નેપાળના મિરેકલ ડોકટરની અનોખી સ્ટોરી

- Advertisement -

એક લાખ કરતા વધારે અંધજનોને ફરીથી દેખતા કર્યા
નેપાળના 62 વર્ષના ડો સંદૂક રુઈત આંખના ડોક્ટર છે. લોકો તેમને મિરેકલ ડોકટર પણ કહે છે. કારણ કે તેમની દાયકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે એક લાખ કરતાં પણ લોકોની આંખોને દેખતી કરી તેમના જીવનમાં રોશની પાથરવાનું કામ કર્યું છે.નેપાળના પર્વતિય વિસ્તારોના સાવ નાનકડાં ગામના લોકો પણ આંખની તકલીફોના ઉકેલ માટે ડો. રુઈત પાસે આવે છે. મોતિયો ઉતાર્યાના એક દિવસ પછી ડો રુઈત આંખ પરની પટ્ટી ખેંચે છે અને દર્દીને પોતાની આંખે દુનિયા દેખતી કરી દે છે. એકલાખ જેટલી વિશાળ સંખ્યામાં અંધજનોને મદદ કરનારા ડો. રુઈત આજે અંધત્વ સામે લડાઈ કરનારા ડોકટરોમાં વર્લ્ડ ચેમ્પેઈન છે. આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ડોકટરોની યાદીમાં તેમનું નામ સૌથી મોખરે છે.

ડો. રુઈત 1700 રુપિયાના ખર્ચમાં મોતિયો દૂર કરવાનું ઓપરેશન કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સર્વે પ્રમાણે કંઈક 3.9 કરોડ લોકો અંધત્વનો શિકાર છે. જેમાંથી અડધા લોકો તો મોતિયાના કારણે અંધ થઈ ગયા હતા. 246 કરોડ લોકો વિશ્વમાં નબળી દ્રષ્ટી જેવી સમસ્યા ધરાવે છે. જો તમે અંધાપાનો શિકાર બનો છો અને ગરીબ દેશમાં રહો છો તો સામાન્ય રીતે તમારી પાસે સાજા થવાની કોઈ આશા નથી રહેતી. પણ ડો. રુઈતે મોતિયાના ઓપરેશની સરળ માઈક્રોસર્જરી ટેકનિક વિકસાવી છે જેનો ખર્ચ વ્યક્તિદીઠ માત્ર 25 એટલે કે 1700 રુપિયા જેટલો આવે છે. હવે તેમની આ મોતિયો દૂર કરવાની નેપાળી પધ્ધતિ યુ.એસની મેડિકલ સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. ડો. રુઈતના જીવન પરથી દેશવિદેશમાં કેટલીય ડોક્યુમેન્ટ્રી અને ફિલ્મો પણ બની ચૂકી છે. વર્ષ 2007ની સાલમાં “નેપાળ તથા આસપાસના દેશોમાં આઈ-કેર સેવાઓ સ્થાપિત કરવા માટે, આઈ-સર્જનોને ટ્રેનિંગ આપી તૈયાર કરવા બદલ તથા ટેકનિકલ ઈનોવેશન કરી માનવજાતની સેવા કરવા બદલ” તેમને હોનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ રીતે મળી સૌથી વધારે અંધજનોને મદદ કરવાની પ્રેરણા
વિશ્વમાં સૌથી વધુ અંધ લોકોને દેખતા કરવાની પ્રેરણા કઈ રીતે મળી તે અંગે ડો. રૃઈત જણાવે છે કે,”મારી કારકિર્દીની શરૃઆતમાં યંગ સર્જન તરીકે મેં અનુભવેલું કે આંખનું એક નાનકડું મોતિયાનું ઓપરેશન પણ દર્દીના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આ ઉપરથી જ મને ઓપ્થેમોલોજી ક્ષેત્રમાં જવાનો વિચાર આવ્યો હતો. મારી ડોકટર તરીકેની વ્યવસાયિક કારકિર્દીમાં હું ઘણી ઈમોશનલ ઘટનાઓનો સાક્ષી બનતો હોઉં છું. જેમ કે લાંબા સમયથી અંધાપાનો ભોગ બનેલી કોઈ યુવતી દ્ર્ષ્ટી પાછી મેળવ્યા બાદ પહેલીવાર તેના સંતાનોને જોવે ત્યારે એકદમ ભાવવિભોર થઈ જાય છે.–આ પ્રકારની ક્ષણો મને સતત પ્રેરણા આપતી રહે છે. ”

નેપાળમાંથી અંધાપાને લગભગ નેસ્તનાબૂત કર્યો.
ડો. રુઈતે અંધાપાને નેપાળમાંથી લગભગ નેસ્તનાબૂદ કરી નાખ્યો છે. તેમનું માનવું છે કે જો આ વસ્તુ નેપાળમાં થઈ શકે છે તો વિશ્વના કોઈ પણ ભાગમાં પણ શક્ય છે જ. અંધાપા સામેની લડાઈમાં તેમનું નામ ઘણાં માનથી લેવાય છે. અંધાપાને નેપાળમાંથી દૂર કરવામાં કઈ-કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે અંગે ડો. રૃઈત જણાવે છે કે,”નેપાળ જેવા વિકાસશીલ દેશોમાંથી આવતા ડોકટરોને સાધનોનો અભાવ, ટેક્નોલોજીનો અભાવ જેવા પ્રશ્નો નડતા હોય છે. તેમની વિશ્વસનિયતા પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. અમુક સિધ્ધીઓને સાબિત કરવા માટે પશ્ચિમના દેશોના ડોકટરો કરતાં અમારે ઘણી મહેનત કરવી પડે છે. તેથી જ મારા જેવા કોઈ ડોક્ટર માટે ટ્રેન્ડસેટર બનવું અને પોતાની સ્ટ્રગલના દરેક પગલાની સાબિતી આપતા રહેવું બહુ મહત્વનું થઈ જાય છે.”

ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવા વિકાસશીલ દેશોમાં શક્ય છે જ
ડો. રુઈતે જ્યારે પોતાની કારકિર્દીની શરૃઆત કરી ત્યારે તેમના જ ક્ષેત્રમાં કામ કરતા લોકો પણ દ્રઢપણે માનતા કે ઉચ્ચ ગુણવત્તાની કળાનું સર્જન તથા સારી તબીબી શોધખોળો વિકાસશીલ દેશોમાં શક્ય નથી. આ બધું પશ્ચિમના દેશોમાં જ થઈ શકે છે. આ માન્યતાને પડકારતા ડો રુઈત કહે છે કે.“આ માન્યતાઓ સામે મેં હંમેશા લડત આપીને સાબિત કર્યું છે કે સસ્તી પણ સારી ટેકનોલોજી કંઈ નબળી અને ઓછી ગુણવત્તાયુક્ત હોય તેવું જરૃરી નથી.સર્જીકલ ડિલીવરી સિસ્ટમને સ્ટાન્ડર્ડાઈઝ કરવાની વાત હોય કે સ્માર્ટ અને સસ્ટેનેબલ આઈકેર અને ટ્રેનિંગ મોડલ બનાવવાના હોય, એફોર્ડેબલ કિંમતની વસ્તુઓ પણ ઉચ્ચ ગુણવત્તાની હોઈ જ શકે છે એ વસ્તુ મેં મારી 25 વર્ષની કારકિર્દીમાં અનેકવાર સાબિત કરીને દેખાડી છે.”

માથાભારે કિમ જોંગ પણ ડો. રુઈતના પ્રયત્નોને વખાણે છે.
નેશનલ જીઓગ્રાફીએ ડો. રુઈત પર બનાવેલી ડોક્યુમેન્ટ્રીમાં એક મજાની વાત પર પ્રકાશ પાડ્યો છે. તેમાં જણાવ્યા પ્રમાણે નોર્થ કોરિયામાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડનાર ડો. રુઈતને સૌથી માથાભારે અને તિતાલી મગજના ગણાતા કિમ જોંગ પાસેથી પ્રશંસાના બોલ સાંભળવા મળ્યા હતા. આ અંગે પ્રકાશ પાડતા ડો. રુઈત કહે છે કે, ”હું એકવાતે હંમેશા ક્લિઅર રહ્યો છું કે હું કંઈ કોઈ પોલિટીશિયન કે સામાજીક કાર્યકર નથી. બલ્કે હું અંધાપાની સામે લડત માંડતો એક ડાઈહાર્ડ યોધ્ધો માત્ર છું. એકવાર અમે સર્જીકલ ડિલિવરી સિસ્ટમ અને તેની તાલિમને સ્ટાન્ડર્ડાઈઝ અને ફાઈન-ટ્યુન કરી દીધી એ પછી આ પધ્ધતિના ઉપયોગથી અમે વૈશ્વિક સ્તરે અંધજનોને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. અંધાપાને અટકાવવાના અમારા રિસર્ચ દરમિયાન આ બાબતમાં નોર્થ કોરીયા હાંસિયામાં ધકેલાઈ ગયેલા દેશોમાંનુ એક હોવાનું બહાર આવ્યું હતું. અંધાપા સામેની લડતમાં હું બહુ હઠિલો છું અને એટલે જ મેં નોર્થ કોરિયા, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, ઈથોપિયા તથા ઘાના જેવા દેશોમાં જઈ જરૃરિયાતમંદ લોકોને મદદ કરવાનું નક્કી કર્યું હતું.”

હેલ્થકેર માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ ઉત્તમ
ડો. રુઈત દ્રઢપણે માને છે કે પબ્લીક હેલ્થકેરના મામલે સરકારે પબ્લીક પ્રાઈવે પાર્ટનરશીપમાં કામ કરવું જોઈએ. કારણ કે મોટાભાગના દેશોમાં જ્યાં ગુડ ગવર્નસનો અભાવ હોય છે ત્યાં રાજ્ય.સરકારો દ્વારા પુરી પાડવામાં આવતી મેડિકલ સર્વિસ નબળી પડી જાય છે. આવા દેશોમાં જો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ પ્રમાણે કામ કરવામાં આવે તો પબ્લિક હેલ્થકેરમાં ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય .

સલામ છે ડો રુઈત અને તેમના પ્રયાસોને.

લેખન અને સંકલન – વિદુષી પંડ્યા

ટીપ્પણી