ખુબ સમજવા લાયક વાર્તા- “રુદ્રની મા” લાઇક કરો અને શેર કરો….

મેં જોયું કે એક સ્ત્રી એના પાંચ સાત વર્ષના બાળકને કંઈક આવું કહી રહી હતી,

“રુદ્ર! તું કેમ તારી સીટ પરથી ઉઠીને અહીં આવી ગયો?”
“મમ્મા, એક આંટી આવ્યા અને એમણે એમના છોકરાને પેટમાં દુખે છે એવું કહ્યું એટલે મેં સીટ આપી”
“રુદ્રઅઅઅ! તું ક્યારે શીખીશ બધું? આમ કોઈને સીટ ના આપી દેવાય. હવે તું ત્યાં જ જા અને એમને એમ કહે કે મને પણ પેટમાં દુખે છે અને પાછો ત્યાં બેસી જા, ગો”, આ વખતે સ્ત્રીનો અવાજ લગભગ આસપાસના એક બે મિટરની ત્રિજ્યમાં સંભળાય એટલો લાઉડ હતો અને ચહેરાના હાવભાવ પણ ગુસ્સાવાળા હતા.

“પણ મમ્મા, એમનો ભયલું મારા કરતાં નાનો છે. અને મને તો પેટમાં પણ નથી દુખતું. તો બેસવા દે ને હું ઉભો રહીશ”, રુદ્રએ બાળસહજ સૌમ્યતા દાખવી.

“તું આવો ને આવો જ રહીશ. ક્યારેય પોતાના માટે સ્ટેન્ડ નહીં લે. ક્યાં સુધી રુદ્રઅઅઅ?”, મોટા અવાજે આવું કહીને એ સ્ત્રીએ સાથે આવેલી બહેનપણીને કહ્યું, “આ જુઓ, સીટ આપીને આવી ગયા. હવે ક્યાં બેસશે? સાવ ભોળીયો છે.સીટ આપીને આવતો રહ્યો બોલો!”
રુદ્રનું મોઢું એની મમ્મી સામે પડી ગયું.

મને વાતમાં જરા રસ પડ્યો એટલે રુદ્ર જે કહે છે એ સાચું છે કે નહીં એ તપાસવા હું એ જ્યાં બેઠો હતો ત્યાં ગયો અને જોયું કે ત્યાં રુદ્રની હાઈટ કરતા અડધી હાઈટનું નાનું બેબી બોય બેઠું હતું અને બાજુમાં એની મમ્મી ઉભી હતી.

હવે બીજાને સીટ આપી દેવી એ માટે રુદ્રને એની મમ્મીએ ચહેરા પર એગ્રેસીવ ભાવો સાથે આટલું બધું કહી સંભળાવ્યું એ પણ અજાણ્યા માણસો સામે! રુદ્રનું મોરલ તો તૂટ્યું જ તૂટ્યું પણ હવે ફરીથી આવી રીતે સીટ આપવાની ભલમનસાઈ નહિ કરે એ વાત પણ લગભગ નક્કી થઇ ગઈ.

રુદ્ર ધીમે ધીમે મોટો થતો ગયો. એની મમ્મીના આવા ને આવા વર્તનને કારણે એ દિવસે ને દિવસે ચીડિયો થતો ગયો. એનું મન ઘરમાં ચોંટતું નહતું. એને ઘણીવાર એમ થતું કે “કાશ એ આ બધું છોડીને ક્યાંક અલગ રહેવા જઈ શકે તો કેવું સારું?” અને આવો જ એક મોકો બારમા ધોરણના રીઝલ્ટ પછી આવ્યો.

સ્વાભાવિક રીતે મમ્મી પપ્પાના સતત પ્રેશર અને ટોર્ચિંગના લીધે એવરેજ માર્ક્સ સાથે પાસ થયો અને જાણીજોઇને એન્જીનીયરીંગ કરવા માટે ગુજરાતમાં જ પણ એના હાલના રહેઠાણથી દુર હોય એવી કોલેજ પસંદ કરી. રુદ્રને રેલ્વેમાં મુસાફરી કરવાનું કાળ જેવું લાગતું એટલે એ ગમે તેટલા લાંબા અંતર માટે પણ બસની મુસાફરી કરતો.

છોકરો પોતાનાથી આટલે બધે દુર જવાનો છે એ વાતને ધ્યાનમાં લઈને રુદ્રના માતાપિતાએ એને હોસ્ટેલ સુધી મુકવા જવાનું નક્કી કર્યું. લાંબો અને અજાણ્યો રૂટ હોઈ પોતાની કારમાં જ જવાનું એમણે નક્કી કર્યું.
રુદ્રના જવાની તારીખ લગભગ નક્કી જ હતી એટલે ત્યાં રુદ્રને શું શું સામાન જોઈશે એ બધાનું લીસ્ટ બનાવીને એના મમ્મી પપ્પા શોપિંગ કરવા માટે નીકળ્યા. ઘરે આવતી વખતે ટ્રાફિકમાં એમના પપ્પાનું ધ્યાન ન રહ્યું અને કાર એક પોલ (થાંભલા) સાથે અથડાઈ. કારનું બોનેટથી લઈને વિન્ડશિલ્ડ સુધીનો ભાગ ડેમેજ થઇ ગયો. એ તો ઓછું હોય તેમ રુદ્રની મમ્મીનો જમણો પગ ફ્રેકચર થઇ ગયો. ડોકટરે ૩૦ દિવસનો પ્લાસ્ટરનો પાટો આપ્યો. કારનું ડેમેજ પણ રુદ્રને હોસ્ટેલ મુકવા જવાનું હતું એ તારીખ પહેલા રીપેર થવાનું નહતું. હવે મોટો પ્રશ્ન એ હતો કે રુદ્રને મુકવા કેવી રીતે જવું?

અંતે મન મારીને રુદ્રના પપ્પા બસમાં જવા માટે તૈયાર થયા. આટલે દુર જવાનું હોય તો બસમાં સીટ તો કન્ફોર્મ હોવી જ જોઈએ એમ વિચારીને એમણે ઓનલાઈન બૂક કરવાનું નક્કી કર્યું. પણ એમના નિર્ધારિત સ્થાન સુધી પહોચતી બસની બધી જ સીટ પહેલેથી જ બૂક થઇ ચુકી હતી અને નસીબની કઠિનાઈ એ હતી કે એ બસ હવે દર બે દિવસે જ આવો ડાયરેક્ટ લાંબા રૂટમાં જતી હતી. એટલે એ વાત તો નક્કી હતી કેજો રુદ્રને સમય અને તારીખસર એની કોલેજ પહોચાડવો હોય રુદ્ર અને એના મમ્મી પપ્પાએ આ જ બસમાં જવું પડે.

રુદ્રના પપ્પા પૂછપરછ માટે બસ સ્ટેશનની કંટ્રોલ ઓફીસમાં ગયા. ત્યાં એમને જાણવા મળ્યું કે જો બૂક થયેલી સીટ્સ કોઈ કેન્સલ કરાવે તો જ એમને સીટ મળવી પોસીબલ હતી. એના પપ્પા આ ચાન્સ લેવા માટે તૈયાર થયા અને આ જ બસમાં જવાનું ગોઠવાયું. એની મમ્મીએ ફ્રેકચર થયું હોવા છતાં આવવાની જીદ દર્શાવી એટલે એમને સાથે લઇ ગયા વગર છૂટકો નહતો.

આખરે રુદ્રના જવાનો દિવસ આવી પહોચ્યો. રુદ્ર આજે ખુબ ખુશ હતો. આજે એને એક બીજા વાતાવરણમાં જવાનો મોકો મળ્યો હતો. બધો જ સામાન યાદ કરી કરીને પેક કરવામાં આવ્યો. લગભગ ૩ મોટા થેલા થયા. થેલાનો તો વાંધો નહતો,ચિંતા હતી સીટની! કારણ કે સામાન તો ડીક્કીમાં આવી જવાનો હતો પણ જો સીટ્સ ના મળે તો મોટી દુવિધા સર્જાઈ શકે તેમ હતી. રુદ્ર અને એના પપ્પા તો કોઈ રીતે ઉભા રહી શકે અથવા સંકળાશમાં બેસી શકે તેમ હતા પણ પ્રોબ્લેમ હતો એની મમ્મી માટે! આવા ફ્રેકચર વાળા પગ સાથે એ ન તો ઉભા રહી શકતા હતા કે ન તો મોકળાશ વગર બેસી શકતા હતા. કંડક્ટરને પૂછતાં માલુમ પડ્યું કે આગળ બસ્સો કિલોમીટર પછી ચાર સીટ ખાલી થવાની છે એટલે ત્યાં સુધી ગમે તેમ એડજસ્ટ કરી લેવું પડશે.

રુદ્ર પોતે, એના પપ્પા અને મમ્મી ત્રણેય એક અજીબ દુવિધામાં હતા. બસમાં ચઢીને આસપાસ ફાંફાં મારી રહ્યા હતા કે કદાચ કોઈ જુએ અને દયાભાવ જેવું હોય તો એટલીસ્ટ એની મમ્મીને સીટ આપી દે! બરાબર આ જ વખતે રુદ્રની મમ્મીને પેલો પ્રસંગ યાદ આવે છે જયારે એમણે પોતે રુદ્રને એક નાના બાળકને સીટ આપી દેવા પર ખુબ સંભળાવ્યું હતું. જયારે પસ્તાવો થાય છે ત્યારે આંસુ એની મેળે આંખમાંથી સરી પડે છે. રુદ્રની મા સાથે પણ કંઈક આવું જ થયું. રુદ્રએ આ જોયું અને એને પણ ખ્યાલ આવી ગયો કે મમ્મીને શું થયું છે અને કેમ થયું છે.
એવામાં પાછળની તરફથી એક અવાજ આવ્યો,
“હેલ્લો! હેલ્લો! આંટી!”

રુદ્રની નજર એ અવાજ તરફ ગઈ. એણે કન્ફોર્મ કર્યું કે એ બૂમ પોતાની મમ્મી માટે જ હતી.
“મમ્મી, ત્યાં પેલો છોકરો બોલાવે છે”
“કયો?”, એની મમ્મીના ગળે હજી ડૂમો ભરાયેલો હતો જ.
“ત્યાં”, એણે આંગળી ચીંધીને કહ્યું, “હું જઈ આવું એક મિનીટ અને પુછુ કે એ શું કહે છે”

“હમ્મ્મ્મ”
રુદ્રએ ત્યાં જઈને પેલા છોકરા સાથે વાત કરી અને બે-એક મિનીટ બાદ એના પપ્પાને બુમ પાડીને કહ્યું,
“પપ્પા, મમ્મીને અહી લઇ આવો”
“કેમ?”, એના પપ્પાએ ત્યાં રહીને જ પૂછ્યું.
“મમ્મીને સીટ મળી ગઈ છે”

એના પપ્પાના મનમાં એક ખુશીની લહેરખી દોડી ગઈ. તેઓ હળવેથી પત્નીનો સાથ આપી પેલી સીટ સુધી એને દોરી ગયા.
“આ દોસ્તને નજીક જ ઉતરવાનું છે અને મમ્મીના ફ્રેકચરના લીધે એણે સીટ આપવાનું કહ્યું”

“વાહ, સરસ”, એના પપ્પાએ કહ્યું અને પત્નીને સંબોધીને કહ્યું, “બેસી જા તું અહી”
રુદ્રની મમ્મી સીટ પર બેઠી પણ સીટ મળવાની એટલી બધી ખુશી એમના મોં પર જોવા મળતી નહતી.

લેખક : ભાર્ગવ પટેલ

શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી