હું ભૂલી જ ગયેલો! Must Read For Every Couple !!

‘આજે તમને આવતા મોડું થશે?’ તેણે પૂછ્યું અને પારવ જાણે ઊકળી ઉઠ્યો, ‘રોજ શું આ એકનો એક સવાલ! અને એ પણ હું બહાર નીકળી રહ્યો હોય ત્યારે જ, મોડું થવાનું હોય તો હું ફોન કરી દઉં છું ને તને?’ પારવનો ગુસ્સો જોઈ જાણે તે સહેમી ગઈ. તેને ખબર હતી કે હવે આગળ કશું જ બોલવામાં મજા નથી. તે ફટાફટ રસોડા તરફ દોડી અને પારવનો લંચબોક્સ લઈ આવી પરંતુ, તે રસોડાથી ડબ્બો લઈ પાછી આવે ત્યાં સુધીમાં તો પારવ કારમાં પણ બેસી ગયો હતો. તેને સમજાતું નહોતું કે આજે પારવને આટલી ઉતાવળ કેમ છે, અને તેમાં વળી ગુસ્સો પણ. નક્કી આજે પારવને કંઈક તો થયું છે. ‘અરે આ ડબ્બો તો લેતા જાઓ…’ તેણે બૂમ પાડી.

પારવે કાર ગેટની બહાર પણ લઈ લીધી હતી પરંતુ તેની બૂમ સાંભળી તે રોકાઈ ગયો. જોકે તેના મોઢાના હાવ-ભાવ પરથી કળી શકાતું હતું કે, ડબ્બો લઈ જવા માટે તેણે ઊભા રહેવું પડ્યું તે જરાય નહોતું ગમ્યું. પારવે, લંચબોક્સ તો લઈ લીધો પણ જતી વખતે ન બાય કહ્યું, ન ફ્લાઈંગ કીસ આપી અને આજે રોજની જેમ ‘ચાલ જઈ આવું છું’ પણ નહીં કહ્યું.

પારવ ગયો, રોજના સમયે જ, પરંતુ રોજની જેમ સમયસર આવી રહેશે કે નહીં તે અંગે કંઈ જ કહીને નહીં ગયો તેથી તે વધારે બેચેન થઈ રહી હતી. ‘આટલા બધા ગુસ્સે થતાં મેં તેને ક્યારેય નથી જોયા, આજે નક્કી કંઈક તો થયું જ હતું. અરે પણ સાચે જ જો કંઈક થયું હોય તો એકવાર મને કહેવાય તો ખરું ને, આમ સાવ કનડે તેવો વ્યવહાર કરવાનો? હું સવારથી જાગીને આટઆટલી દોડધામ કરીને તમારે માટે ડબ્બો બનાવું છું, નાશ્તો બનાવું છું અને તમે જતી વખતે જ આમ આટલો બધો ગુસ્સો કરો અને કંઈ કહો પણ નહીં તો મને દુઃખ નહીં થાય? મને રડું નહીં આવે?’ ડાયરીના પાનાઓમાં પોતાની લાગણી ઠાલવી રહેલી આરુષીને આ છેલ્લું વાક્ય લખતાં રડું આવી ગયું.

પારવનો ગુસ્સો કે અકળામણ જે પણ હતું એ ઓફિસે પહોંચી જવા છતાં પણ હજી ઓછું નહોતું થયું. પોતાની ચેમ્બરમાં જઈને તેણે સૌથી પહેલાં ડ્રોઅરમાંથી લેટરહેડ કાઢ્યું અને પેન ઊઠાવી તેમાં કંઈક ચીતરામણ કરવા માંડ્યો. ‘બિલ્વા આપણને છોડીને ગઈ ત્યારે તું માત્ર અગ્યાર વર્ષની હતી. રસોઈ બનાવવાનું મને ફાવે નહીં પણ તેં બાઈએ બનાવેલું ખાવાનું ખાવાની સદંતર ના કહી દીધી અને જીદ્દ પડકી હતી કે, તમે જ મારું ખાવાનું બનાવો, તમે જ મારું ખાવાનું બનાવો.

તને તો આ બધી વાત યાદ ક્યાંથી હોય પણ તને ખબર છે? તારી એ જીદ્દ જોઈને મારી આંખો ભરાઈ આવી હતી. હું થોડો રડ્યો પણ હતો પરંતુ ત્યારબાદ તારે માટે રોટલી બનાવવાનો પ્રયત્ન કરવાની મને ખૂબ મજા પડી હતી. માત્ર બે જ રોટલી વણવામાં મને કેટલી મહેનત પડી હતી તને ખબર છે? અને તેં તો તરત કહી દીધું, આ કયા દેશનો નક્શો બનાવ્યો છે? તમને એક રોટલી વણતા પણ નથી આવડતું? ના ના તેં ગુસ્સો નહોતો કર્યો, પણ મારી મજાક ઉડાવી હતી. સાચું કહું છું હં, મને પણ તારી એ મજાકથી ગુસ્સો નહોતો આવ્યો.

બાર્બી ડોલ જેવા ગુલાબી બૂટની એક જોડ લેવા માટે તેં મને ગાંડાની જેમ આખાય શહેરના બધાં મોલ્સમાં ભટકાવ્યો હતો. તારા માપના બૂટ નહીં મળ્યા તો આખરે તેં જીદ્દ પૂરી કરવા માટે તારા પગની સાઈઝ કરતાં એક સાઈઝ મોટા બૂટ ખરીદી લીધા હતાં. પણ છતાં મને ગુસ્સો નહોતો આવ્યો. તારી પંદરમી વર્ષગાંઠ હતી અને તે જ વર્ષે મારી નોકરી છૂટી ગયેલી, બિલ્વાની બિમારીમાં મારી બધી બચત ખર્ચાઈ ગયેલી અને ઘરમાં અઠવાડિયું ચાલે એટલું પણ અનાજ નહોતું છતાં તે બર્થ ડે સેલિબ્રેટ કરવાની જીદ્દ પકડી.

આપણે તે દિવસે પણ પીત્ઝાહટમાં નહોતા ગયાં? પણ સાચું કહું? તે સમયે પણ મને જરાય ગુસ્સો નહોતો આવ્યો. બસ તારા બાળપણની એ છેલ્લી વર્ષગાંઠ, ત્યારપછી તો તું જાણે અચાનક જ મોટી થઈ ગઈ. ફટાફટ રસોઈ શીખી લેવાની તેં મનોમન જીદ્દ પકડી, રોજે રોજ નોકરી માટે નવા નવા ઈન્ટરવ્યુ માટે હું ભટકતો રહેતો અને સાંજે ઘરે આવું ત્યારે તેં ક્યારેક મીંઠું વધારે હોય તેવી તો ક્યારેક મણનું મરચું નાખ્યું હોય તેવી રસોઈ બનાવી હોય છતાં હું ગુસ્સે નહોતો જ થયો ને? અને પછી તો તું એટલી મોટી થઈ ગઈ કે આપણું આખુંય ઘર તેં એકલી એ જ સંભાળી લીધું, નોકરી વિનાના છ મહિના કરકસરમાં કાઢ્યા બાદ મારી નવી નવી નોકરી, અને કંજૂસાઈમાં નહીં પણ કરકસરમાં કઈ રીતે જીવવું તે શીખી ગયેલી તું.

મારાથી તો તારા પર ખાસ ધ્યાન પણ નહોતું આપી શકાતું. તારું ભણવાનું, તારી પરિક્ષાઓ, મામા-માસીને ત્યાં કરવાના વ્યવહારોથી લઈને તારી ફી ભરવાની અને મારી બીપીની દવાઓ યાદ રાખીને, જબરદસ્તી કરીને મને લેવડાવવાની સુધ્ધા કાળજી તેં કઈ રીતે રાખી તે સાચે જ મને સમજાતું નથી. પણ છતાં મેં ગુસ્સો કર્યો? ના ક્યારેય નહીં. કેટલીયવાર કારણ વગર તું મને ખીજવાઈ છે, એક ઈન્ટરેસ્ટીંગ મેચ જોવા માટે અડધો જ કલાક મોડા સૂવાની પરવાનગી માગી હોય તો પણ તું ઘસીને ના કહી દે, છતાં હું ગુસ્સે નથી થયો. આપણે જૂહુ ગયા હોઈએ ત્યારે હું તને કેટલું વિનવું છું છતાં મને એકવાર પણ બરફગોળો ખાવા નહીં દે, મને ખબર છે તને કાલાખટ્ટા ગોળો ખૂબ ભાવે છે છતાં મારે લીધે તું પણ ખાતી નથી. સાચું કહે તે છતાં પણ મેં ગુસ્સો નથી જ કર્યો ને?

પણ આજે, આજે મારાથી ગુસ્સો થઈ ગયો, સૉરી આરુષી, મને માફ કરી દેજે બેટા, પણ હું શું કરું? કાલે રાત્રે ઓલો ત્રિપાઠી મને ફોન કરીને કહે, ‘અલ્યા પારવ, આપણી આરુષી માટે એક ખૂબ સારો મુરતિયો જડ્યો છે. છોકરો અને તેના ઘરવાળા બંનેમાં કંઈ જ જોવાપણું નથી. આપણી આરુષી, રાજરાણી જેમ લ્હેર કરશે!’ હું શું કરું દીકરા, હું ભૂલી જ ગયો હતો કે તું મને ગમે એટલી વ્હાલી હોય પણ એક દિવસ તો તું મને છોડીને જતી જ રહેવાની… તું જ કહે દીકરી, મારા આ ભૂલકણાં સ્વભાવ પર મને ગુસ્સો નહીં આવે?

લેખક : આશુતોષ દેસાઈ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી