જીવનની સત્યતા દર્શાવતી આ દસ વાર્તાઓ… વાંચો અને સમજો…

૧. અગ્નિદાહ – ધર્મેશ ગાંધી

રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો.

અહીં રોજ કોઈક ને કોઈક મૃતદેહ લવાતો. મૃત શરીર પર અત્તર છંટાતુ ને એને સુખડના હારથી શણગારાતો. ધાર્મિક વિધિઓ થતી, પછી બધાં સગાં-સ્નેહીઓ વલોપાત કરતાં કરતાં એને અગ્નિદાહ દઇ દેતા!
મૃતદેહને સળગતો મૂકી, કોઇક પોતાના મોબાઇલમાં ડૂબી જતું, કોઇક પત્તા રમવામાં મશગૂલ થતું, કોઇક રાજકારણની ચર્ચાએ ચઢતું, તો કોઇક મરનારના ગુણ-અવગુણનું વિશ્લેષણ કરતું.

દેવ આ બધું અપલક નજરે નિહાળતો રહેતો, અને વિચારતો… “મારી સાથે પણ કંઇક આમ જ બન્યું હશે !”

– ધર્મેશ ગાંધી

૨. પહેલી પાટલીનો પ્રેમ – દિવ્યેશ સોડવડિયા

“પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે.” સવારે અલાર્મ વાગતાની સાથે તારીખ જોઈ દેવ પથારીમાંથી સફાળો ઉભો થતાં મનમાં બોલ્યો. તરત તેણે વોટ્સઅપનું સ્ટેટ્સ બદલ્યું, ‘હેપ્પી બર્થડે…’ પાછળ કેક અને ફુગ્ગાના સિમ્બોલ સેટ કર્યા.

“તેને ગુલાબ બહુ ગમતું એટલે ગુલાબનો પુષ્પગુચ્છ લઈ લઉં, સાથે લાલ ટીલડીઓ તો ખરી જ, મેં પ્રપોઝ કર્યું ત્યારે આસમાની રંગની ઓઢણીમાં કેટલી સરસ લાગતી હતી! એક આસમાની ઓઢણી, અરે… ડાર્ક ચોકલેટ પાછળ તો તે પાગલ! એટલે ડાર્ક ચોકલેટ.” બજાર જતા દેવે મનોમન ખરીદીનું લિસ્ટ તૈયાર કર્યું.
બધું લઇને તે વીજળીની હાઈટેન્શન લાઈનની નીચેની સરસ્વતી સ્કૂલને પંદર વર્ષ પહેલાં મેદાન બનાવેલ હતું તેના ખૂણામાં વર્ષોથી સડતી તેના કલાસની પાટલીઓ પાસે પહોંચી ગયો.

“હેપ્પી બર્થડે… મારી પહેલી પાટલીનો પ્રેમ… મીરા! મને ખબર છે મારો પ્રેમ તો એકતરફી હતો, તે મને કદી પ્રેમ કર્યો જ નહતો. છતાં દર વર્ષની જેમ આજે પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તારી જિંદગી હંમેશા આ ગુલાબની જેમ મહેકતી રહે. બધા તને ખુબ પ્રેમ કરે પરંતુ મારી જેમ તારા જીવનમાં પ્રેમ અધૂરો ક્યારેય ન રહે. હેપ્પી બર્થડે અગેઇન… પહેલી પાટલીનો પ્રેમ.”

જાણે ગિફ્ટ આપતો હોય તેમ એક પછી એક બધું પાટલી પર મૂકી જમીન પર ફસડાઇ પડતાં ધ્રુસકે-ધ્રુસકે રડતા દેવે હંમેશા પહેલી પાટલી પર બેસતી મીરાને કહ્યું.

– દિવ્યેશ વિ. સોડવડીયા

૩. મેરી(!) ક્રિસમસ – પાર્મી દેસાઈ

માધવે ઘરમાં પગ મૂક્યો અને એની પત્ની બરાડી, “તને કી’ધું નહોતું… આજે ઘરમાં એક ફૂટી કોડીય નથી, ભૂખથી રડતા છોકરાં તારી રાહ જોતા જોતા સૂઈ ગયા…”

“…મને યાદ તો હતું, પણ શેઠે આવવા ન દીધો.. ઉપરથી એવુંય કી’ધું કે હજી પાંચ દિવસ આટલું જ મોડુ ઘેર જવાશે.. શું કરું, શાન્તાક્લોઝ ને જોવા લોકો રાત્રે ખાઇ પરવારીને જ નીકળતા હોય!!

– પાર્મી દેસાઈ

૪. સાક્ષાત્કાર – મહાકાન્ત જોશી

સુંદર મુખાકૃતિ, અણિયાળું નાક, લિપસ્ટિક મઢ્યા હોઠ, લાંબી અને જોતાં પરાણેય પ્રેમ જગાડે એવી આંખોવાળી એ મારી નજીક આવીને ઉભી રહી. બસમાં ખાસ્સી ભીડ હતી. મેં મારી સીટમાં એને બેસાડી. નવલી નવોઢા આ બાળકી ક્યાંક જોયાનું યાદ આવ્યું.
મેં આંખો મીંચીને એ યાદને શોધવા માંડી. ત્યાં તો રત્નાભાઇની રમલીનો ચહેરો દેખાયો. હા, એવો જ નાક નકશો અને મોં પણ એના જેવું જ. અને એ રમલીને પણ આટલી ઉંમરે જ પરણાવેલી. પ…ણ..એની પહેલી જ સુવાવડમાં… શું આ પણ… મેં પરાણે આંખો ખોલી નાખી.

– મહાકાન્ત જોશી

૫. ભાઈબંધી – અતુલ ભટ્ટ

તેની માંજરી આંખોમાં તોફાની ચટાપટા ચકળવકળ થતાં હતાં. આગળના બે પગ દબાવી લાલિયાની લીસી પીઠ પર કુદીને હુમલો કરવાને તે તૈયાર બેઠી હતી, ને લાલિયો બિચારો ગરમીથી ત્રસ્ત હાંફતો આકળવિકળ હાલતમાં ભીંજાયેલા શણનાં ટાટિયા પર તેનાં શરીરને અમળાવતો ઉંઘવાની વ્યર્થ કોશિષ કરતો હતો.

મંગુ ડોશીનાં તૂટેલા ઘરનાં આ બે જ વારસદારો…!

ડોશી રોજ પોતાના ઓટલાનાં ખૂણે પથ્થરિયામાં રોટલો ચોળીને થોડું પાણી નાંખે એટલે બેય ચપચપ ઝાપટી જાય. લાલિયો આળસુ તેલાંબી તાણે ને માંજરી કૂદીને ઝાડ નીચે બખોલમાં ભરાઈ જાય. કલબલ કરતાં લેલા અને કાબરને લાગ આવે તો ઝપટ મારીને ઝડપી લે, ને ફફડાટને જડબામાં દબાવી દોડતી દૂર ભરાઈ જાય.

ક્યારેક અધકચરું પારેવું બાકી રાખીને દૂર સરકી જાય, ને લાલિયો આળસ છોડીને માંજરીનુ વધેલું ઝાપટીને ટાઢક કરે.

બન્નેને બાળપણથી મંગુ ડોશીએ સાથે જ ઉછેરેલા… તે બેય રેઢા ય ન પડે. એકબીજાની નજરમાં જ રહે.

પણ ત્રણ દિવસથી ફળિયું ઉદાસ છે. રાત આખી ભસીને સોમાકાકાના ગાડાની નીચે સૂતેલો લાલિયો ઉભો જ ન થયો. સોમાકાકાએ બળદને જોડવા ગાડું સ્હેજ ધક્કે દઈ પાછું કર્યુંતે લાલિયાના પેટ પર પૈડું ફરી વળ્યું.

મંગુડોશીના પથ્થરિયામાં ત્રણ દિવસથી રોટલા સૂકાઈ ગયા છે…. પારેવાય નીચે ચણ ચણવા ઉતરે છે અને ચણીને ઉડી જાય છે. માંજરીની આંખમાં શોકનો કાળો પટ્ટો સાફ વર્તાય છે. મંગુડોશી રોજ સાંજે તુલસીક્યારે દીવો કરે છે. હજીય રાત્રે લાલિયો ભસે છે, દૂર ડાઘિયો ટાંપીને બેઠો છે અને મંગુડોશી રાત આખી જાગે છે.

૬. હીંચકાના બે સળિયા – સંજય ગુંદલાવકર

ભરબપોરે તડકાના તાપમાં બંને આવે, રમતો રમે, ધમાચકડી મચાવે. એમને જોઈ જોઈને હુંય રોમાંચિત થઈ જાઉં. મારા સળિયા ઝણ-ઝણી ઉઠતા. થતું કે ‘હઈઈશા હુઈશ…’ એમને ઝૂલાવ્યા જ કરું…

કેવું કાલુંઘેલું ને મીઠું મધુરું બેય બોલતાં… મને એમ કે બેય જોડીયા બહેનો હશે. પણ ના… નયનાએ લાવેલી ગોળપાપડી ખાધી આથી જયનાને એની મા મારી મારીને તાણી ગઈ હતી ત્યારે ખબર પડી કે પડોશીઓ છે.

એક દિવસે, જયના મારા પાટિયા પરથી સરકી પડી હતી, ત્યારે નયનાએ ભેંકડો તાણ્યો હતો. જયનાના પિતાએ દોડતાં આવીને નયનાને કેમ શાંત પાડી?

ખેર… એમની નિખાલસ દોસ્તી જોઈને મારી આંખોમાં ટાઢક વળતી.

ઓહ… મારું અનુમાન સાચું ઠર્યું. બેયના કટ્ટર વિરોધી પરિવારમાં માત્ર આ બેયનું જ બનતું.

હજીય… ભરબપોરે સંસારના તાપમાં સમયને અવગણીને બંને આવી વાતો કરે, આંસુડાઓ સારે. એમને જોઈ જોઈને હુંય ગદગદ થઈ જાઉં. મારા સળિયા ઝણ-ઝણી ઉઠે. થતું કે ‘એક વાર તો જયનાના પિતાને મળીને પૂછું કે નયનાને ન્યાય ક્યારે મળશે?’ પણ હવે એ સંભવ નથી.

૭. માથાબોળ – મીનાક્ષી વખારિયા

જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી.
“કેમ નહીં અડવાનું દાદી?”
“એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…”

રિયા, પહેલીવાર બહાર બેઠી…
“એક ખુણામાં બેસી રહેજે… ક્યાંય અડતી નહીં, ખાવાપીવાનું ત્યાં જ મળી રહેશે.
“હું હલકી વરણની થઈ ગઈ, સોમીને અડું?”

૮. વિચાર – જીજ્ઞેશ અધ્યારૂ

“વિચારને પણ એક આયુષ્ય હોય છે, તું એને માન નહીં આપે તો એ બીજે ક્યાંક અવતરશે…” ગુરુ અવનીશ શિષ્યોને કહી રહ્યા.

શિખાએ વિચાર્યું, હવે દીક્ષા લઈ જ લેવી જોઈએ, શંકાનો કોઈ છેડો નથી…
મનને વિચાર્યું, આજે શિખાને પૂછી જ લઉં, એ કહે તો આ કંઠીથી છૂટકારો લઈ લઈશ…

અને શરદ વિચારી રહ્યો, આને નવો વિચાર આવે એ પહેલા… આ જ સમય છે, ડોઝ વધારવો પડશે…

અને ત્યારે જ કેટલાક વિચારોનું આયુષ્ય પૂર્ણ થયું.

૯. પડછાયો – રેખા સોલંકી

રાત્રિના અંધારામાં સુમનને ત્રણ પડછાયા દેખાયા. એક ઉંચો જે બંગલાના કોટ બહાર વિસ્તારતો હતો. બીજો અંદરનાં ગ્રાઉન્ડની દિવાલમાં સમેટાઈને ઉભો હતો. ત્રીજો એનાં પગતળેનાં અજવાળામાં છુપાતો બેઠો હતો. સુમન વિચારવા લાગી,”આમાં મારો સાચો પડછાયો કયો?”

પોતાનું ભાષણ પુરું કરતાં એ બોલી,”સુમન, દરેક સ્વતંત્ર સ્ત્રીનાં બે પડછાયા હોય છે. એક ફૂંકની શોધમાં રાખના ઢગલામાં સંતાયેલા અંગારા જેમ ઢબૂરાઈને પડેલા હોય છે.”

તાળીઓના ગડગડાટ સાથે એની તંદ્રા તૂટી. હજારો વિદ્યાર્થીનીઓને સંબોધતી એ કયાંક ખોવાઈ ગઈ હતી. નારી સ્વાતંત્ર્ય પર બોલતાં બોલતાં અચાનક ગળે ડૂમો બાઝી ગયો.

સવાર સવારમાં ઘરમાં થયેલી માનહાનિ યાદ આવી સાથે જ રૂઝતા ઘામાંથી લોહી નીંકળવા લાગ્યું. મેકઅપના થપેડાં નીચે ઢંકાયેલી પાંચ આંગળાની છાપ સ્ત્રી સ્વાતંત્ર્ય પર ધગધગતા અંગારા ચંપાયાની યાદ અપાવી ગઈ. ડિવૉર્સના આખરી નિર્ણય સાથે સ્વતંત્રતા પર મહોર લગાવી અને એ સાથે જ બંગલાની બહાર વિસ્તરેલાં કદાવર પડછાયાએ પગતળે દટાયેલાં ટબૂકડાં પડછાયાને હરાવી દીધો.

૧૦. પરમ આત્મા – સુષમા શેઠ

બા બોલાવવા ગઈ ત્યારે ઓરડામાં મધુર સુવાસ પ્રસરેલી અનુભવી. ગૌતમ ક્યાંય નહતો. બળતા દીવા આગળ મૂકેલો પત્ર વાંચતા બાનાં હાથ ધ્રુજ્યાં,”જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ ચાહું છું….”

બાએ સવારે તેના જન્મદિન નિમિત્તે બનાવેલ લાડુ પીરસતાં આગ્રહ કર્યો ત્યારે આડો હાથ ધરી બોલેલો,”પેટના ખાડામાં પર્યાપ્ત ઈંધણ પૂર્યું, અંતે મળ થવાનું.”

બાની સમક્ષ ભૂતકાળ તરવર્યો. ભણવામાં અત્યંત તેજસ્વી ગૌતમ બે બે ધોરણ કુદાવી જતો. તે સતત વાંચ્યા, લખ્યા કરતો. યુવાવયે પરણી જવાનો આગ્રહ કરતી બાને કહેતો, “શરીર હાડ-માંસ, મળ-મૂત્ર, રક્ત- મજ્જાનું ચર્મ મઢેલ સંગ્રહસ્થાન છે, તેમાં આસક્ત શાને થવું?”પિતાશ્રીના દેહાંત સમયે સૌ રડયા, પરંતુ તેણે અલિપ્ત રહી કહેલું,”પર પદાર્થને, ‘મારું’ માનવું તે અજ્ઞાન. તે જ દુ:ખનું કારણ.”

બા તેને સમજવા, સમજાવવા મથતી ત્યારે કહેતો,”મારી જિંદગીનો એક દિવસ જીવી જો…. મજા આવશે. રૂપિયા કાગળ છે, કંચન ધાતુ છે તેમ, દરેક જીવમાં જાણનાર, અનુભવનાર આત્મા વિવિધ કાયા ધારણ કરે છે.”

બે ચમકતી, તેજસ્વી આંખો પ્રત્યક્ષ નીરખતી હતપ્રભ બાના હાથમાંથી પત્ર પડી ગયો.

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન

તમને કઈ વાર્તા વધુ પસંદ આવી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને દરરોજ અલગ અલગ લેખકોની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી