બીએલઓ ફોર્મ નં. ૬ – ના ના આ કોઈ માહિતીસભર પોસ્ટ નથી. આ તો એક સુંદર અને સંઘર્ષવાળી પ્રેમકહાણી છે. તમે વાંચી કે નહિ…

“બીએલઓ ફોર્મ નં. ૬”

રવિવાર હતો, સરકારી કર્મચારીઓ માટે રવિવાર એ અડધી દિવાળી કહેવાય, પણ આજ મારા માટે એવું નહોતું. સાત વાગ્યે જાગીને,દૈનિક ક્રિયા પતાવીને, ટિફિન તૈયાર થઇ ગયું એટલે સાડા નવે હું બાઇક લઈને નીકળી ગયો. લગભગ દસ વાગ્યે શાળાએ પહોંચ્યો, આજે કોઈ કોલાહલ નહોતો. એક ખહુંરિયું કૂતરુ બેઠું હતું. થોડીક વાર એ બેઠું રહ્યું, ને પછી એ અચાનક ઉભું થયું,ને ભાગ્યું. એને પણ થયું હશે કે સાહેબની કૈંક ભૂલ તો નથી ને,આજ તો રવિવાર છે તો પણ સાહેબ આવ્યા છે!!

દરવાજો ખોલ્યો, બાઇક અંદર લીધી. ઑફિસ ખોલી. ઓફિસની આજુબાજુનાં વર્ગખંડોમાં નીરવ શાંતિ હતી. જે વર્ગખંડોમાં કુદરતનું સર્જન વિસ્મયતાથી શીખી રહ્યું હોય, શાંત કોલાહલ આવતો હોય એવા વર્ગખંડો આજે સુમસાન હતાં, અને હા એક વાત કહી દઉં કે ધોરણ 1 થી 4 માં લાંબો સમય સતત શાંતિ હોય એવા વર્ગખંડોને હુ શિક્ષણની શોક સભા માનું છું, બાકી નાના ભૂલકા હોય એ વાતો તો કરવાના જ, ક્લાસમાં પણ રમવાના, એ અવસ્થા જ જુદી છે,અને આપણી શિક્ષણની વ્યવસ્થા ય જુદી છે.

ફોર્મ નં 6, 7, 8 ની ફાઈલો કાઢીને હું એકલતાઓનું ટોળું ઓઢીને બેઠો હતો… !! હા આજે મારે બીએલઓ તરીકે 10 થી 6 માં કામ કરાવાનું હતું. ઘણાં બીએલઓ એટલે ” બેસ્ટ લુકિંગ ઓફિસર” એવું માને છે!!! પણ મારા કિસ્સામાં એવું નહોતું.. બી એલ ઓ એટલે બુથ લેવલ ઓફિસર.. ભારતના ચૂંટણી પંચનો એક ઠેઠ છેવાડાનો ઓફિસર કે જેનું કામ સમયાંતરે નામ ચડાવવાનું ,સુધારવાનું ,અને કમી કરવાનું હોય છે.. ક્યારેક શાળાએ બેસવાનું તો ક્યારેક ઘરે ઘરે ફરવાનું પણ કામ તો કરવાનું જ

લગભગ અડધી કલાક પછી એક બુલેટ શાળામાં આવ્યું. એક ત્રીસ વરસની આજુબાજુનો યુવાન આવ્યો હાથમાં પાકીટ,આંખો પર ફ્લિપકાર્ટના ચશ્મા.

” તમે બીએલઓ?

” હા બોલો હું આપની શું સેવા કરી શકું?’ મેં જવાબ આપ્યો.

” મારે મારા વાઈફનું નામ મતદાર યાદીમાં ચડાવવું છે. એમાં શું જોઈએ એ મને કહેશો”?.. યુવાને ખુરશી પર બેસીને કહ્યું.

“એક ફોટો, તમારાં ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, લગ્નની કંકોતરી, જો તેમનું નામ બીજે ચાલતું હોય ત્યાં ફોર્મ નં 7 ભરીને ત્યાંના બીએલઓની સહી વાળી કાપલી, રેશન કાર્ડની ઝેરોક્ષ,ઉમરનો પુરાવો,” આટલું જોઇશે.

” બીજું બધું છે, પણ લગ્નની કંકોતરી નથી, ચાલશે, પણ એની જગ્યા એ કોર્ટ મેરેજનું સર્ટિફિકેટ છે ચાલશે? કારણ કે મેં ભાગીને લગ્ન કર્યા છે” એણે તરત જ પૂછ્યું.

” હા ચાલે, ને કેટલા વરસ પહેલાં લગ્ન કર્યાં??.” ભાગીને લગ્ન કર્યાં અને એ પણ એક ગામડાંના છોકરાએ એટલે મને રસ પડ્યો.

” આઠ વર્ષ થયાં સાહેબ ” એણે પોતાનું પાકીટ ખોલ્યું ને એમાંથી એણે મને પુરાવાની નકલો આપી બધું જ બરાબર હતું.

” તમારાં પત્નીની ઉમર તો અત્યારે 28 વર્ષ છે, આટલા વર્ષ તમે નામ ચડાવવા કેમ ના આવ્યાં, તમે તો શિક્ષિત લાગો છો??”

“એમાં એવું છે ને કે હજુ 6 માસ પહેલા જ નક્કી થયું કે મારે હવે એને મારી સાથે જ રાખવાની છે'”

” શું ?? ” હું ચોંકી ઉઠ્યો..

” જો સાહેબ હવે તમને બધું જ કહી દઉ કે શું બન્યું હતું અને શા માટે આટલા લાંબા સમય પછી હું નામ ચડાવવા આવું છું.”

ચોક્કસ, મને રસ પડ્યો, અને આમેય બાળકોની અને યુવાનોની વાતોમાં મને ખુબ રસ પડતો.”

” સાહેબ હું ડિપ્લોમા સિવિલનું ભણતો વડોદરા!! , પ્રોજેક્ટના ભાગ રૂપે બાંધકામ જોવાં, ઘણી બધી સાઈટો પર જવાનું થતું, આજવા નિમેટા પર એક વાર એક સોસાયટીનું બાંધકામ થતું હતું ને બાજુમાં એક સોસાયટી તૈયાર હતી ત્યાં માણસો રહેવા પણ આવી ગયાં હતાં, રોડ ટચ એક રો હાઉસ હતું. મકાનની ગેલેરીમાં એક ખુબસુરત છોકરી પોતાના વાળ ઓળી રહી હતી, મને ગમ્યું ને મેં એ તરફ જોયે રાખ્યું, ને છોકરી હસીને અંદર ગઈ મને થયું કે પ્લોટ સારો છે, લોકેશન સારું છે, એલિવેશન પણ સારું, મારે બુકિંગ કરાવવું જોઈએ કોઈ બીજો પઝેશન મેળવી જાય એ પહેલાં મારે બાનાખત અને દસ્તાવેજ કરાવી લેવો પડશે” એ યુવાન સિવિલ એન્જિનીયર ની ભાષા બોલતો હતો.

” પછી? ” મારી ઉત્સુકતા વધતી જતી..

” પછી એ સાઈટ પર અવારનવાર ગયો જતો, અને તમે નહિ માનો પંદર દિવસમાં જ મેં બુકિંગ કરાવી લીધું, પણ પછી તકલીફ થઇ, ના એના ઘરના સભ્યો માન્યા કે ના મારા ઘરના સભ્યો. અમે ઘણા પેંતરા કર્યા, પણ સફળ ના થયાં, પછી અમે ભાગ્યા, અને બંને પક્ષે ફરિયાદો થઇ, અમે સતત છ વર્ષ ભાગતા રહ્યા, ગયો હતો હું સિવિલની ડિગ્રી કરવા ને થઇ ગઈ પ્રેમની ડિગ્રી. અમે બને સુરતમાં બે વર્ષ રોકાણાં, વાપીમાં એક, ને નવસારીમાં ત્રણ વરસ. સાદી એવી ઓરડીમાં દુઃખના દિવસો કાઢ્યા.”

‘હમમમમમ” મેં હોંકારો ભણ્યો.

” સાહેબ ઈનો બાપ બિલ્ડર હતો, એની ખબર તો હતી પણ જોયા પછી તો એ બોડી બિલ્ડર પણ હતો એ પણ ખબર પડી, મને પતાવવા માટે એને ભાડૂતી માણસોને રોક્યા, આ બાજુ છ વર્ષ સુધી અમે અમારા ઘરે ના આવીએ અને સાવ જુદા ના પાડીએ ત્યાં સુધી કોઈ બીજાના લગ્ન ના કરાવવા એવો અમારા બેયના વાલીઓએ નિર્ણય કરેલો, એટલે એના ભાઈના લગ્ન અટક્યાં ,ને મારી બેય બહેનોના પણ અટકયાં, આ એક નવી જાતનું ટોર્ચર અજમાવ્યુ અમારી પર!!

“એક જાતની સર્જીકલ સટ્રાઇક જ કહેવાય” મેં કીધું ને એ મોજમાં આવી ગયો.

” હવે બીજું બધું સહન કરી લઈએ, પણ અમારા કારણે અમારા બાકીના ભાઈ બહેનો ને વેઠવું પડે એ અમને કેમ પોસાય,!!!?? એટલે અમે નક્કી કર્યું કે બસ હવે નર્મદામાં જંપલાવી દઈએ.

અમે ત્રણ દિવસ તો ખુબ રોયા, જાડેશ્વર ચોકડી પાસે નર્મદાના બંધાઈ રહેલા પુલ પાસેથી નર્મદામાં છલાંગ લગાવી, પણ બાજુમાં નદીમાં રાફટીંગ કરવા માટે એક શાળાની ટુકડી આવેલી, એમાંથી બે છોકરીઓએ અમને બચાવ્યાં, એ બે છોકરીને શાબાશી આપી, છાપામાં આવ્યું, વોટ્સએપ પર ફરતું થયું. આવું થાય એટલે પોલીસ તો આવે જ !! જૂની ફાઈલો ખુલી, અમારા પરિવારો આવ્યાંને, અમારા બંને ના ભાગ્ય કે એ માની ગયાં, તમે માનશો સાહેબ 7 વરસ પહેલાં બુકિંગ કરેલા પ્લોટનો દસ્તાવેજ થતા આટલી વાર લાગી”

” હવે તો માની ગ્યાને બધા??” મેં કહ્યું.

” હા હવે કોઈને વાંધો નથી, હું હવે બાંન્ધકામનું કામ કરવાનો છું. એટલે અત્યાર સુધી મેં નામ નહોતું નંખાવ્યું પણ હવે ટૂંક સમયમાં અમારો દસ્તાવેજ ગામના ચોપડે બે નમ્બરમાં ચડશે ને એ પહેલાં હું ચૂંટણી કાર્ડ,ને આધાર કાર્ડમાં નામ ચડાવી દઉ” એને સિવિલ ની ભાષાને જ વળગી રહ્યો.
“આ બે નંબરનું કાંઈ સમજાણું નહિ??” મેં કહ્યું

“એનો મતલબ કે હવે વરસ દિવસમાં અમારે ત્યાં બાળક હશે, એને અમે ગામ ચોપડે બે નંબરમાં ચડી ગયું એમ કહીએ અને સાહેબ સિવિલ માં કંટાળો આવે થોથા વાંચી વાંચીને એટલે આવી ભાષામાં અમને મજા આવે”

પછી મેં ફોર્મ ભર્યું, વિગતો લીધી, ફોટો ચોંટાડયો, અને કીધું કે

” હવે આપ સામેની પાર્ટીને બોલાવો એટલે હું સહી લઇ લવ,અને કન્ફર્મ કરી લવ કે ફોટામાં દેખાતો પ્લોટ, સ્થળ પરનો પ્લોટ બેય એક જ છે ને બેયના લોકેશન અલગ અલગ નથીને” હુંય હવે સિવિલ ની ભાષા બોલવા લાગ્યો ને એ હસી પડ્યો, ઉભો થયો અને કીધું કે હમણાં આવું.

દસ્ મિનિટ્સમાં એ પાછો આવ્યો બુલેટ લઈને, એની પત્ની અત્યંત સુંદર હતી,એમને જોઈએ એટલે પેલી ગોવિંદ ઘાટ આગળ આવેલી ‘વેલી ઓફ ફ્લાવર્સ” જોઈએ એવું લાગતું હતું.!! વાતાવરણમાં એક્સ ઈફેક્ટની સુગંધ આવી ગઈ.
” મારે ક્યાં સાઈન કરવાની છે”? એક મધુર ઘંટડી જેવા અવાજે મને તંદ્રામાંથી જગાડ્યો.
” અહીં ” મેં ત્રણ ચાર જગ્યાએ સહી ઓ લીધી. પછી આભાર માની ને યુવતી ને યુવક ગયાં, બુલેટ પર.

હવામાં હજુ પણ એમના પ્રેમની મહેક વર્તાતી હતી. ભગવાન એમની જોડી સલામત રાખે
મેં મારી જિંદગીમાં બીએલઓ તરીકેનું ભરેલું આ શ્રેષ્ઠ 6 નં નું ફોર્મ હતું….

લેખક:- મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર આજે જા લાઇક કરો.

ટીપ્પણી