વાત એક ટ્રક ડ્રાઈવરની – ઋણ..ઈમાનદારી..લાગણી..આભાર.. એક વાર્તા અને કેટલું બધું સમજવા અને શીખવા જેવું..

“વાત એક ટ્રક ડ્રાઈવરની”

અને શામજીભાઈ એ મોરબી વાંકાનેર રોડ પર એક પેટ્રોલ પમ્પ પર એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દિહોર સુધીના એક ટ્રક ભાડે લઇ જવાની વાત કરી. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે બધી વાત સાંભળીને કહ્યું.

“ વાત તો તમારી સાચી વડીલ પણ આ દિવાળી પછી અચાનક જ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ની માંગમાં એકદમ ઉછાળો આવી ગયો છે એટલે મારા ટ્રક તો બધાં બંધાઈ ગયાં છે અને આજે રાતે જ ગુજરાતના અલગ અલગ શહેરમાં ડીલીવરી આપવા માટે નીકળી જશે. પણ એક યુવાને હમણાં નવો ટ્રક લીધો છે એને હું પૂછી જોવ.. એણે મારા દ્વારા પાંચેક ભાડા કરેલાં છે અને કોઈ ફરિયાદ પણ નથી. તમે અને તમારો માલ સલામત પહોંચી જાય એની આપણી ગેરંટી છે.. વળી મારા તમામ ટ્રક અઠવાડિયા માટે બંધાઈ ગયાં છે નહીતર તમારો ફેરો એક બે દિવસમાં કરી નાંખત… તમે ક્યાં અજાણ્યા છો મારા માટે.. લાવો એ ટ્રાય કરી જોવ “ એમ કહીને ટ્રાન્સપોર્ટના માલિક કિશોરભાઈ એ મોબાઈલમાં વાત કરી અને ભાડું નક્કી કરી નાંખ્યું. અને સવજીભાઇને કીધું કે

“તમારે નાસ્તો પાણી કરવા હોય તો કરી નાંખો ત્યાં સુધીમાં ટ્રક અને તેમનો ડ્રાઈવર આવી જશે. સાંજ સુધીમાં માલ ભરાઈ જશે પછી તમારે નીકળવું હોય તો નીકળી જજો.. ટ્રક નવો જ છે અને ભાડાનો ધંધો કરનાર વ્યક્તિ પણ સાલસ સ્વભાવનો છે. એટલે નો પ્રોબ્લેમ” શામજીભાઈ બહાર નીકળ્યાં અને થોડે દૂર આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ માં થોડો હળવો નાસ્તો કરવા જતાં રહ્યા.

શામજી ભાઈ દીહોરના વતની. બાપદાદાના વખતનો લાકડાનો અને નળીયાનો ધંધો હતો. પહેલા મકાન લાકડાના બનતા હતા.લાકડાનો ડેલો હોય.. લાકડાનો દાદર હોય.. વાસા પટી.. થાંભલીઓ લાકડાની હોય એની પર મેડી પણ આખી લાકડાની હોય.. અને ઉપર હોય વિલાયતી નળિયા.. મલબારી સાગ અને વલસાડી સાગની મોટી વખારો હતી શામજીભાઈના દાદાને.. પણ ધીમે ધીમે જમાનો બદલાયો લાકડું ઘટતું ગયું.. સિમેન્ટ અને લોખંડ વધતું ગયું.. વિલાયતી નળિયા તો નાના થઇ ગયાં અને ભરેલા સ્લેબ પર શો માટે શોભાયમાન થતા ગયાં.અને પછી તો નળિયા અને સાગ નીકળતા ગયાં. બારણા પલાય ના થઇ ગયાં… લાદી નું સ્થાન વિટ્રીફાઈડે લીધું અને શામજીભાઈ પણ સમયાંતરે ધંધાને અનુકુળ થતા ગયાં. થાન અને ચોટીલા થી એ ચિનાઈ માટીની વસ્તુઓ લાવતા ગયાં. મોરબીથી એ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ લાવતા ગયાં.ધંધો જાળવી રાખ્યો પણ વસ્તુઓ આધુનિક આવતી ગઈ.દર મહીને મોરબી જાય ટાઈલ્સ અને વિટ્રીફાઈડની ખરીદી કરે અને ટ્રકમાં માલ ભરીને એ દિહોર લઇ આવે.. હવે તો સેનેટરી વેઅર ની અત્યાધુનિક વસ્તુ પણ પોતાની વખારમાં રાખતા થઇ ગયાં બે વરસથી રાજસ્થાનથી માર્બલ અને સાઉથમાંથી લાલ અને લીલો બ્લેક ગ્રેનાઈટ અને કયારેક કોઈ મંગાવે તો કોટાથી કોટા સ્ટોન પણ મંગાવી દે.. બાકી રાજુલાનો પથ્થર તો એને ત્યાંથી ગમે તે માપ સાઈઝનો મળી રહે.

દર વખતે એ બે જાણીતી ટ્રાન્સપોર્ટની કંપનીમાંથી ટ્રક ભાડે બાંધી લે કારણ કે વસ્તુ ઓ રૂપકડી હતી એટલી જ બટકાઉ હતી , કોઈ અજાણ્યો ટ્રક અને વાંગડ ડ્રાઈવર ભટકાઈ જાય તો અડધી ટાઈલ્સ અને વિટ્રીફાઈડનો તો ભુક્કો જ બોલી જાય.પણ આ વખતે બધી જ ટ્રકો બંધાઈ ગઈ હતી. એટલે જ એને એક ટ્રક ટ્રાન્સપોર્ટ કંપનીએ બાંધી દીધો હતો બાકી એ અજાણ્યાં ટ્રકનો કદી જ વિશ્વાસ ના કરે.

શામજીભાઈ નાસ્તો કરીને ટ્રાન્સપોર્ટ ની ઓફિસે આવ્યા ત્યાં એક નવો નકોર ટ્રક પડ્યો હતો. ટ્રકની ઉપર “યા અલી મદદ” લખ્યું હતું અને નીચે “પરવરદિગારની દુઆ” લખ્યું હતું. અને ટ્રકની આગળ એક ૩૦ વરસનો એક યુવક ટોપી પહેરીને ઉભો હતો અને શામજીભાઈનું કાળજું એક થડકારો ચુકી ગયું. વરસો પહેલા એક મુસલમાન ની ટ્રક બાંધી હતી અને તેને જે કડવો અનુભવ થયો હતો એ એને યાદ આવ્યું,એણે જઈને સીધીજ ના પાડી દીધી.

“ આ કોનો ટ્રક છે?? શું નામ છે એ ડ્રાઈવરનું??

“અસલમ નો ટ્રક છે અને એજ ડ્રાઈવર છે” ટ્રાન્સપોર્ટ વાળાએ જવાબ આપ્યો.

“આપણે નથી બાંધવો એનો ટ્રક, આપણ ને એક વખત કડવો અનુભવ થઇ ગયો છે પછી નીમ લીધું છે કદી આવો ટ્રક ના બાંધવો” શામજીભાઈ આટલું બોલ્યાં કે તરત જ અસલમ ઓફિસમાં આવી ચડ્યો અને સીધું જ શામજીભાઈ ને કહ્યું કે.

“શેઠ શું તકલીફ છે મારા ટ્રકમાં એ કહેશો?? તકલીફ ટ્રકમાં છે કે મારી સાથે છે કે પછી મારી જ્ઞાતિ સાથે છે.” અસલમની આંખોમાં શામજીભાઈને જોઇને એક ચમક હતી. શામજીભાઈએ આંખો મિલાવી અસલમની આંખોમાં એક નિર્દોષ સ્નેહ નીતરતો હતો. ટ્રાન્સપોર્ટના માલિકે સઘળી ખાતરી આપી અને પુરેપુરી બાહેંધરી આપી પછી જ શામજીભાઈ અસલમ સાથે ટ્રકમાં ગોઠવાયા. તોય પૂછી તો લીધું જ.

“પીવાનું વ્યસન તો નથી ને અસલમ ભાઈ ?? મને માથું દુખે છે કોઈ ડ્રાઈવર જો પડખે પીને ટ્રક ચલાવે તો મને એની વાસ જ એવી આવે કે માથું ચડી જાય છે”

‘શેઠજી બેફીકર રહો મને ધાણા દાળનું ય વ્યસન નથી.. પણ તમને એક વાત ચોક્કસ કહીશ કે તમે એક વાર મારો ટ્રક બાંધો પછી તમે ક્યારેય બીજાનો ટ્રક નહિ બાંધો એટલો હું તમને સંતોષ આપીશ. શામજીભાઈ એ જોયુ કે અસલમની આંખોમાં એક વિશ્વાસયુક્ત સ્નેહ નીતરતો હતો. મને કમને શામજીભાઈએ ટ્રક બાંધી લીધો. ભાડું ત્યાં જઈને આપવાનું નક્કી થયું. કોઈ તકલીફ થાય તો સઘળી જવાબદારી ટ્રાન્સપોર્ટવાળાએ લીધી. ચારેક જગ્યાએ માલ ભરવામાં જ ચાર વાગી ગયા. પછી છેલ્લે એક જગ્યાએ સેનેટરી વેરની વસ્તુઓ લીધી અને રાતના આઠેક વાગ્યે અસલમનો ટ્રક ઉપડ્યો. ટ્રક એકદમ નવો જ હતો અને મોરબીથી ટંકારા સુધીમાં પારખું શામજીભાઈ પારખી જ ગયા કે અસલમની હાંકણી એકદમ સારી છે. ટ્રકની અંદર કોઈ પણ સામાનને ઉજરડો પણ પડવાનો નથી.પોતાને હવે અફસોસ થતો હતો કે આવા ભલા આદમી પર એને નફરત હતી હજુ થોડા સમય પહેલા જ. થોડી થોડી પસ્તાવાની રેખાઓ એના ચહેરા પર અંકાવા લાગી. અસલમની નજર એકદમ સીધી હતી. એ કોઈક ગીત ગણગણી રહ્યો હતો. અને સપાટાબંધ પાણીના રેલાની મારફત ટ્રક ચલાવી રહ્યો હતો.અસલમ ટ્રકને એવી રીતે ચલાવી રહ્યો હતો કે કોઈ સિદ્ધહસ્ત કલાકાર કેનવાસ પર પીંછી ફેરવતો હોય એમજ!!

“હમણાં હમણા જ આ વ્યવસાયમાં આવ્યા લાગ્યા છો?? આની પહેલાં મોરબીમાં લગભગ તમને જોયા નથી.” શામજીભાઈએ મૌન તોડીને પૂછ્યું.

“શેઠજી તમે મારા વડીલ સમાન છો.. તુંકારે બોલાવો તો પણ ચાલશે, હા હજુ બે મહિના પહેલા જ મોરબી આવ્યો છું. પહેલા ડ્રાઈવર હતો ભુજ સાઈડ.. ભુજ ,રાપર, ભચાઉ, મુન્દ્રા અને ગાંધીધામમાં ઘણા વરસો રહ્યો છું. સગવડ થઇ એટલે ઘરનો જ ટ્રક લીધો છે.અને મોરબીમાં સેટલ થયો છું” અસલમે કહ્યું. શામજીભાઈને વાતચીત કરવાની ઢબ ગમી ગઈ હતી. કોણ જાણે કેમ એને અસલમ હવે જાણીતો લાગવા માંડ્યો હતો. વળી પાછી થોડી વાર મૌન છવાઈ ગયું.ટ્રક હવે રાજકોટની નજીક આવી રહ્યો હતો અને અસલમ બોલ્યો.

“શેઠજી જ્યાં હોલ્ટ કરવો હોય તો કહી દેજો મને… આ રાજકોટ ભાવનગર હાઇવે પર દરેક જગ્યાએ ચા સરસ બને છે.જોકે તમે તો અનુભવી છો આ રૂટના એટલે ખબર જ હોય.. તમે કહો ત્યાં ઉભી રાખીશ.. કોઈ ચિંતા ના કરતા શેઠજી.. તમારા સ્થેળે તમને સમયસર પહોંચાડી દઈશ”

“આગળ જતા આજી ડેમની આગળ વળાંકમાં ઉભી રાખજોને… ત્રમ્બાની પહેલા એક સારી હોટેલ આવે છે ત્યાં ચા પી લઈશું..ત્યાં ચા એકદમ કડક અને સહેજ મોળી હોય છે..આમેય મને ચા મોળી જ પસંદ આવે છે.. નાનપણથી જ જીભ એટલી મીઠી હતી કે હવે આખા શરીર મીઠું થઇ ગયું છે.. મૂળ વાત એમ છે કે મને ડાયાબીટીશ ની અસર શરુ થઇ ગઈ છે” શામજીભાઈ એ હસતા હસતા કહ્યું

“કોઈ જ વાંધો નહિ શેઠજી કહીને અસલમ પાછો રાબેતા મુજબ ટ્રક ચલાવવા લાગ્યો. હોટેલમાં દસ મિનીટ હોલ્ટ કર્યો ચા પીને પાછો ટ્રક ચાલ્યો. વાતાવરણમાં હવે ઠંડી વધી ગઈ હતી. અને અસલમે પૂછ્યું.

“શેઠજી આપને વાંધો ના હોય તો હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે તમે શરૂઆતમાં મારી ટ્રક જોઇને, મને જોઇને, કેમ સીધાજ ના પાડવા લાગ્યા હતા.. બસ ખાલી જાણવા માંગુ છું કે એવો તે કયો અનુભવ થયો કે તમે એક ધિક્કાર કે નફરતભરી નજરથી જોવા લાગ્યા હતા.. જોકે હું તમને સાફ કહી દઉં છું કે દરેક કોમમાં ગુંડા હોય છે, નકામા માણસો હોય છે. ગુંડાને કોઈ જ્ઞાતિના હોય. એમ સારા માણસો પણ દરેક જ્ઞાતિમાં હોય છે.પણ નાના મોઢે મોટી વાત કહું છું શેઠજી કે આપણ બધા, હું અને તમે પણ એમાં આવી ગયા કે એક ખરાબ અનુભવ આખી જ્ઞાતિને બદનામ કરવા માટે પુરતો છે” અસલમે શામજીભાઈના ચહેરા તરફ જોઇને કહ્યું. શામજીભાઈ થોડું હસ્યાં અને બોલ્યાં.

“વાત તો લગભગ વીસેક વરસ પહેલાની જ છે. એક વખત આવી જ રીતે ટ્રક બાંધ્યો હતો. થોડાક વિલાયતી નળિયા હતા.થોડાક મોભીયા હતા અને બાકીની હતી ટાઈલ્સ.ટાઈલ્સ એ વખતે નવી નવી અને સાવ પાતળી આવતી. ટ્રક ડ્રાઈવર નામ તો લગભગ ગફાર હતું. ત્યારે કોઈ ટ્રાન્સપોર્ટની ઓફિસે હું કઈ જતો નહિ. વાંકાનેર રોડ પર એક ખુલ્લું ખેતર હતું ત્યાં ટ્રક પડ્યા હોય. જઈને પૂછપરચ કરવાની જે સસ્તે ભાડે આવે એને લઇ જવાનો.એ ટ્રક મને બીજા કરતો સસ્તો પડ્યો. એટલે બાંધી લીધો,આજની જેમ જ રાતે આઠેક વાગ્યે અમે નીકળ્યા હતા. અમે મોરબી થી ટંકારા રોડ પર આગળ વધ્યાકે એક ચોકડી જેવું આવ્યું, ત્યાં એક દસેક વરસનો છોકરો હોંશભેર ઉભો હતો એક ટીફીન લઈને.

ગફારે ટ્રક ઉભો રાખ્યો. એ છોકરા સાથે બીજો એક છોકરો પણ હતો એને ગફારે કહી દીધું કે ઝુબેદાને કેજે કે ગઠ્ઠાને ટ્રકમાં લઇ ગયા છે.પેલા છોકરાએ ઘણા કાલાવાલા કર્યા કે કાલે શનિવાર છે.મારે નિશાળે જવાનું છે લેશન કરવાનું પણ બાકી છે. અમ્મીએ કીધું છે કે તારા અબ્બાને ટીફીન દઈને આવતો રહેજે , પણ ગફાર એકનો બે ના થયો. એણે તો એક ધોલ ચડાવી દીધી પેલા છોકરાને!! એક ભૂંડી ગાળ બોલ્યો અને કીધું કે ભણતરનો દીકરો થઈને કલેકટર બનવું છે કે શું?? ચાલ બેસીજા ટ્રકમાં!! પેલો છોકરો ધ્રુજતો ધ્રુજતો મારી પડખે બેઠો. મને આ વર્તન ના ગમ્યું. બાળકો પર હાથ ઉપાડે એ બહાદુરીના કહેવાય!! બદમાશી કહેવાય. રસ્તામાંથી એક હોટેલ પરથી એક બીજો ચડ્યો. અને પેલા છોકરાને બોનેટ પર બેસાડ્યો.

હવે બોનેટ ગરમ થઇ ગયેલું હોય તોય ગફારને દયા ના આવી તે મને દયા આવી.મારી પાસે એક મોટી થેલી હતી એ મેં પાથરવા આપી પેલા છોકરાને!! થોડી વાર પછી ગફાર અને એનો સાગરિત પેલા છોકરાની હાજરીમાં જ અસભ્ય વાતો કરવા લાગ્યા. મને અફસોસ થયો કે આવો ટ્રક મારી મતિ ફરી ગઈ હતી એટલે બાંધ્યો. રસ્તામાં એક અવાવરું જગ્યાએ ટ્રક ઉભી રાખીને ગફારે અને એના સાગરીતે દેશી દારુ ઢીંચ્યો. મેં એને કીધું કે ભાઈ આ મને નહિ પોસાય..!! તો મને પણ કીધું કે પાંત્રીશ વરસથી પીવ છું અને ટ્રક ચલાવું છું. કોઈ દિવસ આપણા ડ્રાઈવિંગ માં ફેર નહિ. તમે એકવાર બેસો પછી મને કહેજો. તમને એમ લાગે તો ઉતરી જજો.હું આપેલા સરનામે માલ પહોંચાડી દઈશ. પણ એક વાર બેસી તો જુઓ.હું અને પેલો છોકરો ગોઠવાયા. વળી પાછો છોકરાને ગાલ પર એક થપાટ લગાવીને ગફાર બોલ્યો. કાચ કોણ તારી મા સાફ કરવા આવશે. પેલો બિચારો આંખમાં આંસુ સાથે આગળના કાચ પાણી અને છાપાના કાગળથી સાફ કરવા લાગ્યો. અને ટ્રક ચાલી. ફૂલ સ્પીડમાં.

ગફાર મોટેથી ગાવા લાગ્યો અને એનો સાગરિત પણ સાથ પુરાવવા લાગ્યો.ગફારનું થુંક બહાર આવતું હતું અને વાસ આવતી હતી અને મને માથું ચડ્યું હતું. મને જયારે માથું ચડે ને ત્યારે કશું ખાવા જોઈએ તો જ ઉતરે.. મેં ગફારને ઘણી આજીજી કરી.. પણ એ તો ટ્રક જ ના ઉભી રાખે. ઘણી હોટેલ આવે હું કહું કે એલા મને માથું ચડ્યું છે તું ભલાદમી ઉભી રાખ મારે ચા પીવી છે. પણ એ ઉભી જ ના રાખે ને.. જો એ ઉભી રાખે તો મારે ઉતરી જવું એમ નક્કી જ કર્યું હતું.. આ ટ્રકમાં મારે બેસવું જ નથી એમ મેં મનોમન નક્કી કરેલ… પણ એ ટ્રક જ ના ઉભી રાખે અને વિચિત્ર રીતે દાંત કાઢે!! ઉનાળાનો સમય.. કાળી અંધારી રાત અને પુરપાટ ઝડપે ગફાર ટ્રક ચલાવે.ઠંડો પવન આવતો જાય એમ એમ ગફાર બેકાબૂ બનતો ગયો. એક અવાવરું જગ્યાએ ટ્રકને પાછળના ભાગમાં પંકચર થયું અને ટ્રક ઉભો રહ્યો. ગફાર અને તેનો સાગરિત હેઠા ઉતર્યા. પેલો છોકરો ટીફીન લાવ્યો હતો એ બે ય ખાઈ ગયા.એણે એ છોકરાનો પણ વિચાર ના કર્યો. મને માથું હવે સખત દુખતું હતું. માથામાં સણકા ઉપડ્યા હતા.આજુ બાજુ કોઈ જ હોટેલ નહોતી. હાઈવે એકદમ સુમસાન હતો. ખાઈને ગફારે અને એના સાગરીતે ટાયર બદલવાનું શરુ કર્યું. બાજુના ખેતરમાં એક દીવો બળતો હોય એવું લાગ્યું” શામજીભાઈ થોડુક રોકાયા. બોટલમાંથી પાણી પીધું અને પાછા બોલ્યાં.

“અસલમ માથું એટલું દુખતું હતું કે મને લાગ્યું કે જો હું કશુંક નહિ ખાવ તો હું અહીને અહી પીડાથી પતી જઈશ. હું ખેતરમાં પડેલા ઢેફા ઉપર ચાલતો ચાલતો એ ઝુંપડામાં પહોંચ્યો.એક ડોસો જાગતા હતા. મેં એને વાત કરી કે દાદા ગમે તેટલા રૂપિયા લો પણ મારે ખાવા જોઈએ છે. ભૂખને કારણે માથું ચડ્યું છે. ડોસાએ કહ્યું અધરાતે તો ખાવાનું શું હોય પણ હા નાની છોડી ગીરમાં છે કેરીના બગીચામાં તે જમાઈ એ આ કેરી મોકલી છે. બે દિવસ પછી ભીમ અગિયારશ છે એટલે તમને ભાવે તો!! એમ કહીને તે ડોસાએ મને એક કેરીનો સુંડલો આપ્યો ખાટલા નીચેથી. હું તો તરતજ ચાર મોટી મોટી કેરીઓ ખાઈ ગયો અને ડોસાને સો રૂપિયા આપ્યાં. પણ એણે તે પૈસા ના લીધા અને બોલ્યો કે હજુ એટલી ભૂખ ભડાકા નથી લઇ ગઈ તે હું ખાવાના પૈસા લઉં.. મેં ઘણા પ્રયત્નો કર્યા.. પણ ડોસાએ પૈસા જ ના લીધા.. ડોસાનું ઝૂંપડું કાચું હતું પણ માણસાઈમાં સાચું હતું.ડોસાએ કીધું કે ખટારામાં કોઈ ભૂખ્યું હોય તો પણ તમે કેરીઓ લઇ જાવ.

મને પેલો છોકરો સાંભર્યો.બિચારો ભૂખ્યો હતો. બિચારો બાપા માટે ટીફીન લાવ્યો હતો.પણ બાપ અને એનો સાગરિત એ ટીફીન આખુને આખું ઉભા ગળે ગળચી ગયા હતા. મેં બે મોટી કેરીઓ લીધી અને ટ્રક પાસે આવીને એ છોકરાને આપી ને કીધું કે તું ટ્રકની પાછળ જઈને ખાઈ લે છાનો માનો. એ બીચારાની આંખમાં આંસુ હતા. દોઢેક કલાક પછી ટાયર બદલીને ટ્રક ચાલુ થયો. અને પછી થોડી વારમાં વરસાદ પણ શરુ થયો. મોસમનો પહેલો વરસાદ હતો. ગફાર બેફામ ટ્રક ચલાવતો હતો. ત્રણેક જગ્યાએ એકસીડન્ટ થતા થતા બચ્યા અમે!! શિહોર આવ્યું અને ગફારે ટ્રક ઉભી રાખીને કહ્યું કે શેઠ શિહોર આવી ગયું છે. મેં કીધું કે શિહોર નહિ આપણે દિહોર જવાનું છે તો ગફાર કહે હું તો શિહોર જ સમજ્યો હતો અને ભાડું પણ શિહોરનું જ કીધું હતું.. બાકી આટલા ભાડામાં દિહોર ના આવે.. મારે એમની સાથે મોટી ધડ થઇ અને વળી ભાડાના ૧૦૦૦ રૂપિયા વધાર્યા પછી એ દિહોર આવીને ટ્રક ખાલી કરી ગયો.એની સાથે આવેલા છોકરાને મેં દીહોરમાં વહેલી સવારે રોડ પરની એક હોટેલમાં ગાંઠીયા પણ ખવરાવ્યા, પણ ગફાર કે એના સાગરીતને પાણી નું પણ પૂછ્યું નહિ!! બસ આ એક અનુભવ એવો થયોને અસલમ કે તે પછી મેં ક્યારેય કોઈ અજાણ્યો ટ્રક બાંધ્યો નથી. તારી વાત સાચી છે અસલમ કે બધા એવા ના હોય પણ સાલો એ અનુભવ જ એવો થયો ને કે હજુ પણ મગજમાંથી ખસતો જ નથી.” શામજીભાઈએ વાત પૂરી કરીને અસલમ હસ્યો. ટ્રક ચાલતો રહ્યો. આડા અવળી વાતો થતી રહી અને શામજીભાઈને એક ઝોંકુ આવી ગયું.!! ટ્રક ચાલતો રહ્યો.

“શેઠ ઉઠો તમારું ગામ આવી ગયું” અસલમે શામજીભાઈ જગાડ્યા અને શામજીભાઈ આંખો ચોળતાં ચોળતાં જાગ્યા અને જોયું તો સામે દિહોર દેખાતું હતું. શામજીભાઈએ રસ્તો બતાવીને ટ્રકને અંદર લેવરાવી. પોતાની દુકાન પાસે અને એક મોટા ડેલામાં ટ્રક પ્રવેશી. થોડીજ વારમાં કેટલાક માણસો આવ્યા અને ટ્રક ખાલી થયો. અસલમે બાજુના એક ખાલી ખાટલા પર લંબાવ્યું. ટ્રક ખાલી થઇ એટલે ચા અને ગરમાગરમ રોટલી આવી શામજીભાઈના ઘરેથી. સવાર પડવા આવી હતી.અસલમે કોગળા કરીને ચા ને રોટલી ખાધી શેઠે એને ભાડાની રકમ આપી. શેઠને અસલમથી સંતોષ હતો.અસલમ બોલ્યો.

“શેઠ ભાડું નહિ લઉં. બીજી વાર આવીશ ત્યારે જરૂર લઈશ , પણ આ વખતે નહિ લઉં”

“કેમ અસલમ ટ્રકમાં પાણી હાલે છે ડીઝલને બદલે એટલે ભાડાની ના પાડે છે”

“એવું નથી શેઠ પણ વરસો પહેલા પેલી બે કેરીના બદલામાં અને આ ગામમાં તમે વહેલી સવારે ગાંઠિયા ખવરાવેલા એના બદલામાં આ ફેરો હું મફત જ કરવાનો છું… યાદ આવ્યો મારો ચહેરો શેઠ.. ???હું એ જ ગફારનો છોકરો છું જેને તમે એ રાતે મને કેરીઓ ખવડાવી હતી.. એ વખતે મારું શરીર થોડું ભરાવદાર હતું અત્યારે પાતળું છે!! તમને જ્યારે મેં ત્યાં મોરબીમાં જોયા ત્યારે ઓળખી ગયો હતો અને એટલે જ મેં ટ્રાન્સપોર્ટ વાળાને કહી દીધું હતું કે ગમે તેમ થાય શામજીભાઈનું ભાડું તો મને જ મળવું જોઈએ એમનું એક ઋણ ઉતારવાનું બાકી છે…” અસલમની આંખમાં આંસુ હતા. શામજીભાઈ ની આંખમાં પણ આંસુ હતા. પછી અસલમે વાત કરી.

“ગફાર મારો સગો બાપો. મારી માનું નામ ઝુબેદા. પણ પછી મારા બાપાએ બીજા લગ્ન કરેલા અને ત્યાં જ રહેતા. હું મારી મા પાસે રહેતો. મારા બાપા ક્યારેક જ ઘરે આવતા.મારી મા સિલાઈ કામ કરે. વાસણ સાફ કરે આજુબાજુના, કચરા પોતા કરે, મારા બાપાને કહે ત્યારે ટીફીન પહોંચાડે.. હું મોટો થવા લાગ્યો. મારે ભણવું હતું. પણ મારા બાપા મને પરાણે ઢસડી જાય ટ્રકમાં!! પંદરેક વરસનો હતો ત્યારે મારા બાપા ટ્રક લઈને જતા હતા અને ફૂલ પી ગયેલા તે અકસ્માત થયો.લીમડાના એક ઝાડ સાથે ટ્રક ભટકાણો. હું આગળના કાચમાંથી રોડની બાજુમાં ફેંકાયો.. ટ્રકની ગતિ ખુબજ હતી. પણ રોડની બાજુમાં કપાસનું ખેતર એના શેઢે વીણેલા કપાસની ગાંસડી પર પડ્યો એટલે ઈજા ના થઇ.મારા બાપા તો ત્યાં જ અવસાન પામેલા. પછી તો હું અને મારી માં ભુજ જતા રહેલા મારા મામા પાસે. ત્યાં જઈને મેં કલીંડરનું કામ શરુ કર્યું. પૈસા બચતા ગયા એમ ને એમ હું બેંકમાં મુકતો ગયો. બસ એક વરસથી ટ્રક લીધો છે. મકાન તો હતું જ મોરબીમાં એટલે રહેવા આવી ગયા છીએ.. બીજો કોઈ પણ ધંધો કરી શકતો હતો. પણ મારા બાપાએ ટ્રક ના ધંધામાં ઘણા આડા અવળા ધંધા કર્યા છે એટલે એના પ્રાય્ચિત માટે નક્કી કર્યું કે ટ્રકનો જ ધંધો કરવો છે અને એવો ધંધો કે ખુદા તાલા મારા અબ્બાની ભૂલો માફ કરી દે” એક દીકરાની ઉમદા ભાવના શામજીભાઈ સાંભળી રહ્યા હતા.

શામજીભાઈ અસલમને ભેટી પડ્યા. પરાણે ભાડાની રકમ આપી. અને પછી તો મોરબીથી જ્યારે જયારે ભાડું બાંધવાનું થાય ત્યારે શામજીભાઈ અસલમની ટ્રક ખાલી હોય તો બીજી ટ્રક બાંધતા નથી.

લેખક : મુકેશ સોજીત્રા

મુકેશ સોજીત્રાની દરેક વાર્તા વાંચો ફક્ત આર પેજ પર તો લાઇક કર્યું કે નહિ??

ટીપ્પણી