યે વેઇટલૉસ નહીં આસાન ઇતના સમજ લીજિએ…. તમે તો આ ભૂલો નથી કરતા ને??

વેઇટલૉસ બિલકુલ સરળ નથી એ હકીકત છે, પરંતુ એમાં ભૂલો કરીને આપણે એને વધુ કઠિન બનાવી દેતા હોઈએ છીએ. જે લોકોને એ ફરિયાદ છે કે પ્રયત્નો છતાં તેમને ઇચ્છનીય રિઝલ્ટ મળતું નથી તેમણે એ સમજવું કે એ લોકો ક્યાંક કોઈ ભૂલ કરી રહ્યા છે. આજે જાણીએ એક્સપર્ટ પાસેથી આવી પાંચ સામાન્ય ભૂલોને

ભાઈસાબ, આ ડાયટ કરી-કરીને થાક્યા, પણ વજનકાંટો છે કે હલવાનું નામ જ લેતો નથી.

મારો તો ખોરાક જ સાવ ઓછો છે. માંડ બે રોટલી ખાઉં છું તોય ખબર નહીં કેમ આટલું વજન છે.

જિમ જૉઇન કર્યાને બે મહિના થઈ ગયા અને ફક્ત અડધો કિલો નામનું વજન ઊતર્યું છે. આવું કેમ ચાલે?

લોકો મહિનામાં ૪-૫ કિલો કઈ રીતે ઉતારતાં હશે?

યે વેઇટલૉસ નહીં આસાન ઇતના સમજ લીજિએ….

ઉપરનાં વાક્યો સાવ નવાં તો નહીં જ લાગ્યાં હોય. કોઈકના પોતાના અનુભવ હશે તો કોઈના સ્વજનની આ પીડા. દરેક રોગનું મૂળ જાણે કે ઓબેસિટી જ છે અને આ વધેલું વજન ઉતારવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું કામ છે. મન મારી-મારીને ડાયટ કરવાનું, કલાકો સુધી કસરત કરવાની અને છતાં રિઝલ્ટ ન મળે એટલે આવે ફ્રસ્ટ્રેશન. પછી દેખાય લોભામણી જાહેરાતો કે એક મહિનામાં પાંચ કિલો વગર એક્સરસાઇઝ અને વગર ડાયટે. ફૅટ ફ્રીઝ કરાવી લો, આ ગોળીઓ ખાઈ લો, મશીન પર ફક્ત ૧૦ મિનિટ વગેરે વગેરે….આ બધામાં એક વાર પડ્યા એટલે પૈસાનું પાણી, શરીરની હાલત ધૂળધાણી. હકીકત એ છે કે વેઇટલૉસનો રસ્તો એવો છે જેમાં નિયમિતતા, સંકલ્પશક્તિ અને ધીરજની અત્યંત જરૂર છે. આ એક એવી રેસ છે જેમાં સતત પોતાના રસ્તે એકધારો નિયમિત ચાલતો કાચબો જીતી જાય છે અને પહેલાં એકદમ દોડીને રસ્તા વચ્ચે સૂઈ જનારો સસલો હારી જાય છે. જો તમે વેઇટલૉસના રસ્તે ચાલતા હો અને છતાં રિઝલ્ટ ન મળતું હોય તો એનો અર્થ કે ક્યાંક કોઈ ભૂલ થઈ રહી છે. આ ભૂલ શું હોઈ શકે છે? આજે લોકો દ્વારા થતી સામાન્ય ભૂલોને સમજીએ બાંદરા, બોરીવલી અને થાણેમાં આવેલા ઇન્ટ્રા-સ્કલ્પ્ટનાં વેઇટલૉસ એક્સપર્ટ મંજીરી પુરાણિક અને બેલી વ્યુ હૉસ્પિટલ અને મધર્સ કૅર ક્લિનિક, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબિટીઝ એજ્યુકેટર શિલ્પા વર્મા પાસેથી.

૧. કૉપી ન કરો

વેઇટલૉસ એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ સતત બીજા સાથે સરખામણી કરતી હોય છે. ફલાણાએ આ ડાયટ-પ્લાન કર્યો તો તેનું ૧૫ કિલો વજન ઊતરી ગયું તો હું પણ એ જ કરીશ. મારાં માસીની દીકરીએ સવારમાં નરણા કોઠે લીંબુપાણી પીવાનું ચાલુ કર્યું તો તેનું અઠવાડિયામાં ૧ કિલો વજન ઊતરી ગયું. કાલથી હું પણ ચાલુ કરી દઈશ. આજે એક સેલિબ્રિટીના ઇન્ટરવ્યુમાં વાંચ્યું કે તે કાર્બ્સ ખાતા જ નથી. કાલથી હું પણ ફક્ત પ્રોટીન- ડાયટ જ કરીશ. આવું આંધળું અનુકરણ ન જ કરવું જોઈએ. જો તમારો ડાયટ-પ્લાન કે એક્સરસાઇઝ-રેજીમ કોઈ બીજી વ્યક્તિને જોઈને તમે નક્કી કરો તો એ પસંદગી ખોટી જ રહેવાની. દરેક શરીર જુદું છે, એની જરૂરિયાતો જુદી છે. તમને શું માફક આવે છે, તમારું શરીર શું કહે છે એ મુજબનો વેઇટલૉસ પ્લાન નક્કી થવો જરૂરી છે. જો તમે ખુદ એ સમજવામાં સક્ષમ ન હો તો એક્સપર્ટની મદદ લો, પરંતુ બીજાને કૉપી ન કરો.

૨. પોષણની કમી

ઘણા લોકોના શરીરમાં મેદ જમા થયો હોય છે, પરંતુ આવા લોકો પોષણની કમી ધરાવતા હોઈ શકે છે. આયર્ન, હીમોગ્લોબિન, વિટામિન D, વિટામિન B૧૨, કૅલ્શિયમ જેવા કોઈ પણ પ્રકારના પોષક તત્વની કમી શરીરમાં હોય તો પણ વજન ઊતરી શકતું નથી; કારણ કે આ કમી એ વજન ઉતારવામાં અવરોધક સાબિત થતી હોય છે. એને કારણે તમે નબળાઈ અનુભવો છો, એનર્જી‍ ન હોવાને લીધે તમે રૉન્ગ ફૂડ તરફ આકર્ષાઓ છો, ચીડચીડા બની જાઓ છો, કસરત કરવાનું મન નથી થતું વગેરે. યાદ રાખો કે પોષણની કમી વેઇટલૉસમાં બાધક છે અને કોઈ પણ વેઇટલૉસ પાછળનો મુખ્ય હેતુ શરીરને હેલ્ધી બનાવવાનો છે. એટલે જો પોષણની કમી સાથે વેઇટલૉસ થાય તો એ યોગ્ય પણ ન ગણી શકાય.

૩. ઇમ્બૅલૅન્સ્ડ ડાયટ

વેઇટલૉસ માટે ડાયટ કરતા હો ત્યારે ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની છે. તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો. એટલે કે ફૂડની ચૉઇસ, ફૂડની ક્વૉન્ટિટી અને ફૂડનું ટાઇમિંગ આ ત્રણેય વસ્તુ જ્યારે નિશ્ચિત થાય છે ત્યારે એ પ્રૉપર ડાયટ બન્ને છે. જો તમે ખૂબ વધારે કૅલરીયુક્ત ખોરાક લો અથવા ફક્ત શાકભાજી અને ફળો જ ખાધા કરો તો આ બન્ને પરિસ્થિતિ ખોટી ડાયટ ગણાય છે. ડાયટ હંમેશાં એવી હોવી જોઈએ જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું સપ્રમાણ શરીરને જરૂરી છે એટલી માત્રામાં મળી રહે. વળી ખાવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે છે, જેને કારણે શરીરનું એક ટાઇમ-ટેબલ સેટ થાય અને સમયસર ખાવાથી એ ખોરાકનું યોગ્ય પાચન થાય.

૪. એક્સરસાઇઝમાં અનિયમિતતા

ઘણા લોકો કસરત કરવા માટે જિમની કે ક્લબની આખા વર્ષની મેમ્બરશિપ લઈ લે અને એનાથી જ સંતોષ માને છે. એક દિવસ મન થયું તો કલાક મસ્ત એક્સરસાઇઝ કરી અને પછી ૩ દિવસ આરામ કર્યો. પછી પાછા બે દિવસ જઈને બીજા બે દિવસ ગુટલી મારી. આવા લોકો માનતા હોય છે કે અમે જેટલું થઈ શકે છે એટલું કરીએ છીએ એ પણ સારી વાત છે. આ ફક્ત બહાનાં છે મનને મનાવવાનાં. જો વેઇટલૉસ થાય એવું ઇચ્છતા હો તો કસરત કરવાનો એક નિયમ સદા યાદ રાખવા જેવો છે. જે કસરત તમે ખુશી-ખુશી રેગ્યુલર કરી શકો એ પ્રકારની જ કસરત પસંદ કરો. કસરતનો કોઈ પણ પ્રકાર હેલ્પફુલ થઈ શકે છે, પરંતુ જરૂરી છે કે વ્યક્તિ એને રેગ્યુલર કરે. જો દરરોજ કે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ તમે એક્સરસાઇઝ નહીં કરો તો એનો કોઈ અર્થ નથી.

 

૫. અપૂરતી કે વધુપડતી ઊંઘ

ઘણા લોકો વેઇટલૉસમાં ડાયટ અને એક્સરસાઇઝને જ મહત્વ આપે છે, પરંતુ વેઇટલૉસનું ત્રીજું અને મહત્વનું પાસું છે ઊંઘ. ઊંઘ શરીર માટે અત્યંત જરૂરી પરિબળ છે. જ્યારે તમે ૬ કલાકથી ઓછી અને ૮ કલાકથી વધુ ઊંઘ લો છો ત્યારે તમારા શરીરની સિસ્ટમ આખી ખોરવાઈ જાય છે. શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધી જાય છે અને આ વધુપડતું ઇન્સ્યુલિન શરીરમાં ફૅટ્સને જમા કરે છે. જેમને વેઇટલૉસમાં સારું રિઝલ્ટ જોઈતું હોય તેમણે તેમની ઊંઘ પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે.

સૌજન્ય : મિડ ડે

ખુબ ઉપયોગી માહિતી છે શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી