વાર્તા “ હેલ્લો કોણ બોલો છો ?? એક જરા હટકે લવ સ્ટોરી“ મુકેશભાઈ સોજીત્રાની કલમે….

“હેલ્લો કોણ બોલો છો ??”

અને નીખીલ રાતે બારની આસપાસ ઘરે આવ્યો. મનમાં ઘમાસાણ ચાલતું હતું. છેલ્લાં આઠ માસથી એના મનમાં એક ઘમાસાણ ચાલી રહ્યું હતું. જીવન એક એવાં વળાંક પર આવીને ઉભું હતું. એક ચોક્કસ નિર્ણય હવે એને લઇ લેવો હતો. એક બાજુ લાગણી ઓ હતી. બીજી બાજુ લાગણીઓ સાથે વિશાળ ભવિષ્યનું આવી રહેલું ભવ્ય આકાશ હતું.

નીખીલ ની મોટી બહેન વંદુ એની પરિસ્થિતિથી વાકેફ હતી. પણ નાની કલ્પના અને ગાયત્રીને કશી જ ખબર નહોતી. અને એની ઉમર પણ હજુ નાની જ હતી. વંદુ વીસ વરસની હતી અને સમજદાર હતી. બહેન કરતાં એની મિત્ર વધુ હતી અને તેથી જ નીખીલ એને બધી જ વાત કરતો હતો.

“આવી ગયો બેટા વાડીએથી ? ખુબ મોડું કર્યું ચાલ હવે જમી લે.” માતા હંસાબેને કહ્યું.
“ના મને ભૂખ જ નથી, વંદુ ને ના પાડીને તો ગયો હતો કે આજે હું જમવાનો નથી. નીખીલે હંસાબેનને કહ્યું.
“એવું તે કઈ હોતું હશે દીકરા. ? ચલ તું જમી લે પછી જ હું જમીશ. “હંસાબેને નીખીલના માથા પર હાથ ફેરવીને કહ્યું. માથા પર માતાનો હાથ ફરે એ ચોઘડિયું જગતનું સર્વશ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે.
“તું પણ ખરી છો મા! હજુ જમી નથી” નિખીલે મમ્મી સામે જોઇને કહ્યું.

“તું ઘરે હો ને ત્યારે તને જમાડીને જ જમું છું દીકરા” પણ તને વહેલા જમવાની ટેવ છે ને એટલે તને ક્યાંથી ખબર હોય’?? એમ કહીને પ્રત્યુતરની રાહ જોયા વગર જ હંસાબેને એક થાળી તૈયાર કરી. અને નીખીલ ને પીરસી. નીખીલ થોડુક ખાધું અને ઉભો થઈને અગાશીમાં જતો રહ્યો. નીખીલના જમ્યા પછી હંસાબેને પણ જમી લીધું. અગાશીમાંથી નિખીલે ગામ તરફ નજર નાંખી.ગામ આખું જંપી ગયું હતું. ચારે બાજુ કાળી ડીબાંગ ટેકરીઓ દેખાતી હતી.દુર સુદૂર એની વાડીએ પ્રકાશિત બલ્બ દેખાતો હતો. મોબાઈલ એણે સાઈલન્ટ મોડ પર રાખ્યો હતો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો.જોયું તો કાવ્યના ૪૦ મેસેજ અને ૧૬ મિસ કોલ હતાં. કાવ્યા આજે બરાબરની ખીજાઈ હશે. તેણે મોબાઈલ તરફ જોયું અને પછી આકાશ તરફ જોયું. વાતાવરણમાં આછેરી ઠંડક વર્તાતી હતી. અગાશી માં પાથરેલ ખાટલામાં એણે લંબાવ્યું અને વોટ્સએપ ખોલીને એક મેસેજ લખ્યો.

પ્રિય કાવ્યા,

આ મારો છેલ્લો મેસેજ છે. તારી ઈચ્છાઓ નથી પૂરી કરી શકતો. તું કહે એમ કદાચ મુંબઈ આવવાથી મારી અને મારા કુટુંબની લાઈફ ઉજ્જવળ બની શકે પણ જયારે જયારે મારી માતા સામું જોઉં છું ત્યારે ત્યારે અંદરથી એક અવાજ ઉઠે છે કે નીખીલ રોકાઈ જા, તારી ત્રણ બહેનો અને વહાલસોયી માતા માટે રોકાઈ જા. કાવ્યા તું સાચું જ કહેતી હતી કે ગામડાવાળા અડધા પાગલ અને સેન્ટીમેટલ હોય છે. સ્ટુપીડ નું સાચું ડેફીનેશન તો ગામડામાં જ જોવા મળે છે. તારી વાત તદન સાચી કાવ્યા. ભારત આશરે છ લાખ ગામડાનો બનેલો દેશ છે. અને વરસોથી આ દેશ ટકી રહ્યો છે એનું કારણ પણ કદાચ આ સ્ટુપીડનેશ જ હોઈ શકે. ખેર જવા દે એ વાત. તારી સાથે ગાળેલો એ આઠ માસનો સમય મારા માટે સુવર્ણમય સમય રહેશે. આજીવન રહેશે. મને મારી મમ્મી ગમે ત્યાં પરણાવી દેશે. તું પણ તારું મનપસંદ પાત્ર શોધીને પરણી જજે. આપણે કદી એકબીજાને રૂબરૂ નથી મળ્યાં .પણ તોય કેટલાં નિકટ હતાં નહિ?? આપણે બને એક બીજાના દિલમાં કાયમ રહીશું જ . દર્દની પણ એક મજા હોય છે. ભોજનમાં જેટલું મહત્વ ગળ્યા રસનું છે એટલું જ મહત્વ કડવા રસનું હોય એમ જીવનમાં દર્દનું મહત્વ છે. વધારે કશું જ કહેવું નથી. આપણે બંને આપણી પરિસ્થિતિ સમજીએ છીએ. તું મુંબઈ નથી છોડી શકે એમ હું ગામડું નહિ છોડી શકું. આપણો બેય નો પ્રેમ રેલવેના ટ્રેક જેવો જ છે. જીવનભર યાદોના સહારે સાથે ચાલીશું પણ ભેગા ક્યારેય નહિ થઈએ. તને તારા ભાવી જીવનની શુભેચ્છાઓ. બસ આ મેસેજ કરીને આ સીમ કાર્ડ તોડવા જઈ રહ્યો છું. મારી જગ્યાએ તું હો એવું વિચારજે એટલે તને કોઈ જ ખોટું નહિ લાગે બસ એજ

તારો સ્ટુપીડ,
નીખીલ

મેસેજ સેન્ડ થઇ ગયો. અને “કાવ્યા ઈઝ ટાઈપીંગ” એવું વોટ્સએપનું સ્ટેટસ બતાવતું હતું. પણ નીખીલ ની આંખો આંસુથી ધૂંધળી બનતી ચાલી હતી. એ હવે કાવ્યાનો કોઈ મેસેજ વાંચવા જ માંગતો નહોતો. એણે મોબાઈલનું સીમ કાર્ડ કાઢી નાંખ્યું. સીમ કાર્ડ તોડી નાંખ્યું. અને ફેંકી દીધું. અને જ્યારે જ્યારે મોબાઈલનું સીમ કાર્ડ તૂટે છે ત્યારે ફક્ત એ સિમ કાર્ડ જ નથી તૂટતું પણ સાથો સાથ તૂટે છે બે દિલ…!!! અગણિત આશાઓ….!!! અનેક અરમાનો….!!! અને રહી જાય છે પાછળ અમાપ.. ડુસકાઓ!!!!!

નીખીલ પટેલ હરજીવનભાઈ અને હંસાબેનનું પ્રથમ સંતાન!! નીખીલ પછી ત્રણ બહેનો હતી. વંદના, કલ્પના અને અને ગાયત્રી. નીખીલ ની ઉમર દસ વરસની હતી ત્યારે એક રોડ અકસ્માતમાં હરજીવનભાઈ અવસાન થયું હતું. વંદના આઠ વરસની હતી. કલ્પના અને ગાયત્રી છ વરસની અને ત્રણ વરસની હતી. જીવનવીમો હોવાને કારણે હરજીવનભાઈ ના મૃત્યુ પછી સારી એવી રકમ મળી હતી અને આમેય પહેલથી જ ખાતું પીતું ઘર હતું એટલે હંસાબેનને બાકીનું જીવન ગુજારતા કોઈ તકલીફ ના પડી. નીખીલના બને મામાઓ એ વારંવાર આગ્રહ કર્યો કે બહેન શહેર આવતી રહે બધાને લઇ પણ હંસાબેને કીધું.

“ નીખીલ ના બાપાની ઈચ્છા હતી કે આ જમીનની સેવા કરવી. આ જમીન છોડીને એ ક્યાંય જવા માંગતા નહોતા એટલે હું પણ આ જમીન છોડીને ક્યાય નહિ જાવ.હું બસ આ ખેતીને ખંતથી કરીશ. અને મારા છોકરાઓનો ઉછેર કરીશ, માટે ભાઈ હવે પછી આ વાત ના કરતાં. અને હંસાએ ખેતી ઉપાડી લીધી હતી. દીકરીઓ ત્રણ નાની પણ નીખીલ મોટો હતો. ગામની સ્ત્રીઓ પણ મોઢામાં આંગળા નાંખી જતી જ્યારે હંસા સવારે ગાડું લઈને ખેતરે જતી. હરજીવનભાઈ ને એના બે ભાઈઓ સાથે આમેય પહેલ્રથી જ ના બનતું. એટલે એ લોકો જાતરે ખાતરે વહેવાર રાખતાં. હંસાએ બધાં જ વહેવાર સાચવી લીધા. નીખીલ ને વંદના કોલેજ સુધી ભણ્યા હતાં. કલ્પના કોલેજના પ્રથમ વરસ માં જયારે ગાયત્રી બારમાં ધોરણમાં હતી. હવે તો નીખીલ ખેતી કરતો હતો અને હંસાબેન હરખાતા હતાં. એ ગામની સ્ત્રીઓને વાતો કરતાં.

“એય ને નીખીલને શોભે તેવી એક ટાચકા જેવી દીકરી ગોતીને મારે મારા નીખીલ ને પરણાવવો છે અને પછી એના દીકરાને હીંચકાની દોરી નાંખવી છે, બસ આટલું જ માંગવું છે મારા ભગવાન પાસે!! બસ ભગવાન આટલું આપી દે ને પછી ભલે મારો દીનાનાથ મારી દોરી ખેંચીને મને નીખીલના બાપા પાસે બોલાવી લે તો મને કોઈ જ અબળખા નહિ રહે” ગામની બધી સ્ત્રીઓ હંસાને એક વિશિષ્ઠ માન આપતી હતી.

આજથી આઠ માસ પહેલા નીખીલના મોબાઈલમાં એક કોલ આવ્યો. નીખીલ વાળું કરીને ને અગાશીમાં ગયો હતો. ગામડાં ગામમાં લોકો વાળું કરીને જેને વ્યસન હોય એ ગલ્લે જાય અને વ્યસન વગરના પોતાના ઘરની અગાશીમાં જાય!! અને બાજુના ગામમાં એક નવો મોબાઈલ નો ટાવર થયો એટલે ગામમાં પહેલા વહેલા ફોન આવ્યાં હતાં અને ગામ આખું મોબાઈલ વાંહે ગાંડું થયું હતું. નીખીલ પાસે મોબાઈલ તો પહેલેથી હતો. બાજુના એક નાનકડાં શહેરમાં એ કોલેજ કરતો ને ત્યારે ફોન લીધો હતો.પણ ગામડામાં ટાવર નહોતો પકડાતો. પણ હવે અગાશી ઉપર ફૂલ કવરેજ આવવા લાગ્યું હતું.

“હેલ્લો કોણ બોલો છો”?? સામેથી એક સુંદર અવાજ આવ્યો. આમેય વિસ વરસની યુવતીનો અવાજ એકદમ સુંદર જ હોય છે.

“ તમે કોણ બોલો છો અને કોનું કામ છે”?? નિખીલે સરળતાથી કહ્યું.
“તમે કોણ બોલો છો એ કહોને.?? તમે માતાવાડી થી બોલો છો ને?? સામેથી વધારે સુંદર અને ચીપી ચીપીને અવાજ આવ્યો.

“ફોન તમે કર્યો એટલે તમારે નામ આપવાનું હોય પહેલાં…… અને હા હું માતાવાડી થી નથી બોલતો બાપા વાડીથી બોલું છું.!!!” નિખીલે કંટાળાથી કહ્યું.

“આ તમારો નંબર નથી કૌશિક કુમાર? હું કાવ્યા બોલું છું અમીની નાની બહેન કાવ્યા!! મુંબઈથી બોલું છું ઘાટકોપર વેસ્ટ થી તમે અમારા નંબર પણ સેવ નથી રાખતા કૌશિક કુમાર??”

“ હું નીખીલ કુમાર બોલું છું, અગાશીના ધાબા પરથી!! લાગે છે કે તમે કોઈ ભળતો નંબર લગાવી દીધો છે. કૌશિકકુમારનો નંબર આ નથી. કાવ્યાજી કોલ કરતાં પહેલા નંબર ચેક કરવાની ટેવ પાડો” અને નિખીલે ફોન કટ કરી નાંખ્યો અને અગાશીમાં ઢાળેલા ખાટલા પર લંબાવ્યું અને કેન્ડી ક્રશ સેગા ગેઈમ રમવા લાગ્યો.

એ રાતે સપનામાં પણ નીખીલ ને પેલો અવાજ વારંવાર સંભળાયો.” હેલ્લો કોણ બોલો છો”?? વારંવાર એ જ અવાજ સંભાળતો રહ્યો.

અને આમેય યુવાનીમાં પહેલી વાર અજાણી છોકરીઓના મોબાઈલમાં આવેલ અવાજ સહેલાઈથી ભુલાતા નથી એને જ મુગ્ધાવસ્થા કહેવાય છે.

બે દિવસ પછી રાતે પાછો કાવ્યાનો ફોન આવ્યો. આ વખતે ટુ ધ પોઈન્ટ વાત કરી.

“સોરી નીખીલ મારે નંબર લગાડવામાં ભૂલ થઇ ગઈ હતી. છેલ્લા બે આંકડા આડા અવળાં થઇ ગયાં હતાં. એટલે મને થયું કે ચાલ માફી માંગી લઉં તો આટલી માફી કાફી હશે એમ માની લઉં છું. મારે મારી મોટા બાપાની દીકરી અમીનું કામ હતું એટલે એનાં ઘરવાળા કૌશિકને ફોન લગાડવાનો હતો. એ લોકો સુરત માતાવાડીમાં રહે છે. બાય ધ વે શું કરે છો અત્યારે”?? નીખીલ ને આ તુંકારો ખુચ્યો પણ સારો લાગ્યો. જીવનમાં કોઈ તુંકારો કરે એવું પણ હોવું જોઈએ તો જ જીવનની મજા આવે છે એવું એના કોલેજના પ્રોફેસર કહેતા એ નીખીલ ને યાદ આવ્યું.

“અત્યારે તો હું તારી સાથે વાત કરી રહ્યો છું, મારા ગામના મારા ઘરની અગાશી પરથી પછી આ અગાશીમાં ઢાળેલો ખાટલો છે એમાં સુઈ જઈશ. સવારે ઉઠીશ પછી વાડીએ જઈશ સાંજે પાછો વાળું કરીને અગાશી પર” નીખીલ પણ હવે ખીલતો જતો હતો.

“ અરે વાહ તો હું કાલે પણ કોલ કરીશ. આ જ સમયે જો તને પસંદ હોય તો. આમેય સબંધીઓ સાથે વાત કરી કરીને હું બોર થઇ જાવ છું. આમેય તને હું કાઈ વધારે જાણતી નથી., પણ એક વાર મારી સાથે વાત કરે અને મને ભૂલી શકે એ વાતને હું માનતી નથી. “ અને બેય છેડા પર ચુપકીદી છવાઈ ગઈ અને બને એક સાથે જ હસી પડ્યા અને આ વખતે ફોન કાવ્યાએ કાપ્યો. નિખિલની ઈચ્છા હતી કે કાવ્યા વાતો કરતી જ રહે પણ એણે એ દર્શાવ્યું નહિ.

પછી રોજીંદો ક્રમ થઇ ગયો. સાડા આઠ વાગ્યે કાવ્યાનો ફોન અચૂક આવે જ. કાવ્યાએ પોતાના બારામાં બધું જ બતાવ્યું હતું. એના પિતાજીઈને મુંબઈમાં ડાયમંડનો બિઝનેશ હતો.ચાર જણાનું સુખી કુટુંબ હતું. કાવ્યાથી નાનો એક ભાઈ ભરત અને કાવ્યાના પાપા હસમુખભાઈ અને માતા નીલમબેન. કાવ્યાએ કોલેજ પૂરી કરી હતી અને એનાં પાપા હવે પરણાવવા માંગતા હતાં. એને કાવ્યાને કીધું હતું કે બેટા તારી કોઈ પસંદ હોય તો કહી દેજે. અમે સ્વીકારી લઈશું. તારી પસંદ પહેલા આખરે તમારે બંને એ સાથે જિંદગી કાઢવાની છે . કાવ્યાએ એ વખતે કોઈ પ્રત્યુતર નહોતો આપ્યો. કાવ્યાએ નીખીલના કુટુંબ વિષે બધી જ વાતો જાણી લીધી હતી. રાતે અડધી કલાક વાત કર્યા પછી બને જણા વોટ્સએપમાં મંડાઈ જતાં. શરૂઆતમાં આભાર વિધિ થતી અને પછી લાગણીનો ધોધ છૂટતો!!

“થેન્ક્સ ફોર કોલિંગ!! આઈ લાઈક યોર સ્વીટ વોઈસ વેરી નાઈસ” નીખીલ અને કાવ્યા દેશી ઇંગ્લીશમાં ચેટ કરતાં.
“સેઈમ હિઅર. યોર વોઈસ ઓલ્સો ગૂડ એન્ડ ટફ!! આઈ લાઈક રફ એન્ડ ટફ!! કાવ્યા રીપ્લાય કરતી.

બસ પછી એક દિવસ કાવ્યા મુંબઈની વાતો કરે તો બીજે દિવસે નીખીલ ગામડાની વાતો કરે. મુંબઈની વાતોમાં ગેટ વે ઓફ ઇન્ડિયા. મરાઠા મંદિર, નવો બનેલો વરલી સી લીંક, મુંબાદેવી , મુંબઈની લોકલ ટ્રેન અને વડા પાઉં હોય જ્યારે નીખીલના ગામડાની વાતો માં કપાસ નો ઉતારો. વાડીમાં રહેલાં મોરલા. રજકો અને મેથી. ગીર ગાયના દુધના ફાયદા અને શુદ્ધ ઘી ની વિશેષતાઓ આવા મુદ્દાઓ રહેતાં. રાતે સાડા બાર વાગ્યે એટલે કાવ્યા કહેતી.

“ગુડ નાઈટ સ્વિટ ડ્રીમ્સ હેવ અ નાઈસ નાઈટ ટેક કેર.. હેવ અ નાઈસ ટાઇમ” જવાબમાં નીખીલ લખતો.

“ઓકે બાય ટેઈક કેર સી યુ ટુમોરો ડીયર..યુ આર સો નાઈસ એન્ડ આઈ એમ સો લકી કોઝ આઈ ફાઈન્ડ લવલી ગર્લ લાઈક યુ, !!!યુ આર માય પ્રીસીયસ જ્વેલ”!! અને આમને આમ તેઓ પાછા કલાક વાતો કરી નાંખતા.

વોટ્સએપનું સાચું નામ તો લવએપ હોવું જોઈએ. જેમ કોઈ પણ વસ્તુને ફેલાવા માં કોઈ માધ્યમ મદદરૂપ થાય એમ સ્નેહની સરવાણી ફેલાવવામાં આજ કાલ વોટ્સએપનો છૂટથી ઉપયોગ થાય છે. રસાયણ શાસ્ત્રની ભાષામાં વોટ્સએપ એટલે સ્નેહની સરવાણી ફેલાવતું ઉદ્દીપક!!

ધીમે ધીમે ફ્રેન્ડશીપથી વાત લવશીપ અને લાઈફશીપ પર આવી ગઈ. બને એક બીજાને સહારે જીવવા લાગ્યાં, હવે તો દિવસે કાવ્યા જયારે કોઈ શોપિંગ મોલમાં ખરીદી કરવા જાય ત્યારે નીખીલ ને સેલ્ફી અને ફોટા મોકલતી, નીખીલ પણ એની વાડીના મોરલા. કપાસના જીંડવા. પાણીનો ધોરિયો અને શાકભાજીના ફોટા પણ મોકલતો. ક્યારેક કવરેજ ફૂલ હોય તો બને જણા વિડીઓ ચેટ પણ કરી લે. એક દિવસ નિખીલે વંદના ને કીધું.

“વંદુ કે વાત કહું?? મને મુંબઈની એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે. એકદમ સરસ છોકરી છે. મૂળ તો આ બાજુની જ છે પણ એના પાપા તો વરસો પહેલા મુંબઈ જતાં રહ્યા હતાં .અહી હવે કોઈ નથી. એના તમામ સગા સંબંધીઓ ત્યાં મુંબઈમાં જ રહે છે. વંદુ હમણાં બા ને નથી કહેવું. કાવ્યા આ મહિનામાં એના મમ્મી પાપા સાથે વાત કરી લેશે અને મારો ફોટો એમને બતાવશે પછી એ હા પાડી દેશે અને ત્યાંથી ફાઈનલ થઇ જાય પછી વંદુ તારે બા ને મનાવી લેવાની છે.” વંદનાએ કાવ્યાના ફોટા જોયા. આખા ગામમાં આવું રૂપ હજુ આવ્યું નહોતું. એ ખુશ થઇ ગઈ.

“ નીખીલ્યા તારી પસંદ તો લાજવાબ છે પણ કાવ્યાને ફાવશે આપણા ગામમાં? તે એની સાથે વાત તો કરી લીધી છે ને કે હજુ તમે બેય જણા બંધ બાજીમાં જ ચાલ્યાં જાવ છો ??“

“અમારા બંને વચ્ચે કોઈ એવા ટર્મ એન્ડ કંડીશન હજુ આવ્યા જ નથી. અમારો સ્નેહ કોઈ શરતી સ્નેહ નથી!! આવશે ત્યારે જોયું જશે. કાવ્યાએ એના મમ્મી સાથે વાત કરી લીધી છે. મેં પણ વાત કરી છે એના મમ્મી સાથે બસ એ એના પાપા ને વાત કરી લે એટલે ફાઈનલ અને હું મમ્મી સાથે વાતચીત કરી લઈશ” નિખીલે વંદનાને કહ્યું. અને પછી વંદુએ કાવ્યા સાથે વાત કરી.

બે દિવસ પછી કાવ્યાએ એના પાપા સાથે નીખીલને વાત કરાવી. થોડી ઘણી વાત કર્યા પછી નીખીલને હસમુખભાઈ એ કહ્યું.

“બધું બરાબર નીખીલ કુમાર પણ તમારે મેરેજ પછી મુંબઈ સેટલ થવું પડશે. હું એમ નથી કહેતો કે તમે ઘર જમાઈ રહો. મારા આશ્રિત રહો . તમે તમારી રીતે સ્વતંત્ર છો . મારી જ્યાં જરૂર પડે ત્યાં હું મદદ કરીશ .પૈસાની ચિંતા ના કરો. એ બધું થઇ રહેશે. હું એમ પણ નથી કહેતો કે તમે તમારા પરિવાર ને છોડી દો. તમારા પરિવાર સાથે અહી આવી જાવ .તમારી ત્રણેય બહેનો માટે પણ આપણે અહી સંબંધ જોઈશું. હું ફક્ત તમારા સસરા જ નહિ પણ તમે મને એક મિત્ર પણ ગણી શકો છો .અને ગામડામાં હવે કશું જ નથી. ગામડામાં બધું જ પડી ભાંગ્યું છે. મારી કોઈ શરત નથી બસ આ એક જ શરત છે અને હું કાવ્યાના સુખમાં જ મારું સુખ જોઉં છું. જલ્દીથી આપ આપનો નિર્ણય જણાવી દેશો. કશી જ બળજબરી નથી.હજુ કાઈ મગ ચોખા ભળી નથી ગયાં. અને કદાચ ભળી ગયાં હોય તો રંધાય એ પહેલાં છુટા પડી જાય” સસરાએ ખુલી વાત કરી દીધી. એ રાતે કાવ્યા સાથે નિખીલે વાત કરી લીધી. કાવ્યાએ સીધું જ કહ્યું.

“નીખીલ માય ડેડી ઈઝ માય હીરો!! એણે મને ક્યારેય નથી દુખી કરી. હું એને દુખી નહિ કરી શકું. તને જોયા વિના જાણ્યા વિના ફક્ત મારા ભરોસે મંજુરીની મહોર મારી દીધી છે. આવા પિતા અત્યારે કેટલાં ?? એની ઈચ્છા છે કે હું એની નજર સામે રહું તો એમાં ખોટું શું છે?? એવું લાગશે તો આપણે બે કે ત્રણ વરસ પછી પાછા તારે ગામડે જતાં રહીશું. મારા પિતા ફક્ત શરૂઆતમાં કદાચ એ જોવા માંગતા હોય કે હું બરાબર સુખી તો છું ને. અને ગામડા કરતાં શહેર તો સારું નહિ. ઘણાં મુરતિયાના માંગા આવે છે પણ કોઈ મને પસંદ ના પડ્યા. બસ તું એક જ ગમી ગયો છો. મારા ખાતર તું તારું ગામ નહિ છોડી શકે?? મમ્મીને અને તારી બહેનોને પણ મુંબઈ ફાવી જશે.” ઘણી બધી વાતો થઇ. નિખીલે ઘણી દલીલો કરી કે મમ્મી જમીન નહિ મુકે. એ નહિ આવે તો મારી બહેનો પણ નહિ આવે. પણ બધી જ દલીલોનો કાવ્યાએ જવાબ આપ્યો. અને બે દિવસ નિખીલે મનોમંથનમાં કાઢ્યા અને પછી એણે ફાઈનલ એણે આજે ફાઈનલ નિર્ણય લઇ લીધો!!! કાવ્યાને મેસેજ કરી દીધો…. સીમ તોડી નાંખ્યું અને પથારીમાં એ સુતો હતો….. કાવ્યા સાથે કરેલી તમામ વાતો યાદ આવી જતી હતી!! ગાય ને દોહતી વખતે એને કાવ્યાને … લાઈવ બતાવેલું… ગામમાં પડતાં વરસાદ જોઇને કાવ્યા ખુશ થઇ જતી હતી….દરરોજ સવારમાં કાવ્યા એને એક સવારમાં પાડેલો એક ફોટો મોકલતી અને એ ફોટાને એ કિસ કરતો… આમ તો તેની વચ્ચે ૮૦૦ કિમીનું અંતર હતું પણ બંનેના અંતર વચ્ચે કોઈ જ અંતર ના હતું.!! આજે એણે બધું એક ઝાટકે છોડી નાંખ્યું હતું. સવારે જ એણે વંદુને વાડીયે કહી દીધું હતું.

“વંદુ તું કહે એ વાત સાચી પણ હું મમ્મીને અને તને મુકીને ક્યાય નહિ જાવ.તને તો યાદ ના હોય મમ્મી પણ મને ખબર છે પાપાના અવસાન પછી મામાએ મમ્મીને ખુબ જ આગ્રહ કર્યો હતો કે સુરત આવી જાવ પણ મમ્મીએ કીધું હતું કે નહિ હવે તો આ જ મારી કર્મભૂમિ અને આજ મારી ધર્મભૂમિ છે. તમારા બનેવીને જે જમીન વહાલી એ જીવનભર વહાલી રહેશે. ખુદ ભગવાન સામે ચાલીને કહે કે તને સ્વર્ગ જોઈએ કે આ જમીન તો પણ હું સ્વર્ગને ઠુકરાવી દઈશ. હું બીજાં કોઈને માનતી નથી લગ્ન પહેલા હું મારા મા બાપને માનતી હતી અને લગ્ન પછી હું મારા પતિને માનું છું. વંદુ મમ્મી ભણેલી નથી પણ સંસ્કારોમાં એણે પીએચડી કરેલું છે, હું તમને અને મમ્મીને મુકીને ક્યાય નહિ જાવ” વંદુએ કીધેલું

“ભાઈ પણ કાવ્યાનું શું?? એને પણ આશાઓ હોય ને?? એને શું થશે તું ના પાડીશ ને તો?? પ્રેમ કરતાં પહેલા નિભાવતા આવડે એવી કેપેસીટી હોય તો જ એક બીજાને વચન દેવાય ભાઈ”

“અમે એવા કોઈ વચન નથી આપ્યાં એક બીજાને..દિલથી ચાહતા હતાં અને ચાહીશું .. એ એના પિતાની લાગણી જુએ છે તો હું મારી માતાની અને ત્રણ બહેનોની લાગણી જોઈ રહ્યો છું. પ્રેમમાં કોઈ પંચનામું ના હોય. એમાં કોઈ શરતો કે કરારો ના હોય. લગ્નની વાતમાં શરતો આવે છે. અમારો પ્રેમ પવિત્ર છે .અમે એકબીજાને સ્પર્શ પણ નથી કર્યો. એ સમજુ છે. એ એનું ફોડી લેશે, હું મારું ફોડી લઈશ” નીખીલ બોલતો ગયો અને વંદના અશ્રુભરી આંખે સાંભળતી ગઈ. નિખીલે એની પાસેથી વચન લીધું હતું એટલે એણે એની માતાને વાત ના કરી, નહીતર ભાઈના ભવિષ્ય માટે એ વાત કરવા તૈયાર જ હતી.

સવારે નીખીલ ઉઠ્યો. રાબેતા મુજબ એણે વાડીમાં કામ શરુ કરી દીધું. મોબાઈલમાં કાર્ડ તો હતું નહિ .મોબાઈલ એણે પટારાના તળિયે મૂકી દીધો…ફક્ત મોબાઈલ જ નહિ પોતાનો પ્રેમ એણે પટારાના તળિયે મૂકી દીધો હતો!! હંસાબેને પૂછ્યું.

“નીખીલ મોબાઈલ કેમ પટારાના તળિયે જાવા દીધો”?
“બા એ બગડી ગયો છે”
“તો રીપેર કરાવી લે અથવા નવો લઇ લે”

“ બા અમુક વસ્તુ રીપેર ના થઇ શકે” નિખીલે જવાબ આપ્યો.
બે દિવસ સુધી સતત નીખીલ કામ કરતો રહ્યો. બસ હવે કાવ્યાની યાદો ને એણે કામ માં વાળી દીધી હતી. ખેતરના ખૂણે ખૂણે અને દરેક છોડમાં એને કાવ્યાનો ભાસ થતો હતો. ખેતરમાં તેને “હેલ્લો કોણ બોલો છો” એ અવાજ વારંવાર સંભળાતો હતો.

ત્રીજા દિવસે સવારે આઠેક વાગ્યે એક ચાર બંગડી વાળી ગાડી નીખીલના ઘર પાસે ઉભી રહી. ગાડીમાંથી એક યુવતી અને એક આધેડ વયનું દંપતી ઉતર્યું. નીખીલના મમ્મી તો એને ના ઓળખી શક્યા પણ વંદના ઓળખી ગઈ. એ કાવ્યા ને ભેટી પડી.
“કોણ છે બેટા આ મહેમાન?? મેં એમને ઓળખ્યા નહિ ?? હંસાબેન બોલ્યાં.

“મેમાન નથી અમે તો વેવાઈ છીએ!! જે શ્રી કૃષ્ણ વેવાણ!! નીલમ બહેન બોલ્યાં. વંદનાએ મમ્મીને ટૂંકમાં બધું જ સમજાવ્યું. એ તો નવાઈ પામી ગયાં. નીખીલ વાડીએથી આવ્યો. આવીને એણે તરત જ ખુલાસા કર્યા અને બધાએ સાંભળ્યા પછી હસમુખભાઈ બોલ્યાં..

“મને તો કાવ્યાની પસંદ ખુબ જ ગમી છે, મે તો ફાઈનલ હા પાડી જ દીધી હતી. પણ તોય કાઠીયાવાડી રહ્યાને આપણે તો કેળા પણ ચાખીને લઈએ. એટલે મે ચકાચવાનું નક્કી કર્યું કે નીખીલ કુમારમાં ખુદ્દારી છે કે નહિ.? એ અહી બધું છોડીને મુંબઈ આવવા માંગે છે કે નહિ.? અને મને આનંદ થયો કે એ પણ મારા જેવો જ છે. વરસો પહેલા મેં પણ આવું જ કર્યું હતું. નીલમના પાપા એ મને અઢળક પૈસો બતાવ્યો પણ હું અમદાવાદ ના ગયો. હું મારી જાતે જ કમાયો. આ બાવડાના બળથી. મને ગર્વ છે બેટા!! વેવાણ ત્યારે આ જ લાપશી મુકો અને ગોળ ધાણા વહેંચો. હું તમને તમારી અમાનત સોંપવા આવ્યો છું. કાવ્યાને હું કાયમ માટે મૂકી જવા આવ્યો છું. નિખીલે સીમ કાર્ડ તોડી નાંખ્યા પછી બસ એણે એક જ હઠ લીધી કે બસ મારે નીખીલ પાસે જવું છે. સો કામ પડતાં મુકીને અમારે અહી આવવું પડ્યું. આમેય નાનપણથી જ કાવ્યા હઠીલી છે. આ ઘરમાં એના બધાં કોડ પુરા થશે એ માનું છું. લગ્ન અને કુંડળી તો ઠીક પણ દિલ મળે એને કાઈ ના નડે!! આજથી હું તમને મારી દીકરી સોંપું છું”

ત્રણ દિવસ હસમુખભાઈ અને નીલમબેન રોકાયા. ત્રણ દિવસ પછી ગામનાં મંદિરે નીખીલ અને કાવ્યાના ફૂલ હાર થયાં અને પ્રેમની જીત થઇ. ગામ આખું આ ભવ્ય લગનમાં જોડાયું. બધાં માટે આ અનોખો અનુભવ હતો. છેલ્લે કાવ્યાને બાથમાં લઈને નીલમબેન બોલ્યાં.

“દીકરી સદા સુખી રહેજે અને સહુને સુખી કરજે. સુખમાં ઉછરી છો સમૃદ્ધિમાં આળોટી છો પણ આનંદ એ વાતનો છો કે કોલેજ સુધી ભણી છો પણ ક્યારેય શાળાથી માંડીને કોલેજ સુધીમાં તારી ફરિયાદ નથી આવી અને હમેશા પહેલા નંબરે પાસ થઇ છો. બસ આજ જીવનની સહુથી મોટી પરિક્ષામાં પણ પહેલે નંબરે પાસ થજે !! બસ આ જ વારસો જાળવી રાખજે”

ગામલોકોએ જોયેલા આ શ્રેષ્ઠ લગ્ન હતાં. લગ્ન એટલે કોઈ શરત કે બંધન નહિ પણ એક એવી જવાબદારી છે કે જે જીવનભર નિભાવવાની હોય છે.

લેખક : મુકેશ સોજીત્રા

ખુબ સુંદર અને અલગ પ્રેમકહાની છે, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી