ગીર પંથકની એક મુસાફરી – એક વાર્તા અને બે પ્રેમકહાની… અદ્ભુત અને રોમાંચિત વાર્તા…

“આવતાં શનિવારે તૈયાર થઇ જાજે, સોમવારની રજા છે એટલે તારા મામાજીને ગામ જતાં આવીએ આમેય તું આવીને ત્યારની કેતીતી ને કે મામાને ઘરે જવું છે..અહીંથી તો નજીક જ થાય એમ છે. હવે પીપાવાવ માં તો વધુ સમય નહિ મળે.. મહિના બે મહિનામાં બદલી થઇ જશે એટલે પછી મામાને ત્યાં જવાય કે નહિ એ નક્કી નહિ એટલે આ શનિ રવિ સોમ જઈ જ આવીએ.શનિવારે બપોર પછી નીકળીશું રાતે ત્યાં પહોંચી જઈશું. રવિવારની રાત ત્યાં રોકાઈશું અને સોમવારે સવારે નીકળી જઈશું મારા એક સાથી કર્મચારીએ રૂટ લખી દીધો છે ખાંભાથી આગળ ડુંગરાળ અને થોડો રફ રસ્તો છે એટલે આપણું બાઈક નહિ ચાલે એટલે એ કર્મચારીએ કીધું કે રવિ ભાઈ મારું બુલેટ લઇ જાજો એટલે એનું બુલેટ લેવાનું છે.” રવિએ ઋત્વીને કહ્યું.અને ઋત્વી ખુશ થઇ ગઈ. ઋત્વીએ બેય હાથ રવિના ગળામાં નાંખીને ભાવવિભોર અતિ આનંદિત સ્વરે કહ્યું.

“યુ આર સો સ્વીટ માય લવ…!!ખરેખર ત્યાં બહુ જ મજા પડશે તમને!! ઘણા દિવસથી મામા એ કે મામીએ મને જોઈ નથી… અને લગ્નમાં પણ તમને અલપ ઝલપ જોયા હતા.. મામા અને મામી કેટલાય દિવસ થી કહેતા હતા કે એક વખત ભાણેજ જમાઈ ને લઈને આંટો મારી જા.. હવે તો તમે સાવ ઓરા આવી ગયા છો.. જોજોને મામા અને મામી બહુજ ખુશ થશે અને તમને વાડીએ લઈને ભજીયા પણ ખવડાવશે.. ઈ વાડીના ભજીયા તમે કોઈ દિવસ ના ખાધા હોય એવા બને છે”” ઋત્વી બોલતી હતી. અને આમેય સ્ત્રીને તમે એના ગમતાં સગા સબંધીને ત્યાં લઇ જાવાનું કહોને એટલે એનો ધોધમાર પ્રેમ તમારા પર વરસી પડે અને તમે સ્વર્ગ પણ ભૂલી જાવ એવી અનુભૂતિ થાય.

રવિનો જન્મ આમ તો વડોદરામાં જ થયેલો. એનાં પાપા એક નાના એવા બિલ્ડર હતા અને બાંધકામનું કરતાં હતાં. મોટી બે બહેનો પરણીને સાસરે હતી અને બે વરસ પહેલાં રવિ પણ પરણી ગયો હતો. ઋત્વી આમ તો મૂળ અમદાવાદની હતી.એનાં પાપા વરસો પહેલાં અમદાવાદમાં સ્થાયી થયા હતા. આમ મૂળ એ અમરેલીના પણ અમદાવાદ માફક આવી ગયું હતું. ફેકલ્ટી ઓફ કોમર્સ સયાજીરાવ યુની. માં રવિ અને ઋત્વી સાથે જ ભણતાં હતાં. સાથેજ ક્લાસમાં બેસતાં. સાથે જ કમાટી બાગ અને બાગ બગીચામાં ફરવા જાતાં.સારા એવા મિત્રો હતા. પણ કોલેજના ત્રણ વરસ દરમ્યાન એક બીજા એકરાર નહોતા કરી શક્યા. ગમે તે કારણ હોય પણ એક બીજાને ભરપુર ચાહવા છતાં બને એકરારની પ્રથમ શરૂઆત કોણ કરે?? એવા વ્હેમમાં રહી ગયા. પછી બને સાથેજ એમ કોમ માં પણ જોડાયા. એમ કોમના બીજા વરસમાં ઋત્વીએ એક દિવસ રવિને કીધેલું.

“પાપાનો ફોન હતો. આવતા રવિવારે કોઈ અગત્યનું કામ છે ઘરે એટલે મને બોલાવે છે.ઘણા દિવસથી ગઈ નથી એટલે આ વખતે અઠવાડિયું રોકાવાની ગણતરી છે.”

“પ્લીઝ તું જલદી આવી જજે.. તારા વગર કોલેજે જવું ગમતું નથી .. સાવ બોરિંગ લાગે છે મને” રવિ આટલું બોલેલો .એ વખતે બને જણા આજવા નીમેટા રસ્તા પર ફરી રહ્યા હતા. રવિનું એકટીવા ઋત્વી ચલાવી રહી હતી.રવિ પાછળ બેઠો હતો.

“ કેમ એમ લાગે છે હું ના હોવ તો કોલેજમાં શું ફેર લાગે છે, અને હું થોડી કાયમ અહી રહેવાની છું.” ઋત્વી બોલી એને એમ હતું કે એકવાર રવિ પ્રપોઝ કરી દે તો સારું. અને રવિને એવું હતું કે ઋત્વી પ્રપોઝ કરે તો સારું.. વડોદરા અને અમદાવાદનો ઈગો સંઘર્ષે ચડ્યો હોય તેવું હતું.પણ રવિ કશું જ ના બોલ્યો. શુક્રવારે સાંજે એ રેલવે સ્ટેશને મુકવા પણ આવ્યો હતો.

“મિસ યુ , જલદીથી આવજે,, !!” ટ્રેન ઉપડી ત્યારે રવિ આટલું જ બોલેલો. ઋત્વી ઘરે આવી ને પાપાને મળી. અને પાપાએ ધડાકો કર્યો.

“કાલે એક છોકરો તને જોવા આવે છે.. તને પસંદ પડે તો ઠીક છે નહીતર બપોર પછી બીજો એક જોવા આવે છે.. ત્રણ દિવસમાં કુલ છ છોકરાં તને જોવા આવી રહ્યા છે. જો કોઈ પણ છોકરો તને પસંદ પડી જાય તો આપણે બીજાને ના પાડી દઈશું. અથવા છ એ છ છોકરા જોઇને પછી ફાઈનલ સિલેકશન કરવું હોય તો પણ છૂટ છે તને.. પણ એક મહિનામાં તારે સિલેકશન કરી નાંખવાનું છે ઋતુ બેટા!!” સાંભળીને ઋત્વી થીજી જ ગઈ.

“પાપા પણ તમે મને પૂછ્યું પણ નહિ??” ઋત્વી બોલી.

“તને પૂછીને તો આ બધું થાય છે ને.. નહીતર હું સીધો ફેંસલો જ સંભળાવી ના દઉં!! વરસ દિવસ પહેલા મેં તને પૂછ્યું હતું કે કોલેજમાં તને કોઈ પસંદ છે એ વખતે તે ના પાડી હતી. અને હજુ કોઈ પસંદ હોય , તે તારી રીતે નક્કી કરી લીધું હોય તો કહે!! આપણે એના મા બાપને પણ બોલાવી લઈએ એ છોકરા સાથે સાથે.. હવે બેટા તારા વરસ થવા આવ્યાં છે. દરેક વસ્તુનો એક સમય હોય છે.. સમય છાંડી ગયા પછી એ વસ્તુનું કોઈ જ મુલ્ય નથી “ શું બોલે ઋત્વી?? એને મનોમન રવિ પર ખુબજ દાઝ ચડી અને નક્કી કર્યું કે આ વખતે તો એની છે. વડોદરા જાવ ને ત્યારે સ્ટેશન પર એ લેવા આવ્યો હશે.. હાથ હલાવતા હલાવતા ઉભો હશે.. જઈને એક લાફો ઝીંકી દેવો છે એના ગાલ પર અને પછી એને આઈ લવ યુ કહી દેવું છે.. પછી જે થવું હોય એ થાય.

બીજે દિવસે આઠ વાગ્યે એને જોવા આવનાર સૂચિત કુટુંબ આવી ગયું હતું. ઋત્વિનો મૂડ ઓફ હતો.ગઈ રાતનો જ એણે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તૈયાર થવામાં એ મોડું કરી રહી હતી. નવ વાગ્યે એ દીવાનખાનામાં પ્રવેશી અને સામે બેઠેલો સંભવિત પતિ ની સામે જોયું અને એ ચોંકી ઉઠી.સામે તો રવિ બેઠો હતો.!!! ઋત્વીને શું કરવું એ સમજાયું નહિ, ઘડીક તો એ પથ્થરનાં પૂતળાની જેમ ઉભી રહી અને આંખમાં આંસુ સાથે એ તો દોડીને પોતાના રૂમમાં જતી રહી. રવિ ઉભો થયો અને બોલ્યો હું અને ઋત્વી સાથે જ ભણીએ છીએ. એને કંઇક ગેર સમજણ થઇ છે . હમણા દસ મીનીટમાં સઘળી ગેરસમજ દૂર કરી દઉં.. અને એ ઋત્વિના રૂમમાં ગયો. કોઈને કશું સમજાયું જ નહિ. થોડીવાર પછી ઋત્વી અને રવિ બહાર આવ્યા હસતાં. અને રવિ બોલ્યો.

“અમે એક બીજાને ચારેક વરસથી ચાહિયે છીએ પણ એકરાર નહોતો કરેલો. લાગણી પુરેપુરી પણ વ્યકત નહોતા કરી શક્યા. ઋત્વી જેમ અજાણી હતી એમ હું પણ અજાણ્યો હતો આ બાબત થી. પણ અમારા સ્નેહનો એકરાર આજે અમારા વતી ભગવાને કરાવી દીધો છે. બધા વડીલોની સાક્ષીમાં અમને આ સબંધ મંજુર છે” બધા ના ચહેરા પર હાસ્ય હતું. બે વરસ પછી બને પરણી ગયા. લગ્નમાં ઋત્વીના મામા જે ગીરમાં રહેતા હતા એ આવ્યાં હતા અને એણે કીધું હતું કે જમાઈ રાજ ક્યારેક રોટલો ખાવા અમારા ગર્યમાં જરૂર આવજો..!! તમને આવશે મજા હો!! પછી રવિને બરોડામાં જ નોકરી મળી ગઈ હતી. છ માસ પહેલા તેનું પ્રમોશન થયું હતું અને એ પીપાવાવ પોર્ટ ખાતે ટ્રાન્સફર થઇ ને હવે કંપનીની નવી શાખા કોઇમ્બતુર ખાતે ખુલવા જઈ રહી હતી અને ત્યાં રવિને મેનેજર તરીકેનું પ્રમોશન મળવાનું હતું પગારનું પેકેજ પણ સારું એવું હતું અને ત્યાં જઈને કંપની આખી સંભાળવાની હતી. એનો લેટર પણ આવી ગયો હતો. એકાદ મહિનામાં જ તેઓ કાયમી કોઇમ્બતુર જઈ રહ્યા હતા.

શનિવારે બપોરે બે વાગ્યે રવિ અને ઋત્વી તૈયાર થઇ ગયા. મામી માટે બે સાડી લીધી હતી. જોશી સ્વીટ માર્ટમાંથી થોડીક મીઠાઈ પણ લીધી. ઋત્વી બુલેટ પર બેઠી અને બુલેટ ચાલ્યું અને ઋત્વીની વાકધારા પણ ચાલી.

“નાની હતી ત્યારે ત્રણ વાર મમ્મી સાથે ગઈ હતી મામાને ગામ.. ! ખુબ જ મજા આવતી.. ચારેય બાજુ ડુંગર!! વચ્ચે ગામ.. રસ્તા કાચા પથ્થર વાળા.. નદી અને વોંકળામાં ઉનાળામાં પણ પાણી રહેતું. કેરી ખાવાની મજા આવતી.એક વખત શિયાળામાં ગઈ હતી. બોરડીએ બોર ખાવાની મજા આવતી. પાર વગરના બોર હોય.. અત્યારે ચોમાસાની સીઝન છે ને તો કન્ટોલા પાર વગરના હશે. મામી કંટોલાનુંશાક બહુ જ મજાનું બનાવે.. આખા કંટોલાનું શાક એવું તો બને કે તમે એક તાંહળી ભરીને તો ઉભા ઉભા ખાઈ જાવ. વળી એમાં એ સેવ પણ નાંખે. સેવ પણ મામી ઘરે જ બનાવતાં. ઈ વખતે તો ભગરી ભેંશુ લગભગ ચાલીશેક હતી.સવારમાં ચાર વાગ્યે મામી અને મામા ભેંશુ દોવે અને હું ના પાડું તોય પરાણે મને બે તાહળી શેડકઢું દૂધ પરાણે પીવડાવી દે” રવિ એ પુછ્યું.

“આ શેડકઢું દૂધ અને તાંહળીમાં ના સમજાણું મને.. એ શું કહેવાય??

“ભેંશ દોહતી વખતે બોઘરણામાં જે દૂધ ભેગું થાય એ ફીણ વાળું હોય એને શેઢકઢું દૂધ કહેવાય. થોડુક ગરમ પણ હોય અને મોટો વાટકો એટલે તાંહળી કહેવાય. એ પીવાની ખુબ જ મજા આવે એકદમ ચોખ્ખું દૂધ” ઋત્વી બુલેટ પાછળ સુખાસનમાં બેઠી હતી. સુખાસન એટલે પાછળ ચીપકીને બેસવું. માથું બાઈક ચલાવનારના ખભ્ભા પર ઢાળી દેવું.

ખાંભા પછી બુલેટ ખડાધાર થી એક સાઈડ નીચે ઉતર્યું.ચોમાસાની શરૂઆત હતી. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. થોડીવારમાં મોટી વરસણી એ વરસાદ શરુ થયો અને આજુબાજુની વનરાજીમાં મોરલા ગહેકી ઉંઠયા. બુલેટ એક ઝાડ પાસે થંભાવીને રવિ અને ઋત્વી ઉભા રહ્યા. સતત એક કલાક વરસાદ પડ્યો. માટીમાંથી મીઠી સોડમ આવતી હતી. ચારે બાજુના ડુંગરમાંથી તીવ્ર ગતિએ પાણી આવી રહ્યું હતું. વ્રુક્ષો પણ વરસાદમાં સ્નાન કરીને નવ પલ્લવિત થઇ ગયા હતા. વરસાદ બંધ થયો અને બુલેટ આગળ ચાલ્યું. રસ્તો હવે એકદમ સાંકડો થઇ રહ્યો હતો.કેટલીય જગ્યાએ નાળા માંથી પાણી ભમરી આકારે વહી રહ્યું હતું. રવિ બુલેટ ચલાવતી વખતે સાવધાની વર્તી રહ્યો હતો.એકદમ ગોરાડું માટીને કારણે બુલેટ થોડું થોડું સ્લીપ થતું હતું.થોડીવાર પછી એક ગામ આવ્યું અને ત્યાં એક ઘર પાસે રવિ એ પૂછ્યું.

“દુધિયા વડ કઈ બાજુ આવ્યું.”

“અહીંથી સીધા ડુંગરની કોતરમાં જશો ત્યાં જમણી આગળ એક સ્થાનક આવશે ત્યાં થી ડાબી બાજુ નદીના કિનારે કિનારે જતા રહેજો ચારેક ગાઉં પછી જમણી બાજુ દુધિયા વડનો રસ્તો આવશે ત્યાં એક બોર્ડ મારેલું છે બસ પછી ગામ આઘું નથી” એક વૃદ્ધા એ જવાબ આપ્યો.

એક તો વરસાદી વાતાવરણ!! સુરજ મહારાજ દેખાતા નહોતાં અને ચારેય બાજુ ટેકરીઓ એટલે સાવ અંધકાર જેવી સ્થિતિ થઇ ગઈ હતી કલાક પછી દુધિયા વડનું બોર્ડ દેખાયું અને રવીએ બુલેટ એ તરફ વાળ્યું.અને તકલીફની શરૂઆત થઇ. બુલેટની આગળ પાછળ વ્હીલના પંખામાં ગારો જમા થઇ ગયો.બુલેટની ગતિ ધીમી પડી તોય રવિ જેમતેમ કરીને બુલેટ ચલાવતો રહ્યો..પછી તો ગારો બરાબરનો જામ્યો. એકદમ ચીકણી જમીન આવી હતી. હવે તો વ્હીલ ફરતાં બંધ થઇ ગયાં હતા. નાછૂટકે રવિ નીચે ઉતર્યો. હાથેથી થોડો ક ગારો ઉખેડ્યો એમાં એ હાંફી ગયો. વળી થોડું બુલેટ ચાલ્યું. વળી પાછો ગારો જામી ગયો. રવિ અને ઋત્વીની આંખોમાં ચિંતાનો પાર નહોતો. બુલેટ ત્યાં મુકીને ચાલીને જવાનું નક્કી કર્યું હતું.કારણકે એક તો અંધારું થયું હતું અને અજાણી ભૂમિ!! રવિ અને ઋત્વિના શરીરમાં ભયની લહેરખી વ્યાપી ગઈ હતી.રવિ બબડ્યો.

“કે દુ ની કેતીતી ને કે મને મામા ને ગામ લઇ જાવ તે જોઈ લે હવે મામાજી નું ગામ” ઋત્વી કશું જ ના બોલી. ક્યારે બોલવું અને ક્યારે ના બોલવું એ સ્ત્રી શીખી લે ને તો લગભગ કશો વાંધો નથી આવતો.

“એ રામ રામ જુવાન કેણપા જાવું છે?? લાગે છે કે બુલેટ ખોટવાણું છે!!” ઓચિંતા આવેલા અવાજે રવી અને ઋત્વી ચોંકી ગયાં. અને પાછું વળીને જોયું તો એક ત્રીસેક વરસનો એક મુછાળો યુવાન ઉભો હતો. ચોરણી અને કડીયુ પહેરેલું હતું. આંખો એકદમ ઘેઘુર!! જુવાનીને કારણે પાસાબંધી કડીયું ફાટ ફાટ થઈ રહ્યું હતું પગમાં ચામડા ના સીવડાવેલા આગળ અણીવાળા મોટા એવા જોડા! એક હાથમાં મોટું એવું કડું હતું. મોઢા પર પરસેવાના ટીપા બાધી ગયેલાં. લીંબુની ફાડ જેવડી આંખોમાં કાજલ આંજ્યું હોય એમ લાગતું હતું. મોઢા પર નસો ચોખ્ખી દેખાઈ આવતી હતી. એક હાથમાં લાકડી હતી લાકડીની એક બાજુ ચાંદીની કુંડલી ચડાવેલી હતી.મૂંછના બને આંકડા ચડાવેલા હતાં. ચહેરા પર મક્કમતા છલકાતી હતી. રવિ એ નીચું જોઇને જવાબ આપ્યો.

“જાવું છે તો દુધિયા વડ પણ આ બુલેટમાં ગારો ભરાઈ ગયો છે”

કાઈ વાંધો નહિ જુવાન ચંત્યા ના કરતો હો હું પણ એ બાજુ જ જાવ છું. હમણા બધું જ ઠીક કરી દઉં છું.. દુધિયા વડમાં કોની ઘેરે જવું છે?? રવિને આ પ્રશ્નોતરી ના ગમી પણ ઋત્વીએ જવાબ આપ્યો.

“લખમણ ભાઈ અને કાંતુ માના ઘરે જવું છે લખમણ ભાઈ મારા સગા મામા થાય છે. ઘણા વરહ પેલા આવી હતી. આ મારા પતિ છે” સાંભળીને પેલો જુવાન ઋત્વીને જોઈ જ રહ્યો.આંખમાં એક ચમક આવી ગઈ,ખોંખારો ખાઈને બોલ્યો.

“તું તો કોકીલાની દીકરી નહિ?? અરે તારા મામાની શેરીમાં છેલ્લું મકાન મારું?? અણસાર તો મને આવી જ ગયો હતો કે ગામની ભાણકી છે પણ પાકો અણસાર નહિ આવેલ!! હવે મુંજાતી નહિ હો બટા!! આ તારો અરજણ મામો બાર વરહ નો બેઠો છે હો!! મામા બેઠા હોય ત્યાં લગણ ભાણેજડા ને કે ભાણેજ જમાઈ ને થોડું હેરાન થાવા દઈએ.. લાવો જમાઈ હવે બુલેટ મને આપી દ્યો હો હું દોરી લવ” એમ કહીને અરજણે બુલેટ લઇ લીધું અને વ્હીલ ફરતા નહોતા તોય એ પાણીના રેલાની જેમ બુલેટ દોરવા લાગ્યો. રવિ અને ઋત્વી ને થોડી હાશ થઇ.. અરજણ બોલ્યો.

“તમે આ રસ્તાના અજાણ્યા ને એટલે ખીયાલ નો હોય.. આ રસ્તામાં પાણી હોય ને ત્યાં બુલેટ હાંક્યું હોય ને તો આ ગારો ના ચોંટે .. પણ તમે રસ્તામાં પાણી સિવાયની જગ્યાએ હાંક્યું એટલે ગારો ચોંટી ગયો અને આ બે ય વ્હીલમાં લઢઢાં બાધી ગયા.!! એક જાતની બ્રેક જ જોઈ લ્યો. અહિયાં ચોમાસામાં આ પંખા કાઢી નાંખવા પડે.. તો જ હાલે.. જેટલી સગવડ એટલી જ અગવડતા!! આ બધીય ગાડીયું શેતાન ચરખો કહેવાય.. કાયમ આપણે એની માથે બેહીએ અને મોજ કરીએ પણ જ્યારે આ આપણી માથે બેહે ત્યારે બોકાહા બોલાવી દે બોકાહા!! અમે તો હાલીને જઈએ.. ગુડિયા ગાડી ની આગળ એક પણ ગાડી ના આવે.. હવે આગળ વળાંકમાં એક મોટો પટ આવશે નદી નો!! ન્યા પોગીને આ ગાડીના વ્હીલ ધોવા પડશે ન્યા નદીની માલીપા અણીવાળા છીપરા હશે એટલે બધો ગારો નીકળી જાશે એટલે આ તમારું ફટફટીયુ પાછું ધુમાડા કાઢતું થઇ જાશે”

“ હમમ સાચી વાત છે અરજણ ભાઈ તમારી” રવિ બોલ્યો..

“ અરજણ મામા કયો અરજણ મામા!! ભાણીયા અમને મામા કહે ને તો અમને એ સાંભળીને જ શેર લોહી ચડી જાય હો”

“ ઈ વાત સાચી હો મામા, હું જયારે નાની હતી ને અહી આવતી ત્યારે મારા મામા મને ખુબ જ સાચવતા. આ બધા ડુંગરા માં ફરવા લઇ જતા..”

“ સો ભામણ બરાબર એક ભાણેજ એવું શાશ્તર માં કઈ અમથું કહેવાણું હશે ને એમાય તમે તો ભાણેજ જમાઈ એટલે તમને તો ભાણીયા ભાઈ અમારે બહુ સાચવવા પડે નહીતર તમે વળી અમારી આ ભાણકીને સંભળાવ્યા કરો ને “ અને વળી અરજણ હસી પડ્યો.. એની સાથોસાથ રવિ અને ઋત્વી પણ હસી પડ્યા. થોડી વાર પછી એક નદીનો પટ આવ્યો એની ઉપર એક નાનકડો બેઠો પુલ હતો. અરજણે પાણીમાં બુલેટ નાંખ્યું અને એક અણીદાર પાણા થી ટાયરમાં ચોંટેલો ગારો કાઢી નાંખ્યો અને બુલેટ આખું ધોઈ નાંખ્યું. અને નદીના સામે કાંઠે એક દેરા જેવું હતું ત્યાં બુલેટ લઈને આવ્યો. રવિ અને ઋત્વી ત્યાં ઉભા હતા.

“લ્યો તમારું ફટફટયું હતું એવું ને એવું થઇ ગયું છે, બસ હવે આ રસ્તાની વછે જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં જ હળવે હળવે હાંક્યે જાવ અડધો ગાઉં છે દુધિયા વડ.. બહુ આઘું નથી..આ સામે અજવાળા જેવું દેખાય છે ને એ જ ગામ છે” અરજણે બુલેટ આપતા કહ્યું.

“ તમારે નથી આવવું મામા?? આની ઉપર ત્રણેય જતા રહીશું મામા!!” ઋત્વીએ પૂછ્યું.

“ ના ભાણી મારે હજુ ઓલ્યા ડુંગર ની બાજુમાં જવું છે ત્યાં મારું ખેતર છે.. રખોપે જાવું છે.. હું દરરોજ વાહુ સુવા આવું છું.. આ તો ન્યાંથી તમને જોઈ ગયો ને થયું કે કોઈ અજાણ્યું હેરાન થાય છે તે હડી કાઢીને આવ્યો. અમે ગામડા વાળા હેરાન થઈએ પણ અજાણ્યાને હેરાન ના થવા દઈએ!! હાલો ત્યારે ભાણેજ જમાઈ તમ તમારે પોગી જાવ કાન્તુમાડી એ શીરો અને પૂરી બનાવ્યા હશે એ ઝાપટી લ્યો” કહીને અરજણ ઝપાટાબંધ નદીની સામે કાઢે જતો રહ્યો. રવીએ બુલેટ શરુ કર્યું અને વેતીયાણ પાણીમાં બુલેટ જવા દીધું. દુધિયા વડ પહોંચ્યાં પાદર જ મામા રાહ જોઇને ઉભા હતા એક ફાનસ લઈને.. રવિ અને ઋત્વીએ મામાજીને પ્રણામ કર્યા.

“ આ જ લાઈટ પણ વય ગઈ છે.. ફોન કર્યોતો આઠેક વાર પણ કવરેજ નો આવે.. તમે ગામમાં પુગોને પછી થોડું ઘણું કવરેજ આવે છે મને ચંત્યા થાતી હતી કે ભાણી અને જમાઈ હેરાન તો નહિ થયા હોય ને” લખમણ ભાઈ એ કહેતા ગયા અને ઘરે પહોંચી ગયા. મામીએ ભાણેજ જમાઈના દુખણા લીધાં. ઋત્વીને બાથમાં લઈને મામી બોલ્યા.

“બટા તું તો સાવ સુકાઈને સાંઠીકડા જેવી થઇ ગઈ છો હો લાગે છે કે જમાઈ રાજા તને ખવરાવતા નથી”” કાંતુ બહેન બોલ્યા.

“એને હાથે કરીને પાતળું થાવું છે મામી એટલે એ બધું કાચું જ ખાય છે, તમારી ભાણકી કોઈનું માનતી જ નથી ને “ રવીએ મીઠો વ્યંગ કર્યો. જમીને રવીએ બધી જ વાત કરી. બુલેટમાં ગારો ઘુસી ગયો હતો.અરજણ મામા મળ્યાં. ગારો કાઢ્યો. અને પછી એ કેવી રીતે અહી પહોંચ્યા. મામા અને મામી સાંભળતાં રહ્યા. મોડે સુધી વાતો કરીને તેઓ સુઈ ગયા. બીજે દિવસે સવારે ફ્રેશ થઈને રવિ બહાર ફળિયામાં બેઠો હતો. ગામ આખામાં પથ્થરના મકાનો હતા. ઘરે ઘરે ગાયું અને ભેંશુ હતી.ગામમાં છકડા રિક્ષા સિવાય કોઈ વાહન નહોતું. ઓશરીમાં માતાજીના અને ભગવાનની છબી ટીંગાડેલી હતી. એમાં છેલ્લે એક છબી જોઇને રવિ સીધો જ ઉભો થઇ ગયો અને ઓશરીમાં સીધો જ દોડી ગયો. એણે બુમ પાડીને ઋત્વીને પણ બોલાવી. ઋત્વી પણ એ છબી જોઇને અવાક બની ગઈ.

“રવિ કુમાર આહી આવો બેસો આ ખાટલામાં, ઋત્વી બેટા તું પણ બેસ!! જે છબી તમે જોઇને એ છબી આ ગામના દરેક ખોરડામાં છે. આ તો કલોગું ગામ કોઈ બહાર ગયું હોય ને રાત વરતનું ખાસ તો ચોમાસામાં અને વરસાદ જેવું હોય તો એને ઘરે જે કોઈ હોય એ આ છબીને અગરબતી કરે એટલે કોઈને કોઈ મુશ્કેલી નથી પડતી” લખમણ ભાઈ વાત કહી રહ્યા હતા. રવિ અને ઋત્વી એક મટકુંય માંડ્યા વિના સંભાળતા રહ્યા. રવિ બોલ્યો.

“ પણ આ અરજણ મામા તો અમને કાલે રાતે જ મળ્યા હતા. આ ફોટા પર કેમ હાર છે??”

જવાબમાં લખમણભાઈએ ચલમ સળગાવી અને ધુમાડાના ગોટા કાઢતાં કાઢતાં બોલ્યાં.

“ હું અને અરજણ એક જ સારથના હતા. એના બાપા ગામના મુખી હતાં, ચાલીશેક વરસ પહેલાની વાત છે. અરજણ એ વખતે વીસેક વરસનો હશે. એકદમ મજબુત અને લોંઠકો યુવાન. ધોડવામાં એને કોઈ ના પોગે. ગામ ત્યારે નાનું એવું.આજુબાજુ થોડા નેસડા હતા. ધંધો તો ખેતીનો જ.. અરજણ ને ગોઢલા રાખવા ખુબ જ ગમે. ગમે તેવો તોફાની ગોઢલો પણ અરજણ એનું જોતર પકડે એટલે ગરીબ બ ગા જેવો થઇ જાય. એ વખતે ગામે ગામ ઢાંઢા અને ગોઢલા વેચવા વણજારા આવે એવા જ એક વણજારાનો પડાવ તમે આવ્યા એ નદીના સામે કાંઠે પડેલો હતો. ભાતભાતના અને જાતજાતના ગોઢલાં હતા.ગામ આખાના જુવાનો સવાર પડે એટલે ત્યાં પોગી જાય સાટા દોઢા થાય. એમાં એક વણજારાની છોડી નામ તો એનું રૂપા હતું. રૂપા એટલે રૂપ રૂપનો અંબાર!! સાક્ષાત અપ્સરા જેવી!! રૂપા સરસ મજાનું ગાતી!! અરજણ અને એની આંખ્યું મળી ગઈ અને વીસ દિવસમાં તો ભવો ભવની પ્રીતડી બંધાઈ ગઈ. બને નદીની કોતરોમાં મળતા!! રૂપા ગાતી અને અરજણ સાંભળતો!! બસ એક શુદ્ધ સ્નેહની નદી વહેતી થઇ ગઈ બનેના અંતરમાં !!

પણ પ્રીત એક એવી વસ્તુ છે કે એને છુપાવાનું તો ગમે જ નહિ. મુખીને ખબર પડી. એણે વણજારાના તંબુમાં જઈને એના મુખીને લંગરાવ્યો. નદીનો પટ છોડી ને જવાનું કહી દીધું. અરજણ ને ખબર પડી એણે અને રૂપાએ નક્કી કર્યું કે ભાગી જવું પણ એક દિવસનું મોડું થઇ ગયું. એક દી સંધ્યા ટાણે અરજણને ખબર પડી કે વણજારા જઈ રહ્યા છે અને રૂપાને બે જણા ખેંચીને એના બાપની સાથે લઇ જઈ રહ્યા છે. રૂપા અરજણ અરજણ નો પોકાર પાડતી હતી. હવે એ વખતે વરસાદી વાતાવરણ આજના જેવું જ ઉપરવાસમાં સાંબેલાધારે વરસાદ પડેલો. નદી કલાકમાં બે કાંઠે વહી જાય. અને અરજણ દોડ્યો નદીના પટ બાજુ!! જઈને જોયું તો દૂર દૂર સાંકડા રસ્તે ગાડા જતા હતા. અરજણે નદીમાં કુદકો માર્યો પણ એક તિક્ષણ પથ્થરમાં એનો પગ ઘુસી ગયો. આમ તો એ તરવૈયો!! સામે બાજુએ થી રૂપા પણ દોડી આવી એમની પાછળ પણ માણસો અને આ બાજુ ગામના માણસો!! અરજણે જેમ તેમ કરીને પગ કાઢ્યો. પણ લોહી ઘણું વહ્યું ગયું હતું. બેય પગ ખોટા પડી ગયો એટલે તરી ના શક્યો અને તણાયો. રૂપા પણ નદીમાં પડી. અરજણને આ બાજુ કાંઠે લાવી . પણ અરજણના પ્રાણ છૂટી ગયા હતા. આ બાજુ મુખી આવી ગયા હતા.

રૂપાના બાપા પણ આ કાંઠે આવી ગયા હતા અને રૂપાએ બાજુમાં એક પથ્થર સાથે માથું ભટકાડ્યું અને અરજણની બાજુમાં જ પ્રાણ નો ત્યાગ કરી દીધેલો. બે પ્રેમીઓ અકાળે મરણ પામ્યાં. મુખી ખુબ રોયાં પણ પછી શું કામનું..!!?? બસ પછી તો ત્યાં એક નાનકડી દેરી બનાવી છે. બેયના અગ્નિ સંસ્કાર પણ ત્યાજ કરેલા છે!! પછી તો અરજણ ઘણા અજાણ્યા ને દર્શન આપે છે પણ કોઈને હેરાન નથી કરતો.. આકાશમાં ધ્રુવ તારો જેમ દિશા દેખાડે છે તેમ અરજણ પણ આ પંથકમાં કોઈ મુશીબત માં આવે તો એ નદી કાંઠાની આજુબાજુ દેખા દે છે!! આ પંથકનો એ ધ્રુવનો તારો છે!! બને નો પ્રેમ અધુરો રહ્યો છે એટલે ભટક્યા કરે છે!! આ ડુંગરાળ પંથકમાં ઘણા લોકોએ અરજણ અને રૂપાને જોયા છે.. પણ બેય આઘા આઘા હોય છે!! કયારેક રૂપાનું ગીત સંભળાય છે!!! અને કયારેક અરજણ ના ડુસકા પણ સંભળાય છે!!” ચલમ ઓલવીને લખમણ ભાઈ એ વાત પૂરી કરી !! કાંતુ બહેન બોલ્યા,

“ત્યારથી આ ગામમાં રીવાઝ છે કે કોઈ પરણીને આવે ને ત્યારે સાત શ્રીફળ ઈ દેરીએ વધેરીને જ ગામમાં પ્રવેશે છે. દીકરીને વળાવતી વખતે પણ જાન ત્યાં ઉભી રહે છે અને સાત શ્રીફળ વધેરવામાં આવે છે.. આ ગામની ફરતે અરજણ અને રૂપાની ચોકી છે એટલે ગામમાં ત્યાર પછી કોઈ કમોતે નથી મર્યું. તમે કાલે સવારે જાવ ને ત્યારે ત્યાં શ્રીફળ વધેરતા જજો.. આ તો શ્રદ્ધાનો વિષય છે.. શ્રદ્ધા હોય તો બધું સીધું જ છે.. ઘણા ના માને પણ તમને તો અરજણ મામા રૂબરૂ મળ્યા જ છે” ઋત્વી અને રવિની આંખો ભીની થઇ ગઈ હતી.

બીજે દિવસે સોમવારે સવારે રવી અને ઋત્વી જવા નીકળ્યાં. ગામમાંથી રવીએ સાત શ્રીફળ લીધા અને નદીકિનારે આવેલી અરજણ અને રૂપાની દેરીએ ત્યાં વધેર્યા. અગરબતી કરી અને બુલેટ ચાલ્યું. રવિ અને ઋત્વીની નજર ચારેય બાજુ ડુંગરમાં ઘૂમી રહી હતી. ચારેય બાજુ વનરાઈમાં એક અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. વાતાવરણમાં અરજણ અને રૂપાની પ્રીતની મહેંક વર્તાતી હતી.

લેખક :- મુકેશ સોજીત્રા

દરરોજ મુકેશ સોજીત્રાની વાર્તા વાંચવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી