“માનવતાની ફિકસ ડીપોઝીટ” – કયારે પાકે અને કેટલી પાકે એ નક્કી નહિ…

“ઉઠ્ય એય રાજકુમાર!! આ દસ વાગવા આવ્યાં તોય હજુ સુતો છે!! હવે નાનો નથી. ૨૫ વરસનો ઢાંઢો થયો હવે નાનો નથી. રાતના બાર વાગ્યા સુધી નકરો મોબાઈલ ઘુમડતો હોય પડ્યો પડ્યો અને ના તો પડાય નહિ નહીતર એકનો એક દીકરો છે એટલે ચાગલાઈ વધારે છે.અસલ એના બાપ પર ગયો છે.” રંભાએ ગોદડું ખેંચતા વિવેક જાગ્યો અને આંખો ચોળી અને કહ્યું.

“ગુડ મોર્નિંગ મમ્મા,!! હેવ અ નાઈસ ડે મમ્મા,!! લવ યુ મમ્મા!! વિવેકે કહ્યું, અને રંભાનો મુડ ઓર બગડી ગયો.

“હવે જોયો મોટો ગુડ મોર્નિંગ ના દીકરા વાળો, ઉભો થા નાહી ધોઈને વાંચવા બેસ અને હવે જે પરીક્ષા આવે એમાં પાસ થઇ જા તો સારું છે. તારા બાપાને તો કશી જ પડી નથી. બસ આ ઘરમાં બળતરા કરવા વાળી હું એકલી જ છું. મલક આખાના દીકરા આછી પાતળી નોકરી શોધીને કરવા લાગ્યા છે અને આને એકલાને જ મારા બટાને જલસા છે ને હોય જ બાપને તો કશું કહેવું જ નથી અને મારું માને કોણ?? મારું માન્યું હોત તો અત્યારે આ દિવસો ના જોવા પડત!! મહાદેવ !! મહાદેવ !!! આનું શું થશે?? નોકરી નહિ કરે ને તો છોકરી કોણ દેશે આ ઓટીવાળને” સવાર સવારમાં રંભાનો આ રોજીંદો ક્રમ હતો. બહાર ફળિયામાં મનસુખલાલ છાપું વાંચતા હતાં. એ હસીને બોલ્યાં.

“મારા બાપા પાસે કશું જ નહોતું તોય અમે ત્રણ બહેનો અને બે ભાઈઓ પરણી ગયાં ને એમ વિવેક પણ પરણી જ જશે.અને સમય આવ્યે સહુ સારા વાના થઇ જશે. તું નાહકની ચિંતા કરી કરીને તારો જીવ બાળશો. લાગે છે કે જન્મી ત્યારથી ચિંતા કરવાનું ઉધડુ રાખીને જ જન્મી છો.આ સવાર સવારમાં જરાક શાંતિ રાખતી હો તો ના ચાલે??”

“બસ આમને આમ ચડાવી માર્યો છે કુંવરને બાકી પહેલેથી ધ્યાન રાખ્યું હોતને તો એ આજ ક્યાંકને કયાંક લાગી ગયો હોત.. શું થશે મારા દીકરાનું એની ચિંતા મને ના થાય તો કોને થશે?? જે આવે ઈ પૂછે છે કે વિવેક શું કરે છે અત્યારે તો મારે શું જવાબ દેવાનો ?? એમ થોડું કેવાય કે વિવેક ખાઈ પીને મોબાઈલમાં ધુબાકા મારે છે?? જાણે શું બળ્યું છે આ મોબાઈલમાં કે આજના છોકરા એમાં ગાંડા થઇ ગયાં છે અને બગડીને બેહાલ થઇ ગયાં છે, આ બાજુમાં નાના ભાઈને પણ બે છોકરા છે ને એને જોઈએને તો કાઈ શીખો.તમે તો એક જ નોકરી કરો છો . એ તો બેય જણા નોકરી કરે છે તોય એના છોકરાને એણે મોબાઈલ હજુ લઇ નથી દીધો એને અને તમે આ રાજકુંવરને માંગે ઈ લઇ દયો છે.એક દિવસ આ પરજા તમને રાતે પાણીએ ના રોવડાવે તો મને કહેજો.” રંભાનો અવાજ ટેજ બન્યો. વિવેક નાહીને આવી ગયો હતો. નાસ્તો કરવા બેઠો. મનસુખલાલ એની સામે જોઇને હસ્યા. રંભા બબડતી રહી.

આમ જોવા જઈએ તો રંભાની વાત સાચી હતી. આખા ગામમાં રંભાના દાખલા દેવાતા. રંભા આવી ત્યારથી પગ વાળીને બેઠી જ નહોતી. રંભા એ કદી પોતાનો વિચાર જ નથી કર્યો.બસ આવીને ત્યારથી એ સમર્પિત થઇ ગઈ હતી. આ ઘરને બનાવવામાં રંભાનો સિંહ ફાળો હતો. બીમાર સાસુ સસરાની સેવા કરવામાં કદી એણે પાછી પાની નહોતી કરી. મોટી દીકરી મીનાના લગ્ન પ્રસંગમાં આખું ગામ ખડે પગે હતું. ગામના તમામ બૈરાઓએ અલગથી મીના માટે ચાંદલો લખાવ્યો હતો. વેવાઈ પણ છક થઇ ગયાં હતાં અને મનોમન હરખાતા હતાં કે આવી રખાવટ વાળી અને આખા ગામના કામ કરવા વાળી વેવાણ ની દીકરી મારા ઘરે પુત્રવધુ થઈને આવે છે. બસ રંભાને હવે એક વિવેકની ચિંતા હતી. કોલેજ પૂરી કરીને વિવેક આમ તો કશું કરતો નહિ, જેમ તેમ એ પરિક્ષાની તૈયારી કરે અને એ પણ એની માતા રંભા બહુ જ ખીજાય ને ત્યારે..!!!

દપાદાદા ગામના પોસ્ટ માસ્તર હતાં. દપાદાદા નું ગામમાં સારું એવું માન. પોસ્ટમાસ્તરની ટૂંકા પગારની નોકરી સાથે સાથે ગામનું ગોરપદુ કરતાં હતાં. દપાદાદાને પાંચ સંતાનો , મોટી ત્રણ દીકરીઓ અને પછી બે દીકરા હતાં. મોટા દીકરાનું નામ મનસુખલાલ અને નાના નું નામ ધનસુખલાલ. દીકરીઓ તો બધી જ સાત સાત ધોરણ સુધી ભણાવીને પરણાવી દીધી અને પછી મનસુખલાલને ધોરણ દસ સુધી ભણાવ્યો અને પીટીસી કરાવી ને માસ્તર બનાવી દીધેલો.બે વરસ સુધી રાજકોટમાં ખાનગી શાળામાં નોકરી કરી અને પછી વતનમાં સરકારી નોકરી મળી ગયેલ.વતનમાં આવ્યા પછી મનસુખલાલને બાજુના ગામમાં જ પરણાવી દીધો. ધનસુખલાલ એ સહુથી નાનો દીકરો. એ પણ પીટીસી કરીને નોકરી એ લાગી ગયેલો. એ પણ પરણી ગયો પોતાની રીતે!! પોતાની સાથે જ નોકરી કરતી એક પોતાની જ્ઞાતિની એક કન્યા સાથે લગ્ન કરી લીધાં પછી મોટાભાઈને વાત કરી.

“ભાઈ મેં કોર્ટ મેરેજ કરી લીધા છે મારી જ શાળામાં નોકરી કરતી એક શિક્ષિકા સાથે, બાપા કોઈ કાળે હા પાડે એમ નહોતા. બાપાને ઘર સાચવે એવી કન્યા જોઈતી હતી, એ તો તમને ખબર જ છે. વહુ નોકરી કરે એ બાપા કોઈ કાળે સ્વીકારે એમ જ નહોતા. એટલે બાપા મને બીજે પરણાવે એ પહેલાં જ હું પરણી ગયો છું.ભાઈ હવે તારે બધું જ સંભાળી લેવાનું છે” મનસુખલાલ બોલ્યાં.

“વાંધો નહિ હું સંભાળી લઈશ. પણ તે બરાબર ચેક કરીને જ લગ્ન કર્યા છે ને બાકી નોકરી કરતી તો તું લાવ્યો છો પછી એમાં એવું નહિ બને ને કે રોટલી તારે કરવાની અને શાક એને બનાવવાનું. તારે તારા કપડાં ધોવાના એ એના કપડાં ધોઈ નાંખે,ઘરમાં સફાઈ કરવાના પણ વારા કરે એવી તો નથીને?? બાપાની વાત આમ તો સાચી જ છે કે નોકરી વાળી યુવતી આપણી જ્ઞાતિમાં હોય એને દોઢો પાવર હોય!! એ કોઈનું સાંખી ના લે!! તું આજુ બાજુના મલકમાં બધે જોઈ લે કે જે ડબલ નોકરી કરે એ ને ડબલ પગાર તો આવે જ પણ સાથો સાથ ડબલ બળતરા અને ડબલ કલેશ પણ આવે જ છે ને!!

“ના એવું કશું જ નથી તેજલ ખુબ જ સારો સ્વભાવ ધરાવે છે. એ એવી નથી. આ ઘરમાં આવે ત્યારે જોજો રંભાભાભીનું બધું જ કામ ઉપાડી લેશે , એ જોજો એની ગેરંટી મારી! મારી તેજલ સાચો રૂપિયો છે સાચો રૂપિયો “ ધનસુખલાલ ભાવાવેશમાં આવી ગયો.

વાત સાંભળીને દપાદાદા એ થોડાક તણખા નાંખ્યા પણ મનસુખલાલે એને સમજાવ્યું કે તમો માનો કે ના માનો જે બનવાનું હતું એ બની જ ગયું છે. એ બેય જણા સાથે જ રહેવાના છે તો બહાર રહે એના કરતાં આપણી સાથે જ રહે તો ખોટું શું છે?? આમેય રંભા તો છે જ તમારી સેવા કરવા માટે?? તમારે કયા એની ભેગું રહેવાનું છે?? તમારે તો મારી ભેગું જ રેવાનું છે ને આવી બધી વાતો કરીને દપાદાદા ને મનાવી લીધા. સારા મુરતે ધનસુખલાલ અને તેજલ બને ઘરમાં આવી ગયાં. તેજલ પણ સાસુ સસરાને પગે લાગીને ઘરમાં ગોઠવાઈ ગઈ. રંભાને તો હરખનો પાર નહોતો. મારી દેરાણી આવી ને મારી દેરાણી તેવી ને મારી દેરાણી ખુબજ ડાહી એમ ગામ આખામાં ગાઈ વગાડીને જાહેરાત કરતી હતી.

મનસુખલાલ અને ધનસુખલાલ બેય સગા ભાઈઓ પણ ફરક મોટો!! મનસુખલાલ પહેલેથી જ ઉદાર અને પૈસાને એણે ગળે નહોતો વળગાડ્યો પણ ધનસુખલાલને પૈસો એટલે પરમેશ્વરને હું પૈસાનો દાસ એ સૂત્ર નાનપણથી જ અપનાવેલું. પૈસા ભેગા કરવાની ટેવ ખરી ધનસુખને!! નાનપણમાં જ દપા દાદા દિવાળીએ ફટાકડા ના પૈસા આપે એમાંથી અર્ધા પૈસા ધનસુખ બચાવે અને મોટાભાઈએ લાવેલ ફટાકડામાંથી મોટાભાગના એ ફોડે.કોઈ મેમાન પૈસા આપે તો પણ એ વાપરે નહિ. શરુઆતમાં તો ભેગું ચાલ્યું. તેજલને સવારની નોકરી એટલે એ વહેલા નીકળી જાય. રંભા મનસુખલાલ અને ધનસુખલાલ નું ટીફીન તૈયાર કરી નાંખે.બપોરે તેજલ આવે એટલે રંભાએ રસોઈ કરી નાંખી હોય એ જમીને સુઈ જાય તે છેક સાંજે રંભા સાથે તેજલ રસોડામાં જોડાય અને શાક બનાવે ને રંભા રોટલા. ખાઈ પીને તેજલ એના રૂમમાં અને રંભા પાડોશીના બૈરા સાથે સત્સંગમાં હોય. પગાર આવે એ ય બેય જણા પોતાની પાસે રાખે અને મનસુખલાલ ને એક પણ રૂપિયો પણ ના પરખાવે. મનસુખલાલ માંગે પણ નહિ પણ દપા દાદાનો જીવ કકળે. બે વરસ તો દપા દાદાએ માંડ માંડ કાઢ્યા અને એક દિવસ ઘરમાં એણે બેયને બોલાવીને ભાગ પાડી દીધા.

“તમે બને અલગ અલગ રહો તો સારું ગણાય.કાલ્ય સવારે હું ના હોવ ને તમે ઝગડો કરીને નોખા થાવ એના કરતાં અત્યારથી જ નોખા રહો. રાજાશાહી વખતની આપણા પાલન પોષણ માટે ભાવનગરના રાજવીએ ૨૦ વિઘા જમીન આપી છે. એ જે સેવા પૂજા કરે મંદિરની એને મળે.મોટો એની સેવા પૂજા કરે છે અને અમે બેય જણા મોટા ભેળા રેવાનું નક્કી કર્યું છે. અને તમારે બેયને નોકરી છે એટલે તમારે જમીનને શું કરવી છે”?? દપા દાદા આટલું બોલ્યાં ત્યાંજ ધનસુખ બોલ્યો.

“સેવા પૂજાનો સવાલ હોય તો વારા કરીએ અમે બેય ભાઈઓ પણ અડધી જમીન તો મને મળવી જ જોઈએ ને, રહ્યો સવાલ તમને રાખવાનો તો બા મારી ભેળા ભલે રહે તમે મોટા ભેગા રહેજો, પણ તમે આમ ભાગ પાડો એ વાજબી જ નથી અને મોટાભાઈ વખતે પણ શિક્ષિકાના માગા આવતાં જ હતાં પણ તમારે મોટો ડોડ હતો કે આપણા ખાનદાનમાં બાયું નોકરી ના કરે. એટલે બાપા તમારી બળતરા મૂળમાં થી જ ખોટી છે”

“એય બા બાપુજી મારી સાથે રહેશે અને તારી દસ વિઘા જમીન પણ મળી જશે. હવે કાઈ વાંધો નથી ને અને સેવા પૂજા પણ હું કરીશ. તું તારે જલસા કર અને બાપુજી હવે મારા સોગંદ છે તમે કાઈ બોલો તો” મનસુખલાલે વાતનું પૂર્ણ વિરામ મૂકી દીધું. બેય ભાઈએ બે બે ઘર વહેંચી લીધાં. અને વચ્ચે ચણી લીધી દીવાલ અને દપાદાદા ના દાદા વખતનો જે ડેલો હતો એ નીકળી ગયો અને બે નાની નાની ખડકીઓ થઇ ગઈ.બેયના હલાણ નોખા. વેવાર નોખા!! આમ તો નાનાને કોઈ વેવાર જ નહોતો. વેવાર તો મોટો જ સાચવતોને!!

ત્રણ બેહેનો પિયર મળવા આવે તો એનો ઉતારો મોટાને ત્યાંજ હોય. કોઈ સગા સબંધી આવે તો ઉતારો મોટાને ત્યાં જ હોય. વળી ધનસુખ કહેતો પણ ખરો.
“વેવાર તો મોટા જ કરે ને?? મોટો બાજુમાં હોય અને મેમાન નાના ને ત્યાં જમે તો મોટાને ખોટું ના લાગે??”

ગામમાં થી જમવાનું આમંત્રણ આવે તો જમી બધાં આવે પણ ચાંદલો તો મોટો જ કરે. ચાંદલો તો કોઈ લેતું જ નહિ એ વખતે લખીને પાછો આપી દે..આજે પણ ઘણાં ગામમાં સાધુ બ્રાહ્મણનો ચાંદલો લગ્ન પ્રસંગે લેતા નથી જાનમાં જાવાનું થાય તો પણ નાનો અથવા એની વહુ જઈ આવે. મોટાને તો સવાર સાંજ શંકર મંદિરે આરતી કરવાની હોય અને ગામમાં જ નિશાળ એટલે કોઈ તકલીફ નહિ. આમને આમ બને ભાઈઓનો સંસાર ચાલ્યા કરે. મોટાને ત્યાં એક દીકરી અને દીકરો જન્મ્યો. દીકરી મોટી અને દીકરો નાન. થોડા વરસ પછી નાનાને ત્યાં પણ બે દીકરાનો જન્મ થયો.સંસાર વીતતો ચાલ્યો. નાનાને ડબલ પગાર એટલે આઠ વરસ પછી એણે પાકા મકાન બનાવીને જુના મકાન પાડી દીધા. મનસુખલાલને એ જુના મકાન જ રહ્યા.પગારમાંથી ખાસ કાઈ બચત નહોતી થતી. બા બાપુજી પણ બીમાર રહેતાં અને ત્રણ બહેનને પણ એ સમયાંતરે મદદ કરતો.ગામનું ગોર પદુ ઠીક ઠીક ચાલી જતું. એટલે વાંધો ના આવતો પણ મનસુખલાલનો ઉદાર સ્વભાવ હવે રંભાને દઝાડતો . આમ તો ક્યારેય એ બોલાતી નહિ પણ ક્યારેક અકળામણ વધી જાય તો એ બોલી નાંખતી.

“હવે તમે આ બેયની સામું તો જુઓ!! કાલ્ય સવારે આ બેય મોટા થશે ને પગારમાંથી ખાસ કઈ વધતું નથી.અને તમે મલકની સેવામાંથી ઊંચા નથી આવતાં.તમે કોઈ માંગે તો સો બસો રૂપિયા આપી દયો છો અને પાછા ભૂલી જાવ છો?? આવું કેમને ક્યાં સુધી ચાલશે.નિશાળમાં તમે અઠવાડિયે સ્ટાફને નાસ્તા કરાવો છો અને પંદર દિવસે બાળકોને જમાડો છો .બધાય નોકરી કરે છે એ કોઈ કેમ નથી એક રૂપિયોય ખર્ચતા અને તમે એક જ આવું કરો છો’?? આતો મને નિશાળમાંથી જ વાત મળી કે ગઈ કાલે તમે શામાને પાંચ સો રૂપિયા આપી દીધાં એની બીમાર છોકરીને અમદાવાદ લઇ જવા માટે અને મારા હાળા સાવ હાલી જ નીકળ્યાં છે ભામણ નું પણ નથી મુકતા હવે તો”

“એ માણસ પાસે પૈસો જાણીને કોઈ નથી આવતું મન જાણીને આવે છે ને આપણે ક્યાં સાથે લાવ્યાં હતાં.અહીના પૈસા અહીંજ વાપરી નાંખીએ તો સારું. ઘરમાં પૈસો હોયને તો ઊંઘ ના આવે. વગર પૈસે ઊંઘ સરસ આવી જાય, અને આપણે છોકરાનું ભવિષ્ય થોડું બનાવી શકીશું એય એના નસીબનું લઈને આવ્યા હશેને. તું ખોટી ચિંતા કર્યમાં, ખાવાનું ઘટે છે કોઈ દિવસ આ ઘરમાં?? એ ઘટે તો કહેજે બાકી પગાર બગાર તો ઠીક મારા ભાઈ” આમ કહીને મનસુખલાલ વાતને ઉડાડી દે.

દાનવિરનો સ્વભાવ તો પહેલેથી જ હતો. પણ ભુલકણો સ્વભાવ નોકરીએ લાગ્યા એના બે વરસથી શરુ થયો હતો. શરૂઆતમાં એ રાજકોટમાં ખાનગી શાળામાં નોકરી કરતાં હતાં અને જાહેરાત બહાર પડી અને વતનમાં નોકરી મળી ગઈ હતી. ગામમાંજ નોકરી મળ્યાને હજુ બે મહિના માંડ થયાં હતાં અને ગામની જ એક જાનમાં જતાં હતાં. વહેલી સવારે એ જાનની બસ ની પાછળ એક બીજી બસ ભટકાણી અને મનસુખલાલ પાછળ જ બેઠા હતાં અને માથામાં સહેજ વાગ્યું, નાના મગજ પર ઈજા થઇ નજીવી.આમ તો વાંધો ના આવ્યો પણ એ બધું જ ભૂલવા લાગ્યા હતાં. ત્રણ દિવસ પહેલાનું એને કશું જ યાદ ના હોય.ત્રણ વરસ સુધી દવા લીધી. સુધારો થયો અને પછી એ પરણી ગયાં પણ પેલી ભૂલવાની ટેવ તો થોડી થોડી રહી જ. પહેલાં પગાર રોકડો થતો હતો.જે દિવસે પગાર થવાનો હોય તે દિવસે રંભા શાળામાં પહોંચી જાય અને બધો પગાર લઇ લે. નહીતર મનસુખલાલ પાસે કોઈ આજીજી કરીને માંગે તો એ બસો પાંચસો રૂપિયા આપી પણ દે પણ હિસાબ ના રાખે અને માંગે પણ નહિ. મહીને એક વાર નિશાળના છોકરા પણ જમાડે .ગામમાંથી અમુક લોકોએ આનો આબાદ ફાયદો ઉઠાવેલો. મનસુખલાલના બા બાપુજીનું વારાફરતી અવસાન થયું અને મોટી દીકરીને પરણાવી ત્યાં સુધીમાં મનસુખલાલનું જીપીએફ સઘળું ઉપડી ગયું હતું. હવે પગાર ઠીક ઠીક વધી ગયો હતો અને બેંકમાં પગાર થવાને કારણે અને એટીએમ અને ચેકબુક વિવેકના હાથમાં હોવાને કારણે મનસુખલાલ નો જે લાભ બીજા ઉઠાવતા હતાં એ બધ થઇ ગયો હતો.

બાજુમાં જ રહેતાં ધનસુખલાલે જમીન વેચીને અમદાવાદમાં નાનકડું મકાન લઇ લીધું હતું. ઘરે કાર આવી ગઈ હતી. સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં બને દીકરા એન્જિનિયરિંગનું ભણતાં હતાં. તેજલ પાડોશમાં મોટેથી વાતો કરતી એ પણ રંભાને સંભળાવવા માટે જ.

“અમદાવાદમાં મકાન છે હવે તો ઘરનું અને એ પણ ચાર રૂમનું અને સેટેલાઈટ માં બેય દીકરા ભણીને મોટા ઓફિસર બનશે ત્યારે ધામધૂમથી પરણાવવાના છે. અને બેય ત્યાં મકાનમાં રહેશે. બાકી તમારે એક દીકરો હોયને આખી જિંદગી તમે મલકની સેવા જ કરી હોયને છેલ્લે તમે એને લાઈન પર ના ચડાવો તો ધૂળ પડી તમારા એ માસ્તરપણા માં!! હા લોટ માંગીને ખાવું હોય એને તો સવાલ જ નથી આખરે દપા દાદાનો વંશ પણ જીવતો રહેવો જ જોઈએને!! અત્યારે તો ગણતરી બાજનો જ જમાનો છે તમે ગણતરી ના કરો તો આ સમાજ તમારી ગણતરી કરે એવો નથી” રંભા બધુજ સાંભળતી પોતાનો વિવેક હજુ કામ ધંધે નથી ચડ્યો એટલે તેજલ આવું બોલે છે એ પણ એ સમજતી હતી. આવું સાંભળીને સાંભળીને હવે રંભાનો સ્વભાવ જ ચીડિયો થઇ ગયો હતો. જે સબંધી હવે ઘરે આવતાં એ એક જ પ્રશ્ન પૂછતાં કે વિવેક ૨૫ વરસનો થયો છે હજુ એ કેમ કાઈ નથી કરતો?? આ સવાલ રંભાને ખુબજ અકળાવતો પણ મનસુખલાલ તો એક જ જવાબ આપતાં.. મારો દીકરો છે એ ભલે કશું જ નથી કરતો પણ હેરાન પણ નથી કરતોને!! અને મહાદેવની કૃપા થી બધું જ સારું થઇ રહેશે. મનસુખલાલ ની નોકરીને હવે પાંચ જ વરસ બાકી હતાં. થોડી ઘણી બચત થઇ રહી હતી. વિવેક પણ હવે ગંભીર થઈને વાંચવા લાગ્યો હતો એ તલાટી ની પરીક્ષા આપવાનો હતો. આજના કોઈ પણ યુવાન ચાહે ગમે તેટલું ભણ્યો હોય એ તલાટીની પરીક્ષા તો લગભગ આપવાનો જ હોય એ કડવું સત્ય છે. એક દિવસ સાંજે એક ઘટના બની અને ગામ આખામાં એ સમાચાર પ્રસરી ગયાં.

એક સાંજે એક ફોર વ્હીલ આવીને મનસુખલાલ ના ઘર પાસે ઉભી રહી. ગાડીમાંથી ૬૦ વરસની એક વ્યક્તિ ઉતરી.એની સાથે ૨૫ વરસનો એક છોકરો હતો. તેઓ મનસુખલાલના ઘર ની અંદર ગયાં.

‘ઓળખાણ પડે છે મના શેઠ??? “ આવનારે પૂછ્યું. રંભા અને વિવેક તો સામું જોઈ રહ્યા. આજ પહેલા કોઈએ ક્યારેય મનસુખલાલને મના શેઠ કહ્યું જ નહોતું.

“ના ભાઈ ઓળખાણ તો નથી પડતી પણ અવાજ જાણીતો લાગે છે” મનસુખલાલ બોલ્યાં .અને આવનાર માટે ખાટલો ઢાળ્યો અને રંભા ચા મુકવા ગઈ. વિવેક ખુરશી પર બેઠો.

“૩૫ વરસ ના વહાણા વાઈ ગયાં એટલે ઓળખાણ ના પડે એ સ્વાભાવિક છે. હું જીવણ રાજકોટ વાળો!! પાઉભાજી વાળો યાદ આવ્યું.?? તમે રાજકોટમાં ખાનગી શાળામાં નોકરી કરતાં હતાં ત્યારનો તમારો ભાઈ બંધ . ત્યારે તમારા લગ્ન પણ નહોતા થયાં એટલે છોકરા અને ભાભી તો મને ક્યાંથી ઓળખે?? બસ પાત્રીસ વરસ થયાં આપણે જુદા પડ્યા એને પણ દર વરસે હું તમારી ભાળ આડા અવળી મેળવી જ લઉં છું. અને નક્કી કર્યું કે તમારે જયારે જરૂર હોય ત્યારે જ તમને સરપ્રાઈઝ આપીને મળવું છે તે હવે વખત આવી ગયો છે એમ લાગ્યું એટલે આજે મુલાકાત લીધી.” જીવણ બોલ્યો અને મનસુખલાલનું મગજ કામે લાગ્યું. ભુલકણી વ્યક્તિઓની એક ખાસિયત હોય કે એ નજીકનું ભૂલી જાય પણ બહુ પહેલાનાં જમાનાનું એને બધું જ યાદ હોય છે.

મનસુખલાલને આછું પાતળું યાદ આવી ગયું.એ ખાનગી શાળામાં નોકરી કરતાં હતાં.નિશાળ છૂટ્યા બાદ એ નિશાળના એક ઓરડામાં જ રહેતાં હતાં. નિશાળની બાજુમાં જ એક રોડ અને ત્યાં સાંજે એક પાઉં ભાજી વાળો આવતો એક લારી લઈને. મનસુખલાલ અને એને મિત્રતા થઇ ગઈ.રાતના બાર વાગ્યા સુધી એ પાઉં ભાજી વાળા સાથે ગપાટા માર્યા કરે.ધીમે ધીમે એ પાઉં ભાજી બનાવતાં પણ શીખી ગયેલાં. અને પછી તો એ રાતે રાંધતા જ નહિ .સાંજે પાઉભાજી ખાઈ લે.બહુ ઘરાકી હોય તો એ પૈસા લેવાનું કામ કરતાં હતા. એનું નામ જીવણ હતું. જુનાગઢ બાજુનો હતો અને એકલો જ હતો. બીજું કશું જ યાદ ના આવ્યું.

“હું તમારે ત્યાં પાઉં ભાજી ખાતો અને ક્યારેક તમારી લારીએ ભાજી પણ બનાવતો. તમારું વતન જુનાગઢ ને બસ આટલું જ યાદ છે. તમે મને મના શેઠ કહેતા એ પણ યાદ છે , બીજું કશું જ યાદ નથી” મનસુખલાલ બોલ્યાં.

“ જે યાદ રાખવાનું હતું એ તો તમે યાદ જ રાખ્યું નહિ. આ તમારો દીકરો છે ને?? તમારી એક દીકરી પણ હતી એને તો તમે પરણાવી દીધી છે.તમારી શાળામાં રાજકોટના બે સાહેબો હતાં એમની પાસેથી હું માહિતી મેળવી લેતો અને ભાભી અહી આવો તો એક કામ છે, ખુબ જ અગત્યની વાત છે “ આમ કહીને જીવણે રસોડા બાજુ નજર કરી અને રંભા ચા લાવી . બધાએ ચા પીધી.રંભા અને વિવેકને નવાઈ લાગતી હતી. ચા પીને જીવણે વાત શરુ કરી.

“શેઠ તમે મારા તારણહાર છો. તમે ભૂલી ગયાં છો પણ હું ભૂલ્યો નથી યાદ કરો એક દિવાળીએ તમારે વેકેશન પડતું હતું અને આપણે બને કપડાં ખરીદવા ગયાં હતાં. એ દુકાન વાળાએ ઇનામી ડ્રો રાખ્યો હતો.અને દિવાળી પછી તમે આવ્યા ને ત્યારે એ ડ્રોનું પહેલું ઇનામ તમને લાગ્યું હતું ૫૦૦૦૦ નું. એ વખતે મેં એમ કીધું કે આટલી રકમ હોય તો બસ સ્ટેન્ડ પાસે એક નાનકડી દુકાન લઇ શકાય. અને તમે મને એ ૫૦૦૦૦ રૂપિયા આપી દીધા અને કહ્યું કે જીવણ તું તારે ધંધો કર્ય.જે નફો આવે એમાં સરખો ભાગ. હું તો આભોજ બની ગયો હતો. પછી તો મેં લારી બંધ કરીને બસસ્ટેન્ડ પાસે એક જગ્યા લીધી.તમે રાતે ત્યાં આવતાં અને બે મહિના પછી જ તમને સરકારી નોકરી મળી ગઈ. છેલ્લી વાર તમે આવ્યા ત્યારે તમે એમ બોલ્યાં તા કે વરસે હું એક વાર આવીશ અને નફો સમજી લઈશું.પણ તમે ના આવ્યા. બે વરસે હું ત્યાં આવ્યો નિશાળે ત્યારે તમે દવાખાને ગયાં હતાં. તમારે દવા શરુ હતી. તમારા વિષે મેં સાંભળ્યું.તમારો નફો હું અલગ જ રાખતો.પછીતો તમારી નિશાળમાં જ રાજકોટના બે શિક્ષકો પાસે હું વાત કઢાવતો એ પણ ખાનગી રીતે. એ તમારી ઠેકડી ઉડાવતા. ભૂલકણો સ્વભાવ છે.તમે બધાને પૈસા આપીને પાછા ના માંગો એ બધું. તમારા એ પૈસાને કારણે મારો ધંધો બરાબર નો ચાલ્યો બે ત્રણ વાર વિચાર આવ્યોકે તમને નફાના પૈસા આપી જાવ. પણ પછી મનમાં થતું કે એ પૈસા તો તમે કદાચ ઉડાવી નાંખો તો એના કરતાં એ પૈસાનું હું ધંધામાં રોકાણ કરુતો?? દીકરીના લગ્ન વખતે પણ મેં તપાસ કરી કે જાવ પણ તમારે એ વખતે કશી જ જરૂર નહોતી.પણ હવે તમે નિવૃત થવા આવ્યા છો અને મારું પણ હવે બહુ નક્કી નહિ. તમારી જેવડી જ અવસ્થા થઇ છે તો હું તમને તમારો નફો દેવા આવ્યો છું” જીવણ થોડી વાર રોકાયો . સહુ પથ્થરના પુતળા બનીને વાત સાંભળતાં હતાં.

“અત્યારે રાજકોટમાં મારી બે રેસ્ટોરંટ છે, બેય ધમધોકાર ચાલે છે. એમાં એક તમારી છે અને એક મારી છે!! મેં બે મકાન લીધા છે પડખે પડખે!! એક તમારું અને એક મારું છે!! ગયાં વરસે મેં મારા આ છોકરાને પરણાવ્યો એના માટે મેં જેટલું જ ઘરેણું કરાવ્યું એટલું જ ઘરેણું મેં તમારા દીકરાના લગ્ન માટે કરાવીને રાખ્યું છે!! ભાગીદારી એટલે ભાગીદારી!! નફામાં એક મગની બે ફાડ!! એમાં કાઈ બીજું ના આવે મના શેઠ!! તમે આજ થી ૩૫ વરસ પહેલા આપેલા એ પૈસાએ મારી જિંદગી બદલાવી નાંખી છે. તમારું તમને સોંપવા આવ્યો છું. આ તમારા દીકરા સાથે તમે આવો અને તમને જે રેસ્ટોરંટ ગમે ઈ લો.હું તમારી વસ્તુ તમારે ખાતે કરી દઉં છું” રંભાની આંખમાં આંસુ હતાં અને જીવણ મનસુખલાલને ભેટી પડ્યો. આખા ગામમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. ત્રણ દિવસ પછી મનસુખલાલ સહ કુટુંબ રાજકોટ ગયાં. જીવણે એમને ખાતે એક રેસ્ટોરંટ અને એક મકાન કરી દીધું. વિવેકે મહીને બે લાખનો નફો કરતુ રેસ્ટોરંટ સંભાળી લીધું. રંભાનો ચીડિયો સ્વભાવ હવે બદલાઈ ગયો હતો. તેજલ પણ હવે કશું જ બોલતી નથી.આજુબાજુના ગામમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. એક જ મહિનામાં વિવેકની સગાઈ થઇ ગઈ. કોઈએ ના ચડાવ્યું હોય એટલું સોનું વિવેકની વાગ્દતા ને ચડાવવામાં આવ્યું.

બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં રહેલી ફિકસ ડીપોઝીટ અમુક ચોક્કસ સમયે પાકે અને ચોક્કસ રકમની જ પાકે પણ માનવતાની ફિકસ ડીપોઝીટ કયારે પાકે અને કેટલી પાકે એ નક્કી નહિ, એ પાકે ત્યારે સાત પેઢીનું સાજુ કરી નાંખે એવી પાકતી હોય છે. બધીજ ફિકસ ડીપોઝીટમાં માનવતાની ફિક્સ ડીપોઝીટ સહુથી મોટી ગણવામાં આવે છે.

લેખક : મુકેશ સોજીત્રા

ખુબ સરસ વાર્તા છે તમે વાંચી હવે આગળ શેર કરીને બીજા મિત્રોને પણ વાંચવાની તક આપો. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી