મુંબઈમાં કોલેજના વિદ્યાર્થીઓએ ૨ દિવસમાં સાફ કર્યો મુંબઈનો સૌથી ગંધાતો બીચ – શેર કરવા જેવી વાત…

તન-મનને રિલેક્સ કરવા માટે બીચ થેરાપીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરિયાકિનારે પાણીમાં ડૂબકીઓ મારવાથી કે માત્ર દરિયાને જોતા બેસી રહેવાથી પણ માણસને ખુશીનો અને શાંતિનો અહેસાસ થતો હોય છે. પણ મુંબઈવાસીઓ માટે આ અનુભવ એટલો સુખદ નથી. કારણ કે મુંબઈના મોટાભાગના બીચ પ્લાસ્ટીક, ગંદકી અને માનવમળથી ખરડાયેલા છે. દરિયાકાંઠાની ગંદકી તેના મોજા સાથે દરિયામાં પણ ખેચાઈ જાય છે અને પરિણામે દરિયાના પાણીમાં અને પર્યાવરણમાં પણ ગંદકી ફેલાય છે. આ સ્થિતિથી ચિંતિત થયેલી વોટર કન્ઝર્વેશન કોમ્યુનિટી હવે દરિયા, નદીઓ, તળાવો, દરિયાકિનારા વગેરેને સાફ કરવાની દિશામાં કાર્ય કરી રહી છે.

ચિમ્બાઈ બીચ ક્લિનઅપ પ્રોજેક્ટ

ચિમ્બાઈ બીચ ક્લિનઅપ પ્રોજેક્ટ એ વોટર કન્ઝર્વેશન કોમ્યુનિટી સાથે મળીને કામ કરતા મુંબઈવાસીઓની ચળવળ છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના લોકોની મદદ લઈ જળાશયોની સફાઈ કરવામાં આવે છે અને આ રીતે લોકોને જળાશયો સાથે જોડાણ અનુભવાય તેવા પ્રયાસો કરવામા આવે છે. મુંબઈના બાન્દ્રા ખાતે આવેલો ચિમ્બાઈ બીચ સૌથી ગંધાતા અને પ્રદૂષિત થયેલા બીચોમાંનો એક છે.

આ બીચની સફાઈ કરવા માટે ડબલ્યુસીસીએ અનોખી પહેલ કરી હતી. જેમાં મુંબઈની કોલેજોને ત્યાંના દરિયાકિનારાને દત્તક લેવા ઈન્વાઈટ કરવામાં આવી હતી. કોલેજે જે બીચ દત્તક લીધો હોય તે બીચને કોલેજના વિદ્યાર્થીઓ વિકેન્ડની રજામાં સાફ કરે તેવી વ્યવસ્થા આ પ્રોગ્રામ હેઠળ ગોઠવવામાં આવી હતી. સ્વાભાવિક છે કે આવા કાર્યક્રમોમાં જોડાવવામાં સામાન્ય રીતે લોકોને રસ ન હોય. આ વાતને ધ્યાનમાં રાખીને કેટલીક રસપ્રદ ઈવેન્ટ જેમ કે દરિયા પર કવિતા કોમ્પિટીશન, પેઈન્ટીંગ, ફોટોગ્રાફી કોમ્પીટીશન વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 100 કરતા વધુ વિદ્યાર્થીઓએ આ પ્રકારની કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત આ બીચની ક્લિનઅપ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં 150 કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવી વિદ્યાર્થીઓને આવા સફાઈ અભિયાનમાં જોડાવા પ્રેરીત કર્યા

મુંબઈની સેન્ટ્ર એન્ડ્ર્યુ કોલેજના પ્રોફેસર ડો. ઓમકાર ભાટકર અર્થ વોલન્ટીયર ટ્રેનિંગ સાથે જોડાયેલા છે. અર્થ વોલન્ટીયર્સ એ પૃથ્વીની સુરક્ષા અને જાળવણી માટે કામ કરતા લોકોનું ગ્રુપ છે. શિવાની સચદેવ જોય ઓફ વોટરના લીડ એસોસિએટ છે. ડો. ઓમકાર અને શિવાની અલગ-અલગ કોલેજોમાં જઈ ત્યાંના વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃત કરવાનું કામ કરે છે. આ માટે તેઓ વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ અંગે ચર્ચા કરે છે, તેમને ઈન્સ્પીરેશનલ ડોક્યુમેન્ટ્રી દર્શાવે છે અને વિદ્યાર્થીઓને જળસંરક્ષણની ગ્લોબલ લેવલે કેટલી જરૃરીયાત છે તે અંગે માહિતગાર કરે છે. આ ડોક્યુમેન્ટ્રીઝ જોઈને વિદ્યાર્થીઓને પણ પર્યાવરણની જાળવણી માટે કંઈક કરીને રિયલ લાઈફ હિરો બનવાની પ્રેરણા મળે છે. સેન્ટ એન્ડ્ર્યુ કોલેજ આ પ્રકારની ટ્રેનિંગ શરૃ કરનારી મુંબઈની પ્રથમ કોલેજ છે.

વિદ્યાર્થીઓએ આ રીતે કરી બીચની સફાઈ

19 ફેબ્રુઆરી, 2017ની વહેલી સવારે સાત વાગ્યે આ સફાઈ ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તમામ વોલન્ટીયર્સને મોજા, માસ્ક, ઝાડુ વગેરે જેવા સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. તમામ વોલન્ટીયર્સે હાથેથી જ કચરો ઉપાડી ભેગો કરવાનો હતો. બે દિવસના સમયમાં હાથે મોજા અને મોઢે માસ્ક પહેરેલા વોલન્ટીયર્સે 600 કિલો જેટલો કચરો હાથથી ઉપાડીને સાફ કર્યો હતો. બોમ્બે મ્યુનિસિપાલિટીના કેટલાક વર્કરો પણ આ અભિયાનમાં જોડાયા હતા.

આ રીતે સફાઈ જાળવવામાં આવશે

એકવાર જોશમાં આવી સફાઈ કરી નાખવી સરળ હોય છે પણ એ સ્વચ્છતાની જાળવણી કરવી ખૂબ અઘરી છે. ચીમ્બાઈ બીચની સફાઈ જાળવી રાખવા માટે પણ કોલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાશે. આ અભિયાનમાં જોડાયેલી 12 કોલેજો બીચ પર સ્વચ્છતા જાળવી રાખવાની જવાબદારી ઉઠાવશે. આ ઉપરાંત મુંબઈની અન્ય 25 કોલેજો પણ આ મૂવમેન્ટમાં જોડાઈ ચૂકી છે.

મુંબઈના આ કોલેજ સ્ટુડન્ટ્સ ભારતની યુવાશક્તિનો સાચો પરચો આપ્યો છે. અને પ્રોફેસર ઓમકારે સાબિત કરીને દેખાડ્યું છે કે યંગ માઈન્ડ્સને સાચી પ્રેરણા આપીને તેમને અચૂકપણે રચનાત્મક કાર્ય તરફ વાળી શકાય છે.

સંકલન : લજ્જા જય

મિત્રો, કોમેન્ટ માં આપ સૌ Hats Off લખી આ જુવાનીયા ઓ ને પ્રેરણા આપજો…!!!!

ટીપ્પણી