“ડોકટર રેવાણી સાહેબ” ગરીબ દર્દી અને ઉદાર દિલના ભગવાન જેવો દરજ્જો આપી શકાય ડોક્ટર રેવાણી સાહેબની વાર્તા આજે જ વાંચો

 “ડોકટર રેવાણી સાહેબ”

“ બલા ભાઈ તમારા છોકરાને તાવ મારાથી ઉતરે એમ નથી. લેબોરેટોરી ના રીપોર્ટ પ્રમાણે દવા કરાવી. મારાથી બનતાં બધાં જ પ્રયત્નો કર્યા છે. હવે તો બાટલા ચડાવી ચડાવીને હું ય થાક્યો છું. હવે એક જ રસ્તો છે.શહેરમાં જઈને ડો. રેવાણીને ત્યાં દાખલ કરો તો કદાચ તાવ જાય. મારી કોઈ કારી હવે ફાવતી નથી. હું ચિઠ્ઠી લખી દઉં છું ડો.રેવાણી પર એ એમ ડી ડોકટર છે. ભલભલાના તાવ એ ઉતારી દે છે. ખર્ચ થાશે પણ છોકરો થઇ જાશે ટાચકા જેવો એમાં શંકાને સ્થાન નથી.” ગામના એક માત્ર હોમિયોપેથીક ડોકટર કરકર સાહેબે પુનીયાના બાપા બલાભાઈને કહ્યું.

બલાભાઈ અને તેનો છોકરો ગામમાં આવેલ પથ્થરની ખાણમાં પથ્થર ખોદવાનું કામ કરે. બાપ દીકરો કાળી મજુરી કરે અને દરરોજ બે બ્રાસ જેટલાં પથ્થર ખોદી કાઢે અને ચણતર વાળા એ પથ્થર લઇ જાય અને એમનું ગુજરાન ચાલ્યાં કરે. છેલ્લાં પંદર દિવસથી પુનીયાને તાવ આવતો હતો. બે દિવસ તો બલાએ કે પુનીયાએ તાવને ગણકાર્યો નહિ. પણ પછી ગામનાં ગામનાં એક માત્ર ડોકટર કરકરે એક ઇન્જેક્શન માર્યું અને આઠેક ગોળીઓ આપી. પુનીયાને એક દિવસ સારું રહ્યું અને પાછો તાવે માર્યો ઉથલો બાજુના એક ગામમાં પુનિયાની લેબોરેટરી કરાવી. લોહીના ટકા ઘટી ગયેલાં આવ્યા. અને કરકરે બાટલા શરુ કર્યા પણ તોય તાવ ક્યારેક ખુબ આવે કયારેક વળી ઉતરી જાય આમને આમ પુનીયાનું શરીર નંખાઈ ગયેલું. ઘરમાં પુનીયો એનો બાપ બલો અને પુનિયાની મા કંકુ ત્રણ જ જણા હતાં.

શરૂઆતમાં તાવ આવ્યો ત્યારે બલો બોલ્યો તો.

“તાવ બાવ આપણને ગરીબને નો પોહાય.થોડુક હાડ કળતર છે એમ કર્ય પાંચસો પેંડા ખાઈ લે વાણીયા ની દુકાનેથી એટલે તાવ બાવ માર્યો ફરે, મને જયારે જ્યારે કળતર આવે ત્યારે પેંડા ખાઈ લવ છું.” પુનીયાને પાંચસો નહિ પણ કિલો પેંડા ખવરાવ્યા પણ આ કાઈ કળતર તો હતું નહિ કે રાહત થાય.આ તો મગજમાં ચડી જાય એવો તાવ પણ પુનીયાનું શરીર નાનપણથી જ મજુરી કરતાં કરતાં મજબુત થઇ ગયેલું એટલે શરૂઆતમાં તો તાવ સામે ઝીંક ઝીલી લીધી પણ પછી શરીર પણ હાર્યું અને પુનીયાનું શરીર લેવાઈ ગયું અને છેલ્લે કરકર સાહેબે પણ હાથ ઊંચા કરી દીધા એટલે હવે ના છૂટકે પુનીયો અને એનો બાપ બલો શહેરમાં ડોકટર રેવાણી સાહેબ ના દવાખાને જવા તૈયાર થયાં. સાંજે જ બલાએ ગામના એક મોટા કળ પાસેથી બે હજાર રૂપિયા લઇ લીધેલા અને બદલામાં પાંચ બ્રાસ પથ્થર કાઢી દઈશું,જ્યારે પુનીયો સાજો થાય પછી અને જમના ને પણ ઘરે કહી દીધું.

“કાલ સવારે બાજુના ગામમાંથી શહેરની બસ ઉપડે છે ને એમાં અમે બાપ દીકરો જઈએ છીએ. કરકર સાહેબ કહેતા હતાં કે ચાર દિવસ થશે. રેવાણી સાહેબ કરીને મોટા સાબ છે એના દવાખાને અને એ સાબ ઘણું બધું તાવનું ભણેલા છે એટલે ફટ દઈને તાવ ઉતારી દેશે. પણ પુનીયાનું શરીર સાવ લેવાઈ ગયું છે એટલે લતાડ લાગી ગયો છે એટલે ચાર દિવસનું રોકાણ થશે. કરકર સાહેબે ભલામણ ચિઠ્ઠી લખી દીધી છે એટલે વારો પહેલા આવશે એમ સાબ કેતાતા.” જમાનાએ બાપ દીકરાની બે બે જોડય કપડાની એક થેલી તૈયાર કરી દીધી. આમેય મૂળ બે બે જોડય કપડાં જ હતાં ઘરમાં. સાંજે પાડોશમાંથી જમના ઘી લઇ આવી તે સુખડી પણ કરી નાંખી. અને એક ડબરામાં સુખડી ભરી દીધી. ગામડાઓમાં પહેલેથી જ રીવાજ કે શહેરમાં જવાનું હોય એટલે ભાતામાં સુખડી લઇ જાવાની.. એક તો ઘી ની આઇટેમ અને લાંબો સમય બગડે પણ નહિ અને શરીરને નડે પણ નહિ.

બલો ખાટલામાં પડ્યા ભેગો જ ઊંઘી ગયો હતો.જ્યારથી પુનીયો બીમાર પડ્યો ત્યારથી બલો લગભગ ડબલ કામ કરતો હતો અને થાકીને ટે થઇ જતો હતો.વહેલી સવારે બાપ દીકરો ઉપડ્યા તે સવારના દસેક વાગ્યે શહેરમાં પહોંચી ગયાં. કરકર સાહેબે કહ્યું હતું કે પાંચ પાંચ રૂપિયામાં ઓટો રિક્ષાવાળો જીલ્લા પંચાયત લઇ જાશે અને ત્યાંથી ઉગમણા બાજુ હાલો એટલે રેવાણી સાહેબનું દવાખાનું આવશે. ના જડે તો જીલ્લા પંચાયત પાસે કોઈને પૂછી લેવું. બસસ્ટેન્ડે થી જ રિક્ષા કરીને બલો અને પુનીયો ડો.રેવાણી સાહેબ ના દવાખાને પહોંચ્યા. બીજા માળે દવાખાનું હતું. દવાખાનું જોઇને બલો ઘૂમરી ખાઈ ગયો.દવાખાનું છે કે મહેલ કઈ જ ખબર ના પડી. એય ને ધોળી બાસ્તા જેવી ચકચકિત ટાઈલ્સ, ઠંડો ઠંડો પવન આવે. ફૂલના કુંડા. પોચી પોચી ગાદી વાળી ખુરશીઓ.. રૂપાળી રૂપાળી અને ફૂલ ફટાકડી જેવી નર્સો. પરાણે માંદા પડવાનું મન થાય એવી હોસ્પિટલ. બલો અને પુનીયો એક બાંકડા પર બેઠા થોડી વાર થઇ પછી બલાએ ચિઠ્ઠી આપી. ટેબલ પર એક છોકરી બેઠી હતી. અને મોબાઈલ ને ઘૂમરડતી હતી. ચિઠ્ઠી વાંચીને છોકરીએ તરત જ કહ્યું.

“સાહેબ તમારી જ રાહ જોવે છે.. યુ કેન ગો ઇનસાઇડ…” બલો કાઈ સમજ્યો નહિ પણ એટલું સમજ્યો કે જાવાનું કહે છે ઇનસાઇડ માં એટલે બલો બોલ્યો. સાથે પુનીયાને બોલાવી લીધો હતો.

“કઈ સાઈડ જવાનું છે, આ ઇનસાઇડ કઈ બાજુ આવ્યું??

“ અરે અંદર જાવ સાહેબ પાસે” મીઠો ઘંટડી જેવો અવાજ આવ્યો.

“એમ કહેને મારી મા કે માલપા જવાનું છે” બલો બબડતો બબડતો અંદર ગયો. અંદર વળી ઓર ભપકો હતો. એક મોટી એવી ખુરશીમાં નાના એવા સાહેબ બેઠા હતાં. અંદર બે પથારી હતી.અંદર ગુલાબ ના જેવી સારી માયલી સુગંધ આવતી હતી. સાબ કાઈ પૂછે એ પેલા જ બલાએ પોતાની રેકર્ડ શરુ કરી.

“કરકર સાબે મોકલ્યા છે..પુનીયાને પેલી વાર જ આવો તાવ આવ્યો છે.કરકર સાબે કીધું કે સાબ તાવ ઉતારી દેશેને વાજબી લઇ લેશે.. ત્રણ ચાર દીનું રોકાણ પણ થાશે..પણ પુનીયાને મટી જાશે..આતો કરકરે કીધું એટલે આવ્યા બાકી આ શહેરમાં અમે કોઈને ના ઓળખીએ!! “

“ડો રેવાણી સાહેબે પુનીયાને ચેક કર્યો. સ્ટેથોસ્કોપ થી ધબકારા માપ્યા અને એક કાગળીયામાં લખી ને કીધી કે નીચે એક લેબોરેટરી છે ત્યાં રીપોર્ટ કઢાવીને આવો. હું ત્યાં ફોન કરી દઉં છું.અને ઉભા રહો તમારી સાથે એક ને મોકલું છું”એમ કહીને ડોકટરે ડોરબેલ વગાડી એટલે એક શ્વેત વસ્ત્રધારી યુવક આવ્યો અને ડોકટરે કહ્યું.

“ નીતિન આ પેશન્ટ ને લઈને લેબોરેટરી કરાવતો આવ્યને.. હું શાહને ફોન કરી દઉં છું.. ઈમરજન્સી છે એમ કહેજે..તમામ રીપોર્ટસ આવે ત્યાં સુધી તું સાથે જ રહેજે અને દાદા તમે અહી જ બેસજો” બલો ત્યાને ત્યાં બહાર બેઠો અને કલાક પછી પેલોરીપોર્ટ લઈને આવ્યો સાથે પુનીયો પણ હતો અને ફરી પાછો બલો ડોક્ટર સામે ઉભો હતો. ડોકટરે રીપોર્ટ જોયા અને કહ્યું.

“નીતિન સેમી સ્પેશ્યલમાં રૂમ નંબર ૩ માં પેશન્ટ ને એડ્મિટ કરી દે.અને નર્સને કહે કે બાટલા શરુ કરી દે” પુનિયા સાથે બલો બહાર આવ્યો અને આગળ ચાલ્યા. નીતિન સાથે બેય જણા લીફ્ટમાં ગોઠવાયા. ત્રીજા માળે લીફ્ટ ઉભી રહી ને એક રૂમમાં તેઓ દાખલ થયાં. એ રૂમમાં પ્રથમ થી જ એક દર્દીને બાટલો ચડી રહ્યો હતો. સામેની એક પથારી ખાલી હતી ત્યાં પુનીયાને સુવરાવી દીધો. થોડી જ વારમાં એક નર્સ આવી એની પાસે ચાર કલરના બાટલા હતાં. એક બાટલો ચડાવીને એ ઉભી રહી.બાજુમાં ખુરશી પડી હતી તોય બલો પુનીયાના માથા પર ઉભો હતો.

“દાદા ખુરશી પર બેઠો” નર્સે કહ્યું.

“ઈ ખુરશી આપણને નો ફાવે હો” કહીને બલો નીચે બેસી ગયો. અને પુનીયાને ચડતો બાટલો જોઈ રહ્યો. સામેની બેડ પર એક પુનિયા જેવડો જ છોકરો હતો એને પણ બાટલો ચડી રહ્યો હતો.કપડાં પરથી છોકરો સારા ઘરનો લાગ્યો. એની પાસે બે જણા ઉભા હતાં અને મોબાઈલમાં સળી કરી રહ્યા હતાં.થોડી વાર પછી બે બીજા આવ્યા ને પેલા છોકરાની પાસે ઉભા રહ્યા.એકે ખિસ્સાંમાંથી મોબાઈલ કાઢ્યો અને વાંકો વળી.મોઢું ત્રાંસુ કરીને ફોટો લીધો અને બીજાને બતાવ્યો,પાછા બેય મોબાઈલમાં મંડી પડ્યા.બલો આ બધું જોઈ રહ્યો હતો. પુનીયાને બાટલો પૂરો થઇ ગયો હતો. એટલે નર્સે બે ઈન્જેકશન આપ્યા ને ચાર મોટા મોટા ટીકડા આપ્યાં ને બલો બોલ્યો.

“આ ટીકડા તો બળદ ને આપે એવડા મોટા છે” બસ પછી પુનીયાએ લંબાવ્યું નીચે. નર્સ આવીને પુનીયાને જમવાનું આપી ગઈ. પુનીયો જમ્યો એટલે એ થાળી લઇ ગઈ. બલાએ ડબરો કાઢ્યો અને સુખડીનું બટકું કાઢ્યું અને નર્સને આપીને કહ્યું.

“લે બટા ખાઈ લે ક્યારનીય હડીયાપાટી કર્ય છો તો ભૂખી થઇ હઈશ.” નર્સ હસીને એક બટકું લીધું અને બોલી.

“સો સ્વીટ, દાદા તમારે જમવાનું નથી.જમવું હોય તો ચાલો કેન્ટીનમાં તમને લઇ જાવ.દર્દી સાથે એક જણા ને અહી જમવાનું મળે છે.નોર્મલ ચાર્જ છે અને છેલ્લે એ બધું બીલમાં સામેલ થઇ જશે.” બલા એ ના પાડી અને કીધું કે

“આજ તો આ સુખડી ચાલશે કાલની વાત કાલે બસ એક વખત આ પુનીયો ધોડતો થઇ જાય એટલે ભયો ભયો!!” બલો બબડતો હતો.

સાંજે પુનીયાનો તાવ ઉતરી ગયો. ડો. રેવાણી સાહેબ જાતે આવીને ચેક કરી ગયાં. પુનીયાને દાળ ભાત અને દહીં નર્સ આપી ગઈ અને બલાને પણ પરાણે પરાણે કઢી ખીચડી આપી ગઈ. બલાએ એને પરાણે બધી સુખડી આપી દીધી. બે ત્રણ નર્સ ભેગી થઈને એ સુખડી ખાઈ ગઈ. સામેના બેડ પરના છોકરાઓ માટે કોઈ મોટી હોટેલમાંથી જમવાનું આવતું હતું. એ લોકો આઠ જણા હતાં એ બધાં બહાર બેઠા હતાં. બધાની પાસે બે બે મોબાઈલ હતાં.અને ઉભા થઈ થઇ ને હાલતા હાલતા વાત કરતાં હતાં.એમાં એક મોટી ઉમરના વ્યક્તિને બલાએ રાતે અગિયાર વાગ્યે પૂછ્યું એ પણ બીતા બીતાં.

“દીકરાને તાવ આવે છે??? મારા દીકરાને પણ તાવ આવે છે.. ગામડામાં ના ઉતર્યો એટલે એક ડોકટરની ભલામણ થી આહી લાવ્યાં છીએ”

“ તો શું અમે અહી ફિલ્મ જોવા આવ્યા છીએ?? તાવ આવે છે એટલે જ તો આવ્યા છીએ.. અને સાહેબ અમારા સંબંધી થાય છે. અમારી દૂરની ભાણેજ ના ઘરવાળા છે એટલે ભાણેજ જમાઈ છે પણ તાવ ગમે એવો હોય એ ઉતારી તો દે જ હા એક વાત છે સાહેબની ફી થોડી વધારે છે પણ કામ કરે એ પૈસા તો લે જ!! અમને તો તમે આવ્યા ત્યારે જ નવાઈ લાગી જ હતી કે આ તો સેમી સ્પેશ્યલ રૂમ છે.. આમાં તો અમારી જેવા પૈસા વાળા ને જ પોસાય પણ નર્સને પૂછ્યું એટલે કીધું કે જનરલ વોર્ડ ફૂલ છે એટલે પેશન્ટને અહી શિફ્ટ કર્યા છે તમને તકલીફ નહિ થાય.. વળી દર્દી સાથે વધુ નથી એટલે વાંધો નહિ.. બાકી અમને વધારે માણસો હોય તો ના ફાવે.. અમે તો શાંતિ લેવા વાળા માણસ” પેલા એ પોતાના છોકરા વિષે કોઈ વાત જ ના કરી પોતાની જ મોટી મોટી બડાઈ હાંકી.

“કેટલોક ખર્ચ થતો હશે અહી….? મને તો કાઈ ખબર જ નથી પડતી.. આતો છોકરાને સારું થાય એટલે પેલા પૂછ્યા વગર સીધાં જ દાખલ થઇ ગયાં..” બલાએ આશંકા વ્યકત કરતાં કહ્યું.

“ એ તો કેવી તકલીફ છે અને કેવી ટ્રીટમેન્ટ થાય છે એના પર આધાર છે. પણ આ રૂમ અને જમવાનો ખર્ચ ડેઈલી ૧૫૦૦ ની આજુબાજુ તો થાય જ દવા અને મેડીકલ ના જુદા… ડોકટરના જુદા એટલે ઓછામાં ઓછા ત્રણ ચાર દિવસના ૧૨ હજાર તો થઇ જ જાય… સાહેબ અમારા જાણીતા એટલે થોડા ઓછા લે.. બાકી તો બિલે બિલ જ લે.. બધાં પૈસા ભરાઈ જાય પછી સાહેબ દર્દીને રજા આપે છે” આ સાંભળીને બલાને રીતસરની ધ્રુજારી ઉપડી ગઈ. ખિસ્સામાં હજુ ૧૮૫૦ હતાં. ૨૦૦૦ માંથી ૧૫૦ જ વપરાયા હતાં. પણ આતો એક દિવસના ખર્ચના પણ ના થયાં. કરકર સાહેબે તો આ વાત જ ના કરી હતી. જે થાય એ પડશે એવા દેવાશે બીજું શું?? હવે પલાળ્યું છે તો ભલે મુંડાવું પડે.પુનીયો સાજો થઇ જાય એ જ મોટી વાત છે.પૈસા તો રળતા દેવાશે. કરકર સાહેબને વચ્ચે નાંખીશું અને ધીમે ધીમે ચૂકવી દઈશું.. બીજું શું… અત્યાર સુધી દિવસે જ પથ્થર તોડતા હતાં હવે બે ત્રણ મહિના રાતે પણ તોડીશું પણ કોઈનુંય બાકી નથી રાખ્યું જીવનમાં.. આવા વિચાર કરતો કરતો બલો લોબીમાં જ સુઈ ગયો. વહેલી સવારે બલો જાગ્યો ત્યારે એક બાટલો ચડતો હતો પુનીયાને.. પુનિયાની બાજુમાં સફરજન અને ચીકુ પણ હતાં.. એક ડીશમાં માખણ પણ હતું. બલાને જોઇને પુનીયો બોલ્યો.

“ભુખ્યા પેટે બાટલો નહિ ચડે એમ નર્સ બેને કીધું અને આ સફરજન અને ચીકુ ખવરાવ્યા. વળી માખણની સાથે પાઉભાજી વાળું પાઉં પણ ખવડાવ્યું.હવે તાવ તો મુદ્લેય નથી પણ તોય નર્સ બહેન કહેતા હતાં કે બે દિવસ તો રોકાવું જ પડશે તોજ તાવ મૂળમાંથી જશે”

“હા તાવેય મૂળમાંથી વયો જાશે અને આવતું આખું વરસ પણ જાતું રેવાનું છે.. બિલ જ એટલું જ આવવાનું છે કે મને તાવ ચડી જાવાનો છે , પણ વાંધો નહિ નસીબ મારા બીજું શું!! કેવત છે ને કે દવાખાનું તો દુશ્મન ને પણ નો આવે ઈ સાવ સાચું એટલે સાવ સાચું” બલો ધીમેક થી ગણગણતો બાથરૂમમાં ગયો.

બસ પછી તો આખો દિવસ બલો બેઠો રહ્યો પુનીયાના ખાટલા પાસે અને સામે ખાટલા પર ખબર કાઢવા વાળા આવતાં રહ્યા. બલો જોતો રહ્યો કે મારા બેટા કેવા તૈયાર થઈને લગનમાં આવતાં હોય એમ ખબર કાઢવા આવે છે.. અંદર આવીને બે ઘડી મોઢું ચડાવે અને દુઃખ વ્યકત કરે અને બહાર જઈને કોળમાં આવી જાય છે. ખબર કાઢવા ની સાથે આવનાર છોકરા પણ મારા બટા દર્દી માટે રાખેલ સફરજન દાબી જાય છે. આખો દિવસ ફોન પર ફોન આવતા રહે છે અને આ બાજુ કોઈ પુછવાવાળું પણ નથી હશે એના નસીબ આવતા ભવે ભગવાનને કહું કે આવો અવતાર આપી દે ને એકવાર તો પછી લખ ચોરાશી નહિ પણ કરોડ ચોરાશી સુધી મનુષ્ય અવતાર ના માંગુ પણ બસ એક વાર આવી જાહોજલાલી ભોગવવી છે.. આખો દિવસ બલો અવનવા વિચાર કરતો રહ્યો. ત્રીજા દિવસે બપોરે સામેની પથારી વાળાને રજા આપી અને બલો પેલા વડીલને મળ્યો.

“કેટલું બિલ થયું ભાઈ તમારું??”

“ આ વખતે તો મામૂલી જ છે ૧૮૫૦૦ હતું પણ ડોકટર જાણીતા હતાં એટલે કસર મારી એટલે ખાલી પંદર હજાર થયાં.. આ તો કાઈ નહિ બે મહિના પહેલા મારા ઘરવાળાને પથરીનું ઓપરેશન કરાવ્યું ત્યારે હજાર થયાં હતાં પણ જેવી તેવી પથરીની નહિ હો પૂરી ૪૦ એમએમની હતી. છાપા વાળા પણ આવ્યા હતાં ૪૦ એમએમ ની પથરી એ તો રેકર્ડ ગણાય ગણાય.. એ પથરીના ફોટા આવ્યા હતાં છાપામાં” વડીલ પાછી મોટી મોટી કરવા લાગ્યા અને બલો પાછો ગડમથલમાં પડ્યો. નક્કી આખા વરસની કમાણી આ પુનીયાના તાવમાં સમાણી… બપોર પછી ડોકટર રેવાણી ખુદ આવ્યાં.. પુનીયાને ચેક કર્યો અને કીધું કે રાતે બે બાટલા ચડાવવાના છે અને કાલે તમને છુટા કરી દઈશ.. દાદા તમારો દીકરો સાવ રેડી થઇ જાશે…!!

“ હા સાવ રેડી થઇ જ જાશે અને હું પણ રેડી જ થઇ જાવાનો છું” બલો મનોમન બબડ્યો. રાતે બે બાટલા ચડ્યા અને સવારે પુનીયો સાવ સારો થઇ ગયો. પુનીયાના હાથ પરથી ઇન્જેક્શન દેવાની નીડલ પણ કાઢી નાંખી અને બટેટા પૌવા અને ઈડલીનો નાસ્તો આવ્યો.પુનીયાને તો નામ પણ ના આવડ્યું કે આણે શું કહેવાય એણે બલાને કહ્યું.

“આતા આ ખાવ આ ધોળા ઢોકળા જેવું છે પોછું પોછું અને આ વઘારેલી દાળ પણ ખુબ જ સારી છે, ભલે તાવ આવ્યો પણ આ બધું ચાખવા તો મળ્યું નહીતર મરી ગયાં બાજરાના બઢાં ખાઈ ખાઈને હવે તો બીમાર પડું એટલે આહી જ આવતું રહેવું છે” બલો કઈ ના બોલ્યો. પુનીયો સારો થઇ ગયો એટલે એ ખુશ હતો બાકી પૈસા બૈસા તો માર્યા ફરે.. સવારે દસ વાગ્યે નર્સ બોલાવવા આવી.

“પુના બલા તમારે હોસ્પીટલમાંથી રજા લેવાની છે તો ડોકટર પાસે જઈને બિલ સમજી આવો.” બલો એકલો જ ઉભો થયો અને ડોકટરની ચેમ્બરમાં ગયો.ખિસ્સામાં હજુ ૧૮૦૦ રૂપિયા હતાં. અંદર ડોકટર બેઠા હતાં એની સામે જોઇને બલો ગોઠવાણો અને બોલ્યો.

“ સાબ ઉતાવળમાં પૈસા ઓછા લાવ્યો છું. પણ તમને આપી જઈશ તમ તમારે કરકર સાહેબને પૂછી લ્યો આ બલાનું ગામમાં નામ છે કોઈના પૈસા કોઈ દિવસ ખોટા નથી કર્યા. પણ સાહેબ તમારો આભાર કે મારો ગગો થઇ ગયો ધોડતો.. બોલો સાહેબ તમારું બિલ કેટલું છે એ કહો એટલે મને મેળ કરવાની ખબર પડે” ડોકટર રેવાણી બલાની સામું જોઇને બોલી ઉઠ્યા.

“બીલની ઉતાવળ નથી મેં ચિત્રા બાજુ એક પ્લોટ લીધો છે એટલે બે મહિનામાં એક ખટારો પથ્થર જોઇશે. કરકર કહેતા હતાં કે તમે બાપ દીકરો પથ્થર તોડો છો અને ખટારો એક પથ્થર તમે ચાર દિવસમાં ભેગા કરી દયો છો તો ફીમાં એક ખટારો પથ્થર નાંખી જજે એક બે મહિનામાં બાકી બધું બિલ આવી ગયું” બલો સાંભળીને પથ્થરનું પુતળું બની ગયો.એને વિશ્વાસ આવતો નહોતો.એણે સાહેબ ની આંખમાં જોયું .સાહેબની આંખમાં તો કોઈ મશ્કરીનો ભાવ નહોતો. એણે બે હાથ જોડીને બોલ્યો.

“ સાહેબ આપ ભગવાનના અવતાર જ છો હો.. હું તો બિલ બહુ ઊંચું આવશે એમ ધારતો હતો . મારી રૂમમાં બીજા દર્દીને કાલે જે બિલ આવ્યું એ જોઇને મારા તો મોતીયાજ મરી ગયાં હતાં ને તેને બદલે સાવ સામાન્ય બિલ સાહેબ તમે ખરેખર ભગવાન છો” બલો બોલતો રહ્યો અને ડો. રેવાણી સાંભળતાં રહ્યા. થોડીવાર પછી ડોકટર બોલ્યાં.

“જુઓ બલા ભાઈ હું ભગવાન નથી. તમારા આ બીલની વાત કોઈને કરતાં નહિ. હું પણ એક ગરીબ કુટુંબમાંથી આવું છું. આ હોસ્પિટલ, આ સ્ટાફ અને આ બધાં ખર્ચા એ બધાનું મીટર મારી પર પણ ફરે છે પણ મારા બાપાએ કીધેલું કે બેટા ગરીબ દર્દી આવે ને તો બીલમાં ધ્યાન રાખજે. એટલે હું પણ દર્દી પ્રમાણે બિલ કરું છું. જે લોકો અહી દાખલ થાય એના વર્તન પ્રમાણે ,એના કપડાં પ્રમાણે, એની ભલામણો અને એને કેવા કેવા લોકો ખબર કાઢવા આવે છે એ પ્રમાણે હું બિલ ઠપકારું છું. અને કોઈ સાવ ગરીબ આવે તો એનું બિલ સાવ ઓછું અથવા સાવ નથી લેતો. દરરોજ બે ગરીબ દર્દીને આ રીતે સગવડ આપું છું અને એના ખર્ચા શ્રીમંત દર્દી પાસેથી લઇ લઉં છું. હું જે પૈસો વધારે લઉં છું એ મીજ્શોખ માટે નથી રાખતો પણ હોસ્પીટલની કમાણી હોસ્પીટલમાં વાપરું છું. મહીનાની આખરે મને જીવનજરૂરી પૈસા મળી રહે છે. અને સંતોષ છે મને. હું સાચું કરું છું કે ખોટું એ મને ખબર નથી પણ એટલી ખબર છે કે હું ગરીબ દર્દીને સગવડ પૂરી પાડું છું હું શ્રીમંતોના પૈસાનો સદુપયોગ કરું છું. અને ભગવાનને એ ગમે છે એની સાબિતીરૂપે મને ભગવાને એક ચમત્કાર પૂરો પાડ્યો છે.મારા લગ્ન પછી મારી પત્નીને કોથળીમાં ઇન્ફેકશન આવ્યું. ઓપરેશન કર્યું પણ એ ક્યારેય મા નહિ બની શકે એમ મેડીકલ સાયન્સે કીધું. પણ કુદરતની કમાલ જોવો બલા ભાઈ કે આજે હું બે સંતાનનો બાપ છું. એ ઈશ્વરનો ચમત્કાર ગણું છું. ડોકટર છું પણ સહુથી મોટો ડોકટર ભગવાન છે. એટલે આ રીતે સેવા કરું છું, પણ તમને વિનંતી કરું છું કે કોઈને આ વાત ના કરતાં ફી બાબતે. જે ડોકટર મને ભલામણથી દર્દી મોકલે એ જ મને જણાવી દે છે કે દર્દીને કાતર મુકવાની છે માનવતા ની માવજત કરવાની છે.મને કરકર સાહેબે તમારી પરિસ્થિતિ વિષે બધું જ જણાવી દીધું છે” બલો ફરી ઉભો થયો. ડોકટરને પ્રણામ કર્યા અને પુનીયાને લઈને વતનની બસમાં બેઠો. રસ્તામાં બલો વિચાર કરતો હતો કે હે ભગવાન જન્મોજન્મ મને બલો જ કરજે બસ… આમાં મજા છે..

અને પંદર દિવસ પછી બલો જાતે એક ખટારો ભણીને પથ્થર ડો.રેવાણી સાહેબના પ્લોટમાં નાંખી આવ્યો અને હા આ વખતે બલો એક કિલો ઘીની સુખડી લઇ ગયો હતો. અને ડો રેવાણી સાહેબ સહીત તમામ સ્ટાફને એ સુખડી પણ વહેંચતો આવ્યો.

લેખક:- મુકેશ સોજીત્રા

મુકેશ સોજીત્રાની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી