ખરેખર બહુ લાલચ સારી નહિ… મુકેશભાઈ સોજીત્રાની વાર્તા… લાઇક કરો, શેર કરો.

સૌરાષ્ટ્ર મધ્યે આવેલ એક ગામ. ગામની ચારે બાજુ ધીંગી વનરાઈ. પાણીદાર જમીન એવી જ પાણીદાર અને ધીંગી પ્રજા. ગામ નહિ નાનું કે નહિ મોટું. લગભગ બધી જ કોમની વસ્તી રહે અને એકબીજાના સહારે જીવન જીવે પણ વધુ વસ્તી પટેલની. ગામમાં એક નિશાળ ધોરણ એક થી આઠ અને શિક્ષકો પણ આઠ!! . બધાજ શિક્ષકો ગામમાં રહે ભાડું ઓછું અને માથાકૂટ પણ ઓછી. પંકજ પટેલ છેલ્લે છેલ્લે આ ગામમાં નોકરીએ આવેલ. ગણિત વિજ્ઞાન ભણાવે એને આવ્યે હજુ બેક માસ થયા હશે. રવિવારનો દિવસ ગામને પાદર બજરંગ દાસ બાપાનો ઓટલો. ઓટલા પર આઠે પહોર ગામના ભાભાનો પુરેપુરો કબજો. પંકજ આમ તો ઘરે જ હોય રવિવારે, પણ આજ એ પાદર બાજુ નીકળ્યો અને બજરંગદાસ બાપાનાં ઓટલે બેઠેલા જેઠાબાપા ભાળી ગયાં અને માસ્તરને હાકલો કર્યો.

“એય માસ્તર આ બાજુ આવો આ બાજુ, તમે તો ભાઈ ખરા આખો દિવસ ઘરે ને ઘરે રહો છો. છોકરા વાતું કરતાં હતાં કે એક નવા માસ્તર આવ્યાં છે ને ખુબ સારું સારું ભણાવે છે, ને મેં કીધેલું કે એ સાહબને ઘરે ચા પીવા તો લેતો આવ્ય પણ મારો બેટો મારો છોકરો કહે કે પંકજ સાહેબ બહાર જ નીકળતા નથી” જેઠાબાપા એ ધાણીફુટે એવી શરૂઆત કરી.

“કામ સિવાય શું નીકળવું ગામમાં” બોલીને પંકજ આવીને ઓટા પર બેઠો. બે ત્રણ બીજા ભાભા પણ બેઠા હતાં પણ બોલવાનું તો જેઠાભાભા એ જ ઉધડું રાખ્યું હતું. ઓટલા પર જેઠાબાપા બોલવાનું શરુ કરે પછી સુરજદાદા મેર કરે પણ જેઠાબાપા મેર નો કરે એ પાકું.

“ તે માસ્તર તમે ખુબ સારું ભણાવો છો, નવા નવા પ્રયોગ કરાવો છો એવું છોકરા કેતા તા સારું બાપા સારું ભણાવો તો અમારી આ ડાંડ પરજા સુધરે બાકી બોલો બાપા સીતારામ, તમે તો ઓધા જીવાના મકાન માં રહો છોને તો માથાકૂટ નહિ બાકી વશરામ જીવાના મકાનમાં તમે બે દીય ના કાઢી શકો, આમ બેય સગાભાઈ પણ ઘી અને ઘાસલેટ જેટલો ફરક હો.!! ઓધા જીવા એટલે ઓધા જીવા હો લાખનો માણસ પાંચમાં પુછાય એવો હો, પણ માસ્તર તમારું મૂળ ગામ કયું? છોકરાને મેં પૂછેલું તો કહે કે સાબ પટેલ છે એટલી ખબર છે પણ ગામની ખબર નથી. તમે લગભગ ગુજરાત બાજુના હશો નહિ??
“ હા ગુજરાત સાઈડનો છું, માતર તાલુકો ખેડા જિલ્લો” પંકજ ટૂંકા જવાબ આપતો હતો.

“ માતર …. માતર ,,, હા એલ્યાં પુના પેલાં ગોળવાલા માસ્તર પણ માતર બાજુના હતાં નહિ રાવજીભાઈ ગોળવાલા આમ તો એ પટેલ હતાં પણ અહીંથી ગયાં ત્યારે ગોળવાલા અટક લઈને ગયાં હતાં” કહીને જેઠાબાપા ખીખીખીખી કરતાં હસી પડ્યા અને સાથે ભાભા મંડળ પણ બોખા મોઢે હસી પડ્યું.
“ગોળવાલા?? અમારી બાજુ પટેલમાં એવી અટક જ ના હોય” પંકજે હળવો વિરોધ નોંધાવ્યો.

“અરે ગોળવાળા એની છાપ પડી ગઈ હતી. બાકી હતા તો પટેલ. તમારી જેમ ભણાવતાય સારું. પણ થોડી લાલચ થયેલી પૈસા કમાવવાની ને એ લાલચ થઇ મોટી અને પછી તો જે રોઝડી થઇ છે કે તમે ના પૂછો વાત. માસ્તર ને ભારે થઇ ભારે” પાછા જેઠાબાપા ખીખીખીખી કરતાં હસી પડ્યા. પંકજ ને રસ પડ્યો, એ બોલ્યો.
“પણ દાદા તમે માંડીને વાત કરો તો ખબર પડેને કે માસ્તર પર શું ભારે થઇ હતી?” પંકજ ને એ જાણવામાં રસ હતો કે આ ગામમાં માસ્તર માથે શું ભારે થયું હતું. જેઠાબાપાએ ચલમમાં ગડાકું ભરી. ચલમ સળગાવી અને પછી એક લાંબો સટ મારીને બેય પગ વચ્ચે ફાળિયું નાંખીને વાળી ગાંઠ અને દેશી અદામાં વાત શરુ કરી.
“ વાત તો છે લાંબી પણ હવે તમારે જાણવું જ છે તો હું કહું છું, પણ તમને આવશે મજા” એમ કહીને જેઠાબાપાએ શરુ કર્યું….

૧૯૮૪ ના સાલની આ વાત છે. એ વખતે ગામે ગામ ગુજરાત સાઈડના માસ્તરો પેલી જ વાર આ બાજુ નોકરીએ આવેલ એવું મારી સાંભરણમાં છે. રાવજી પટેલ તમારી જેમ જ આ ગામમાં આવેલ. અસલ તમારી જવો જ લહેકો અને બોલી. હવે એ વખતે રૂપરડી ત્રણસોને પચીસ પુરા એક મહિનાનો પગાર!!! તે પૂરું તો થાય નહિ તે રાવજી પટેલ ચોખા અને દાળ અને તેલ તો ઘરે થી લાવે ત્યારે માંડ માંડ પૂરું થાય, શનિ રવી માસ્તર જાય ઘરે અને સોમવારે આવે પાછાં. ઘીમાં સાકર ભળે એમ ગામમાં રાવજી પટેલ ભળી ગયેલ. એનાં ઘરના એ બાજુ નોકરી કરે ને માસ્તર આ બાજુ નોકરી કરે. આમ માસ્તર પણ, પણ પાકો વેપારી જીવ!! એટલે ગામમાં વાત કરી કે અમારી બાજુ ડાંગર સારી થાય. તમારે ચોખા જોઈતા હોય તો લેતો આવું. અને ગામ થયું તૈયાર તે બીજા સોમવારે આવ્યો ટેમ્પો. પાછાં રાવજી માસ્તર કહે પણ

“જુઓ આ ગુજરાત ૧૭ ઓરીજનલ ચોખા આ બાજુ મળે જ નહિ!! તમે ગમે ત્યાં ભાવ પૂછી લ્યો!! આ ભાવે કોઈ આપે તો મારે મફતમાં આપી દેવા બોલો!!” અને ધંધો ચાલ્યો ગામમાં અને આજુબાજુના ગામમાં બધાની ઘરે ગુજરાત ૧૭ ચોખા. રાવજીભાઈ પટેલ ને થઇ આવક પડી ગયો જામો. પછી લાવ્યાં કડબ કાપવાના સુડા અને રાવજીભાઈ પાછાં સાંજે બધાં ખેડૂતોને કરે ભેગા અને બતાવે નિદર્શન. અને પછી સમજાવે પણ ખરા..

“જુઓ આ કાઠિયાવાડમાં ખોટી પદ્ધતિ છે તમે લોકો આખે આખી નીરણ કે કડબ નાંખો છો ગાય બળદ કે ડોબાને અને એમાં બગાડ પણ ઘણો થાય. એને બદલે તમે જો એને ચારો કાપીને નાંખો તો એ બધોજ ચારો ખાઈ જાય છે, એમ કરીને એ કડબ કે નીરણ કાપે અને બળદને નીરે. અને બળદ ખાઈ જાય બધું.. ગામ લોકો તો આભા બની ગયાં તે કડબ કાપવાના સુડા પણ ધમધોકાર ચાલ્યા. ગામમાં અને આજુબાજુના ગામમાં પણ સુડા ચાલ્યા.. ઘણાએ તો બેબે સુડા લીધા એક વાડીયે રાખે અને એક ઘરે. અમુકને તો ઘરે કાઈ ઢોર નહિ તોય સુડા લીધા.. બાવળિયા કાપીને બળતણ કરવા થાય ને સુડો હોય તો એક સરખો ટુકડો થાય બાવળીયાનો.. આમને આમ રાવજીભાઈ નો ધંધો ચાલ્યો. એમાં શિયાળો પૂરો થયોને ટપુ ગીગાની વાડીયે શેરડી થાય અને હોળી જાય પછી ટપુ આતા વાડીયે ચિચોડો માંડે ને બધાં જાય રસ પીવા તે રાવજીભાઈ માસ્તર પણ જાય રસ પીવા ગામમાંથી બરફ અને લીંબુ લઇ જાય અને ચાર ચાર કળશ્યા રસ પીય જાય. દરરોજનો આ નિત્યક્રમ થઇ ગયો. ગામ આખામાં આ એક જ વાડી શેરડીની!! અને જેટલો ગોળ થાય એ આજુબાજુના ગામડામાં ટપોટપ વેચાઈ જાય. અને ગોળ પણ કેવો નદીના વેકરા જેવો એક દમ કણીદાર ગોળ.. ગોળના ભેલા જોતા હોય એને ભેલા પણ બનાવી દે પણ મોટાભાગના તો ડબ્બાનો જ પેલો કણીદાર ગોળ ગમે. રાવજી માસ્તર દરરોજ ચીચોડે જાય અને ગોળ બનતો જોવે અને માસ્તરનો જીવ એટલે ગણતરી તો હોય જ અને ચોખામાં અને કડબ કાપવાના સુડામાં નફો મળેલ એટલે માસ્તરની દાઢ ડળકી કે આ ગોળનો ધંધો છે કર્યા જેવો પણ કરવો કઈ રીતે..?? આમને આમ દસેક દિવસ વિચાર કર્યો અને પછી કરી મુળજી ભગવાનને વાત!!

રાવજી પટેલ જ્યાં રહેતાં હતાં એની બાજુમાં મુળજી ભગવાન રહે. મુળજી ભગવાન ને ૧૩૫ના માવા ખાવાની ટેવ અને ધીમે ધીમે રાવજીભાઈ ને રવાડે ચડાવી દીધેલાં.એ વખતે ગુજરાતમાંથી માસ્તરો આવતા ત્યારે બુધાલાલ ખાતા અને પછી માવા ખાતા થઇ જાય!! ટુકડો ટુકડો ખાય અને પછી હરેડ બંધાણી થઇ જાય. વેકેશનમાં જાય ત્યારે અહીંથી માવા બંધાવતા જાય.

“મુળજીભાઈ તમારી પાસે ૧૦૦ વીઘા જમીન છે એમાં શેરડી વાવોને જો ગોળ બનાવો તો ત્રણ ગણો ફાયદો થાય એમ છે તમે આ ટપુભાઈ ગીગાભાઈ ને જુઓ ને દસ વીઘાની શેરડીમાં પણ કેટલું કમાય છે કે આખું વરસ એને કઈ કરવું પડતું નથી. તમે એમ કરો કે કાઈ નહિ તો ૫૦ વીઘામાં પણ શેરડી કરો” રાવજીભાઈ એ વાત મૂકી થોડી વાર પછી મુળજીભાઈ બોલ્યાં.

“ અમારે જારવાયુ છે. એટલે શેરડી નથી કરતાં અને એ ગોળના ધંધા આપણને ના ફાવે અને આમેય અમારે ક્યાં તાણ છે કે ટપુભાઈ ની આડે પડવું. એ બિચારો ભલેને રળી ખાય અને અમારે ભાઈ કાઠીયાવાડમાં વણલખ્યો નિયમ છે કે ચાડમાં ને ચાડમાં કોઈ દી ખેતી ના કરવી. મને તો આ જાર કપાસ અને મગફળીમાં જ રસ છે હા જો પાછોતરો સારો વરસાદ થાય તો રડ્યાખડ્યા ચણા કરીએ બાકી શેરડીનાં ચાળે અમે નથી ચડતા અને ટપુ ગીગાને તો ત્રણ પેઢીથી શેરડીનો અનુભવ એટલે એ જ ફાવે” મુળજીભાઈ એ મુદ્દાની વાત કરી. પણ રાવજીભાઈ માસ્તર તો વાતે વળગી જ રહ્યા. આડા અવળું ઘણું સમજાવ્યું. છેવટે મુળજીભાઈ બોલ્યાં.

“એક કામ કરો તમે શેરડી કરો ને ગોળ કરો મારી જમીનમાં મને તો ફારમે જે રકમ થાય એની દોઢી રકમ આપવાની કારણકે મારૂ જમીનપડું સારું છે. નફો થાય કે ખોટ એ બધું તમને સોંપ્યું. હું તમને એક શેઢે ૫૦ વીઘા જમીન કાઢી દઉં. પાણી પણ દઉં. પણ કોઈ જવાબદારી નહિ હું તો મારી રકમને જ ભાળું” અને રાવજીભાઈ એ ઠેકીને હા પડી દીધી અને વાવી શેરડી અને એ પણ જેવી તેવી નહિ દાંતીવાડા કૃષિ યુનીવર્સીટીમાંથી સુધારેલી શેરડી. અને પછી તો માસ્તરને જરાય નિરાંત જ નહિ રાતે પાણીના વારા તે રાતે શેરડીમાં પાણી વાળે અને સવારે નિશાળે.. રીશેષમાં પણ ફટ દઈને વાડીયે. અને આમને આમ શેરડી કરી. અને પેલે વરસે શેરડીમાં રહ્યો સવા એટલે વાંસડા જેવી જાડી શેરડી થઇ!! તમે દાતરડાથી રાડું કાપો એટલે કળશ્યો ભરી લ્યો એવી ધાર થાય. અને ચૈતર મહિનામાં શેરડીનો વાઢ દોઢ માથોડું ઉંચો થઇ ગયેલો. ગામનાં પણ જોવા આવે કે વાહ માસ્તર વાહ બાકી શેરડી પકવી જાણી હો. ટપુ ગીગા પણ આવી ગયાં એ પણ વખાણ કરે શેરડી ગઝબની પાકી છે. અને પછી તો આવ્યાં કેશોદ બાજુ થી કારીગરો અને ગાળી ચુલ્યું!! અને માંડ્યો ચિચોડો અને માંડ્યો નીકળવા રસ!! રસ એક ચૂલ પર જાય અને ઘાટો થાય!! પછી જાય બીજી ચૂલ પર અને વધારે ઘાટો થાય!! પછી જાય ત્રીજી ચૂલ પર અને શેરા જેવો બને!! અને ચોથી ચૂલ પરથી રસ ચોકીમાં જાય ત્યારે ધૂડના ઢેફા જેવો થાય અને તમે ચાખો એટલે મોહનથાળ જેવો જ સ્વાદ આવે. ગામ આખામાં રાવજીભાઈ માસ્તરની વાતું થાય કે માસ્તર એટલે માસ્તર!! મહેનત એટલે મહેનત!! ખરો કારીગર કહેવાય!! બાકી ગોળ બનાવી જાણ્યો.. બધો ગોળ જાવા દીધો ઘરે અને કર્યો સંગ્રહ!! અને શ્રાવણ મહિનામાં ગોળનો ભાવ વધ્યો એટલે ગોળ વેંચ્યો અને ધાર્યા કરતાં બમણો નફો થયો એટલે પાર્ટી આવી ગઈ બળમાં!! બીજે વરસે મુળજીભાઈ ની ૫૦ વીઘા જમીન તો ખરી પણ ગામની બીજી ૧૦૦ વીઘા જમીન રાખી ફારમે અને વાવી શેરડી આ વખતે ગામના એ ભાગમાં કીધું પણ રાવજીભાઈ માસ્તરે કીધું કે

“ભાગમાં ધંધો આપણને ના ફાવે જે કરવું એ સ્વતંત્ર કોઈ ને મન દુઃખ ના થાય” અને આમેય મીંદડી દુધે હળી ગયેલી ને તે ઈ કોઈનું માને ખરી??

એયને બીજે વરસે દોઢસો વીઘાની શેરડી હિલોળા લે ગામમાંથી ચાર જણાને દાડીએ રાખેલા કાયમી દાડી અને રાવજી માસ્તરે રાજદૂત લીધું. ઈ વખતે પેલું ઓટોમેટીક રાજદૂત બહાર જ પડેલું ને ભખ ભખ ભખ ભખ કરતુ રાજદૂત એક વાઢે થી બીજા વાઢે અને ત્યાંથી ત્રીજા વાઢે આખી રાત ફર્યા કરે..

બીજી વખત પણ દોઢો સવા થયો શેરડીમાં તે આ વખતે શેરડી સાંબેલા જેવી થઇ તમે નાનું સરખું સાંબેલું જ જોઈ લ્યો.. પછી તો તાલુકામાંથી કે જીલ્લામાંથી જે સાહેબો આવે નિશાળે ને એ બધાયને રાવજીભાઈ લઇ જાય વાડીયે. શેરડી કાપે અને સાબની જીપમાં ભરે અને સાહેબો રવાના.. એક વરસમાં એક વખત જ માસ્તરોની મીટીંગ થતી એ મીટીંગ પણ શેરડીની વાડીએ જ થાય. ગામમાં જાન આવે તોય શેરડીની વાડીયે ફોટા પાડવા જાય. કોક વળી વેવાઈ વેલા આવે તો ગામ લઇ જાય શેરડીનાં વાઢે.. મેમાન પણ વખાણ કરે “ વાહ માસ્તર વાહ “ બાકી શેરડી પકવી જાણી હો!!

પાછો ચૈત્ર મહિનો આવ્યો અને ટપુ ગીગા એ ચિચોડો માંડ્યો, પણ રાવજી માસ્તરે કીધું કે આ વખતે થોડું મોડું કરવું છે. ગામને ગોળ લઇ લેવો હોય એ ટપુદાદાને ત્યાંથી લઇ લેજો કારણકે આ વખતે મારો ગોળ પડશે મોંઘો.. અને મુંબઈ અને અમદાવાદમાં વેચવાનો છે અને મોડો વેચવાનો છે અમારી વાટે ના રહેતાં. આ વખતે એ ગોળને અલગ અલગ ફ્લેવરમાં મુકવાના હતાં. ગોળમાં સુંઠ નાંખીને એક અલગ ફલેવર બનાવવી હતી. એકમાં થોડું લીંબુ નાંખીને લેમન ફલેવરનો ગોળ બનાવવો હતો!! અને પછી એનું પેટન્ટ કરાવીને પોતાની એક ગોળની કંપની બનાવવાનાં સપના જોઈ રહ્યા હતાં. રાવજીભાઈ માસ્તર!!!!

ગયાં વરસ કરતાં આ વરસે એક મહિનો મોડું કર્યું ગોળ બનાવવાનું!! અને પછી શરુ થયો ગોળોત્સવ!! કેશોદ બાજુ થી ગોળના કારીગરો આવ્યાં.. ગોળમાં નાંખવા માટે ભીંડી પણ લાવ્યાં અલગ અલગ કલરમાં ગોળ માંડ્યો બનવા.. કાળો, સફેદ ,લીલો અને લાલ રંગમાં ગોળની ભેલીઓ માંડી બનવા!! સવાદ પણ થોડો હટકે.. એક ખાવ એટલે ઉધરસ મટી જાય એમાં સુંઠ નાંખેલી,!! બીજો ચાખો એટલે સહેજ ખટુમરો લાગે એ લેમન ફ્લેવર ગોળ!! એક માં ફુદીનો નાંખેલો એ મીંટ ફલેવર !! ગોળ ચાખવા માટે ગામમાંથી લાઈનો લાગે!! પણ જો કોઈ માંગે તો કહે…

“ આ ગોળ તમને મોંઘો પડે, તમે લઇ ના શકો, આ વખતે તો ત્રણ જ સ્વાદમાં છે આવતાં વખતે એપલ ના સ્વાદમાં!! અને સ્ટ્રોબેરી ફ્લેવરમાં પણ આપણો ગોળ આવશે !! ટૂંકમાં બે વરસમાં આપણો ગોળ વિદેશ જશે વિદેશ!!! ચાખવો હોય તો તમે ગાંગડો ઘરે લઇ જાવ પણ બે મહિના સુધી આ ગોળ વેચવાનો નથી. એય ને ત્રણ મહિના પછી બધાયનો ગોળ ખૂટી જાય ને પછી માર્કેટમાં આવશે આપણો ગોળ, આમેય તમને કાઠીયાવાડી લોકો ફક્ત વસ્તુ ઉગાડી જાણો એનો ભાવ લેતા તમને ના આવડે એ માટે તો તમારે ખેડા આવવું પડે ખેડા” રાવજીભાઈ હવે પુરેપુરી હવામાં આવી ગયાં હતાં. વાડીયે મોટું પ્લાસ્ટિક પાથરીને ગોળની અલગ અલગ થપ્પીઓ ગોઠવી હતી. વીસેક દિવસ પછી આ બધી થપ્પીઓ પ્લાસ્ટિકમાં વીંટીને હવા ચુસ્ત રીતે પોતાના વતનમાં પહોંચાડવાની હતી.

હવે કુદરતે પોતાનો ખેલ પાડ્યો!! જે વાતાવરણ અષાઢમાં જામે એ જેઠની શરૂઆતમાં જામ્યું. રાતે થોડાં છાંટા પડ્યા અને રાવજીભાઈ સફાળા દોડ્યા. બધું ઢાંક્યું અને આખી રાત તેઓ આકાશ સામું જોઇને બેસી રહ્યા. બીજા દિવસે આવ્યાં છાપામાં સમાચાર કે ખેડામાં ચોમાસુ ખરેખરનું જામ્યું છે!! ધીમે ધીમે હળવું દબાણ સૌરાષ્ટ્ર મધ્યે સ્થિર થાય એવી વકી છે!! અને માસ્તરના હાથ પગ હૈયામાં ઘુસી ગયાં!! સવારે આકાશમાં ચારે બાજુ કાળા ડીબાંગ વાદળા છવાયા.. વાદળાં આકાશમાં દોડ્યા જાય.. એકદમ મેઘદૂતમાં આવે એવું વાતાવરણ!! રાવજીભાઈ માસ્તર ગયાં ગામના વણિક પાસે એમની પાસે મોટી ચાર દુકાનો ખાલી હતી મેઈન બજાર માં!!

“વાણીયા દા ગોળ પલળે એમ છે મહિનો દિવસ માટે તમારી ચાર દુકાનો જોઈએ છે ભાડું જે થાય તે પણ દુકાનો આપવી પડશે.” વાણીયા દા એ ચાર દુકાનો આપી આમ તો એ દુકાનો ખાલી હતી સિઝનમાં એ એમાં ખરીદેલી મગફળી ભરતાં એકમાં કપાસ ભરે!! ગામમાંથી હતાં એટલાં ટ્રેક્ટર મંગાવી લીધા. અને અલગ અલગ કલરના ગોળની ભેલી અલગ અલગ દુકાનમાં ગોઠવાણી!! આખો દિવસ ગયો સાંજે રાવજીભાઈ માસ્તર થાકીને ટે થઇ ગયાં!!.ગોળ ગોઠવાઈ ગયો!! દુકાનો પાકી એટલે કોઈ વાંધો નહિ આવે અને આતો માવઠા જેવું છે એટલે વાંધો નહિ આવે એવું લાગતા રાવજીભાઈ એ નિરાંતનો શ્વાસ લીધો.

પણ બીજે દિવસે ઝરમરીયું શરુ થયું અને રાતે કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, દે ધનાધન!! વાતાવરણ ટાઢુંબોળ !! વરસાદ વરસતો ગયો !! જાણે કે શ્રાવણ માસની હેલી ચડી. ત્રણ દિવસ સતત વરસાદ!! ગામ આખું પાણી પાણી !! નદી બે કાંઠે!! નદીમાં ઘોડાપૂર આવ્યું!! ને આ બાજુ માસ્તરનો જીવ તાળવે ચોંટી ગયો કે ગોળનું શું થયું હશે!! જેવો વરસાદ બંધ થયો કે તરત જ દુકાનો ખોલી અને આ ભૂલ એમને ભારે પડી..!! જેવી દુકાન ખોલી કે ભેજ અંદર ઘુસ્યો!! વાણીયાદા એ ના પાડી કે મકાન પાકા છે બારીઓ નથી બારણા વલસાડી સાગના છે અંદર હવા પણ જાય એમ નથી પણ રાવજીભાઈ માસ્તર ના માન્યા!! દરેક દુકાનમાં લગભગ કોઈ વાંધો નહોતો આવ્યો. પણ ત્રણ દિવસ વરસાદ પડેલોને એટલે સહેજ ઢીલો થઇ ગયો હતો ગોળ અને રગેડા ચાલ્યા હતાં!! રાવજીભાઈ ગયાં વાણીયા દા પાસે!!

“આ તમારાં કપાસિયાના ભરેલા કોથળા આપોને ગોળની આડા મૂકી દેવા છે એટલે ભેજ ના લાગે!! ચારેય ઓરડામાં બારણાની કપાસિયા ભરેલા કોથળા મુક્યા!!અને પછી મકાન કર્યા પેક!! અને રાવજીભાઈ પાછાં ખુશ!! આકાશ સામું જોઇને બોલ્યાં!!

“હવે તારે આવવું હોય એટલુ આવ્ય હવે ગોળને કાઈ ના થાય!! અને સાંજે પાછો વરસાદ તૂટી પડ્યો!!મુશળધાર વરસાદ!! આખી રાત પડ્યો વરસાદ!! ભેજ થી ભીના થયેલા કપાસિયા પાસેથી ગોળે ભેજ લઇ લીધેલો અને ગોળની થઇ રસી!! ગોળ બરાબરનો એહર્યો!! ચોથે દિવસે ગોળ કપાસિયાના કોથળા માંથી પ્રગટ થયો કપાસિયાની કોથળીઓ ફાડીને ગોળ બહાર બજારમાં આંટો મારવા નીકળ્યો. પાંચમે દિવસે જેવી દુકાન ખોલી તો આ શું!! બધો ગોળ નો શેરો થઇ ગયેલો!! કપાસિયા ના કોથળા સોંપટ થઇ ને ગોળે માર્ગ કરી લીધેલો ચાર દુકાનમાં થઇ ને એંશી ગુણ કપાસિયા બગડ્યા!! ગોળના ઓરડાં વાસ મારે!! માથું ફાડી નાંખે એવી વાસ!! ગામ કીધું કે જેને જોઈ એ ગોળ લઇ જાય પણ કોણ લઇ જાય આવો ગોળ!! કોઈ ચકલુંય ના ફરક્યું!!

ખરાડ થઇ ને કપાસિયા કાઢ્યા નાંખ્યા ધારે ને રામા ભરવાડની ભેંશે એ કપાસિયા ખાધા ને ઝેર ચડ્યું ને ભેંશ મરી ગઈ ને ગામમાં થયો દેકારો!! માસ્તરની ઘર આગળ થયા ભેગા બધાં ભરવાડ લાક્ડીયું લઈને અને કીધું.

‘ “કપાસીયા યા ખુલ્લામાં નાંખીને માલઢોર મારી નાંખવા છે અમારા કે શું, અને ભેંશ મરી ગઈ એનાં પૈસા લાવો સારામાં સારી ભેંશ હતી ઈ જ મરી ગઈ છે. ” રાવજીભાઈને પરસેવો વળી ગયો.. ગોળ એનાં ગળે પડ્યો હતો!!. ત્રીસ હજારમાં માંડ માંડ પતાવ્યું ભેંશુનું!! એ વખતના ત્રીસ હજાર એટલે આજના લાખ ગણાય.. જેઠાબાપા એ ચલમ બાજુમાં મૂકી ને કહ્યું.

“પછી શું થયું” પંકજ બોલ્યો અને વળી જેઠા બાપાએ કહ્યું.
“પછી તો ગામમાં બમણા ભાવે દાડિયા કર્યા ધારમાં ખોદાવ્યા ખાડા અને એમાં કપાસિયા દાટ્યા. માસ્તર સારી પેટે ખરપાઈ ગયેલાં. ગોળ સાવ રાબડું થઇ ગયેલો તે એને નાંખવો કયાં?? કોઈ પોતાની વાડી પાસે નાંખવા ના દયે!! બધાને બીક લાગે કે ઝેરી ગોળ છે એવો વહેમ ઘુસી ગયેલો..પછી પેલી મોટી ટેકરી દેખાય છે ને ત્યાં સરકારી પડતર છે ત્યાં કર્યો મોટો ખાડો.. ત્રીસ ત્રીસ દાડિયાએ ખાડો કર્યો. ગામમાંથી ભર્યો ગોળ ટ્રેકટરમાં!! ટ્રેકટરમાંથી ગોળ હેઠો પડે!! કુતરું પણ આઘું ભાગે!! એવી વાસ આવે કે જાણે મોલાસીસ હોય!! દેશી દારુ જેવી વાસ આવે!! બે અઠવાડિયે ગોળવાળી ચાર દુકાન સાફ થઈ !! માસ્તરનું આખું વેકેશન બગડ્યું. દસેક કિલો વજન પણ ઘટી ગયેલું!! હવે ભારે થઇ વાણીયા દા ના જે દુકાનમાં ગોળ ભર્યો તો એ દુકાનોમાં ગોળ ખાલી કર્યા ભેગા જુનવાણી પ્લાસ્ટરના પોપડા પડ્યા!! ગોળ સડવાને કારણે ચૂનો પણ સડ્યો ને વાણીયા દા ખીજાણા કે માસ્તર તે તો મારી દુકાનની દઈ નાંખી!! તે ચાર કડિયા રાખ્યા ને એ ચારેય દુકાનમાં ફરીથી પ્લાસ્ટર કરાવ્યું .. રંગ કરાવી દીધો અને બે મહિનાનું ભાડું પણ દીધું!! અને નીચે કાળી પડી ગયેલી લાદીની જગ્યાએ કોટા નંખાવી દીધા. વાણીયા દા એ દુકાનો નવી કરાવી લીધી. રાવજીભાઈ નો ખેલ કુદરતે પાડી દીધો હતો.

વેકેશન ખુલ્યું એટલે પેલી વાર રાવજીભાઈના બાપા આવ્યાં અને હિસાબ કર્યો તો પાંચ વરસમાં એ ગુજરાત ૧૭ ચોખા અને કડબ કાપવાના સુડા અને પગારમાં જેટલી કમાણી કરી હતી એટલી તો ગઈ ઉપરાંત ચાલીશ હજાર ચૂકવવાના થયા.. ફારમના, ગોળ કાઢવાની મજુરી ના અને બધો ખર્ચો માથે પડ્યો.. એ પૈસા બે વરસે માંડ માંડ કરીને એનાં બાપે ચૂકવ્યા!! અને પછી તો એ બદલી કરીને માતર બાજુ જતાં રહ્યા. ત્રણ વરસમાં એ માસ્તર માથે કરીને અહીંથી ગયો પછી તો એ જ્યાં લગી રહ્યા ત્યાં સુધી ભણાવવા સિવાય બીજો કોઈ ધંધો એમણે કરેલો જ નહિ!! અને ગામનાં બધાં જ નાના મોટા એ નીકળે ને ત્યારે “રાવજી સાહેબ ગોળવાલા” એમ જ બોલાવતા. ત્રણ વરસ પહેલા એ રાવજી માસ્તરના છોકરાના લગ્ન હતાં કંકોતરી ગામમાં આવી બીજું તો કોઈ ના ગયું પણ ટપુ ગીગા લગનમાં ગયાં અને પોતાની વાડીનો દેશી ગોળ લેતાં ગયેલાં. અને માસ્તરના દીકરાના મામેરા એણે ગોળથી પૂરેલા આવું હતું પંકજ ભાઈ એ સાહેબનું તો હાલો આપણે ત્યાં બપોરા કરવા તમારે એકલાં રાંધવાની માથાકૂટ નહિ” જેઠાદાદા એ વાત પૂરી કરીને બધાં હસી પડ્યા. પંકજભાઈ ના પાડતા રહ્યા તોય જેઠા બાપા એનો હાથ પકડીને ઘરે જમવા લઇ ગયાં!!

બાજરાનો રોટલો અને ઓળો હતો જમવામાં અને જેઠાબાપા એ ગોળ મંગાવીને કીધું માસ્તર તમે આજ ગોળ ખાવ દેશી ગોળમાં ખુબ મજા આવે!! અને આ તો ટપુ ગીગાનો ગોળ છે. અને પછી જેઠાબાપા અને પંકજભાઈ બેય રોટલાં અને ઓળા પર ગોળની મદદથી તૂટી પડ્યા.

લેખક : મુકેશ સોજીત્રા

શેર કરો અને દરરોજ અલગ અલગ વાર્તા અને જાણવા જેવું મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી