મુકેશ સોજીત્રા લિખિત “ચમેલીની સુગંધ” તમારા જીવનમાં ભરી દેશે નવી ખુશ્બૂ…અત્યારે જ વાંચજો..

અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ ચાંદખેડા વિસ્તારમાં આવેલ એક રો હાઉસમાં સવારના પાંચ વાગ્યે માધવી જાગી. પતિ અનમોલ અને બે વરસનો પુત્ર આલોક હજુ સુતો હતો. સાસુ સસરા જાગી ગયાં હતાં. જાગીને માધવીએ ચા બનાવી અને સાસુ સસરાના રૂમમાં ચા દઈ આવી. પોતે બાલ્કનીમાં એક ટેબલ પર બેઠી. ટેબલના ખાનામાંથી એક લાલ રંગની નોટબુક કાઢી અને આજની તારીખ લખીને એણે નોટબુકમાં આ પ્રમાણે ટપકાવ્યું.

“ઉગતાં સૂર્યની જેમ હું રોજ તારી રાહ જોઈશ. જિંદગીના શ્વાસે શ્વાસે હું તારું સ્મરણ કરીશ. તુ મળે કે ના મળે એનો કોઈ જ સવાલ નથી પણ તારા આવવાના વિચારોમાં ખોવાઈ જવાની પણ એક મજા હોય છે. તારો અહેસાસ જિંદગીની છેલ્લી ક્ષણ સુધી મારામાં ધબકતો રહેશે. કહેવાય છે કે માણસ હાર્ટ બીટ થી જીવે છે પણ તારી અપાર અને અમાપ યાદોથી હું જીવી રહી છું. કદાચ હાર્ટ બીટ બંધ થાય તો પણ તારી ઝંખના અને તારો અહેસાસ મારામાં ધબકતો રહેશે. દર્દમાં જીવવાની એક મજા હોય છે. પ્રેમનું દર્દ એ મીઠું દર્દ હોય છે, બહુ ઓછા અને ભાગ્યશાળી લોકોને જ આવું દર્દ મળે છે.કહેવાય છે કે કોઈ પણ દર્દની દવા હોય જ પણ અમુક દર્દ એવા હોય છે કે જે આજીવન માણી શકાય. એ જન્મોજન્મ સુધી મટતા નથી. ચારેય બાજુથી અવિરત આવી રહેલાં પક્ષીઓના કોલાહલમાં મને તારો ભાસ થાય છે”
“માધવની માધવી”

માધવીને રોજ નોટબુકમાં એક વિચાર લખવાની ટેવ હતી. આ ટેવ એ કોલેજના પ્રથમ વરસમાં હતી ત્યારથી જ હતી. આજથી પાંચ વરસ પહેલા એની અને અનમોલ ની સગાઈની વાત ચાલી અને જ્યારે માધવીના ઘરે જ અનમોલ એને પ્રથમ વાર મળ્યો હતો. એ વખતે જ અનમોલે એને પૂછેલી.

“લગ્ન બાદ એવી કઈ વસ્તુનો તું આગ્રહ રાખે છે કે જે કાયમ ચાલુ રહેવી જોઈએ. તને કોઈ શોખ છે કે જે તું આજીવન નિભાવવા માંગતી હોય” જવાબમાં માધવી હળવું હસીને એણે એક લાલ નોટબુક અનમોલને આપી હતી તેનાં દરેક પાના પર માધવીના અવનવા મૌલિક વિચારો ડે ટુ ડે ટાંકેલા હતાં. આલોક વાંચતો ગયો અને ખોવાતો ગયો. અંદરનું લખાણ કઈ અલગ જ હતું. બે ત્રણ દિવસના વિચારો વાંચીને એણે કહ્યું.
“માધવી તું સરસ લખે છે, આની આપણે એક બુક બહાર પાડીશું. મને ખુબ ગમ્યું. જોકે હું સાહિત્યનો શોખીન નથી. હું વાણીજ્યનો માણસ છું. પણ કોલેજમાં મારા સાહેબ અમને કહેતા કે તમે કોમર્સવાળા જ્યારે પણ છોકરી પસંદ કરોને ત્યારે આર્ટસ વાળી અને સાહિત્યના વિચારો ધરાવતી છોકરી પસંદ કરજો. સાહિત્ય સમજતી છોકરીઓ તમને ભરપુર પ્રેમ કરશે. અને તમે કોમર્સના એટલે ભરપુર કમાશો. આમ કમાણી અને પ્રેમનો સુભગ સમન્વય થતાં તમે જીવનની સાચી મજા માણી શકશો. આ હું તમને અનુભવે કહું છું કે જીવન જીવવા માટે આર્ટસની છોકરી સહુથી વધુ શ્રેષ્ઠ ગણાય” અનમોલે કહ્યું.

“બસ નિજાનંદ માટે લખું છું. આવી ઘણી નોટબુક ભરાઈ ગઈ છે. અમુક લખાણ પોતાના માટે હોય છે.અમુક લખાણ સમાજ માટે હોય છે. હું ઈચ્છું કે જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું આમ જ લખતી રહું. કોઈ ખાસ કારણ તો નથી પણ બસ મજા આવે છે એટલે લખું છું.” માધવીએ કહ્યું. પછી તો ઘણી બધી વાતો થઇ, વચ્ચે વચ્ચે અનમોલ એ લાલ રંગની નોટબુકમાંથી વાંચતો પણ જાય અને વખાણતો પણ જાય અને એ વસ્તુ માધવીને બહુ જ ગમી. આમેય કોઈક તમારા લખણ અને લખાણના વખાણ કરે એતો સહુને ગમે જ ને!!
આઠ જ દિવસમાં માધવી અને અનમોલનું વેવિશાળ થઇ ગયું. ચાર જ મહિનામાં તેઓ પરણી ગયાં. અનમોલ મૂળ વડોદરાનો હતો. અને તે સુરતની એક કંપનીમાં સારા હોદ્દા પર હતો. એના મમ્મી પાપા બેય રીટાયર્ડ સરકારી ઓફિસર હતાં. પૈસાની કોઈ કમી ના હતી.રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ એમ ચાર જગ્યાએ તેમના ઘરનાં બંગલા હતાં. લગ્ન વખતે તેઓ વડોદરા રહેતાં હતાં. માધવીના પાપા ભાવનગરની એક હાઈસ્કુલમાં શિક્ષક હતાં. આમ તો તેઓ બાજુના ગામના હતા પણ પછી સંતાનો ને ભણાવવા માટે તે ભાવનગર શિફ્ટ થઇ ગયાં હતાં. માધવી થી મોટા બને ભાઈઓ પણ ભાવનગરમાં વેલ સેટ હતાં. ધામધુમથી પરણીને માધવી વડોદરા આવી હતી. લગ્ન બાદ તેઓ હનીમુન માટે કેન્યા ગયાં હતાં. માધવીના મોટા બાપા વરસો પહેલા કેન્યા સ્થાયી થયાં હતાં. ત્યાં તેઓ સારું કમાયા હતાં. અને લગનમાં જયારે મોટાબાપા આવ્યા ત્યારે એણે અનમોલ અને માધવીને કીધું હતું કે તમ્મે કેન્યા આવો. કેન્યામાં માધવી અને અનમોલે પોતાની સુખી જિંદગીને ભરપુર માણી હતી. રાબેતા મુજબ જ માધવી લાલ નોટબુકમાં રોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને એક ફકરો લખતી. ક્યારેક અનમોલ એ વાંચે પણ ખરો. એક વખત અનમોલે પૂછ્યું પણ ખરું કે.
“આ તું છેલ્લે “માધવની માધવી” લખે છે એ મને હજુ ના સમજાયું.”

“હવે પછી હું “અનમોલની માધવી” એમ લખીશ તો સમજાશે ને ??? એ પ્રાસમાં બેસી ગયું એટલે “માધવની માધવી” એમ લખું છું. માધવ એટલે કૃષ્ણ અને હિંદુ ધર્મમાં કોઈ પણ છોકરી કૃષ્ણ ને છૂટ થી ચાહી શકે એવી છૂટ મળેલી છે એ તો આપ જાણતા જ હશો. એ માધવ કોઈ કોઈ વ્યક્તિ નથી પણ એક એહેસાસ છે!!પણ જવા દો જેને હંમેશા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જ જોઈએ એમાં માનતા હોય એ કોમર્સ વાળાને ક્યાંથી સમજાય??? માધવીએ બનાવતી ગુસ્સો કર્યો.

પત્ની હસતી હોય ત્યારે રૂપાળી જ લાગે પણ એ જ પત્ની જ્યારે બનાવટી ગુસ્સો કરે ત્યારે વધુ રૂપાળી લાગતી હોય છે. અને અનમોલે તરત જ માધવીને પોતાના અપાર પ્રેમપાશમાં ડુબાડી દીધી હતી. બે વરસ વડોદરા રહ્યા પછી. અનમોલની બદલી સુરત થઇ. ત્રણ વરસ સુરતમાં વિતાવ્યા બાદ.હજુ છ માસ પહેલા જ તેઓ અમદાવાદ આવ્યા હતાં.વરસોથી ચાંદખેડામાં લીધેલ રો હાઉસ ખાલી જ પડેલું હતું.અને હવે અનમોલને આ અમદાવાદમાં પરમેનેન્ટ પોસ્ટીંગ થઇ ગયું હતું એટલે હવે કોઈ જ ઉપાધિ નહોતી. લગ્નના છ વરસના સમયગાળા દરમ્યાન માધવીએ એ એક પુત્રનો જન્મ આપ્યો હતો. નામ પાડ્યું હતું આકાર..!! આકાર નામ પણ માધવીએ જ પાડેલું..
“કહેવાય છે કે અનમોલ પ્રેમ અને ઈશ્વર એ નિરાકાર છે.પણ પ્રેમનું એક સ્વરૂપ હોય છે એક આકાર હોય છે.તારી ઝંખના હતીને કે માધવી જલદી એક સંતાન દઈ દે તો અનમોલ તારું સપનું સાકાર થયું છે ને તો આ પુત્રનું નામ આપણે આકાર પાડીએ છીએ!! આપણા બંનેના સ્નેહનો નું સ્વરૂપ આ આકાર છે.” માધવીએ પોતાનાં પુત્રને વહાલ કરતાં કહ્યું. અને શ્રેષ્ઠ પતિ એવા અનમોલે આ વાત પણ માની લીધેલી.

જે પત્નીની મોટાભાગની વાત વિના દલીલે માની લે એવા પતિઓ સમાજમાં શ્રેષ્ઠ પતિઓ ગણાય છે. સમય વીતતો ચાલ્યો. આકારના જન્મ પછી પણ માધવીની લાલ નોટબુકમાં દરરોજ એક ટૂંકું લખાણ લખવાનો ક્રમ જારી રહ્યો.

એક દિવસ અનમોલ કોઈ કામ સબબ વલ્લભ વિદ્યાનગર ગયો હતો. અને સાંજે આવ્યો ત્યારે માધવી માટે એ એક ભેટ લેતો આવ્યો. સાંજે એણે પેકેટ ખોલ્યું અને માધવી ચોંકી ગઈ.એમાં વલ્લભ વિદ્યાનગરનું ચમેલું નું અત્તર હતું. માધવી એકીટશે અનમોલ ને તાકી રહી. અનમોલે મૌન તોડ્યું.
“મેઈન બજારમાં ચમેલીનું અત્તર જોઈ ગયો. મને પસંદ છે આ અત્તર એટલે લેતો આવ્યો અને આમેય હું તને પ્રથમ વખત જોવા આવ્યો ત્યારે તારી લાલ નોટબુકમાંથી ચમેલીના અત્તરની સુગંધ આવતી હતી એટલે તને ગમતું હશે એમ માનીને લઇ લીધું.. તને ગમ્યું તો ખરુંને માધુ” અનમોલ ખુબ જ વહાલમાં હોય ત્યારે એ માધવીને માધુ કહેતો.
“હા મને પણ ચમેલીનું સુગંધ ખુબ જ એટલે ખુબજ ગમે એમ કહીને એણે ચમેલીનું એ અત્તર એ પોતાના નાક પાસે લઇ ગઈ!! અને એ સુગંધ સાથે જ એ પોતાના આઠ વરસ પહેલાનાં સમયમાં પહોંચી ગઈ, સુગંધની સાથે એને એક પછી એક ચિત્રો દેખાઈ રહ્યા હતાં…. માનસી, ચેતના,… વલ્લભ વિદ્યાનગર ના કોલેજના ત્રણ વરસ અને ખાસ તો એને કરણ દેખાયો!!! કરણ!!! અને ચમેલી ની સુગંધ!!!
વલ્લભ વિદ્યાનગર!!!

માધવી ૧૨ સુધી તો ભાવનગરમાં પોતાના પિતાજીની સાથે જ રહીને ભણી હતી. પણ એના મોટા બાપા જે કેન્યા હતાં એની એક દીકરી ચેતનાને એણે વલ્લભ વિદ્યાનગરમાં ભણવા મોકલી હતી એટલે ચેતનાને એકલું ના લાગે એટલે માધવીના પાપાએ માધવીને પણ વલ્લભ વિદ્યાનગર કોલેજ કરવા મોકલી હતી. માધવી સાથે ચેતના અને બીજી એક માનસી નામની છોકરી પણ હતી. તેઓ વલ્લભ વિદ્યાનગરમાં એક રૂમ ભાડે રાખીને રહેતાં હતાં. કોલેજના પ્રથમ વરસમાં એની મુલાકાત કરણ સાથે થઇ હતી!!
કરણ પટેલ!!

એક ખાતા પિતા ઘરનો સુખી છોકરો હતો. શ્રીમંત હતો પણ એનું કોઈ અભિમાન કે આછકલાઈ એના વર્તનમાં કે વ્યવહારમાં નહોતી. રોજ જીમમાં જવાને કારણે એકદમ મજબુત અને કસાયેલું શરીર. હસવા સિવાય બીજું કોઈ જ વ્યસન નહિ એટલે કોલેજની મોટાભાગની છોકરીઓ એની પર મરતી અને ફ્રેન્ડશીપ કરવા માટે સતત આતુર રહેતી. પણ કરણ જેનું નામ એ લગભગ કોઈને ખાસ ભાવ ના આપતો. કોઈ છોકરી એને પ્રપોઝ કરે તો એ ખુબ જ પ્રેમથી વિવેકસભર રીતે એનો સાદર અપોઝ કરતો અને કહેતો.
“આપની પસંદગીથી પ્રસન્નતા અનુભવું છું.. એક ધન્યતાનો અનુભવ પણ થાય છે પણ હું કોઈ ખોટા વચન કે વાયદા નહિ કરું કે જે પછી થી નિભાવી ના શકું!! રક્ષા બંધનના દિવસે બેધડક રાખડી બાંધી શકો છો પણ આ ગુલાબ બીજા કોઈ છોકરા માટે રહેવા દો”!! સહુ એની આ અદા પર વારી જતાં. કારણ બીજા કોઈ છોકરીઓના ગ્રુપ કરતાં આ માધવીના ગ્રુપમાં સરળતાથી ભળી ગયો હતો જેમ સોડામાં લીંબુ ભળે એમજ!! માધવી મનોમન કરણને ચાહવા લાગી હતી. ચેતના અને માનસીને પણ માધવીની આ મનોદશાની ખબર હતી એટલે એણે પોતાની રીતે બીજા બે યુવાનો સાથે મૈત્રી કેળવી લીધી અને કરણને એકલો માધવી માટે છોડી દીધો.
કોલેજના ત્રણ વરસોમાં માધવી કરણને દિન પ્રતિદિન વધારે ચાહવા લાગી હતી. પણ એમને એકરાર નહોતો કર્યો. માનસી ક્યારેક કહેતી.
“માધવી ચોખવટ કરી લેવાય…. ખોટા વ્હેમમાં રહેવાનો જમાનો નથી… કરણ ને તારી લાગણી ની જાણ કરી દેવાય…. ઘણી વાર બંધ બાજીમાં છેલ્લે ખાલી પંજો જ નીકળતો હોય છે ત્યારે પસ્તાવાનો પાર રહેતો નથી અને ઘણું મોડું થઇ જતું હોય છે!!!”

“ પ્રેમ મારા માટે એક અલગ વસ્તુ છે.ચેતના તને એ નહિ સમજાય!! કરણ ને જોયો ત્યારથી જ એને હું દિલ દઈ બેઠી છું!! પ્રેમ એક એવી વસ્તુ છે કે એ વન સાઈડ પણ થઇ શકે!! એ કદાચ મને પ્રેમ કરતો હશે કે નહિ પણ હું તો એને પ્રેમ કરું છું એ મને ખબર છે અને જીવનભર કરતી રહીશ.. કદાચ એ મને પ્રેમ ના કરે તો એ એનો પ્રશ્ન છે… જ્યાં સુધી મારો પ્રશ્ન છે ત્યાં સુધી મેં ઉકેલ લાવી જ દીધો છે કે હું એને અનહદ ચાહું છું. એક વખત એની સાથે એકરાર કરી લઈશ. પણ એ સ્વીકાર કરે કે ના કરે મને કશો ફરક નહિ પડે. એ જો સ્વીકારશે તો હું દુનિયાની સહુથી ભાગ્યશાળી સ્ત્રી બની જઈશ અને નહિ સ્વીકારે તો એની યાદોમાં જીવી લઈશ… યાદોમાં જીવવાની એક અલગ મજા હોય છે… યાદ માં કદી ફરિયાદ નથી હોતી… અને તને ખબર છે માનસી કે એકતરફી પ્રેમમાં એક મોટો ફાયદો એ હોય છે કે એમાં કદી તમારે તમારા પ્રિય પાત્ર સાથે ઝગડો થતો જ નથી!! એ યને એની સાથે યાદોમાં આઠે પહોર આનંદ હોય છે” જવાબમાં માનસી કશું જ ના બોલી પણ એને લાગ્યું કે માધવીની વાત સમજવી એ જેવી તેવી વ્યક્તિનું કામ નથી જ!!
બસ પછી તો માધવી રોજ સવારે પાંચ વાગ્યે વહેલા ઉઠીને એક ફકરો પોતાની લાલ રંગની નોટબુકમાં લખતી. અને એ નોટબુક કોઈને પણ બતાવતી નહિ, કોલેજે કરણ આવે અને વાતાવરણમાં ચમેલીની સુગંધ ફેલાઈ જાય. કરણને ચમેલી નું અત્તર ખુબ જ ગમતું. ઘણી છોકરીઓ એની પાસે અત્તર માંગતી પણ કરણ કોઈને પણ અત્તરનું એક પૂમડું પણ ના આપે પણ માધવીને એ સામેથી અત્તરની એક શીશી આપી દેતો. માધવીને જ કરણ ની બાઈક પાછળ બેસવાનું સૌભાગ્ય મળતું. બીજી કોઈ છોકરીને કરણ ક્યારેય પોતાની બાઈક પાછળ બેસાડતો જ નહિ. બધાને એમ જ લાગતું કે માધવી નસીબદાર છે અને એનાં ભાગ્ય ખુલી ગયાં છે.. કરણ જેવો શ્રીમંત અને સંસ્કારી છોકરો જેને મળે એ તો ભાગ્યશાળી કહેવાયને!!

કરણ ના પાપાને બાઈકના બે શો રૂમ હતાં અને એટલે જ કરણ પાસે હંમેશા નિત નવી બાઈક જ રહેતી, બાઈક વિષે કરણને અદ્ભુત જ્ઞાન હતું. એક એક નટ બોલ્ટ અને એક એક સીસ્ટમ થી કરણ વાકેફ હતો. ક્યારેક ચેતના કહેતી.

“કરણ તું કોની સાથે લગ્ન કરવાનો છે એ તો કહે?? તું કશો જ ફોડ નથી ફાડતો એમાં કોલેજની ઘણી યુવતીઓ રાહમાં છે… તું તારા પતા ખોલ એટલે સહુ સહુ પોતાનો રસ્તો તો ગોતી લે!!! કે પછી પરણવાનો વિચાર જ નથી. ચેતના જ્યારે આ વાત કરણને કહેતી ત્યારે માધવી એકીટશે કરણ સામે જોઈ રહેતી. અને કરણ બોલતો.
“અત્યારે તો આ એક ચમેલીની સુગંધ અને બીજી એક આ બાઈક સિવાય બીજો કોઈ શોખ નથી. નાનપણ થી જ થોડો જીદ્દી છું અમુક બાબતમાં એટલે પ્રેમ ,લગ્ન, અને સંતાન વિષે કોઈ જ વિચાર્યું નથી. બસ જીવનમાં સહુ સાથે હળીમળીને રહેવું અને પ્રકૃતિને માણવી એ જ મારો જીવનમંત્ર છે. હું કોઈ જ બંધનમાં બંધાવા નથી માંગતો!! આ મારો વર્તમાન છે પછી ભવિષ્યમાં કદાચ આ વિચાર ફરી જાય તો જોયું જશે બાકી અત્યારે છું એમાં આનંદ છે” અને માધવીનો ચહેરો ખીલી ઉઠતો. વળી ચેતના અને માનસીને બાંકડા પર એકલા છોડીને કરણ અને માધવી બાઈક પર લોંગ ડ્રાઈવ પર નીકળી જતાં.

માધવીને કરણની ઘણી બધી બાબતો ગમતી. આમ તો કોઈ વ્યક્તિ તમને અનહદ ગમે એટલે એની લગભગ દરેક બાબતો તમને આપોઆપ ગમતી જ હોય છે. કરણ શ્રીમંત હતો પણ એટલો જ દયાવાન હતો. એ જરૂરિયાતમંદ લોકોને હંમેશા મદદ કરતો.એ એનો જન્મદિવસ ઝુપડપટ્ટીમાં જઈને બાળકો સાથે ઉજવણી કરતો. ઘણાં વિદ્યાર્થીઓને પણ એ છુપી મદદ કરતો.એ માધવી સાથે હમેશા રોડ સાઈડ પર આવેલ ધાબામાં જ જમી લે તો અને ત્યાં પણ વેઈટરને ખુબ મોટી ટીપ્સ આપતો. માધવી હવે તેને સો ટકા ચાહવા લાગી હતી. આખરે એ દિવસ આવી પહોંચ્યો. કોલેજની પરિક્ષાઓ પતી ગઈ હતી. ચેતના આફ્રિકા જતી રહેવાની હતી. માધવી પણ હવે ભાવનગર જવાની હતી. એ લગભગ આગળ ભણવા માંગતી ના હતી. માધવીના પિતા હવે એના માટે મુરતિયો શોધી રહ્યા હતાં. વેકેશન ના છેલ્લા દિવસે કરણની બાઈક પાછળ બેસીને માધવી હાઈવે પર જતી હતી. એક ધાબા પર બાઈક ઉભી રાખીને માધવીએ કરણ ને સીધું પૂછી જ લીધું.

“કરણ તે શું વિચાર્યું છે લગ્ન વિષે.. હું તને ખુબ જ ચાહું છું… ચાહતી રહીશ.. લગ્ન થાય તો સાથે જિંદગી વિતાવવાની મજા આવશે પણ તારા જીવનમાં બીજી કોઈ છોકરી હોય તો હું આડે નહિ આવું”

“તું મારી એક ખાસ મિત્ર છો.. એક પ્રેમી કરતાં પણ વધારે છો.. બીજું કોઈ મારા જીવનમાં છે જ નહિ.. એ તું જાણે જ છે.. પણ લગ્ન કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી.. હું કોઈની સાથે અત્યારે તો લગ્ન કરવા માંગતો નથી.. હું પણ આગળ ભણવા પણ નથી માંગતો.. પાપાનો બિજનેશ સંભાળવા માંગુ છું.. એવું નથી કે તારામાં કોઈ ઉણપ છે.. કોઈ જ ઉણપ નથી..પણ લગ્ન કરવાનો કદી ખ્યાલ મારા મગજમાં આવ્યો જ નથી… ખબર નહિ કે હું આવો કેમ છું” કરણે માધવી સામે જોઇને કહ્યું. બને એ ઘણી વાતો કરી. જુદા પડતી વેળાએ એક ચમેલીની અત્તરની બોટલ કરણે માધવીને આપી. માધવીએ એ કહ્યું.
“કરણ એક છેલ્લી ઈચ્છા છે પૂરી કરીશ??”
“ હા બોલ “ કરણે કહ્યું.

“બસ એક વાર તને ભેટવા માંગું છું” અને કરણે એના બેય હાથ પહોળા કર્યા અને માધવી પોતાની ચાહતના દરિયામાં પહેલી વાર ખોવાઈ ગઈ. ત્રણ વરસમાં પ્રથમ વાર માધવી કરણને આમ ભેટી રહી હતી. બસ પછી તેઓ મોડી રાતે છુટા પડયા. માધવી ભાવનગર આવી. લાલ નોટબુકમાં દરરોજ લખવાનો ક્રમ શરુ જ રહ્યો. પ[પછી તો એ અનમોલને પરણી ગઈ અને આજે ચમેલીની સુગંધે એને પાછી કોલેજ કાળની યાદ અપાવી દીધી.
અને હવે તો એ અમદાવાદ આવી ગઈ હતી. વડોદરા અને સુરત કરતાં અમદાવાદ કંઇક જુદું જ હતું. કરણ થી છુટા પડયા એને સાત વરસ વીતી ગયાં હતાં. વલ્લભ વિદ્યાનગર છોડ્યા પછી એણે ક્યારેય કરણ ના સમાચાર પૂછવાની ઈચ્છા નહોતી થઇ. લગ્ન પછી તો એણે બસ લાલ નોટબુકમાં એક ફકરો લખવાની ટેવ રાખી હતી. બાકી એ એની જીંદગીમાં મસ્ત હતી. ભલો એનો પતિ અને ભલો એનો દીકરો આકાર!! આમેય પ્રથમ સંતાનના જન્મ પછી સ્ત્રીની દુનિયા સીમિત થઇ જાય છે અને એના સ્નેહનો સાગર એક માત્ર પોતાના સંતાન માટે જ હોય છે.

એક દિવસ એ અનમોલ સાથે કારમાં બેસીને ઓઢવ રીંગ રોડ પર જતી હતી. એક સબંધીને ત્યાં જમવાનું હતું વસ્ત્રાલ બાજુ. આકાર એના ખોળામાં બેઠો હતો. અને એક જગ્યાએ કાર ઓચિંતી બંધ થઇ ગઈ. અનમોલે ઘણાં પ્રયત્નો પણ કાર શરુ ના થઇ. બાજુમાં એક પાનવાળા ને પૂછ્યું તો જવાબ મળ્યો કે થોડેક દૂર જ એક ગેરેજ છે. અને કારીગર સારો છે. તમે એને બોલાવી લાવો એટલે એ જરૂર આવશે. અનમોલ ગેરેજ બાજુ ગયો અને માધવી આકારને તેડીને કારની બાજુમાં ઉભી રહી.દસેક મિનીટ બાદ એક બાઈક આવ્યું!! અને વાતાવરણમાં એક ચમેલીની સુગંધ પ્રસરી ગઈ!! માધવીની આંખો દંગ રહી ગઈ જયારે એણે કરણને મિકેનીકના રૂપમાં જોયો!! એ જ કસાયેલું શરીર!! આંખોમાં એ જ ચમક!! ગેરેજમાં કામ કરીને મેલું ઘેલું જીન્સ અને એવું જ કધોણીયુ થઇ ગયેલ બ્લેક ટી શર્ટ!! માધવી અને કરણની આંખો મળી!! અને બને નવાઈમાં ડૂબી ગયાં!! આ રીતે બને મળશે એવી કલ્પના તો એણે સપનામાં પણ નહોતી કરી.

“અરે કરણ તું???!! માધવીએ કહ્યું. જવાબમાં કરણ હસ્યો. માધવીએ અનમોલને પરિચય આપ્યો. અને કરણ બોનેટ ખોલીને ગાડી રીપેર કરવા લાગ્યો. ગાડી શરુ થઇ અને કરણે કહ્યું.

“સાહેબ ગાડી ગેરેજ પર લઇ લો, ત્યાં એક સ્પેરપાર્ટસ નાંખવો પડશે, અત્યારે તો કામચલાઉ શરુ થઇ ગઈ છે પણ લાંબુ નહિ ચાલે” આટલું કહીને એ પોતાની બાઈક પર જતો રહ્યો. માધવી તો ભાન ભૂલી ગઈ હતી. બે બાઈકોના શો રૂમનો માલિક એક સામાન્ય ગેરેજ માં મિકેનીકના સ્વરૂપે!! એ માની જ નહોતી શક્તિ. કરણ નું ગેરેજ આવી ગયું. કરણે બે સ્ટુલ સાફ કર્યા અને અનમોલ અને માધવી એની પર બેઠાં. કરણ ફટાફટ સ્પેર પાર્ટ્સ બદલવા લાગ્યો.ગેરેજ ઘણું મોટું હતું. ચાર બીજા કારીગર હતાં.!! માધવી કરણની સામે જ જોઈ રહી હતી. અનમોલ બાજુમાં પડેલ છાપું વાંચી રહ્યો હતો.

“પાપા!!! પાપા!! લવ યુ પાપા!!! ચાલો મને નર્સરીમાં મૂકી જાવ ને પાપા!!” એક પાંચ વરસની છોકરી આવીને કરણને વળગી પડી. કરણે એને વ્હાલ કર્યું. માધવીની નજર ચમકી ઉઠી. બાજુમાં એક ઠીક ઠાક કહી શકાય એવી બહુ રૂપાળી નહિ પણ થોડી શ્યામ એવી એક સ્ત્રી ઉભી હતી!!
“બેટા આ કાર રીપેર થઇ જાય ને પછી મૂકી જાવ” કરણે કહ્યું.
“ઊર્જા પાપાને કામ કરવા દે” પેલી સ્ત્રી બોલી. પણ ઊર્જા તો કરણ ને વળગી જ પડી.

“મારી દીકરી છે, હજુ પાંચ વરસની થઇ છે સીનીયર કેજીમાં ભણે છે. એની મમ્મી સાથે એ ક્યારેય નિશાળે ના જાય. બસ મારે જ મુકવા જવી પડે. આ રોડની સામે નાનકડું વાદળી રંગનું મકાન છે ને એ મારું છે.. આ ઉર્જાને બાળ મંદિરમાં મુકીને હું હમણાં જ આવું. આ મારી પત્ની છે અંજના,!! અને અંજના આ માધવી એ મારી સાથે વલ્લભ વિદ્યાનગર કોલેજમાં હતી અને આ છે એમના પતિદેવ અનમોલ તું એમની પાસે બેસ!! ચાલ બેટા તારી વોટરબેગ લઇ લે” કરણે પરિચય આપ્યો અને ઉર્જાને લઈને કરણ ચાલતો થયો. અંજના માધવી પાસે આવીને બેસી ગઈ. માધવીએ અંજનાને નખશિખ નીરખી લીધી. સાવ સામાન્ય કહી શકાય એવું એનું રૂપ હતું. એવી કોઈ બાબત અંજનામાં ના દેખાઈ કે કરણ એની સાથે મેરેજ કરી લે!! કરણ તો લગ્નની ના પાડતો હતો .. એવી કઈ બાબત હશે કે કરણને મીકેનીકનું કામ કરવું પડયું..?? પંચ વરસની તો છોકરી છે કરણને એટલે લગ્ન ને છ વરસ તો થયાં જ હોવા જોઈએ. માધવીનું મન ચકરાવે ચડી ગયું. અંજના સાથે વાતચીતમાં એણે એટલું તો જાણી જ લીધું કે છ વરસ પહેલાં એના લગ્ન થયાં છે અને કરણે છ વરસ થી આ ગેરેજ શરુ કર્યું છે, ઘરનું નાનકડું મકાન છે. ઉર્જા એક માત્ર તેમની દીકરી છે. ઊર્જાને મુકીને કરણ આવતો રહ્યો. ગાડી રીપેર થઇ ગઈ. કરણે એક રૂપિયો પણ ના લીધો. અનમોલે ખુબ આગ્રહ કર્યો પણ કરણ એક નો બે ના થયો.

“આવજો સાહેબ ક્યારેક આ બાજુ આવો ત્યારે.. સામે વાદળી રંગનું દેખાય છે એ નાનકડું મકાન મારું છે” કરણે કહ્યું અને ફરીવાર ઘર બતાવ્યું અને જવાબમાં અનમોલે ઘરનું એડ્રેસ આપ્યું. વાતાવરણમાં ચમેલીની સુગંધ હતી અને અનમોલે કાર વસ્ત્રાલ બાજુ મારી મૂકી. સગા ને ત્યાં જમવામાં પણ માધવીનું ચિત જરા પણ ના ચોંટ્યું. વારે વારે તેને કરણ , અંજના અને ઉર્જાનો ચહેરો દેખાતો હતો.!! કરણ આવી રીતે લગ્ન કરી લેશે!! અને એ પણ ઝડપથી!! એ એની કલ્પના બહારનું હતું!! માધવીના મનમાં ઘમાસાણ ચાલી જ રહ્યું હતું. લગ્ન જ કરવા હતાં તો પછી એનામાં શું ખોટ હતી??? પણ સાવ સામાન્ય અંજનામાં એ એવું તે શું ભાળી ગયો કે વલ્લભ વિદ્યાનગર છોડીને એ અમદાવાદ આવી ગયો ને ગેરેજ શરુ કરવું પડ્યું??? માધવીના મનમાં અપાર પ્રશ્નો ઉઠતાં હતાં. પણ જવાબ નહોતો મળતો. પંદર દિવસ પછી અનમોલને ત્રણ દિવસ કોલકતા જવાનું થયું. કંપની એક નવો પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહી હતી. અનમોલ એ માટે ચર્ચા વિચારણા કરવા કોલકતા જઈ રહ્યો હતો. માધવીએ આ તક ઝડપી લીધી. આકારને સાસુ સસરા પાસે મુકીને પોતે બે કલાકમાં આવશે એમ કહીને એ કાર લઈને નીકળી ગઈ. કાર સીધી જ કરણ ના ઘર પાસે ઉભી રહી. બહાર ડોરબેલ વગાડી ને અંજના એ બારણું ખોલ્યું.
“આવો માધવી બહેન. આવો ઓચિંતા આવ્યા. કરણ તો ગેરેજે હશે એને બોલાવું છું.” અંજના આટલું બોલી કે તરત જ માધવી બોલી.
“ નહિ એવું કઈ ખાસ કામ નથી અને બોલાવવાની જરૂર નથી નહિતર હું ગેરેજ પર જ ના જાત?? હું તો આ બાજુ નીકળી અને થયું કે તમને મળતી જાવ”
“હમ્મ્મ્મ કરણ પણ કહેતો હતો કે માધવી બહુ ઝડપથી તને મળશે!! એ મળ્યા વગર રહી નહિ શકે!! સારું થયું તમે આવી ગયાં.. હું આ જ તમારા બધાં જ પ્રશ્નોના જવાબ આપીશ. તમે ગયાં પછી એ સાંજે કરણે મને બધી જ વાત કરી હતી. આમ તો એ કશું કોઈને ના કહે પણ મેં જીદ કરી એટલે એણે તમારા વિષે બધું જ કહી દીધું” અંજના પાણી લાવી.એક શ્વાસે માધવી પાણી પી ગઈ અને બોલી.
“તમે માંડીને વાત કરો . મને તો કશીજ સમજણ નથી પડતી”
“વાત ખુબ જ લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું” અંજનાએ વાત શરુ કરી.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

“ દીપેન કરણના બાઈકના શો રૂમમાં કામ કરતો. દીપેન અનાથાશ્રમ માં ઉછેરેલો. કરણ એને ખુબ જ સાચવતો. દીપેન જ્યાં ભાડે રહેતો એની બાજુમાં જ હું રહેતી. મારી સગી માં મારી ગયેલી એટલે હું સાવકી મા સાથે રહેતી અને મને ઘણો ત્રાસ આપવામાં આવતો . માર કૂટ તો સામાન્ય બાબત. કરણ દીપેનનો જીગરી દોસ્ત. એ ઘણી વાર આવે ને ત્યારે મને માર પડતો હોય અને એ બેય ભાઈ બંધ જોયા કરે. દીપેનને મારા તરફ લાગણી હતી. પ્રેમ હતો. હું પણ એને દિલથી ચાહતી હતી. કરણે દીપેન ને કહ્યું કે તું અને અંજના પરણી જાવ ને અને દૂર જતાં રહો. બધી જ વ્યવસ્થા કરણે કરી દીધી. એની કોલેજ પૂરી થઇ પછી અહિયાં ગેરેજ કરવામાં અને આ મકાન લેવામાં કરણે જ મદદ કરી. હું અને દીપેન વગર લગને ભાગ્યાં અને અને અહી આવી ગયાં. ઊર્જા મારા પેટમાં હતી અને દીપેનને અકસ્માત થયો. કરણને મેં સમાચાર આપ્યા એટલે આવી ગયો, દીપેનને ખુબ જ લોહી વહી ગયું હતું. એ બબડાટ કરતો હતો. મારી અંજનાનું શું થશે?? મારા જન્મનાર બાળકનું શું થશે?? હું અનાથ હતો!! મારું ભાગ્ય પણ અનાથ જ નીકળ્યું!! મારું બાળક પણ જન્મતાની સાથે જ અનાથ!! આવા બબડાટ વચ્ચે કરણ રોઈ પડ્યો. દીપેનનો હાથ હાથમાં લઇ કરણ એટલું જ બોલ્યો કે તારું બાળક અનાથ નહિ હોય એની ખાતરી આપું છું વહાલા દોસ્ત!! અને દીપેનના મોઢા પર સ્મિત આવ્યું અને એનો દેહ છૂટી ગયો. દીપેન ના ક્રિયા કરમ પુરા કરીને પોતાનું વચન પાળવા માટે કરણે મારી સાથે લગ્ન કરી લીધાં. ચાર મહિના પછી ઉર્જાનો જન્મ થયો. માધવી કોઈ દેવતાઈ માણસ જ આવું કરી શકે!! સામાન્ય માણસનું આ કામ નથી. કરણે એના પિતાને વાત કરી કે મેં અંજના સાથે લગ્ન કર્યા છે એના પિતા એ એને ધોલ થપાટ કરી. સઘળી મિલકત માંથી ભાગ કાઢી નાંખ્યો પણ એ ઝૂક્યો નહિ. એ કહેતો કે મારા ભાઈ બંધનું બાળક અનાથ નહિ હોય એટલે નહિ જ હોય!!! સગા સબંધીઓ એ ઘણો સમજાવ્યો. પણ કરણ એકનો બે ના થયો. બસ પછી તો આ ગેરેજમાં એ કામે લાગી ગયો. બાઈક વિષે અને કાર વિષે એને સઘળી જાણકારી તો હતીજ. અને મારી સાથે પણ એણે એવું જ વર્તન કર્યું અત્યાર સુધી કે મને સહેજ પણ અહેસાસ ના થાય કે એણે મારી ઉપર દયા ખાઈને લગ્ન કર્યા છે. ઊર્જાને એણે પોતાનું નામ આપ્યું. પ્યાર આપ્યો અને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ના થાય એ માટે એણે બીજું સંતાન નહિ કરવાનો સંકલ્પ કર્યો છે. માધવી પોતાની ખુશી માટે તો સહુ જીવે એ માણસ ની પ્રકૃતિ છે પણ બીજાની ખુશી માટે જીવવું એ જ સંસ્કૃતિ છે, કરણ એક દેવતાઈ પુરુષ છે. બહુ ઓછા માણસો કરણ જેવા હોય છે” આંખમાં આંસુ સાથે અંજનાએ વાત પૂરી કરી. ચા પીને એ રજા લેવા ગઈ ત્યારે અંજનાએ એને ચમેલીનું અત્તર આપીને કહ્યું.

“કરણે કીધું હતું કે માધવી તને મળવા આવે ને ત્યારે આ અત્તર એને આપજે ચમેલીની સુગંધ માધવીને ખુબ ગમે છે” ચમેલીનું અત્તર એણે સુંઘ્યુ. એને બધાં જ સવાલોના જવાબ મળી ગયાં હતાં. કરણ નું સર્જન જ ઈશ્વરે સેવા કરવા માટે કર્યું હતું એ વાત એને સમજાઈ ગઈ. જગતમાં અમુક માણસો ઉપર કોઈ એકનો વ્યક્તિગત હક હોતો નથી, અમુક માણસો સાર્વજનિક સેવાઓ માટે જ સર્જાયેલા હોય છે. અંજનાને ભેટીને માધવીએ વિદાય લેતી હતી અને કરણ ઘરે આવ્યો. કરણ અને માધવીએ સામે સામે હાથ જોડ્યા. અંજના એને કાર સુધી મુકવા આવી.

બીજે દિવસે સવારે સવારે ચાર વાગ્યે માધવી ઉઠી અને ગેલેરીમાં રાખેલા ટેબલ પાસે બેઠી ટેબલના ખાનામાંથી લાલ નોટબુક કાઢી ને એણે લખવાનું શરુ કર્યું. આજ નું લખાણ એ કદમ ટૂંકું અને સચોટ હતું.

“પોતાના ભલા માટે થઇ ને જીવે અને પોતાની ખુશી માટે જીવે એ પ્રકૃતિ છે,પણ બીજાની ખુશી માટે પોતાની ખુશીઓનો ભોગ આપીને જીવવું અને એ પણ કોઈ જાહેરાત કર્યા વગર એ સંસ્કૃતિ કહેવાય છે. જગતમાં અમુક માણસોનું સર્જન જ સમાજની ભલાઈ માટે થતું હોય છે. આવા લોકો કોઈ એકના સ્નેહમાં બંધાતા નથી. આવા માણસો સાર્વજનિક સેવાકીય વાઈ ફાઈ સમાન હોય છે જે પોતાની સુગંધથી આજુબાજુનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવતાં હોય છે.”
“માધવની માધવી”

માધવીએ એ નોટબુક બંધ કરી અને અંજનાએ આપેલ ચમેલીના અત્તરના થોડા ટીપા એણે નોટબુક પર છાંટયા. વાતાવરણમાં ચમેલીની મીઠી ખુશ્બુ પ્રસરી ગઈ.માધવીએ આંખો બંધ કરીને એ ખુશ્બુનો અહેસાસ માણવા લાગી.

લેખક :- મુકેશ સોજીત્રા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી