”કચરામાંથી કંચન”- આવા પરિવાર ખરેખર બહુ ઓછા જોવા મળે છે, વાંચો મુકેશભાઈ સોજીત્રાની આ સુંદર વાર્તા…

“તે બટા આટલા બધાં પૈસા આપણે કાઢીશું કયાંથી”? ગોપાલને તેની માતા સરોજબેને કહ્યું. સરોજબેનનાં ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. એનાં પતિ રામજીભાઈ ખાટલા પર બેઠા હતાં. ખોળામાં તકિયો રાખ્યો હતો. ગોપાલ અને તેની પત્ની રીન્કલ હજુ ગઈ કાલે આવ્યાં હતાં. અને આજે સાંજે તેઓ વાળું પાણી કરીને બેઠા હતાં. રામજીભાઈ અને તેમની પત્નીએ કાળી મહેનત કરીને એકના એક દીકરાને ભણાવ્યો હતો. સાત ખોટનો એકનો એક દીકરો એ પણ એકદમ સીધી લીટીનો!! ભણવા સિવાય બીજે ક્યાય ધ્યાન નહિ. જરૂર હોય ત્યાંજ એ પૈસા ખર્ચતો. એણે એનાં પિતા અને માતાનું જીવન જોયું હતું. બાપા પાસે વીસ વીઘા જમીન હતી. તોય જયારે એ દસમાં ધોરણ માં ૯૬ ટકા ગુણ સાથે પાસ થયો ત્યારે બીજે વરસે એણે બીજી ૪૦ વીઘા જમીન ફારમે વાવવા રાખી હતી. અને પછી તો ૧૨ સાયંસમાં પણ ગોપાલને સારા ગુણ આવ્યાં એને ભાવનગરની મેડીકલ કોલેજમાં એડમીશન પણ મળી ગયું અને ૭ વરસ પછી એ ઇન્ટરનશીપ પૂરી કરીને ડોકટર પણ બની ગયો!! ગામનો પહેલો એમ બી બી એસ!! ડો. ગોપાલ રામજીભાઈ પટેલ!!!

ગોપાલ ફક્ત ડોકટર થઈને જ ગામમાં નહોતો આવ્યો. સાથોસાથ રીંકલને પણ લાવ્યો હતો.બંને એ કોર્ટ મેરેજ કરી લીધા હતાં. છ મહિના પહેલાં જયારે સરોજબેનને એનાં પતિ રામજીભાઈ એ આ પ્રમાણે વાત કરી.

“એલી સાંભળશો, એ ભગવાને એક બહું મોટી ઉપાધિ દૂર કરી દીધી આપણા પરથી”

“તે તમે માંડીને વાત કરોને તો ખબર પડે ને” સરોજબેન બોલ્યાં.

“તને બહું ચિંતા થતી હતીને કે ગોપાલની જોડે શોભે એવી છોકરી મળશે કે કેમ, લગ્નનો ખર્ચ ક્યાંથી કાઢશું.ભણાવવામાં ઘણો ખર્ચ થઇ ગયો છે. સગાસંબંધીના વહેવાર પણ સચવાણા નથી, ખરા ટાણે એ બધાં આવશે કે કેમ ?? પણ આપણા ડાહ્યા દીકરાએ આપણને મુસીબતમાંથી ઉગારી લીધા છે. આપણો છોકરો એની મેળે જ પરણી ગયો છે એની સાથે ભણતી એક છોકરી સાથે, એ ય ડોકટર છે લે કર વાત!! એક સાથે આ ગામને બે ડોકટર મળશે!! એક સાથે એક ફ્રી!! જો આ ફોટો તારા દીકરાએ મને વોટ્સએપમાં મોકલ્યો છે!! રામજીભાઈએ ખાતા ખાતા વાત કરીને સરોજબેનનો કોળીયો હાથમાં જ રહી ગયેલો. એણે ઉતાવળમાં ને ઉતાવળમાં ફોન હાથમાં લીધો. ગુલાબી સાડીમાં રીંકલનો ફોટો જોયો. આખા ગામમાં આવું રૂપ કોઈની પાસે નહોતું!! દાડમની કળી જેવા દાંત!! લાંબા અને ગોઠણ સુધી આવે એવા કાળા ભમ્મર વાળ એક હાથમાં ચશ્માં અને બીજા હાથમાં ગુલાબી મોબાઈલ અને ચહેરા પર ચોકલેટી સ્માઈલ!! જોતાવેંત જ સરોજબેનનો અડધો ગુસ્સો ઓગળી ગયો. બે મીનીટસ પછી એ બોલ્યાં.

“ પણ ગોપાલે આપણને કાઈ પૂછ્યું પણ નહિ, ??એમને એમ સીધા લગ્ન કરી લીધા,??આવું કેમ કર્યું હશે?? મને તો કેટલો ઉમળકો હતો દીકરાની જાન જોડવાનો!! ગામ આખાની જાનમાં ગઈ છું અને જયારે જયારે જાનમાં જતી ત્યારે મને એક સપનું દેખાતું કે મારા દીકરાની પણ આ રીતે જ જાન ઉપડશે!! પણ દીકરાએ તો મારી ઈચ્છાઓ પર સાવ ભૂસડિયો જ વાળી દીધો, જે હોય તે હવે શું પણ છોકરીના બાપા એ પણ છોકરીને કાઈ નહિ કીધું હોય!!?? મારા ગોપાલને કાઈ થશે તો નહીને??!!

“એમાં એવું છેને ગોપાલની મા કે પ્રેમ કરતાં પહેલાં ઘરે કોઈ પૂછતું નથી એટલે ગોપાલ થોડો આપણને પૂછે!!?? છોકરીના બાપા તો હયાત નથી. છોકરી એનાં કાકા સાથે રહેતી. ભણવામાં હોંશિયાર હતી. પટેલ સમાજ તરફથી ભણતરનો ખર્ચ મળતો એટલે એટલે એનાં કાકાને કોઈ વાંધો નહોતો પણ મોટો વાંધો ત્યારે પડ્યો જ્યારે કાકાએ પોતાના પુત્રને પરણાવવા માટે છોકરીનું એક જગ્યાએ સામસામું ગોઠવી દીધું અને એ પણ છોકરીને પૂછ્યા વગર રુપીયોને નાળીયેર આપી દીધું. હવે જેની સાથે ગોઠવાયું એ સુરતમાં હીરા ઘસે અને ઉમર છાંડી ગયેલ મુરતિયો!! હવે આ તો કાજુ કતરી સાથે ખાટા મઠાનો મેળ ક્યાંથી પડે.?? છોકરીએ બળવો કર્યો તો કાકાએ ધોલ થપાટ કરી અને છોકરીની મા લાચાર બીજું કરે પણ શું..?? અને છોકરીએ તાત્કાલિક લગ્ન કરી લીધા ગોપાલ સાથે. આમ તો ગોપાલ અને રીંકલ ચાર વરસથી ભેગા જ રહેતાં હતાં. પછી તો છોકરીની મા ને પણ ઘરમાંથી કાઢી મૂકી એનાં કાકાએ અને એ એનાં ભાઈ ને ત્યાં જતી રહી. અને એવામાં કાકાને સમાચાર મળ્યા કે રીંકલે લગ્ન કરી લીધા તે એનાં સાગરીતો સાથે મેડીકલ કોલેજે ગયો. પણ ગોપાલ અને તેનાં મિત્રોને આવું થશે એની ખબર જ હતી!! મેડીકલમાં ભણવા વાળા પણ બોડી બિલ્ડર હોય છે એ રીંકલના કાકાને બરાબર ની ખબર પડી. રીંકલ અને ગોપાલ હોસ્ટેલમાં છે એવી ખબર પડતાં બે ફોર વ્હીલું રાતે હોસ્ટેલમાં આવી. ગોપાલના મિત્રોએ રીંકલના કાકાને સમજાવ્યા પણ જગતમાં કાકાઓ લગભગ સમજતા જ નથી એને એમ કે આ મેડીકલ વાળા દાકતરો શું કરી લેશે?? એટલે એલફેલ બોલ્યાં અને પછી અમુકથી સહન ના થયું તે પછી અને પછી મેડીકલ વાળા હોકી અને પાઈપ લઈને એવા તૂટી પડ્યા કે ના પૂછો વાત!! એટલાં ધોકાવ્યા કે ફરિયાદ કરવાનો પણ સમય ન રહ્યો.. રીંકલની માતા અને એનાં મામા દીકરીને આશીર્વાદ આપી આવ્યાં છે, રીંકલની મા પણ ખુશ હતી કે મારી દીકરી પાપમાંથી છૂટી અને ભલે પ્રેમ લગ્ન કર્યા પણ ગોપાલ ખુબ સારો છોકરો છે !!કાલે રાતે મને ગોપાલે બધી વાત કરી દીધી અને કીધું કે બાપા તમે બાને સમજાવશો ને , મને એની બહું બીક લાગે છે, આની સિવાય બીજો કોઈ રસ્તો નહોતો , રીંકલ મારી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પણ એ ખુબ સારી છોકરી છે, પ્લીઝ બાપા તમે બાને સમજાવી દેશોને!!હવે તું કહે તો વહુ અને દીકરો કાલ આપણા ઘરે આવે?? બોલ,તારું શું કહેવું છે!!?? રામજીભાઈ એ સઘળી જવાદારી સરોજ પર નાંખી દીધી. અને સરોજબેન માની ગયાં!! આને આખરે દરેક દીકરા આગળ મા તો માની જ જતી હોય છે ને!! પછી તો સરોજબેન ઉભા થયાં. ભગવાન આગળ બે દીવા કર્યા અને રામજીભાઈએ દીકરાને વોટ્સએપ પર મેસેજ કરી દીધો.

“સબ સલામત, આવી જાવ ,આપનું સ્વાગત કરવા આપની માતાજી ખુબ જ ઉત્સુક છે”!!

અને બીજે દિવસે બપોરે બારની બસમાં રીંકલ અને ગોપાલ ઉતર્યા. સરોજબેન આડોશ પાડોશની બાયું સાથે ચોખા અને કંકુ લઈને ઉભા હતાં!! મોઢા પર ઉમંગ કે મારા કુળની લક્ષ્મી આવે છે. અને રીંકલનું રૂપ જોઇને ગામની બાયું પણ મોઢામાં આંગળા નાંખી ગઈ. એકદમ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ સુસજ્જ પોશાકમાં રીંકલ એની સાસુને પગે લાગી. ગામમાંથી આવેલ સ્ત્રીઓને પગે લાગી અને સાસુની સાથે ચાલવા લાગી!! કંકુની થાળીમાં રીંકલના પગ રાખીને એનાં પગલા ઘરમાં પાડવામાં આવ્યાં, ભર ઉનાળે જાણે કે મોગરો મહેંકી ઉઠયો!! સોનામાં સુગંધ ભળી!! સરોજબેનની આંખોમાં ટાઢક વળી ગઈ. જેવું રૂપ એવા જ ગુણ!! એણે મનોમન આભાર માન્યો કે દીવો લઈને ગોતવા ગઈ હોત તો પણ આવી વહુ એને તો ના મળત!! અને તે સાંજથી જ રીંકલે ઘરનું કામકાજ સંભાળી લીધેલું. એક અઠવાડિયા સુધી સરોજબેન ને એક સળીના બે કટકા પણ નાં કરવા દીધાં. પછી તો વહુ અને દીકરો જતાં રહ્યા તે કાલ સાંજે એ આવ્યાં છે અને આજે છોકરાએ કીધું કે એને હવે શહેરમાં હોસ્પિટલ કરવી છે અને સરોજબેન પૂછી ઉઠ્યા કે.

“તે બેટા આપણે આટલા બધાં પૈસા ક્યાંથી કાઢીશું”??
“બા અમને લોન મળે બંને ને, બેય ડોકટર છીએ ને તોય બેય ને મળે ૩૦ – ૩૦ લાખ રૂપિયા!! પછી હપ્તા ભરતા જવાના ને લોન ચુકવતી જાવાની”

“તે રળી રળી ને બેંક ને ધરવવાની એમ જ ને”?? આખી જિંદગી તમારે વ્યાજ ભરવાનું ને એનાં કરતાં આ ગામડામાં જ દવાખાનું નાંખોને બેય જણા ને ખાવ પીને મોજ કરો. જુઓ મેં તો ગામ આખાને કહી દીધું કે મારો દીકરો અને વહુ અહીંજ દવાખાનું ખોલશે ને બધાય ખુબ રાજી થાય છે” સરોજ બહેન બોલતાં હતાં. તેની પાસે જ રીંકલ બેઠી હતી. રીંકલ બોલી.

“મમ્મી હું પણ એમ જ કહું છું પણ એણે મોટો ઉપાડો લીધો છે બાકી હું શહેરથી કંટાળી ગઈ છું અને અહી એક બે ડોકટર છે પણ જેવી તેવી પ્રેકટીશ કરે છે હું તો એમ કહું છું ગામ વચાળે જુના મકાન છે એમ તમે કહો છોને ત્યાજ દવાખાનું નાંખીએ તો , કાઈ લોન પણ ના લેવી પડે ને કાઈ ટેન્શન પણ નહિ” તરતજ ગોપાલ બોલી ઉઠ્યો.

“મમ્મી ૬૦ લાખની લોન તો પાંચ વરસમાં ભરાઈ જશે. શહેરમાં દર્દીઓ વધુ આવે અને પૈસા પણ વધુ આવે એટલે વાંધો પણ ના આવે.હું તમને અને પાપાને પણ ત્યાં લઇ જઈશ પણ ઘરનું મકાન બને ને ત્યારે’ વચ્ચેજ સરોજબેન બોલી ઉઠ્યા.

“એટલે લોકોના ખિસ્સા કાપી કાપીને પૈસા ભેગા કરવાના એમ જ ને?? બળ્યા આવા પૈસા?? શહેરમાં મકાન કરીને અમને લઇ જવા કરતાં આ ગામડાના ઘરમાં રહો તો ના સારું લાગે?? જો ગોપાલ તારી બધી જ વાત મેં માની છે. પણ આ વાત તો તારે મારી માનવી જ પડશે તારું દવાખાનું તો આ ગામમાં જ થશે. અને આ ગામ કયા નાનું છે પાંચ હજારની વસ્તી છે આજુબાજુના દસ ગામનું હટાણું છે. એ બધાં શહેરમાં જાય છે સારા દવાખાને તું અહી દવાખાનું કર્ય તો પછી એ શહેરમાં ખોટા ખર્ચથી બચી જાય કે ના બચી જાય.?? આવી રીતે પુણ્ય કમાવને તો સારું. અને સહુથી અગત્યની વાત કે હવે અમે બહું કામ કર્યું અને તને ભણાવ્યો છે બેટા તારી ઈચ્છાઓ પૂરી કરી છે, હવે તારે અમારી સાથે રહીને અમારી ઈચ્છાઓ પૂરી કરવાની છે. અત્યાર સુધી ભગવાને કઈ તકલીફ નથી આપણને. હવે તમે બંને ડોકટર છો તો શું આપણે ગામડામાં ભૂખે મરીશું!!?? જરૂરિયાત મુજબનો પૈસો તો અહિયાં પણ મળી રહેશે બેટા!! પૈસા પાછળ અમે નથી દોડ્યા બાકી તારી સારથના કેટલાને એનાં બાપા એ ભણાવ્યા છે ??!! કોઈને નહિ. કોઈએ નથી ભણાવ્યા!! વારાફરતી ઉઠાડતા ગયાં અને હીરામાં બેસારતા ગયાં!! હા એમની પાસે પૈસો હશે એની ના નહિ પણ આજે તું ડોકટર બન્યાનો જે સંતોષ છે એ એનાં માતા પિતાના મોઢા પર નથી” સરોજબેન એકી શ્વાસે બોલ્યાં. રામજીભાઈ અંતે બોલ્યાં.

“બેટા ગોપાલ તારી મમ્મીની વાત સાચી છે તું અહી રહેને તો અમને કાળજે ટાઢક મળે, તું નજર સામે રહેતું બહાર જ ભણતો અને વેકેશનમાં આવતો બાકી તો હવે આ ઘર ખાવા ધોડે છે. રીંકુને પણ અહી ગમે છે!! તો તને શું વાંધો છે!!?? બીજી જગ્યાએ તો વહુને ગામડું ના ગમે જયારે મારે તો દીકરાને જ ગામડું ગમતું નથી.”

“શું ય તમેય પાપા હવે મને ગામડું ગમતું નથી એવું નથી પણ જરૂરી વિકાસ માટે તો શહેર જ સારું. એવું મારું માનવું છે. ગામડું એ ગામડું અને શહેર એ શહેર છે!! શહેરની જિંદગીની એક અલગ જ મજા હોય છે!! એક પ્રેસ્ટીજ હોય શહેરની ત્યારે અહી તો ધૂળ ઉડે છે ધૂળ!!! ગોપાલે વજૂદ વગરની દલીલો કરી.

“અને એ ધૂળમાંથી પણ ગોપાલ જેવા ડોકટર પેદા થાય છે એ પણ ના ભૂલતો દીકરા” રામજીભાઈ ઓછું બોલતાં પણ સારું બોલતાં. આમ તો એ એ આઠ જ ભણેલાં અને સરોજબેન દસ જ ભણેલાં પણ આ પતિ પત્નીમાં ભારોભાર સમજણ પડેલી હતી.

“અંતે તો બે ટંકના રોટલાં નીકળવા જોઈએ એ જ જીવનનો ઉદ્દેશ છે ને બેટા,?? અહી ખોટ પણ શું છે.?? ઘરનું ઘર છે દવાખાના માટે પણ કોઈ ખર્ચ નથી કરવાનો અને હા તારી માટે જ આપણા ગામનો એક છોકરો સુનીલ કે જેણે લેબોરેટરી નું ભણેલ છે એ પણ તારી જ વાટ જોઈ રહ્યો છે અને મને કહેતો હતો કે કાકી ગોપાલભાઈ અહી દવાખાનું કરે તો એની પડખે જ હું લેબોરેટરી કરીશ. બેટા વિચાર કરી લે અહી તને ખુબ જ મજા આવશે. બહું ઓછી ફીમાં ગરીબોને સારી સારવાર મળશે બાકી અહીંથી શહેર દૂર છે અને આજુબાજુના ગામડાના માણસો તો શહેરના દવાખાને જાય તો સોરાવા જ જાય. અને શહેરના ડોકટરો પણ શું કરે એ પણ લાચાર પચાસ લાખનું રોકાણ કર્યું હોય ને એટલે એને પણ પૈસા તો કાઢવાના જ ને કેસ કઢાવો તો લાવો પાંચસો!! હાથ પકડીને ડોકટર ચેકઅપ કરે ને તો લાવો બીજા પાંચસો અને આ રીતે ભેગા કરે તો પણ મહિનાના અંતે ડોકટરને એજ વધે જેટલું ગામડામાં વધે!! અને વળી ખોટી હાઈ વોય કરવાની!! તમે દવાખાનું કરો પણ રહેવાનું તો ભાડાના મકાનમાં જ ને?? અને ઘરનું ઘર થતાં તો વરસો નીકળી જશે બેટા. અને પાછું અમારાથી દૂર રહેવાનુંને?? તને ખબર છે કે હું અને તારા બાપા ખેતી છોડીને આવવાના તો નથી ને.. અહિયાં તો આપણે ચારજ જણા!! અત્યાર સુધી તું દૂર રહ્યો ભણવા માટે અને હવે અમારે જે કાઈ જીવવા જેવો સમય આવ્યો અને પાછો તું દૂર થઇ જઈશ હે બેટા તો આ જિંદગીનો મરમ શું!! હાથે કરીને સુખના દિવસો આવ્યાં છે તો બેટા માણી લે અને માનીજા એય ને ત્રણ મહિનામાં આપણે જુના મકાનમાં દવાખાનું થઇ જાશે. એય ને શાંતિવાળી જીંદગી..અને તું નજર સામે હોને બેટા તો મને શેર લોહી ચડે. મા બાપની આટલી ઈચ્છા પણ પૂરી નહિ કરે દીકરા!! રીંકુ તું સમજાવને કદાચ એ તારું માની જાય. આજકાલના દીકરા મા કરતાં વહુનું તરત માની જતાં હોય છે” બોલતાં બોલતાં સરોજબેન લગભગ રોવા જેવા થઇ ગયાં.

“મમ્મી એ મારું થોડું માને છે?? બાકી મેં તો એને કીધું જ છે કે આપણે અહી જ દવાખાનું કરો પણ એને એનાં ભાઈબંધો છે એની સલાહ લઈને જ આ ભુંસું મનમાં ભરાઈ ગયું છે, મેં તો એને એમ પણ કીધું કે પાંચ વરસ તો ગામડામાં કાઢો પછી ના ફાવે તો શહેર જતાં રહીશું તો મને શું કહે ખબર છે?? તારામાં બુદ્ધિજ નથી. એમ કરો હું અહી દવાખાનું કરું અને તમે શહેરમાં કરો.” રીંકુ એ કીધું. એનાં શબ્દો સરોજબેનને સ્પર્શી ગયાં. પછી તો ઘણી બધી દલીલો થઇ. ગોપાલ એની વાતને વળગી રહ્યો. સરોજબેન એની વાતને વળગી રહ્યા. રામજીભાઈ સાંભળતાં રહ્યા. રીન્કુએ પણ ઘણી માથાકૂટ કરી પણ ગોપાલના મગજમાં શહેર નામનો જે વાઈરસ ઘુસી ગયો હતો એ નીકળતો જ નહોતો છેલ્લે રામજીભાઈ બોલ્યાં.

હવે મુકો માથાકૂટ, અમથીય આ ઘરમાં કયારેય માથાકૂટ થઇ જ નથી. આ ઘરમાં કપરી પરિસ્થિતિઓ આવી ગઈ તોય આ ઘર અડીખમ ઉભું રહ્યું છે, આમ તો જે ધાર્યું હોય ઈ જ થાય, સહુ સારા વાના થઇ રહેશે, ગોપાલ બેટા તને જે યોગ્ય લાગે એ કર!! અમે તો તને ભણાવ્યો એ કાઈ ઉપકાર નથી કર્યો. તું હોંશિયાર હતો અને અમારી ફરજ હતી. અમારું કાર્ય હવે પૂરું ગણાય. બસ હવે તારે તારી ફરજ નિભાવવાની છે, સહુના મગજ થોડાં સરખા હોય બધાં પોતાના માટે સારું હ વિચારે પણ એક વાતનો ખ્યાલ રાખજે કે દીકરા તારા દવાખાના માટે આ ગામ વાટ જોતું હતું. ગામનાને જયારે હું વાત કરતો હતો કે દીકરો હવે ડોકટર થઇ ગયો છે અને દીકરાએ ડોકટર વહુ ગોતી લીધી છે ત્યારે બધાં રાજી થતાં હતાં અને કહેતા હતાં કે હવે અમારે દવાખાનાના કામ માટે શહેરના ધક્કા ટળશે અને રામજીભાઈ તમારું સારું થાય કે તમે દીકરાને ભણાવી જાણ્યો હો … ચાલો સુઈ જાવ … આજ ઘણું મોડું થઈ ગયું છે” અને બધાં ઉભા થયા અને સુઈ ગયાં. ગોપાલ અને રીંકુ અંદરના ઓરડામાં સુતા હતાં. રામજીભાઈ અને સરોજબેન બહાર ઓશરીમાં પણ કોઈને ઊંઘ નહોતી આવતી. ઘરમાં એક અજબ વાતાવરણ રચાઈ ગયું હતું.

બે દિવસ વીતી ગયાં. રાબેતા મુજબ સહુ સહુ નું કાર્ય કરે. ગોપાલ મોટે ભાગે ફોન પર વ્યસ્ત. રામજીભાઈ ખેતીમાં વ્યસ્ત અને સાસુ વહુ ઘરકામમાં વ્યસ્ત!! ત્રીજે દિવસે ગોપાલે સવારે કીધું.
“બા હું અને રીંકુ વાડીયે જઈએ છીએ બપોરે પાછાં આવી જઈશું, આ તળાવ વાળો રસ્તો તો ચાલુ જ છેને ત્યાંથી નજીક થાય આપડી વાડી”

“હા દીકરા જઈ આવો અને વહુ તું આ ઉંચી એડીના ચંપલ કાઢી નાખ અને મારા આ ચપલા પેરી લે, તળાવ વાળો રસ્તો પાણાવાળો છે અને ત્યાં આ ઉંચી એડીવાળા ના હાલે પડી જવાય તો નકામું થાય” સરોજબેને કીધું અને રીંકુ હસી અને સરોજબેનના ચંપલ પહેરી લીધા. ગોપાલ અને રીંકુ ચાલતા થયા.

ગામને પછવાડે જ તળાવ હતું અને તળાવનું પાણી ગામમાં ના આવે એ માટે ગામ ફરતે એક મોટો પાળો બાંધ્યો હતો.એની પર ગોપાલ અને રીંકુ ચાલતા હતાં. ગોપાલ બધું બતાવતો હતો.

“જો પેલો આંબો જોયો? ત્યાં ઉનાળામાં હું રમતો. અને પેલો વડ એનાં ટેટા ખાવા માટે અમે ભાઈબંધો બાધતા હતાં. અને સામે જો દેખાય એ ઘૂનો છે. મને તો નથી સાંભરતું પણ બા એમ કહેતા હતાં કે હું પાંચ વરસનો હતો ને ત્યારેએ ધુના માં ડૂબી ગયો હતો. અને બાની એક બહેનપણી ઝકલ માસીએ મને બચાવી લીધો હતો, બા તો ઓલી મોટી છીપર છેને ત્યાં કપડાં ધોતી હતી. મને ત્યાં બેસાર્યો હતો નાની છીપર પર પણ હું પાણી માં ગયો અને પગ લપટ્યો અને સીધો પાણીમાં તે ઝકલ માસી જોઈ ગયાં અને એણે પાણીમાં કુદકો મારીને મને બહાર કાઢ્યો. હું પાણી પી ગયો હતો. પેટ દબાવીને પાણી કાઢી નાંખ્યું, અને હું બસી ગયો અને પછી તો બાએ મારી ભારોભાર સાકર વહેંચી હતી!! મને તો યાદ નથી પણ બા એ પ્રસંગ વારે વાર કહેતા અને મને બાથમાં લઇ લેતા નાનપણમાં!! એ ઝકલ માસીનું ઘર આ તળાવની પાળે જ છે ચાલને માસીને મળતાં આવીએ. આની પહેલાં તું આવી આ ગામમાં ત્યારે ઝકલ માસી એની દીકરીને ઘર ગયાં હતાં એટલે તને એ મળ્યાં નથી.” ગોપાલ અને રીંકુ તળાવની પાળે ને પાળે ચાલતા હતાં. સવારનો ઠંડો પવન વાય રહ્યો હતો. છેલ્લે એક રસ્તો નીચે જતો હતો અને એક ખેતરો બાજુ નીચે જતાં રસ્તાની એક સાઈડ એક કાચું મકાન અને મકાનની ચારે બાજુ બાવળિયાના ઝાડ હતાં. બે સરગવાના મોટા ઝાડ હતાં. એક ૫૦ વરસની બાઈ કપડાં ધોતી હતી પડખે એક આઠેક વરસની છોકરી નોટમાં કશુંક લખતી હતી. બાઈએ ગોપાલ અને રીન્કુને ના જોયા પણ ગોપાલે કહ્યું કે આ જ ઝકલ માસી છે બાની ખાસ બહેનપણી અને નાનપણમાં હું એની પાસે ખુબ જ રમ્યો છું. અને ત્યાં જ ઝકલમાસી બોલ્યાં પડખે જે છોકરીને ઉદેશી ને.

“એઈ રૂપસુંદર ઉભી થા!! અને આ કપડાં સુકવી નાંખ હાલ્ય!! અને આ વેકેશન છે!! હવે ભણવાનું બંધ કર હાલ્ય!! ભણી ભણીને કરવાનું શું!!!?? હે…!! સરોજડી ના ગોપલાની જેમ જ ને!!?? … સરોજડી તૂટી ગઈ એનાં દીકરા વાહે પણ હવે ઈ તો વહ્યો જાશે શહેરમાં.. મારો ગોપલો મારો ગોપલો કરતી તી પણ મળ્યું શું તંબુરો!! મેં ઈ વખતે જ ના પાડી તી કે આને ઘરે ના લવાય કોણ જાણે કયું લોહી હોય!!?? આપણું લોહી હોય ને તો આપણું જ માને બાકી પારકા ઈ પારકા પણ ઈ વખતે ઈ નો માની તે નો માની !!અને પોતાના સગા દીકરાની જેમ ઉછેર્યો તે આજ પરિણામ મળી ગયું ને તે લે લેતી જા અને કર્યા ભોગવ મારી બહેન!! ,એય છોડી હવે તારે આ લખવાનું મૂકવું છે કે ધોકો ખાવો છે.?? હાલ્ય ઉભી થા અને કપડાં સુકવ હાલ્ય”!!!

અને થીજી ગયો ગોપાલ!! સ્તબ્ધ થઇ ગઈ રીંકલ!! ઝકલમાસી આ શું બોલતી હતી?? પારકા ઈ પારકા !! બીજાનું લોહી!! ગોપાલ ધબ્બ દઈને બેસી ગયો. શરીર આખું પરસેવો પરસેવો થઇ ગયું!! નક્કી આ ઝકલમાસી કશુંક એવું જાણે છે કે જે કોઈને ખબર નથી!! ગોપાલની આંખમાં આંસુ આવી ગયાં. રીંકલે પહેલી વાર ગોપાલની આંખમાં આંસુ જોયા, એણે બાજી સંભાળી લીધી એણે ગોપાલના માથા પર હાથ મુક્યો અને આંસુ રૂમાલથી આંસુ લૂછ્યા. એ બોલી.

“જે હશે ઈ આજ હું જાણીને રહીશ, એક કામ કરો તમે અહીંજ બેસો હું જાવ છું ઝકલમાસી પાસે હું વાત કઢાવી રહીશ, એ કદાચ બીજાની વાત કરતાં હશે, તમે ચિંતા ના કરો હું બધું હેન્ડલ કરી લઈશ પ્લીઝ તમે મનમાં ના લાવો હું ઘડીના છઠ્ઠા ભાગમાં બધો તાગ મેળવી લઉં. ડોન્ટ વરી ડીયર!! આઈ વિલ ડુ સમથીંગ એન્ડ ફાઈન્ડ ધ ટ્રુથ!! અને જવાબની રાહ જોયા વગર રીંકલ ચાલી ગઈ. ઉતર બાજુ નાની એવી ખડકી હતી. રીંકલે બારણું ખટખટાવ્યુ ઝકલે બારણું ખોલ્યું. લાલ સાડલો અને પચાસની કોરમોર્ય પહોંચેલી ઝકલની આંખોમાં એક કશુક ધારદાર કહી શકાય તેવું હતું. રીંકલને એણે પગથી માથા સુધી જોઈ લીધી અને પછી બોલી.

“આવ્ય દીકરી , ભૂલી પડી લાગે છો?? કોનું કામ છે ?? કોના ઘરે જાવું છે?? એકલી જ છો કે બીજું કોઈ છે સાથે ?? ક્યાં ગામથી આવ્યાં ???

“પેલાં પાણી તો આપો માસી પછી બધી વાત “ એમ કહીને રીંકલ ફળિયામાં ઢાળેલ એક ખાટલા પર બેસી ગઈ. ઘર તો નાનકડું હતું .એક માટીનું પાણિયારું ,બે કાચા ઓરડાં હતાં. ઘર નાનું પણ છાંયડો જબરદસ્ત હતો!! ઘરને જાણે લીમડાએ ઘેરી લીધું હોય એમ લાગતું હતું!!

“અમે ચુંવાળીયા કોળી છીએ, અમારા ઘરનું પાણી તમે પીશોને?? આતો પૂછવું સારું તમને.. દેખાવ ઉપરથી તમે કોઈ સારું વરણ લાગો છો એટલે પૂછવું પડ્યું.” ઝકલે પાણીનો કળશ્યો હાથમાં રાખીને પૂછ્યું.

“તે પાણી તો એક ના હોય,?? પાણીના ય ભાગલા પાડી નાંખ્યા છે કે શું? એમ કહીને તેણે પાણી પીધું. કે ઝકલ બોલી.

“આ તો પૂછવું સારું, હજી ચાર દિવસ પહેલાં એક સંત જેવા બાપુ નીકળ્યાં હતાં આ પાળા પરથી તે ઈ પાણી પીવા આવ્યાં હતાં. એયને ભગવા કપડાં અને મોટી જટા હાથમાં કંઇક લાકડાના ગ્લાસ જેવું હતું ને એને પાણી પીવું હતું ને પાણી આપ્યું. ત્રણ લોટા ગટગટાવી ગયા ને પછી એણે પૂછ્યું કે તમે કેવા અને મેં જવાબ આપ્યો ને એ ભડક્યો ને એલફેલ બોલવા લાગ્યો કે મેરા ધરમ ભ્રષ્ટ હો ગયાં, અબ તો મુજે ઉપવાસ કરના પડેગા!! તુમકો રૌરવ નરક મિલેગા !! તુમ્હારા બુરા હોગા !! તુમકો પહલે બોલના ચાહીયેથા!! આવું બોલ્યો એ હવે !! જે એને મૂકી દેવું જોઈએ ઈ વધારે પકડતો જાય છે!! આમ મારા બટા કથામાં એમ કહે કે ભગવાને બધાને સરખા બનાવ્યા છે અને આમ અમારું પાણીય ના પીવે!! ઘડીક તો મેં સાંભળ્યું અને પછી મેં કીધું કે બાપુ નિકાલો બહાર!! મેરા જો હોગા વો હોગા લેકિન યહ ધોકા દેખા વહ આપકા માથા ફોડ દેગા!! અને ફટાફટ એ બબડતો હાલ્યો ગયો, એટલે ખોટું ના લગાડતી હો એટલે અગાઉ થી કેવું સારું!! બોલ તારે કોનું કામ હતું? હું તો તને ઓળખતી પણ નથી.” ઝકલ માસીની બોલી અને વાતચીતની ઢબ સાંભળીને રીંકલને લાગ્યું કે આ બાઈ ખરેખર જબરી છે એટલે એ સીધી મુદ્દા પર આવી.

“તે હુંય પાળા પર જ જતી હતી તે તમે આ છોકરીને ખખડાવતા હતાં ને તે સાંભળી ગઈ ને આવી ગઈ”
“તે ઈ મારી છોડીની છોડી છે એને હું ખખડાવું પણ ખરી!! એમાં તારે શું લેવા દેવા બહેન? એ મને કહીશ” ઝકલમાસીએ રોકડું પરખાવ્યું.

“લેવા દેવા હોય તો જ આવી હોવને ઝકલમાસી!!! એમાં તમે કાઈ સરોજના છોકરાની વાત કરતાં હતાં ને ?? ગોપાલ ની ?? ઈ કોઈક બીજાનું લોહી છે એવું કાંઇક બોલ્યાં અને પારકા ઈ પારકા એવું પણ બોલ્યાં!!! તે ઈ મારે જાણવું છે ગોપાલ સરોજનો સગો દીકરો છે તો ઈ પારકો કઈ રીતે??? આટલું રીંકલ બોલી ત્યાં તો ઝકલના ડોળા ફર્યા અને હાથમાં લીધો ધોકો અને આંખમાંથી અંગારા વરસ્યા.

“હું એવું બોલી જ નથી ને, તને મારું નામ પણ આવડે છે એમ?? તું છો કોણ એ કહીશ મને?? અને આવી રીતે તું મારા ઘરની સીઆઇડી કેવી રીતે કરશો?? એય તું કોઈ પોલીસમાં નથી ને!!?? હું કાઈ બીવાની નથી અને હું કાઈ બોલી પણ નથી. ગોપલો એનાં ઘરે જાય સરોજ એનાં ઘરે જાય!! એની વાતો હું શું કામ કરું હાલ્ય નીકળ બાર નહીતર આ કાકો ધોકો સગો નહિ થાય, અને ભાળ્યું કોઈને આ વાત કરી છે તો તું ગમે ઈ હોય હું બીતી નથી એટલું કાન ખોલીને સાંભળી લે જે” ઝકલે રીંકલને ધક્કો માર્યો અને આ વડચડ સાંભળીને ગોપાલ ખડકીમાંથી અંદર આવ્યો અને એને જોઇને ઝકલના હાથમાંથી ધોકો પડી ગયો. અને રીંકલ બોલી.

“ઝકલમાસી હું રીંકલ છું ગોપાલની પત્ની!! તમારી બેનપણી ની વહુ!! માસી પગે તો લાગવા દો” એમ કહીને રીંકલ પગે લાગી!! પણ ઝકલ તો પથ્થરનું પુતળું બની ગઈ હતી. એણે પાણીયારા ઉપરની તસ્વીર તરફ જોયું અને બોલી હે મા ચામુંડા મારી ભેરે રેજે માં. ગોપાલ ઝકલની પડખે જઈને બોલ્યો.

“મારી બા મને વારંવાર કહેતી કે બેટા તને તો જીવતદાન ઝકલમાસીએ આપ્યું છે નહીતર તું તો પાણીમાં ડૂબી જવાનો હતો, તો આજ ફરીથી જીવતદાન નહિ આપો માસી, મને જે હોય તે સત્ય કહો માસી ,હું મારા પેટમાં આ વાત રાખીશ મારા પર વિશ્વાસ કરો માસી નહીતર હું જીવનભર શાંતિ નહિ મળે તમારા હું પગ પકડું છું હું માસી પગ તમે જે બોલ્યાં એ મેં બધું જ સાંભળ્યું છે!! તમે કશુક તો જાણો છો માસી કશુંક તો જાણો છો” ઝકલની આંખમાં આંસુઓ વહી રહ્યા હતાં. રીંકલ એનાં આંસુ લુછતી હતી. ગોપાલ પણ રડતો હતો.પેલી નાની છોકરી પણ કપડાં સુકવતી સુકવતી જોઈ રહી હતી. થોડીવારે સ્વસ્થ થયા પછી ઝકલે શરૂઆત કરી.

“મને સરોજ કાલે વાડીએ મળી હતી.!! ઈ મારી ખાસ બેનપણી!! ઈ રીંકલના વખાણ કરતી હતી કેતી તી કે મારી રીંકલ બહારથી જેટલી રૂપાળી છે એટલી જ અંદરથી રૂપાળી છે!! બાકી અત્યારે આવી વહુ મળવી મુશ્કેલ છે!! બાકી તો આજ કાલની છોડિયું બાર થી જ રૂપાળી હોય અંદર થી કાળી મેશ જોઈ લ્યો!! ઉપર શોભા અંદર ઘોબા!! એવું જ જોઈ લ્યો!!! પણ ના તારી માની વાત સાચી છે દીકરા તું વહુમાં ફાવી ગયો છે, નહીતર શહેરમાં ભણેલી અને ડોકટર આવા ગામડામાં આવે જ શું કામ?? પણ તારી બા કાલ કેતીતી કે વહુને તો અહીંજ રેવું છે પણ ગોપલો આડો ફાટ્યો છે એને શહેરમાં જ જાવું છે!! ઈ કાલ વાળી વાત મને મગજમાં ઘુમરાતી હતી. આમ સરોજ કઠણ કાળજાની સબ દઈને રોવે તો નહિ જ પણ કાલ એ હીબકા ભરતી હતી હીબકા!! એની ઈચ્છા તને અહી રાખવાની છે અને તું માનતો નથી એટલે આજ સવારમાં આ છોડી ને ધમકાવતી વખતે તારી માની બળતરા મારા મોઢે આવી ગઈ અને જે વાત હું તારા બાપા અને તારી મા ત્રણ જ જાણીએ છીએ એ મોઢામાંથી નીકળી ગઈ પણ એ વાત તમારે કોઈને કહેવાની નથી અને મનમાં રાખવાની છે. મેં સરોજને વચન આપ્યુતું કે આ વાત હું કોઈને નહિ કરું પણ અજાણતા જ તમે સાંભળી જ ગયાં છો તો પછી હવે બધું કહી જ દઉં!! માં ચામુંડા પણ મને માફ કરે પણ જીંદગીમાં આ પેલો બનાવ હશે કે હું વચન તોડું છું” ઝકલે પાણી પીધું એણે નાની છોડીને આઘી મોકલી દીધી. રીંકલ અને ગોપાલ ના ધબકારા વધી ગયાં હતાં. ઝકલે વાત શરુ કરી.

“સરોજ પરણીને આવી પછી અઠવાડિયામાં જ મારી બહેનપણી બની ગઈ હતી. હું તમારા ખેતરમાં જ દાડીએ આવતી. અમે રોજ આ પાળે સાંજે ભેગા થતાં. ક્યારેક ગોપાલના પાપા પણ આવતા સાથે. બે વરસ પછી સરોજને સારા દિવસો રહ્યા!! સીમંત કરીને સરોજ અહીંજ રોકાઈ ગઈ એને પિયર જાવું જ નહોતું, પણ કસુવાવડ થઇ ગઈ. બીજી વાર સરોજને એનાં પિયરીયા વાળા લઇ ગયાં પણ ત્યાં બીજી કસુવાવડ થઇ ગઈ. સરોજ મનથી ભાંગી ચુકી હતી એમાં વરસ દિવસ પછી પાછા સારા દિવસો દેખાણા. આ વખતે શહેરની એક મોટી હોસ્પીટલમાં ડીલીવરી કરવી એવું નક્કી થયું . રામજીભાઈ અમને મને અને સરોજને દવાખાને મુકીને આવતાં રહ્યા. ડોકટરે જે તારીખ આપી હતી તેમાં બે દિવસ ની વાર હતી તોય અમે અગાઉ હોસ્પીટલે પહોંચી ગયાં હતાં, પણ એજ રાતે સરોજને દુખાવો ઉપડ્યો અને રાતે બાર વાગ્યે પાછી કસુવાવડ થઇ. સરોજ ખુબ જ રોઈ. અમે બને વહેલા ચાર વાગ્યે દવાખાનાનું બિલ ચૂકવીને નીકળ્યાં. સરોજ રોતી જ હતી હું એને શાંત રાખું પણ શાંત જ ના રહે ને !! બસ સ્ટેન્ડ જતાં પહેલાં રેલવે સ્ટેશન આવે તે ત્યાં કોઈ દુકાન ખુલ્લી હોય તો સરોજને બિસ્કીટ જેવું ખવરાવવું એમ વિચાર કરીને હું અને સરોજ રેલવે સ્ટેશન પર ગયાં. પણ ત્યાં કોઈ નહોતું અચાનક એક બાળક રડતું હોય એવો અવાજ આવ્યો અમે અવાજ ની દિશામાં ગયાં તો રેલવેના કચરાના ડબ્બામાં એક બાળક હતું. કોઈ મૂકી ગયું હતું, આજુબાજુ કોઈ નહોતું અમે બે ત્રણ સાદ પાડ્યા અને સરોજે એ બાળકને લઈને પોતાની છાતીએ વળગાડ્યું અને બાળક શાંત થઇ ગયું, સરોજ એ બાળકને ધવરાવવા લાગી. બેટા તું જ એ બાળક છો, મારા દીકરા ગોપાલ તું અમને આવી રીતે મળ્યો હતો.!! સરોજ તારા માથાપર હાથ ફેરવતી હતી અને તું રડતો બંધ થઇ ગયો હતો. સરોજ હસી પડી તને જોઇને!! અમે પછી લગભગ ત્યાંજ બેઠા રહ્યા બપોરના દસ સુધી કદાચ કોઈ આવે અને કહે કે આ છોકરું એનું છે.. મેં સરોજ ને કીધું કે પોલીસને જાણ કરીએ અથવા રેલવે વાળાને કહીએ અથવા કોઈ અનાથાશ્રમમાં આપી દઈએ! પણ સરોજે મને કીધું કે આ ક્યાં અનાથ છે!! આ તો મારો ગોપલો છે! આને ઘરે જ લઇ જઈશ તારી માએ તારું નામ પણ રેલવે સ્ટેશન પર પાડ્યું!! હું બહું ભણેલી નહિ એટલે મેં ઘણુય કીધું કે કોનો છોકરો હોય કોને ખબર ?? આતો પારકું લોહી કહેવાય !! કેવુય નીકળે પણ તારી માં એક જ રટ લઈને બેઠી તી આ તો મારો દીકરો છે!! મારો દીકરો એની માને આબરૂ અપાવશે!! પછી તો અમે ઘરે આવ્યાં. રામજીભાઈ ને વાત કરી. એ રાજી થયા!! એ એટલું જ બોલ્યાતા આ બધાં લેણાદેણીના ખેલ છે કુદરત આપણને આ રીતે સંતાન આપવાં માંગતી હશે!! દરેક બાળક પ્રભુનો અંશ જ છે!! અને આ વાત અમારા ત્રણ વચ્ચે જ રહી આજથી તમે બે આ વાત જાણો છો!! તને ખબર છે ગોપાલ તું હજુ બે વરહ નો હતોને ત્યારેજ તારી માએ તારા માટે નાનકડા ડોકટરના સાધનોના રમકડા લાવી હતી અને તેનાથી તું રમતો ને ત્યારે સરોજ કેતી કે ઝકલ આને ડોકટર જ બનાવવો છે અને આ ગામમાંજ દવાખાનું ખોલશે મારો ગોપાલ!! પછી તો સમય વીતતો ચાલ્યો અને આજ તું ડોકટર બની ગયો !! તું હોંશિયાર હઈશ એમાં ના નહિ તારી હોંશિયારી સાત વાર સાચી બેટા પણ તારી માનું એક જ રટણ હતું તું હજુ હાલવા નહોતો શીખ્યોને ત્યારથી કે મારો ગોપાલ ડોકટર બનવાનો અને આ ગામમાં જ દવાખાનું નાંખવાનો!! એ તારી માનું સતત રટણ અને નિસ્વાર્થ પ્રાર્થના ને કારણે જ ભગવાને આ વાત સાંભળી લીધી અને તું ડોકટર બન્યો બાકી આ ગામમાં હજુ કોઈ ટપાલી પણ નથી બન્યો બેટા!!સતત રટણથી તારો માર્ગ સરળ બની ગયો. આપણી પ્રાર્થનાથી તો સફળતા મળે જ પણ બીજાની પ્રાર્થનાથી વધારે સફળતા મળે છે” ઝકલે ગોપાલને બાથમાં લીધો, બરડે હાથ ફેરવ્યો અને ગોપાલે વચન આપ્યું કે એ હવે દવાખાનું અહીંજ કરશે!! જિંદગીભર અહીંજ રહેશે!! પણ મારી બા ને વાત ના કરતાં કે સાચી હકીકતની મને ખબર છે. રીંકલને ઝકલે વીસ રૂપિયા આપીને કહ્યું.

“આ ગામની તું પહેલી વહુ એવી હઈશ કે સાસુને લીધા વગર એકલી ચા પીવા નીકળી હો!! બાકી શિયાળામાં લગ્ન થાય અને ઉનાળામાં સાસુ વહુને લઈને ઉપડે ગામમાં ચા પીવા માટે ચા તો બહાનું હોય ઈ બહાને સાસુ વહુને બતાવે કે જોઈ લે આપણી આબરૂ અને સાસુ પાછી વળી મોટી મોટી વાતો કરે, હવે તું સરોજ હારે આવજે પણ પરમ દિવસ કાલ આ છોડી એને બાપાને ગામ જતી રહેશે અને તને દુઃખ થયુંને કે હું આ નાનકડી છોડીને કેમ ખીજાતી હતી?? એને ટ્રેનિંગ આપું છું મારે ત્રણ દીકરીઓ છે ત્રણેય ને સાસરે વળાવતી વખતે એને પાકી શિખામણ આપવાની કે જ્યાં જાવ છો ત્યાં સુખી કરજો અને જો જઈને બાપ દીકરાને નોખા કર્યાને તો ચીરીને મરચું ભરી દઈશ..!! મારી ત્રણેય દીકરીઓ સુખી છે અને સસરા ભેગી જ રે છે બોલ્ય..!! અને એને ઘરના બધાં જ કામ મેં શીખવાડી દીધાં છે!! સાત ચોપડી ભણીને ઉઠાડી દીધી છે પણ એને લાપશી થી માંડીને સત્યનારાયણનો શીરો શીખવાડ્યો દીધેલો!! બાકી હવે ની છોકરીઓને મોબાઈલમાં બધું આવડે પણ એને રાંધતા નો આવડે બોલ્ય !! સામેની શેરીમાં હમણાજ પરણીને આવી છે તે એને રોટલીય નો આવડે, રોટલીનું મશીન લાવી છે બોલો !! એક દિવસ તો એણે શીખંડને વઘારીને શેરીમાં ખવરાવ્યો મનેય આપ્યો મને તો નો ભાવ્યો!! શીખંડને વઘારીને ખાય બોલો બાકી બાજરાના રોટલાં ના આવડે !! એટલે વેકેશનમાં આ મારી દીકરીની દીકરીને તાલીમ આપું છું .આ કાલ્ય જાશે એટલે એનથી મોટી આવશે પંદર દિવસ બોલ્ય!! કપડાં લતા થી માંડીને રસોઈનું બધું શિખવાડવાનું!! અમે વધુ તો નથી ભણ્યા પણ જેટલું આવડે એટલું શીખવાડી દઈએ!! ઝકલમાસીએ પૂરું કર્યું. ચા પીને ગોપાલ અને રીંકલ વાડીયે ગયાં. ગોપાલનું મન સાવ કોરું કટ થઇ ગયું હતું, બપોરે જમતા જમતા ગોપાલે કીધું.

“ગામમાં જે જુના મકાન છે ત્યાં સાફસૂફી કરી નાંખીએ, થોડુક રીપેર કરી નાંખીએ. મહિના પછી અખા ત્રીજે ત્યાં દવાખાનું શરુ કરી દેવું છે, ઉદ્ઘાટન કાઈ લાંબુ નથી કરવું બસ તમારી અને બા ની પૂજા કરીને પગે લાગીને દવાખાનું શરુ કરવું છે” સરોજ બહેન જોઈ જ રહ્યા અને બોલ્યાં

“સાચું કહે છે બેટા, મશ્કરી તો નથી કરતો ને”??
‘ મા મશ્કરી માટે ક્યારેય હોતી નથી, મા પૂજવા માટે હોય છે” અને આટલું સાંભળતાં જ સરોજબેનનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો અને ગોપાલ તરફ એ એવી દિવ્યતાથી જોઈ જ રહ્યા કે ગોપાલે પણ જમવાનું છોડીને મા તરફ જોઈ રહ્યો, ગોપાલે એ પણ અનુભવ્યું કે જયારે હું એને કચરાના ડબ્બામાંથી મળ્યો હોઈશ ત્યારે પણ મારી માનું મુખ આવું જ હશે.!!!

અને મહિના પછી “સરોજ હોસ્પિટલ” નું ઉદ્ઘાટન થયું. માતા અને પિતાની પૂજા કરીને દીકરા અને વહુએ હોસ્પીટલનો શુભારંભ કર્યો.!! ગામ આખું રાજી હતું. ઝકલ માસી રાજીના રેડ હતાં. સહુથી વધુ રાજી સરોજ હતી.આજ એનો ગોપલો ડોકટર તરીકે સેવા શરુ કરી રહ્યો હતો.

એક માતાએ કચરામાંથી કંચન પેદા કર્યું હતું!!!

લેખક : મુકેશ સોજીત્રા

શેર કરો આ સુંદર વાર્તા તમારા મિત્રો સાથે અને દરરોજ મુકેશભાઈની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી