મુકેશ સોજીત્રાની સાવ ટચુકડી વાર્તાઓ – આજે વાંચો ભાગ – ૨

- Advertisement -

મોળું વરસ

“બાપુ સાબે કીધું છે બેંકમાં ખાતું ખોલાવવાનું નહીતર શિષ્યવૃત્તિ નહિ મળે” રાજુએ ધનજીને કીધું અને તરત જ ગીતા બોલી.

“બાપુ મારેય પ્રયોગ પોથી અને નકશા પોથી લેવાની છે, નિશાળમાં બધાય છોકરાં પાસે છે બસ એક મારી પાસે જ નથી.સાબ રોજ કહે છે કે તારા પાપાને કહેજે જલદી તને લઇ દે” જવાબમાં ધનજી બોલ્યો.

“એય તમારા સાહેબને કહી દે જો કે બેંક વાળા કાઈ અમારા સગલા નથી થતા. ખાતું ખોલાવવાના ૫૦૦ રૂપિયા લે છે, અને અત્યારે વેંત નથી હમણાં વરહ પણ મોળા થાય છે.અને અમે ભણતાં ને ત્યારે આ નકશા પૂર્તિ અને પ્રયોગ પોથીના આવા કોઈ સલાડ નહોતા.એ ય ભણાવવા હોયને તો એમને એમ ભણાવો આહી મારે ટાઈમ પણ નથી અને હમણાં ફદીયાનો પણ વેંત પણ નથી.કહી દેજે તારા સાબને’ ધનજી બડબડતો રહ્યો અને બેય છોકરા ચુપ થઇ ગયાં.

બે દિવસ પછી રામાપીરમાં આખ્યાનમાં ધનજીએ ૧૦૦૦ રૂપિયાનો ફાળો લખાવ્યો ને આખો દિવસ અને આખી રાત આખ્યાનમાં જાગ્યો. ધનજી રામાપીરનો પાકો ભકતહતો અને હમણાં વરસ ખુબ મોળા જાતા હતાં..

ભિખારી ૨જી અને ૪જી

“શેઠ કાઈ ખાવાનું આપોને ,બટકું રોટલો આલોને છોકરા ભૂખ્યા છે.શેઠ કાઈ ખાવાનું આલોને ભગવાન તમારું ભલું કરશે” ગોબર ગણેશના ઘરનાં દરવાજા પાસે એક ભિખારીની મહારાણી એવી એક ચીંથરેહાલ બાઈ પોતાના ભૂખથી ટળવળતા ત્રણ છોકરા સાથે આજીજી કરતી હતી. અને ગોબર લાકડી લઈને બહાર નીકળ્યો અને તાડૂક્યો.

“સાલા ભિખારા લાજ શરમ છે કે નહિ બસ જમવા ટાણે સખેથી જમવા પણ નથી દેતાં, મારા બટા હાલી જ નીકળ્યાં છે ને કાઈ આહી તમારો બાપ કાઈ મૂકી ગયો છે તે રોજ રોજ માંગવા નીકળો છો!! હાલો હાલોને હાલતીના થાવ હાલતીના નહીતર બરડો સોજી જાશે. લાકડી અને મકાનમાલિક નું રૌદ્ર સ્વરૂપ જોઇને બાઈ તરત જ જતી રહી અને ગોબરે દરવાજો બંધ કર્યો અને જમવા બેઠો.જમીને હજુ ગોબર આડે પડખે થયો ત્યાંજ સુરત થી મોટાનો ફોન આવ્યો. વેલંજા બાજુ મકાન સસ્તામાં મળે એમ છે જો કાઈ વેંત થાય એમ હોય તો આ દિવાળીએ મકાન રાખી લઈએ.અને ગોબર સગા સબંધી પાસે પૈસાની માંગણી કરવા લાગ્યો.

“હસું ભાઈ કેમ છો મજામાં, પૈસા પડ્યા છે થોડા ઘણાં તો મકાન લેવું છે સુરત જે હોય ઈ આપોને ભાઈ સાહેબ હુતાસણી એ પાછા શું કીધું નથી મેળ ખાય એમ?? એમ તે કાઈ હોય થોડા ઘણાં તો કરવા જ પડશે હો હું કાલે જ લઇ જઈશ એમ ના હાલે એમ” આમ કહીને દરેક સબંધીને ફોન લગાવતો જાય અને નિરાશ થતો જાય છેવટે એણે પોતાની ફઈને ફોન લગાવ્યો.ઘણી આજીજી કરી ફઈને પણ ફઈ એકના બે ના થયાં.ઉલટું એણે ફૂવાનો અવાજ સાંભળ્યો ફોન પર અને ગોબર થીજી જ ગયો. ફૂવા ફઈને કહેતા હતાં.

“મુક્યને લપ તું નહીતર લાવ મારી પાસે એટલે એક ઘા ને બે કટકા, ઠેકીને કહી દઉં કે આહી પૈસા બૈસા નથી. છોકરા અમારા સાટું પેદા કર્યા છે. આ ગોબરાને કાઈ ધંધો જ નહિ મારો હાળો જઈ જુવો ત્યારે પૈસા જ માંગતો હોય રેઢીયાળનો!! કામધંધો કઈ કરવો નથી અને સુરતમાં મકાનનો દીકરો થાય છે. સાલા આવાને આવા ભીખારાં સગા જ મળ્યા છે સાવ આવાને આવા”

“ભગલાની પ્રથમ સેલ્ફી”

“હું અંદર આવું સાબ” ભગલો વર્ગની બહાર ઉભો ઉભો રજા માંગી રહ્યો હતો. એને જોઈને સાહેબનો મગજ ફાટીને ધુમાડે ગયો. કેટલી વાર આ કોડાને કીધું પણ લગભગ એ મોડો જ આવે .આજેય વીસ મિનિટ મોડો હતો.

“કેમ, આજ વહેલા જાગી ગયો, ?? હું તો તને હમણાં લેવા આવત, અથવા કીધું હોત તો કાર મોકલત તારી ઘરે, કારણ કે તું અમારી માટે જ ભણશો ને, સાલા ખબર નથી પડતી ?? , મગજ છે કે નહીં ?? કાલ પાથીયે પાથીયે તેલ નાંખ્યુંતું કે નહીં કે કાલ શનિવાર છે એટલે વહેલા ગુડાજો,કાલ તમારો બાપ નિશાળ તપાસવા આવે છે!! તોય આજ મોડું કર્યું!! એક દિવસ સખણીના ટાઈમ સર નથી આવી શકતાં !!! આ તો સારું છે ઇ હજી આવ્યા નથી એટલે વાંધો નહિ!! સામું શું જોશ કોડા બેય તારી જગ્યાએ હાલ ફટાફટ” સાહેબે ભગલા નો કોલર પકડીને રીતસરનો હલબલાવ્યો. ભગલા ના હોઠ સહેજ સળવળ્યાં કઈંક એ બોલવા જતો હતો ત્યાંજ સાહેબે અસલી સ્વરૂપ ધારણ કર્યું!!

“હવે કાંઈ ખુલાસો નથી કરવો, ગપ્પા જ ઠોકડવા છે ને કે બીજું કાંઈ, હમણાં કહેશે કે હું ડેરીએ દૂધ ભરવા ગયોતો, અથવા તો એમ કેશે કે વહેલી સવારે વાડીએ રજકો લેવા ગયો તો, અથવા બાપને અથવા મા ને બીમાર પાડી દેશે, એટલે મૂંગો જ રહે તું, અને જો સાબ આવી ને ઉભો કરે ને તો બોલતો નઇ મહેરબાની કરીને.. તું તો મૂંગો જ રહેજે!! તું બોલીને બાફી મારીશ તો ક્લાસની આબરૂ જાશે.. “સાહેબે લટકા થી કહ્યુ અને આખો કલાસ ખડખડાટ હસી પડ્યો. ભગલો નીચું જોઈને પોતાની બેન્ચ પર બેઠો રહ્યો..

ઇન્સ્પેકશન વાળા સાહેબ આવી ગયા.નાસ્તા પાણી કરીને સાહેબ વર્ગખંડનાં વિહંગાવલોકને નીકળ્યાં.. થોડી વાર પછી એ ભગલાના વર્ગ ખંડમાં આવ્યાં. છોકરાઓ બધાં ઉભા થયાં અને આદર આપ્યો. સાહેબની ચકોર નજર આખા રૂમના ખૂણે ખૂણે ફરી વળી.. સાહેબે પ્રશ્નોતરી શરૂ કરી. એવાં માં બે બુલેટ આવ્યા!! નિશાળના મેદાનમાં બુલેટ ઉભા રાખીને એ લોકો આચાર્ય ઉભા હતાં એ રૂમમાં જ ગયાં જ્યાં ઇન્સ્પેકશન શરૂ હતું..

“અલ્યા લાલજી પુનાનો ભગલો કયાં ધોરણમાં ભણે છે”?? આવનાર કે જે ગામનાં પ્રતિષ્ઠિત વેપારી હતાં એણે કહ્યું. ઇન્સ્પેકશન વાળા સાહેબ પણ અટકી ગયાં. એ પણ જોઈ રહ્યા.

“આજ રૂમમાં છે, અલ્યા ઉભો થા ભગલા, કેમ ભગલા એ અત્યાર અત્યારમાં કાંઈ સળી કરી તમારી” ?? વર્ગશિક્ષક વેપારીને પૂછ્યું.

“એમાં એવું છેને કે સવારે હું ઢસા જવા નીકળ્યો . અને આ નિશાળ પાસે ખાડા બહુ ને તે મારે હતી ઉતાવળ એટલે મેં બુલેટ સ્પીડમાં હાંકેલું ને તે ખિસ્સામાંથી પાકીટ પડી ગયું ને મને ખબર નહીં. દસ મિનિટ પછી ઘરેથી ફોન આવ્યો ચાલુ ગાડીએ મેં ઉપાડ્યો ત્યારે ખબર પડી કે મારું પાકીટ ઘરે પહોંચી ગયું છે.. ઘડીક તો મને પરસેવો છૂટી ગયો એમાં 40 નોટ બે બે હજારની હતી. બાકી તો જુદા હતાં. તે હું ઘરે આવ્યો. મારા ઘરના એ વાત કરી કે નાનજી પુનાનો ભગલો પાકીટ દય ગયો ઘરે આવીને!!! મારા ખિસ્સામાંથી પાકીટ પડી ગયું એ ઇ ભાળી ગયેલો. એણે મને સાદ કરેલો પણ બુલેટના અવાજમાં મને ના સાંભળાણો એવું મારા ઘરના ને ભગલો કહેતો હતો. એટલે મેં કીધું કે આ પાકીટ દેવા આવ્યો તો ત્યારે તારે એને કંઈક આપવું જોઈએ તે મારા ઘરના કયે મેં એને નાસ્તો આપ્યો તોય ના લીધો ઇ કેતો તો કે આજ નિશાળે મોડો જઈશ તો સાબ સોટાવી નાંખવાના છે” વેપારીએ વાત કરી. બધાના ચહેરા ખુશ!! ઇન્સ્પેકશન વાળા સાહેબ અત્યંત ખુશ!! વેપારીએ પરાણે 500 રૂપિયા આપ્યા!! જે ભગલાએ ઘણી આનાકાની બાદ બાદ લીધાં!! બધાએ વખાણ કર્યા.. અને પછી ઇન્સ્પેકશનવાળા સાહેબે પૂછ્યું..

“તે એ પૈસાનું પાકીટ કેમ ના રાખ્યું,?? એમાં તો ઘણા બધાં પૈસા હતાં, ???

“મારા સાહેબે એક પાઠ ભણાવ્યો ને એમાં આવતું હતું કે કોઈનું ના લેવાય, જડેલી વસ્તુ મૂળ માલિક ને આપવી જોઈએ નહીંતર એ પૈસા આપણું સદામૂળ કાઢી નાંખે” ભગલો બોલ્યો.. અને સાહેબે તાળીઓ પાડી.. સાહેબે મોબાઈલ નો કેમેરો શરૂ કર્યો… અને ભગલા સાથે સેલ્ફી લીધી. ભગલા ના જીવન ની આ પ્રથમ સેલ્ફી હતી…. છેલ્લે સાહેબ બોલ્યાં.

“અભિનંદન તને અને તારા સાહેબ ને , હવે કોઈ વર્ગ તપાસવો જ નથી!! ખૂબ આગળ વધો બેટા, આ ફોટો છાપામાં આવશે.. અને જે જે નિશાળમાં હું જઈશ ને ત્યાં તારી વાત કરીશ અને આ ફોટો પણ બતાવીશ” સાહેબે ભગલાની પીઠ થાબડી અને પછી ધીમે ધીમે તાળીઓ ગડગડાટ થયો..!!

કેચ મી ઇફ યુ કેન!!!

મધરાતે શહેરનાં છેવાડે અને ડુંગરાળ વિસ્તારને અડીને આવેલી એક સોસાયટીમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન બુકાની બાંધેલ એક યુવાન પીએસઆઈ ની જીપ સામે આવી ગયો.. જીપની હેડલાઇટમાં એનો બુકાની બાંધેલો ચહેરો ચમક્યો કે જીપ એની પાછળ પુરપાટ દોડી.. પેલો યુવાન પાછળ બગલથેલા સાથે બાજુની ગલીમાં દોડ્યો.જીપ પાછળ.. ગલી પુરી થઈ અને ખડકાળ વિસ્તાર શરૂ થયો. જીપ આગળ ના જઈ શકી. પીએસઆઈ એ સ્ફૂર્તિથી જીપમાંથી કૂદકો મારીને પેલાની પાછળ… યુવાન આગળ પીએસઆઇ પાછળ.. પણ પેલો યુવાન એક્દમ તેજ દોડતો હતો. દસ જ મિનિટમાં એ અંધારામાં ઓગળી ગયો.. સવારે પોલીસ ફરિયાદ થઈ એજ સોસાયટીમાંથી કે એક શેઠનું મકાન તૂટેલું અને જર ઝવેરાત સાથે મોટી ચોરી થયેલી.. પણ આઠ દિવસને અંતે પણ ચોર ઝડપાયો નહીં.. દસ દિવસ પછી પીએસઆઈને એક પત્ર મળ્યો . એમાં લખ્યું હતું..
નમસ્કાર પીએસઆઇ સાહેબ,

ક્ષમા ચાહું છું કે તે રાતે તમે મને પકડી શક્યા નહીં. હું તમારી સાથે જ પીએસઆઇ ની પરીક્ષામાં હતો. તમે લેખિતમાં પાસ થયાં.. હું ફેઈલ થયો.. હું તમને ઓળખું છું પણ મેં બુકાની બાંધેલી એટલે કદાચ તમે ના ઓળખો એ સ્વાભાવિક છે.. પણ આનંદની વાત એ છે કે હું દોડવામાં નંબર વન છું 5 કિમીનું અંતર હું 18 કે 19 મિનિટમાં પૂરું કરું છું પણ અફસોસ કે લેખિતમાં પાસ નથી થઈ શકતો.. મજબૂરી છે કે મારે ચોરી કરવી પડે છે. પરીક્ષામાં પાસ નથી થતો બાકી શારીરિક ક્ષમતા તો છે.. ઉમર થઇ ગઇ.. નોકરી નહીં મળે પણ આમાં મજા છે.. મને મારી કાબિલિયત પર ભરોસો છે..

“કેચ મી ઇફ યુ કેન”

 

મહિલા સશક્તિકરણ

શહેર મધ્યે આવેલી એક જાણીતી શાળામાં મહિલા સશક્તિકરણના સેમીનાર ઉપર બોલવા માટે શહેરના જાણીતા એવા ડો. સુહાસીનીને ફોન પર આમંત્રણ આપવામાં આવ્યું. ડો. સુહાસીની એક્દમ બોલ્ડ અને નીડર હતા. એમના દરેક વ્યાખ્યાનો જોશ અને ઉર્જાથી ભરપૂર હોય. એમના ભાષણો સાંભળવા માટે છોકરીઓ દિવસોથી રાહ જોતી.એમની વાત એવી તો વેધક અને સચોટ હતી કે દરેક દીકરીઓ માં એક અનોખી હિંમત આવી જતી. જ્યારે એમને મહિલા સશક્તિકરણમાં પ્રવચન માટે ફોન પર આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ડો. સુહાસીની બોલ્યા.

“એક મિનિટ જરા, ફોન ચાલુ રાખજો ને,પ્લીઝ!!! “બે મિનિટ સુધી થોડો અવાજ સંભળાયો અને પછી ડો.સુહાસીની બોલ્યાં..

“માફ કરજો હું નહીં આવું મને મારા ઇ ના પાડે છે”

અક્કલમઠ્ઠો

નાનજી ભણવામાં નબળો પણ લોન્ઠકો ઘણો. એનાં બન્ને ભાઈઓ હોંશિયાર પણ નાનજીને કેમેય કરીને ભણતર ચડેજ નહીં. એને તો બસ બથોડા વાળા જ કામ ગમે. ઝાડને પાણી પાવાનું હોય કે મેદાન સરખું કરવાનું હોય. નાનજી હાજર જ હોય. શાળા ખુલે એટલે સહુથી પહેલાં એ આવે અને છેલ્લે એ જાય. શાળાની કોઈ વસ્તુ ક્યાં પડી છે એ આચાર્યકે શિક્ષકોને કદાચ ખબર ના હોય પણ નાનજીને એ ખબર જ હોય. શાળાનાં આચાર્ય અને શિક્ષકો એને મજાકમાં ‘અક્કલ મઠ્ઠો” કહેતાં અને વળી કહેતાં કે અક્કલ મઠ્ઠા હોય ઈ લોન્ઠકા બહુ હોય. કાળ ક્રમે નાનજીએ ભણવાનું છોડી દીધું અને ખેતીમાં વળગી ગયો. તેનાં બન્ને ભાઈઓ ભણીને નોકરીએ વળગી ગયાં. નાનજીની એકની એક બહેન 5 વરસમાં ઘરભંગ થઇ. એ બહેન અને એનાં બે ભાણિયાની જવાબદારી નાનજીએ લઇ લીધી. માં બાપ ને પણ પોતાની સાથે રાખીને નાનજીએ તનતોડ મહેનત શરુ કરી. પોતાની જમીન ઘટીતો એણે ગામની ત્રણ જમીનમાં ભાગીયું રાખ્યું. કોઈ કહે કે “નાનજી તારે લગ્ન નથી કરવા તો કહે કે આપણી પાસે ટેમ જ ક્યાં છે.. બધાની જવાબદારી હાલ નાનજી સંભાળે છે.. ખરેખર નાનજી લોન્ઠકો ખરોને.. ને આમેય અક્કલમઠ્ઠા તો લોન્ઠકા જ હોય ને..!!

માઈક્રો ફિકશન

માધવી હજુ ઓફિસેથી ઘરે આવી કે તરત જ સુકેતુ આવ્યો. “મમ્મી જો મે આ ચિત્ર દોર્યું, ફાઈન છે ને?

માધવી એ મોં બગાડી ને કહ્યુ કે મે તને કેટલી વાર કહ્યુ કે મને આમ હેરાન નહીં કરવાની… હું કેટલી થાકીને આવી છું એ તને ખબર છે?? ત્યાં જ સોનમ આવી “મમ્મી જો આ કવિતા મે આજે શાળામાં ગાઈ.. તારે સાંભળવી છે???

માધવી એ તોછડાઈથી કહ્યુ.”હવે તમે બન્ને આઘા ખશો.. જાવ તમારાં રૂમમાં.. ” એ ઊભી થઈ બેડરૂમમાં ગઇ , દરવાજો અંદરથી બંધ કરીને મોબાઇલ કર્યો..

“સુકેતુ તુ આવે ત્યારે પાવ ભાજી અને પીઝા લેતો આવજે, મારે અગત્યનું કામ છે એટલે આજ રસોઈ નહીં બનાવું..”

તરત જ લેપટોપ ખોલીને વાર્તા લખવા બેઠી .બે કલાકમાં એણે એક માઈક્રો ફિકશન લખીને સબમિટ પણ કરી દીધી. હાશ…. કામ પત્યું…

“સ્ટાફ”

લાલો આજ વહેલો ઉઠ્યો, નાહી ધોઈ તૈયાર થઈ. ભગવાનને પગે લાગ્યો.આજ થોડી વધારે પ્રાર્થના કરી,સાચા મનથી કરી. માતા પિતાને પગે લાગ્યો, બહેને ચાંદલો કર્યો, અને ગોળથી મો મીઠું કરાવ્યું. લાલાએ પોતાનો કોલ લેટર લીધો,બધુ ચેક કર્યું, આઈ ડી પ્રુફ લીધુ. બાઇક કાઢી હેલ્મેટ ચડાવ્યું,કીક મારી. આજે તે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જતો હતો. રસ્તામાં દર્શનના ઘર પાસે બાઇક ઊભી રાખી. દર્શન તૈયાર થઇને જ ઉભો હતો.બ્લેક ગોગલ્સ પહેરીને.લાલો નીચે ઊતર્યો ચાવી દર્શનને આપી. દર્શને બાઇક સ્ટાર્ટ કરીને રાજકોટ ભાવનગર હાઈ વે પર બાઇક પાણીનાં રેલાની જેમ ચાલી રહી હતી. શિહોરની એલ.ડી.મુની હાઈસ્કુલમાં તેમનું એક્ઝામ સેન્ટર હતુ. માંડવાનાં ઢાળે પહોંચ્યા ત્યા જોયું કે સંજયની બાઇક્નું ટાયર ફાટી ગયું હતુ.દર્શને બાઇક રોકીને સંજયને બેસવાનું કહ્યુ,સંજયને જ પરીક્ષા આપવાની હતી એટલે એણે એનાં ભાઈને બાઇક આપીને પોતે બેસી ગયો…..

રંઘોળા ચોકડી પાસે જોયું તો પોલીસનું ચેકિંગ હતું. પીએસઆઇ બારડ રોડની એક બાજુ જીપ પાસે ઉભા હતાં અને બે કોન્સ્ટેબલ વાહનો ચેક કરતાં હતાં. લાલાની બાઇકને કોન્સ્ટેબલે રોકી, ચાવી કાઢી લીધી, ને કહ્યુ
“કેમ ત્રણ સવારી જાવ સાબ પાસે”
દર્શન એકલો ગયો પીએસઆઇ બારડ પાસે. પીએસઆઇ બારડનો સ્વભાવ થોડો કડક અને આકરાં પાણીએ હતો. દર્શને ત્યાં જઇને સાહેબને સેલ્યુટ મારીને કોંન્ફિડન્સથી કહયું

“સર, સ્ટાફ”

“કંઇ બ્રાન્ચ, ક્યાં પોસ્ટિંગ,” બારડે ગંભીર મુખમુદ્રા કરી સિગારેટ સળગાવતાં કહ્યુ.

“સર, અત્યારે તો પરીક્ષા આપવા જઈએ છીએ, પાસ તો અમે થઈ જ જવાનાં, આમ તો અમે બે જ હતાં, પણ આ સંજયનું બાઇક બગડ્યૂ એટલે ના છૂટકે ત્રણ સવારી કરવી પડી,બાકી સાહેબ ગાડીના બીજા કાગળ અને લાઇસન્સ સાથે છે” દર્શને કહ્યુ.

સિગારેટ નો કશ મારતા મારતાં બારડનાં ચહેરા પર સ્મિત આવ્યુ. દર્શનની પીઠ થાબડી ને બારડ બોલ્યાં
“આઇ એમ વેઇટીન્ગ” અને પછી કોન્સ્ટેબલ તરફ જોઈને કડક મુખ મુદ્રા સાથે કહ્યુ
” પાટીલ આમને જવા દેજે આતો આપણાં સ્ટાફના જ છે.”

વાસ્તુ દોષ

“શાસ્ત્રીજી, જ્યારે આ બંગલામાં 5 વર્ષથી રહું છુ. પહેલાં બે વરસતો શાંતિ રહી.પછી નાં જાણે કોઈને કોઈ મુશ્કેલી આવે છે,ધંધામાં પણ પડતી શરુ થઇ છે. મારી વાઇફ અને મારી છોકરીની તબિયત પણ અચાનક જ બગડી જાય છે.આમ તો આ બંગલો મેં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જ બનાવ્યો છે.” મલ્હારે શાસ્ત્રીશ્રી દિનેશભાઇ ને કહ્યું. દીનેશભાઈએ આખા બંગલાનું નિરીક્ષણ કર્યું,વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બંગલો એકદમ પરફેક્ટ હતો. કોઈ જ ખામી નહોતી.અચાનક બંગલાની પાછળ બે નાનકડી ઓરડી હતી.

“મલ્હાર ત્યાં શું છે. પેલી બે ઓરડીમાં?
“મમ્મી પાપા રહેતા હતા, 3 વરસ પછી આ બંગલામાં એને એકલું લાગ્યું એટલે એને જ જીદ કરી તો હું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો.ત્યાં તેમની ઉમરના હોય એટલે મમ્મી પાપાને કંપની મળી રહે ને.”મલ્હારે થોથવાતા જવાબ આપ્યો.
” એને ઘરે પાછા લઇ આવ, તારી બધી મુસીબત હલ થઇ જશે”. આટલું કહીને દિનેશભાઇ બંગલાની બહાર નીકળી ગયા…

રાધાની શોધ

સોસાયટીની મિટિંગમાં સર્વાનુમતે નક્કી થયું કે આ વખતે જન્માષ્ટમીની ઉજવણીમાં વટ પાડી દેવો છે.આજુબાજુની તમામ સોસાયટી કરતાં આપણી સોસાયટીની ઉજવણી “જરા હટકે” હોવી જોઈએ. મિટિંગમાં આવેલ સ્ત્રી પુરુષો એ પોતાનાં સૂચનો આપ્યાં. અમુક “જરા હટકે” બાબતો નક્કી થઇ કે, રાત્રે કાનાનાં જન્મ વખતે પ્રસાદમાં મીઠાઈની સાથે મંચુરીયમ પણ રાખવું. સોળ જેટલાં કાનુડા બનાવવાં 4 વરસથી નીચેનાં, એને બરાબર શણગારવા અને શોભાયાત્રા કાઢવી.

“આપણે સોળ કાનુડા સાથે સોળ રાધા પણ રાખીયે તો, કાનજીભાઇએ સુચન કર્યું.

“પણ 4 વર્ષથી નાની દીકરીઓ તો માંડ 8 જેટલી છે બાકીની ક્યાંથી લાવવી? હરજીભાઈ એ સોસાયટીની હકીકત જણાવવી.
“બાજુની ઝૂંપડપટ્ટીમાં ઘણી બધી છોકરીઓ છે 4 વરસની ત્યાંથી લાવીએ તો ના ચાલે? સવજી બોલ્યો..
“ના હો ત્યાંથી થોડી લવાય. કોણ જાણે એ બધીય કઈ જ્ઞાતિની હોય? હરજી બોલ્યો કે તરત જ
સોસાયટીનાં ઓટલે બેઠાં બેઠાં દાંતે બજર દેતાં ઓતીમા નો બાટલો ફાટ્યો.

“હે હરજી આ બધા કાનુડા મોટા થાશે ત્યારે એને કઈ રાધા સાથે પરાણાવશો હે??? એક તો તમે રાધાને જન્મતાં પહેલાં જ મારી નાંખો છો. અને બીજી કોમની રાધાઓ ગમતી નથી. તમારે બધાને કાનુડા જ જોતા છે.”
મારા રોયા હાલી જ નીકળ્યા છો લ્યો!!!

કોઈની પાસે જવાબ નહોતો. મીટીંગ પુરી થઇ ગઈ…

ચાર ભાઈ બીડી!!!

એક નાનું એવું ગામ હતુ. ગામમાં ચાર સગા ભાઇ રહેતાં હતાં. આ ચાર ભાઈ ચાર ભાઈ બીડી પીતાં હતાં . બે વરસ પછી એ ત્રણ ભાઈ થઈ ગયાં…!!

મોટિવેશન શિબિર !!!

યુવાનો માટેની મોટિવેશન શિબિરમાં ગુજરાતનાં જાણીતાં અને લોકપ્રિય વક્તા શ્રી પ્રેરણાચંદ બરાબર દોઢ કલાક મોડા પહોંચીને પોતાનું મનનીય પ્રવચન શરુ કર્યું કે શ્રોતાઓએ તાળીઓનો ગડગડાટથી વધાવી લીધું.. આજે એમનો વિષય હતો.”જીવનમાં નિયમિતતાનું મહત્વ”

સર્જીકલ સ્ટ્રાઇક!!

નાના એવા ગામમાં આજ આનંદનો અવસર હતો,અને હોય જ ને ગામનાં બે યુવાનો ભારતીય લશ્કરમાં પસંદગી પામ્યાં હતાં. આજ સાંજે જ તેઓ પોતાના પોસ્ટીંગ પર દહેરાદુન જવાના હતાં. પણ ગામલોકોને નવાઈ એ વાત ની લાગતી હતી કે મખ્ખીચુસ અને સાવ કડકા એવા સરપંચે બને સૈનિકોનું સન્માન જ નહોતું ગોઠવ્યું પણ રીતસરનો વરઘોડો કાઢ્યો હતો. સરપંચ મન મુકીને નાચ્યા હતાં અને ગામના પાદરમાં તો નાનકડો એવો મંચ ગોઠવીને સરપંચે રીતસરનું ભાષણ જ ઠપકારી દીધું.

“આપણા ગામનું ગૌરવ છે આ બંને ભાઈઓ!! ,ધન્ય છે તેની જનેતાને!! કે તેમણે આવા બહાદુર શૂરવીરોનો જન્મ આપ્યો, હું તો એમ કહું કે ગામમાંથી દરેક ઘરમાંથી એક એક યુવાન લશ્કરમાં હોવો જોઈએ, બીજા યુવાનો આમાંથી પ્રેરણા લે અને તેઓ સખત મહેનત કરે એનાં માટે જે કોઈ મદદની જરૂર હોય એ મને કહેજો હું તન, મન, અને ધનથી સેવા કરીશ, આભાર, જય હિન્દ!!”

તાળીઓનો ગડગડાટ થયો, અમુકને થયું કે ચીકણો સરપંચ ૧૦૮ ને પણ મિસકોલ મારે અને એકાએક દાનેશ્વરીનો કર્ણનો દીકરો કેમ બની ગયો. સાંજે સરપંચ પણ બને ભાઈઓને સુરત રેલવે સ્ટેશન પર મુકવા ગયો અને બંને ભાઈઓના ખિસ્સામાં બે બે હજારની ગુલાબી નોટ મુકીને કોઈ ના સાંભળે એમ હળવેકથી બોલ્યો.

“આવોને ત્યારે માલ લેતા આવજો, અહી હમણા ભીંસ વધી ગઈ છે, અને મિલીટ્રીનું આવે ઓરીજનલ અને તમને કોઈ ના પણ ના પાડે,જેટલું મળે એટલું લેતા આવજો”

સટાક… સટાક…. સટાક…!!! સરપંચના બેય ગાલ પર બેય ભાઈની ત્રણ ઝાપટ પડી..!!! બોર્ડર પર પહોંચ્યા પહેલાં જ સર્જીકલ સ્ટ્રાઈક ની શરૂઆત થઈ ગઈ!!! જય હિન્દ!!!

ચમત્કાર!!

ગામને ગોંદરે ભાભલાઓની જમાવટ ગોઠવાણી હતી. કોઈએ ચલમ સળગાવી તો કોઈએ શિવાજી. એક ભાભો તમાકુ ચોળતો હતો ને બે બીજા લાલચભરી નજરે જોઈ રહ્યા હતાં,કે થોડી ચોળેલી તમાકુ આપે તો સારું. એવામાં જેઠાભાભા આવ્યાં માવો ચોળતાં ચોળતાં” એ રામ રામ ડાયરાને,રામ રામ” ને સહુ અલક મલકની વાતો કરવા લાગ્યાં, આજનો વિષય હતો,ચમત્કાર!!

“ચમત્કાર તો સતાધારનો ભાઈ.. લાખો માણસો જમે ભાઈ ભાઈ ” જીવા આતા બોલ્યાં.
“સતાધાર જેવું જ પરબનું હો” મૂળા આતા બોલ્યાં ચલમ પીતાં પીતાં…
“એ હંધાય તો આઘા પડે પણ તમે બગદાણા ને જ લ્યોને મેં તો નજરે નજર જોયું છે. કાયમ સવારમાં જ રાંધે અને આખો દિવસ ચાલે…બગદાણામાં કોઈ વસ્તુ ખૂટે જ નહિ” પુના આતા તમાકુ ચડાવીને બોલ્યાં.

“ગામે ગામ ચમત્કાર જ છે” જેઠા બાપાએ ઝુકાવ્યું અને આગળ ચલાવ્યું..

“જુઓ બધા પેલાં ઉકાના ઘરના જાય છે ને એ આપણી નિશાળમાં છોકરાં માટે મધ્યાહન ભોજન રાંધે છે, હવે દરરોજ એક નાની એવી ડોલમાં લઇ જાય અને નાના એવાં બકડીયામાં રાંધે છે, પછી ગમે એટલા છોકરાં જમવા બેસે ક્યારેય ખૂટે નહિ બોલો.. સો બેસે દોઢસો બેસે કે આખી નિશાળ પણ કાયમ વધેજ, અને આ આપણી નિશાળમાં જ નહિ લગભગ બધી જ નિશાળમાં આવો જ ચમત્કાર…!! બોલો કેવું છે કાંઈ!! ” ચમત્કાર તો ગામે ગામ થાય છે… જેઠા બાપાએ માવો થૂંકતા થૂંકતા કીધું ને આખી ભાભા મંડળી ખીખીખી કરવા માંડી….

લેખક :-મુકેશ સોજિત્રા

૪૨,શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.
મુ.પો.ઢસા ગામ તા. ગઢડા ડી. બોટાદ
૩૬૪૭૩૦

ટીપ્પણી