અળવીનાં પાનના પાતરા તો બનાવતા જ હશો, આજે બનાવો મૂળ‍ાનાં ‘પાનના પાતરા’

મને અલગ અલગ રેસીપી બનાવવાનો અને ઇનોવેશન કરવાનો ખૂબ શોખ. મારી આજની જે રેસીપી છે તે મારુ પોતાનુ જ કરેલુ અોલ્ડ રેસીપીમાં ન્યુ ઇનોવેશન છે. તમે બધા અળવીનાં પાનના પાતરા તો બનાવતા જ હશો હે ને?
પણ ક્યારેય મૂળાનાં પાનના પાતરા વિશે વિચાર્યું છે? નહી ને પણ આજ આપણે મૂળ‍ાનાં પાનના પાતરા બનાવવાના છે.

સામગ્રી:

* મે અહીં એક વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે.

• ૪ મોટા મૂળાનાં પાન,
• ૪ ચમચી ચણાનો લોટ,
• અડધી ચમચી મીઠું,
• અડધી ચમચી લાલ મરચું,
• અડધી ચમચી ગરમ મસાલો,
• અડધી ચમચી ખાંડ,
• પા ચમચી હળદર,
• અડધી ચમચી લીંબુનો રસ,
• ઝીણી સમારેલી કોથમીર થોડીક,
• વઘાર માટે તેલ,
• રાઇ.

રીત:

૧ મૂળાનાં પાન ને વચ્ચેની મોટી ડાળખી કાઢીને આખા પાન કાપી લેવા.

૨ એક બાઉલમાં ચણાનો લોટ,મરચું,મીઠું,હળદર,ગરમ મસાલો,ખાંડ,લીંબુ અને કોથમીર મીક્ષ કરી લેવા.

૩ આ મિશ્રણમાં એક ચમચી તેલ અને થોડુંક પાણી ઉમેરી ને જાડું મિશ્રણ તૈયાર કરવું.

૪ એક ડિશમાં એક મૂળાનું પાન લઇ તેના ઉપર ચણાના લોટ વાળુ મિશ્રણ લગાવવુ.

૫ પાન ઉપર મિશ્રણ અને મિશ્રણ ઉપર પાન એમ ચાર લેયર કરવા.

૬ પાન નો હળવા હાથે રોલ વાળી લેવો.

૭ નીચે તપેલીમા પાણી ગરમ મુકીને ઉપર ચાયણી મુકવી.

૮ પાણી ગરમ થાય એટલે તૈયાર કરેલા રોલને ચાયણીમા મુકી ડિશ ઢાંકીને દસ મિનિટ બફાવા દેવુ.

૯ બફાઇ જાય એટલે રોલના પીસ કરી લેવા.

૧૦ એક પેનમાં બે ચમચી તેલ મુકીને થોડીક રાઇ નાખવી રાઇ તતળે એટલે પાતરા નો તેમા વઘાર કરી લેવો.
વઘારેલા પાતરા એક બાઉલમાં કાઢીને કોથમીર થી ગાર્નિશ કરવા.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી