“ખારી શીંગ – એક સ્નેહસભર સંબંધ” – મુકેશ સોજીત્રા લિખિત નવી વાર્તા !!!

“પ્યાર કરનેકા હુન્નર હંમે નહિ આતા,
ઇસીલિયે પ્યારકી બાજી હમ હાર ગયે,
હમારી જિંદગીસે ઉન્હેં બહોત પ્યાર થા
શાયદ ઇસીલિયે હંમે વો જીંદા હી માર ગયે”

રીવોલ્વીંગ ચેરને ફેરવતાં ફેરવતાં નિજારઅલીએ આજે સવાર સવારમાં જ ઓફિસમાં શાયરી શરુ કરી. હાથમાં સિગારેટ અને વધી ગયેલી દાઢી!!આંખોની નીચે કાળા કુંડાળા!! બ્લેક ટીશર્ટ અને બલ્યુ જીન્સ જે લગભગ એમનો કાયમી ગણવેશ!! નિજારઅલી આ ઓફિસનું સહુથી રહસ્યમય પાત્ર હતું. કંપનીના માલિક અને મેનેજર શ્રી પટેલ સાહેબનાં એના પર ચારેય હાથ હતાં. નિજારઅલી માટે કોઈ સમયનું બંધન નહોતું. એ મન ફાવે ત્યારે આવે , મન ફાવે ત્યારે જાય!! કોઈ જ બંધન નહિ ક્યારેક ત્રણ ત્રણ દિવસ ના આવે અને ક્યારેક સવારે આઠ વાગ્યે આવી જાય ને રાતે દસ વાગ્યા સુધી કામ કરે!! વચ્ચે લંચ બ્રેક પણ ના લે!! હા એક આખું પાકીટ સિગારેટનું ફૂંકી મારે!! આમ તો આ ઓફિસમાં સિગારેટની મનાઈ હતી. પણ બે વરસથી જ્યારથી નિજારઅલીની આ ઓફિસમાં એન્ટ્રી થઇ ત્યારથી એની કેબીનમાં મોટે ભાગે ધુમાડાના ગોટા હોય!! આમ ખુબજ કુશળ અને હોંશિયાર હતો એ સાથી કર્મચારીઓ જાણતા હતાં. બેલેન્સશીટ્માં ક્યાં ભૂલ છે એ પળવારમાં પારખી જાય!! પટેલ એકાઉન્ટસી ના સર્વેસર્વાં અમિત પટેલે એક સ્ટાફ મીટીંગ માં બધાને કહેલું.

“આપણી ઓફિસમાં કાલથી નિજારઅલી નામના એક નવા હિસાબનીશ આવશે. તમામને જણાવવાનું કે એ એમની રીતે કામ કરશે!! એ એમના સમયે આવશે અને એમના સમયે જશે. કંપનીના કોઈ નિયમ એને લાગુ પડશે નહિ!! એના વિષે કોઈ ઊંડી પૂછપરછ નહિ કરે!!સહુ પોત પોતાના કાર્યને વળગી રહે!! એ એની કેબીનમાં જે કરે એ તમારે એની મોનીટરીંગ કે પત્રકારત્વ કરવું નહિ.એ લગભગ કોઈની સાથે બોલશે નહિ,પણ એને તકલીફ થાય એવું કાર્ય કોઈ કરશે તો એ મને નહિ ગમે!!સમય આવ્યે હું તમને માંડીને વાત કરીશ!! આભાર !!” અમિત પટેલની ઉમર હશે પચાસ આજુબાજુની!! માણસો પાસે કેમ કામ લેવું એની આવડત એનામાં હતી!! લાગણીશીલ અને ભાવુક પણ એટલાંજ!! કોઈ કર્મચારીને ખોટી રીતે કોઈ દિવસ હેરાન ના કરવા એ એમનો જીવન સિદ્ધાંત હતો પણ હા પોતાની કંપનીના હિત જોખમાય એવા કોઈ પણ કર્મચારીને એ વિના વિલંબે છૂટો કરી દે!! પોતાના સગા સાળાના દીકરાને એણે આવી જ રીતે પાણીચું આપેલું એ સહુ કોઈને ખબર હતી!!

અને આ બે વરસના ગાળામાં કોઈને પણ નિજારઅલી વિષે કોઈ જ માહિતી નહોતી અને કોઈએ કશું જાણવાનો પ્રયત્ન પણ ના કર્યો, કારણ કે સ્ટાફના બધાં લોકો અમિત પટેલથી વાકેફ હતાં. એમના કડક સ્વભાવથી પરિચિત હતાં. અને વધુ બીક તો એ કે “પટેલ એકાઉન્ટ્સી પ્રાઈવેટ લીમીટેડ”ની નોકરીમાંથી હાથ ધોવા પડે અને એ કોઈને પોસાય તેમ નહોતું!! આખા શહેરમાં આ એક નામી કંપની હતી. લગભગ તમામ કારખાનાઓ , ફેકટરીઓ, કપાસના જીન, ઓઈલ મિલ્સ અને ઘણી બધી દુકાનોના હિસાબો અહી તૈયાર થતાં.ઓફિસમાં લગભગ ૩૦ જેટલાં કર્મચારીઓ ફાઈલોના ડુંગર વચ્ચે કામ કરતાં હતાં. અને લગભગ દરેક કર્મચારીઓને તગડો પગાર મળતો. સહુ ખુશ હતાં!!

“ઇન આંખોમેં આંસુ આયે ના હોતે,
અગર વો પીછે મુડકર મુસ્કુરાયે ના હોતે,
ઉનકે જાને કે બાદ બસ યહી ગm રહેગા
કી કાશ વો હમારી જીન્દગીમે આયે ના હોતે”

શાયરી બોલતાં બોલતાં નિજારઅલીએ એક સીગારેટનો ઊંડો કશ લીધો.અને આજુબાજુ નજર દોડાવી સહુ સસ્મિત નયને એને તાકી રહ્યા હતાં. નિજારઅલીએ કોલ બેલનું બટન દબાવ્યું અને ઓધાલાલ પ્યુન હાજર થયાં.

“ઓધાલાલ સબકે લિયે એક બઢિયા ચાઈ કા ઇન્તેજામ હો જાયે ઓર લાસ્ટમેં જો શુકલા હૈના ઉસકે લિયે એક પાન પરાગ ઔર મેરે લિયે એક ગોલ્ડ ફ્લેક કા પેકેટ લાઈયેગા” પાંચસોની નોટ આપી ઓધાલાલને અને પાછો એક ઊંડો કશ લગાવ્યો!! ચા બધાએ પીધી અને પાછી થોડીવાર પછી નિજારઅલી કેબિનમાંથી બહાર નીકળ્યો સીટીઓ વગાડયે જાય અને શાયરીઓ બોલ્યે જાય અને એક એક કેબીનમાં જઈને થોડુક જોવે અને વળી પાછી બીજી કેબીનમાં. એ પરમારની કેબીનમાં રોકાઈ ગયો.

“હિસાબ નહિ મિલ રહા હૈ ના પરમારજી, યહ બચ્ચોકા ખેલ નહિ હૈ ,ચલો મૈ દેખતા હું કી કૈસે નહિ મિલ રહા હૈ,” આટલું કહીને નિજાર અલી ફટા ફટ કંપ્યુટર બેસીને કામ કરવા લાગ્યો. અડધી કલાકમાં એણે પ્રોબ્લેમ સોલ્વ કરી નાંખ્યો હતો.એક ૬૦૦ રૂપિયાની એન્ટ્રી છ માસ પહેલા રહી ગઈ હતી.એ ભૂલ એણે શોધી બતાવી અને પરમારને રાહત થઇ!! ઓફિસમાં કોઈ અઘરી ફાઈલ હોય જેનાથી બધાં કંટાળી ગયા હોય એ કામ અમિત પટેલ નિજાર અલી ને સોંપતા!! અને નિજારઅલી એ કામ કરી પણ બતાવે.પણ એના સમયે !!

“મામુ મૈ ચલતા હું” પોતાની કેબીનની બહાર નીકળી ને એણે મેનેજરની કેબીન સામે જોઇને કહ્યું.અને નિજાર અલી ઓફિસની બહાર નીકળી ગયો!! એને રજા લેવાની કોઈ જરૂર જ નહોતી!! સ્ટાફ પોતાની રીતે કામે વળગ્યો.સાંજના ચાર વાગ્યે વળી અચાનક શાયરીઓ સાથે નિજાર અલી હાજર અને ફાઈલોના ઢગમાંથી એક ફાઈલ લઈને કામે વળગી ગયો.સાંજના છ વાગ્યે આખી ઓફીસ ઘરે જતી રહી પણ નિજારઅલી હજુ કામમાં ગળા ડૂબ હતાં!!

ચોમાસાનો સમય હતો!! બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતાં!! આખા શહેરમાં પાણી પાણી હતું. સવારમાંથી અમિત પટેલે બધાં જ કર્મચારીઓને સંદેશા પાઠવી દીધા હતાં કે,
“ઓફીસ શરુ છે ,જે લોકો આવી શકે એમ હોય એ જ આવે,બાકીના લોકો ના આવે તો ચાલશે”

ઓફિસમાં પાંખી હાજરી હતી.એવામાં સમાચાર આવ્યાં કે અમિત પટેલની ગાડીને અકસ્માત થયો છે!! રીંગ રોડ પર સાહેબ ગાડી લઈને આવતાં હતાં ને એક ઝાડ ગાડીની માથે પડ્યું સાહેબને થોડુક માથામાં વાગ્યું છે અને સાહેબ ને ધન્વન્તરી હોસ્પિટલમાં દાખલ કરેલાં છે અને આઈસીયુ માં છે. ઓફિસે આવેલા તમામ કર્મચારીઓ તરત જ હોસ્પિટલ તરફ દોડી ગયાં. બ્લેક ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરેલા નિજારઅલી પોતાની રીવોલ્વીંગ ચેરમાં બેઠો બેઠો શાયરી બોલતો હતો!! એણે સમાચાર સાંભળ્યા અને બોલ્યાં.

“મામુ યહ અચ્છા નહિ હુઆ ,યહ અચ્છા નહિ હુઆ” આવું બબડતા બબડતાં એણે રીતસરની દોટ લગાવી!!

ધન્વંતરી હોસ્પીટલના બીજાં માળે આવેલ આઈ સી યુ ની બહાર લોકોની ભીડ હતી. ડોર પાસેજ અમિત પટેલનાં પત્ની સુધા અને એનાં બે દીકરા કાર્તિક અને આકાશ ઉભા હતાં..!! કાર્તિક અને આકાશ હજુ પરમ દિવસે જ કેનેડાથી આવ્યાં હતાં બને દીકરાઓ કેનેડામાં એક મલ્ટીનેશનલ કંપનીમાં આસિ.મેનેજર હતાં.. બધાંની નજર આઈસીયુ ના બારણા તરફ હતી. સુધાબેન તો લગભગ રડવા જેવા જ થઇ ગયેલાં હતાં. ઓફીસના તમામ કર્મચારીના ચહેરા પર ગમગીનીની લાગણી હતી. કલાક પછી હોસ્પીટલમાં નીજારઅલી આવી પહોંચ્યો એમની સાથે એક સ્ત્રી હતી!! ચહેરા પર કરચલી આંખમાં આંસુ સાથે એ સ્ત્રી આઈસીયુ આગળ આવીને ઉભી રહી ગઈ અને સુધાબેન એને જોઇને રડી પડ્યા!! સ્ટાફના તમામ કર્મચારીઓ જોઈ રહ્યા બધાએ અનુમાન કર્યું કે આવનાર સ્ત્રી એ નીજારની માતા હશે પણ નીજારની માતા અને શેઠને શું સંબંધ હશે એ સહુ કોઈને માટે રહસ્ય હતું. કાર્તિકે બધાને સાંત્વના આપી. અને આઈ સી યુ નો દરવાજો ખુલ્યો.

“ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ કંટ્રોલ હેઠળ છે, સાહેબને માથામાંથી વધારે લોહી વહી ગયું છે એટલે એમને લોહી ચડાવવામાં આવી રહ્યું છે કલાક પછી સાહેબ ભાનમાં આવી જશે,ચિંતાનું કોઈ જ કારણ નથી! આપ અંદર જઈ શકો છો સુધાબેન પણ તમે એકલાં જ બીજું કોઈ નહિ!! આઈસીયું માં વધારે માણસો ક્યારેય જઈ ના શકે માટે પ્લીઝ આપની લાગણી હું સમજુ છું.અમિત પટેલ મારા પણ એટલાંજ નજીકના મિત્ર છે મને પણ ચિંતા હોય એ સ્વાભાવિક છે.”ડો.દેસાઈએ બધાને કહ્યું તેમ છતાં સુધાબેન પરાણે એમની સાથે નીજારઅલીની મમ્મીને લઇ ગયાં!! થોડીવાર પછી સુધાબેન બહાર આવ્યા અને એમના બને દીકરાઓ અંદર ગયાં !! નીજારઅલી એમની દુનિયામાં મસ્ત હતો.. એ મો ઊંચું કરીને છતને તાકી રહ્યો હતો.!! ત્રણ કલાક પછી અમિત પટેલ બધાને આઈસીયુમાં મળ્યા કોઈ જ ચિંતાનું કારણ ન હતું!! બધાં પોત પોતાનાં ઘરે જતાં રહ્યાં આઈસીયું ની બહાર અમિત પટેલનો પરિવાર અને નિજારઅલી અને એમના મમ્મી એટલાં જ રોકાયા!!

બે દિવસ પછી હોસ્પીટલમાંથી અમિત પટેલ ને રજા આપવામાં આવી.એક અઠવાડિયા સુધી ઓફીસ સાહેબ વગર ચાલી. નીજારઅલી પણ મન થાય તો આવે ગમે ત્યારે જતાં રહે!!એના ચહેરા પર ગમગીની વધુ ઘેરી થઇ ગઈ હતી! એક અઠવાડિયા પછી સહુ કર્મચારીઓ સહ પરિવાર સાથે સાહેબને ઘરે જવાનું નક્કી કર્યું. અને આમેય રક્ષાબંધન ના દિવસે સહુને ઓફિસમાં રજા પણ હતી એ દિવસે!!અમિત પટેલ હવે સાવ સ્વસ્થ થઇ ગયાં હતાં!! રક્ષાબંધનને દિવસે સહુ અમિત પટેલનાં ઘરે ગુલ દસ્તા લઈને પહોંચી ગયાં!! સહુએ સાહેબને શુભ કામના પાઠવી. વિશાળ દીવાનખંડમાં સહુ બેઠા. થોડીવાર થઇ ત્યાં સુધાબેન આવ્યાં સાથે નીજારના મમ્મી પણ હતાં અને નીજાર અલી પણ!!
“આ સકીનાબેન છે નીજારઅલીના મમ્મી, અને મારી બહેન. એક અઠવાડિયાથી એ રોજ સવાર સાંજ મારી ખબર કાઢવા આવે છે” અમિત પટેલે કહ્યું. બધાની આંખો ચમકી ઉઠી.સકીનાની વાત્સલ્ય ભરી નજર અમિત પટેલ તરફ હતી.

“એક દસ દિવસથી ઉપવાસ કરે છે જ્યારથી તમને અકસ્માત થયો ત્યારથી એ તમને ખબર નથી આતો હમણાં મારી માસીની દીકરી આવી એણે કીધું એ સકીનાબેનની પડખે જ રહે છે!! આપણ ને તો ખબર જ ના પાડવા દીધી તમારી બેને ,આજ તમને અત્યારે રાખડી બાંધીને જ એ ઉપવાસ તોડશે.અત્યાર સુધી એણે ફક્ત લીંબુ પાણી જ પીધું છે” સુધાબેને એના પતિ અમિતને કીધું.

“અરે બહેન મને કશું નથી થયું!! તારી ઉમર તો જો બહેન ?? આવો નિયમ લેવાય મારી બહેન ??” અમિત પટેલ ગળગળા થઇ ગયાં. સકીનાને એ અમિતને ચાંદલો કર્યો, રાખડી બાંધી અને મો મીઠું કરાવ્યું. અમિત પટેલે પાકીટમાંથી બહેનને પૈસા આપ્યાં.અને સકીના બોલી.

“ભાઈ એની કોઈ જ જરૂર નથી!! તારા કારણેજ મારો એકનો એક દીકરો બચી ગયો છે મારા વીરા!! ભગવાન તને લાંબી આવરદા આપે મારાં ભાઈ” એમ કહીને સકીનાએ અમિતના બંને હાથ પકડી લીધા. અમિતે સકીનાને પરાણે પૈસા આપ્યાં અને સુધાને કીધું.
“બેનને તું ઉપર લઇ જા અને આજે બહેન રોકાઈ જા જમીને જ જજે અને નિજાર તું પણ જા મમ્મીની સાથે રહે.અને હા આકાશ અને કાર્તિકને મોકલજે અહિયાં એ એમના રૂમમાં હશે આવતી કાલે તો એ પાછા કેનેડા જવાના છે”

“જી મામુ” કહીને નિજારઅલી એની મમ્મી સકીના સાથે બીજા રૂમમાં જતો રહ્યો,વાતાવરણમાં એક પ્રસન્નતા છવાઈ ગઈ. બધાં જે વાત જાણવા ઉત્સુક હતાં એની ખબર પડી ગઈ હતી.આકાશ અને કાર્તિક આવ્યાં. અમિતની પડખે બેઠા અમિતે બેય છોકરાની સામે જોઇને કહ્યું.

“કાલે તમે બંને જતાં રહેશો કેનેડા, પણ હવે હું હોવ કે ના હોવ એક ભલામણ કરતો જાવ છું.જોકે તમારી મમ્મીએ તમને થોડી વાત તો કરી જ હશે પણ હું જે વાત કહું એ સાંભળો!! આ સકીના તમારી ફઈ થાય બેટા એને અને એના દીકરાને કાયમ સાચવવાના છે બેટા!! અત્યારે તો હું જીવું છું પણ મારા ગયા પછી પણ તમારે એ જવાબદારી નિભાવવાની છે.અત્યાર સુધી આ વાત મેં અને તારી મમ્મી એ મનમાં રાખી હતી પણ મારી સાથે અકસ્માત થયો પછી હું વિચારમાં પડી ગયો છું અને તમને બધાને જણાવી જ દઉં એ મને યોગ્ય લાગે છે” અમિત પટેલે થોડું પાણી પીધું અને સ્ટાફના સભ્યોની તરફ જોઇને કહ્યું.

“તમે પણ મારા પરિવાર જેવા જ છો એટલે તમારી હાજરીમાં હું આ વાત કહું છું.તમારા સંતાનો પણ સાથે છે એટલે એને પણ જાણવા મળે કે દુનિયામાં સબંધની કીમત કેટલી હોય છે” અમિત પટેલ ટટ્ટાર થયાં અને બધાં સાંભળવા ઉત્સુક બન્યાં. અમિત પટેલે વાત શરુ કરી.

“ઘણાં સમય પહેલાની વાત છે હું પાંચમાં ધોરણમાં ભણતો હતો. હોંશિયાર ખરો પણ બાપુજીની સ્થિતિ ખરાબ હતી!!આગળ ભણાવી શકે તેમ નહિ. મારા એક સાહેબ હતાં એણે મને એક ગુરુકુળમાં ભણવા મોકલી આપ્યો, હું હોંશિયાર હતો એટલે ગુરુકુળમાં લાંબા પૈસા ભરવા પડે તેમ નહોતા!! ધોરણ છ થી ૧૦ હું ગુરુકુળમાં ભણ્યો!! ગુરુકુળ શહેરથી થોડું દૂર અને ગુરુકુળના દરવાજા સામે એક જ દુકાન!! બીજી કોઈ દુકાન એ વિસ્તારમાં નહિ અને એ વખતે દુકાનો પણ ખુબ જ ઓછી! દુકાનના માલિકનું નામ બદરુદીન હતું. જ્ઞાતિએ ખોજા હતાં!!

આ સકીના એની એકની એક દીકરી!! ત્રણ જણાનું કુટુંબ!! બદરુદીન દુકાને બેઠા હોય ક્યારેક સકીના બેઠી હોય. બધાં વિદ્યાર્થીઓ ત્યાંથી નાસ્તો લે!! નાસ્તામાં તો ખારી શીંગ ,દાળિયા, વટાણા અને શેકેલ ચણા આવું બધું ખાવાનું હોય!! સકીના અને બદરુદીન ખારી શીંગ માટે પ્રખ્યાત!! એયને ગરમા ગરમ ખારી શીંગ નો સ્વાદ જ કઈ જુદો આવે. સવારે સાંજે અને બપોરે દુકાને છોકરાઓની ભીડ હોય!! વળી છોકરાઓને ઘરેથી કાઈ લાવવાની મનાઈ એટલે જે વાલી મળવા આવે એ આ દુકાને જ બધું આપી દે નહીતર ગુરુકુળમાં વાલી આવે એટલે ચેકિંગ થાય.

થેલીમાં મીઠાઈ કે ભાગ હોય તો કઢાવી નાંખે. એટલે પૈસા અને એવી બધી વસ્તુ આ દુકાને બધાં મુકીને જ બાળકોને મળવા આવે. ટપાલો આવે ઘરેથી એ પણ આ દુકાને જ આવે,. રક્ષાબંધન નો તહેવાર આવ્યો. બધાની રાખડીઓ આવી. પણ મારે બહેન નહિ એટલે રાખડી કોણ મોકલે?? રક્ષા બંધનના દિવસે હું એકલો ઉભો હતો દુકાન પાસે બધાનાં હાથમાં રાખડી એક મારા હાથમાં નહિ અને એ સકીનાએ જોયું. એને કીધું અમિત તારી રાખડી નથી આવી અને હું રોઈ પડ્યો એ સમજી ગઈ. એક રાખડી લાવીને મને બાંધી અને કીધું કે ગાંડા એમાં શું થઇ ગયું તારે બહેન નથી એવું કોઈ દિવસ ના માનતો જા આજથી હું તારી બહેન છું!! જીવનમાં પેલી વાર આ હાથ પર સકીનાની રાખડી બંધાયેલી” આટલું કહીને અમિત પટેલ ફરી વાર પોતાના હાથે બાંધેલ રાખડી સામે જોયું અને ફરી આગળ શરુ કર્યું

“બસ પછી તો સકીના મારા પ્રત્યે વધારે લાગણી રાખતી. એને ખબર કે મારી સ્થિતિ સારી નથી એટલે હું જે કાઈ વસ્તુ લઉં એના પૈસા એ ના લેતી અને મને સહુથી સારી સારી વસ્તુ ખવરાવતી. બદરુદીન બેઠા હોય ત્યારે હું લગભગ ના જતો પણ સકીના બેથી હોય ત્યારે જ હું એની દુકાને જતો. આ સિવાય રૂમાલ બ્રશ ટુથ પેસ્ટ અને સાબુ તેલ વગેરે પણ એની દુકાનેથી હું લઇ આવતો. ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં નામું પણ રખાવતા. સકીના એના ઘરે કોઈ મીઠાઈ બનાવી હોય તો સંતાડીને એ મને આપતી. ચાર વરસમાં સકીનાનો સ્નેહ મારા પ્રત્યે વધતો ચાલ્યો. એ મારા માટે અલગ ખારીશીંગ બનાવતી અને મને જ આપતી. એમને ત્યાં ઘણી બધી કાચી શીંગો આવતી એમાંથી એ સારા સારા દાણા અલગ તારવે અને અલગ રીતે શેકીને ખુબ જ સારી એવી ખારી શીંગ મને ખવરાવતી.અને દર વરસે અચૂક રાખડી બાંધતી.

દસમાં ધોરણમાં રીડીન્ગનું વેકેશન પડ્યું.પરિક્ષા સમયને પંદર દિવસ હતાં અને અમે પાછા ગુરુકુળમાં આવ્યાં. મારે ગુરુકુળમાં બાકી ફી ભરવાની હતી એટલે મારા પાપાએ ગામમાંથી ઉછીના પાછીના કરીને અગિયારસો રૂપિયા મને આપ્યાં હતાં.ગુરૂકુળે હું પહોંચ્યો અને મારા મોતિયા મરી ગયાં!! ખિસ્સામાંથી કોઈ પૈસા કાઢી ગયું હતું!! મારું ખિસ્સું કપાઈ ગયું હતું!! ગુરુકુળમાં વાત કરી. ગૃહ પતિ કહે પેલા પૈસા લાવો પછી જ રસીદ મળશે!! એને મારી વાત પર વિશ્વાસ નહોતો!! હું રડી પડ્યો!! સકીના દુકાને એકલી હતી એને વાત કરી.એ દુકાનની અંદર ગઈ અને મને ૧૨૦૦ રૂપિયા આપ્યાં અને કીધું કે અમિત આ લે તારી ફી ભરી દે અને રસીદ લઇ લે આ પૈસા મારા છે અત્યાર સુધી મેં ભેગા કરેલાં છે અને ગાંડા આવી નાની અમથી વાતમાં મુંજાય છે શું કામ!!

મેં પૈસા લઇ લીધાં!!?? કદાચ એણે મદદ ના કરી હોત તો હું પરીક્ષા ના આપી શક્યો હોત!! પછી તો મારે સારા ગુણ આવ્યાં.પરિણામના દિવસે હું સકીનાને છેલ્લી વાર મળ્યો હતો.એણે મને એક ખારી શીંગનું પેકેટ આપ્યું અને એડવાન્સમાં એક રાખડી આપી અને કહ્યું ભાઈ તારી તબિયત સાચવજે !! બસ પછી તો હું આગળ ભણવા મુંબઈ જતો રહ્યો બી.કોમ કર્યું એમ કોમ કર્યું વતનમાં પાછો આવ્યો ત્યારે ગુરુકુળ ગયો ત્યાં દુકાન બંધ હતી,પૂછપરછ કરતાં ખબર પડી કે બદરુદીન અને તેની પત્ની ગુજરી ગયાં છે અને સકીના હૈદરાબાદમાં કોઈની સાથે પરણી ગઈ છે!! પછી તો વાત ને વરસો થઇ ગયા!! હું પણ નોકરીએ લાગ્યો, પરણ્યો અને આ ઘરની કંપની કરી પણ આ હાથ રાખડી વગર જ રહ્યો પણ છેલ્લાં ચાર વરસથી પાછી આ હાથ પર રાખડી બંધાય છે” અમિતે પાછા પોતાના હાથ પર જોયું અને થોડી વાર અટકીને પાછી પોતાની વાતને આગળ વધારી.

ચાર વરસ પહેલાં ઇસ્કોન ચાર રસ્તા પર એક યુવાનને કોઈ મારતું હતું.હું ત્યાં ગયો ત્યાં ટોળામાં મેં સકીનાને જોઈ અને એ તરત મને ઓળખી ગઈ અને બોલી એ અમિત મારા વીરા ભાઈ મારા દીકરાને બચાવી લે ભાઈ મેં વિગત જાણી તો નીજાર અલી કોઈ ઓફિસમાં ઘુસી ગયો હતો અને કોઈના ખાલી ટેબલ પર બેસીને હિસાબ કરવા લાગ્યો.આની પેલા પણ એ આવું કરી શક્યો હતો.સામેવાળાને મેં સમજાવ્યા અને પછી એને હું દવાખાને લઇ ગયો.નીજાર અલીને સારું એવું વાગ્યું હતું મેં ડોકટરને બ્લેન્ક ચેક આપીને કીધું કે રકમ તમારે ભરવાની બસ નીજારઅલીને સારું થઇ જવું જોઈએ. એ રાતે હું સુધા અને સકીના આખી રાત હોસ્પીટલમાં રહ્યા અને સકીનાએ એની કહાની કીધી. હૈદરાબાદમાં એ પરણી હતી. નીજારનો જન્મ થયાં

પછી એના પતિ બીજી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને એને લઈને એ ક્યાંક ભાગી ગયો. નીજાર બે વરસનો હતો અને આ ઘટના બની.એની ખોજા જ્ઞાતિના આગેવાનો ભેગા થયાં. એના પતિની સંપતિ વેચીને એ રકમ સકીનાને આપવામાં આવી. સકીના એકાદ વરસ ત્યાં રહીને એનો પતિ પાછો આવ્યો અને ફરીથી સકીના સાથે રહેવાની માંગણી કરી!! અને સકીનાને ધમકી આપવા લાગ્યો અને એક રાતે સકીના પોતાની પાસે જે પૈસા અને પોતાના ત્રણ વરસના નીજાર ને લઈને અમદાવાદ આવી ગઈ.એક જુના સબંધીનો સંપર્ક કરીને રીલીફ રોડ પર એક મકાન રાખ્યું અને એક નાનકડી દુકાન કરી એ મકાનમાં અને ખારી શીંગ,રેવડી ,દાળિયા અને ચણા નો ધંધો શરુ કર્યો.સમય વીતતો ચાલ્યો.નીજાર કોલેજમાં આવ્યો.નિજાર ભણવામાં ખુબ જ હોંશિયાર હતો. એને ભણીને સી એ થવું હતું. એક છોકરી સાથે પ્રેમ થયો. સામેવાળાને ખબર પડી નીજારને માર્યો અને એનું મગજ છટકી ગયું, બસ પછી તો કોઈ પણ કંપનીની ઓફિસમાં એ ઘુસી જાય અને ખાલી ટેબલ પર બેસીને ફાઈલો ચેક કરવા માંડે પકડાય એટલે મારે પોલીસ આવે અને સકીના આજીજી કરે એટલે જવા દે!!

બસ પછી મેં એની છ માસ દવા કરાવી. બેનને એક મકાન લઇ દીધું સેટેલાઈટમાં અને નીજારઅલી ને કંપનીમાં રાખી લીધા છે એટલે એ બીજે ક્યાંય પ્રેક્ટીસ કરવા ના જાય!! બસ ભગવાન પાસે એક જ પ્રાર્થના છે હવે કે નિજાર અલીને સાવ સારું થઇ જાય!! અને આ વાત ને ચાર વરસ થઈ ગયાં છે.આ ચારેય વરસ થી ફરીથી આ હાથે રાખડી બંધાય છે.દર અઠવાડિયે શનિવારે હું અને સુધા સકીના બેનને ઘરે જઈએ છીએ.નીજારઅલીને બધું સમજાવીએ છીએ. એનું વર્તન સુધરતું જાય છે,એની દવા શરુ છે!! બસ આ વાત તમને બધાને કહેવાની હતી. દરેકના જીવનમાં આવો કોઈને કોઈ અજાણ્યો સંબંધ હોય જ છે ઘણાં નિભાવે છે ઘણાં નિભાવતા નથી. હું ઈચ્છું કે આ સંબંધ તમે પણ નીભાવજો” અમિત પટેલે પોતાની વાત પૂરી કરી.સહુની આંખો ભીની થઇ ગઈ હતી. કાર્તિક અને આકાશને આજ એના પાપાનું એક નવું સ્વરૂપ જોવા મળ્યું. બને ભાઈઓએ વચન આપ્યું કે ફઈ સાથે તે જીવનભર સંબંધ નિભાવશે. અમિત પટેલે સકીનાએ લાવેલ એક બોક્સ ખોલ્યું અને એમાંથી નીકળેલ ખારીશીંગ બધાને આપી. બધાએ જિંદગીની શ્રેષ્ઠ ખારી શીંગ નો સ્વાદ માણ્યો.

લેખક :-મુકેશ સોજીત્રા
૪૨ શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ ઢસાગામ તા :- ગઢડા જિ બોટાદ ૩૬૪૭૩૦

મિત્રો, મુકેશ સોજીત્રા વાત કરું…આપ સૌ ને આ સ્ટોરી કેવી લાગી અચૂક કહેજો…સાથે તમને રક્ષાબંધન ની શુભકામનાઓ…આ પવિત્ર પર્વ ને હવે માત્ર એકદિવસ જ બાકી છે ત્યારે આ સ્ટોરી ને વધુ માં વધુ શેર કરી “ભાઈ બહેન ના પ્રેમ” ની સુવાસ ફેલાવીએ !!

ટીપ્પણી