મિત્રાયણ – ફ્રેન્ડશીપ ડે પર ભૂલ્યા વગર વાંચજો !! બહુ જ મસ્ત લખ્યું છે…

Mitrayan -1

ફ્રેન્ડશીપ ડે’ આવે અને લોકો સફાળા જાગે…કે..ચાલો ચાલો મિત્રો ને યાદ કરી લઇએ. અને પછી તો એસ.એમ.એસ. , ફોટોઝ, કાર્ડ્સ , સોન્ગ્સ ..માંડે ઝીંકવા ! ક્યારેક તો એમ થાય..કે સાલ્લુ..મને તો ખબર પણ નથી કે મારે આવા આવા પ્રેમાળ મિત્રો છે !
ચાલો એક પ્રયાસ..મૈત્રી એટલે શું ?
-મૈત્રી એટલે ત્રિપરિમાણીય દ્રશ્ય.
-મૈત્રી એટલે સિંહ ની ડણક.
-મૈત્રી એટલે ગુલાબ નું ફુલ. (રંગ સુગંધ નાં દબદબા સાથે કાંટા ની સૌગાત )
-મૈત્રી એટલે અષાઢ ની હેલી( ગરજતી જાય અને વરસતી જાય )
-મૈત્રી એટલે ઘૂઘવતા દરિયા માં વિલીન થતી નદી નો વૈભવ.
-મૈત્રી એટલે રાવણહથ્થો નહી…જે હું હું કરે, મૈત્રી એટલે તંબૂર…જે..તું તું કરે.
-મૈત્રી એટલે કૂકડા ની બાંગ નહી જે સૂરજ સાથે આવે , પણ મૈત્રી એટલે તમરાં નો તમરાટ જે ઉદાસ રાતો ની નિઃસીમ એકલતા માં સાથ આપે .
-મૈત્રી એ વરઘોડા માં પ્રગટ થતો ઉન્માદ નથી, પણ સ્મશાન ની રાખ માં થી અસ્થિ વીણતો હાથ છે.

મિત્રો…શું લાગે છે..? મૈત્રી એ ભાદરવા નાં ભીંડા જેવી હોય ? કે બે છાંટા પડ્યા નથી ને ફટાફટ ઉગી નથી ! અને પછી …ધબાય નમઃ ! કોણ હું ને કોણ તું ?? અરે..મૈત્રી તો એક ખૂણાં માં પાંગરતી કોમળ કૂપળ ! ન જાણે કુદરત ની કઇ કરામત થી એનાં બીજ રોપાયા હોય ! એ તો ભર ઉનાળે પણ ઉગી નિકળે.
શું માત્ર એકબીજા ને સતત સારુ લગાડતા. કે વાહવાહી કરતા, કે સતત મળતા હોય એ જ સારા મિત્રો કહેવાય ? ના..
હકીકત આના થી ઉલટી પણ હોઇ શકે છે. એકબીજા સાથે લડતાં, એકબીજા નાં મત નું ખંડન કરતા, વાતે વાતે વાંકુ પાડતા, રિસાતા હોય એ પણ ઉત્તમ મિત્રો હોઇ શકે છે.
ગળચટ્ટા સંબંધો જાળવે એ વહેવાર કહેવાય..મૈત્રી નહી. મિત્ર તો એ છે જે દૂર રહે તોય સાથે જ હોય , લડતો હોય તો પણ પ્રેમ કરતો હોય , સુખ ની ઝરમર માં હાજર ના હોય પણ દુખ નાં ધોમધખતાં સંજોગો માં છાંયડો બની ને હાજર જ હોય.
જ્યારે કોઇ પુછે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ ? ત્યારે જવાબ આપવામાં ગૂંચવાડો થાય..સ્વાભાવિક છે. પણ જ્યારે કોઇ નિર્ણય લેવામાં મુંઝાણા હોય અને સલાહ લેવા પહેલો એસ.એમ.એસ. જેને કરીએ એ બેસ્ટ ફ્રેન્ડ ? કારણ ? સાવ સીધી વાત છે..માંદા પડીએ ત્યારે પહેલી ફરિયાદ પ્રિયજન ને કરાય નહી કે ડોકટર ને …!
સો વાત ની એક વાત કે…માણસ સામાજીક પ્રાણી હોવાથી એકલો નથી રહી શકતો. એ મિત્ર વગર અધૂરો છે. પ્રેમ કરવા, હસવા, રડવા, લડવા ( અને …અફકોર્સ કવિતા સંભળાવવા) કમ સે કમ એક ફ્રેન્ડ જરુરી હોતા હૈ….શું કહો છો ?
નવરસ જેવા નવ મિત્રો કરતા…સબરસ જેવો ( નમકીન… યાર ? ? ) એક મિત્ર સાચવી રાખવા જેવી જણસ છે.

‘ ખાટાં ,તીખાં , મીઠાં જંગો આપણ વચ્ચે,
પાણીપૂરી શા સંબંધો આપણ વચ્ચે. ‘

Mitrayan -2

આજે મિત્રો નાં પ્રકારો વિશે થોડુંક..! આપણે રહ્યા ગુજરાતી એટલે ખાણી પીણી પહેલા યાદ આવે ખરુ ને?
મિત્રો..કેવા કેવા…?

-આમલી નાં કાતરાં જેવા —યાદ આવતા જ મોં માં પાણી આવવા લાગે પણ…મોઢા માં મુકતાં જ દાંત અંબાઇ જાય.

-ચૈત્ર મહિના નાં લીમડા ના કોલ જેવા—લાગે કડવા પણ… બહુ ગુણકારી. એનાં સેવન થી બિમારી આસપાસ ફરકે જ નહી.

– રાવણાં જાંબુ જેવા—–ખાટા, તૂરા, દેખાવ મા ચકાચક….ખાધા પછી ક્યાંય સુધી જીભ પર થી રંગ જાય જ નહી.

-પાણીપૂરી જેવા—ખાટાં, તીખા-તમતમતા, સીસકારા બોલાવી દે તેવા….તો યે ફરી ફરી ને લલચાવે !

– કૂરકૂરે જેવા—-સ્વાદ , સુગંધ, પેકીંગ બધું જ જોરદાર પણ…સ્વાસ્થ્ય માટે હાનીકારક.

-સિગારેટ જેવા—ખબર હોય કે આને રવાડે ચડવા જેવુ નથી તો પણ…તેના વગર રહી ના શકાય.

-ચ્યુંગમ જેવા—શરુ શરુ માં મીઠાશ લાગે પણ…પછી ચાવ્યે જ જાઓ..જડબાં દુખી જાય…અને સ્વાદ મળે જ નહી.

-શ્રીફળ જેવા—બહાર થી સખત, તોડવા પણ અઘરા પણ…અંદર અમૃત જેવુ પાણી….અને ગુણકારી ટોપરુ.

-ખીચડી જેવા—શુદ્ધ , સાત્વિક , પચવામં હળવા.

-કાયમચૂર્ણ જેવા—રેચ લગાડે તો યે..રોજ યાદ કરી ને લેવામા આવે. ? ?

-દુધપાક જેવા—ઉકળી ઉકળી ને ઘાટા થયેલા દુધ માં ચોખાની જમાવટ..સાથે એલચી, ચારોલી, કાજુ, બદામ ,પિસ્તા, કેસર નો શણગાર…આહા…એ મીઠાશ..કલાકો સુધી જીભ પર થી જાય નહી.સ્વાસ્થ્ય માટે ગુણકારી જો..પાચનશક્તિ સારી હોય તો.

-લવિંગીયા મરચા જેવા—-માત્ર રંગ જ લલચામણો..બાકી..સંગ કરો તો ધૂમાડાં કઢાવે એવા તીખા.

-ભજીયા જેવા—-તેલ થી લથબથ તેથી..હાર્ટ માટે જોખમી..વળી ગરમાગરમ જ ખવાય ! કેવુ ડેડલી કોમ્બીનેશન !!

-‘લીટલ હાર્ટ્સ’ બીસ્કીટ જેવા—સ્વાદ, સુગંધ, પેકીંગ, દેખાવ બધુ જ ઉત્તમ. મોં માં મુકતા જ ઓગળતા જાય…એક મધુર અહેસાસ કરાવી જાય.

-કેપેચીનો કોફી જેવા—સ્વાદ, સુગંધ, રંગ એ બધુ તો ઠીક મારા ભૈ….કડવી લાગે છતાયે….મોંઘા કોફીહાઉસ માં પીવાથી જરા વટ પડે બસ… એટલુ જ.

-ખારી શીંગ જેવા—ગમે ત્યાં , ગમે તેની સાથે , ગમે ત્યારે, ગમે તેટલી માત્રા માં ટાઇમપાસ માટે ઉત્તમ.

-મુખવાસ જેવા—–ઉપર બતાવેલી એક પણ વાનગી ખાધા પહેલા કે પછી આને ખાઇ શકાય .રંગ , રૂપ, સ્વદ, સુગંધ કશું જ નહી જોવાનુ બસ… એ તો જોઇએ જ. એનાં વગર અધૂરુ.

Mitrayan -3

મિત્રો….આજે એક નાજુક નમણી મૈત્રી ની વાત કરવી છે.
– આ મૈત્રી એટલે મીંઢળ અને નાડાછડી જેવા સંબંધ ની વાત..
-આ મૈત્રી એટલે ગોરા ગોરા ગાલ પર છંટાતા ગુલાલ ની વાત..
– આ મૈત્રી એટલે મંદ મંદ મહેંકતી રાતરાણી અને મોગરા ની વાત…
– આ મૈત્રી એટલે પાસે પાસે ચાલતા ચાલતા થતાં અછડતા સ્પર્શ ની વાત..
– આ મૈત્રી એટલે ઘી નાં દીવા જેવી મધ્ધમ રોશની ની વાત.

મિત્રો…પૃથ્વી પર ના પ્રથમ બે મનુષ્યો આદમ અને ઇવ વિજાતીય પાત્રો હતા. અને…એ પતિ- પત્ની નહી પણ..મિત્રો હતા.
એક સમય હતો જ્યારે…છોકરો- છોકરી, સ્ત્રી-પુરુષ…જો મિત્ર હોય તો..લોકો ની આંખો ચૂંચી અને જબાન બૂચી થઇ જતી. પણ હવે..જમાનો બદલાયો છે.બે વિજાતીય પાત્રો ઉત્તમ મિત્રો સાબિત થાય છે એ વાત સમજાઇ ગઇ છે.

વિજાતીય મૈત્રી યજ્ઞ નાં પાવક અગ્નિ જેવી છે, પવિત્ર અને શુદ્ધ.
આ મૈત્રી જીવન માં સરગમ નાં સાતે સૂર ભરી દે છે.
આ મૈત્રી ઇન્દ્રધનુ નાં સાતે રંગ ભરી ને આપણું ચિત્ર સંપુર્ણ બનાવે છે.
સુખડ નાં અત્તર જેવી આ મૈત્રી સંગ સંગ ચાલતી રહે છે અને દિલ દિમાગ ને તરબતર રાખે છે.
સાવ સૂકાભઠ્ઠ રણ માં મીઠી વિરડી જેવી આ મૈત્રી ભીનાશ નો અહેસાસ કરાવે છે.
આ મિત્રો સાથે હક થી..દાદાગીરી થી રહી શકાય છે.

ક્યારેક રાતે અઢી વાગે બિહામણું સપનું આવે અને મેસેજ વહેતો થાય કે ‘બીક લાગે છે’ અને તરત જવાબ આવે …’ડર નહી..બી બ્રેવ..હું જાગુ જ છુ.’ …આ મિત્ર છે.

થાળી માં આખા ભરેલા રીંગણ- બટાકા નું શાક અને ગુલાબજાંબુ જોતા જ યાદ આવે કે આ તો એને ભાવતુ મેનુ.. ! ! અને કોળિયો ગળે અટકે…એ મિત્ર છે.

વરસાદ નાં બે-ચાર છાંટા પડે અને વરસાદી કવિતા ફૂટતી જાય….ને તરત જ જેને મેસેજ થાય એ..મિત્ર છે.

જેની સાથે લગભગ તમામ બાબતો ખુલ્લા દિલે શેર થાય…એ મિત્ર છે.

ગમે તેવો મોટો ઝગડો થયો હોય…એકબીજા ને ના બોલવાનું બોલ્યા હોય પણ….માત્ર બે કલાક પછી એક બ્લેન્ક મેસેજ જાય અને સમાધાન થઇ જાય …એ મિત્ર છે.

ફેસબૂક પર હોંશે હોંશે અપલોડ કરેલા ફોટો પર લાઇક કે કોમેન્ટ ના આપે પણ મેસેજ માં કહી જાય….’ ઓયે…બબૂચક ! આવો હેન્ડ્સમ ક્યાર થી લાગવા લાગ્યો !! ? ? ;)…. આ મિત્ર છે.

જીંદગી ની કાબરચિતરા ચિતરામણ વાળી કિતાબ માં અચાનક ગુલાબી પન્ના ની જેમ ખુલી જતા મિત્ર…..તને મારા સો સો સલામ ?

લેખક : પારુલ ખખ્ખર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી