બાળકોને સવાર સવારમાં આપો આ ટેસ્ટી અને હેલ્થી દૂધ..

શિયાળો એટલે સેહત બનાવવાની સીઝન. મોટાઓ માટે પણ અને બાળકો માટે પણ. ડાયેટીશનોના મતે બ્રેકફાસ્ટ એ સૌથી અગત્યનું મીલ ગણાય છે એટલે આ સીઝનમાં બ્રેકફાસ્ટમાં જ બને એટલું હેલ્ધી અને સીઝન અનુસારનું પોષણ આપવામાં આવે તો સૌથી વધુ ફાયદો થશે.
આજના સમયમાં ખાસ કરીને બાળકોને સવારે સ્કૂલે જવાનું મોડું થતું હોય, ખાવાનો સમય ન હોય ત્યારે મોટા ભાગે મમ્મીઓ જાહેરખબરોમાં જાતજાતના પ્રોટીન પાઉડર્સ કે પૌષ્ટિક ગુણો આપવાનો દાવો કરતા મિલ્ક પાઉડર્સ મિલ્કમાં નાખીને બાળકોને પીવડાવી દે છે. પરંતુ, આ પાઉડર્સની ઍડ્વર્ટાઇઝમાં જે દાવાઓ થયા છે એ અને એનાથી તેમના સંતાનની હેલ્થ ખૂબ જ સારી થઈ જશે એ કેટલા હદે સાચું હશે કોને ખબર.

તો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરતાંને ઘરમાંથી જ મળી રહે એવા સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો અપનાવીએ તો કેટલું સારું. આવા મોંઘાદાટ પાઉડરને બદલે સાચા અર્થમાં જે હેલ્ધી હોય એવી ઘરની જ કેટલીક ચીજો નાખીને બાળકોને દુધ આપીએ તો સ્વાદ અને તેમનું સ્વાસ્થ્ય બન્ને સચવાય છે. તો જોઈએ આવાજ કેટલાક હેલ્ધીએસ્ટ ઑપ્શન્સ.

અંજીરવાળું દૂધ

ચા કે સાદા દૂધની જગ્યાએ અંજીરવાળું દૂધ ઉકાળીને આપવામાં આવે તો એ ચાર ગણી ચેતના અને સ્ફૂર્તિ પૂરાં પાડે છે. ત્રણ-ચાર અંજીર શરીરમાં ઘણાં ખનીજ તત્વ તેમ જ વિટામિન્સ પૂરાં પાડીને અજબ સ્ફૂર્તિ આપે છે. એમાં ટાયરોસિન, અમીનો ઍસિડ, લાયસિન જેવા જુદી-જુદી જાતના એન્ઝાઇમ્સ (પાચક રસો) સમાયેલા છે. અંજીર પ્રોટીન, લોહ, કૅલ્શિયમ, તાંબું વગેરે અનેક જાતનાં ખનીજો અને તત્વથી ભરપૂર છે. વિટામિન એ, બી અને સી પણ એમાં સારીએવી માત્રામાં છે. આખા દિવસ માટે જરૂરી એનર્જી અંજીરવાળા દૂધથી એક જ વખતમાં શરીરને મળી જાય છે. તમે થાકીને લોથપોથ થઈ ગયા હો તો અંજીરવાળું દૂધ પીવાથી નવી તાજગી તરત જ મળી જાય છે.

દૂધનો ઉકાળો

 

ઠંડીમાં બાળકોને શરદી, ખાંસી, ઉધરસ, તાવની તકલીફ અવારનવાર રહેતી હોય છે અને એવા સમયે દૂધમાં ખજૂર, અંજીર, બદામ-પિસ્તાં નાખવાથી એ પચવામાં ભારે પડી શકે છે. તો અડધો કપ પાણી લઈ એમાં પાંચ-દસ તુલસીનાં પાન, મુઠ્ઠીભર બારીક સમારેલો ફુદીનો, અડધી ચમચી આદુંનું છીણ, મુઠ્ઠીભર લીલી ચા, ચપટીક સૂંઠ અને કાળાં મરી નાખીને ઉકાળવું. બરાબર ઊકળે એટલે એક કપ દૂધ ઉમેરવું અને ધીમી આંચ પર સાકર નાખી ફરી ઉકાળવું. પાણીનો ભાગ ઊડી જાય એટલે ગૅસ પરથી ઉતારીને ઠંડું પાડીને બાળકને પીવા આપવું. તુલસી, ફુદીનો, સૂંઠ અને લીલી ચા કોઈ પણ પ્રકારના વાઇરલ ઇન્ફેક્શનથી શરીરને રક્ષણ આપે છે. તેમજ કાળાં મરી દૂધને સુપાચ્ય બનાવે છે.

સૂંઠ અને પીપરીમૂળવાળું દૂધ

ઉકાળો બનાવવા માટે ઘણીબધી ચીજો ભેગી કરવાની કડાકૂટ કરવી પડે છે. પરંતુ જો રોજેરોજ તુલસી, ફુદીનો, લીલી ચા વગેરે ભેગી કરવી શક્ય ન હોય તો સાદો વિકલ્પ છે સૂંઠ અને ગંઠોડાવાળા દૂધનો. જ્યારે બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી ગઈ હોય, વારંવાર ઠંડીને કારણે શરદી-કફ થયા કરતાં હોય ત્યારે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી સૂંઠ અને પા ચમચી ગંઠોડા નાખીને થોડી સાકર સાથેનું ઉકાળેલું દૂધ બાળકને પીવા આપવું. આ બન્ને ઔષધિઓથી દૂધ સુપાચ્ય તો બને છે સાથે જ શરીરને ગરમાટો આપી ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ સુધારે છે.

ખજૂરવાળું દૂધ

ઓછું વજન હોય, હાઇટ વધતી ન હોય, બુદ્ધિશક્તિ મંદ હોય, શરીરનો બાંધો નબળો હોય ત્યારે કહેવાય છે રોજ ખજૂરવાળું દૂધ પીવું, ખાસ કરીને શિયાળામાં. તે માટે ખજૂરને બરાબર ધોઈને પાણીમાં પલાળી લો. સવારે ઊઠીને કાં તો ચોળીને અથવા તો ઝીણી-ઝીણી સમારીને દૂધમાં મેળવો અને બરાબર ઉકાળો. પાણીનો ભાગ બળી જાય એટલે ઠારીને બાળકને પીવા આપો. જો દૂધ સાથે ખજૂર નાખીને પીવું ન હોય તો ખજૂર પાક બનાવીને ૨૦ ગ્રામનો એક ટુકડો દૂધ સાથે ખાવા આપો.

કેસર-પિસ્તાં-બદામવાળું દૂધ

ભયંકર ઠંડીમાં કેસર-પિસ્તાં-બદામવાળું દૂધ પણ સારું વિકલ્પ છે. કેસર શરીરને સારો એવો ગરમાટો પૂરો પાડે છે. તો પિસ્તાં અને બદામ કેલ્શિયમ, પ્રોટીન અને અન્ય ખનીજ દ્રવ્યોની જરૂરિયાત પૂરી પાડે છે. એમાં રહેલાં ખાસ વિટામિન્સ બ્રેઇન માટે જરૂરી છે. રોજ કેસર દૂધ પીવાથી શરીરને બહારની ઠંડી સામે લડવાની આંતરિક શક્તિ મળે છે.

લેખન સંકલન : ઉર્વી શેઠિયા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી