“Money Making” પર “મુકેશ અંબાણી” એ આપેલા એના જીવન અનુભવમાંથી આ દસ સોનેરીસુત્રો…

હિન્દીમાં એક કહેવત છે, ” બાપ બડા ન ભૈયા, સબ સે બડા રૂપૈયા. ” વર્તમાન સમયમાં જો તમે પૈસાનું મહત્વ જુઓ તો, ઘણી હદ સુધી આ કથન સાચું લાગશે. વધુમાં વધુ પૈસા કમાવવા તે આપણામાંના મોટા ભાગના લોકોની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અથવા તો જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. આપણામાંના ઘણા લોકો વધુ કમાવવાના ધ્યેયથી કાં તો વધુ સમય માટે કામ કરે છે અથવા તો કોઈ જગ્યાએ, કોઈ નવો માર્ગ શોધવા મથી રહયાં છે. પણ સહુથી મોટો સવાલ એ છે કે શું વધુ ધન કમાવવા માટે આટલું પૂરતું છે ?

પૈસા કમાવવા બધાંની જિંદગીમાં એકસરખું મહત્વ ધરાવે છે પણ પૈસા કમાવવા માટેની દરેકની ગતિવિધિ જુદીજુદી છે. કેટલાક કરોડોમાં રમે છે તો કોઈ વળી બે પૈસા કમાવવા દિવસ-રાત ઝઝૂમે છે. તો આમાં ફરક ક્યાં છે ? તમે એ વિશે કદી વિચાર્યું છે ?

સારી એવી કમાણી કરવા અને એક સફળ કારકિર્દી બનાવવા માટેના કેટલાય સરળ અને સીધા રસ્તાઓ છે, સારું શિક્ષણ મેળવવું અને તેનો સદુપયોગ કરવો તે આમાંનો એક ઉપાય છે. પણ શું એવું કહી શકાય કે કોઈ સારી જગ્યાએ, સારું ભણતર મેળવ્યા બાદ આપણને આપણી જરૂરિયાતથી પણ વધુ કમાવવાની તક મળશે ? ના…જરા પણ નહીં. તો પછી પૈસા કમાવવા અને ધનિક બનવાના સૌથી સરળ અને સફળ માર્ગ આપણને કોણ બતાવી શકે ? સીધી વાત છે, ફક્ત એવી કોઈ વ્યક્તિ, જેણે અલગ અલગ રીતે પ્રયાસો કરીને અઢળક ધન કમાયું હોય.

આવી વ્યક્તિઓમાં મુકેશ અંબાણી જેવું અન્ય કોઈ હોઈ શકે છે જે સફળતાની ચાવી બતાવી શકે ?

આજ બિઝનેસ વર્લ્ડમાં સફળતાનો પર્યાય એટલે મુકેશ અંબાણી છે. અંબાણીએ પોતાની આવડત અને દૂરંદેશીથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક એવા મુકામે પ્રસ્થાપિત કરી છે કે તે પોતાનામાં જ એક ઉદાહરણ છે. તો પછી આવો, ખુદ મુકેશ અંબાણીના આપેલ આ દસ કીમિયાઓ પર નજર કરીએ.

૧. પૈસા હોવા જ બધું હોવા છતાં તે એક જ મહત્વનું નથી.

મુકેશના પિતા, સુપ્રસિદ્ધ બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી હંમેશા કહેતા કે, “જીવનમાં પૈસો જ બધું છે આમ છતાં તે એક જ વસ્તુ અગત્યની નથી.” મુકેશ અંબાણીએ પોતાના પિતાના આ સિદ્ધાંતને પૂર્ણપણે અપનાવ્યો છે. તેમનું કહેવું છે કે ધનને ગંભીરતાથી લેવું જરૂરી છે પણ હંમેશા તેની પાછળ ભાગતાં રહેવું જરૂરી નથી.

૨. સપનાં જુઓ અને તેને સાકાર કરવા માટેની મજબૂત યોજના બનાવો.

મુકેશ અંબાણીનું માનવું છે કે, પૈસા પાછળ ભાગવું એક ખોટી આદત છે, પણ કૈક સારું કરવા માટે સપનાં જોવા એ બિલકુલ ખોટું નથી. અને સપનાં પૂરાં કરવા માટે યોગ્ય યોજના હોવી પણ જરૂરી છે.

૩. બસ પોતાના કામ ઉપર ધ્યાન આપો, હીરો બનવાની કોશિશ કદી ન કરો.

મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા વ્યાપારી કરતા-હર્તા છે. પણ ભાગ્યે જ તેઓ મીડિયામાં દેખાય છે. તેમનું માનવું છે કે પોતાના ધ્યેયને પામવા હંમેશા ઈચ્છા પ્રબળ રાખો અને તેને જ મહત્વ આપો. તમારું કામ તમને જાતે જ એક દિવસ હીરો બનાવશે.

૪. હંમેશા પોતાના મનની વાત સાંભળો.

અંબાણી પોતાના નવા ઘરને લઈને તેમજ આઈ.પી.એલ ટીમને ખરીદવા માટે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા. જો કે તેમનું માનવું છે કે જીવનમાં દિલની વાત સાંભળીને જ કોઈ નિર્ણય પર આવવું જોઈએ, પછી ભલેને એમ કરવાથી વિવાદ સર્જાય. દરેક જણે પોતાના મનમાં આવેલ વિચાર પર દ્રઢપણે અમલ કરવો જોઈએ.

૫. પોતાની આસપાસ રહેલા બધાં લોકો પર વિશ્વાસ કરો પણ તેમના પર અવલંબિત ન રહો.

અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમનું માનવું છે કે માણસે અગત્યની પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. પોતાની આસપાસના લોકો પર જરૂરથી ભરોસો મૂકવો જોઈએ પણ તેમના પર જ નિર્ભર રહેવાથી જીવનમાં વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

૬. જીવનમાં જોખમ ખેડવું એ જ સૌથી સારી રીત છે.

તેમનું માનવું છે કે જીવનમાં લીધેલા દરેક નિર્ણય હંમેશા સાચા નથી નીવડતા, પરંતુ જે લોકો એક સારા અને મક્કમ ઈરાદાથી કામ કરે છે, તેમને હંમેશા કશુંક નવું શીખવા મળે છે. સફળતા હાંસિલ કરવા માટે જીવનમાં જોખમ તો ઉઠાવવું જ પડે છે.

૭. થાક્યા વગર પૂરી શક્તિ કામે લગાડવી જોઈએ.

અંબાણીનું માનો તો દરેક વ્યક્તિએ પોતાના કામને દિલથી, પૂરી નિષ્ઠાથી અને શક્તિથી, મક્કમ રીતે કરવું જરૂરી છે. કામ કરતા રહેવાનું વલણ હંમેશા જીવંત રાખવું જોઈએ.

૮. પોતાની આસપાસના લોકોને પ્રોત્સાહિત કરો.

પોતાની આસપાસના લોકોને પ્રોત્સાહિત કરવાથી એક સકારાત્મક વાતાવરણ ઉભું થાય છે. દરેક વ્યક્તિએ હંમેશા પોતાની આજુબાજુ રહેલા માણસોની ભલાઈ માટે તત્પર રહેવું જોઈએ.

૯. પોતાની આસપાસ ચાલી રહેલી ઘટનાઓથી સજાગ રહો.

મુકેશ અંબાણીનું કહેવું છે કે તમે જે પણ ક્ષેત્રમાં કાર્યરત હો, ત્યાં ચાલી રહેલા ઉતાર-ચડાવમાંથી શીખતાં રહેવું જોઈએ અને તેને અનુરૂપ જ પગલાં લેવા જોઈએ, તો જ તમે સર્વોચ્ચ સ્થાન પર પહોંચવામાં સફળ રહેશો.

૧૦. ભવિષ્ય માટે હંમેશા કશુંક નવું વિચારો.

અને છેલ્લે, તેમનું માનવું છે કે સફળતા એક સ્થાયી વસ્તુ નથી. જીવનમાં હંમેશા સફળ રહેવા માટે વર્તમાનની સાથોસાથ ભવિષ્યની પણ ચિંતા રાખવી જોઈએ, તો જ સફળતા કાયમી ધોરણે સાથે રહી શકશે.

સંકલન – અનુવાદ : રૂપલ વસાવડા

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી