વાહ વેલેન્ટાઈન વાહ – સાચા જીવનસાથીની પસંદગીનો દિવસ…

“વાહ !! વેલેન્ટાઈન વાહ ” !!”

“ તિમિર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ” ના ચોથા માળે આકાર પટેલ સ્પેશ્યલ વોર્ડની બહાર જમણી સાઈડ આવેલ મુલાકાતી અને દર્દીના સગા સંબંધી મુલાકાતીના બેસવાના બાંકડા પર બેઠો હતો. મોબાઈલમાં જોયું. સવારના સાત વાગીને પંદર મિનીટ થઇ હતી. ડોકટર નિશાંત પટેલ આવવાને તો હજુ દોઢેક કલાકની રાહ હતી. ડોકટર આવે જ પછી તે નેહાના રૂમ માં જતો હતો અને ડોકટર સાથે નેહાની સારવાર અને તબિયત વિષે પૂછપરછ કરતો હતો. પણ આજ તે વહેલો આવી ગયો હતો.

આકાર પટેલ આજે ખાસ વહેલો આવ્યો હતો!! આજે તેનાં માટે જિંદગીનો એક મહત્વનો દિવસ હતો!! આજે વેલેન્ટાઈન ડે હતો અને ચાર મહિના પહેલાં તેણે નક્કી કર્યું જ હતું કે આ વખતે નેહાને પ્રપોઝ કરી જ દેવું છે કે “નેહા જીવનભર હું તારો સાથ નિભાવીશ, તું મારો સાથ નિભાવજે ,” આગળ એ પણ વિચાર્યું હતું કે કદાચ નેહા સમય માંગે અથવા તો ઇનકાર કરે તો પણ દરેક પરિસ્થિતિ માટે તે તૈયાર હતો!! અને આમેય ખેડૂતનો દીકરો હતો ને એટલે સંજોગો સામે એ સહેલાઈથી ઝુકે એવો નહોતો. એનાં પિતા રણછોડભાઈ ગામડે રહીને ખેતી કરતાં હતાં. કુટુંબમાં તો ચાર જણાનું જ કુટુંબ પોતે, પિતા રણછોડભાઈ માતા ગૌરી બહેન અને એની લાડકી બહેન સંજના!! સંજના હજુ તો દસમાં ધોરણમાં હતી પણ હતી વાચાળ અને ચબરાક!! અસલ ગૌરીબહેન ઉપર જ ગઈ હતી. શહેરથી ૬૦ કિમી દૂર એક ગામડામાં આકાર પટેલનો પરિવાર રહેતો હતો. આકાર આ શહેરમાં એક રૂમ રાખીને ભણતો હતો. બી.કોમ ના ફાઈનલ વરસમાં હતો. સાથોસાથ સીએ ની તૈયારી કરતો હતો. ભણવામાં તેજસ્વી હતો. મામા સુરતમાં ચાર્ટડ એકાઉન્ટની ઓફિસમાં નોકરી કરતાં હતાં એટલે જ એણે ધોરણ દસ પછી જ નક્કી કરી નાંખેલું કે ભણવું તો કોમર્સમાં અને થવું તો સીએ જ!!

આકાર પટેલ ઉભો થયો. હોસ્પીટલના ચોથા માળેથી નીચે નજર કરી નીચે જ શહેરનો મુખ્ય રસ્તો પસાર થતો હતો… નીચે બાઈકો પસાર થતાં હતાં.. મોટાભાગના બાઈકો પર કપલ સવાર હતાં. રસ્તાની પેલી સાઈડ એક ફૂલોની દુકાન અને એક ગીફ્ટ આર્ટીકલ આજે વહેલા ખુલી ગયાં હતાં. આજે ત્યાં ધૂમ ખરીદી થવાની હતી. કોલેજમાં દાખલ થાય ત્યારથી જ અમુક આ વેલેન્ટાઈન ડેની રાહ જોતા હોય છે!! સહુ સહુની રીતે ખુશ હતાં.. આકારે પોતે લાવેલ ગુલાબના ફૂલ તરફ જોયું. સાથે એક થેલીમાં એક બોક્સ હતું એમાં એક વીંટી હતી. અને એક મોટી ચોકલેટ હતી!! દુનિયાની દરેક કોલેજીયન યુવતીની જેમ જ નેહા ને ચોકલેટ ખુબ જ ભાવતી હતી. પણ આજે તે ચોકલેટ ખાશે ખરી!!!!?? આકાર પટેલની આંખોમાં આંસુ આવી ગયાં હતાં!! પોતાની પ્રાણ થી પણ પ્યારી નેહા છેલ્લાં બે મહિનાથી આ સ્પેશ્યલ રૂમ માં એડમીટ છે!! શરૂઆતમાં તાવ આવેલો ચારેક દિવસ અને પછી એક દિવસ તાવ અચાનક વધ્યો બે દિવસ પછી તાવ ઉતરી ગયો. પણ નેહાનું શરીર સાવ નંખાઈ ગયું હતું. નેહા સ્વસ્થ થઇ રહી હતી. કે અચાનક એક દિવસ ડોકટર નિશાંત પટેલે એને કહ્યું કે નેહાને એક બીમારી એવી લાગી ગઈ છે કે એ સતત ઊંઘ્યા કરશે. કેટલો સમય ઊંઘે એ નક્કી નહિ પણ આ કિસ્સામાં દરદી ઊંઘ્યા જ કરશે. મેડીકલ સાયન્સ માં આવી બીમારીના કિસ્સા લગભગ રેર જ હોય છે.

પણ કહેવાય છે ને આફત આવે ત્યારે એકલીના આવે પોતાની સાથે બીજી આફતને પણ લેતી આવે એમ અઠવાડિયા પછી નેહાની યાદદાસ્ત જ જતી રહી કોઈને પણ ઓળખતી નહિ. કશું સમજે નહિ. કશી લાગણી નહિ. બસ કલાકો સુધી સુઈ રહે. એની સારવાર માટે બે નર્સ રાખી હતી જે સતત નેહાના રૂમમાં જ હોય. ડો. નિશાંતે બીજા મુલાકાતી માટે મનાઈ ફરમાવી હતી. કારણ કે હોસ્પીટલમાં ખબર પડી ગઈ હતી ચોથા માળે એક છોકરીને આવી વિચિત્ર બીમારી લાગી છે એટલે ઓળખાણ હોય કે ના હોય બસ જોવા ખાતર દર્દીઓના અને દર્દી સાથે આવેલ સગા સંબંધી નો ટોળા વળતાં!! મોટાભાગનાને કોઈ સહાનુભુતિ નહોતી પણ બસ જોવા ખાતર કે એ બીમારી કેવી હોય!! બસ પછી તો એ ચોથા માળે કોર્નરનો છેલ્લાં રૂમમાં જ નેહાને શિફ્ટ કરી દીધી હતી અને ગેલેરીમાં બે સિક્યુરીટી ગાર્ડ બેસાડી દીધાં!! એ રૂમ બાજુ જવાનું જ નહિ કોઈને એવી સખત સુચના!! ફક્ત બે નર્સે, એક ડોકટર!!! નેહાની માતા અરુણા બહેન અને આ એક આકાર પટેલ!! બસ આ પાંચ જ લોકો નેહાને રૂમમાં જોઈ શકે અને એ પણ વીસ જ મિનીટ વધુ નહિ અને એ પણ સમય સર જ સવારે સાડા આઠે!!! બપોરે બે વાગ્યે!!! સાંજે છ વાગ્યે!!! અને રાતે નવ વાગ્યે!!

નેહા પટેલ!! કોમર્સ કોલેજમાં એક ધીંગા મસ્તીનો ખજાનો જ જોઈ લો!! આકાર અને એનાં બીજા બે મિત્રો ગૌરવ અને કાર્તિક સાથે નેહા ધોરણ બાર થી સાથે ભણતી હતી!! એક જ બેંચ બેસતા અને એ પણ છેલ્લી બેંચ પર!! નેહા નો ચહેરો સુડોળ લાંબા વાળ, આંખોમાં એક મસ્તીની ચમક અને ભરપુર તંદુરસ્તી!! ઉર્જાનો એક અવિરત સ્ત્રોત તમને જોવા મળે જયારે તમે એને જુઓને ત્યારે!! નેહા કોલેજે ક્યારેક આઈ ટેન લઈને આવે ક્યારેક એકટીવા લઈને આવે!! નેહાના પિતા પ્રદીપભાઈ નેહા જયારે દસમાં ધોરણમાં હતીને ત્યારેજ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં. પોતે વીમાનું કામ કરતાં હતાં અને પોતાનો મોટી રકમનો વીમો ઉતારેલો હતો. પતિનાં અવસાનથી અરુણાબેન હેબતાઈ તો ગયેલાં પણ હિમત ના હારી. સંતાનમાં તો એક ની એક દીકરી હતી. એને સાસરે વળાવી દેવાની એક માત્ર જવાબદારી હતી. શહેરના સારા એરિયામાં મકાન હતું. પૈસાની કોઈ કમી નહિ હોય એમ નેહા જે રીતે રહેતી એનાં પરથી તમે એનુંમાન લગાવી શકો. જે દિવસ નેહા આઈ ટેન લઈને આવે ત્યારે કેમ્પસમાં બધાં સમજી જાય કે આ ચારેય “ફેન્ટાસ્ટીક ફોર” આજ ક્યાંક ને ક્યાંક ચોક્કસ જવાના!! કોલેજમાં આ ચારેયની જોડી “ફેંટાસ્ટીક ફોર” તરીકે ઓળખાતી!! અને બધાને છુપી ઈર્ષા પણ થતી!! અને એનાં બે કારણો હતાં!

કારણ એક આ ચારેય ગમે ત્યાં જાય જમવા , ફરવા કે મુવી જોવા એ માટે નેહા જ કાર લાવતી એ જ કાર ચલાવતી અને મોટે ભાગે તમામ ખર્ચ એ ભોગવતી!!

કારણ બે કે આ ચારેય ભણવામાં બ્રીલીયન્ટ હતાં અને ચારેય દેખાવડા હતા!! પૂરી રીતે જીંદગી જીવી રહ્યા હતાં!!
કોલેજમાં આવ્યાં પછી છેલ્લાં બે વરસોમાં આકાર પટેલને નેહા પ્રત્યેનો સ્નેહ વધતો ગયો. પણ નેહા તો આ ત્રણેયને સરખું જ મહત્વ આપતી!! વેલેન્ટાઈના દિવસે આ ત્રણેય ના ગુલાબો સ્વીકારતી, બધાનું આભાર દર્શન કરે અને પછી એક અદામાં બોલે!!

“થેંક યુ ગાયઝ !! થેન્ક્સ ફોર અ લોટ!! આજે વેલેન્ટાઈન ડે છે તો આ રાજકુમારી નેહાની એવી ઈચ્છા છે કે આખું વરસ તમે બધાં મારી કારમાં મફતમાં રખડ્યા છો તો આજના દીવસ તમારે મને ખુશ કરવાની છે તો આજે ગૌરવ બધાને જમાડશે., કાર્તિક મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ દેખાડશે અને છેલ્લે વધ્યા એ હીરો આકાર પટેલ બધાં માટે ચોકલેટ લાવશે. મારા માટે ચાર ચોકલેટ લાવશે કારણ કે એક ચોકલેટ થી મારા પેટમાં પ્રવાહ પણ ના પહોંશે!”

બસ આ રીતે દર વેલેન્ટાઈન ડે ઉજવાતો. આકારે આપેલ ચોકલેટ નેહા રસપૂર્વક ખાતી!! ચોકલેટ ખાવાની પણ એક સ્ટાઈલ હોય એ આકાર નેહા પાસેથી જ શીખ્યો હતો, સ્લેબનો એક એક ટુકડો એ ધીમે ધીમે ખાતી અને ખાતી વખતે એનાં ફેસ એક્ષપ્રેશન જોવા જેવા બનતા. નેહા આમ તો એક બહાદુર છોકરી હતી, પણ સ્ત્રી સહજ કોમળતા એનામાં પણ હતી. કોલેજના પ્રથમ વરસે જ એની બહાદુરીતાનો પરિચય મળી ગયેલો. શાળામાં કંઇક યુવા મહોત્સવ જેવું હતું અને એમાં બે છોકરાઓએ એક છોકરીને છંછેડી કંઇક આવા શબ્દો વાપર્યા “વાહ આતો ફર્નિચરની ફાટ બાંધીને આવી છે” અને પેલી છોકરી રડી, ઘણાં બધાં હતાં. પણ પેલાં બે તો અવનવી કોમેન્ટ કરતાં જાય, નેહા અને બીજી બે ત્રણ છોકરીઓ કાર પાસે ઉભી હતી અને ટોળું દેખાણું એટલે કુતુહલ વશ ત્યાં ગયાં, પરિસ્થિતિ જાણી પેલાં બે ને સમજાવ્યા કે એને રડાવો છો શું કામ?? પણ પેલાં બે ના માન્યા! એટલે પછી નેહા એ પેલાં બંને ને સેન્ડલ વડે ધોઈ નાંખ્યા અને બધી હવા કાઢી નાંખી ધોરણ ત્રીજાથી નેહાના પપ્પાએ નેહાને કરાટે કલાસમાં મોકલતા એ પેલાં બેયને તો કયાંથી ખબર હોય!!!?? વાત વધી એમનાં સાગરીતો આવ્યાં!! અને આમેય કોલેજમાં લખણ ઝળકાવનારા ની પાછળ સાગરીતો તો હોવાના જ !! પ્રિન્સીપાલ આવ્યાં!! એક છોકરીએ બે છોકરાને ધીબેડી નાંખ્યા એટલે કેમ્પસમાં મોટું ટોળું થયું. નેહા બોલી.

“બધામાં થોડાં અપલક્ષણ હોય પણ અમુક અપલક્ષણ ઘરે જ બતાવના હોય!! જાહેરમાં અપલખણ બતાવો તો ક્યારેક ઝુડાઈ પણ જાવ!!”

“કોઈનો વાંક હોય તો પ્રિન્સીપાલને ફરિયાદ કરાય, સિક્યુરીટી ગાર્ડને ફરિયાદ કરાય અને પોલીસને પણ ફરિયાદ કરાય પણ આમ જાહેરમાં કાયદો હાથમાં લેવો એ યુનીવર્સીટીના કયા કાયદામાં આવે છે મારા છોકરાનો વાંક હોય તો એને પણ સજા થાય પણ આમ જાહેરમાં એને મરાય આતો એક ફેશન થઇ ગઈ છે છોકરીઓની કે પોપ્યુલર થવું” પેલાં ના પિતા ઉકળી ગયાં એને ખબર હતી કે એનાં નંગની જ ભૂલ છે પણ તોય થોડો બચાવ તો કરવો જ પડેને??

“સરસ નિયમ જાણો છો તમે મને નિયમ સમજાવતા પહેલાં થોડાં નિયમો તમારાં છોકરાને શીખવ્યાં હોત તો કેવું સારું થાત નહિ,?? તમે એને અહી ભણવા મોકલો છો કે કુટુંબના સંસ્કારોનું પ્રદર્શન કરવા” અને જબરદસ્ત અસર થઇ. આખું ટોળું હવે નેહાની તરફેણમાં બોલવા લાગ્યું અને પેલાએ ચાલતી પકડી. બસ આ પ્રસંગથી કોલેજમાં શાંતિ કોઈ જ જાતનો અનિચ્છનીય ઘટના ત્યારબાદ બની જ નહિ. પછી તો આખી કોલેજમાં નેહાને એક માન અને સન્માન મળ્યું!! પછી તો દિવસો વિતતા ગયાં અને કોલેજના લાસ્ટ યર ના ડીસેમ્બરમાં નેહા તાવમાં સપડાઈ ચારેક દિવસ પછી તાવ તો ઉતર્યો પણ ઊંઘવાની બીમારી લાગુ પડી ગઈ અને સાથોસાથ યાદદાસ્ત પણ ગઈ. નિશાંત પટેલે નેહાની મમ્મીને જાણ કરી કે હવે કશું નક્કી નહિ નેહાને ક્યારે સારું થાય!! કોલેજમાંથી તમામ છોકરીઓ અને સ્ટાફ ખબર પૂછી ગયો. આકાર, કાર્તિક અને ગૌરવ હોસ્પીટલમાં ખડે પગે રહેવા લાગ્યાં. નેહાની માતા અરુણાબેનને સાંત્વના આપતા અને હિમંત આપતા પણ કેટલા દિવસ?? બીમારીને પંદર દિવસ થયાં, હવે અરુણાબેન અને આકાર સિવાય નેહાની પાસે કોઈ જ રહેતું નહિ. ક્યારેક કોઈ રડ્યા ખડ્યા સંબંધી આવે અને એ પણ જાણે દાઝ ઉતારવા આવે એમ જ બોલે!!

“અરરરરરર……………..માડી આ શું થઇ ગયું,?? હવે આ છોડીનું શું થાશે……??? બાપરે આવી બીમારી તો દુશ્મનને ય ના આવે….એક તો એને બાપા નહિ…અને હવે મા પણ કેટલા દાડા….?? કોકે કાંઇક કરી દીધું લાગે છે…કાંઇક ખવરાવી દીધું છે…. બાકી આવા રોગ તો કોઈને ના થાય” આકારનો મગજ છટકી જાય આવું સાંભળી પણ ડો.નિશાંત એને ચુપ રહેવાનો ઈશારો કરે.. અરુણાબેનની શી દશા થતી હશે એવી કલ્પનાથી આકારને કમકમાં આવી જતાં હતાં!! પણ પછી તો કોઈ આવતું નહિ મિત્રો પણ ફોનથી સમાચાર પૂછી લેતા અથવા એ કોલેજ જાય ત્યારે બધાં પૂછે કેમ છે નેહાને?? તબિયત સુધરી કે નહિ?? બે મહિના પુરા થઇ ગયાં હતાં હવે પણ તોય દિવસમાં સવારે બપોરે સાંજે અને રાતે આટલો ટાઈમ પણ આકાર નિયમિત રીતે નેહાની મુલાકાત લે. સાથે ડો.નિશાંત હોય એક નર્સ હોય!! લગભગ નેહા સુતી હોય!! આંખો બંધ કરીને એકદમ સ્થિર મો, ક્યારેક મંદ સ્મિત હોય. અરુણાબેન સવારે અને સાંજે આવતાં થોડાં સમય પછી સવારે આવે ત્યારે એ નેહાના કપડાં લાવે. ક્યારે નેહા જાગે એ નક્કી ના હોય એટલે ખોરાકની તમામ વ્યવસ્થા નીચે કેન્ટીનમાં થતી. નેહા જાગી જાય તો નર્સ એને ખવરાવી દે, અને આકાર જયારે મુલાકાત લે ત્યારે એને કહે કે નેહા એ આજે પાંચ રોટલી ખાધી અને આકાર નો ચહેરો ખીલી ઉઠે!! થોડાં સમય પહેલાં જ ડો.નિશાંત સાથે આકાર ને વાત થયેલી.

“મિસ્ટર આકાર તમે આમને આમ ક્યાં સુધી અહી આવતાં રહેશો?? તમે જાણો છો કે નેહા ક્યારે સાજી થાય એ નક્કી નહિ, તમે એનાં મિત્ર છો એટલે કહું છું, બહું લાગણી સારી નહિ મિસ્ટર આકાર આખરે દરેકને વાસ્તવિકતા સ્વીકારવી પડશે” આકાર નેહાના પગ પાસે ઉભો હતો. નેહાના માથા પાસે અરુણાબેન ઉભા હતાં અને ડોકટર બંનેની વચ્ચે ઉભા હતાં.

“આપને પસંદ નથી ડો.સાહેબ હું હોસ્પીટલે આવું એ??” આકારે કહ્યું.

“ના એ વાત નથી પણ આપ અહી અભ્યાસ કરો છો અને છેલ્લાં દોઢેક માસ ઉપર સમય થઇ ગયો. મોટેભાગે તમે અહીંજ હો છો ભણવા પણ જતાં નથી એટલે પૂછ્યું. કોઈ ટૂંકી બીમારી હોય કે અમુક દિવસની વાત હોય તો બરાબર, પેલાં તમારા બે મિત્રો થોડો સમય આવ્યાં ને પછી હવે નથી આવતાં એમ તમે પણ સ્થિતિ સમજી લો તો સારી બાબત છે, તમારાં ભવિષ્ય બાબતે સારું રહેશે. તમારી લાગણીને સલામ પણ ક્યાં સુધી આ બધું??” ડોકટર નિશાંતે ખુલાસો કર્યો.

“જ્યાં સુધી નેહા એકદમ સારી ના થઇ જાય ત્યાં સુધી હું આ રીતે જ આવતો રહીશ. કદાચ અરુણાબેન કે આપ ના પાડો તો હું કદાચ રોડ પર ઉભો રહીશ, સાહેબ તમને નવાઈ લાગશે કે અંદરથી એક લાગણીનો પ્રબળ ધોધ મને આવું કરવા પ્રેરે છે” આકાર બોલ્યો કે તરત જ અરુણાબેન બોલ્યાં.

“ડોકટર કે હું ના નથી પાડતા પણ એનું કહેવું એવું છે કે હવે તારે તારું વિચારવું જોઈએ, અભ્યાસ બાબતે અહી ખોટું શું કામ રોકાવું એમ?? ,કામ હોય ત્યારે તને બોલાવી લઈશું, બાકી તું અભ્યાસ કર કોલેજ જઈને , બાકી અમે જોઈએ છીએ કે જ્યારથી નેહા બીમાર પડી ત્યારથી તું ખડે પગે છો. મારે આવવામાં મોડું થાય પણ તું તારા ટાઈમે આવી જ જા છો બેટા”

“મારું બધું અહીંજ છે, મારું સમગ્ર અસ્તિત્વ નેહામાં સમાયેલું છે, આપને કદાચ ખ્યાલ નહિ હોય આવતાં વેલેન્ટાઈન ડે ના દિવસે હું નેહાનો હાથ તમારી પાસે માંગવાનો હતો, એ પણ નેહાની મરજીથી!! એવું મેં મનમાં વિચારેલું હતું.. પણ ભગવાને જે ધાર્યું હોય એ જ થાય ને પણ હું વેઇટ કરીશ જે સમય લાગવો હોય એ લાગે”

“ઇતિહાસમાં નામ અમર કરવું છે,? શહેરમાં લોકપ્રિય થવું છે,??આજની આ પેઢી દાખલો બેસાડવા માટે ગમે તે હદ સુધી જાય” ડો.નિશાંત બોલ્યાં.

“ડોકટર તમે જીંદગીમાં ક્યારેય પ્રેમ કર્યો છે? કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી ઉત્પન્ન થઇ છે?” આકારે ડોકટર નિશાંતને પૂછ્યું.

“ના મેં પ્રેમ નથી કર્યો, પણ મેં લગ્ન કર્યા છે અને મારી પત્નીને ભરપુર ચાહું છું” ડો.નિશાંતે જવાબ આપ્યો.

“સારી વાત છે પણ માફ કરજો સાહેબ, થરપાકારના રણમાં રહેતો માણસ કાશ્મીરની સુંદરતા શું કહેવાય એની ખબરના હોય એવી વાત છે. ડોકટર તમારાં ભણવા મુજબ હાર્ટ લોહીનું પરીભ્રમણ કરવામાં મદદરૂપ થાય છે એટલું જ આવે પણ મારી દ્રષ્ટીએ હાર્ટમાં લાગણીનું પણ ભ્રમણ થતું હોય છે એ એવી લાગણીઓ હોય છે કે જે અનંત કાળ સુધી ચાલ્યા કરે ડો.સાહેબ!! સાચી લાગણી સતત વધતી જાય સાહેબ ક્યારેય ઓછી ના થાય પણ ડોકટર એ તમને નહિ સમજાય!! ઇટ્સ નન ઓફ યોર બિઝનેશ ડોકટર” આકારે જે સ્વસ્થ્તાપૂર્વક જવાબ આપ્યો એ જોઇને ડોકટર પ્રભાવિત થયા પણ ચહેરાની રેખાઓ પર કળાવા ના દીધું. અને એણે આગળ ચલાવ્યું.

“મી. આકાર તમે કોમર્સના વિદ્યાર્થી છો. એમ આઈ રાઈટ?? અને કોમર્સ વાળો એવા ધંધામાં ક્યારેય રોકાણ ના કરે કે જેનું કોઈ ભવિષ્ય જ ના હોય”

“ડો. સાહેબ પ્રેમમાં એક તરફી જ રોકાણ હોય,!! એનું વાર્ષિક સરવૈયું ના કાઢવાનું હોય!! જીવનમાં એ સીધું ઉતરી જ જાય!! એમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું ક્યારેય ના થાય!! અને મારા માટે પ્રેમ એક ધંધો નથી, મારા માટે પ્રેમ એ જીવન છે!! વળતરની આશા ધંધામાં રખાય જીવનમાં નહિ અને પ્રેમ ને હું એક કર્મ જ ગણું છું, જીવનમાં જે જે કર્મો નિસ્વાર્થ ભાવે કર્યા હોય એ તમામ પ્રેમ જ હોય!!” આકારે કહ્યું કે તરત જ ડો.નિશાંત બોલ્યાં.

“ આ બધો શરૂઆતનો ઉન્માદ છે, યુવાન લોહીનો પ્રતાપ છે! બાકી આ વીસ વરસની સર્વિસમાં મેં એવા અસંખ્ય આપઘાતના કેસ જોયા છે કે જેઓએ લવ મેરેજ કર્યા હોય ને પછી બેમાંથી એક ઝેર પીવે!! ક્યારેક મરે ક્યારેક જીવે!! આ તો માની લ્યો કે અરુણાબેનની પાસે અત્યારે સગવડ છે અને નેહાના પાપા મારા મિત્ર હતાં, હું એમનો ફેમેલી ડોકટર એટલે બહું ઓછાં ખર્ચમાં નેહાની સારવાર થઇ રહી છે. પણ આમને આમ ક્યાં સુધી ચાલે?? કાલે સવારે અરુણાબેનની ગેરહાજરી થઇ અને પછી તમારે પણ તમારા કુટુંબની જવાબદારી હોય કે નહિ? કારણકે તમારા પાપાને કોઈ ગામડામાં એમ પૂછે કે આકાર ભાવનગર શું કરે છે?? તો એ આવો જવાબ આપતા હશે કે આકાર ભાવનગરમાં ભણે છે અને પછી નોકરી કરે છે, એ એમ નહિ કરતાં હોય કે આકાર ભાવનગરમાં પ્રેમ કરે છે અને એક છોકરી માટે એ જીવનભર પ્રતિક્ષા કરે છે!! અને આકારના હાર્ટમાં લોહી નહિ પણ લાગણી વહે છે!!, તમારાં કુટુંબને વાત કરી તમારા વિચારો બાબત મી. આકાર?? ” ડોકટરે વકીલની માફક દલીલ કરી.

“વાત કરવાનો છું!! વેલેન્ટાઈનના બે દિવસ પહેલાં હું મારા મમ્મી પાપાને મળવાનો છું. બધીજ વાત કરીશ. અને પછી મેં બધું વિચારી લીધું છે. ઘરે બેઠા એકાઉન્ટ લખીશ. નેહાને અત્યારે તો જરૂર નહિ પડે પૈસાની પણ મારા કુટુંબ માટે પણ કમાઈશ અને મારા પ્રેમ માટે કમાઇશ. ડો. સાહેબ પટેલ નો દીકરો છું. પાતાળમાંથી પણ પાટુ મારીને પૈસો ભેગો કરીશ!! યુ કેન વેઇટ એન્ડ વોચ ડોકટર સાહેબ” એક અજબ ખુમારીથી આકાર પટેલે ડો. નિશાંત ને કહ્યું અને નિશાંત નેહાના રૂમમાંથી જતાં રહ્યા. અરુણાબેને આકારને બાથમાં લીધો અને આકાર બોલ્યો.

“ મમ્મી આ વેલેન્ટાઈનના દિવસે હું નેહા ને એક વીંટી પહેરાવીશ અને એક ચોકલેટનો ટુકડો ખવરાવીશ, નેહાની જવાબદારીમાંથી હું તમને મુક્ત કરીશ. હું મારા માતા પિતા સાથે વાત કરી લઈશ.” અને અરુણા બહેન ત્યારે એટલું જ બોલ્યાં કે,

“ભગવાન તમારું ભલું કરે”

અને પછી આકાર કાલ સાંજે જ માં બાપને મળી ને આવ્યો હતો બધી જ વાત કરી કે નેહા સાથે એ લગ્ન કરવા માંગતો હતો, પણ અચાનક આમ થયું અત્યારે એ ડો.નિશાંતની હોસ્પીટલમાંમાં સારવાર હેઠળ છે. કયારે સંપૂર્ણ સાજી થાય એ નક્કી નહિ નેહાને એક મમ્મી જ છે એને પાપા નથી. અત્યારે તો કોઈ વાંધો નથી પણ એની મમ્મી ને કાઈ થઇ જાય તો પછી નેહાનું કોણ?? એટલે આ વેલેન્ટાઇન ના દિવસે હું નેહા ને અપનાવી લઉં છું. અને એનાં મમ્મીને ચિંતામાંથી મુક્ત કરું છું. હું નોકરી કરીશ તમને પણ પૈસા મોકલાવીશ અને ત્યાનો ખર્ચ પણ ઉઠાવીશ અને નેહા બરાબર સાજી થઇ જશે પછી મેરેજ કરીશ નહિ તો પછી એ જીવે ત્યાં સુધી સારવાર. કોઈ કશું બોલ્યું નહિ પણ સંજના બોલી ઉઠી કે ભાઈ હું તમારી સાથે આવું મારે ભાભીને જોવા છે અને હું ત્યાં હોસ્પીટલમાં રહું તેમની સાથે પણ આકારે ના પાડી કે તું હજી નાની છો ને દસમાની પરીક્ષા આવે છે એટલે તારે વાંચવાનું છે!! સંજનાનું મોઢું પડી ગયું. છેલ્લે જતી વખતે રણછોડભાઈ એટલું બોલ્યાં કે જે કરે એ જોઈ વિચારીને કરજે, તું મારો એકનો એક દીકરો છો અને ગઈ મોડી રાતે એ પોતાની રૂમ પર આવ્યો અને આજે સવારે એ ગુલાબનું ફૂલ, વીંટી અને એક ચોકલેટ લઈને સવારમાં વહેલો હોસ્પિટલ પર પહોંચી ગયો હતો.

“ગુડ મોર્નિંગ મિસ્ટર આકાર હેપ્પી વેલેન્ટાઈન ડે “ આકાર તંદ્રામાંથી બહાર આવ્યો. ઘણો સમય વીતી ગયો હતો સામે ડો.નિશાંત ઉભા હતાં. એણે આભાર માન્યો અને ડો.સાથે નેહાના રૂમમાં આવ્યો. નેહા સુતી હતી. ડો.દુર ઉભા રહ્યા આકારે નેહાના મસ્તક પર હાથ ફેરવ્યો. બસ અરુણા બહેન આવે એટલી વાર જ હતી. આકાર આજે અરુણાબેન અને ડો.ની હાજરીમાં નેહા સામે એકરાર કરવાનો હતો. એક રીંગ પહેરાવવાનો હતો. અને એક નવી જિંદગીની શરૂઆત કરવાનો હતો. એવા માં સિક્યુરીટી ગાર્ડ સાથે કોઈ માથાકૂટ કરતુ હતું. અરુણાબેનનો અવાજ હતો પણ બીજો કોઈ જાણીતી સ્ત્રીનો પણ અવાજ હતો. ડો.નિશાંત અને આકાર બહાર ગયો અને જોયું તો સ્તબ્ધ અરુણાબેનની સાથે તેનાં મમ્મી પાપા અને સંજના પણ હતી. સિક્યુરીટી વાળો ફક્ત અરુણાબેન ને અંદર આવવા દેવા માંગતો હતો. બીજા કોઈને નહિ. ડો.સિક્યોરીટી ગાર્ડને કીધું કે બધાને અંદર આવવા દો. બધાં અંદર આવ્યાં આકાર માતા પિતાને પગે લાગ્યો અને સંજના તો સીધી જ નેહા પાસે દોડી.

“ભાઈ સરસ ભાભી શોધ્યા છે હો!!, કોન્ગ્રેચ્યુલેશન ભાઈ” સંજના નેહાના ગાલ પસવારતી હતી. અરુણાબેન બોલ્યાં

“નીચે જ આકારના માતા પિતા મળી ગયાં નેહા વિષે પૂછપરછ કરતાં હતાં મેં એને ઓળખાણ આપી ને ઉપર લઇ આવી.” ડો. બધાની સામે હાથ જોડ્યા, ડો. બધી વાત કરી ને પછી આકારના મમ્મી ગૌરીબેન બોલ્યાં.

“કાલે જ અકુ એ મને ને તમારાં ભાઈને વાત કરી. આકારને હું અકુ કહું છું સાબ, અમારો સાત ખોટનો એકનો એક દીકરો. અને રાતે મેં અકુના પિતાના વાત કરી કે અત્યારે છોકરા ઘરેથી કીધા વગરના ભાગી જાય છે ને પછી પોલીસ ઘરે આવે ત્યારે ખબર પડે કે આપણા કુંવર તો કોઈકની કુવરી લઈને ભાગી ગયાં છે એનાં કરતાં તો આપણો અકુ સારો નહિ આપણને પૂછવા તો આવ્યો!! એટલે ઈ ભલે મોટું મોટું ભણે પણ કેવાય તો છોકરુજ ને અને બચારો એકલો મુંજાઈ જાય ને, કાઈ એવું પગલું ભરે ને તો ભાઈ આપણે દીકરો ગુમાવી બેસીએ ને તે મેં રાતે જ અકુના બાપાને કીધું કે કાલ સવારે જ આપણે જ ભાવનગર જઈએ. અકુને જેની હારે લાગણી બંધાણી છે ઈ છોડીની માં ને મળીયે અને સંબંધ જ કરી નાંખીએ એટલે વાત જ પૂરી થાય અને ઈની મા માને તો ઈ છોડીને ગામડે જ લઇ આવીએ!! આ શહેરમાં તો મને ના ફાવે અને નત નવા રોગ નીકળે અમારા ગામડામાં રહેને તો ઘી દૂધ સારા મળે!! અને આ છોડી ને ઝટ સારું પણ થઇ જાય મને તો નામ પણ નથી આવડતું આ છોડીનું પણ અકુના પાપા છોડી છે તો રૂપાળી હો!! અકુની જોડ ની જ છે તો અરુણાબેન તમને વાંધો ના હોય તો અમે આ સંબંધની માંગણી કરીએ છીએ. તમારે તમારી દીકરીની ચિંતા જ નહિ કરવાની અમે આ અમારી વહુની સેવા કરીશું અને સેવા કરવાથી કોઈ મરી ગયું હોય એવું મેં સાંભળ્યું નથી.” અને ડોકટર ને અરુણાબેન તો સંભાળતા જ રહી ગયાં!! આતો આખું ખાનદાન ઝગારા મારતું હતું!! આકારનો ચહેરો પણ ખીલી ઉઠ્યો. પાછા ગૌરીબેન બોલ્યાં એક અસ્ખલિત વાણીમાં

“જુઓ બહેન આ બધી અંજળની વાતું છે. અમારા ભાગ્યમાં વહુની પેલાં સેવા લખાણી હોય તો આવું થાય નહીતર એવું પણ બની શકે ને લગ્ન પછી કદાચ આ છોડીને આવું થયું હોત તો ?? શું અમે એને કાઢી મુકત?? રામ રામ કરો રામ રામ !! વાતમાં માલ નહિ હો બહેન !! અમે તો ગાય વહુકી જાય કે બળદ કામ કરતો બંધ થાય તો પણ જીવની જેમ પાલવિયે હો!! આ તો અમારી લક્ષ્મી ગણાય આમ તો મારા આ બેય છોકરા મોટા થઇ ગયાં છે એટલે આવી વાત ઈની હાજરીમાં નો કરાય પણ આ જ ખરો ટાઈમ છે એટલે વાત કહી જ દઉં. મારૂ અને અકુના બાપાનું કાંઇક આમજ ગોઠવાણું હતું. ઘણાં વરહ થઇ ગયાં એક વાર અમારે ગામમાં જાન આવીતી ને અકુના બાપાને પેલી વાર જોયેલાં ઈ વરરાજાની બાજુમાં બેઠેલા ને હું સામૈયું લઈને ગઈ હતી. તીયારે મેં એને પેલી વાર જોયેલાં અને ગમી ગયેલાં તે ઈ મારી સામું જોવે ને હું એની સામું. બસ પછી જાન વળાવી ત્યાં સુધી અમે બેય એક બીજાની સામું જ જોયે રાખ્યું ને જાનની બસ ઉપડીને ત્યારે ઈ બસમાં બેઠા ને એક ચીઠી નાંખી બારીમાંથી ઈ વળી બધાં ગયાં પછી મેં ઉપડેલી એમાં ગામનું નામ હતું. ઈનું નામ હતું ને સરનામું હતું. બસ કાળજે કોતરાઈ ગયેલું.

પછી મેં મારી બેનપણી ને કીધું ને એમ છેડા કરતાં કરતાં એક વખત અમારા ગામમાંથી જાન ઇના ગામમાં ગઈ તી હુંય ગઈ જાનમાં તે ઈને જોયા ઈય રાજી અને હુંય રાજી પાછા અમે બેય ઇક બીજાને જોયા કર્યા અને પછી જમણવાર શરુ થયો. અને સાબ ઈ વખતે બેસીને જમવાનું અત્યારની જેમ હાડ હાડ થઇ ને ઉભા ઉભા ખાવાનો રીવાજ જ નહિ તે અકુના બાપા પીરસવા નીકળ્યાં, હું તો મારી પંગતમાં બેનપણી હારે બેઠી તી તે ઈ બધાને એક લાડવો આપે અને મારી થાળીમાં બે લાડવા નાંખે!! બીજીવાર ઈ આવ્યાં ત્યારે લાડવા હારે બરફીના બટકા લાવેલા તે ફરીથી બે લાડવા અને ચાર બટકા નાંખી દીધાં!! હું પણ બધું ખાઈ ગઈ ને ત્રીજીવાર આવ્યાં ને પછી મેં ડોળા કાઢ્યા કે ચોથી વાર ઈ આવ્યાં જ નહિ. અને પછી તો મારી બેનપણી એ મારી બા ને વાત કરીને, મારી બા એ મારા બાપાને તે ઇના ઘરે ચા પાણી પીયાવા મારા માં અને બાપા ને પછી તો રૂપિયો નાળીયેર આપી ગયાં. અમારા લગ્ન થયા. પણ લગ્ન થયા ત્યાં સુધી અમે એકબીજા સાથે બોલેલા નહિ..!!

અને અત્યારે અમારા ગામડામાં પણ છોડિયું અડધી રાત સુધી ધાબા પર કાનમાં દટીયું ભરાવી ભરાવી ને સંબંધ થયો હોય ઈની હારે વાતુય કરે લ્યો બોલો!! સાબ પેલાં આવું નહોતું. પછી તો મને સીમંત કરીને તેડી આવ્યાં મારા પિયરમાં અને આ અકુ આઠ મહિનાનો હતો ને અકુના બાપાના કોઈ સમાચાર નહીં તે આઠમે મારા સાસરીયામાંથી એક બાઈ આવી અને એણે વાત કરી કે ગૌરી તારો ધણી તો બીમાર છે, પાંચ મહિનાથી ખાટલે છે અને તારા બાપાએ વેવાઈને ના પાડી દીધી કે ગૌરીને હવે ન્યા નથી મોકલવી બીજે સારે ઠેકાણે ઘરઘાવી દેવી છે અને સાબ તમે નહિ માનો મને પેટમાં એવી બળતરા ઉપડી કે ના પૂછો વાત પણ હવે બાપને કેમ કહેવું?? મેં મારી માને વાત કરી કે મારે જાવું તો ઈ ઘરે જ જાવું છે મારી માં કહે પણ જમાઈ જીવે ઈમ જ નથી ત્યાં જઈને શું કામ દખી થાશ. એવા માં એકવાર ગામની એક શિક્ષિકાબેન સમાચાર લાવ્યાં અને એક ચિઠ્ઠી લાવ્યાં ઈ બહેન ના ઘરવાળા ત્યાં નોકરી કરે અને અકુના બાપાને ઈ ખબર અને ઈ ચીઠીમાં લખ્યું હતું કે “ગવું એક વાર મને મળી જા તું” તારા વગર હું જીવી તો નહિ શકું પણ મરી ય પણ નહિ શકું!!’

બસ ખલાસ મને બરાબર યાદ છે કે શ્રાવણ મહિનો હતો ને રાતે બાર વાગ્યે હું અકુને તેડીને એક થેલી લઈને હાલી નીકળી હતી. મારું હાચું ઘર તો મારું સાસરિયું!! ઈ કાળી રાત નાનું એવું છોકરું પણ અકુના બાપાની ઈ એકજ ચીઠીએ હું હાલી નીકળી હતી. બીમાર હોય તો બીમાર પણ ધણી કે ઈ કરવાનું જ અને ઠેઠ બીજે દિવસે બપોરે હું ન્યા પહોંચી મારા સાસુ સસરા જોઇને રાજી થયાં અકુના બાપા તો સાવ સુકાઈ ગયાં હતાં ને સાબ મેં સેવા શરુ કરી ને છ મહિનામાં તો ઈ દોડતાં થઇ ગયાં. મારા બાપા ત્રણ દિવસ પછી આવ્યાં તા સાત આઠ માણસોને લઈને પણ હું ડેલીમાં ઉભી રહી ગઈ અને કીધું કે બાપા તમારી જવાબદારી તમે મને વળાવીને ત્યારે જ પૂરી થઇ ગઈ હવે મારી ચિંતા ના કરોને બધાં સજ્જડ થઇ ગયેલાં ને પછી તો પાંચ વરસ સુધી મારા બાપા ધૂંધવાણા ને અમારેય સરખાઈ આવી ગયેલી એટલે પાછો વેવાર શરુ થયો. પણ ધણીને મેં નો મુક્યો ઈ નો મુક્યો, કોક પાણી તો લાવો અમારા ગામડામાં તો સાબ પાણીનું પેલાં પૂછે અહી તો માંગવું પડે!!” ડોકટરે જાતે પાણી આપ્યું. ગૌરીબેન બે ગ્લાસ પાણી પી ગયાં!!

“અમારે આ સાવ ભગત સાબ કાઈ બોલે જ નહિ અકુ ના પાપા તમે તો કઈ બોલો નહિ તો બધાને એમ થાશે કે ઘરમાં આ ભાઈનું કાઈ હાલતું નથી બાઈનું જ હાલે છે!!”

“તું બંધ થા ને તો હું બોલુંને, મેં તને બસમાં ના પાડી હતી ને કે બહું ના બોલતી પણ તોય કેટલું બોલી ગઈ નહીતર આ અરુણાબેન ને કેવું થાય કે સાસુ આટલું બોલે તો મારી દીકરીનું શું થાશે??” રણછોડભાઈ એ ટીખળ કરી.

“એ હું ગેરંટી લઉં છું એની હો અકુ મારું ધાવણ ધાવેલો મારા ધાવણમાં ફેર હોય જો ઈ તમારી દીકરીને દુઃખ દે તો હું તો એમ કહું છું કે આજે જ આને મોટરમાં નાંખીને અમારે ન્યા મૂકી જાવ ગમે એવો રોગ હોય આ ગૌરી મટાડી દે બોલો!! મટે શું નહિ બોલો?? બાકી આ અકુના બાપાને સાત ડોકટરે કીધેલું કે ઈ બે મહિના નહિ કાઢે એવા બીમાર થઇ ગયેલાં ઈ વખતે અને ઈ સાતેય ડોકટર ઉપર વયા ગયાં ને અકુના પાપા હજુ ચાકા જેવા છે.. બોલો!! આ તો કોઈનો વ્હાલપનો હાથ માથે ફરે ને તો અડધો રોગ તો એમને એમ જ જતો રહે બોલો!! બાકી અરુણા બહેન મુંજાતા નહિ હો. અમે બધાં બેઠા છીએ હો, આ મારી સંજુ છે ને ઈ ય અકુ જેવી જ છે ઈય કેતીતી કે હું ભાભી હારે રોકાઈશ, મને તો એનું નામ પણ નથી આવડતું. !!પણ ઈ થઇ જાય ધોડતી ઈ પાકું પછી આપણે ધામધુમથી લગ્ન કરીશું”

“ઓકે તો આપણે અરુણાબેનને જ પૂછી લઈએ કે એમને આ વાત મંજુર છે કે નહિ??”
ડો નિશાંતે કહ્યું. શું બોલે અરુણાબેન એતો આભાજ બની ગયાં હતાં ગામડાની એક ગૌરીબેનની વાત સાંભળી ને ઈ સ્તબ્ધ થઇ ગયાં હતાં. એતો ગૌરીને ભેટી પડ્યા અને કહ્યું કે મારી દીકરી તમારાં ઘરમાં સલામત છે આજ એનાં બાપા હાજર નથી એ વાતનું દુખ છે એ કહેતા વાત વાતમાં કે મારી નેહાને એવું સાસરિયું મળશે કે જેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય.

“ તો બટા હવે ધરમના કામમાં ઢીલ શેની તું કાંક વીંટી પહેરાવવાનો હતો ને નેહાને હવે જો હવે નામ યાદ રહી ગયું ને આ જ કાઈ વેલણ ટાઈન જેવું પણ છે મને તો કાઈ ખબર ના પડે આ તો બસમાં મને સંજુ કેતી તી કે આજ આવો દિવસ છે અને આ દિવસે છોકરો છોકરીની પાસે જઈને ગોઠણીયાભેર થઇ જાયને એક હાથ લાંબો કરીને ગુલાબ આપે ને પેલી ને જો એ પસંદ હોય તો એ સ્વીકારે ને પછી એની જ હારે ગોઠવાઈ જાય ઈ પાછું નક્કી નહિ, આ તો નત નવું નીકળ્યાં કરે છે બાકી આમારા વખતમાં તો એક વાર ચાર આંખ થઈને સીધીજ કાળજામાં ઉતરી જાય તે એક ભવનું નહિ સાતેય ભવનું એક સાથે ગોઠવાઈ જાય, પણ જમાના પ્રમાણે બધુય હાલ્યા કરશે મુળમાં તો ઇક જ નિયમ રાખો કે એકવાર જેની હારે મનમેળ થયો ઈ થયો બાકી બીજા સામું જિંદગીભર નહિ જોવાનું તો વાંધો નથી આવતો પણ અત્યારની પરજા અવળા રવાડે ચડે છે સંજુ કેતીતી કે મારી બટી છોકરીયું પણ હોશિયાર થઇ ગઈ છે એક જ દિવસે દસ દસ જણાના ગુલાબ લઇ લે ને પછી ઓલ્યા આખલાની જેમ બાધ્યા કરે છે.” ગૌરીબેનની જીભ ફોરજીની સ્પીડે ચાલતી હતી.

આકાર નેહાની પાસે ગયો. નેહાના હાથે વીંટી પહેરાવી ને હાથમાં ગુલાબ આપ્યું ને ચોકલેટ ખવરાવીને સહુ ચોંકી ગયાં!!!!!!! નેહા પથારીમાંથી ઉભી થઇ હતી ને આકારને વળગી પડી હતી. કોઈની સમજમાં કઈ ના આવ્યું. નેહા,અને અરુણાબેનની આંખોમાંથી આંસુ ની ધારા વહી જતી હતી. રણછોડભાઈ, ગૌરીબેન સંજના અને આકાર અવાચક બની ગયાં હતાં. ડોકટર નિશાંત પટેલ મંદ મંદ હસતાં હતાં. થોડીવાર પછી ડોકટર નિશાંત બોલ્યાં.

“માફ કરજે આકાર હવે હું માંડીને વાત કરું છું અને ગૌરીબેન તમે તો સંભાળજો જ, વાત એમ હતી કે નેહાને કોઈ જ બીમારી નહોતી એ તાવમાંથી અઠવાડિયા માં જ સાજી થઇ ગઈ હતી. એને રજા આપવાની જ હતી ને અમારી વચ્ચે વાત થઇ ને અરુણાબેનને એ ચિંતા કોરી ખાતી હતી કે મારી દીકરી માટે યોગ્ય મુરતિયો ક્યારે મળશે. ત્યારે નેહાએ કીધેલું કે મમ્મી એની ચિંતા ના કરો મારા ત્રણ મિત્રો આકાર ,ગૌરાંગ અને કાર્તિક આ ત્રણમાંથી જ કોઈક એક હશે પણ લાગે છે કે આકાર મારા માટે અનુકુળ રહેશે. મેં ના પાડી કે એમ સીધું ઊંડા કુવામાં ખાબકાય નહિ ત્યારે નેહા બોલેલી કે આકાર જેટલો પ્રેમ મને કોઈ કરી શકે નહિ મેં એની આંખોમાં જોયેલું છે અને મેં નેહા સાથે શરત લગાવી કે હું એક કસોટી લઉં અને જોવ છું કે તારા ફ્રેન્ડસમાંથી કોણ એ કસોટી પાસ કરે છે જો નેહા જીતી જાય તો હું એને પાંચ લાખ આપીશ અને જો નેહા હારી જાય તો એનાં માટે હું મુરતિયો ગોતી દઈશ એની સાથે નેહાને પરણી જવાનું અરુણાબેન થોડાં ગભરાયા પણ નેહાએ શરત સ્વીકારી અને આ નાટક ગોઠવાયું.

એને આવી બીમારી છે એવું જાહેર કર્યું શરૂઆતમાં બધાં મિત્રો આવતાં પણ વીસ જ દિવસમાં આકાર સિવાય કોઈ આવતું નહિ. નેહા તો મહિના પેલાની ઉતાવળ કરતી હતી. પણ મારે એ જોવું હતું કે આકાર કેટલી ટક્કર લઇ શકશે, બે નર્સે ને કહી દીધેલું કે વાત બહાર જાય નહિ. પછી દિવસમાં પાંચ સમય જયારે આકાર મળવા આવે ત્યારે નેહા નાટક કરીને સુઈ જાય. અને જેવો આકાર જાય કે એ પથારીમાંથી ઉભી થાય લેપટોપ ખોલે ફિલ્મો જુએ,પુસ્તકો વાંચે પણ એ મહિનામાં તો કંટાળી ગયેલી.અને હું ૧૪ ફેબ્રુઆરી સુધી રાહ જોતો હતો. આકાર ને પછાડવા માટે ઘણું કરી જોયું પણ અસલી સોનું એટલે એને હું કાટ લગાવી ના શક્યો. અને અસલ ગૌરીબેનનો વારસો હો!! હું શરત હારી ગયો એનો આનંદ છે અને આ એટલાં માટે કરવું પડ્યું કે નેહાના પાપા પાર વગરની મિલકતો છોડી ગયાં છે ભાવનગરમાં ૨૦ દુકાન એણે ભાડે આપેલી છે પોતાનો પણ કરોડ ઉપરનો વીમો હતો. એનાં અવસાન પછી અરુણાબેનને કેટલી સંપતિ છે એ મને એકનેજ ખ્યાલ છે હું અને નેહાના પાપા બાળપણ થી જ ભાઈ બંધ એટલે કોઈ એવી વ્યક્તિ ના આવી જાય કે સંપતી માટે દીકરી સાથે પરણી જાય એનું પણ ધ્યાન રાખવું જ રહ્યું!! બાકી આજે ખરો દિવસ ઉજવાયો છે. આજે આખા શહેરમાં તમારા જેવું કોઈ સુખી નહિ હોય અને આ રહ્યો એ પાંચ લાખનો ચેક તમારા સહજીવનની શુભેચ્છાઓ માટે!!

“આ ખરું કહેવાય હોય અત્યાર સુધી ગામડામાં જ માનવતા હોય એવું માનતા પણ સાબ તમારી જેવા ડોકટર ભાઈબંધની છોડી નું આટલું ધ્યાન રાખે ઈ પણ પેલી વાર જોયું સાબ તમે બધાં નિરાંતે આવો અમારા ગામડામાં બે દિવસ રેવાય એમ આવજો હો!!” ગૌરીબેન બોલ્યાં!! પછી તો બધાં અરુણાબેનની ઘરે ગયાં. એમનો બંગલો જોઇને ગૌરીબેન આભા બની ગયાં બે જ જણા માં દીકરી આ બંગલામાં રેતા હશે એવી તો એને કલ્પના ક્યાંથી હોય!! સાંજે બધાં સાથે જમ્યા. આગ્રહ કરીને રણછોડભાઈને રોક્યા બીજે દિવસે સવારે ગૌરીબેને જતી વખતે નેહાને પાંચસોની નોટ આપી અને કીધું.

“સુખી રેજે દીકરા, બસ આવતાં ઉનાળે તમારી બેયની પરીક્ષા પતે એટલે મારા એકના એક દીકરાને ધામધુમથી પરણાવવો છે, એય અમારું આખું ગામ ફાટી આંખે જોઈ રહે એમ વાજતે ગાજતે તને અમારા ઘરે લઇ જવી છે, અને જરાય કોચવાતી નહિ બટા!! તને દીકરીની જેમ રાખવાની છે અને અકુ મને બહું વહાલો અને નાનપણ માં અકુ જે રમકડાએ રમતો એ રમકડા હજુ મેં સાચવીને રાખેલા છે. અકુને ગમતી વસ્તુ એ મને ગમે જ!! સુખી રહો!!. સંજનાને તે તારો નંબર આપ્યો છે ને તો રોજ સાંજે મને ફોન કરજે તે હુયને ધાબા પર ચડીને વાત કરીશ એય કાનમાં દટીયું નાંખીને વાત કરીશ!! , ગામ પણ ભલે જોઇ લ્યે કી એક સાસુ વહુ હારે કલાક સુધી ધાબા પર ચડીને શું વાત કરતી હશે હે ???” ગૌરીબેન બોલ્યા કે બધા જ હસી પડ્યા. અને પછી નેહાએ સાસુ સાથે એક સેલ્ફી લીધી, અપલોડ કરી અને નીચે લખ્યું “વાહ વેલેન્ટાઈન વાહ” વિથ માય સાસુમા!! સાસુમા ઈ જ સાચી મા”

મેડીકલ સાયંસ ભલે એમ કહેતું હોય હાર્ટ નું કામ શરીરમાં લોહીનું પરિભ્રમણ કરાવવાનું હોય છે પણ પ્રેમોપદેશ શાસ્ત્ર એમ કહે છે કે હાર્ટનું સાચું કામ શરીરની નસેનસમાં પ્રેમની લાગણીઓનું પરિભ્રમણ કરાવવાનું હોય છે!!

લેખક : મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી