મમતાની નવી ટોપી

મમતા પોતાની માતા સાથે મુંબઇના એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

તે ઉંમરમાં નહોતી બહુ મોટી કે નહોતી નાની…

કદમાં બહુ લાંબી નહીં તેમ બહુ નીચી પણ નહીં. તેને સુંદર ન કહી શકાય, તો તે કદરૂપી પણ નહોતી..ટૂંકમાં તે એક સાધારણ સ્ત્રી હતી.

તે એક મોટી કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કરતી હતી. મમતાની જિંદગીને નીરસ અને ચીલાચાલુ ઘટમાળ મુજબ ચાલનારી જિંદગી કહી શકાય.

એક દિવસ સવારે પોતાના કામે જવાના સમયે, મમતાએ જોયું કે તેની ગલીના નાકે એક નાનકડી ટોપીની દુકાન ખુલી હતી.

એક સહજ કુતુહુલતાવશ તે અંદર પ્રવેશી !

દુકાનમાં એક નાનકડી છોકરી તેની માતા સાથે આવેલી હતી. તે બંને પેલી નાની છોકરી માટે ટોપી લેવા આવ્યાં હતાં. તે સિવાય એક બીજો ગ્રાહક પણ ટોપી પહેરીને ચકાસી રહ્યો હતો.

મમતાએ પણ એક ટોપી પસંદ ન આવે ત્યાં સુધી ટોપીઓ પહેર્યા કરી.

તેણે પસંદ કરેલી ટોપી પહેરી જોઈ …અને હા. .એ ટોપી તો સરસ લાગતી હતી.

સૌપ્રથમ પેલી નાની છોકરીએ આ દ્રશ્ય જોયું અને કહ્યું : ” મમ્મી, જો પેલા દીદી ટોપી પહેરતાં કેટલા સુંદર દેખાય છે !”

માતા બોલી :

” મેડમ, મારે કહેવું પડશે કે આ ટોપી તમારા ઉપર ખૂબ શોભે છે.” ત્યાં ઉપસ્થિત બીજા ગ્રાહકે પણ આવીને કહ્યું ” મેમ, તમે આ ટોપીમાં ખૂબ સરસ લાગો છો !”

મમતા અરીસામાં જોવા ગઈ. તેણે જાતને અરીસામાં જોઈ. અને તેની પુખ્તવયમાં, પહેલી વાર…તેણે જે જોયું, તે એને પણ ગમ્યું.

સસ્મિત, તે કાઉન્ટર પર ગઈ અને પેલી ટોપી ખરીદી લીધી.

તે બહાર રસ્તા પર ગઈ ને જાણે એક નવું વિશ્વ હાથ ફેલાવીને તેને વધાવતું લાગ્યું. તેણે પહેલાં કદી ફૂલોના રંગની કે તાજી હવાની સુવાસની નોંધ લીધી નહોતી.

આસપાસ ફરતી ગાડીઓ કે લોકોના અવાજને ધ્યાનમાં લીધો નહોતો….

આજે જાણે બધું જ તાલબદ્ધ રીતે, એકમેકના સુમેળમાં જણાતું હતું.

તે વાદળોની સહેલાણી કરતી હોય તેમ હૃદયમાં ગીત ગુંજન સાથે ચાલવા લાગી.

રાબેતા મુજબ તે એક કોફીની દુકાન પાસેથી પસાર થઇ, જ્યાંથી તે રોજ નીકળતી. ત્યાં એક દેખાવડા યુવાને તેને સાદ પાડી બોલાવી..” હેય..તું સુંદર દેખાય છે. અહીં નવી આવી છો કે શું? હું તારા માટે એક કોફી લઇ આપું ?”

મમતા શરમાઈને હસી અને આગળ ચાલવા લાગી…અલબત્ત વાદળોમાં વિચરતાં-વિચરતાં.

જયારે તે ઓફિસમાં દાખલ થઇ ત્યારે ત્યાંના દરવાને દરવાજો ખોલ્યો અને તેનું ‘સુપ્રભાત’ કહી અભિવાદન કર્યું. અરે ! પહેલાં ક્યારેય તો આ માણસે તેની નોંધ લીધી જ નહોતી!

લિફ્ટમાં ઊભેલાં લોકોએ તેને કયા માળ પર જવું છે તે પૂછી, જે તે બટન દબાવ્યું.

ઓફિસમાંના લોકો પણ, જાણે મમતાને પ્રથમ જ વાર જોતાં હોય તેમ તેના સુંદર દેખાવવા વિષે કહી વખાણવા લાગ્યા.

બપોરે મેનેજર મમતાને ભોજન માટે બહાર લઇ ગયો અને તેને ઓફિસનું કામ ગમે છે કે નહીં તે પૂછવા લાગ્યો !

જાદુઈ દિવસ અંતે ઢળ્યો અને ઘરે જવાનો સમય થયો. તેણે બસને બદલે ટેક્સી પકડવા નક્કી કર્યું. જેવો તેણે ટેક્સી રોકવા હાથ લંબાવ્યો કે એક સાથે બે ટેક્સી આવીને ઊભી રહી.

તેણે પહેલી ટેક્સીમાં પાછળ બેસવાનું પસંદ કર્યું.

તે વિચારવા લાગી કે એ આખો દિવસ કેટલો અનોખો રહ્યો, પેલી ટોપીને લીધે તેની જિંદગી બદલી ગઈ હતી..તે મનોમન ટોપીનો આભાર માનવા લાગી.

જયારે તે ઘરે પહોંચી ત્યારે તેની માતાએ બારણું ખોલ્યું. મમતાનો દેખાવ જોઈ ઘડી ભર તેનો શ્વાસ રોકાઈ ગયો.

“મમતા” તેણે સાશ્ચર્ય કહ્યું ” તું કેટલી સુંદર લાગે છે ! જાણે નાનકડી મમતાની હોય તેમ તારી આંખો ચમકી રહી છે.”

” હા મમ્મી” મમતા બોલી.

” બધું મારી આ નવી ટોપીને આભારી છે, મારો આજનો દિવસ બહુ અદભુત રહ્યો છે !”

માતાએ કહ્યું ” મમતા ! કઈ ટોપી ?”

મમતાને ધ્રાસ્કો પડ્યો.

તેણે માથે હાથ મૂકી જોયો અને તેને તરત જ ખ્યાલ આવ્યો કે તેની જિંદગી બદલનાર ટોપી તો માથે હતી જ નહીં…તેણે યાદ કરી જોયું ભૂલમાં તે ટોપી ટેક્સીમાં તો નથી મૂકી આવીને !

અથવા બપોરે જમતી વખતે..કે પછી ઓફિસે …

તે પેલી દુકાન વિષે વિચારવા લાગી જ્યાંથી તેણે એ ટોપી ખરીદી હતી. પહેલીવાર ટોપી જોઈને તેણે પહેરી હતી…પછી તેના પૈસા ચૂકવ્યા હતા.

હવે તેને પીડાજનક રીતે યાદ આવ્યું કે જયારે તેણે પૈસા કાઢવા પર્સ ખોલ્યું ત્યારે એ ટોપી તેણે ત્યાં જ કાઉન્ટર ઉપર મૂકેલી…

એ જ કાઉન્ટર પર….

અને તેણે ફરી ગલી તરફ ચાલવાનું શરૂ કર્યું…ટોપી વગર …છતાં પણ તેજસ્વી દેખાવ સાથે..

એ ટોપી નહોતી જેણે મમતાને મુક્તિ અપાવી, એ તો એના વિચારોની ગુણવત્તા, વિચારોનો પ્રભાવ હતો.

* આપણાં વિચારો જ આપણને બંદીવાન બનાવી ભયાનક જકડમાં નાંખે છે, અથવા તો વિચારો જ એક મધુર આઝાદી તરફ મોકળાશ અર્પે છે. આપણે જે બનવા માંગીએ છીએ, કરવા માંગીએ છીએ કે ઇચ્છીએ છીએ એ તરફ આપણાં વિચારો જ, આપણને દોરી જાય છે.

સંકલન અને અનુવાદ – રૂપલ વસાવડા

આપ આ પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મજેદાર પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અમારું ફેસબુક પેજ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી