મૃત્યુ સાથેની મારી સુંદર મુલાકાત

સંસારમાં જન્મેલો દરેક વ્યક્તિ જન્મે ત્યારે એ સત્ય સાથે જ જન્મે છે કે તેનુ મૃત્યુ નક્કી છે અને આ જ સત્ય સાથે જીવે પણ છે કે કોઇ એક દિવસ તો મરવાનું જ છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો એવા પણ છે જે મૃત્યુનાં વિચાર માત્રથી થથરી ઉઠે છે. જયારે ઘણાં લોકો એવા છે જે મૃત્યુનો સ્વીકાર કરવા જ નથી માંગતા હવે મને એ વિચાર આવે કે આવા લોકો જીંદગીને વધારે પ્રેમ કરે છે એટલે મરવા નથી માંગતા? અથવા આવા લોકો મૃત્યુથી ડરતા હોય છે એટલે મરવા નથી માંગતા? પણ અંતે મૃત્યુ જ સત્ય છે એ આપણે સૌ જાણીએ છીએ.

જન્મ અને મૃત્યુ એ સંસારનો શાશ્વત નિયમ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. આપણે ત્યાં જન્મનો પ્રસંગ એટલે ખુશીનો અવસર અને મૃત્યુનો પ્રસંગ એટલે દુઃખનો અવસર ! આપણા સગાસંબંધી કે આપણી નજીકની કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આપણે દુઃખની લાગણીનો અનુભવ કરીએ છીએ અથવા ક્યારેક આપણી પોતાની કોઇ અત્યંત નજીકની વ્યક્તિના મૃત્યુના શોકમાંથી બહાર નીકળતા આપણને ઘણો સમય લાગી જાય છે.

કંઇક આવા જ વિચારનું યુધ્ધ કે મૃત્યુ કેવું હશે? મરવાથી આટલો ડર કેમ લાગે છે? એ લાગણી કેવી હશે? આ બધા જ પ્રશ્નોનાં જવાબ મેળવવા માટેની મારી એક સુંદર સફર એટલે “મૃત્યુ સાથેની મારી સુંદર મુલાકાત”

આજે અચાનક મૃત્યુ સાથે મારી સુંદર મુલાકાત થઇ ! ના..ના.. કોઇ જ યમરાજ લેવા નહોતા આવ્યા પનબમૃત્યુ પણ જન્મની જેમ એક ઘટના જ હોય છે. ખબર નહિ કેમ પણ હંમેશાથી મને જીંદગી કરતાંય મૃત્યુ વધારે જ સુંદર લાગતું હતું પરંતુ આમ અચાનક જ મૃત્યુને જોઈને હું પણ થોડીક ક્ષણો માટે ગભરાઈ ગઇ હતી. કપાળે વળેલો પરસેવો, ગળા ને રૂંધી નાંખતો શ્વાસ જાણે હમણાં જ શરીરને ચીરીને બહાર નીકળી જશે !

જીવનથી લડતાં લડતાં કદાચ એટલી થાકી ગઈ હતી કે મૃત્યુને ગળે લગાવવાની શકિત પણ બચી નહોતી. મૃત્યુ મને ગળે લગાવે એ પહેલાની પળોમાં જીવાઇ ગયેલી જીંદગી આંખો સામેથી પસાર થવા લાગી અને ક્યાંક જીવન જીવ્યાનો સંતોષ તો ક્યાંક ઘણી એવી ઇચ્છાઓ અને અધૂરા રહી ગયેલા સપનાઓનો અફસોસ ! કેટલા બધા એવા ચહેરા જે કદાચ જિંદગીથી પણ વધારે મહત્ત્વનાં હતાં જ્યારે આંખો સામે આવેલા કેટલાંક ચહેરાઓ માટે નફરત આજેય અકબંધ હતી. જીંદગીના એવા કેટલાંય પ્રશ્નોનાં જવાબ મળી ગયાની શાંતિ હતી અને ક્યારેક વણઉકેલ્યા પ્રશ્નોનાં રહસ્યો આજે પણ એવા જ હતાં. ક્યાંક પારાવાર પસ્તાવાનાં આંસુઓ હતાં તો ક્યાંક કોઇને માફ કર્યાની ખુશી હતી.

વિચારોનું એ યુધ્ધ, હતાશાઓ, નિરાશાઓ, ખુશીની એ ક્ષણો, દુઃખનાં એ આંસુઓ બધું જ શમી ગયું હતું. આચાનક પથરાયેલી એ નિરવ શાંતિ એ મારી મૃત્યુ સાથેના મિલનની સાક્ષી પુરતી હતી. મૃત્યુ મારા માટે કદાચ એટલે સુંદર હતું કેમ કે એના મળ્યા પછી એ બધા જ પ્રશ્નોનાં જવાબ મળી ગયા હતાં જે સમગ્ર જીવન શોધવા છતાંય નહોતા મળ્યા ! વિચારોનું એ યુધ્ધ એક જ પલમાં શમી ગયું હતું. આજે મને પ્રેમ કરનાર અને નફરત કરનાર બંનેની આંખોમાં આંસુ હતાં.

કોણ મારા પોતાના હતાં અને કોણ પારકા એની આજે મને જાણ થઇ ગઇ હતી. મારી હાજરીની તો ખબર નહિ પણ મારી ગેરહાજરીને સ્વીકારવા આજે કેટલાક લોકો તૈયાર નહોતા ! આ ભીડમાં કેટલાંય એવા ચહેરા પણ હતા જેઓ મારા ન હોવાથી ખુશ પણ હતા ! મૃત્યુ પછીના કોઇ વિચારો નહોતા અને કોઇ પણ અપેક્ષાઓ નહોતી અને ન કોઇ પ્રશ્નો હતા ! ન કોઈ જ જવાબ હતા પણ જો કંઇ હતું તો એ હતી માત્ર નિરવ શાંતિ.

મૃત્યુ કદાચ આટલું સુંદર હશે એની તો મને કલ્પના પણ નહોતી પણ મારી મારા મૃત્યુ સાથે સ્વપ્નમાં થયેલી એ મુલાકાત ખૂબ જ સુંદર હતી.

લેખક – ખ્યાતિ ઠકકર (સફર)

આપ સૌ ને મારો આ લેખ કેવો લાગ્યો ? પ્રતિભાવ આવકાર્ય !

ટીપ્પણી