અને ચકો છાંડી ગયો – નાનપણથી જ બહુ સાચવેલા હોય ને ઈ લગભગ મોટા થઈને ક્યાય સચવાતા નથી એ પણ એક હકીકત છે..

“અને ચકો છાંડી ગયો”

જુના સમયની વાત છે.
નામ તો એનું ચેતન હતું પણ બધાં જ એને ચકો કહેતા, ચકાને પણ કોઈ વાંધો નહોતો. આમ તો પરણેલો ઘરે એક એના જેવી જ રૂપાળી પત્ની, સંતાનમાં એક નાનકડી છોકરી અને એક પાંચ વરસનો ચકુડો!!
ગીતાનો અનાસકત યોગ ચકાએ જીવનમાં બરાબર ઉતારેલો એમ કહી શકાય. આમ રો ચકો બધાજ કામમાં ઓલરાઉન્ડર પણ ખાટલે મોટી ખોડ એ કે પંદર દિવસ કામ કરે અને પંદર દિવસ આરામ કરે. એની વહુ વર્ષા એને ઘણું કહે.

“એ હવે સાંઢીયાને મીઠું દે એવા થયા છો…. એ હવે નાના નથી… એ હવે તો છોકરમત મુકો. કાલ સવારે આ ચકુડો મોટો થાશે… આ છોકરી પણ મોટી થશે… આવે છે એટલું વાપરી નાંખો છો.. એ ક્યાં લગણ તમારા માટે જીવશો??? ક્યારેક આ છોડી છોકરાનો તો વિચાર કરો.. અત્યારે કમાઈ શકો એમ છો તો આખો મહિનો કામ કરતાં શું ઘા વાગે છે ઘા???!!!” પણ ચકો જેનું નામ એ તો દસ વાગ્યા હોય તો પથારીમાં સુતો હોય અને એનો છોકરો એની ફાંદ પર ચડીને ધુબાકા કરતો હોય અને પછી થોડી વાર થાય એટલે ચકા કુમાર ઉઠે!!

ફળિયામાં મોટો એક લીમડો તે એક ડાળખી તોડે!! ડાળખીનો આગળનો ભાગ બરાબર ચાવે ને પછી તો એનો છોકરો ડબલું ભરી દે એટલે ચકાભાઈ મોઢામાં દાતણ અને હાથમાં ડબલું લઈને ઘરની પડખે આવેલા ખેતરમાં હળવા થવા નીકળી પડે. અડધી કલાક પછી ચકો આવે ત્યાં વર્ષાએ રોટલી કરી નાંખી હોય..!! સાત રોટલી એક મરચું અને બે વાટકા ચા પી ને ચકો ગામચર્યા માટે નીકળે!! પણ તૈયાર થઈને હો!! એકદમ ચોખ્ખા અને નવા કપડાં!! સુખડનું અતર તો બારેમાસ સાથે જ હોય.. ભગતની દુકાને જઈને કલકતી દેશી કીમામ વાળું પાન ખાય અને ચાર પાન બંધાવી લે “અને ખાતામાં લખી લેજે” કહીને ચકાભાઇની સવારી આગળ ચાલે હનુમાનજી ની દેરી પાસે કોઈક નવ કુકરી રમતું હોય તો ત્યાં નવ કુકરી રમે!!! “ આ ત્રણ ભર્યા અને આને જર્યા” કહીને સામેવાળાને હરાવીને આગળ ઉકા પુના ના ખાંચામાં કોઈક હુકમ બાજી રમતું હોય તો બે ઘડી ત્યાં ઉભો રહે!! એવામાં કોઈક કારખાના વાળો નીકળે અને કહે.

“ ચકા ટેબલા કાપવાના છે હાલ્યને!! બપોરે મારી હાર્યે જમી લેજે” અને જો ચકાનો મુડ હોય તો જાય હીરાના કારખાને.. શેઠની લુંગી પહેરી લે અને ચોંટે ટેબલા કાપવાં!! અને એક વખત કામે વળગે પછી સાંજ સુધી એ ઉભો ના થાય આ એક જ સદગુણ!!! બપોરે શેઠ સાથે જમે!! ટેબલા ખૂટે એટલે પેલમાં પણ બેસી જાય!! મથાળા અને તળીયાનો તો એ કારીગર!! સાંજ પડે એટલે હિસાબ કરી નાંખવાનો!! ચકાનું કામ એકદમ પરફેકટ એટલે ગામમાં લગભગ ચારેક કારખાના હતા હીરાના એ બધા જ શેઠિયા ચકાના નખરા સહન કરી લે!! ચકાભાઇ આવે ઘરે અને ઘરવાળી ને અમુક પૈસા આપે અને બાકી નાંખે પોતાના પાકીટમાં અને રાતે નવ વાગ્યે મરફી નો રેડિયો લઈને ચકો તળાવની પાળે જતો રહે.

એની જેવા જ એના સાત આઠ ભાઈ બંધો તળાવની પાળે બેઠા હોય અને ચકો આવીને રેડિયો સિલોન વગાડે!! મન થાય તો બીબીસી ના હિન્દી સમાચાર પણ જાવા દ્યે.. ક્રિકેટની કોમેન્ટરીનો તો એ સાવ પાગલની હદ સુધી આશિક.. અંગ્રેજી ના આવડે એટલે કોમેન્ટરીમાં વચ્ચે દેકારો થાય એટલે સમજી જાય કે વિકેટ પડી અથવા તો ફોર કે સિક્સ લાગી છે!! તળાવની પાળે બેઠા બેઠા શરત પણ નાખે અને હારે એ પાંચસો પેંડા અને કિલો કળી ખવડાવે!! કળી એટલે પાતળા કડક ગાંઠીયા!! લોટ પાણી અને લાકડા થી બનાવેલી કળી જેટલી કડક એટલી ખાવાની મજા આવે. ચણાના લોટમાં તેલનું મોણ નાંખ્યા વગર બાંધેલા લોટની કળી સાથે ડુંગળી ખાવાની કંઇક ઓર જ મજા આવે.

ચકાના બાપે નાનપણથી જ ચકાને સાચવેલો બહુ.. નાનપણથી જ બહુ સાચવેલા હોય ને ઈ લગભગ મોટા થઈને ક્યાય સચવાતા નથી એ પણ એક હકીકત છે.. ચકાના બાપા જેરામ પગી. શાક બકાલાનો અને ફ્રુટનો સીજનલ ધંધો કરી લે.. નિશાળ પાસે જ મકાન અને મકાનની બાજુમાં ગામમાં આવતી તમામ બસ ઉભી રહે. ઉનાળામાં જેરામ પગી કુલ્ફીનો પણ ધંધો કરી લે… દિવાળી પર ફટાકડા પણ લાવી નાંખે બાકી બકાલું તો બારેમાસ હોય જ!! વહેલી સવારે જેરામ પગી ઘાસલેટીયું રાજદૂત લઈને શાક બકાલું લેવા જતા બાજુના શહેરમાં અને ચકો સમજણો થયો ત્યારથી બાપા ભેગો એ પણ રાજદૂતની આગળ બેસી જાય… જેરામ પગી પોતે એક ધોતિયા અને બે બંડીમાં એક વરસ કાઢી નાંખે પણ ચકા ભાઈને તો કલૈયા કુંવર જેવો જ રાખે!! એટલે નાનપણથી ચકો સારીખાણનો થઇ ગયેલો હતો એટલે મોળું કપડું અને મોળા વિચાર તો એને ફાવે જ નહિ!!

નાનપણમાં ચકાએ બાળ મોવાળા ઉતરાવેલા નહિ એટલે એના વાળ અત્યારે ત્રીસ વરસનો થયો તોય વાંકડિયા અને એકદમ લીસા હતા. આમ તો ગામમાં તમામ છોકરા ને નાનપણમાં માથા પર એક વાર માથે ટકો કરાવે જ પણ ચકાના કિસ્સામાં અવળું બનેલું. ચકો જયારે પાંચ વરસનો હતો અને એના વાળ ઉતારવાના નક્કી કરેલું. સગા સબંધી તેડાવેલા. ગામમાંથી જેની સાથે વેવાર હોય એમને જમવાનું નોતરું પણ આપી દીધેલ બપોરે લગભગ બસો માણસોનું રસોડું પણ થઇ ગયેલું, ગામમાંથી ધનો વાળંદ પણ એય ને નવો નકોર અસ્તરો સજાવીને આવી ગયેલ. ચકાને પાટલે પણ બેસાડ્યો અને ધના વાળંદે જેવો નવો નક્કોર અસ્તરો કાડ્યો અને ચકા સામે જોયું કે ચકો માંડ્યો ધ્રુસકે ને ધ્રુસકે રોવા!! ચકાના મામાએ સમજાવ્યો. બે પારલે બિસ્કીટના પડીકા લઇ આપ્યા પણ ચકો છાનો ના રહ્યો એટલે જેરામ પગી બોલ્યા.

“હવે ધના અસ્તરો મ્યાન કરી દે ને એય હાલો મેમાન જમી લ્યો.. છોકરો રોતો હોય તો કાઈ એની બાબરી નથી ઉતરાવવી.. છોકરો રોવે એ મને ના પાલવે… અને એમને એમ બધાએ જમી લીધું.. એક બે સબંધી મોઢું બગાડતા બોલ્યા પણ ખરા કે નવી નવાઈનો છોકરો છે તમારે તો આટલા લાડ સારા નહિ” ત્યારે જેરામ પગી બોલેલા.

“ચીભડાને વાડ જોઈએ એમ છોકરાને લાડ તો જોઈએ જ તો જ સાચો ઉછેર !! બાકી મારા છોકરાની આંખમાં આંસુ તો હોય જ નહિ” અને પછી લગભગ આઠેક વરસ પહેલા ચકાને પરણાવીને જેરામ પગી ભગવાન પાસે પોગી ગયેલાં. અને ચકાની માતા તો ચકો પંદર વરસનો હતો ત્યારે જ અવસાન પામેલી હતી. ગામમાં ચકાના પ્રથમ પ્રેમ લગ્ન હતા એમ કહી શકાય.

એમાં એવું બનેલુંને કે ચકો જયારે વીસ વરસનો હતો ત્યારે ભોથીયાની જાનમાં ગયો હતો. ભોથીયો એટલે દેવશી કાનજી નો ભરત પણ બધા એને ભોથીયો જ કહેતા હતા. ચકો હતો રૂપાળો અને સ્ટાઈલ વાળો એટલે ગામના મોટાભાગના યુવાનો પરણવા જાય એટલે ચકાને જાનમાં જાવાનું આમંત્રણ તો હોય જ. એમાય આ વખતે ચકો ભોથીયાનો અણવર બનેલો!! અને અણવર એટલે વરરાજા કરતા ડબલ પાવર વાળી વ્યક્તિ!! જાન માંડવે પહોંચી.. સામૈયું આવ્યું.. ચકો હાથમાંથી સરી જાય એવી લાલ હિંગોળ જેવી રેશમની ધડકી લઈને વરરાજાની બાજુમાં બેઠો હતો. પેલી વાર આજ એણે ફંટાશિયા અતરની શીશી આખી શરીર પર ઠાલવી દીધી હતી. સામૈયામાં કન્યાની એક ખાસ બહેનપણી આમ તો કન્યાની મામાની દીકરી વર્ષા પણ આવેલી!! ચકાની જેટલી જ ઉમર!! એકદમ ગોળ મટોળ ભરાવદાર બાંધો!! જાને કે ભગવાને સુંદરતાની ફાટ બાંધી હોય એમ વર્ષાની યુવાની પુર બહારમાં ખીલી હતી. બેય ની નજર મળી..!! બનેની અંદરની સંવેદના સળવળી!!! અને પ્રથમ નજરનો પ્રણય થઇ ગયો.!! વરઘોડો ચડ્યો.. વરઘોડાની બાજુમાં જ ધડકી લઈને ચકો રોફભેર ચાલે અને બાજુમાં એક દુકાન આવી ત્યાં ચકાએ ફૂલ મસાલા વાળું ગુલકંદ વાળું પાન બંધાવી લીધું. વરના પોંખણા થયા. મંડપમાં કન્યા પધરાવવામાં આવી અને કન્યાની સાથે વર્ષા આવીને ચકાનું મન તરબતર થઇ ગયું. ફેરા ફરી લીધા પછી કન્યાના ગણપતિ વાળા રૂમમાં વર અને કન્યાનું ફોટો સેશન શરુ થયું અને ચકાને મોકો મળી ગયો.એણે ગદગદ થઈને પૂછ્યું.

“શું નામ રાખ્યા છે ?? “
“વર્ષા આમ તો બધા મને વરસુડી જ કહે છે” વર્ષા બોલી અને જયારે તે બોલતી હતી ત્યારે ગાલમાં મોટા મોટા અને રૂપાળા ખાડા પડતા હતા એ ચકાએ નોંધ્યું.
“ મારું નામ ચેતન છે પણ મને બધા ચકો કહે છે”
“ચકાજી સરસ નામ છે. રૂપિયો એમને એમ છે કે કોઈ જગ્યાએ વટાવી દીધો છે ?? ” વર્ષાએ ગામઠી સાંકેતિક ભાષામાં કહ્યું.
“ એક દમ કોરો કટક છે પણ તમને જોઇને લાગે છે કે હવે રૂપિયો વટાવવામાં વાંધો નહિ” ચકો બોલ્યો કે ખીલખીલાટ વર્ષા હસી પડી અને એ ભેગું જ ચકાએ ફૂલ મસાલા વાળું ગુલકંદ વાળું પાન વર્ષાના મોઢામાં મૂકી દીધું, હવે પાન મોટું હતું એટલે અડધું પાન વર્ષાએ મોઢામાંથી કાઢીને ચકાના મોઢામાં પધરાવી દીધું. બસ પછી તો લગ્ન લગ્નના ઠેકાણે રહ્યા અને ચકો તો આખી પરણેતર વિધિમાં વર્ષામય થઇ ગયેલો.

બસ પછી તો ઘરે આવીને ચકાએ બાપને વાત કરી અને ત્રણ દિવસ પછી ગામમાં ભોથીયાને ત્યાં ઢગ આવી એમાં વર્ષા પણ આવેલી અને ચકા ના પાપા એને ઘરે લઇ આવ્યા. બસ પછી બધુજ નક્કી કરીને ચકાને પરણાવીને તેઓ ભગવાનને ધામ પહોંચી ગયાં!!!

જેરામ પગીના અવસાન પછી ઘરમાં ચકો અને એની વહુ વર્ષા બે જ વધ્યા. બાપાની થોડી મિલકત હતી. મિલકતમાં તો પાંચ વીઘા ખેતર અને એક સારું એવું મકાન અને ખુદ ચકો આટલું જ હતું. કેરોસીન થી ચાલતું ભાખડું રાજદૂત પણ ખરું. ચકાને લાઈટ ફીટીંગ પણ આવડે.સિલાઈ કામ પણ આવડતું પણ જેટલી જરૂર હોય એટલી કમાણી થઇ જાય એટલે ચકા ભાઈ ગામમાં આંટા મારે. આમને આમ ગાડું ગબડ્યા કરે ચકાને ઘરે પહેલાં ખોળાની દીકરીનો જન્મ થયો અને બે વરસ પછી દીકરાનો જન્મ થયો પણ ચકાની ટાપટીપમાં કોઈ જ જાતનો ફેરફાર નહિ. એક વાત ખરી કે કોઈ દિવસ ઘરમાં જરૂરી વસ્તુ ખૂટે નહિ એમ ક્યારે કશું વધે પણ નહિ.. પૈસા ખૂટે એટલે હીરામાં ચડી જાય..દસ પંદર દિવસ હીરા ઘસે અને એક મહીના નું કમાઈ લે. વર્ષા એ ખેતીનું કામ ઉપાડી લીધેલું. ખેતી તો ટૂંકી એટલે ક્યારેક એ બીજાના ખેતરમાં નીંદવા કે કપાસ વીણવા જતી રહે અને જે રકમ આવે એ પોતાની પાસે બચાવીને રાખે. એ ચકાને ઘણું સમજાવે કે કાલ સવારે છોકરા મોટા થશે અને પછી કર જતા રહેશે તો એને પરણાવશે કોણ?? અત્યારે સમય છે તો થોડું કમાઈ લો ને પણ ચકો જવાબમાં ખાલી ખીખીખી કરીને હસવામાં કાઢી નાંખે ..

નવરાત્રી આવે એટલે ચકાને કામે જવાનું સાવ બંધ.. આજુબાજુના ગામમાં ભવાઈના વેશ થાય તે ચકો રાતે એના ભાઈબંધો સાથે સાઈકલ લઈને ઉપડે તે રાતે ત્રણ વાગ્યે આવે અને બીજે દિવસે અગિયાર વાગ્યે ઉઠે. ગામમાં નવરાત્રી હોય ત્યાં રાતે દસ સુધી માઈક વગાડે.ક્યારેક ગરબા લે પણ ભવાયા જોવા તો જવું જ પડે. જેવો ભવાયા નો શોખ એવો જ નાઈટ ક્રિકેટનો શોખ.. સાઈકલ લઈને નો પુગાય તો ત્રણ પૈડા વાળી રિક્ષા કરીને પણ ચકો ભાઈ બંધ સાથે ક્રિકેટની મેચ જોવા ઉપડી જ જાય અને આ બાજુ ખેતરમાં દિવસે દાડીએ જતી વર્ષા ગામની બીજી બાયું આગળ બળતરા કરે કે,

“વસન ભાભી , ભીખી ભાભી તમે તમારા દિયરને સમજાવોને કે ચોરના માથાની જેમ રાતના રખડ્યા કરે છે તે આમને આમ જુવાની જતી રહેશે.. આખો મહિનો કામે બેસે તો ગામ આખા કરતા વધુ કમાય એમ છે પણ નસીબદારને કામ જ કરવું નથી એનું શું…?? મારા સસરાએ જ બગાડી માર્યા છે એમને નહીતર પરમ દિવસે જ ધનજીભાઈ આવ્યા હતા ઘરે અને કહેતા હતા કે મારા હીરાના કારખાને મેનેજરમાં રાખી દઉં અને મહીને ત્રીસ હજાર આપું. સવારના આઠ થી સાંજના આઠની બંધણી પછી ક્યાય જાવાનું નહિ તો એને તરત જ ના પાડી દીધી અને કીધું કે હજુ એટલી ભૂખ ભડાકા નથી લઇ ગઈ કે આ ચકાને કોઈની બંધણીમાં રહેવું પડે.. ભગવાને બધી જ કળા આપી છે કોઈ પણ ધંધો કરે પૈસા કમાઈ શકે એમ જ છે પણ હથેળીમાં પદ્મ છે એટલે ક્યાય ટકે જ નહિ ને બાકી ગામ આખાના માણસો મહિનો તનતોડ મહેનત કરે અને જેટલું કમાય એટલું તો તમારા દિયર દસ દિવસમાં કમાઈ લે છે.પણ જેવી ક્રિકેટ શરુ થાય કે સાવ નવરા ધૂપ.. જેવા નોરતા આવે કે બધું જ બંધ!! નવા નવા કપડાં અને અતર છાંટીને આ ઉપડ્યા ભવાયા જોવા “ બીજી બાયું સાથ પુરાવે થોડું આશ્વાસન પણ આપે સમજુ તો એમ પણ કહે.

“ તોય વર્ષા તારો ધણી સારો કહેવાય, તને કોઈ મારઝૂડ તો નથી ને અમારા તો કમાતા ય નથી ને ઘરે સમાંતાય ય નથી. રોયો ઘરમાં આવ્યો નથી કે બાધ્યો નથી. ગાળ્યું ની બઘડાટી બોલાવે મારા સાસુએ શું ખાઈને જણ્યો છે કે મોઢામાં સારું વેણ બોલે તો એની મા મરે, તારે તો બાઈ ઘરે પૈસા ખૂટવા તો નથી દેતોને?? એક આ ભવાયા જોવા જાય બાકી તો કોઈ લખણ નહિ ને અમારા તો લખણના પુરા હો પૂછ આ શાન્તુડી ને વગર વાંકે સબોડે છે બિચારીને” અને વર્ષા બોલે.

“ઈ બધુય સાચું ને એટલે જ બળતરા થાય છે, કોઈ દિવસ મને ઊંચા સાદે બોલાવી નથી કે ઘરમાં કોઈ વસ્તુ ખૂટી નથી. હું ના પાડું તોય મોંઘા ભાવની સાડી મહીને આવી જ ગઈ હોય. મારા છોકરાને પણ કોઈ દિવસ મોળા કપડા ના હોય પણ પૈસો વધતો નથી. અત્યારે એ ધારે તો વરસ દિવસમાં ઘણું બધું કમાઈ શકે એમ છે પણ ગમે એટલું કહું એ સાંભળે અને દાંત કાઢે.. મારી છોકરી અને છોકરો પણ દાંત જ કાઢે એ પણ એના બાપ પર જ ગયા છે .. અફસોસ ઈ જ વાતનો છે કે એ ખોટી રીતે ટાઈમ બગાડે છે “ વર્ષા બબડતી જાય અને કામ કરતી જાય

એક વખતની વાત છે. ત્રીજુ નોરતું હશે ને બાજુના એક ગામમાં ભવાયા રમવા આવેલા ને રાબેતા મુજબ ચકો રાતે દસ વાગ્યે સાઈકલ લઈને એની ગેંગ સાથે પહોંચી ગયેલો.. ગેંગમાં તો દાનો, ભોથીયો, રવલો, અને જીગલો આ પાંચ જ જણા. ત્રણ સાઈકલ લઈને આ લોકો જોવા ગયેલા. રાતે અઢી વાગ્યે ખેલ પૂરો થયો ને સાઈકલ પર આ લોકો ગામમાં પાછા આવતા હતા. આગળ એક લલ્લુ સટપટીયાની વાડી આવે અને ત્યાંથી એક ઊંડો કેડો અને ત્યાં એક ખીજડો અને એ ખીજડો પૂરો થાય કે સામે જ ગામનો રસ્તો અને ગામ આવી જ જાય..!!

વીર માંગડા વાળાનો ખેલ હતો અને ખેલની અસર આ પાંચેય ના મગજ પર પૂરી રીતે છવાઈ ગયેલી.. સામાં પવને સાઈકલ લઈને આવતા હતા. ચકો એક જ સિંગલ સવારી બાકીની બેય સાઈકલ પર ડબલ સવારી એ આવતા હતા એમાં ખીજડો આવ્યો. ખીજડાના ઝાડ પાસે થી એક નળ્યમાં બીજો રસ્તો જતો હતો. ચકો સહુથી આગળ સાઇકલ ચલાવતો હતો. ગામમાં એવી લોક વાયકા કે નોરતાના દિવસોમાં આ ખીજડા પાસે ભૂત થાય છે. અને અચાનક જ ચકા એ સાઈકલની બ્રેક મારી!! અને ચકાની સાથે જ એના ભાઈબંધોની સાઇકલ પણ રોડ પર ખીલો થઇ ગઈ!!

ઊંડા રસ્તા પરથી કાળા કપડામાં ત્રણ સ્ત્રીઓનો આકાર દેખાણો. વાળ છુટા હતા!! હાથમાંથી લાલ લાલ કંકુ જેવું પડતું હતું.. એક સ્ત્રી માથે તગારા જેવું હતું અને એમાં સળગતા કોલસા જેવું હતું.. આંખો લાલચોળ લાગતી હતી ત્રણેય સ્ત્રીઓ ખીજડા પાસે આવી ને હાથ ઊંચા કર્યા અને વિચિત્ર અવાજ કરીને પાછી આવી હતી એ બાજુ જ ચાલી ગઈ!! ચકો થીજી જ ગયો!! શરીરે પરસેવો વળી ગયો!! ભોથીયાના તો પેન્ટના બને વિભાગ પલળી ગયા હતા. બાકીના ધ્રુજતા હતા!! એમને એમ દસ મિનીટ ઉભા રહ્યા અને પછી સાયકલ મારી મૂકી !! શ્વાસોશ્વાસ ફૂલ થઇ ગયા હતા.ઘરે જઈને બધા સુઈ ગયા!!

બીજે દિવસે ચકાને તાવ આવી ગયો ગામમાંથી દવા લીધી તો સાંજે માથું ચડ્યું હતું એ માંડ માંડ ઉતર્યું!! ભોથીયાને ઘણું દહીં પીવડાવ્યું પણ તોય ઝાડા ના મટ્યા એ ના મટ્યા!! પછી તો એણે વાડીમાં જ પાણીની કુંડી પાસે જ ખાટલો મંગાવીને ધામા નાંખ્યા. બધાએ એક બીજાને ના પાડી કે કોઈ ગામમાં વાત ના કરે નહીતર રોજડી થશે અને આબરુની દેવાઈ જશે. પણ ચકાથી ના રહેવાયું એણે ત્રીજે દિવસે વર્ષાને બધી જ વાત કરી. અને વર્ષા રોઈ પડી. અને બોલી.

“તમને કાંઇક થઇ ગયું હોત તો આ નાના છોકરાનું અને મારું કોણ?? એટલે જ હું ના પાડું છું કે ચોરના માથાની જેમ રાત વરતના રખડતા બંધ થાવ હવે નાના નથી.. આ તો મારા રામાપીરે લાજ રાખી બાકી તો શું નું શુય થાત!!” અને એ વખતે જ ચકા એ નીમ લીધું કે આજથી રાતનું તો ઠીક પણ દિવસનું પણ રખડવાનું બંધ!! અને ચકો છાંડી ગયો!! અને કામે લાગી ગયો!! સુધરેલો બગડેને ત્યારે પુરેપુરો બગડે એવી જ રીતે બગડેલો સુધરે ત્યારે પણ એ પૂરે પૂરો જ સુધરે!!

નવરાત્રી વીતી ગયા પછી શરદપૂનમે ગામની સ્ત્રી ઓ રાતે રાસ લેતી હતી, અને રાસ લીધા પછી વર્ષાએ કહ્યું એમની ભાભીઓએને કે
“હવે મારે નવ નિરાંત છે હો !! તમારા દેર તો હવે કામે વળગી જ ગયા છે..હવે મારે ના પાડવી પડે છે કે તમે ઘડીક બહાર આંટો મારી આવો પણ એ તો રાતના બહાર નીકળતા જ નથી”
અને શાન્તુડી બોલી..

“હવે ઈ નો નીકળે નો… પૂછ આ ભારતુંડી ને..પૂછ આ સમજુડી ને.. એ હવે નીકળી રહ્યા બહાર…. એ તો ના નીકળે પણ એના ભાઈબંધ પણ ના નીકળે.. આ તો તારું દુખ અમારાથી નોતું જોવાતું એટલે અમે ત્રણેયે નક્કી કર્યું કે ચકાને ચમત્કાર બતાવવો જ છે એટલે રાતે સટપટિયા ની વાડીએ જઈ દેતવા સળગાવ્યો..અને ભર્યો એક તગારામાં.. અને હાથમાં રાખ્યું કંકુ અને આંખો કાળી મેશ કરીને આજુબાજુ લાલ લેપ કરીને જટીયા મુક્યા ખુલ્લા અને ઈ પાંચેય આવતા હતા ત્યારે નીકળ્યા બારા અને ખીજડા પાસે જઈને હાથ ઊંચા કરીને નીકળી ગયાં..અને પછી ખેતરમાં જઈને ખુબ દાંત કાઢ્યા છે. ભોથીયાને તો હજુ થોડા થોડા ઝાડા શરુ છે પણ છાંડી ગયા ને હવે તું ચુપ રહેજે નહિતર પાછો ચકો હતો એવોને એવો થઇ જાશે” શાન્તુડીએ વાત પૂરી કરીને વર્ષા તો વિમાસણ માં મુકાઇ ગઈ હતી.એને તો હસવું કે રોવું એ પણ ખબર ના પડી. એ એટલું જ બોલી.

“પણ તમારે મને જાણ કરવી હતીને”
“એ પારકી મા જ કાન વીંધે હો તને જાણ કરી હોતને તો તું આવું થવા જ ના દેત.. તું તો ચકાને ખુબ વહાલ કરે છે ને પણ ચાલો જે થયું એ સારું જ થયું છે, હવે તારા ઘરમાં તારી વરસોની ઈચ્છા હતી એ પ્રમાણે કમાણી તો ભેગી થશે” ભારતુંડી બોલી અને એની સાથે વર્ષા પણ હસી પડી.

લેખક : મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી