મગઝના લાડુ બનાવાવાની એક્દમ સરળ રીત સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે નોંધી લે જો !!!

મંદિરમાં પ્રસાદમાં મળતા મગઝના લાડુ બધાને અતિપ્રિય જ હોય છે. બાળકોથી લઈને મોટા સુધી તમામને ભાવતા મગઝના લાડુની રેસીપી આજે લઇને આવી છું. બધાના ઘરે આ લાડુ બનતા જ હોય છે. કોઈ પણ તહેવાર હોય કે ખાસ દિવસ આ લાડુ જરૂરથી બને છે.

આમ તો ટ્રેડિશનલ રીતે ઘીમાં ચણાનો કરકરો લોટ શેકી લઇને ઠંડુ થાય એટલે ખાંડનો ભુકો ઉમેરીને લાડુ બનાવીએ છીએ…

આજે હું ખૂબ ઝડપથી બની જતા માઇક્રોવેવમાં બનતા મગઝના લાડુની રેસીપી લાવી છું.

કડાઈ માં શેકવાની ઝંઝટ નહીં અને ઘી પણ ઓછું જોઈશે આ લાડુ બનાવામાં….ઓછા ટાઈમ માં તૈયાર થઈ જાય છે.

6-8 મિનિટમાં શેકાય જતા આ લાડુ ચોક્કસથી એકવાર ટ્રાય કરો. મારા ઘરે વર્ષોથી આ રીતે જ લાડુ બનાવું છું. જેના સ્વાદમાં પણ કોઈ ફરક નથી.

સામગ્રી:-

  • 500 ગ્રામ ચણા નો મગઝ માટે નો કરકરો લોટ( કકરો),
  • 250 મિલી ચોખ્ખું ઘી,
  • 1 મોટો બાઉલ ખાંડનો ભુકો (સ્વાદાનુસાર ),
  • 2 ચપટી ઇલાઈચીનો પાવડર
  • રીત:-

સૌ પ્રથમ એક પહોળા કાચના બાઉલમાં લોટ અને ઘી મિક્સ કરો.બરાબર મિક્સ થાય એટલે 2 મિનિટ માટે માઇક્રોવેવ કરો. હવે બહાર નીકળીને બરાબર મિક્સ કરો . આવી રીતે શેકવામાં ઘી ઓછું જ હોય લોટમાં ખાલી મિક્સ થયેલું હોય તો ચાલે . તમને જરૂર લાગે તો 1 ચમચો ઘી વધુ ઉમેરી શકાય..હવે ફરી થી 1 મિનિટ માટે માઇક્રોવેવ કરવા મુકો અને પછી બહાર નીકાળી બરાબર મિક્સ કરો . આ પ્રોસેસ ચાલુ રાખો જ્યાં સુધી તમારો લોટ શેકાય ના જાય. બધા માઇક્રોવેવ માં અલગ અલગ ટાઈમ લાગે છે.6-8 મિનિટ માં લગભગ બની જ જશે. જો એટલા ટાઇમ માં ના થાય તો વધુ 1 મિનીટ માટે મૂકી શકાય.તમને લોટ નો કલર બદલાયેલો લાગશે અને શેકવાથી સરસ સુંગધ પણ આવશે . હવે આ મિશ્રણ ને ઠંડુ થવા દો .
(રાતે સુતા પહેલા આ બનાવી ને રાખી દો એ સવારે ખાંડ મિક્સ કરી ને લાડુ બનાવી શકાય.)હવે ખાંડનો ભુકો અને ઇલાઈચી પાવડર ઉમેરને બધું બરાબર મિક્સ કરી લો. હાથેથી નાનાં બોલ્સ વાળી લો .
હવે આ મગઝ ના લાડુ ઉપર બદામ, કાજુ કે પિસ્તા મૂકી ને ગાર્નિશ કરો અને કોઈપણ ટાઇમે સર્વ કરો.આ લાડુ 8-10 દિવસ સારા રહે છે.

નોંધ:-

માઇક્રોવેવમાં કાચના બાઉલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો . બને ત્યાં સુધી પ્લાસ્ટિકના બાઉલના વાપરો.
લોટ શેકવા માટે ઘી ઓછું જ ઉપયોગ કરો નહીં તો લાડુ સારા નહીં વળે.
માઇક્રોવેવમાં લોટ શેકતી વખતે દર 1 મિનિટ પછી લોટને બરાબર મિક્સ કરો. એવું કરવાથી બધી બાજુ લોટ સારો શેકાય જશે.

5 મિનિટ પછી જ લોટ થયો છે કે ચેક કરતા જવું. ઓછો લોટ લેશો તો ટાઇમ પણ થોડો ઓછો લાગશે.
250 મિલી ઘી થી પણ ઓછું ઘી લઇ શકાય છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)