા બનેલા સુશાંત સિંહ રાજપૂત, મુરલીકાન્ત પેટકાર ઉપર આધારિત એક ફિલ્મ બનાવી રહ્યા છે. એ માટે મુરલીકાન્તનું કહેવું માત્ર એટલું છે કે, ” ફિલ્મના માધ્યમથી જ ભલે, લોકોને યાદ તો આવશે કે એક પેટકાર હતો જેણે પોતાના દેશનું નામ રોશન કર્યું હતું. એ વાત અમર થઇ જશે. ”

અનુવાદ : રૂપલ વસાવડા

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી