“આપની અનામિકા”- ખુબ સુંદર પ્રેમકહાની મુકેશભાઈ સોજીત્રાની કલમે….

“આપની અનામિકા”

રવિવારની પૂર્તિ અનુપમે હાથમાં લીધી અને રાબેતા મુજબ એણે છેલ્લાં પાનાં પર આવેલી કોલમ ઉત્કંઠા પૂર્વક વાંચવાનું શરુ કરી દીધું.

“અનામિકાની અટારીએથી” એ અનુપમની માનીતી કોલમ હતી. લખનાર સ્ત્રી વિષે એને કોઈ જ જાણકારી નહોતી. એને તો શું આખા ગુજરાતમાં પણ આ અનામિકા કોણ છે એનાં વિષે કોઈ જ જાણકારી નહોતી. અનુપમ કોલેજમાં હતો ત્યારથી જ એક પૂર્તિમાં એ આ રહસ્યમય અનામિકાની કવિતાઓ વાંચતો. અનામિકા પહેલા કવિતાઓ લખતી. પછી તો એ લેખ લખતી થઇ. ઘણી વાર ટૂંકી વાર્તાઓ લખતી અને પછી તો એ સંખ્યાબદ્ધ કોલમો લખતી થઇ. “અનામીકાનું આચમન”, “અનામિકાની અભિવ્યક્તિ”, “અનામીકાનું અસ્તિત્વ” અને “અનામિકાની અટારીએથી” એની સુપ્રસિદ્ધ કોલમો હતી. કઈ કેટલાય મેગેજીનો અને પાક્ષિકોમાં આ અનામીકાનું સર્જનકાર્ય નિરંતર છપાતું રહેતું. પણ ગમે એમ હોય એણે પોતાની જાતને ગોપનીય રીતે છુપાવી રાખી હતી.

અનુપમ પટેલ આમ તો સાહિત્ય શોખીન હતો. નાનપણથી જ આડેધડ લખતો અને કારણ વગરની કવિતાઓ કરતો. સાહિત્યમાં એ ઊંડી સમજ ધરાવે છે એવી ઊંડે ઊંડે એનાં મનમાં એક કાયમી માન્યતા ઘર કરી ગઈ હતી. આમ તો એ કોમર્સનો વિદ્યાર્થી હતો. એમ કોમ કર્યા પછી બેન્કની અઘરી ગણાતી પરીક્ષા આપી, પાસ થઈને એ સીધો જ મેનેજર તરીકે પસંદ થઇ ગયેલો. પગાર પણ સારો અને સ્ટેટસ પણ સારું એટલે એ નોકરી એણે સ્વીકારી લીધેલી. સ્વાભાવિક રીતે સાહિત્યના શોખીનો માટે પોતાની જીવનસંગીની પસંદ કરવાનું કાર્ય સહુથી વધુ દુષ્કર હોય છે. એની કલ્પનામાં એવી એવી યુવતીઓ હોય છે કે ભગવાને હજુ સુધી એવું સર્જન જ ના કર્યું હોય. ઉપમા , રૂપક , અને વ્યતિરેક તમામ અલંકારોમાં જે વર્ણન હોય એવી યુવતીઓને આ લોકો જીવનસંગીની તરીકે પસંદ કરવા માંગતા હોય છે. પણ અનુપમના કિસ્સામાં અવળું બન્યું. મેનેજર તરીકે જોડાયાના દસ જ મહિના પછી એના પાપા મનોહરભાઈ ની તબિયત બગડી, અને પાપાએ એક જ વાતનું રટણ લીધું કે અનુપમ હવે તું ઝડપથી પરણી જા!! મારી છેલ્લી ઈચ્છા છે કે તને પરણાવી દઉં. તને પરણાવ્યા વગર જો હું મરી ગયો તો ભટકયા કરીશ અને અવગતે જઈશ એ નક્કી!! આમેય કાઠીયાવાડમાં બેરોજગારી કરતાં પણ સહુથી મોટો પ્રાણ પ્રશ્ન એ છે કે મારો દીકરો જન્મ્યો તો ખરો પણ પરણશે તો ખરોને!! અને અનુપમે કદી એના પાપાનું વેણ જીવનમાં ઉથાપ્યું નહોતું એટલે એણે મુક સમંતિ આપી. અનુપમના પાપા મનોહરભાઈ અને માતા વસન બહેન ખુબ જ ખુશ થયાં. આમેય જે યુવાનો પરણવા માટે મા બાપનું માને અને મા બાપની પસંદગીની કન્યાને પરણે એટલે મા બાપ માટે તો જીવતા મોક્ષ થઇ ગયો એવી વાત ગણાય. અને તરત જ કન્યાઓ જોવાનું શરુ થયું અને પંદર દિવસમાં તો અનુપમ કુમારનું સગપણ નક્કી પણ થઇ ગયું.

છોકરી રાજકોટની હતી. બી.કોમ કરેલું. દેખાવડી પણ ખરી એનાં પાપા કરશનભાઈને માર્કેટિંગ યાર્ડમાં એક શોપ હતી. જાગનાથમાં એક સરસ મજાનું મકાન હતું. છોકરીને એક જ ભાઈ હતો અને એ પરણી ગયો હતો. છોકરીનું નામ મંદાકિની હતું. મંદાકિની નામ એટલા માટે પાડેલું કે એની આંખો મંદાકિની જેવી હતી. કરશનભાઈ એ પોતાની દીકરી મંદાકિનીનુ સગપણ અનુપમ સાથે કરતાં પહેલા ત્રણ બાબતો જોયેલી. અને આ ત્રણ બાબતો એના ક્રાઈટેરીયા મુજબ બંધ બેસતી હતી. ૧. છોકરો સરકારી બેંકમાં મેનેજર હતો ૨. છોકરાને કોઈ જ બહેન કે બીજો કોઈ જ ભાઈ નહોતો. ૩. પોતાની બી કોમ થયેલી છોકરી માટે આ એમ કોમ થયેલો છોકરો એકદમ ફીટ એન્ડ ફાઈન હતો. વડીલોએ પહેલા બધું જોઈ લીધું. સગા સબંધીઓએ પણ બધું જોઈ લીધું. બધું સો ટકા પાકા પાયે ફાઈનલ થયાં પછી બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે હવે છોકરો અને છોકરી વાતચીત કરી લે આખરે એ બેય ને જિંદગીભર સાથે રહેવાનું છે ને!!

લાભ પાંચમના શુભ દિવસે એક બીજા સંબંધીના ઘરે મંદાકિની અને અનુપમ મળ્યાં.
“આપને સાહિત્યનો શોખ ખરો?? આપ સાહિત્યને સમજો છો?? ખાસ કરીને કવિતા, તેનું બંધારણ” અનુપમે કેશ બુકમાં એન્ટ્રી પાડતો હોય એવા શુષ્ક ચહેરે પૂછ્યું.

“જી સાહિત્ય મને તમને જેટલું ગમે એટલું જ ગમે પણ આપ જેવી ઊંડી સમજ મારામાં નથી, આપની પાસેથી હું એ શીખવા માંગું છું” મંદાકિનીએ જવાબ આપ્યો. અનુપમે બીજી એન્ટ્રી કરી.
“લગ્નજીવનમાં તમે પતિ પાસેથી શી અપેક્ષા રાખો છો? ખાસ કરીને પતિ તરફથી કેવો વ્યવહાર આપ ઈચ્છો છો”

“ જેવો આપ મારી પાસેથી વ્યવહાર ઈચ્છો છો એવો જ વ્યવહાર હું આપની પાસેથી ઇચ્છુ છું. એક બીજાને છાજે તેવો સંસ્કારી વ્યવહાર મને સતત ગમશે જ” બસ આ બે જ જવાબમા અનુપમ અને મંદાકિનીનું ફાઈનલ સ્ટેટમેન્ટ બની ગયું. અને બે મહિના પછી એ પરણી ગયાં. પરણ્યા પછી અનુપમ એને લઈને માથેરાન ગયો. આમેય બેંકમાં નોકરી કરતાં હોય એ લોકો માટે હનીમુન કમ્પલસરી છે એવું કહેવાય છે.
“ તારી આ આંખો માં ડૂબી જાઉં છું”
“તારી આ વાળની લટોમાં હું વીંટળાઈ જાવ છું.”
“હર પળે મને એવો અહેસાસ થાય છે કે તારા આ અસ્તિત્વમાં હું સમાઈ જાવ છું.”

“તારા વિશ્વાસે તારા હર એક અહેસાસ સાથે તારા શ્વાસમાં સમાઈ જાવ છું” એક સંધ્યાએ માથેરાનની એક શિલા પર બેસીને અનુપમે મંદાકિનીને આ આડેધડ પંક્તિઓ કીધી.
“સરસ છે , શું આ પંક્તિઓ તમે બનાવી છે? મંદાકિનીએ પૂછ્યું.

“ ના આ મારી પંક્તિઓ નથી પણ જાણીતી લેખિકા “આપની અનામિકાએ લખેલી આ પંક્તિઓ છે.એકઝેટ તો યાદ નથી પણ આના જેવી પંક્તિઓ છે એની અને એ મારી સહુથી માનીતી લેખિકા છે, યાર શું ગઝબનું લખે છે એ અનામિકા!! એના કલમમાં એક ઉષ્મા છે, એક ધાર છે, એક અહેસાસ છે , એક જીવનનું સ્પંદન છે!! ખુબ જ સરસ લખે છે એ અનામિકા” અનુપમે પોતાની લાગણી વ્યકત કરી.

“સરસ કવિતા તો મને પણ ગમે છે. તો પછી ક્યારે મુલાકાત કરાવો છો એ અનામિકા સાથે”? મંદાકિનીએ સહજતાથી પૂછ્યું.
“યહી તો પ્રોબ્લેમ હૈ, અનામિકા કોણ છે એ વાત ની કોઈને ખબર જ નથી. એ પોતાની જાતને આટલી ગુપ્ત શા માટે રાખે છે એ સહુથી મોટો અને પેચીદો પ્રશ્ન છે” પછી તો અનુપમે મંદાને એના લખાણ , એના લેખ અને એની કવિતાઓ વિષે બધું જ કહ્યું. એક કલાક બધું સાંભળીને મંદાકિની બોલી.

“તો પછી આ તમારી અનામિકા કોઈ પુરુષ જ હશે સ્ત્રી નહિ હોય એ પાકું, આવા ડમી નામે એ લખતો હશે કોઈ પુરુષ એ નક્કી “ જવાબમાં અનુપમ બોલ્યો.

“ ના એ સો ટકા સ્ત્રી જ છે. એના વિચારોમાં જે લાગણીશીલતા છલકાય છે એ કોઈ સ્ત્રી હૃદય જ લખી શકે. આટલી કોમળ એની કલમ છે એટલે એ સો ટકા સ્ત્રી જ છે એની તો મને ખાતરીબંધ શ્રદ્ધા છે.

અને બને નો સંસાર સુખી રીતે ચાલવા માંડ્યો. પણ ઘરે કોઈ મિત્ર આવે કે કોઈ મહેમાન અનુપમ અનામિકાની વાત તો ચોક્કસ કહે જ મંદાકિનીને પણ આ વાતનો કોઈ વાંધો નહોતો. એક વખત એણે મજાકમાં કહેલું કે તમે એમ કરો કે છાપામાં જાહેરાત આપો કે અનામિકાનો સાચો પરિચય આપનારને ઇનામ આપવામાં આવશે. અનુપમે કહ્યું કે છાપા વાળાને પણ ખબર જ નથી કે હકીકત માં આ વ્યક્તિ છે કોણ?? એને તો એના લખાણ અને કવિતાઓથી મતલબ છે.

અને વાત પણ સાચી હતી. અનુપમ ઘણાં સામયિકો અને છાપાવાળાઓની ઓફિસે રૂબરૂ જઈ આવ્યો હતો. પણ કોઈએ માહિતી આપી નહિ. એ કોન્ફિડેન્સ્યલ બાબત છે. અમે લેખિકાની ઈચ્છા પ્રમાણે ઓળખ છતી નથી કરવા માંગતા. તમારી જેવા ઘણાં અમને અનામિકાની પૂછપરચ કરવા આવે છે એટલે હવે અમે કંટાળી ગયાં છીએ અને બહાર બોર્ડ જ મારી દેવાના છીએ કે “આપની અનામિકા “ વિષે કોઈએ કશી પણ પૂછપરચ કરવી નહિ. અનુપમે ઘણાં પ્રયત્નો કર્યા પણ કયાંયથી કશું જાણી શક્યો નહિ. બહુ બહુ તો એ એટલું જ જાણી શક્યો કે દર છ મહીને એક ટાલિયો માણસ આવે છે અને અનામીકાનું પેમેન્ટ લઇ જતો. હવે તો એ પણ આવતો નથી. હવે તો એની કવિતાઓ અને લેખો અમને ઈમેઈલ દ્વારા મળે છે. એનું પેમેન્ટ પણ એક ખાતામાં અમે ઓનલાઈન કરી દઈએ છીએ. અનુપમે એ બેંક એકાઉન્ટની ડીટેઇલ માંગી પણ એમાં પણ એને સરિયામ નિષ્ફળતા મળી.

થોડા સમય પછી “આપની અનામિકા” નામનું ફેસબુક એકાઉન્ટ ખુલ્યું. અને અનુપમ રાજી રાજી થઇ ગયો. વાસ્તવમાં અનુપમ નહીં પણ અનુપમ જેવા હજારો યુવાનો એ એકાઉન્ટ ખૂલવાથી રાજી થઇ ગયાં. એમાં અનામિકા બહુ જ ઓછી પોસ્ટ કરતી.પણ જયારે જયારે પોસ્ટ કરતી ત્યારે કોમેન્ટ્સ અને લાઈકોનો ઢગલો થઇ જતો. અનામિકા ભાગ્યે જ કોઈને જવાબ આપતી. બપોરના ભોજનના સમય બાદ અનુપમ લગભગ ફેસબુક પર જ હોય અને એ પણ અનામિકાની વોલ પર જ… ફેસબુક મેસેન્જર પર એ અનામિકાને મેસેજ મોકલવા લાગ્યો .શરૂઆતમાં કોઈ જ રીપ્લાય ના આવતો પણ તોય અનુપમ મેસેજ મોકલતો રહ્યો..

“ હાઈ, આપનો આજનો બુધવારની પૂર્તિનો લેખ જરા હટકે છે”
“આપનું અસલી નામ પણ અનામિકા જ છે કે પછી તખલ્લુસ છે”

“આપ રહસ્યમય જિંદગી શા માટે જીવો છો , હું આપનો ખરો ચાહક છું, મારા સવાલોને આપ ગંભીરતાથી લેશો. આપના માટે મને ખુબજ માન છે, આપનો દિન શુભ રહે”

આવા અનેક મેસેજ એ સતત કરતો રહેતો.પણ સામેથી કોઈ જ જવાબ ના આવતો. પણ તોય એ સતત સંદેશા મોકલતો રહ્યો. એક દિવસ એને જવાબ મળ્યો.

“માફ કરજો અનુપમજી, તમને હું યોગ્ય સમયે જવાબ નથી આપી શક્તિ. પણ હકીકત એ છે કે હું ખુબ જ વ્યસ્ત છું. પૂરો સમય નથી મળતો મને”

“બસ મને ખુબ જ આનંદ થયો કે આખરે તમે મને જવાબ આપ્યો અનામીકાજી!! આપનો હું અંતરપૂર્વક આભાર માનું છું” અનુપમ લાગણીઘેલો બની ગયો હતો.

“આપની તમામ ટીપ્પણીઓ માટે દિલથી આભાર. આપ મારા તમામ લેખ અને કાવ્યો દિલથી માણો છો એ માટે હું અંતરથી અભિભૂત છું” અનામિકાએ લખ્યું.

“આભાર તો મારે તમારો માનવો જોઈએ અનામીકાજી કે આપની કવિતા વાંચીને મારો દિવસનો થાક ઉતરી જાય છે.આપ હાર્ટ ટચ લખો છો. કલમમાં કમાલની કાબિલિયત છે. મને ગૌરવ છે કે હું આપની સાથે વાતચીત કરી રહ્યો છું” બપોરના સમયમાં અનુપમ અનામિકા સાથે વાતચીત કરવા લાગ્યો.

પણ તોય અનામિકાએ પોતાની ઓળખ છુપાવી જ રાખી હતી. અનુપમ ફક્ત એટલું જ જાણી શક્યો હતો કે અનામિકા પરણિત છે, એ એના પતિ થી ખુબજ ખુશ છે. એ કવિતા અને વાર્તાઓ વગેરે સાહિત્ય સર્જન ફક્ત પોતાની ખુશી માટે કરે છે. લોકોને પસંદ પડી રહ્યું છે એટલે એનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે.અને નવું નવું લખાઈ રહ્યું છે. અનુપમના લાખ પ્રયત્નો છતાં એ અનામિકા વિષે વધારે કશું જ જાણી શક્યો નહિ. એ કયા શહેરની છે?? એના પતિ શું કરે છે?? એનું અસલી નામ શું છે ?? વગેરે વગેરે!!

મંદાકિનીને ખબર પડી એટલે એણે અનુપમને કીધું.
“તો પછી તમે એ આપની અનામિકાને ઘરે જમવા બોલાવોને… હું પણ જોઉં કે જેની પાછળ મારો પતિ ગાંડો છે એ સન્નારી છે કોણ??

“ હું એના સાહિત્ય સર્જનથી પ્રભાવિત છું .એની પાછળ ગાંડો નથી પણ એની કલમનો દીવાનો છું. પણ તને એ નહિ સમજાય.સાહિત્ય એ તારો વિષય નથી.અમુક વસ્તુ અમુકને ના સમજાય મંદા.. બાકી તું મને ચીડવવા માંગતી હોય તો અલગ વાત છે બાકી એ મેસેન્જર પર બીજા કોઈ સાથે ક્યારેય વાતચીત નથી કરતી. એ ફક્ત મારી સાથે જ વાતચીત કરે છે.મારા જેવા કેટલાય લોકો અને મારા કેટલાય મિત્રો એને મેસેજ કરે છે પણ બધાની એક જ ફરિયાદ છે કે અનામિકા રીપ્લાય નથી આપતી” અનુપમે મંદાકિની સામે જોઇને કહ્યું.

“ મારા માટે એ ગૌરવની બાબત છે કે મને સારો એવો સાહિત્ય રસિક પતિ તો મળ્યો જ છે” આટલું કહીને મંદા હસતી હસતી રસોડામાં જતી રહેતી .અને અનુપમ અનામિકાના લખાણ વાંચવામાં મશગુલ થઇ જતો. ધીમે ધીમે સમય વીતતો ચાલ્યો. એક દિવસ બપોરે અનામિકા સાથે ચેટ કરતાં કરતાં અનુપમે પૂછ્યું કે.

“અનામીકાજી આપ રાતે ઓનલાઈન કેમ નથી થતા. રાતે આપણે વધારે વાતો કરી શકીએ. આ બપોરે તો બેંકમાં અમારે માંડ કલાક જેટલો સમય મળે છે. પણ રાતે મારા માટે સ્કાય ધ લીમીટ હોય છે”
“ હું મારા પતિ સાથે ઓનલાઈન હોવ છું. એટલે મારા માટે આખા દિવસમાં ફક્ત આ એક જ ટાઈમ છે આપની સાથે વાત કરવાનો.આના સિવાય મારી પાસે કોઈ સમય જ નથી.” અનુપમા એ સ્માઈલી સ્ટીકર સાથે જવાબ આપ્યો.

“ઓકે આપના એ ભાગ્યશાળી પતિદેવ શું કરે છે” અનુપમે રીપ્લાય કર્યો.
“જી આપની એ બાબત માટે અગાઉ હું કહી ચુકી છું કે મારી અંગત બાબતો હું આપને ક્યારેય જણાવીશ નહિ .. સો સોરી!!

“ ઓકે ઓકે … હું એ બાબત ભૂલી ગયો હતો પણ એક મારી વિનંતી છે કે આપ એકવાર … ફક્ત એક વાર મારી સાથે વાત કરો એવી મારી દિલની ઈચ્છા છે અને આશા છે કે આપ આપના ચાહક ની આટલી અમથી ઈચ્છા તો જરૂર પૂરી કરશો”

“હું મારા પતિ સિવાય બીજા કોઈ ની સાથે ક્યારેય વાત ચિત નથી કરતી. આપણે અહી ચેટ કરીએ એ જ પુરતું છે” અનામિકા કોઈ જ રીતે પોતાના સિદ્ધાંતો છોડવા માંગતી નહોતી. બસ પછી તો સાહિત્ય વિષે અવનવી ચર્ચા થઇ જતી.અનુપમને એક વાત તો સમજાઈ ગઈ હતી કે અનામિકા ફક્ત ચાલાક જ નહિ પરંતુ સંસ્કારી સ્ત્રી છે.જે પોતાની રીતે અને પોતાના અંદાઝ મુજબ જીવે છે. થોડા સમય પછી અનુપમે મેસેન્જરમાં પોતાનો અને પોતાની પત્ની નો એક ફોટો મોકલ્યો. અને કહ્યું.

“ હવે મારી છેલ્લી એક ઈચ્છા છે બસ પછી કશું જ નહિ માંગુ. મને આપ આપનો એક ફોટો તો મોકલો. હું સોગંદ ખાઈને કહું છું કે એ ફોટો હું ક્યાય શેર નહિ કરું બસ હું આપને જોવા માંગુ છું ફક્ત એક જ વાર આ મારી છેલ્લી ઈચ્છા છે .હું એ ફોટો એકવાર જોઇને ડીલેટ મારી દઈશ” અનુપમે આજીજીભર્યા અવાજે કહ્યું પણ સોનાની જાળ પાણીમાં ગઈ.

“ ના હું મારી આઇડેન્ટિટી છતી નહિ કરું .. તમારી લાગણી વગર ફોટાએ પણ જળવાઈ રહે એજ તમારી સાહિત્ય રસિક તરીકે સાચી ઓળખ છે. ધારો કે હું રૂપાળી છું તો પછી ફોટો મોકલ્યાં પછી મને એમ થશે કે સામેની વ્યક્તિને મારા સાહિત્યમાં નહિ પર મારા ફિગરમાં રસ છે… અને ધારોકે હું રૂપાળી નથી તો મારા મગજમાં ઊંડે ઊંડે એમ થશે કે સામેની વ્યક્તિ હવે મારી દયા ખાઈને મારી સાથે સંપર્કમાં રહે છે..એટલે ફોટાનું તો રહેવા જ દેજો… તસ્વીર કરતાં તાસીર મહત્વની બાબત છે” અનામિકાએ કીધું અને અનુપમે કોઈ જ રીપ્લાય ના આપ્યો. ત્રણ દિવસ સુધી અનુપમે મેસેન્જર ના ખોલ્યું. મનમાંને મનમાં ત્રણ ચાર શબ્દો એણે અનામિકાને ચોપડાવી દીધાં… પણ તોય એ રહી ના શક્યો.. ચોથા દિવસે બે વાગ્યે એણે મેસેન્જર ખોલ્યું. અનામિકાના સાત થી આઠ મેસેજ આવેલા હતાં. એક મેસેજ થી એ ઉત્સાહમાં આવી ગયો.

“ મને ખબર છે કે આપ નારાજ છો.. લેખીકાથી ચાહક નારાજ ના થાય એ મારી ફરજ છે. ક્ષમા માંગુ છું કે હું મારી ઓળખ છતી નથી કરી શક્તિ. પણ તમને એક વચન આપું છું કે હું મારા પતિ સિવાય કોઈને મળતી નથી. પણ જીવનમાં તમને એક વખત અનામિકા તરીકે રૂબરૂ જરૂર મળી જઈશ.આ વાયદો છે મારો આપને.. એક વખત તમને હું મારી સાચી ઓળખ આપીશ.કયારે આપીશ.. ક્યારે મળીશ… એ સમય અને સ્થળ હું નક્કી કરીશ… પણ હું મારો વાયદો ચોક્કસ નિભાવીશ એ પાકું!!! બસ હવે આ વિષય પર આપણે ક્યારેય વાત નહિ કરીએ. વાત કરીશું તો સાહિત્ય ઉપર જ કરીશું!!
અને અનુપમ ગેલમાં આવી ગયો..એણે ચાર વાર દિલથી આભાર માન્યો.. અને પછી તો રોજે રોજ બપોરે કલાક અડધી કલાક સુધી નિરંતર વાતો થવા લાગી.

થોડાક મહિના બાદ અનુપમને છાતીમાં દુખાવો ઉપડ્યો. બેંકમાં એકસો આઠ બોલાવવામાં આવી એને હાર્ટની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. હાર્ટ એટેક આવ્યો હતો અનુપમને. બે દિવસ સુધી એ દાખલ રહ્યો.ડોકટરોએ બાય પાસ નું કીધું. અનુપમે સહમતી આપી.મંદાકિની એની બાજુમાં જ બેથી હતી. મંદાકિનીનો હાથ અનુપમના ચહેરા પર હતો. બાય પાસ સર્જરી કરવામાં આવી.સર્જરી સફળ રહી. હજુ એક અઠવાડિયું હોસ્પીટલમાં રહેવાનું હતું.અનુપમ હોસ્પીટલના બીલની ચિંતામાં હતો. બધી જ કમાણી બાય પાસ સર્જરીમાં ચાલી જવાની હતી. એને થોડી ચિંતાઓ હતી.પણ ડોકટરે ચિંતા ના કરવી એવું કીધું હતું. હાર્ટ પર અસર પડે એવું કહેવું હતું ડોકટરોનું.. માંન્દાકીનીએ પણ કીધું.

“જ્યાં હાર્ટનો વિષય હોય ત્યાં પૈસા ગૌણ બની જાય છે. તમે સાજા થઇ જાવ એ જ મોટી વાત છે.આપણે એક બીજાના દિલ માટે જ જીવીએ છીએ નહિ કે પૈસા માટે તમે આરામ કરો , પૈસાનું થઇ રહેશે” અને વાત પણ સાચી હતી. જ્યારથી હોસ્પીટલમાં આવ્યા ત્યારથી મંદાકીની નું વલણ એકદમ બદલાઈ ગયું હતું. રાતે પણ એ સતત અનુપમની પથારી પાસે જાગીને બેસતી હતી.અનુપમ સુવાનું કહે તો પણ એ સુતી જ નહિ.એનો હાથ અનુપમના ચહેરા પર પ્રેમથી ફરતો રહેતો હતો.
બે દિવસ પછી અનામિકાના લેખો અને કવિતાઓ લાવીને મંદાકિની એ આપી અને કહ્યું.

“લો વાંચો અનામિકાને એટલે તમને રાહત જેવું રહે “ અનુપમે જોયું પત્નીની આંખમાં કશો ઉપાલંભ કે ગુસ્સો નહોતો બસ એક સ્નેહ નીતરતો હતો. એણે ઝડપથી બધું વાંચ્યું પણ દિલ ના લાગ્યું.એણે પોતાનો સેલ ફોન મંગાવ્યો અને મેસેન્જર ચેક કર્યું. અનામિકાનો એક પણ મેસેજ નહોતો. એને ઘણું એમ હતું કે અનામિકાના ઘણાં બધાં મેસેજ હશે… તબિયત વિષે કદાચ પૂછ્યું હશે કે કેમ ઓનલાઈન નથી આવતાં?? બીમાર પડયા કે શું?? પણ આવા કોઈ જ મેસેજ નહોતા… આઠ દિવસ થી અનામિકા ઓનલાઈન જ નહોતી આવી. એનું મન ખિન્ન થઇ ગયું. વળી પાછું મંદાકિનીએ કહ્યું.

“કેમ નિરાશ દેખાવ છો? જવાબમાં અનુપમ બોલ્યો.
“સાહિત્યમાં ડુંગરા દુરથી રળિયામણા જ હોય..પાસે જાવને તો તમને પથ્થર સિવાય કાઈ જ ના દેખાય.. સારું અને ઊંચું સાહિત્ય લખવું અને એ લખાણ જીવનમાં ઉતારવું એ બહુ જ મોટી વાત છે.” આ બધું અનુભવે સમજાય પણ તને નહિ સમજાય..સાહિત્ય એ કઈ બધાની સમજમાં આવે જરુરીતો નથી જ”

અને જવાબમાં મંદાકિની અને અનુપમ બેય હસી પડ્યા.
ત્રણ દિવસ પછી અનુપમને રજા આપવામાં આવી. બપોરના બાર વાગ્યા હતાં. હોસ્પીટલના કાઉનટર પર થી બિલ આવવાનું હતું. અનુપમે ઘરે થી ચેક બુક મંગાવી લીધી હતી.પોતાની બેંકમાં પણ એણે ઉપરી અધિકારી સાથે વાત કરી લીધી હતી. ટેન્શન જેવું કશું જ નહોતું. બિલ આવ્યું પણ એ પેઈડના સિક્કા સાથે આવ્યું હતું.તમામ પૈસા ચૂકવાઈ ગયાં હતાં. અનુપમને નવાઈ લાગી. એણે મંદાકિની તરફ જોયું અને કહ્યું.

“મંદા પૈસા કોણે ચૂકવ્યા?? આવડી મોટી રકમ કોણે ચૂકવી?? મને તો કશી જ ખબર નથી પડતી… નક્કી કંઇક લોચો છે આમાં”
“કદાચ અનામિકા હોઈ શકે એણે બિલ ચૂકવી દીધું હોય”

મંદાકિની બોલી અને એ સાથેજ એક સીતેર વરસની વય્ક્તિ અનુપમ ના બેડ પાસે આવીને ઉભી રહી. અનુપમ સાથે હાથ મિલાવીને કહ્યું.
“અનામિકા એ આપની સારવારના તમામ પૈસા ચૂકવી દીધા છે.હું એના પૈસા લઈને જ આવ્યો હતો. આપની તબિયત સારી હશે. ટેઈક કેર મિસ્ટર અનુપમ !! બી હેલ્ધી અને હાર્ટલી!!!”

“ક્યાં છે અનામિકા મારે એને મળવું છે… એણે મને વચન આપ્યું હતું કે એ એક વાર જરૂર મળશે જ” અનુપમ ઉતેજના થી બોલી ઉઠ્યો…
“રિલેક્ષ મિસ્ટર અનુપમ !! હું બધું જ કહું છું… પાણી પી લો મિસ્ટર અનુપમ!!” પેલી વ્યક્તિ બોલ્યો અને મંદાકિનીએ પાણી નો ગ્લાસ આપ્યો. અનુપમે પાણી પીધું અને પેલી વ્યક્તિએ રહસ્ય ખોલ્યું.

“બાય ધ વે….. મંદાકિની એ જ “આપની અનામિકા છે”… હું સુરેશ દવે…મંદાકિનીના પાપાનો મિત્ર અને નિવૃત શિક્ષક… મંદાકિની મારી પાસે જ ભણતી.. નાનપણમાં જ કવિતાઓ લખતી..પણ એના પાપા ને પસંદ નહિ એટલે એ અનામિકાના નામથી કવિતાઓ લખતી.. પછી તો મેગેઝીનમાં કવિતાઓ છપાવા લાગી. એનું એક બેંક એકાઉન્ટ ખોલાવી નાંખ્યું એમાં ઇનામની રકમ હું જમા કરાવવા લાગ્યો. તમારી સાથે એના લગ્ન થયાં પછી પણ એ કવિતાઓ લેખો લખતી રહી. તમે બેંકમાં જાવ જોબ પર અને એ લખવાનું શરુ કરી દે અને મને કુરિયરમાં મોકલી દે અને હું પબ્લીશ કરવા માટે મોકલી દઉં.એ આપને સર પ્રાઈઝ આપવા માંગતી હતી. ઓળખ એટલા માટે એ છતી નહોતી કરતી. ફેસબુકનું એકાઉન્ટ પણ એણે ફક્ત તમારા માટે જ ખોલેલું. તમને એટેક આવેલો અને એણે મને જાણ કરી. એમની ચેકબુક મારી પાસે જ રહેતી. તમારા ખર્ચની રકમનો ચેક લઈને આજ સવારે જ હું આવ્યો છું.તમે તમારી અનામિકાને નહિ મળો મિસ્ટર અનુપમ??” સુરેશ દવે એ બોલવાનું પૂરું કર્યું અને અનુપમ ભેટી પડ્યો મંદાકિનીને!!

“તારે મને કહેવું જોઈતું હતું ને કે અનામિકા તું જ છો??”
“એ પહેચાન વગર પણ તમે મને કેટલો બધો પ્રેમ કરો છો નહિ?? એ જ મારા માટે ઘણું છે. પ્રસિદ્ધ અને સફળ વ્યક્તિને તો કોઈ પણ ચાહે..પણ સરળ વ્યક્તિને ચાહવું અઘરું છે..” તમે અનામિકાને ચાહો છો એટલી જ સરળતાથી મંદાને ચાહો એ જ મોટી વાત છે.” મંદાકિની અનુપમના બાહુપાશમાં સમાઈને બોલી.

“મિસ્ટર અનુપમ સુખ એ તમારા ભીતરમાં જ હોય.. તમારી આસપાસ હોય પણ આપણે માણસો એને બહારની દુનિયામાં અને ઘરની બહાર શોધીએ છીએ..સાચું સુખ ઘરની અંદરજ હોય છે.. બહારનું સુખ એ કાલ્પનિક જ હોય છે!! માણસ આટલું સમજે ને તો અડધાં પ્રશ્ન હલ થઇ જાય એમ છે.” દવે એ કહ્યું અને એ જતાં રહ્યા.!!

થોડીવાર પછી અનુપમ પોતાની અનામિકાને લઈને હોસ્પીટલમાંથી ઘરે જઈ રહ્યો હતો.

કહેવાય છે કસ્તુરી મૃગના માથામાં જ કસ્તુરીની સુગંધ નીકળે છે અને એ સુગંધ પામવા માટે એ મૃગ બહાર ફાંફા મારે છે અને માથા પછાડી પછાડીને મરી જાય છે પણ પોતાની અંદર જ રહેલ સુગંધને એ પામી શકતું નથી!! સુખ અને સુખી જિંદગીનું પણ આવું જ છે…!!

લેખક : મુકેશ સોજીત્રા

ખુબ સુંદર વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી