વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ રોગો અને ઉપાય ! જાણો અને મસ્ત રહો…

સામાન્ય બોલીમાં આપણે જેને જ્વર કહીએ છીએ આ તાવને હિન્દીમાં બુખાર કહે છે, સિંધીમાં બટો તો અંગ્રેજીમાં ફીવર તથા અરબીમાં ‘હુમ્મા’ના નામથી ઓળખાય છે. આયુર્વેદમાં જ્વરને સ્વતંત્ર રોગના રૂપમાં તથા અન્ય રોગોનો ઉપદ્રવ સ્વરૂપ પણ માનવામાં આવે છે.

જ્વર અથવા તો ‘તાવ’ને રોગોનો રાજા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ કોઈના કોઈ સમયે જ્વરથી પીડાય છે. સામાન્ય રીતે તાવ ગમે તે મોસમમાં આવી શકે છે, પરંતુ તેનો પ્રકોપ વર્ષાઋતુમાં વિશેષ જોવા મળે છે. તેનું કારણ આપણા જાણીતા વૈદ્યરાજ કહે છે કે : આ ઋતુમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે અને તાવનું મુખ્ય કારણ જઠરાગ્નિની શિથિલતા પણ છે. તેથી વર્ષાઋતુમાં તાવનો ઉપદ્રવ અધિક થતો હોવાથી તેનાથી ચેતતા રહેવું.

આયુર્વેદમાં જ્વર-તાવનું વર્ણન સર્વપ્રથમ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, જન્મ અને મૃત્યુ સમયે દરેક પ્રાણી તાવની અસરમાં આવી જાય છે. એવું માનવામાં આવે છે કે, આ સમયે તાવની અસરને કારણે પ્રાણી પુનર્જન્મની વાતો ભૂલી જાય છે.

અમદાવાદના એક જાણીતા ફિઝિશિયનનું કહેવું છે કે, લોકોએ તાવ શું છે એ જાણવું જરૂરી છે. સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન ૯૮.૪’ હોય છે. જ્યારે શરીરનું તાપમાન તેનાથી વધી જાય છે ત્યારે તાવ આવ્યો છે, એમ કહેવાય. તાવ મનુષ્યને માત્ર આવે છે તેવું નથી. તાવ પશુ-પક્ષી અને અન્ય જાનવરોને પણ આવે છે, પણ તાવને સહન કરવાની શક્તિ માત્ર મનુષ્યોને જ પ્રાપ્ત થઈ છે. મોટાભાગના પ્રાણીઓ તાવને સહન કરી શકતા નથી પરિણામે મૃત્યુ પામે છે.

પ્રશ્ન એ થાય કે, વર્ષાઋતુમાં જ તાવનો પ્રકોપ વધુ થાય છે તેનું કારણ શું ?

આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલનું કહેવું છે કે : વર્ષાઋતુમાં વરસાદ અને આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે હવામાં ભેજની માત્રા વધી જાય છે. જેનાથી અનાજ, વનસ્પતિમાં પણ ભેજની માત્રા વધી જાય છે. જળ દૂષિત થઈ જાય છે. દૂષિત જળ તો રોગચાળાજનક ગણાય છે. ધાન્ય અને ખાદ્ય પદાર્થોમાં ભેજને કારણે અમ્લતા આવી જાય છે. આ અમ્લતાને કારણે જ વર્ષાઋતુમાં પિત્તનો સંચય થાય છે. તાવનો મુખ્ય દોષ પિત્ત છે, કારણ કે જ્વરથી જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જેને કારણે તાવ આવે છે, અપચો થાય છે. આ ઋતુમાં મોટાભાગના લોકો દૂષિત જળ પીવાને કારણે તાવનો ભોગ બને છે. ચોમાસામાં દરેક વ્યક્તિએ દૂધ અને પાણી ઉકાળીને જ પીવાં જોઈએ.

આધુનિક મતાનુસાર વર્ષાઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે જેનાથી મચ્છર ઉત્પન્ન થાય છે અને આ મચ્છરોના કરડવાથી મેલેરિયાનો તાવ આવે છે. વર્ષાઋતુમાં ઠંડી હવા શ્વાસ દ્વારા ફેફસાંમાં પહોંચે છે ત્યારે શરદી થઈ જાય છે. આ જ્વરનું પૂર્ણ લક્ષણ છે.

વર્ષાઋતુમાં તાવથી બચવા માટે મોસમ અનુસાર પથ્યનું પાલન (પાચનશક્તિ) કરવું જોઈએ. ખાસ કરીને આ ઋતુમાં એકદમ હળવો આહાર આરોગવો જોઈએ. આ ઋતુમાં જ ર્ધાિમક તહેવારો બહુ હોય છે. ખાસ કરીને વ્રતો અને શ્રાવણના ઉપવાસ એકટાણા. આથી ર્ધાિમક દૃષ્ટિએ જોઈએ તો ઉપવાસ-વ્રત વગેરેને વર્ષાઋતુમાં આવતા તહેવારોને અધિક પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉપવાસને આયુર્વેદમાં ‘લાંઘણ’ કહેવામાં આવે છે અને ઈશ્વરે ખાસ આ ઋતુમાં જ આ ‘લાંઘણ’ની ગોઠવણ કરી છે, પણ આજે તો આ ઉપવાસના નામે ફરાળી વાનગીઓ વધારે ખવાય છે. જેથી સો ટકા આ ઋતુમાં અપચો થવાનો સંભવ વધુ રહે છે અને તાત્કાલિક લોકો માંદા પડે છે.

કુદરતે આ ઋતુમાં તાવ અને અન્ય વ્યાધિથી બચવા માટે જ લોકોને ર્ધાિમક તહેવારોના બહાને ઉપવાસ-વ્રતનું નિર્માણ કર્યું છે. જેથી લોકો ફળફળાદિ ખાઈને ઉપવાસ (ખાલી પેટ) રહે, જેથી તેને કોઈ વ્યાધિ સતાવે નહીં અને તેની આ ઋતુ બહુ જ સરળ રીતે પસાર થઈ જાય.

વૈદ્યરાજ તાવના પ્રકારો વિશે કહે છે : આયુર્વેદ ગ્રંથમાં જ્વરના ઘણા પ્રકાર બતાવવામાં આવ્યા છે. દોષના આધાર પર આવતા તાવના આઠ ભેદ કહેવામાં આવ્યા છે. વાત-પિત્ત-કફ-વાતપિત્ત- વાતકફ-કફપિત્ત-સંનિપાત અને વિષજન્ય આંગતુક જ્વર.

આયુર્વેદના ગ્રંથ પ્રમાણે ઉપચારના આધાર પર સાધ્ય અને અસાધ્ય એમ બે પ્રકારના તાવ આવે છે. ઉપરાંત કામજ્વર-શેષજ્વર- વિષજ્વર- ક્રોધજ્વર આના પણ પ્રકાર જોવા મળે છે. આધુનિક તબીબીશાસ્ત્રમાં મેલેરિયા- ટાઈફોઈડ- વાઈરલ ફીવર તથા રૂગ્મેટિક ફીવર જેવા તાવના મુખ્ય પ્રકાર ગણવામાં આવે છે.

વર્ષાઋતુમાં આવતા તાવના લક્ષણો તપાસીએ તો પ્રથમ તો આપણા શરીરમાં આળસ થવા લાગે છે, ક્યાંય દિલ ચોંટતું નથી, થાક લાગે છે, આંખોમાં પાણી કે આંસુ આવવા લાગે છે, બગાસાં આવે છે, શરીર આખામાં કળતર થાય છે, આંખો બળે છે, હાથ-પગ ઠંડા પડવાનો ભાસ થાય છે. શરીરના રુંવાડાં ઊભાં થવા લાગે છે. અરુચિ અને નબળાઈ લાગે છે. તાવ પહેલાંના શરૂઆતના આવા બધા લક્ષણો થવા લાગે છે. આવા પ્રાથમિક લક્ષણોને કદી અવગણવા નહીં. આ વખતે શરીરનું તાપમાન એકાએક વધી જાય છે અને પરિણામે તાવ આવે છે. ઘણાને તાવ આવતા પહેલાં માથું દુખવા લાગે છે. કેટલીક વખત ગભરામણ પણ થવા લાગે છે.

તાવ આવવાનું મુખ્ય કારણ પિત્ત છે. આ પિત્ત અને રસ ધાતુ ગણાય છે. શરૂઆતમાં તાવના તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે અને એટલે જ તાવમાં વધુ પડતો ભારે ખોરાક લેવાની ના હોય છે. એઓમાં પણ જો ઉપવાસ એટલે કે ભૂખ્યા રહીએ તો તાત્કાલિક તાવમાં રાહત થાય છે.

તાવની પહેલી અવસ્થામાં ઉપવાસ કરવો, જ્યારે તાવની મધ્ય અવસ્થામાં આપણે લીધેલો ખોરાક જલદી પચી જાય તેવી દવાઓ લેવામાં આવે, જેનાથી દૂષિત આમનું પાચન થાય છે અને શરીર હળવુંફૂલ બને છે. પાચનની દવાઓ સાથે તાવ નાશ પામે તેવી પણ દવા લેવી જોઈએ.

ટૂંકમાં, વર્ષાઋતુમાં આપણે આપણા ખોરાકના સેવનનો બરાબર ખ્યાલ રાખીએ તો આ બધી લમણાંઝીંકથી દૂર રહીએ.

વર્ષાઋતુમાં વકરતા ત્વચાના રોગ :

શરીરની સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું. નહાવાના પાણીમાં દર ૨-૩ દિવસે લીમડાની છાલ કે પાંદડા અથવા કણજીની છાલ ઉકાળી તે પાણીથી નહાવું જોઇએ. ચોમાસામાં પ્રોટીન તથા વિટામિન સીયુકત સુપાચ્ય આહાર વધારે લેવો જોઇએ. પીવાના પાણીમાં નિર્મળીના બી પલાળી રાખી તે પાણી પીવું જોઇએ. નિર્મળીના બી શ્રેષ્ઠ જંતુનાશક છે.

ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવાથી શરીર પરનો પરસેવો સૂકાતાં વાર લાગે છે. હવામાં ઊડતા ધૂળના રજકણો શરીર પર ચોંટે છે. પરિણામે ત્વચાના છિદ્રો પૂરાઇ જાય છે. ત્વચા ચીકણી, ભેજવાળી રહેવાને કારણે ત્વચા પર અમુક પ્રકારના જંતુઓ ઉત્પન્ન થાય છે. પરિણામે સાથળ, કમર, બગલ કે સાંધાના ભાગમાં ગૂમડા કે ચામડીના અન્ય રોગ થતાં જોવા મળે છે, આંગળીઓની વચ્ચે ઝીણી ફોલ્લીઓ થવી જેને ખસ કહેવામાં આવે છે. તેમાં ખૂબ જ ખંજવાળ આવે છે. શરીરના ગમે તે ભાગમાં ખરજવું થાય અથવા થયેલું હોય તો તે વધે છે.

કેટલીક મહિલાને શરીર પર દાઝી ગઇ હોય તેવા ફોલ્લા થઇ આવે છે, તો કોઇ મહિલાના નખમાં ઇન્ફેકશન થાય. પરિણામે નખની આસપાસની ત્વચા લાલ થઇ જાય, ખંજવાળ આવે કે ત્વચા પાકી જાય તેથી દુ:ખાવો કે ક્યારેક પરુ પણ થઇ જાય છે. ચોમાસામાં કેટલીક મહિલાના પગના પંજાની ત્વચા પોચી અને સફેદ થઇ જઇને પાણી નીકળવા લાગે છે. પગની આંગળીઓ વચ્ચે ઊંડા ચીરા પડે છે. ખૂબ બળતરા, ખંજવાળ અને દુખાવો થાય છે. આવી તો ત્વચાની અનેક તકલીફ ચોમાસામાં વકરે છે.

કારણો આ ઋતુમાં જો શરીરની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન રાખવામાં ન આવે કે સાંધાઓમાંથી બરાબર ભેજ લૂછવામાં ન આવે તો પણ ત્વચાના અનેક રોગ થાય છે. વરસાદના પાણીમાં વારંવાર જવાથી પગની ત્વચાના અનેક રોગ થાય છે. આ ઋતુમાં પાચક અગ્નિ મંદ પડી જાય છે. આવા વખતે ખાવાપીવામાં પૂરતું ધ્યાન ન આપવાથી પણ ચામડીના અનેક રોગ થાય છે. મોટે ભાગે આ ઋતુમાં જ વધારે તળેલું કે મરી-મસાલાવાળું ખાવાની વધારે ઇચ્છા થાય છે, જેનાથી ત્વચાના રોગ ઉદ્ભવે છે.

ચહેરાની ત્વચા નિસ્તેજ થઇ જવી અર્કતેલ, લાવણ્યતેલ, કુંકુમાદિ તેલથી માલિશ કરવી. લીંબુના રસમાં સોડા બાયકાર્બ કે ચપટી મીઠું મિક્સ કરી ત્વચા પર લગાવી તરત જ ધોઇ નાખો. આનાથી ત્વચાની ચમક પાછી આવે છે. આલુ, જરદાળુના પલ્પનો લેપ લગાવવો.

ચોમાસામાં ત્વચાની કોઇ પણ તકલીફ થાય કે ત્વચાની ચમક, ભેજ, રંગ સુંદર રહે તે માટે આ ઋતુ દરમિયાન શોધન ચિકિત્સા અનિવાર્ય છે. તે માટે લંઘન, બિસ્ત, વમનકર્મ કે વિરેચન ઉત્તમ ચિકિત્સા છે. આ બધી ચિકિત્સાઓ કરવાની સાથોસાથ ત્વચાના રોગને દૂર કરવા માટે યોગ્ય આયુર્વેદિક દવાઓ પણ ચિકિત્સકની સલાહ અનુસાર લેવાથી ઉત્તમ પરિણામ મળે છે.

ચામડીના રોગ માટે લંઘન એટલે કે ઉપવાસ ઉત્તમ છે, જેને આયુર્વેદમાં શોધનકર્મ કહે છે. અઠવાડિયામાં એક વાર લંઘન-ઉપવાસ કરવો જોઇએ. અઠવાડિયામાં એક વાર સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ એક ચમચી પાણી સાથે રાત્રે લેવું જોઇએ.

ફોડલી કે ગૂમડા ચોમાસામાં ફોડલા કે ગૂમડા થતાં હોય તેમણે ગૂમડા પર નીમતેલ કે સેફતેલ લગાડવું. લીમડાના પાન તથા કાળી જીરી વાટી તેનો લેપ લગાવવાથી પણ તે મટે છે. પગની આંગળીઓ પાકવી જે મહિલાઓને આંગળીઓ ફુગાઇ જાય, પાકે કે ચીરા પડતાં હોય તેમણે કોપરેલમાં હળદર મિક્સ કરી લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. ચરણકમલ મલમ, જાત્યાદિ મલમ કે જાત્યાદિ તેલ લગાવવાથી પણ ચીરામાં જલદી રૂઝ આવી જાય છે. દાદર ખરજવું જો દાદર-ખરજવું જેવી તકલીફ થઇ હોય તો લીંબુના રસમાં ખાવાનો સોડા મિક્સ કરી લગાવી શકાય.

ઉપરાંત કેટલાક આયુર્વેદિક લેપ પણ લગાવી શકાય. નખમાં ફંગસ કે પાક નીમતેલ મરિચ્યાદિ કે સેફતેલમાં રૂ બોળી નખ પર રાત્રે મૂકી પટ્ટી બાંધી દેવી. આનાથી ફંગસ કે પાક ખૂબ જલદી મટે છે. ત્રફિળા ગુગળની બે-બે ગોળી ત્રણ વાર ખાવાથી પણ ફાયદો થાય છે. સ્નાન વખતે રાખો ધ્યાન અઠવાડિયામાં ૧થી ૨ વાર આખા શરીર તેમાંય બગલ, જાંઘ કે સાંધાના ભાગ પર નીમતેલ, કરંજતેલ કે વિડંગાધ્યતેલ રાત્રે લગાવી સવારે લીમડાના પાણીથી નહાવું.

ચોમાસામાં વારંવાર સતાવતી અપચાની સમસ્યાના ઉપાય+સૂચનો :

વરસાદની ઋતુમાં ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન નિકળવાને લીધે આપણી પાચનશક્તિ મંદ પડે છે. તેને લીધે ખાવાનું ન પચતું નથી તેથી પેટ ભારે લાગે, જીવ મુંઝાવા લાગે, બેચેની લાગે, ઉલટી વગેરે સમસ્યા થવા લાગે છે. પરંતુ ચોમાસામાં આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક આસાન ઘરેલું ઉપાયો પણ કારગર નિવડે છે.

અપચાની કે કબજિયાતની સમસ્યા તો અડધી રાત્રે પણ પરેશાની પેદા કરી શકે છે ત્યારે ઘણીવાર ઝાડા-ઊલટીની સમસ્યા થવા લાગે છે. એવી વખતે તહેવારોના સમયમાં તળેલી કે ગળી ભારે વસ્તુ ખાધી હોય તો અપચો થતો જ હોય છે. આવી વખતે ભારે ખોરાક લેવાને બદલે આગળ આપેલ ઉપાયો કરીને તમે અપચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

૧) લીંબૂ –અપચો થવાથી લીંબુની ફાડપર નમક લગાડી ગરમ કરીને ચૂસવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

૨) જમરુખ – અપચો કે આફરો ચડ્યવાથી ખાધા પછી 250 ગ્રામ જમરુખ ખાવું જોઈએ.

૩) જીરું –જીરું, સૂંઠ, સિંધાલું નમક, પીપળ, મરી સમાન માત્રામાં મેળવી, પીસીને તેમાં એક ચમચી રોજના દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે ફાંકી લો.

૪) અનાનસ –અનાનસની ચીર પર નમક અને મરી નાખીને ખાવો તો અજીર્ણ દૂર થાય છે.

૫) પપૈયું – ખાવાનું ન પચ્યા પછી પપૈયું ખાવાથી સારું રહે છે. પપૈયાના સેવનથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

૬) ગાજર –ગાજરના રસમાં પાલકનો રસ મેળવી પીવાથી અપચો દૂર થાય છે.

૭) ટમેટા –ટમેટા પર નમક અને મરી છાંટી ખાવાથી અપચો દૂર થાય છે.

૮) મૂળો –અપચો થવા પર ભોજનની સાથે મૂળી નમક અને મરી નાખીને બે મહીના સુધી ખાવો.

આ પ્રમાણે અપચાની સમસ્યાથી છૂટકારો મેળવોઃ-

૧] સારી ભૂખ લાગી હોય ત્યારે જ ભોજન કરો, જો યોગ્ય સમયે ભૂખ ન લાગતી હોય તો તે સમયે ખાવાનું છોડી દો.

૨] ખાતા પહેલા અને ખાધા પછી 1-2 ઘૂંટથી વધુ પાણી ન પીવો.

૩] ખાધા પછી તરત જ અને દિવસના સમયે ક્યારેય ન સૂવો.

૪] સાંજનું ભોજન સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલા કરી લેવું જોઈએ.

૫] મેદામાંથી બનેલ અને તળેલ કે તેલમાં પકાવેલ ભોજન ન કરો.

૬] ભોજનથી પહેલા અને તત્કાલ પછી ચા-કોફી જેવી કોઈપણ વસ્તુનું સેવન ન કરો તેનાથી પાચન સુચારું રીતે નથી થતું.

૭] પિઝા, બર્ગર, પાસ્તા, ચિપ્સ અને કોલ્ડ ડ્રિન્ક જેવી ખાવાની વસ્તુઓનું સેવાન સીધા કબજિયાતની સમસ્યા પેદા કરે છે.

૮] કેક, પેસ્ટ્રી, બિસ્કિટ વગેરેનું સેવન ન કરવું જોઈએ.

સૌજન્ય :

* સંદેશ દૈનિક
* ડૉ. નીતા ગોસ્વામી (આયુર્વેદિક બ્યૂટિ ફિઝિશિયન), સ્કિનકેર, વુમન ભાસ્કર, દિવ્યભાસ્કર

ટીપ્પણી