વાત્સલ્યનું વ્યાજ – પ્રેમલગ્ન કરીને પોતાની દિકરીના વિયોગમાં તડપતા પિતાની વાર્તા…

“વાત્સલ્યનું વ્યાજ”

નિવેદિતા બસ સ્ટેન્ડ આઠ પર પહોંચી. સાંજના સાડા પાંચ વાગ્યા હતાં. કેસરી ડ્રેસમાં પાતળી કાયા ધરાવતી લાવણ્યથી છલકાતી નિવેદિતા એની બધી બહેનપણીઓથી અલગ તરી આવતી હતી. ખભે કીટમાંથી નિવેદિતાએ લાઈટ આસમાની કલરના ગોગલ્સ કાઢ્યા. પોતાના સેલ ફોનમાં ઈયર ફોન ભરાવીને એ સંગીત સાંભળવા લાગી. એમની બીજી બહેનપણીઓ મોબાઈલમાં વ્યસ્ત હતી. કોઈક વોટ્સએપમાં વ્હાલ દર્શાવતી હતી તો કોઈ ફેસબુકમાં ફ્રેન્ડસને ફેઈસ કરી રહી હતી. અચાનક જ નેહાએ તેને કોણી મારીને નિવેદિતાને કાનમાં કહ્યું.

“જો એ પાછો આવી ગયો છે અને તને જ તાકી રહ્યો છે!! કેવો ઘૂરી ઘુરીને જોઈ રહ્યો છે તને જોતો ખરી!!” અને નિવેદિતાએ ડાબી સાઈડમાં સહેજ ત્રાંસી નજરે જોયું.

હા એ જ હતો. સાઈંઠ કે પાસઠ વરસની ઉમર હશે. બેગી પેન્ટ અને ક્રીમ કલરનો સ્વેટર પહેરેલો એ વૃદ્ધ નિવેદિતા ની સામે જોઈ રહ્યો હતો. જેવી એની નજર એ વૃદ્ધ સાથે ટકરાણી કે એ વૃદ્ધે સ્મિત કર્યું અને આંખોમાં એક ચમક આવી અને એ કશુંક બોલવા જ જતો હતો ત્યાં નિવેદિતાએ ગોગલ્સ કાઢ્યા અને એની આંખો કરડી બની અને એ અજાણ્યો વૃદ્ધ હેબતાઈ ગયો. અને જમીન તરફ નીચે જોઈ ગયો. નિવેદિતાએ પાછા ગોગલ્સ ચડાવ્યાં અને એ વૃદ્ધ બસસ્ટેન્ડ પર આવેલ એક ઝાડના છાંયે બાંકડા પર બેસી ગયો. એની નજરો ઢળેલી હતી. અને બસ આવી નિવેદિતા ફટાફટ બસમાં ચડી ગઈ અને બારી પાસે બેસી ગઈ. બસ ચાલી અને નિવેદિતાએ બારીના કાચમાંથી પાછળ બસ સ્ટેન્ડ પર જોયું તો એ વૃદ્ધ એને જ તાકી રહ્યો હતો!! એકીટશે તાકી રહ્યો હતો. અને પોતે ઉભી હતી ત્યાંજ એ ઉભો હતો.. નિવેદિતાને લાગ્યું કે એની આંખો એને અહી સુધી જોઈ રહી હતી. એણે તરત જ મો ફેરવી લીધું. એની બધી સહેલી પોતપોતાના બોય ફ્રેન્ડસ સાથે ચેટીંગમાં વ્યસ્ત હતી. નિવેદિતાનું મન ખિન્ન થઇ ગયું હતું. પોતે એ વૃદ્ધને જાણતી ના હતી પણ જ્યારે એ સવારે બસ સ્ટેન્ડ પર ઊતરતી ત્યારે એ અવશ્ય ત્યાં ઉભો હોય!! જાણે કે એમની એ વાટ ના જોતો હોય!! અને સાંજે કોલેજેથી પાછા ફરતી વખતે એ બસ સ્ટેન્ડ પર નજીકના ઝાડ ના ટેકે ઉભો હોય. ઘણી બધી ફેશનેબલ છોકરીઓ પણ ત્યાં ઉભી હોય પણ એ વૃદ્ધ એને જ તાકી રહેતો હતો. નિવેદિતાને આ બધું અચરજકારક લાગતું હતું.

આ શહેરમાં આવ્યા એને હજુ ચાર માસ જ થયાં હતાં. નિવેદિતાના પાપા એક મોટા સરકારી ઓફિસર હતાં. મોટા ઓફિસર તો હજુ એ ચાર માસ જ પહેલા બન્યા હતાં. આ શહેરમાં તેઓ બઢતી સાથે સ્થળાંતર થયા હતાં. એમની મમ્મી ધારા બેન ખુબ જ કડક સ્વભાવના હતાં. પાપા નો સ્વભાવ સારો હતો. બહુ ઝડપથી નિવેદિતા અને તેનો પરિવાર આ શહેરમાં સેટલ થઇ ગયો હતો. નિવેદિતા કોલેજના ત્રીજા વરસમાં હતી. માંડ માંડ એને આ કોલેજમાં અધવચ્ચેથી એડમીશન મળ્યું હતું. પોતે જે જૂની કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આ કોલેજની એક જ યુનીવર્સીટી હતી અને પાપાના એક મિત્રને કારણે એને અહી એડમીશન મળી ગયું હતું. પોતાની જ સોસાયટી ની ચાર છોકરીઓ સાથે એ આ કોલેજમાં સવારે સાડા અગિયારે આવતી અને સાંજે સાડા પાંચે ઘરે જતી.

નિવેદિતા મનોમન મનોમંથન કરવા લાગી. એને લાગ્યું કે આમાં થોડો વાંક એનો હતો. જયારે પહેલી વાર એ વૃદ્ધે એની સામે જોયું ત્યારે એ હસી હતી. અને એ વૃદ્ધ પણ હસ્યો હતો. શું હસવું એ ગુનો છે??? પછી તો બીજે દિવસે પણ એ વૃદ્ધ એ બસ સ્ટેન્ડ પર ઉભો હતો. નિવેદિતાએ એમ માન્યું કે કદાચ એ સંજોગોવશાત હશે પણ છેલ્લા પંદર દિવસથી આ રોજનું થયું અને નિવેદિતા કંટાળી ગઈ. એક દિવસ તો એણે બસ સ્ટેન્ડ બદલાવી નાંખ્યું હતું. કોલેજથી થોડે દૂર એક બીજું બસ સ્ટેન્ડ હતું એ ત્યાં ઉભી રહી પણ ત્રીજા જ દિવસે એ વૃદ્ધ ત્યાં દેખાયો અને નિવેદિતાને ઘૂરકીને જોઈ રહેતો. કશુંક બોલવાનો પ્રયત્ન કરતો પણ જેવી નિવેદિતા એની સામે કાતર મારે કે બસ એ નીચું જોઈ જતો. પણ બીજા દિવસે એ રાબેતા મુજબ અલગ અલગ જગ્યાએ ઉભો રહેતો પણ એની નજર તો નિવેદિતા ની ઉપર જ રહેતી. એક વખત કોલેજમાં કોઈ કાર્યક્રમ હતો અને સાડા છ વાગ્યે કોલેજ છૂટી એ એની બહેનપણી ઓ સાથે ગેટની બહાર નીકળી તો એ ગેટ પાસે ઉભો હતો. હાથમાં એક છાપા જેવું હતું. એને જોઇને નિવેદિતા રીતસરની થથરી ગઈ હતી.

ઘણી વાર એને થતું કે એ વૃદ્ધની પાસે જાય અને એક થપ્પડ ચડાવીને પૂછી લે કે રોજ રોજ એની સામે શા માટે જુએ છે?? પણ એની ઉમર જોઇને એને એવું કરવું ઉચિત ના લાગ્યું. આમ તો એને પોતાના પર જ ચીડ ચડી હતી. જયારે પહેલી વાર આ વૃદ્ધે એને જોઈ અને એ હસ્યો ત્યારે પોતે શા માટે હસવું જોઈએ?? વાંક પોતાનો હતો એમ એને લાગ્યું. વળી પાછું એણે મન મનાવ્યું કે એને ક્યાં ખબર હતી કે આ કાયમ અહી ઉભો રહેશે એને જોયા જ કરશે. શરૂઆતમાં એને એમ પણ થયું કે થોડા સમય પછી એ અટકી જશે પણ હવે તો વાત અટકવાને બદલે વધતી જતી હતી. એ ફક્ત એને જ જોઈ રહેતો અને કશુક ગણગણતો હતો. શરૂઆતમાં તો એ એની સામે જોતી નહિ પણ હવે તો હદ થતી હતી. એની બહેનપણીઓ પણ કહેતી.

“ આ નીવું તો સાવ ફોસી છે એટલે એની સામે જુએ છે બાકી અમારી સામે જોવે તો એના છોતરા નીકળી જાય છોતરાં “ અવનિ બોલતી.
“ડોસાને પણ ખબર પડે છે કે કોની સામે જોવાય અને કોની સામે ના જોવાય સાચી વાત ને નિવેદિતા?? અંજલીએ અવનિ સામે જોઇને બોલી. અને જવાબમાં અવનીએ અંજલિનો ચોટલો ખેંચ્યો અને સહુ હસ્યા.

“ બસ નિવેદિતા એક વાર મને કહી દે એટલી જ વાર છે એ ડોસો બાપ ગોતરમાં પણ આ બાજુ ના ફરકે એવો થઇ જાય મારા ત્રણ ટાઈગર એના પર એવા તૂટી પડે કે એના હાલ બેહાલ થઇ જાય. આપણું નામ પણ ના આવે અને કામ પણ થઇ જાય” દિપાલી બોલી. કોલેજના ત્રણ બોડી બિલ્ડર છોકરા એના ખાસ ફ્રેન્ડ હતા. દિપાલી એને ત્રણ ટાઈગરના નામથી સંબોધતી. બાકી બધાને એક એક ફ્રેન્ડ હતા પણ દિપાલી ને તો ત્રણ ત્રણ ફ્રેન્ડ અને એ પણ ટાઈગર જેવા. અને હોય જ ને દિપાલીના પાપા કોર્પોરેટર હતા અને ખાસા બધા શ્રીમંત પણ હતાં. અને દિપાલી પણ અત્યંત રૂપાળી હતી. શરૂઆતમાં એ પોતાની કાર લઈને જ કોલેજે આવતી પણ એને ધીંગા મસ્તી ખુબ જ ગમતી એટલે પછી એ બધી જ બહેનપણીઓ સાથે સીટી બસમાં આવ જા કરતી હતી. પણ તોય નિવેદિતા ના પાડતી અને બોલતી.

“અરે એવી ધમાલની શી જરૂર છે?? ખાલી ખોટી બદનામી તો આપણી પણ થાયને?? અને મારી મમ્મીને ખબર પડેને તો મને અધવચ્ચે થી ઉઠાડી લે તમે લોકો મારી મમ્મીને જાણતા પણ નથી એ ખુબજ આકરા પાણીએ છે, છો ને સામું જોવે એ ડોસો થોડા દિવસમાં એ છાંડી જાશે.. ખાલી સામું જ જુએ છે ને એમાં ક્યાં મને નજર લાગી જવાની છે?? પણ એને મારકૂટ ના કરાય એમાં એને કશું થઇ ગયું તો પછી લેવાના દેવા પડી જાય” બધી બહેનપણીઓ નિવેદિતાને ખીજાય ને વળી બબડતી બબડતી ચાલી જાય. મોઢા બગાડે અને નિવેદિતા વળી એ બધીને બીજા દિવસે મનાવી લે. નિવેદિતાનો સ્વભાવ અને ચહેરો જ એવો હતો કે સામેની છોકરી તરત જ પલળી જાય. દિપાલી તો નિવેદિતાને ખાસ માન આપતી અને એ વળી મજાકમાં પણ કહેતી.

“કાશ નીવું તો છોકરો હોતને તો તું હું તને જ પરણી જાત!! તું યાર ગજબની ચોકલેટી છો.બસ તારા ચહેરા પર જોઇને એમ થાય છે કે તને જોયા જ કરું!! ચાલ હજુ પણ મોડું નથી થયું તું છોકરો બની જા ને તો આ દીપુ તને પરણી જાય” અને બાકીની છોકરી ધીંગા મસ્તી કરતી કરતી નિવેદિતાની અને દીપાલીની મજાક ઉડાવતી જાય. આમ ને આમ સમય પસાર થતો જાય.પણ એક દિવસ નિવેદિતાને કોલેજ આવવાનું મોડું થયેલું. એની બીજી બહેનપણીઓ કોલેજ જતી રહેલી અને પોતાને કલાક મોડું થયેલું. એ સીટી બસમાં એકલી જ આવી અને કોલેજ પાસેના બસ સ્ટોપ પર ઉતરીને એ ચાલવા લાગી અચાનક જ એક ઝાડ પાછળથી એ ડોસો પ્રગટ થયો અને “મારી ઢબુ … મારી ઢબુ કહેતો એ નીવેદીતાની પાસે આવવા લાગ્યો. એના ચહેરા પર એક ચમક હતી. એ એક આશા ભરી નજરે એને તાકી રહ્યો હતો અને એની પાસે આવી રહ્યો હતો. નિવેદિતાએ આંખ કરડી કરી પણ આ વખતે એ ડોસા પર અસર ના થઇ એ બબડતો બબડતો એની નજીક આવી રહ્યો હતો. બસમાંથી એ એકલી જ ઉતરી હતી એ ઝડપથી કોલેજના ગેટ તરફ જવા લાગી. એના પગલાં ઝડપથી પડી રહ્યા હતા. એ હાંફી રહી હતી. એણે પાછું વાળીને જોયું તો પેલો ડોસો પણ ઝડપથી ચાલતો ચાલતો એની પાછળ પાછળ આવી રહ્યો હતો. એ લગભગ દોડી જ!! જલદી જલદી એ કોલેજના ગેટ પાસે પહોંચી ને જોયું તો પેલો ડોસો હવે થોડે દૂર ઉભો રહ્યો હતો.. એ કશુક બબડતો હતો.. અને પછી એ કોલેજમાં જતી રહી.. આજે એ ખુબ જ ભયભીત હતી.

“ દિપાલી તું તારા ત્રણ ટાઈગર ને કહી દે પણ જોજે એને ખાલી બીવડાવવાનો છે. કોઈ મોટું તોફાન નથી કરવાનું કે હો હા પણ નહિ. અને હા આજ સાંજે જ એ લોકો આપણી વહેલા પહોંચી જાય.એને થોડોક હળવો માર મારીને ત્યાંથી ભગાડવાનો છે અને સાવ સુકી ડાટી જ મારવાની છે કે કોલેજની આજુબાજુ કે બસ સ્ટોપ પાસે એ ફરકવો ના જોઈએ.. દિપાલી તું તાર ટાઈગરને બસ આટલું જ કહી દેજે ને” કોલેજની કેન્ટીનમાં કોફી પીતા પીતા પોતાની બહેનપણીઓ આગળ નિવેદિતાએ વાત રજુ કરી. સહુ સહમત થયા કે ખાલી એને હળવી સર્વિસ જ કરવાની છે. શા માટે એને મારવામાં આવ્યો એ આજુ બાજુની પબ્લીકને ખ્યાલ ના આવવો જોઈએ. અને બીજું કશું પણ થાય તો પણ કોઈ છોકરીઓનું નામ ના આવવું જોઈએ એમ નક્કી થયું. દિપાલીએ આશ્વાસન પણ આપ્યું કે તું કોઈ ચિંતા ના કર.. સાપ પણ મરી જશે અને લાઠી પણ નહિ ભાંગે.. મારા ત્રણ ટાઈગર છે જ એવા કે આવી અમથી નાનકડી બાબત તો એ ચપટી વગાડતા જ પૂરી કરી દેશે. બસ સાંજે સાડા પાંચ વાગ્યે એ આ જ બસ સ્ટોપ પર આવવો જોઈએ. આપણે ફક્ત ટાઈગર આગળ એને ઓળખી બતાવવાનો છે. અને આયોજન ઘડાઈ ગયું.

સાંજના સાડા પાંચે બસ સ્ટોપ પર એ દેખાયો. નજીકના ઝાડ પાસે એ ઉભો હતો. નિવેદિતાને જોઇને એની આંખમાં ચમક આવી ગઈ હતી. નિવેદિતાએ એની સામે જોયું અને હસી. પેલા ડોસાના મોઢા પર ખુશી દેખાઈ અને એ કશુક બબડ્યો અને આગળ વધ્યો. નિવેદિતા એને જોઈ જ રહી હતી. થોડાક કદમ એ દૂર હશે ત્યાંજ દિપાલી ના ત્રણ ભાઈ બંધો એને ઘેરી વળ્યા. એ ડોસો ધ્રુજી વળ્યો. એકે એને કચકચાવીને પકડ્યો અને બીજા એને મારવા લાગ્યાં. બસ સ્ટોપ પર ઉભેલાને કશું ના સમજાયું. આમેય છોકરીઓ સામે ઉભી હોયને ત્યારે છોકરાઓ અતિ બહાદુર બની ને ભયાનક બહાદૂરી બતાવતા હોય છે. ડોસાના નાકમાંથી લોહી નીકળતું હતું. પગે પણ વાગ્યું. પેટમાં પણ લાતો અને ઘુસતા પડતા હતા. નિવેદિતા બુમ પાડી ઉઠી અને ત્યાં ધસી ગઈ અને બોલી.

“બસ કરો બસ કરો હવે બહુ થયું” બાકીની છોકરીઓ પણ ત્યાં ગઈ અને ના પાડવા લાગી. તોય એ લોકો એને મારતા જ રહ્યા. હવે ટોળું ભેગું થઈ ગયું. અત્યાર સુધી કોઈ નહોતું બોલતું . પેલા છોકરાંઓ ડોસાને માર્યો અને આ છોકરીઓ એ ડોસાને બચાવવા ગઈ છે એમ જાણીને ટોળાને લાગ્યું કે આમાં તો આપણી આબરૂ જાય છે એટલે ટોળું મોટા અવાજે બુમરાણ મચાવવા લાગ્યું.

થોડી વારમાં ભીડ એકઠી થઇ ગઈ અને એ અરસામાં પોલીસની જીપ આવી. છોકરીઓ તો કશું ના બોલી પણ ટોળાએ ઉગ્ર રજૂઆત કરી. યુવાનોની દાદાગીરી એક જણાએ મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી. પોલીસે ત્રણેય ટાઈગર ને પકડ્યા અને એક ટાઈગર ઢીલો પડ્યો. એ બોલ્યો.

“ આ છોકરીને રોજ આ ડોસો જોતો હતો. હેરાન કરતો હતો એટલે અમે આ કર્યું”
“ તો તમારે પોલીસને જાણ કરાયને.. આમ કાયદો હાથમાં ના લેવાય ને.. આ ને કેટલો બધો માર પડ્યો છે.. તમે કોણ એને સજા આપવા વાળા” ટોળું લોકશાહી અને કાયદાકીય ભાષા બોલી રહ્યું હતું.
“અત્યારની છોકરીઓ છે જ એવી બની ઠનીને ભણવા આવે છે કે ફેશન શોમાં આવે છે એ જ ખબર નથી પડતી. તમે કપડા જ એવા પહેરો છો કે સહુ સામું જુએ. કોઈ સામું જુએ એમાં શેનો ગુન્હો?? એમાં આને આમ ઢોરમાર મારવાનો” ટોળું હવે સામાજિક ફિલોસોફી બતાવતું હતું.

અત્યાર સુધી ચુપ પીએસઆઈ કંટાળી ને બોલ્યા.
“એય રાઠોડ આ ડોસાને અને આ ત્રણ હીરોને અને આ બધીય હિરોઈનને જીપમાં નાંખીને પોલીસ સ્ટેશન પર લઇ લે અને એય તારો મોબાઈલ બંધ કર. બધું કાયદેસર જ થશે. કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે. કાયદાથી કોઈ પર નથી..શું સમજયા? ડોસાને માર માર્યો છે એને સજા મળશે જ અને ડોસાની ભૂલ હશે ને તો એને પણ કાયદો સજા આપશે જ” ટોળાને સંતોષ થયો. અને આમેય ટોળું એટલે મગજ વિનાના માણસોનો એક સમૂહ !! બધા એ મોબાઈલ બંધ કર્યા. પીએસઆઈએ આ જોઈ લીધું કે હવે કોઈ મોબાઈલમાંથી શુટિંગ ઉતારતું નથી એટલે એણે પોતાને આવડતી હતી એટલી બધી જ ગાળો એક સાથે બોલીને ટોળું વિખેરી નાંખ્યું અને બધાને લઈને જીપ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી.

પેલા ડોસાને નાકમાંથી લોહી વહી જતું હતું. રોડની સામેની સાઇડમાં પર થી એક ડોકટર બોલાવીને તેમનું ડ્રેસિંગ શરુ થયું. એક ટેબલ પર તેમને બેસાડવામાં આવ્યો હતો. એ હજુ ધ્રુજી રહ્યો હતો. આંખમાં આંસુ પણ હવે પડી રહ્યા હતા. જિંદગીએ જેને જખ્મ આપ્યા હોય એમ એના મોઢા પરથી લાગતું હતું. આ બાજુ નિવેદિતા પણ ધ્રુજી રહી હતી. એની એક ભૂલનું આવું પરિણામ આવશે એની ખબર જ નહોતી. ડોસાને બે ત્રણ વાર પૂછવા છતાં એ એનું નામ ના બતાવી શક્યો. ફક્ત “મારી ઢબુ… આ મારી ઢબુ” એમ બે ત્રણ વાર બોલ્યો હતો એના ખિસ્સામાંથી એક આઈ કાર્ડ મળ્યું અને સરનામું મળી ગયું. “જીવન સંધ્યા” વૃદ્ધાશ્રમ માં આ ડોસો રહેતો હતો. નામ હતું રમણીકલાલ માધવજી. બસ આટલી જ વિગત આઈ કાર્ડમાં હતી.

પીએસઆઈએ વૃદ્ધાશ્રમના સંચાલક બક્ષીને ફોન કર્યો. વિગતો જણાવી અને બક્ષીએ આવીને પોલીસ સ્ટેશન માથે લીધું. પેલા તો એણે ડોસાને આશ્વાસન આપ્યું અને ખુરશી પર માનભેર બેસાડ્યો. પછી તો એણે છોકરાઓને અને છોકરીઓને બરાબરના ધમકાવ્યા !!. વચ્ચે વચ્ચે એણે ત્રણથી ચાર વાર એ પણ કીધું કે એ કેટલી મોટી વ્યક્તિ છે અને આ વૃદ્ધાશ્રમ સ્થાપીને સમાજની મોટી સેવા કરી રહ્યો છે. આખા પોલીસ સ્ટેશનને એણે શબ્દોના બાણથી બરાબર માથે લીધું. બધાના મોઢા પડી ગયા હતા. નિવેદિતા રોવા જેવી જ થઇ ગઈ હતી. એણે કીધું.

“ઇન્સ્પેકટર સાહેબ મારા કારણે જ આ થયું છે. મારી બહેનપણીઓ અને આ યુવકોનો કોઈ જ વાંક નથી” આટલું સંભાળતા જ બક્ષી ઉકળી ઉઠયો.
“ એ હવે રાંડ્યા પછી નું ડહાપણ તો તું રહેવા જ દેજે.. આ રમણીકલાલને ની આવી હાલત આ છોકરાઓએ જ કરી છે એટલે એ આસાનીથી તો નહિ જ છૂટે..પોલીસ રિમાન્ડ માંગવામાં આવશે..તમારે બધાએ અંદર જ જવું પડશે… ઓળખો છો આને આ તમે કોને માર માર્યો છે..? આ છે એક પ્રાથમિક શાળાનો નિવૃત શિક્ષક .. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક્નો એવોર્ડ મળેલ છે.. નિવૃત્તિ પછી એ સઘળી રકમ અમારા વૃદ્ધાશ્રમમાં આપીને બગીચાનું કામ કરતો હતો.. સંતાનમાં એકની એક દીકરી હતી..એની દીકરીને ખુબ જ ચાહતો હતો.. દીકરીએ પ્રેમ લગ્ન કર્યા.. દીકરીના આ લગ્ન એની માતા સહન ના કરી શકી.. એણે આપઘાત કરી લીધો.. બસ ત્યારથી એ ધૂની થઇ ગયો છે..

“મારી ઢબુ…. મારી ઢબુ… એટલું જ બોલ્યા કરે બાકી આખો દિવસ કામ કરે બગીચામાં.. અને તમે એને કારણ વગર ઝૂડી નાંખ્યો..” બક્ષી બોલતો હતો અને હવે સહુ ચુપ થઇ ગયા હતા. પોલીસ ઇન્સ્પેકટરે કાયદેસર કરવાની તૈયારી શરુ કરી દીધી. નિવેદિતાએ ફોન કરીને એની માતાને બોલાવી લીધી હતી. એના પાપા આઉટ ઓફ સીટી હતા. નિવેદિતાની માતા ધારા આવી. અસલ નિવેદિતા જેવી જ દેખાતી હતી. ઉંચી અને સપ્રમાણ કાયા!! પોલીસ સ્ટેશનમાં આવી ને એ પોતાની દીકરીને ભેટી પડી. એના ચહેરા પર ચિંતાના ભાવ હતા. એક અપલક નજર એણે બક્ષી અને પીએસઆઈ તરફ પણ નાંખી અને પછી અચાનક ખુરશી પર બેઠેલા ડોસા તરફ નજર કરી અને ચોંકી ઉઠી.. આંખમાં અચાનક શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. અને દોડીને એ ડોસાને વળગી પડી અને બોલી!! “બાપુજી હું તમારી ઢબુ!! બાપુજી હજુ માફ નહિ કરો ઢબુને” ડોસાને જાણે ચેતન આવ્યું હોય એમ એ પણ બોલી ઉઠ્યો.!! “આવી ગઈ મારી ઢબુ, આવી ગઈ દીકરા” અને બાપ દીકરી એક બીજાને ભેટી પડ્યા. સહુ અવાક થઇ ને જોઈ જ રહ્યા. બનેના ડુસકા સંભળાતા રહ્યા. સ્વસ્થ થઈને ઢબુ વાત કરી.

રમણીકલાલ માધવજી એક ગામડા ગામમાં શિક્ષક. એમની પત્ની રંભા સાથે ગામડામાં જ રહે સંતાનમાં એક માત્ર દીકરી હતી. દીકરી જન્મી ત્યારથી જ એકદમ તંદુરસ્ત હતી.એય ને ગોળ મટોળ ચહેરો. રાશી પ્રમાણે નામ પાડ્યું ધારા પણ લાડમાં રમણીકલાલ એને ઢબુ જ કહેતા. પેલા ખોળાની દીકરી હતી પણ સુવાવડ વખતે જ રંભાદેવીને ગર્ભાશયમાં કંઇક ઇન્ફેકશન લાગી ગયેલું અને પછી તો એ વધતું જ ચાલ્યું. ડોકટરે ના પાડી દીધેલી કે હવે બીજું બાળક આવશે તો માતાય નહિ બચે અને બાળક પણ નહિ બચે એટલે બીજું સંતાન થયેલું નહિ. પાપાના લાડકોડમાં ઢબુ ઉર્ફે ધારા ઉછરવા લાગી. ઢબુ પાંચ વરસની હતી ત્યારે રમણીકલાલને શ્રેષ્ઠ શિક્ષક્નો રાજ્યનો એવોર્ડ મળેલો અને પછીના વરસે ભારત સરકારનો એવોર્ડ મળેલો.

રમણીકલાલ કાયમ કહેતા કે ઢબુ સારા પગલાની છે. એ આવ્યા પછી જ મને નામના મળેલી છે. સંતાન હંમેશા સારા પગલાના જ હોય છે..!! રમણીકલાલે નક્કી કરી જ નાંખ્યું હતું કે જે ગામમાં નોકરી કરવાથી આટલી નામના મળી છે એ ગામ હવે છોડવું નથી. રમણીકલાલ ઢબુ સાથે જ જમવા બેસતા. પ્રાથમિક શાળામાં ઢબુ ભણતી ત્યારે એ નાસ્તો લાવતી ત્યારે સ્ટાફરૂમમાં એ આવતી અને પિતાના ખોળામાં બેસીને એ નાસ્તો ખાતી અને પિતાજીને પણ ખવરાવતી. પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કરીને ધારાને બહાર ભણવા મોકલી. ઢબુનો અભ્યાસ સારો ચાલતો હતો. એક ખુશનસીબ કુટુંબને જાણે કે ગ્રહણ લાગ્યું. કોલેજના વરસોમાં ઢબુ ઉર્ફે ધારાને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો. એ સારા કુટુંબમાંથી હતો. પણ બીજી જ્ઞાતિનો હતો. છોકરાને સરકારી નોકરી મળી અને બને પરણી ગયા. ઢબુએ ફોન પર પિતાજીને વાત કરી. રમણીકલાલને દુખ તો થયું પણ ઢબુની ખુશી માટે એણે સ્વીકારી લીધું પણ રંભા દેવી ના સ્વીકારી શક્યા. એને પોતાની દીકરી કરતા સમાજની ચિંતા વધુ હતી. રમણીકલાલે ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો.

“જો રંભા હવે જમાનો બદલાયો છે, આવી બાબતો સામાન્ય છે, અમુક વરસે આપણી જવાબદારીઓ પૂર્ણ થાય છે, સ્વીકારવું પડે!! છોકરાઓને વહેલા પાંખો આવી જાય અને એ પોતાની મેળે ઉડવાનું શીખી જાય તો એમાં અફસોસ શાનો, ભલે બીજી જ્ઞાતિનો છોકરો છે પણ મેં સાંભળ્યું છે કે સંસ્કારી છે. સારા ઘરનો છે. ઢબુને ખુશ રાખે એમ છે આપણે દીકરી જમાઈને તેડાવી લઈએ. ગમે એમ તોય આપણું લોહી છે.તું ખોટી ચિંતા ના કર” પણ રંભા કશું જ ના બોલે. કાયમ ઉદાસ રહે અને એક દિવસ વહેલી સવારે રંભાએ આત્મ હત્યા કરી લીધી. વિચારો જયારે માણસ પર કબજો જમાવી લેને ત્યારે એની નાગચૂડથી બચવું મુશ્કેલ હોય છે. આ આઘાત રમણીકલાલ ના જીરવી શક્યા. પોતાની પ્રાણથી પણ પ્યારી પત્નીના અકાળે અવસાન થી એ અંદરથી હચમચી ઉઠયા.દીકરી અને જમાઈને ખબર પડી. ઢબુ છેલ્લી વાર પોતાના પિતાજી પાસે આવી અને રમણીકલાલ અવળું ફરી ગયા અને બીજા દ્વારા કહેવરાવ્યું કે.

“એને કહી દો કે એ મને મોઢું ના બતાવે.. એની જન્મ્દાત્રીનો ભોગ લીધો એ હું મોઢું જોવા નથી માંગતો. એ સુખી થાય કે દુખી થાય મને કોઈ જ પરવા નથી. જગત સાથે મારું કોઈ જ સગપણ નથી. એક રંભા હતી એ ચાલી ગઈ છે. ફરીવાર એ કે એનો પતિ મને મળવાની ચેષ્ટા કરશે તો હું પણ રંભાને રસ્તે જતો રહીશ.મને જીવતો રાખવો હોય તો મને એ ક્યારેય ના મળે.. રંભાની સાથે મેં પણ એના નામનું નહિ નાંખ્યું છે.” ધારાને ઘરમાં પ્રવેશ પણ ના મળ્યો અને બાપનું મોઢું પણ જોવા ના મળ્યું. આમેય એ એના પાપાના સ્વભાવને ઓળખતી હતી એટલે ત્યાર પછી ક્યારેય એણે કે એના પતિ પંકજે કોઈ દિવસ રમણીકલાલની ખબર અંતર પૂછવાનું પણ સાહસ કરેલું નહિ.

બસ આ બનાવ બાદ રમણીકલાલ લગભગ નિશાળમાં જ હોય. સવારમાં એ શાળામાં ઝાડને પાણી પાતા હોય.બપોરે બાળકો સાથે મધ્યાહ્ન ભોજન ખાઈ લે. પાંચ વાગ્યા પછી સાંજ સુધી એ બાળકો સાથે રમતા હોય . સાંજે ક્યારેક દૂધ પી લે.ગામના કોઈ પ્રસંગમાં એ જાય પણ નહિ. બાળકો સાથે જ એમનું જીવન વ્યતીત થયું. નિવૃત થયા પછી એ તમામ મરણ મૂડી લઈને શહેરમાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં આવી ગયાં. બધી જ રકમ એણે દાનમાં આપીને વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા.અહી પણ એ અલિપ્ત જ રહ્યા બીજાથી. આખો દિવસ બગીચામાં ઝાડ ને પાણી પાયા કરે.ઈચ્છા થાય ત્યારે રોડ પર આંટો મારી આવે. વળી પાછા પોતાના કામમાં લાગી જાય.

“ બેટા તારી દીકરી પણ તારી જેવી જ દેખાય છે એને જોતોને ત્યારે તું મને યાદ આવી જતી.. બેટા, તું સુખી તો છે ને બેટા??” રમણીકલાલજી આટલું જ બોલ્યાં. નિવેદિતા આવીને એને વળગી પડી અને બોલી.
“બાપુજી મને ખ્યાલ જ ના હતો, મારી ભૂલ થઇ ગઈ બાપુજી, મને માફ કરશોને બાપુજી?”
“ બસ દીકરા બસ આ તો નિયતિનો ખેલ છે. કદાચ દીકરીને દુભવવાની આ સજા પણ હોય”
રમણીકલાલ બોલ્યા.

“એવું ના હોય બાપુજી..એવું ના બોલો બાપુજી.. ધારા બોલી.. બાપુજી હું તમારી ઢબુ તમારી માફી માંગુ છું.
પછી તો મામલો ત્યાંજ પતી ગયો. કોઈ પક્ષે કશું જ કરવાનું રહ્યું નહિ. ધારાએ અને નિવેદિતાએ રમણીકલાલને ઘણા સમજાવ્યા કે અમારી સાથે ચાલો પણ રમણીકલાલ એકના બે ના થયા. અને વૃદ્ધાશ્રમના સંચાલક બક્ષી સાથે જતા રહ્યા. બે દિવસ પછી ધારા એના પતિ સાથે પણ આવી. પંકજ અને ધારા રમણીકલાલને પગે લાગ્યાં. રમણીકલાલે એને આશીર્વાદ આપ્યાં. ઘણો આગ્રહ કર્યો પણ રમણીકલાલ ધારાને ઘરે ના ગયા. હવે તે સાવ સ્વસ્થ થઇ ગયા હતા. એ બોલ્યા.

“બસ હવે બીજે ક્યાય નહિ ફાવે, નાનપણમાં ભણતો ત્યારથી વ્રુક્ષોને ચાહતો રહ્યો છું. શિક્ષક બન્યો તોય એ શરુ રહ્યું. હવે આ વૃદ્ધાશ્રમમાં પણ વ્રુક્ષો સાથે મજા આવે છે. બસ જીવનની છેલ્લી ક્ષણ સુધી અહીંથી નહિ જાવ, સુખી થાવ તમે” અને ધારા અને પંકજ ચાલી ગયા. હા પેલો ક્રમ હજુ જળવાઈ રહ્યો છે. રોજ સાડા દસ વાગ્યે નિવેદિતા બસ સ્ટોપ પર ઉતરે અને રમણીકલાલ ઉભા હોય. નિવેદિતા એની પાસે જાય. ઘરેથી લાવેલ એક નાનકડો નાસ્તાનો ડબ્બો એ રમણીકલાલને આપે. રમણીકલાલ એને માથે હાથ મુકીને કહે છે “ આવી ગઈ મારી ઢબુ દીકરી” !! ડબામાંથી રમણીકલાલ થોડું ખાય અને થોડું નિવેદિતા ને ખવરાવે. અને એ ડબો એ સાથે લઇ જાય.. અને સાંજે સાડા પાંચે એ વળી ઉભા હોય ખાલી ડબ્બો એ નિવેદિતાને આપે અને નિવેદિતા બસમાં ચડે ત્યારે એને આવજો એમ કહે છે!!!.
ઘણાં સમય પહેલાં ગુમાવેલું વાત્સલ્ય વ્યાજ સાથે પાછું ફર્યું છે અને રમણીકલાલના જીવનમાં લાંબો સમય ચાલેલી પાનખર પછી ફરી વસંત શરુ થઇ છે.

લેખક :- મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી