જીવનમાં નાની એવી ભૂલ બની શકે છે તમારા માટે સપ્તપદીનો શ્રાપ… વાંચો આંખો ખોલી નાખે તેવી ઘટના

ગઈ કાલે મોડી રાત સુધી ચાલેલા સન્માન સમારંભ અને પોતાના નવા પુસ્તક્નાં વિમોચન કાર્યક્રમમાંથી પરવારી ‘અચલા’ને ઘરે આવતાં લગભગ વહેલી સવાર થઈ ગઈ. શિયાળાની સવાર, સૂર્ય ધીરે ધીરે પોતાની સર્વોપરિતા સાબિત કરી રહ્યો હતો. ગઈ કાલ રાતનાં ભવ્ય કાર્યક્રમને કારણે અચલા સાવ થાકી ગઈ હતી. થાક એના શરીરની સાથે મન અને મગજ પર પણ વર્તાતો હતો. અને કેમ ન હોય? પોતાનાં સન્માન સમારંભની દોડધામમાં છેલ્લી બે રાતો એણે જાણે તંદ્રાવસ્થામાં જ પસાર કરી હતી. અને આજેય પથારી ભેગા થવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં કેમેય કરી તેને ઊંધ આવતી નો’તી. પોતાનાં નવા પુસ્તકને હાથમાં લઈ આંગળીઓના ટેરવાંથી એનાં મુખપૃષ્ઠને કેટલીયવાર સુધી પંપાળતી રહેલી અચલા સવારનાં નમણાં તડકાને બદનમાં ભરી લેવા તેના ટેરેસ ફ્લેટની અગાશીમાં આવી ને બેઠી.

‘અચલા ઓ અચલા… કોલેજ નથી જવું આજે? અગિયાર વાગી ગયા, હજુ કેટલી વાર ?’ પપ્પાનો વ્હાલભર્યો અવાજ સંભળાયો. સૌંદર્ય શબ્દ જેની સામે વામણો લાગે એવી રૂપગર્વિતા અચલા. સદા ઊછળતી કૂદતી અને છતાં કેળવાયલી, મા વિહોણા ઘરની જાળવણી કરતી છોકરી. મુગ્ધ ઊંમરની તેજતર્રાર યુવતી હતી. બટકબોલી અચલા સુંદર તો હતી જ, પણ તે દિવસે સ્નો વ્હાઈટ ચૂડીદારમાં એ રોજ કરતાંય વધુ સુંદર લાગતી હતી. કોલેજ પહોંચતાની સાથે જ મેઘ સામે આવી ને રસ્તો રોકી ઊભો રહી ગયેલો. સાત મહિનાની દોસ્તીમાં મેઘની આંખોમાં તે દિવસ જેવું તોફાન અચલાએ ક્યારેય જોયું નહોતું. અચલા અગર સુંદર નજાકત હતી, તો મેઘ આર્ય મંદિરનું ખડતલ શિલ્પ હતો. ‘આજે અગર હું તને કંઈક વાંચવા આપું, તો શું એમાં પૂછાયેલા પશ્નનો તું જવાબ આપીશ?’ મેઘે એક કવર અચલાના હાથમાં થમાવતા પૂછ્યું. ‘મેઘ, આ શું માંડ્યુ છે સવાર સવારમાં?’ અચલાએ મેઘનું બદલાયેલું રૂપ જોતા પૂછ્યું. ‘તું વાંચ તો ખરી, પછી નક્કી કરશું કે શું મંડાયુ છે?’ કહેતા મેઘ ત્યાંથી ચાલી ગયો. અચલા કયાંય સુધી પેલા હાથમાં પકડેલા કવરને જોતી રહી. કવર ખૂલ્યુ અને સફેદ કાગળ પર ચિતરાયેલી ગુલાબી લાગણીના શબ્દો, મેઘ તરફથી અચલાને પ્રેમનો પ્રસ્તાવ હતો. અચલા પણ મેઘને પસંદ કરતી હતી પણ સ્ત્રી સહજ શરમ તેને એ પહેલ કરતા રોકતી હતી. આજે મેઘ દ્વારા જ્યારે એ જ પ્રેમ પ્રસ્તાવ પત્ર તરીકે મળ્યો ત્યારે અચલાનું મન જાણે સાતમા આસમાને પહોંચી ગયુ.

‘૧૨ વર્ષ થયા મેઘ. તારાથી, તારા સપ્તપદીનાં શ્રાપથી છૂટા પડ્યાને. આ વિશાળ ઘરમાં સાવ એકલા જીવવાની હવે જાણે ટેવ પડી ગઈ છે મને.’

‘અચલા, આવતી કાલે આપણા લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે, બોલ ક્યાં જઈશું? કંઈ પ્રોગ્રામ વિચાર્યો છે મને ભીંજવવાનો કે પછી સાવ કોરાં જ રહેવાનું છે મારે?’ મેઘ ઓફિસથી આવતાં જ બોલ્યો. ‘રોજ મારા રૂપને, મારા શરીરને મન ભરીને પીવે છે, ભોગવે છે છતાં તું સદાનો પ્યાસો તે પ્યાસો જ.’ અચલા મેઘના પ્રેમનો પડઘો પાડતી હોય તેમ બોલી. ‘તે કેમ નહીં ભોગવું વળી? દુનિયાનું આ અપ્રતિમ રૂપ માત્ર મારા માટે છે અને હું જુવાનીનું હણહણતું ઘોડાપૂર છું. તને મારા બાહુપાશમાં જકડવા માટે અને ભોગવવા માટે જ તો હું જન્મ્યો છું.’ મેઘે અચલાને બાથમાં ભરતા કહ્યું. ‘મેઘ, તારી આવી જ વાતો મને વ્યાકૂળ કરી મૂકે છે. કયારેક ડર લાગે છે કે કાલે અગર મારું આ રૂપ, આ શરીર હમણાં છે એવું ના રહ્યું તો પણ શું તું મને આટલી જ ઉત્કટતાથી ચાહશે ખરો ? મને ઘણીવાર ન ચાહવા છતાં એવો વિચાર આવી જાય છે, કે તેં મને ચાહી છે કે મારા શરીરને ?’ અચલા મેઘને પોતાનાથી અળગો કરતા બોલી. ‘ચાલ હવે આટલા સરસ આવતી કાલની લગ્નવષઁગાઠની છડી પોકારતા સમય ટાણે આવી બેહુદા વાતો ન કર. તારાં પ્રેમનાં વરસાદમાં ભીંજાવાનો આવો સરસ મોકો હું કેવી રીતે એળે જવા દઉ?’ મેઘની ક્યારેય પુરી ન થતી તરસ અને કમને સ્વીકારવી પડતી શરણાગતિ, બંને યુવાન હૈયાંઓ ઊના શ્વાસે પથારીની સિલવટોમાં કયાંય સુઘી આળોટતા રહયાં. રૂમની દિવાલો પર શરીરની ગુલાબી ચેષ્ટાઓની છબી ઉપસતી અને ઓગળતી રહી.

સવાર થયાને ખાસ્સો સમય થઈ ગયો હતો. સૂરજના કિરણો આકરા થઈ ગયા હતા. અચલાને ભૂતકાળનાં વિચારોમાં તરવરી આવેલી યાદોથી જાણે પરસેવો વળી ગયો. એની આંખોમાં એક ન કળી શકાય એવી ઘ્રુજારી આવી ગઈ. ‘મેઘ, તારા ઊઝરડાં જો આજે મને કયાં સુઘી લઈ આવ્યા? અચલા મઝુમદાર માથી અચલા અઘવર્યુ અને બાર વર્ષ પહેલાં ફરીથી અચલા મઝુમદાર. તારૂ નામ, તારી અટક, તારી ઓળખ, તારી સાથેનાં તમામ સંબંઘો અને સંજ્ઞાઓ છોડી દીઘાને આજે બાર વર્ષ થયાં. ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડમી તરફથી પોતાનાં શ્રેષ્ઠ યોગદાન બદલ એવોર્ડ મેળવી, શ્રેષ્ઠ, સફળ, સન્માનિય લેખકોની યાદીમાં મેં મારુ સ્થાન મેળવ્યું છે. તારી સાથેનાં સબંઘ વિચ્છેદના બાર વર્ષમા હું ગુજરાતી ભાષાને એકવીસ પુસ્તકો આપી શકી છું મેઘ. અને તમામ પુસ્તકોની નોંઘ આખાય વિશ્વમાં વસતાં ગુજરાતીઓ દ્વારા લેવાઈ છે. પ્રશંસા કરાઈ છે અને અહોભાવથી વંચાઈ છે.

‘અચલા, અચલા ચાલને કેટલી વાર લગાડે છે? ઘર બહાર કાર પાસે રાહ જોતા મેઘે બૂમ પાડી. ‘તેં જ કહયું હતુ ને કે લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે, અને આપણે વેકેશન પર જઈ રહયાં છીએ તો મારે દરેક ક્ષણે રતિ યા રંભા કરતા પણ વઘુ આકર્ષક રીતે તૈયાર થઈને રહેવાનું, હમણાં જ તૈયાર થઈ હતી તો તેં મને પાછી… હવે ફરી તૈયાર થતાં વાર તો લાગે કે નહીં ?’ અચલા નવપરણેતરની જેમ શરમાઈ ગઈ. ‘ઓ બાપ રે! આ મારી અચલા જ ઊભી છે સામે કે કોઈ પરી! લાગે છે મહાબળેશ્વર સુઘી તું પહોંચવા નહી દે.’ મેઘ જાણે ફરી તોફાને ચઢ્યો. ‘મેઘ સામે જો, પ્લીઝ. એક તો ગાડીની સ્પીડ વઘારે છે અને તારુ ઘ્યાન પણ નથી. મેઘ…મેઘ… સંભાળ મેઘ ….! ધડામ.

બે દિવસનાં ઉજાગરા અને ભૂતકાળની કારમી યાદો બંને બરાબર રીતે અચલાને થકવી રહી હતી ગળુ સૂકાતા તેણે ઉષાતાઈને બૂમ પાડી ‘ઉષાતાઈ પાણી આપજો, ખૂબ તરસ લાગી છે.’ જૂનાં ડૂમાંને કારણે સૂકાએલુ ગળુ જાણે પાણી પીવાથી પણ તરસ ઓસરતી નહોતી.

‘મેઘ કુદરતની અસીમ કૃપા જ હશે કે આટલા મોટા અકસ્માત પછી પણ તમે બચી ગયા પણ અચલાને ખૂબ ઈજા પહોંચી છે, તે હમણાં જીવતી છે એ પણ એક ચમત્કારથી કમ નથી. ’ હાઈ-વે પર નડેલા ગોઝારા અકસ્માતના બે દિવસ પછી ડૉક્ટર મેઘને કહી રહ્યા હતા. ‘તમારી મહેનત અને કાબેલિયતને કારણે જ મને અને મારી પત્નીને નવું જીવન મળ્યુ છે. હું આપનો આભાર માનું એટલો ઓછો છે ડૉકટર.’ મેઘ ડૉક્ટરનો આભાર માનતા બોલ્યો. ‘ના ના મેઘ એમાં મારો આભાર માનવો નહીં હોય, પણ હા, હવે તમારે તમારી પત્ની અચલાની ખૂબ કાળજી લેવી પડશે. તમે જાણો છો તેને આ અકસ્માતમાં ખૂબ ગંભીર ઈજાઓ નડી છે અને હું તમને અંધારામાં રાખવા નથી માગતો. આ ઈજાને કારણે અચલાની સ્પાઈનલ કોડ…’ ડૉક્ટર બની શકે એટલી સારી રીતે અચલાની પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ‘આઈ કેન અંડરસ્ટેન્ડ ડૉકટર, આટલા મોટા અકસ્માત બાદ તેને સાજી થવામાં થોડો સમય તો લાગશે જ.’ ‘નો મેઘ, આઈ મીન ટુ સે અચલા હવે કદાચ આજીવન હરી ફરી નહિ શકે. એના બંને પગ કામ કરી શકવાની હાલતમા નથી. ‘આવુ ન બોલો ડૉકટર, અચલાને બાદ કરતા મારા પરીવારમાં બીજુ કોઈ નથી અને એ જ આમ પેરેલાઈઝડ્ હાલતમા આવી જશે તો મારુ જીવન…’ મેઘને જાણે બે દિવસ પહેલા થયેલા અકસ્માતનો આઘાત હમણાં લાગી રહ્યો હતો.

‘શું થાય છે તમને બહેન? તબિયત બરાબર નથી, તો થોડોવાર સુઈ જતા હોવ તો ! ચાલો, મારી વાત માનો અને થોડી વાર સૂઈ જાવ.’ ઊષાતાઈએ વ્હાલથી અચલાના ખભે હાથ મૂકતા કહ્યું. ‘આજે ઊંઘ નથી આવતી, ઊષાતાઈ. હું સ્વસ્થ છું, તમે ચિંતા નહીં કરો.’ અચલાએ કહ્યું છતાં ઉષાતાઈ અચલાને ટેરેસ પરથી બેડરૂમમાં લઈ આવ્યા. ભૂતકાળની યાદનો સિલસીલો આજે કેમેય કરી અચલાનો પીછો છોડવા તૈયાર નહોતા. બેડ રૂમ પ્રવેશતાની સાથે જ અચલાની નજર બેડ તરફ ગઈ અને તેની આંખો ત્યાં જ જડાઈ ગઈ.

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

‘મેઘ…મેઘ આ શું કરે છે તું? મેઘ પ્લીઝ, મને દુઃખે છે મેઘ, મેઘ ઓહ પ્લીઝ મેઘ…આહ… !’ પરસેવે રેબઝેબ મેઘની અંદરના પૂરૂષે સંતોષનો ઓડકાર ખાધો અને દર્દમાં સબડતી અચલા સામે પીઠ ફેરવી સૂઈ ગયો. એ આખી રાત અચલાને શરીર અને મન તૂટી ગયાનાં દર્દે સૂવા નહીં દીઘી. વહેલી સવાર સુઘી અચલાનું ઓશિકું ભીંજાતું રહયું. બીજા દિવસની સવારે ઓફિસ જતા જતા મેઘ અચલાને સંભળાવતો ગયો. ‘હાથ પગ નથી ચાલતા એનો અર્થ એ નથી કે આપણો સંસાર પણ તૂટી જાય. આશા રાખુ કે મારી અચલા સાંજે હું થાક્યો પાક્યો ઘરે આવું ત્યારે ફરી મારી પરી થઈ ને જ મને મળે.’ આવનારી સાંજનાં વિચારમાત્રથી અચલા તે દિવસે ઘ્રુજી ગઈ હતી.

‘અચલા, અચલા મારી અચલા તારો ગુલાબી રેશમી ગાઉન કેમ નથી પહેર્યો? કેવી સુંદર લાગે છે તું એ ગાઉનમાં, ખરેખર મને પણ ગુલાબી કરી નાખે છે એ. લાવ, હું જ પહેરાવી દઉં.’ ‘મેઘ, મેઘ’ અચલા લગભગ ફાટી પડવાની અણી પર હોય એમ બરાડા પાડતી હતી. ‘મેઘ મને લોહી નીકળે છે કદાચ. તું જો તો ખરો પ્લીઝ… મેઘ પ્લીઝ સ્ટોપ ઈટ.’ અચલાનો અવાજ મેઘનાં આવેગ સામે ઘીમે ઘીમે ઠંડો પડતો ગયો. એકપક્ષિય શારિરીક આનંદ અચલા માટે રોજ રોજનાં બળાત્કારનો બિભસ્ત ચહેરો બની ગયો.

‘અચલા, આપણે પતિ-પત્નિ છીએ અને એમાંય યુવાન દંપતિ છીએ. શારિરીક આવેગ બહુ સ્વાભાવિક છે. તું ચાલી નથી શકતી તો શું થયું ? જિંદગીને ઉજવવાનું બંધ થોડું કરી દેવાય ? જિંદગી મળી છે તો એને જીવતા શીખ અચલા. આનંદની પળોને આનંદથી માણતા શીખ અને મને પણ માણવા દે.’ મેઘના ચહેરા પર તેના શબ્દોમાં જાણે એવો ભાવ વર્તાતો હતો જાણે તેને અચલાની ગઈ કાલની હાલતથી કોઈ ફર્ક જ નથી પડ્યો. ‘સપ્તપદીના વચન જે મેઘ સાથે લેવાયા હતા તે આજ મેઘ હતો ? મેં આજ મેઘને ચાહ્યો હતો ? મને પ્રેમ કરવાનો દાવો કરતો પુરૂષ આજ મેઘ હતો કે કોઈ ઓર ? અચલા પોતાની જાતને જ પ્રશ્નો પૂછી રહી હતી.

એક દિવસનો આવેગ રોજ રોજના પ્રહારો થઈને અચલા પર ઝીંકાતો રહ્યો. પહેલા પ્રેમથી સમજાવટ, પછી વિરોધ, ફરી વિરોધ પછી રૂદન તમામ રસ્તેથી મેઘને સમજાવવાનાં પ્રયાસોમાં અચલાને હાર સિવાય બીજૂં કશું ના મળ્યું. પણ તેની સહનશીલતાનાં બાંધ ઘણા મજબૂત નીકળ્યા. યાતનાસભર શારિરીક અને માનસિક પીડા એ ત્રણ વર્ષ સુધી સહેતી રહી. મેઘની હેવાનિયત અને વિકૃતિ ઉબકાં આવે તે રીતે કહોવાવા માંડી હતી. પોતાની પત્નિ સાથે પણ એની ઈચ્છા વિરૂધ્ધ કરવામાં આવતું સહશનય એ બળાત્કાર છે, એવો કાયદો આવી ગયો હોવા છતાં ઘરની ચાર દીવાલની વચ્ચે લાચાર અચલા, વાસનાનો શિકાર થઈ ચૂંથાતી રહી.

રોજ રોજની મેઘની હેવાનિયતનું પરીણામ એ આવ્યું કે એક આભાગી ક્ષણે અચલાનાં ગર્ભમાં એક બીજ વાવી દીધું, રિપોર્ટસ આવ્યાં કે અચલાનાં ઉદરમાં એક પીંડ ઊછરી રહ્યો છે. સહનશીલતાની પરાકાષ્ઠા પર પહોંચેલી અચલા આજે એ નક્કી નહોતી કરી શકતી કે આ ક્ષણ, આ સમાચાર ખુશ થવા જેવા છે કે આઘાત પામવા જેવા ? મજબૂર શરીરની અપાહિજ લાગણી સાથે અચલા શારિરીક રીતે તો ઊભી થઈ શકવાને સક્ષમ નોહતી જ હવે માનસિક રીતે પણ અપાહિજ થઈ ગઈ.

ડોકટરે મહામહેનતે એબોર્શન કરી આપ્યું. પણ આ એબોર્શનની પરિસ્થિતિને કારણે અચલાએ હવે એક ચોક્ક્સ નિર્ણય કરી લીધો. ઉષાતાઈ નામની એક હેડનર્સ તરીકે કામ કરતી બાઈ સામે અચલાએ હ્રદય ઉલેચી નાખ્યુ. દુનિયા જોઈ ચૂકેલા આધેડ વયના ઉષાતાઈ હિંમ્મતવાળા નીકળ્યા. તેમણે અચલાને હોસ્‍પિટલમાંથી રજા લેવડાવી પોતાને ઘરે લાવી સુવડાવી દીધી. મેઘ હોસ્પિટલમાં પૂછવા આવ્યો ત્યારે કોઈ પાસે અચલા અંગે માહિતી નહોતી. મેઘ રઘવાયો થઈ ગયો, હોસ્પિટલ પર કેસ કરવાની પણ ધમકી આપી ત્યારે ડૉક્ટરે કહેવું પડ્યું કે અચલાના કોઈ સંબંધી આવ્યા હતા હવે તેઓ તેને ક્યાં લઈ ગયા છે તેની હોસ્પિટલને કોઈ જાણ નથી. અચલા પોતાની મરજીથી એમની સાથે ગઈ છે.

ઊઝરડાઈ ગયેલી લાગણીઓનાં ચીંથરા ધીમે ધીમે ઊષાતાઈએ આપેલી હિંમત અને હૂંફને કારણે સીવાતા ગયા અને અચલા માનસિક રીતે સ્વસ્થ થવા માંડી. રડવાનું છોડી અચલાએ હવે કાગળ અને કલમનો સહારો લીધો. છેલ્લાં બાર વર્ષોએ અચલાને ઘણું બધું આપ્યું હતું અને એ તમામને તેણે કાગળ પર ઉતારવા માંડ્યુ.

‘આજે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા મને પુરસ્કૃત કરવામાં આવી ત્યારે સભાખંડની નિરવ શાંતિમાં બોલાએલા શબ્દો તે સાંભળ્યા મેઘ ? અચલા મઝુમદારે એમનાં આ એકવીસમાં પુસ્તક “સપ્તપદીનો શ્રાપ” સાથે ગુજરાતી સાહિત્યને એક ઓર એવી અમૂલ્ય ભેટ આપી છે કે અચલાજીનાં પુસ્તકો થકી ગુજરાતી ભાષાની દરેક લાઈબ્રેરીઓ અને ગુજરાતી વાચકો સમૃધ્ધ થઈ ગયા છે. અચલાજી, ગુજરાતી સહિત્યમાં આપનાં આ અમૂલ્ય યોગદાન માટે આપનો આભાર માનીએ એટલો ઓછો છે.

વિશાળ ઘરના ખાલી કમરામાં વ્હીલચેર પર બેઠેલી અચલા આયના સામે ક્યાંય લગી તાળીઓ વગાડતી રહી.

અશુતોસ દેસાઈ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

 

 

ટીપ્પણી