સંસાર અને સમયમાં સ્વ-ને સાચવો​…

સંસાર અને સમયમાં સ્વ-ને સાચવો

સંસારમાં રહેતી દરેક વ્યક્તિને પોતે સમય સાથે સમાધાન સાધી શકતો નથી કે સમય તેની સાથે નથી તેવા અનેક વિચારો ક્યારેક આવતા હોય છે. જીવનમાં જો સકારાત્મક વલણને થોડું સ્થાન આપી દેવામાં આવે તો મનની અનેક મૂંઝવણોને દૂર કરી શકાય છે. વ્યક્તિત્વમાં હકારાત્મક રીતે સરળતા પ્રાપ્ત કરવી એ કોઈ અશક્ય કામ નથી. જરૂરિયાત છે તો માત્ર દ્રઢ ઈચ્છાશક્તિ સાથે જીવનચર્યામાં કેટલાક વૈચારિક પરિવર્તનોની જે આ પ્રકારનાં હોઈ શકે છે. આ દરેક પ્રકારને જો જીવનમાં સ્થાન આપી દેવામાં આવે તો સંસાર અને સમય બંનેને તમે તમારી રીતે વાળી શકો.

સંકોચ દૂર કરો

જો તમે સાચા છો, સારા દેખાવા માગો છો અને પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક બનવા ઈચ્છો છો તો ક્યાંય જવામાં, કોઈની પણ સાથે વાત કરવામાં, કોઈ આધુનિક ડ્રેસ પહેરવામાં અને કોઈ જાણકારી પ્રાપ્ત કરવામાં મનના સંકોચને માર્ગનો પથ્થર ન બનવા દો. લોકોની સાથે આત્મવિશ્વાસ પૂર્વક વાત કરો. શરૂઆત સરખી ઉંમરના મિત્રોની સામે નવાં પ્રકારનાં કપડાંથી કરો. તમારા દેખાવમાં પણ પરિવર્તન આવે તે જરૂરી છે. જો તમે હંમેશાં વાળને બાંધીને રાખતા હો તો ક્યારેક તેને ખુલ્લા રાખો કે પછી હંમેશાં સલવાર-કૂરતો જ પહેરતાં હો તો ક્યારેક પોતાના સરખી ઉંમરના ભાઈ કે બહેનનાં શર્ટ અને પેન્ટ પહેરો. સાચે જ આ નાની અમથી વાતથી તમારો આત્મવિશ્વાસ વધશે.

કારાત્મક વિચારધારા જરૂરી

મનનાં હારેલ હારે છે અને મનનાં જીતેલ જીતે છે એટલે કે મનમાં સફળ થવાનો ભાવ દ્રઢ કરો અને આ દ્રઢતા સાથે તમારા પોતાનાં બધાં કામ પૂરાં કરો. આ વિચારના કારણે જે પણ કામ તમે કરશો એ પૂરી લગન, વિવેક અને સફળ થવાના વિશ્વાસ સાથે જ થશે. આ વિચાર અપનાવવાથી કોઈપણ કામમાં મળેલી નિષ્ફળતાને પણ તમે હતાશ થયા વિના સફળતાની સીડી બનાવી શકશો.

પરિવર્તનને સમજો અને સ્વીકારો. સમજવાનો પ્રયત્ન કરો કે સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. આગળ વધનારું છે. કંઈપણ સ્થિર નથી. ત્યારે એવી શી લાચારી છે કે તમે ભવિષ્યની તરફ જોવાને અને આગળ વધવાને બદલે ખોટી પરંપરાઓ, રીતરિવાજો અને પૂર્વગ્રહોથી બંધાઈને જડ બનીને બેસી રહો? જે પરંપરાઓ ભવિષ્ય પ્રત્યે વર્તમાનમાં નિરર્થક બની જાય તેને છોડી દો. પરિવર્તનમાં જ સૌંદર્ય સમાયેલું છે. એથી તમારી પોતાની રહેણીકરણીમાં સમય મુજબ આકર્ષક લાગતાં પરિવર્તનોને નિઃસંકોચ ઉત્સાહપૂર્વક અપનાવતા રહો. તમારું વ્યક્તિત્વ ખીલી ઊઠશે.

મનને મુક્ત બનાવી દો

કોઈ ચીજ કે વાત પહેલાં નથી થઈ તો એ ખોટી છે અને જે વર્ષોથી ચાલી રહ્યું છે તે જ સાચું છે, આ માનસિકતાને મનમાંથી સંપૂર્ણ પણે કાઢી નાખવાનો પ્રયાસ કરો. એમાં પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો અને ઘટનાઓને પોતાના મગજના સાચા ખોટાનો નિર્ણય કરનારા ત્રાજવાંથી તોલવાનો પ્રયાસ કરો. સત્યનો સ્વીકાર કરવાની હિંમત ઊભી કરો. વિશ્વાસ રાખો કે આ પ્રકારનો પહેલો નિર્ણય જ તમારી પોતાની નજરમાં તમને ઉપર લાવવાનું શરૂ કરી દેશે.

સામાન્ય જ્ઞાનથી તરબતર રહો

 લોકોની વચ્ચે જવા માટે, તેમની સાથે પરિચય વધારવા માટે, તેમની વચ્ચે લોકપ્રિય થવા માટે ફેશન, ડ્રેસિંગ વગેરે બાહ્ય સાધનો છે, પરંતુ સાથે સાથે તમને કલા, રમતગમત, રાજકારણ, ફેશન, સ્વાસ્થ્ય, હાસ્ય વગેરે ક્ષેત્રોની છેલ્લી માહિતી પણ હોવી જોઈએ જેથી તમે લોકો સમક્ષ વિભિન્ન વિષયો પર પ્રભાવશાળી રીતે આત્મવિશ્વાસ પૂર્વક વાતો કરીને તેમને પ્રભાવિત કરી શકો. તેના માટે તમે સામયિકો અને છાપાંઓ વાંચો, ફિલ્મો જુઓ, રમતનું સીધું પ્રસારણ જુઓ. પછી જેમ જેમ લોકોને હળવામળવા લાગશો તેમ ઘણી બધી જાણકારી તમને તેમની પાસેથી પણ મળવા લાગશે.

જીવનમાંથી કંટાળો દૂર કરો

કંટાળાથી દૂર રહો એટલે કે રોજેરોજની જિંદગીમાં નવીનતાને સ્થાન આપવાનું શરૂ કરો. એકરસતા જીવનમાં કંટાળો લાવે છે. એનો મતલબ એવો નથી કે જીવનમાં નિયમિતતા અને શિસ્ત નકામી ચીજો છે, પરંતુ તે હદથી વધુ વધી જાય તો જીવનમાં એકરસતા ઉત્પન્ન કરે છે. એનાથી બચવાનો ઉપાય છે નવી ફેશન, નવું સંગીત અને નવી સ્ટાઈલને સ્વીકારવી.

વ્યાયામ પસંદ કરો

ગમે તેટલો મેકઅપ કરવામાં આવે, આધુનિક ડ્રેસ પહેરવામાં આવે, સારા વક્તા પણ તમે બની જાઓ, પરંતુ તમારું ફિગર આકર્ષક ન હોય તો સંભવ છે કે તમારી સરળતા તમને 100 ટકા લાભ આપી ન શકે. આ ઉપરાંત સામાજિક સરળતા માટે નિયમિત હોવું પણ જરૂરી છે. તેના માટે તમારે નિયમિત એક કલાક વ્યાયામ માટે દરરોજ કાઢવો જોઈએ. પછી તમે એરોબિક્સ કરો કે યોગાસન, તમે હેલ્થ ક્લબમાં જાઓ કે રમવા. તેનાથી શરીર સ્વસ્થ અને સુડોળ બનશે, ગતિશીલ બનશે અને ચહેરાનું તેજ વધશે. મનમાં ઉત્સાહ, ઉમંગનો સંચાર થતો રહેશે.

હસતાં રહોહસાવતા રહો

 મનનો ખચકાટ દૂર કરવા માટે હસો. આ ધરતી પર જેટલાં પણ પ્રાણી છે તેમાંથી માત્ર માણસ જ હસી શકે છે. આ એક મોહક હથિયાર છે, જે દુશ્મનીને મિત્રતામાં બદલી શકે છે. આ એક ઠંડી આગ છે, જે કઠોર હૃદયની વ્યક્તિને પણ પિગાળી શકે છે. આ એક એવું અચુક તીર છે જેનાથી શુષ્ક વ્યક્તિના મનમાં પણ પ્રેમના અંકુર ફુટી શકે છે. એટલે કે હાસ્ય અપરિચિતોને માનવીય સ્તર પર નજીક લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી આપસમાં તંગદિલી ઘટે છે અને હંમેશાં મિત્રતાને આમંત્રણ આપે છે. કહેવાનો અર્થ એટલો જ છે કે જીવનમાં હસવાની કોઈપણ તક ન ગુમાવો.

આ પ્રકારના આવાં નાનાં નાનાં, પરંતુ મહત્વપૂર્ણ સૂત્રોને તમારા પોતાના જીવનમાં સ્થાન આપવાનું શરૂ કરો.પૂર્વગ્રહો, માન્યતાઓ, બિનજરૂરી સંકોચ, ખટકાટ વગેરેથી ગંઠાયેલા જીવનને ફરીથી ધબકતું બનાવો અને મેળવો એક ગતિશીલ આદર્શ જીવન.

લેખક : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ આવી અનેક ઉપયોગી અને જીવનમાં અપનાવવા જેવી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી