મિલન

“પૂજા ..!” માંએ ઓરડામાંથી સાદ કર્યો. પૂજા ઓટલે બેસી માથામાં તેલ નાખતી હતી ત્યાંથી અંદર દોડી. માંની લાકડી પડી જતાં એ દિવાલના ટેકે ઊભાં હતાં.પૂજાના માં પંદર વર્ષથી પથારીવશ હતાં.પૂજા ઉંમરલાયક થઇ છતાં કોઈ જગ્યાએ એને પરણાવી શકાઈ નહોતી. ભાઈએ થોડી કોશિશ કરી પણ પૂજા ક્યાંય પરણવા ઉત્સુક નહોતી.

પૂજા એક કંપનીમાંપાંચ વર્ષથી નોકરી કરતી હતી. ઘરે આવી બાકીનો સમય માતાની દેખરેખમાં જતો હતો. એક વખત માતાપિતા બંનેએ પૂજાને કોઈ પુરુષ સાથેની મિત્રતા અંગે પૂછતાં પૂજાએ નીચું જોઈ હા પાડેલી. એની પસંદગીનું પાત્ર કેવળ બીજી નાતનું જ નહી પરંતુ પર પ્રાંતનું પણ હતું. પિતા નારાજ થઇ ઓરડામાંથી બહાર ચાલ્યા ગયેલા. માંએ પૂજાને ઠપકો આપેલો..” તને જરાય વિચાર ન આવ્યો ! આપણે બ્રાહ્મણ. ધર્મ ધ્યાન,રીત રિવાજોમાં માનનારા. તને જે વ્યક્તિ ગમે છે તે તો માંસ-મચ્છી ખાય છે, ભાષા ય અલગ બોલે છે.!! કઈ રીતે તું ત્યાં રહી શકીશ ?” એ પછી પૂજાએ ક્યારેય લગ્ન વિશેની વાત ઉચ્ચારી નહી.

પરદેશ વસતા ભાઈએ માતાપુત્રીને સમજાવવા કરેલી કોશિશ નિષ્ફળ રહી હતી. પિતાના મૃત્યુ પછી માંએ પૂજાને કોઈ અવકાશ જ ન આપ્યો. દીકરીની આદત એવી તો પડી ગયેલી કે એના ભવિષ્યની ચિંતા ઓછીને પોતાની સેવાચાકરીનો સ્વાર્થ વધુ દેખાતો. ‘એ જશે તો મારું કોણ’ એમ વિચારી, દીકરીને ઘરના ખિલ્લે ખોડી રાખી.

સમય વહેતો ચાલ્યો, જોતજોતામાં પૂજા પિસ્તાળીસે પહોંચી. તે એકદમ સાદગીપૂર્ણ જીવન જીવતી. મોટા ભાગના લોકોથી અલિપ્ત અવસ્થામાં. બસ એક અંગત સહેલી રચના પૂજાના સમ્પર્કમાં રહેતી.. કેટલીય વખત પોતાનું એકાંત અને ખાલીપણું, માં સાથે કજિયાનું સ્વરૂપ ધારણ કરતું. માતાએ પોતાની ગણતરી મુજબ એને છેવટ સુધી બાંધીને જ રાખેલી. કાળક્રમે માંનું અવસાન થયું. માં સાથેની યાદગીરીઓ સિવાય હવે તેની પાસે કોઈ નહોતું. માતાના મૃત્યુના બરાબર છ માસ પછી ભાઈને ત્યાં ફોન રણક્યો. ભાઈએ લગભગ હતપ્રભ અવસ્થામાં વાત સાંભળી. ” મને કઈ વાંધો નથી..! તને જેમ યોગ્ય લાગે તેમ. આ તો સારા સમાચાર કહેવાય…એમાં મને શું પૂછવાનું !! ”

પૂજાએ પરણવાનું નક્કી કર્યું હતું. ભાઈ-ભાભી અને રચના તૈયારીઓમાં લાગી ગયા. પ્રસંગ સારી રીતે ઉજવાય તે માટેની ગોઠવણ કરવામાં આવી. મંડપમાં ધામધૂમથી ફેરા લેવાયા. પચાસ વર્ષની ઉંમરે પણ પૂજા આકર્ષક સાડીમાં શોભી રહી હતી. સગાવ્હાલાઓમાં ઘૂસપૂસ શરુ થઇ. કેટલાક પૂજાની માતાને દોષ આપતાં હતાં તો કેટલાક નસીબને. દંપતી ખુશખુશાલ નજરે પડતું હતું. જયારે એકાદબે અંગત લોકો જ જાણતા હતાં, માતાના મૃત્યુ પછી કેમ એકાએક ,આટલું જલ્દી પૂજાનું ગોઠવાયું. પૂજાને એની ઉંમરનું યોગ્ય પાત્ર મળવા પાછળ એનું વર્ષો પહેલાંનું પ્રેમપ્રકરણ જવાબદાર હતું. માતાપિતાએ નકારી કાઢેલ પરપ્રાંતીય પ્રેમી, પૂજાને ન પરણી શક્યો. કુટુંબની લાગણીને માન આપી એ નિશ્ચિત કરેલી સ્ત્રીને પરણ્યો, બે બાળકોનો પિતા બન્યો. લગ્નના વીસ વર્ષ બાદ એની પત્નીનું અકસ્માતમાં મોત થયું. રચના આ સઘળી વાત જાણતી હતી. પૂજા માવિહોણી બનતાં, એને આ બંને પાત્રોનું મિલન કરાવવાનું સુજ્યું.

ભાઈએ આશીર્વાદ આપતી વેળાએ તમામ ઉપસ્થિત આમંત્રિતોને જણાવ્યું ” રચનાએ પોતાનો મૈત્રી ધર્મ બખૂબી નિભાવ્યો. મારી બહેન માટે એકદમ યોગ્ય વ્યક્તિ એ શોધી લાવી છે…એ બદલ એનો આભાર માનુ તેટલો ઓછો છે..” મહેમાનો રચના તરફ જોઈ રહ્યાં હતાં. જયારે રચના, પૂજા અને તેના જીવનસાથીને સદાકાળના સંબંધમાં જોડાતાં જોઈ તૃપ્ત થઇ રહી હતી.

લેખક – રૂપલ વસાવડા (બેંગ્લોર)

ટીપ્પણી