“પ્રાર્થના”- મુકેશભાઈ સોજીત્રાની એક નવી જ વાર્તા, વાંચો અને શેર કરો…

ડેપ્યુટી કલેકટર શુક્લા સાહબે ઓફિસમાં બેઠા હતાં અને તરત જ પોતાના મોબાઈલમાં એક ચમકારો થયો અને એક ઈ મેઇલનું નોટીફીકેશન ચમક્યું. મેઈલ ચેક કર્યો તો સ્ટેટમાંથી મેઈલ હતો. આઠ દિવસ પછી યોજાનાર ગુણોત્સવનાં ત્રિદિવસીય કાર્યક્રમમાં મુખ્ય અધિકારી તરીકે એને જવાનું હતું. બે દિવસ પછી ગાંધીનગર એક મીટીંગમાં જવાનું હતું, એક વિડીઓ કોન્ફરન્સ પણ એટેન્ડ કરવાની હતી. મીટીંગ અને વિડીયો કોન્ફરન્સ પણ પૂરી કરી અને બીજે દિવસે જ તેમને ક્યાં જવાનું હતું તેની ત્રણ દિવસની આખી યાદી પણ આવી ગઈ હતી. યાદીમાં શાળાનું નામ, તાલુકો, જિલ્લો શાળાનો ગત બે વરસનાં ગ્રેડ, લાઈઝન ઓફિસર અને સંકલન અધિકારીશ્રીના નામ હતાં. તેમનાં મોબાઈલ નંબર પણ હતાં. એક જરૂરી સુચનાની બુકલેટ પણ સાથે હતી. પણ એને જયારે પહેલી શાળાનું નામ જોયું કે એની આંખો ચમકી ઉઠી. આજથી બરાબર બાર વરસ પહેલાં જે શાળા છોડી હતી એ જ શાળામાં એને ગુણોત્સવમાં શાળાનું મૂલ્યાંકન કરવા જવાનું હતું. એનું મન ભૂતકાળમાં સરી ગયું બાર વરસ પહેલાંનાં એક પછી એક પ્રસંગો નજર સામે તરવરવા લાગ્યાં.

સુકેતુ શુક્લા બી.એ બી એડ કરીને શાળામાં જોડાયા હતાં. માંડ બે વરસ નોકરી કરી હશે ત્યાં જ તેઓ ક્લાસ બે ની પરીક્ષામા ઉતીર્ણ થઇને સીધા મામલતદાર બની ગયાં. કામગીરી સારી એટલે પછી ચીટનીશ અને ડેપ્યુટી કલેકટર સુધી પહોંચી ગયેલાં..!! આજે પણ એને શાળામાં ગાળેલા બે વરસ યાદ આવી ગયાં.

શાળામાં દાખલ થયાં ત્યારે આમ તો મોટાભાગનો સ્ટાફ નિવૃત થવાનો હતો. નવા શિક્ષકોમા તો ચાર જણા હતાં. એક સાત જ વરસ જુના બેચરભાઈ પણ હતાં. શિક્ષક પણ ભારાડી હોઈ શકે એ એમને શાળામાં દાખલ થયા પછી અને બેચર ભાઈને જોયા પછી જ ખબર ખબર પડી. પેલાં દિવસે જ પ્રાર્થનામાં બેચર ભાઈ એ શરુ કરેલું..!!

“બાળકો આજે આનંદની વાત છે કે આપણી શાળામાં આજે ચાર નવા શિક્ષકો આવ્યાં છે અને ઈ પણ હાઈ સ્કુલની ડીગ્રી વાળા અમે તો પીટીસી થયેલા છે અમારું જ્ઞાન ઓછું પડે એટલે સરકાર હવે ડીગ્રીવાળા અને નવા નવા ભરે છે.!! આ ચારેય તમને લખતા વાંચતા શીખવાડશે અને ભણાવી ભણાવી ને કલેકટર બનાવી દેવાના છે.. જેને ડોકટર બનવું હોય એ પણ અગાઉથી કહી દેજો એટલે એમને ખબર પડે કે કેમ ભણાવવું. પછી કહેતા નહિ કે અમે રહી ગયાં!! આતો ખુલ્લું ખેતર છે તમે મન ફાવે એમ ચરી લેજો હવે!! આભાર અસ્તુ!!” બાળકોએ તાલિઓ પાડી. આચાર્ય હળવેકથી બોલ્યાં બેચરભાઈનો સ્વભાવ ભારે રોનકી છે એટલે ખોટું ના લગાડતા એ બાજુના ગામના જ છે અને ગામમાં એનું માન પણ સારું!! પછી તો ચારેય નવા શિક્ષકોએ પરિચય આપ્યો, અને બાળકોએ તાળીઓ પાડી!!

બધાને વર્ગ સોંપાઈ ગયાં. બધાએ પોતાના ફાવતા ધોરણ રાખી લીધા અને બાકીના ધોરણ આપ્યા આ ચારેયને!! અને કામ થયું શરુ!! બાળકોને પૂરું લખતા વાંચતા પણ ના આવડે એટલે અવનવી રીતે શીખવ્યા કરે રીશેષમાં એક ઓટલા નીચે બેસે. ઓફિસમાં તો કામ પૂરતા જાય કારણકે ઓફિસમાં ખુરશી ઓછી ને મોટાભાગની ખુરશી પર જુના માસ્તરોનો પુરેપુરો કબજો!! સુકેતુ શુક્લાને બહું ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે ગામમાં બેચર ભાઈનું ચલણ વધારે છે. કોઈ પણ વાલીને કાઈ ફરિયાદ હોય તો સીધા જ બેચરભાઈ પાસે જાય, અને બેચર ભાઈ ઓન ધ સ્પોટ નિરાકરણ પણ લાવી દે!! એક વખત રીશેષમાં આ ચારેય શિક્ષકો બેઠા અને એમાં એક બહેન ફરિયાદ લઈને આવ્યાં!! બહેનની સાથે એક છોકરો પણ ખરો!!

“સાબ આ મારા છોકરાને સાતમાં વાળા છોકરા મારે છે” અને બેચરભાઈ જોઈ ગયાં ઓફિસમાંથી અને રીતસરના દોડ્યા અને આખી ફરિયાદ જ પોતાને હસ્તક લઈને તરત જ બોલ્યાં.

“ કાઈ વાંધો નહિ બહેન એનાં સાહેબ ને હું કહી દઈશ હો હવે થી નહિ મારે ” અને પછી બહેન સાથેના છોકરાને પૂછ્યું.

“ક્યાં ધોરણમાં ભણે છે તું? કોની પાસે ભણશો તું તારા સાહેબ ધ્યાન નથી રાખતા??

“સાહેબ ત્રીજામાં ભણું છું અને તમારી પાસે જ ભણું છું” છોકરો બોલ્યો કે બેચરભાઈ ચમક્યા.

“હોય નહિ હોય, નવો આવ્યો લાગે છે તું ??” બેચરભાઈ બચાવમાં આવી ગયાં.

“ના સાબ બે મહિના તો થઇ ગયાં” બહેન બોલ્યાં કે બેચર ભાઈએ વાતનું પડીકું વાળી દીધું.

“ કાઈ વાંધો નહિ હવે થી એ નહિ મારે, જો મારેને તો મને કહી દેજે એ નપાવટને ધોકાવી નાંખીશ”

વર્ગમાં બેચર ભાઈ જાય તો ભણાવે પણ ખરા, પણ વર્ગમાં એ લગભગ એ જતાં જ નહિ!! કારણ કે એને કામ ખુબ રહે ને લોક સંપર્ક ખુબ સારો!!

નિશાળની એક સાઈડ દીવાલ થોડી નાની હતી અને અંદર બે મોટા પથ્થર હતાં બરાબર દીવાલને અડીને જ એની પર બેચર ભાઈ ઉભા હોય અને આખા ગામનું વિહંગાવલોકન કરતાં હોય!! બાજુમાં જ ગામની મેઈન બજાર એટલે બેચરભાઈને મજા પડી જાય. વળી ગામમાં જે નીકળે એને બેચર ભાઈ સાદ કરીને બોલાવે અને એની સિગારેટ પીવે અને ચર્ચા કરે રાખે. અરજણ ગાડું લઈને નીકળે એટલે બેચરભાઈ પૂછે

“અલ્યા અરજણ તારે ભેંશ દુઝણી છે કે વસૂકી ગઈ છે?? મારા ધ્યાન માં એક ગાય છે તારે જોતું હોય તો સાટું કરાવી દઉં .. બોલ થઇ જા ભાયડો!! અને તારા ભાઈના છોકરાનું વેવિશાળ બાકી છે ને તો મારા ધ્યાન માં એક કન્યા છે બોલ વિચાર હોય તો બપોર પછી બુલેટ લઈને આવજે દામનગર આંટો મારી આવીએ”

લાખાભાઈ નીકળે એટલે બેચાર ભાઈ એની સાથે વાતોએ વળગે.

“લાખાભાઈ ટાચનો એક ફેરો નાંખવો છે ફળીયામાં તે નાંખી દેજો ને અને બીજી એક વાત તમને પૂછવાની છે..સાચુ કહેજો હો આ તો મને વાત મળી એટલે કહું છું કે પુનિયા ની છોકરી સુરત થી ભાગી ગઈ છે એવા સમાચાર છે સાચું ખોટું રામ જાણે પણ જો સમાચાર સાચા હોય તો ભારે કરી પુનિયા માથે પણ એ પુનીયો પણ અક્કલનો ઓથમીર છે. મેં ગયાં શિયાળે એને એક ઘર ચીંધ્યું હતું પણ એણે છોકરી ના પરણાવી તો લે લેતો જા બેટમજી હવે!!

ગામ આખાની ખબર બેચરભાઈ રાખે.કોની કોની વચ્ચે શેનો શેનો ઝગડો છે!! કોને કોને કસુવાવડ થઇ?? કોના સબંધ થયાં અને કોના તૂટી ગયાં??? કોની પાર્ટી સુરતમાં ઉઠી ગઈ અને કોની ઘરે નડતર છે એવી જડબેસલાક માહિતી બેચર ભાઈ પાસે હોય!! શિયાળામાં તો ગામમાં લગ્ન પ્રસંગ હોય એટલે બેચર ભાઈ સહી કરવા જ નિશાળે આવતાં અને ઘણી વાર બે ત્રણ લગ્ન ગામમાં હોય એટલે એને સહી કરવાનો પણ ટાઈમ ના મળે એટલે લગ્નનાં રસોડે જ હાજરી પત્રક મંગાવતા!!

ગામ પણ બેચરભાઈ જોગનું જ એટલે ગામમાં કોઈ પ્રસંગ હોય એટલે બેચરભાઈને જમવાનું તો હોય જ, બીજાને કદાચ ના હોય પણ બેચરભાઈ ને તો જમવાનું હોય જ!! કારણ મધ્યાહન ભોજનના તપેલાં!! ગામમાં કોઈના ઘરે ઢગ આવે કે સીમંત હોય, કારજ હોય કે શ્રાદ્ધ હોય, બેચરભાઈ પાસે આવે ગામનાં માણસો અને કહે.

“ કાલે તમારે જમવાનું છે બપોરે નાની દીકરીને રૂપિયો નારીયેળ દેવા આવે છે એટલે અને બે મોટા તપેલાં જોશે દાળ શાકનાં”

“અરે લઇ જાવ આતો ગામનું છે અને ગામ ખાય અમને શું વાંધો છે?? બે નહિ પણ ત્રણ ઉપાડો એકમાં પાણી ભરી રાખજો એટલે વાસણ ધોવામાં તકલીફ ના પડે અને આમેય તપેલાં તો જેમ વપરાય એમ ઉજળા થાય ઉજળા” બેચર ભાઈ આમ બોલીને તપેલાં કાઢી દે અને ગામ લોકો પણ કહે વાહ આનું નામ માસ્તર બાકી આની પહેલાં જે સાબ હતાને એ તો ના જ પાડતા પણ બેચરભાઈ એટલે બેચર ભાઈ!!

સુકેતુ શુક્લાને ખુબ જ ઝડપથી બેચરભાઈના વિવિધ લક્ષણોનો પરિચય થઇ ગયેલો. ક્લાસમાં અંગ્રેજી પ્રાર્થના કે એક્શન સોંગ ગવરાવે કે બેચરભાઈ પ્રગટ થાય.

“અમે આઠ આઠ વરહથી આહીં છોલાવીયે છીએ ને આને ગુજરાતી માં લોચા પડે છે ન્યા તમે એને અંગ્રેજી શીખવાડો છો, ક્યાંક વાજબી રાખો વાજબી, આ ગામડાની ડાંડ પરજા આને ગુજરાતી માંડ આવડે ગુજરાતી” બેચર ભાઈ રીતસરના ધગી જાય.

“આપણે પ્રયત્ન તો કરીએ વળી આવડી પણ જાય, અને એય છગન જા બહારના ગલ્લેથી એક કેવેન્ડર લઇ આવ તો બેચરભાઈ માટે” એમ કહીને સુકેતુ દસની નોટ કાઢીને એક છોકરાને આપે છોકરો કેવેન્ડર લઇ આવે અને બેચરભાઈ એક સટ મારીને બોલે.

“તમારી નિષ્ઠાને ધન્યવાદ પણ આતો તમારો ખોટો ટાઈમ બગડેને એટલે કહું છું એય ને તમ તમારે ભણાવો” અને પછી ફળિયામાં ખુરશી નાંખીને બેસે. અને સુકેતુને પણ ખબર પડી ગયેલી કે આ વિકેટને સાચવી લઈએ તો ખોટી લમણાઝીંક નહિ.

બેચર ભાઈ શાળામાં આવ્યાં ત્યારથી જ દર વરસે ત્રીજું ધોરણ લે. નાના બાળકો એટલે વધારે શીખવાડવું પણ ના પડે. સો એકડા, કક્કો અને બારાખડી આ એનું આજીવન લેશન,!! ક્યારેક મૂડ ચડે ત્યારે શબ્દો વંચાવે, પણ નિશાળની ઉપાધિ મોટી અને માથે આખી નિશાળ માથે લઇ લીધેલી ને !! એક વાગ્યા સુધીમાં મધ્યાહન ભોજન બનતું હોય ત્યાં બે વખત જઈ આવે. રીશેષમાં વળી કોઈ ગામમાં જઈને લોક સંપર્ક કરી આવે. તાલુકેથી કાઈ લેવા જવાનું હોય તો એ જ જાય કોઈ પણ તાલીમ હોય લગભગ બેચરભાઈ જ જતાં. ત્યાં જઈને પણ સહી કરીને ગપાટા જ મારે અને છેલ્લે છેલ્લે સંઘમાં પણ સભ્ય થયેલા..!! સુકેતુ શુક્લાને બેચરભાઈ સાથે ગાળેલા બે વરસના તમામ દ્રશ્યો યાદ આવી રહ્યા હતાં..!!

ચોમાસામાં જરાક છાંટા પડે કે તરત જ રજા આપી દે, નિશાળના મકાન થોડાં નબળા અને છોકરાને કાઈ થયું તો જવાબદારી કોની??? અધિકારીને પણ સારી રીતે સાચવી લે!! કોઈ આધિકારી આવે એટલે આગતા સ્વાગતા અને ગામમાં ચાર સારા મંદિર એ મંદિરમાં અધિકારીને દર્શન કરાવવા લઇ જાય. પ્રસાદ લઇ આપે.!! કોઈ અધિકારીને શાલથી સ્વાગત કરે તો કોઈનું વળી ફૂલથી!! એ તો જેવો અધિકારી એવું સ્વાગત અને સ્વાગત પ્રવચન પણ એવું જ કે અધિકારી પણ પલળીને સીધો ઢેફું જ થઇ જાય.!! બેચરભાઈની નાંખણી જ એવી કે સામે વાળો રીતસરનો ગરીબ ગાય જેવો જ થઇ જાય!!

“ માનનીય સાહેબ શ્રી આપણી પાવન શાળામાં આવ્યાં છે, સાહેબશ્રીની પાવન પગરજથી શાળાની ભૂમિ પવિત્ર થઇ છે. સાહેબ નો હોદ્દો તો ખુબ મોટો પણ સાહેબ એકદમ સરળ સ્વભાવના છે. સાહેબ આવી જ એક સરકારી પ્રાથમિક શાળામાં ભણેલાં છે, અને સાહેબને બાળકો ખુબ જ પ્રિય અને મેં સાહેબને કીધું ચાલો સાહબે બાળકોને તપાસવા વર્ગમાં જઈએ પણ સાહેબે કીધું કે બેચરભાઈ મને તમારી ઉપર અને તમારાં સ્ટાફ પર પુરતો ભરોસો છે અને આમ પણ સાહેબને એક મીટીંગમાં જવાનું હોય ફક્ત બાળકોને બે શબ્દો કહીને પ્રોત્સાહિત કરશે તો આવો માણીએ સાહેબનું પ્રેરક પ્રવચન!! અને તાળીઓનો ગડગડાટ થાય!!! અને આમને સુકેતુ શુકલાના એ શાળામાં બે વરસ પુરા થયા અને એનું સિલેકશન થઇ ગયેલું મામલતદાર તરીકે અને એમનો ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયેલો બેચરભાઈ એ સારું એવું પ્રવચન પણ કરેલું કે,

“સાહેબ અહી આવ્યાં ત્યારે જ મેં એમને કીધેલું કે તમે ખોટા ક્ષેત્રમા છો તમારામાં મને અપાર બુદ્ધિક્ષમતા દેખાય છે અને તમે એક મોટા સરકારી ઓફિસર બની શકો એમ છો અને મને આજે આનંદ છે કે સાહેબે મારું સપનું સાચું પાડ્યું છે સાહેબ ને મેં ઘણું બધું શીખવાડેલું છે પણ હું કદી જાહેરમાં મારા વખાણ નથી કરતો એ આપ સહુ જાણો જ છો ” પછી તો એ ઘણું ઘણું બોલ્યાં!! ભેટ્યા!! ભેટો પણ આપેલી. પણ પછી એકાદ વરસ સંપર્ક રહેલો પછી તૂટી ગયેલો તે આજે બાર વરસે ફરીથી એ જ શાળામાં જવાનું હતું અને એ પણ અધિકારી તરીકે

સુકેતુ શુક્લા ઉભા થયા બહાર નીકળ્યાં ગેલેરીમાં ઉભા રહ્યા. મનમાં રોમાંચ હતો કે ચાલો આ બહાને પોતાની પ્રથમ અને છેલ્લી શાળામાં તો જવાશે ને ખાસ તો બેચરભાઈ ને તો મળાશે ને!! ગુણોત્સવના આગલાં દિવસે જ સાહેબ તાલુકા મથકે આવી ગયાં. એક ભવ્ય કહી શકાય એવાં સ્વામીનારાયણ મંદિરમાં સાહેબને ઉતારો અપાયો. લાઈઝન અને સંકલન અધિકારી મળ્યાં વાતચીતમાં જાણી લીધું કે બેચરભાઈ તો હજુ ત્યાંજ છે એજ શાળામાં જ્યાં કાલે જવાનું હતું.

બરાબર દસ વાગે સુકેતુ શુક્લાની સરકારી ગાડી નિશાળના કમ્પાઉન્ડમાં પ્રવેશી. શાળા આખી બદલાઈ ચુકી હતી. વર્ગખંડો નવા બંધાઈ ચુક્યા હતા. સરસ મજાનો બગીચો હતો. પીવાના પાણીની અને સેનીટેશનની સારી એવી વ્યવસ્થા હતી. આખી શાળામાં બ્લોક નંખાઈ ગયાં હતાં. અને સુકેતુ શુક્લાએ બેચરભાઈને જોયા!! દુરથી બેચરભાઈ એ બે હાથ જોડ્યા!! એકદમ બદલાઈ ગયાં હતાં બેચરભાઈ!! શરીર પાછું પડી ગયું હતું. મોઢા પરની કરડાકી દૂર હતી. આચાર્ય શ્રી સાથે ઓળખાણ થઇ. આચાર્ય નવા આવ્યાં હતાં અને એચ ટેટ પાસ કરીને આચાર્ય થયાં હતાં . બાકીનો સ્ટાફ પણ સાવ નવો જ હતો જૂનામાં તો એક બેચરભાઈ હતાં.

“ અધિકારીની યાદીમાં તો એસ પી શુક્લા એવું નામ હતું પણ તમે આવ્યાં ત્યારે ખબર પડી આ તો અહીંજ નોકરી કરતાં એ જ સાહેબ છે” બેચરભાઈ બોલ્યાં એમની બોલચાલ પણ ખાસી બદલાયેલી હતી એવી કંઇક તો બાબત હતી જ જે બેચરભાઈનાં વ્યક્તિત્વને એક અનેરો ઓપ આપી રહી હતી. પ્રાર્થનામાં પણ તેઓ સતત છેલ્લે ઉભા રહ્યા. પછી વર્ગ મૂલ્યાંકન શરુ થયું. સુકેતુ શુક્લાએ બેચરભાઈનો પાંચમાં ધોરણનો વર્ગ તપાસવાનું શરુ કર્યું. બધાજ બાળકો કડકડાટ વાંચતા હતાં. હિન્દી પણ વાંચતા હતાં. અમુક અમુક બાળકો અંગ્રેજી પણ વાંચી શકે. આખો વર્ગ કમ્પ્લેટ!! એકદમ બધી જ રીતે તૈયાર વર્ગ. સુકેતુ શુક્લા ખુશ થયા. આખી શાળાનું મૂલ્યાંકન થયું. પણ બેચરભાઈ ના તો સાથે રહ્યા કે ના બહાર આંટા માર્યા એ તો એનાં રૂમમાં જ અથવા તો આચાર્ય કહે એ કામ કરવાનું!! છેલ્લે એસએમસીનાં સભ્યો સાથે ની મીટીંગ પહેલાં આચાર્યશ્રીને સુકેતુ એ પૂછી જ નાંખ્યું.

“ આ બેચરભાઈ આટલા સીધા અને નિષ્ઠાવાન થઇ ગયાં હું માની જ શકતો નથી.”

આચાર્ય સહેજ હસ્યાં અને કહ્યું.

“ હા સાચી વાત છે હું ચાર વરસ પહેલાં આવ્યો હતો એચ ટેટ થઇ ને આવ્યો ત્યારે બે દિવસ મને પણ ખુબ કીધેલું કે માપમાં રેવાનું નહીતર સોળના ભાવમાં ક્યાં વહ્યા જાશો એ ખબર પણ નહિ પડે. પણ પછી બે મહિના પછી એ બીમાર પડ્યા લગભગ પંદર દિવસ ખાટલે રહ્યા. હું રોજ સાંજે એની ખબર કાઢવા જાવ. બીમારી શું છે એ પકડાઈ નહિ. વળી પાછા સાજા થઇ ગયાં. મહિના પછી તો સાવ બીમાર ઉભાજ ના થઇ શકે. અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા. એમ આર આઈ, સીટી સ્કેન, એન્ડો સ્કોપી. આખું શરીર ચેક કર્યું પણ શરીર સુકાતુ ચાલ્યું. એમનાં પત્ની અને એક છોકરો બેય ચિંતામાં. પછી તો સિવિલની સામે જ એક મારો ફ્લેટ છે ત્યાં મેં રાખ્યા. જમવાની વ્યવસ્થા કરી દીધી. ડોકટરો પણ મારા પાપાના મિત્ર એટલે એ લોકો થોડું વધારે ધ્યાન આપે. હું દર શની રવી ત્યાં જાઉં અને કહું કે હવે તમે એક જ મહિનામાં સાવ સારા થઇ જશો હિંમત રાખો એક જ મહિનામાં તમે દોડવા લાગશો દોડવા!! અને એ વખતે બેચરભાઈ ખુબ જ રોયેલા. દિવસો વિતતા ગયાં અને સુધારો દેખાણો લગભગ દોઢ જ મહિનામાં નખમાં ય રોગ નહિ. મારો એણે ખુબ આભાર માન્યો મેં કીધું કે મેં કશું જ નથી કર્યું.. જેનાથી તમને સારું થયું છે ત્યાં હું તમને લઇ જાવ છું અને પછી બીજા દિવસે અમે ગામ પાછા ફર્યા ત્રીજા જ દિવસે બેચરભાઈ શાળામાં આવ્યાં. જેવા દરવાજામાં દાખલ થયા કે બધાજ બાળકોએ એમને ઘેરી લીધા. એક એક બાળકના હાથમાં એક એક ફૂલ હતું. બધાં જ પ્રાર્થનામાં ગોઠવાયા અને પછી મેં બાળકોને વાત કરી, સાહેબ ને સાવ સારું છે અને પછી બેચરભાઈ ને કીધું કે આ બાળકો છેલ્લાં દોઢ મહિનાથી તમારી તંદુરસ્તી માટે રોજ દસ મિનીટ ભગવાનને પ્રાર્થના કરે છે. સાહેબ તમને જે નવજીવન મળ્યું છે એ આ બાળકોને આભારી છે. અને સાહેબ એ જ દિવસથી આ પરિવર્તન છે. સાહેબ એ સાડા નવના આવી જાય અને સાડા પાંચ વાગ્યે જાય છે. પણ વર્ગ સિવાય ક્યાય જવાનું નહિ. કોઈને મળવાનું નહિ.” આચાર્યે વાત પૂરી કરી. સુકેતુ શુક્લા એસએમસીના સભ્યોને મળ્યા. બધાજ સભ્યો બેચરભાઈના વખાણ કરતાં હતાં. આજ પહેલી સુકેતુ શુક્લાને બેચરભાઇના વખાણ ગમ્યા. વખાણની એક ખાસિયત છે કે એ સાચા હોય તોજ ગમે !! ગુણોત્સવ પૂરો થઇ ગયો. જતી વખતે બેચર ભાઈને તે બગીચામાં મળ્યા બગીચામાં તે પાણી પાતા હતાં.!!

“ખુબ સરસ બેચરભાઈ તમારું કામ મને ગમ્યું” સુકેતુ એ કીધું અને બેચરભાઈ બોલ્યાં.

“આભાર સાહેબ બહું ના કરવાનું કર્યું છે!! પણ જ્યારથી ઠોકર વાગી છે, ત્યારથી બાળકો માટે જ જીવું છું. મારા માટે ફૂલ જેવા બાળકોએ દોઢ માસ માટે કરેલી પ્રાર્થનાથી હું જીવી ગયો છું. એક કુદરતી સંકેત હશે. અને સાચું કહું સાહેબ ક્યારેક ને ક્યારેક તો ઈશ્વર ઠોકર મારીને પણ સુધરવાની તક આપે છે પણ સુધરે એ જ માણસ ના સુધરે એ ઢોર..!! ઈશ્વર સિવાય આપણું કોણ બગાડી શકે. અહી તો ભલામણ થી પણ તમારો A ગ્રેડ થઇ જાય.. પણ ઓલ્યા ઉપરવાળાના દરબારમાં કયો ગ્રેડ આવે એ નક્કી નહિ. બસ હવે આમ જ જીંદગી પૂરી કરવી છે અને સાચું કહું સાહેબ ખુબ જ મજા આવે છે. મારી પત્ની અને છોકરો પણ ખુશ છે. તમને બધી વાત આચાર્યશ્રી એ કરી જ હશે મારી, પણ એક વાત મારે તમને કરવી છે બાળકોને દિલથી ભણાવો તો એનું તાત્કાલિક ફળ ઈશ્વર આપેજ..!! આમાં ઈશ્વર ક્યારેય પણ નિષ્ફળ જતો નથી.” બેચરભાઈ એ વાત પૂરી કરી.. અને સુકેતુ શુકલાની સરકારી ગાડી ગુણોત્સવ દિવસ એક પૂરો કરીને ચાલી.. આજે તેમને ખુબ જ મજા આવી હતી.. બધો થાક ઉતરી ગયો હતો.

બાળકોએ કરેલી પ્રાર્થનાનું ફળ ક્યારેય નિષ્ફળ હોતું નથી!! જગતમાં સહુથી વધુ ફળદ્રુપ વસ્તુ હોય તો એ બાળકોની પ્રાર્થના છે!!

લેખક : મુકેશ સોજીત્રા

તમને પણ તમારું બાળપણ અને તમારા શિક્ષક યાદ આવ્યા હોય તો શેર કરો આ લાગણીસભર વાર્તા તમારા ફેસબુક પર, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી