મિચ્છામિ દુક્કડમ – આજના દિવસે અચૂક વાંચો અને બીજા ને શેર કરો આ વાત !!!

‘ના…. ના… ના… સો વાતની એક વાત સાંભળી લે કે હું તેને ક્યારેય માફી નહી આપું.’ સિત્તેરે પહોંચેલા સેવંતીલાલે તો આજે પણ એટલા જ બુલંદ અવાજે કહ્યું જેટલા આજથી ત્રીસ વર્ષ પહેલા કહ્યું હતું.

‘શું તમેય વર્ષોથી જીદે ભરાયા છો, જેનું સ્થાન મારા કરતા’ય તમારાં જીવનમાં વધારે હતુ. તેના વગર તો તમારે સહેજે’ય ચાલતું નહોતું, હવે સાવ બાળક જેવા ન થાવ.. માફી આપી દો… અને લો લગાવો ફોન….!’ મધુમિતાએ સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.

‘મધુ, તને હજારવાર કહ્યું છે કે તેને યાદ કરવાની કોઇ જ જરુર નથી….મારે અને તેનો કોઇ સંબંધ નથી. જો તેને મારી ફિકર હોત તો…. !’ સેવંતીલાલે ગુસ્સાથી હાથમાં રહેલી લાકડી પછાડી. વર્ષો પહેલા શરીરમાં થયેલા લકવાની અસર હવે ફ્ક્ત ડાબા હાથે જ રહી હતી.

‘જે ગયું તે ગયું, હવે તેનો ફોન આવે છે તો હવે માફ કરી દો….! આવતીકાલે સંવત્સરી છે.. માફી માંગે તો માફી આપી દેવી… એટલે તો સૌ કહે છે મિચ્છામિ દુક્કડમ…!’ મધુમિતાએ સમજાવવાનો છેલ્લો પ્રયત્ન કરી જોયો.

‘મિચ્છામિ દુક્કડમ…!!!!’ એટલું કહીને સેવંતીલાલે મોં બગાડ્યું અને ફરી બોલ્યા, ‘ભૂલો કરવાની અને પાછી માફી માંગવાની… અને સામેવાળો માફી આપી દે તેવી આશા પણ રાખવાની….! અજાણે થયેલી ભૂલો તો ઠીક છે પણ તેને તો જાણી જોઇને….! ખેર, છોડ બધો ઇતિહાસ… તેને માફી આપવાનો કે તે મારી પાસે માફી માંગે તેવી મારે કોઇ અપેક્ષા નથી… જીવનનો તે સંબંધ પુરો થઇ ગયો છે, મેં પણ મારા મનને મનાવી લીધું છે, તું પણ ભૂલી જા….’ સેવંતીલાલે હાથ ઉંચો કરીને વાત પર પૂર્ણ વિરામ મુકી દીધો.

ત્યાં જ મોહિની રૂમમાં દાખલ થઇ.

‘ઓહ… માય સ્વીટ દદ્દુ અને દાદી….’ કહીને મોહિનીએ બન્નેના ચરણ સ્પર્શ કર્યા.
દાદા અને દાદી બન્નેએ એકસાથે તેના માથા પર હાથ મુક્યો.

‘ઓ દદ્દુ.. આવતીકાલે સંવત્સરી છે. બધા એકબીજાની માફી માંગશે પણ આ લોકો માફી માંગીને ફરી ભૂલો ન કરવાની ચોક્કસ ખાત્રી આપી શકે ખરા…?’ મોહિનીએ પ્રશ્ન કર્યો.

‘જો બેટા, તમારી કોલેજોના ચોપડાં કરતા આ જીવનના ચોપડાં જુદી રીતે લખાય છે. ભૂલો તો જાણે અજાણે થતી જ રહેવાની. ભૂલો થાય તે તો જીવનનો ભાગ છે, પણ સમયે સમયે માફી માંગી લેવી કે માફી આપી દેવી તે મનને નિર્મળ બનાવવાનો સાચો અને ઉત્તમ ઉપાય છે, નહિતર કરેલી ભૂલોનો બોજો કે કોઇને માફ ના કર્યાનો વસવસો આખી જિંદગી રહી જાય છે.’ દાદીએ ધીરે ધીરે મોહિનીને સમજાવતા ગયાં.

‘પણ કોઇ પોતાની ભૂલોની માફી માંગે જ નહી તો..?’ મોહિનીએ ફરી પ્રશ્ન કર્યો.
‘એમાં તો માણસનો અહમ ઘવાય છે બેટા…! પોતે ભૂલો કરી છે તે સ્વીકારવું પણ ક્યાં સહેલું છે ? આપણાં ધર્મમાં તો જાણે કે અજાણે કરેલાં બધા ગુનાની માફી માંગવાનો અને આપવાનો શિરસ્તો વર્ષોથી ચાલ્યો આવે છે.’ દાદીએ સમજાવ્યું.

‘અને કોઇ માફી માંગે છતાં સામેવાળો માફ ન કરે તો..?’ મોહીનીને આજે દાદી પાસે બેસીને ધર્મની વાત શીખવાની તાલવેલી જાગી.

‘એ તો તારા દાદાને પુછી લે…. કે…!!’ દાદીએ દાદા તરફ ઇશારો કર્યો.
પણ, સેવંતીલાલ તરત જ નાખુશ થઇને ઉભા થયા અને દેરાસર જાઉં છું કહીને ચાલી નીકળ્યાં.

‘આ દદ્દુ કેમ અચાનક ચાલી નીકળ્યાં…?’ મોહિનીએ પુછ્યું.
‘બેટા, તેં પુછેલું ને કે માફી ના આપે તો શું થાય ? તો જોઇલે તારા દદ્દુને તેમના પર માફી નહી આપવાનો ભાર પણ કેટલો છે…!!’ ત્યાં જ રીંગટોન વાગી અને દાદી રોકાઇ ગયા.

દાદીએ કોલ રીસીવ કર્યો અને કહ્યું, ‘હવે મહેરબાની કરીને તમે ફોન ન કરશો. તેમને તમારી કોઇ ફરીયાદ પણ નથી અને તમારી સાથે તેમને કોઇ વાત પણ નથી કરવી…!’ અને દાદીએ ફોન કટ કરી દીધો.

‘શું થયું દાદી…!’ મોહિનીએ પુછી લીધું અને દાદીએ જુની મિત્રતાનો ઇતિહાસ કહેવાનું શરું કર્યું.

‘આ તારા દાદાના જુના મિત્રનો વિદેશથી ફોન આવ્યા કરે છે…!’ દાદીએ કહ્યું.

‘દાદા તેમની સાથે કેમ વાત કરવા માંગતા નથી ?’ મોહિનીએ પ્રશ્ન કર્યો.

દાદીએ નિ:સાસો નાખ્યો અને ભૂતકાળની વાત શરુ કરી. ‘આ તારા દાદા અને જમનારાય ચંદાણી કોલેજના મિત્રો….! ભાઇબંધી એટલે પાક્કી, તેમને કાયમ જમવાની થાળી એક જ, ભેગું ખાવાથી પ્રેમ વધે તેમ તેઓ માનતા.. ક્યારેક મને પણ તેમની ભાઇબંધીની ઇર્ષ્યા થતી. કોલેજમાં બન્નેનું મન ભણતર કરતાં વ્યવસાયમાં વધુ લાગતું.

બન્નેએ અભ્યાસ દરમ્યાન જ સાથે વ્યવસાય શરુ કર્યો. તારા દાદા પાસે તે વખતે જુની પેઢીઓની જાહોજલાલી હતી અને ચંદાણી પાસે ધંધાની કોઠાસૂઝ. બન્નેને ધંધામા સારી ફાવટ આવી અને સફળતા મળી. પણ, જે પૈસા કમાવવા માટે બન્ને સાથે ભેગા થયા હતા તે પૈસો જ બન્નેનો દુશ્મન બની ગયો. જમનારાય લગ્ન પછી તો સાવ બદલાઇ ગયા. તેમની પત્નીએ તેને કહ્યું કે વ્યવસાયની બધી સફળતા માત્ર તમારે લીધે છે, આ ભાગીદારી છુટી કરો. વાત જો આમ જ પતી હોત તો સારુ હતું પણ…!’ દાદી થોડીવાર રોકાઇ ગયા.

‘પણ શું થયું ?’ મોહિનીને દાદાનો ઇતિહાસ જાણવાની ઇંતેજારી વધી ગઇ.

દાદીએ આગળ વાત કરી, ‘પણ.. જમનારાયે તેમને આપેલા પાવર ઓફ એટર્ની અને હિસાબોની સર્વ સત્તાનો દુરુપયોગ કરી બધો વ્યવસાય પોતાના નામે કરી લીધો. ધંધામા મોટી ખોટ બતાવી આપણી બધી પુરાણી મિલ્કતો જે ગીરવે મુકી હતી તે વેચી કાઢી. ત્યારે પર્યુષણનો સમય હતો. હું અને તારા દાદા મહિનો પરિક્રમણમાં હતા. જમનારાય ખૂબ સારી રીતે જાણતાં કે આ સમયે તારા દાદા કોઇ સાથે સંપર્ક રાખતા નથી અને તે તકનો લાભ ઉઠાવ્યો.

અને જ્યારે અમે પાછા ફર્યા ત્યાર સુધીમાં તેઓ બધી જમામૂડી લઇને પરદેશ ચાલ્યા ગયેલા. અમે જ્યારે પરત ફર્યા ત્યારે સંવત્સરીનો જ દિવસ હતો. તારા પપ્પા હજુ બાર વર્ષના હતા. અમે તેમનો સંપર્ક કર્યો તો તેમને એટલું જ કહેલું કે હું ખોટના ધંધામાં તમારી સાથે નહી રહી શકું. તે રાત્રે તારા દાદાને લકવાનો એટેક આવ્યો. જિંદગીએ અમારી ચારેબાજુથી કસોટી કરી લીધી પણ પ્રભુકૃપાએ વર્ષો પછી બધું હેમખેમ થઇ ગયું. તું આવી પછી તો લક્ષ્મીજીએ પણ અમારા પર કૃપા વરસાવી. આજે ત્રીસ વર્ષે જમનારાયને અમારી યાદ આવી છે. તે દાદા પાસે માફી માંગે છે પણ તારા દાદા તેમને મળવા પણ માંગતા નથી.’ દાદીએ પોતાની વાત પુરી કરી.

‘હજુ આવતી કાલની પૂજાની પણ તૈયારીઓ કરવી છે’ એમ કહી દાદી ઉભા થયાં.

સંવત્સરીના દિવસે સવારે ઘરે સૌ પૂજા કરી હજુ ભેગા જ થયા હતા ત્યાં એક ઘરડો માણસ અચાનક જ હાથમાં મોટી બેગ લઇને લાકડીના સહારે પરાણે ચાલી રહ્યો હોય તેમ ઘરમાં દાખલ થયો.

સેવંતીલાલે ચશ્માની દાંડલી ઉંચી કરી અને નજરને ઝીણી કરી, ‘ જમનારાય…!’ મોંએથી શબ્દ નીકળતાં જ દાદી પણ નજીક આવ્યાં.

જમનારાય ખૂબ અશક્ત હતા. ચહેરા પરની કરચલીઓ અને વૃધ્ધત્વનું કાળું ગ્રહણ લાગ્યું હોય તેમ તેમનો ચહેરો સાવ નિસ્તેજ હતો. તેઓ સેવંતીલાલની નજીક આવ્યા અને તેમના ચરણોમાં ઝુકી ગયા. ‘મને માફ કર, સેવંતી….! હું તમારા બધાનો ગુનેગાર છું.’ જમનારાયની આંખોમાં પશ્ચાતાપનાં આંસુ હતા.

‘હું બધુ ભુલી ગયો છું, હવે ફરી તારે મારી જિંદગીમાં આવવાની કોઇ જરુર નથી. તું ચાલ્યો જા.’ સેવંતીલાલ પણ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા.
ઘરમાં સૌ કોઇ તેમને ધિક્કારની નજરે જોઇ રહ્યું હતું.

થોડીવાર પછી તે ઉભા થઇને પાછા વળ્યાં અને મોહિનીના હાથમાં બેગ આપીને કહ્યું, ‘બેટા, આ તારા દાદાને આપી દેજે, તારા દાદા અને દાદી જેવા પૂણ્યાત્માને દુ:ખી કર્યા તેનો કાયમ વસવસો રહ્યો છે. માફી માંગવા છેક અહીં સુધી આવ્યો છું, પણ ખેર ભગવાનને તે મંજુર નથી. મારા જીવનનું છેલ્લું કામ બાકી રહી ગયું હતું, તે પુરુ કરવા આવ્યો છું. બસ હવે જાઉં છુ. મારી ભૂલ માફીને લાયક નથી જ, તો’ય માફ કરશો. મિચ્છામિ દુક્કડમ….!’ એટલું કહી જમનારાય ઘરની બહાર નીકળી ગયાં.

મોહિનીએ તે બેગ ઉઘાડી તો તે આખી નોટોના બંડલોથી ભરેલી હતી. તેમાં ઉપર એક પત્ર હતો. મોહિનીએ તે પત્ર ખોલી વાંચવાનું શરુ કર્યું.
પત્ર પર ગઇકાલ સવારની તારીખ લખેલી હતી.

‘સેવંતી.. મધુમિતા..!
મિચ્છામિ દુક્કડમ..!
હું માફી માંગવાના દિવસે તમને જરુર મળીશ. જીવનની આ છેલ્લી ઇચ્છા જ હવે બાકી રહી ગઇ છે. મને ખબર છે તમે મને માફ નહી કરો, મારી કરેલી ભૂલો માફીને લાયક પણ નથી. હું તમારા સૌનો ગુનેગાર છું. મેં કરેલી ભૂલ અજાણતાં નહોતી, જાણી જોઇએ કરેલી હતી. કુદરતે તેની બધી સજા મને આપી દીધી. હું તમને છેતરીને પરદેશ ભાગી આવ્યો. પૈસાના જોરે સુખી પણ થયો..!

કોઇને છેતરીને ઉભા કરેલા સુખનું આયુષ્ય લાંબુ ના રહ્યું…! આજથી ચાર વર્ષ પહેલાં મારા ધંધામાં મોટી નુક્શાની આવી અને એક વર્ષમાં ધંધો ચોપટ થઇ ગયો યોગાનુયોગ સંવત્સરીના દિવસે જ મારે મારી ફેક્ટરીઓ વેચવી પડી. બીજા વર્ષે સંવત્સરીના દિવસે જ મારા પુત્ર, પુત્રવધુ અને મારા પૌત્રનું કાર અકસ્માતમાં અકાળે મૃત્યુ થયું. મારાં પરિવારમા છેલ્લા અમે બે બચ્યા ત્યારે મારી પત્ની અને મને સમજાયું કે આ અમારા કરેલા કર્મોનું ફળ મળી રહ્યું છે. પણ અમે માફી માંગવાની હિંમત ન કરી શક્યા. મારી પત્નીને કેન્સર થયું અને તે પણ સંવત્સરીના દિવસે દેવલોક થઇ…! તેને મરતાં મરતાં મને કહેલું કે આવતી સંવત્સરી પહેલાં જરુર તેમની માફી માંગી આવજો. કદાચ, આવતાં ભવમાં આ દુ:ખોનું પોટલું સાથે ન આવે…!

તે દિવસથી મેં મારી બધી બચેલી મૂડી ભેગી કરી તો તે એટલી જ હતી જે હું તને છેતરીને લઇને આવ્યો હતો, ના એક પૈસો વધારે ના એક પૈસો કમ….! હું સમજી ગયો હતો કે આ કુદરતનો જ કોપ છે. સેવંતી, તારુ જેટલું હતું તે સંવત્સરીના દિવસે તને આપીને તારી માફી માંગવા જ આવ્યો છું. મને માફ કરી દે જે દોસ્ત… જો કે હું તારો દોસ્ત કહેડાવવાને પણ લાયક નથી….!’
જમનારાય ચંદાણી ના છેલ્લા મિચ્છામિ દુક્કડમ.’

અને મોહિનીની આંખમાંથી આંસુની ધાર સરી પડી.

સેવંતીલાલ તુરત જ દરવાજા તરફ દોડ્યાં, ‘ઓ જમના… ક્યાં છે…? પાછો ઘરમાં આવ…!’
દાદી પણ તેમની પાછળ લાકડીના ટેકે દોડ્યાં.
પણ દરવાજા બહાર દુર દુર સુધી જમનારાયના કોઇ સગડ નહોતા.
દાદા-દાદી ચારેબાજુ બુમ મારતા રહ્યા પણ જાણે તે હવામાં જ અદ્રશ્ય થઇ ગયા હોય તેમ ક્યાંય ના દેખાયાં..!

સેવંતીલાલે તુરત જ આવેલા ફોન પર ફોન કર્યો, ત્રણેક રીંગ પછી કોઇકે ફોન ઉપાડ્યો તરત જ દાદાએ પુછ્યું, ‘ શું આ જમનારાય ચંદાણીના ઘરનો નંબર છે?’
‘હા’ સામેથી એક શબ્દમાં જવાબ મળ્યો.

દાદાના મનમાં સહેજ હાશકારો થયો, ‘ તેઓ ઇન્ડિયા આવેલા છે, મને તેમનો કોઇ સંપર્ક નંબર આપો.’ દાદાએ ઝડપથી કહ્યું.
‘સાંભળો મહાશય, આપની કંઇક ભૂલ થાય છે, તેઓ ગઇકાલની ફ્લાઇટમાં ઇન્ડિયા આવવાના જ હતા પણ સવારે જ તેમનું અવસાન થયું, આજે જ તેમનો અગ્નિસંસ્કાર પણ થઇ ગયો છે. તે હવે ક્યારેય ઇન્ડિયા પાછા નથી આવવાના….!’ પેલાં વ્યક્તિએ દુ:ખદ લાગણી સાથે જમનારાયના મૃત્યુનાં સમાચાર આપ્યાં.

અને સેવંતીલાલ તે પત્રને હાથમાં લઇને રડતાં-રડતાં બોલી પડ્યાં, ‘ *મિચ્છામી દુક્કડમ.. જમના..!’*

*સ્ટેટસ*
*’માફી માંગવાની કે આપવાની ઇચ્છા ત્યારે જ થાય.*
*જ્યારે મનમાં મહાવીર પ્રભુનો વાસ થાય’*

*લેખક*
✍?✍?✍?
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ*
*તા.૨૪/૦૮/૨૦૧૭*
*મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦*

ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,
*ચાર રોમાંચ જીંદગીના*

અને સ્વવિકાસ માટેનું પુસ્તક
*હું – ખોવાયેલા ખુદની શોધ*

આજે જ ઘેર બેઠા મંગાવવા લેખકનો સંપર્ક કરો.

ટીપ્પણી