બાકી મોટો કારીગર હો!!

એને ફોટામાં આવવાનો ભારે શોખ હો!! ગમે તે કાર્યક્રમ હોય!!ગમે ત્યાં હોય!!ગમે તેનો કાર્યક્રમ હોય પણ એ કોઈને કોઈ ફોટામાં આવી જ જાય!!મુખ્ય મહેમાનની બાજુમાં જ એ ફોટામાં નજરે ચડે!!

પણ આ વખતે વાત થોડી જુદી અને વળે ચડી ગયેલી!! બે દિવસ પહેલાં જ આચાર્યશ્રી સ્ટાફ મિટિંગમાં જાહેર કર્યું.

“આ વખતે ઉપરથી સૂચના છે કે કોઈ સ્ટાફનાં વ્યક્તિએ પ્રવેશોત્સવ વખતે આવેલ મુખ્ય મહેમાનનું સ્વાગત કરવાં જવાનું નથી. ફક્ત આચાર્ય અને ગામ આગેવાનો જ દરવાજે જશે અને સ્વાગત કરશે.. સ્ટાફનાં તમામ શિક્ષક મિત્રો બાળકોની આજુબાજુ ગોઠવાઈ જશે.

દીપ પ્રાગટય વખતે પણ સ્ટેજ પર કોઈ નહીં..!! ફોટા પાડવા વાળા પણ આવેલ મુખ્ય મહેમાન સાથે હશે, એટલે કોઈએ પોતાના કે બીજાના મોબાઈલ દ્વારા ફોટો સેસન કરવાનું નથી નથી અને નથી જ!!

પ્રવેશોત્સવનો દિવસ આવી ગયો. સહુ પોત પોતાના સ્થાને ગોઠવાઈ ગયાં!! મહેમાનો સ્ટેજ પર બિરાજમાન થયા!! કાર્યક્રમ ની શરૂઆત થઈ. બીજા બધા એની સામે જોતા હતાં, આજ એ શું કરશે?? પણ એણે તો નિરાંતે પોતાની ખુરશી પર જમાવી હતી એની આગળ જ એક કેમેરા વાળો સ્ટેજના ફોટા પાડતો હતો એટલે એનો ફોટો આ વખતે આવે એમ જ નહોતો!!

દીપ પ્રાગટય કરવાનો સમય થયો. બધા મા સરસ્વતીની છબી આગળ ગોઠવાયા. બધું જ તૈયાર હતું પણ દીવો પેટાવવા માટેનું માચિસ ના મળે.. અહીં જ હતું ક્યાં ગયું?? આચાર્યશ્રી દોડીને ઓફિસમાં ગયાં બીજું માચિસ લેવા અને એ ઉભા થયો ઝડપથી, ફટ દઈને સ્ટેજ પર અને પટ કરતું ખિસ્સામાંથી માચિસ કાઢ્યું!!!

અને દીવાસળી પેટાવી, મીણબત્તી સળગાવી અને મુખ્ય મહેમાન ને આપીને એની બાજુમાં હસતાં મોઢે ઉભો રહ્યા!! ફલેશો ઝગમગી અને એ ત્રણ થી ચાર ફોટામાં આવી ગયો. આચાર્ય નવું માચિસ લાવીને સાઇડમાં ઉભા રહ્યા!! દીપ પ્રાગટય થઈ ચૂક્યું હતું!!

આચાર્ય મનોમન બબડ્યા!!

“બાકી મોટો કારીગર હો”

એને ફોટામાં આવવાનો પહેલેથી જ શોખ હો!!!

લેખક : મુકેશ સોજીત્રા

આપ સૌને વાર્તા ગમી હોય તો કોમેન્ટ માં લખજો

“બાકી મોટો કારીગર હો”

ટીપ્પણી