અલગ અલગ માનવીઓના જીવનસંઘર્ષને દર્શાવતી આ વાર્તાઓ વાંચો…

૧. હું પણ તને ચાહું છું.. – મીરા જોષી

“અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની… ત્યાંની પરમ શાંતિને હ્રદયમાં ભરીને પરિતૃપ્ત થવાની અદમ્ય ઝંખના હતી મને… આજે એ ઝંખનાની પૂર્તિનો દિવસ છે, અનિરૂદ્ધ. તારા મૈત્રીઋણથી મુક્તિ આપ મને.”

હિમાલયનાં બરફમય શિખરોની પેલીપાર સફેદ ચાદર ઓઢેલી કેડીઓનાં નિર્જન, અલૌકિક વૈભવમાં થીજી ગયેલી ખુશનુમા સવારે ઉર્વશી તેનાં જીવનનો વળાંક કંડારવા આવી હતી.

“ઉર્વશી, પરિવાર, મિત્રો અને મને છોડીને, સંબંધોથી અલિપ્ત રહીને તું તારી મુક્તિનો માર્ગ શોધવા નીકળી છે? શું તને ક્યારેય પ્રેમ અને હૂંફની તલપ નહીં લાગે?”

“આ મુક્તિની શોધમાં મારું અંતર વર્ષોથી ભટકે છે અનિરૂદ્ધ.. હું કોઈ સંબંધોનો છેદ કરીને નથી જતી. દરેક સંબંધને જીવીને, તરબોળ પ્રેમ આપીને હું એક બીજી મલયભૂમિમાં કદમ મૂકવા માંગુ છું. અને પ્રેમ જેવો કોઇ ભાવ મારા

જીવનમાં સ્થાપિત થયો જ નથી.”
“જાણું છું પણ તે બરફમાં થીજેલું ગુલાબ જોયું છે ઉર્વશી? એ હું છું.. હું આજેય તને ચાહું છું.”

“પણ તે કદી કહ્યું કેમ નહીં કે તું મને… અનિરૂદ્ધ, પારિજાતના ફૂલ જેવી કોમળ મિત્રતા તેં નિભાવી જાણી, પણ મને પ્રેમથી અલિપ્ત રાખી?”

“હા, પણ તારી મુક્તિની શોધ આડે મારો પ્રેમ ક્યારેય નહીં આવે.”

“તારા પ્રેમનાં અવલંબનથી, એષણાઓથી દૂર રહી મારે મુક્તિની શોધ કરવાની છે.”
ઉર્વશીએ નિસાસો નાખ્યો, અનિરૂદ્ધની આંખમાં જોઈને કહ્યું, “પણ જે પથ પર જવા માટે હું અત્યાર સુધી આતુર હતી ત્યાં આજે મારા પગ કેમ જડાઈ ગયા છે? જાણે મારા હ્રદયમાં પીડાનું પડ ખુલી ગયું છે. એક નવી જ પીડા… એવું લાગે છે જાણે કંઈક છૂટી રહ્યું છે.”

“ઉર્વશી, તારા હ્રદયનાં ઊંડાણમાં આપણા આટલાં વર્ષોનાં મધુર અનુરાગોનો નવો ઉદય થયો છે.”

“નહીં, એ માર્ગ મને બોલાવે છે. હું પણ તને ચાહું છું, પણ મને તારી ઝંખના નથી. તારી સાથે નિકટતમ આનંદથી સભર જીવનની એષણા નથી મને. હું માત્ર ચાહું છું આપણા સંબંધને, આ પ્રેમની લાગણીને…” ને અનિરૂદ્ધ ઉર્વશીને જતી જોઈ રહ્યો… તેનાં કાનમાં ઉર્વશીનાં શબ્દો ગુંજતા રહ્યા.. “હું પણ તને ચાહું છું”

– મીરા જોષી

૨. એવોર્ડ વિજેતા – મણિલાલ વણકર
“રમેશભાઇ, ઘેર છો ને?”
“હા કોણ? આવો.”
બિપિનભાઈ ટપાલી ઘરની અંદર આવ્યો, એક કવર આપ્યું અને રજિસ્ટરમાં સહી લીધી.
ટપાલીના ગયા પછી તેમણે કવર ખોલ્યું. રાષ્ટ્રપતિ ભવન તરફથી હતું. તેમણે વાંચવાનું શરૂ કર્યુ. વાંચતાં વાંચતાં વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું! એમને અચાનક સાંભર્યુ કે આ..
તેમની આંખો વરસી પડી. તેમણે ફરીથી દરેક વાક્ય વાંચ્યું, સ્વગત બોલ્યા; “આખરે સત્યની જ જીત થઈ.”
તેમણે મન મક્કમ કરીને તે કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યું. બરાબર અગિયારમી તારીખે દિલ્લી પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ હતો. તેમને પોતાના જીવનકાળ દરમિયાન વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધ અને તેમાંય મંગળયાન પ્રોજેક્ટની કામગીરીમાં તેમની ખાસ થિયરી માટે ‘ભારતરત્ન’ એનાયત થવાનો હતો.

તેમના નામની જાહેરાત થઈ. તેઓ ઉભા થઇને સ્ટેજ પર ગયા, અને એવોર્ડ લેવાની સવિનય ના પાડી. રાષ્ટ્રપતિએ આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે રડી પડ્યા.. આખરે સ્વસ્થ થઇને તેઓ બોલ્યા; “આ પ્રોજેક્ટની થિયરી મારી નથી..”

– મણિલાલ જે.વણકર

૩. તુલસીવિવાહ – લીના વછરાજાની

આઈ.સી.યુ. માંથી બહાર આવેલા ડૉક્ટરે માધવને અપડેટ આપ્યા, “હવે કોઇ જોખમ નથી. પેશન્ટને મળવું હોય તો બે મિનિટ મળી શકાશે.”

માધવ બેડ પર નિસ્તેજ થઇને સૂતેલી તુલસીના ગાલ પર હળવેથી ટપલી મારીને બોલ્યો.. “પાગલ, તુલસી દરેક અવતારમાં માધવની જ હોય. શું કામ આટલી ગુનાની લાગણી અનુભવ્યા કરે છે? વાંક મારો જ કે હું મારા વ્યસ્ત બિઝનસ શેડ્યુલમાંથી તને સમય ન ફાળવી શક્યો.”

તુલસીની આંખમાં હવે પસ્તાવા કરતાં ઉપકારનો ભાવ દેખાયો. દસ દિવસ પહેલાં જ બપોરે હંમેશની જેમ એકલી તુલસીના મોબાઇલ પર મેસેજ પ્રગટ્યો.’હાય ગોર્જિયસ, મળવાનું મન છે? ક્યારે?”
હજી તુલસી વાંચે એ પહેલાં બપોરે અચાનક ભૂલાઈ ગયેલી ફાઇલ લેવા ઘરે આવેલા માધવની નજર પડી. તુલસી હક્કા બક્કા.
માધવની વેપારી ધીરજ કામ આવી.. પ્રેમથી પૂછતાં તુલસી વહી ચાલી..
“હું ચોક્કસ તારી ગુનેગાર છું. પણ કારણ કોઇ શારીરિક આકર્ષણ નહીં બલ્કે મારી એકલતા માત્ર છે. સોશિયલ મીડિયાનો આ નેગેટીવ એરુ મને આભડી ગયો.”

માધવ કહે, “આપણું ૧૫ વર્ષનું લગ્નજીવન સુગંધી છે અને આકર્ષણ એ માનવ સ્વભાવ છે. હા એને સંયમ કે પતનના રસ્તે વાળવું એ જ તો આપણી મેચ્યોરીટીની પરિક્ષા છે.”

છતાં ચારેક દિવસ પહેલાં તુલસીને ઊંઘની દવાના ઓવરડોઝ લેવાના કારણસર બેભાનાવસ્થામાં દાખલ કરવામાં આવી.
ડિસ્ચાર્જ થયેલી તુલસીના કપાળ પર માધવે કંકુનો ચાંદલો કરીને કહ્યું.. આજ પુન: તુલસી વિવાહ.. ને મનમાં હસ્યો..

– લીના વછરાજાની

૪. તરસ – ડૉ. નિલય પંડ્યા

સરકારી હૉસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. આજે રાત્રે ફરી પૅથોલૉજી વિભાગમાંથી લોહીનાં સત્તર સૅમ્પલ ગાયબ થયા હતા. આજે સતત ત્રીજો દિવસ હતો કે જ્યારે તપાસ માટે આવેલાં લોહીનાં સૅમ્પલ સવાર થતાં ગાયબ થયા હતાં. અને કમનસીબી એ હતી કે છેલ્લાં એક મહિનાથી પૅથોલૉજી વિભાગમાં મારી જ નાઇટડ્યુટી ચાલતી હતી.
જો કે મારાં પર કોઇ આરોપો ન હતાં. આખીયે હૉસ્પિટલમાં મારું ખૂબ જ માન હતું.

તે દિવસે હૉસ્પિટલમાં ખૂબ જ પૉલીસ તપાસ ચાલી – પણ ન કોઇ સુરાગ કે ન કોઇ કડી. સાંજ પડવા છતાં ચીફ ઈન્સ્પૅક્ટર શર્માને કંઈ તાળો મળતો ન હતો. અંતે એવું નક્કી થયું કે આજે આખી રાત શર્મા પોતે મારી સાથે લૅબોરૅટરીમાં હાજર રહેશે.
રાતનાં બે વાગ્યા. હું અને શર્મા બન્ને સજાગ હતાં. મને તરસ લાગી હતી.
ત્રણ વાગ્યા. મારી તરસ વધતી જતી હતી.

ફરી એક કલાક વીત્યો. ચાર વાગતા જ હવે મારી તરસ હદ વટાવી ગઇ.

ઘડિયાળમાં સાડા ચારનો ટકોરો પડ્યો. એક ખુરશીમાં લોહીથી ખરડાયેલી અને પેટમાં છરો ખૂંપેલી શર્માની લાશ પડી હતી.

બીજી તરફ હું…

– ડૉ. નિલય પંડ્યા

૫. સમાધાન – શીતલ ગઢવી

શું જુએ છે? ..તું આટલો હલકો થઈ જઈશ.. મારી સમજ બહાર છે. મેં જ તને બનાવ્યો.. તું કંઇક અલગ બની ગયો!”
સામે મેં મારી જ જાતને મારી પર ક્રોધ કરતી જોઈ.

“હા.. તો.. ક્યાં સુધી સચ્ચાઈ અને અચ્છાઈની પીપુડી વગાડ્યા કરવી.. સારું કર્યા પછી મળે શું? વાહ વાહ.. એનાથી પેટ ન ભરાય.. સમજ્યો..”
ફોનની રિંગ વાગી.. “અશોક આવતીકાલનું પ્રશ્નપત્ર મળ્યું..”
એણે ફોન મૂક્યો અને કોઈ નબળી પળ આવીને વિચાર બદલી જાય એ પહેલા ચાલતી પકડી.. જો કે છાતીમાં કશુંક બટકી ગયું હતું એ એને ખબર પડી તો ખરી જ!

– શીતલ ગઢવી

૬. નવાં વર્ષની મિઠાઈ – સંજય થોરાત

‘મઠીયા, ચોરાફળી, ચેવડો… અમારા માટે?’ એકસાથે આટલું બધું જોઈને ટિનિયો અને પિંકી રાજી થઈ ગયા.
‘હા, મોહનથાળ, મગસ, કાજુકતરી અને કોપરાપાક પણ છે.’
ઝળહળતી દીવાળીની મઘમઘતી મિઠાઈ જોઈને આખો પરિવાર રાજીનો રેડ હતો.
‘મમ્મી, કેમ આટલી બધી મિઠાઈ?’

‘આજે નવું વર્ષ છે!’

‘પણ… આ બધાંના ટૂકડા કેમ છે?’

‘લે… માંગી ખાનારને તે આખી મિઠાઈ હોતી હશે?’

– સંજય થોરાત

૭. જીન્સ – વિભાવન મહેતા

પપ્પાએ સવાર સવારમાં ગુસ્સામાં ફોન પછાડ્યો, “સાલો મેનેજર, સમજે છે શું એના મનમાં? ઘેર પણ શાંતિથી બેસવા નથી દેતો. કામ સાથે નિસ્બત રાખતો હોય તો?”

એટલામાં વોંશીંગ મશીન પાસેથી મમ્મીનો ગુસ્સાથી લાલચોળ ઘાંટો સંભળાયો, “એય રીતુડી, અહીં આવ, જો આ તારા જીન્સમાંથી શું નીકળ્યું? ગઈકાલના ફીલ્મ શોની ટીકીટના અડધિયા! અમને એમ કે બહેનપણીને ત્યાં વાંચવા જાય છે! હવે તમે જરા ધ્યાન આપો તો સારુ નહીંતર..” ગુસ્સામાં બરાડી મમ્મીએ પપ્પા સામે જોયું.
પપ્પાએ બૂમ મારી, “રીતુઉઉઉઉ..”

મમ્મીએ ફરી ગર્જના કરી, “એને પૂછજો કોની સાથે ગઈ હતી?”

પપ્પા પૂછે એ પહેલાં જ મેં કહી દીધુ, “હું, કલ્પના અને સ્મિતા. તમારી બેંકમાં સુલેખાઆન્ટી છે ને એ અમને પોપકોર્નના કાઉન્ટર પાસે મળ્યા હતા.” પપ્પાના કપાળે પ્રસ્વેદબિંદુઓ મેં ખરેખર જોયા કે મારો ભ્રમ માત્ર…

– વિભાવન મહેતા

૮. હેલ્પ – યામિની પટેલ

બચાવો.. બચાવો.. નાનકડા હાથ રોજની જેમ બારણું ઠોકી રહ્યા હતા. બારણું ખુલ્લું જ હતું. એણે ધીરેથી બારણું ખોલ્યું અને સૂરજના પ્રકાશથી એની આંખો અંજાઈ ગઈ. રાત્રે કદાચ… ના.. ના.. અંકલ આવશે. દારૂની વાસ.. આંખો ખેંચતી એ ટેરેસ પર આવી. બીજું એકમાત્ર બારણું બંધ હતું. એણે નીચે જોયું. રમકડા જેવી ગાડીઓ અને કીડી મંકોડા જેટલા માણસો. પાળી પર ચડી એણે હાથ જોડ્યા, “સુપરમેન હેલ્પ.”
એણે કુદકો માર્યો. એની બહાવરી આંખો સુપરમેનને શોધી રહી. ત્યાં તો એ અટકી. એણે ખુશ થઇ પાછળ ઉપર જોયું. સળિયામાં ભરાયેલું ફ્રોક ફસકાઈ રહ્યું હતું.

– યામિની પટેલ

૯. વાંઝણી – આલોક ચટ્ટ

લગ્નજીવનને બાર વરસ થવા છતાં શરીર બેડોળ થવાની તેમજ બાળકનાં ઉછેરની જવાબદારી માથે પડવાની બીક હોવાથી, પતિ અને સાસુની વારંવાર વિનવણી છતાં ગર્ભ ધારણ કરવાનું ટાળતી આજની મોર્ડન વહુ બરખા કીટીપાર્ટીમાં જવા માટે બહાર નીકળતી હતી,

ત્યાં પડોશમાં રહેતાં માલતી કાકીએ બરાડીને પૂછ્યું. “બરખા, પેલી દસ વરસથી વાંઝણી અનીતાને ત્યાં બાબો આવ્યો તેને જોવા જાઉં છું, તારે આવવું છે?”
બરખાએ નકાર ભણીને કાર પોતાની કીટીપાર્ટીનાં વેન્યુ તરફ હંકારી મૂકી. ઘરની અંદર તેનાં સાસુ આંસુઓ લૂછતાં બહાર આવીને બોલ્યા, “ઉભા રહેજો માલતીબેન હું આવું છું.”

– આલોક ચટ્ટ

૧૦. હેપ્પી બર્થ ડે – સુષમા શેઠ

દસ સળગતી મીણબત્તીઓ પર ફૂંકને બદલે થૂંક વધુ ઊડી. હાથ પકડીને વિકલાંગ દીકરાને મમ્મી-ડેડીએ કેક કપાવડાવી.
“આજે માલો હેપ્પી બડે છે. હું બવ હેપી છું પન માલા બર્થથી તમે નોટ હેપી હને મમ્મી-ડેડી?” ગૂઢ અર્થસભર છ આંખો મળી. અસંતુલિત હાથને પરાણે સ્થિર કરી વિસ્ફારિત નેત્રે ગુડ્ડુએ કેકનો ટુકડો ડેડીના મ્હોંમાં પધરાવ્યો.તેની ડોક એક તરફ ઢળેલી હતી અને ખુલ્લા રહી ગયેલા મુખમાંથી લાળ નીચે ટપકી. ડેડીના હાથમાંથી કેકનો ટુકડો પડી ગયો.

– સુષમા શેઠ

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન ગ્રુપ

દરરોજ આવી અનેક સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી