દસ ટચુકડી વાર્તાઓ, જેમાં છે પ્રેમ, લાગણી, દર્દ અને ઘણુંબધું… વાંચો..

૧. હાશકારો – કિરણ પિયુષ શાહ

ઘર તેમ જ હોસ્પિટલ વચ્ચે તેની જિંદગી યંત્રવત બની ગઈ હતી. સવારથી રાત સુધીની હોસ્પિટલની ડયુટી તેના જીવનનો ભાગ જ જાણે. રોજ જતાં આવતાં કૂતરાને દૂધ બિસ્કીટ આપવા… વરસોથી આ તેનો નિયમ.

એમાંય પતિના એકસીડન્ટ પછી તેની જિંદગી વોર્ડ પુરતી સીમિત બની ગઈ. હા, તેના પતિ છેલ્લા પાંચ વર્ષથી કોમામાં હતા… ધીરે ધીરે ઘરના આશા છોડી દૂર થઈ ગયા…

આજેય નિયમ મુજબ દૂધ બિસ્કીટ આપવા જતી હતી ત્યાં તેને જોઈ હોસ્પિટલની બહાર ઊભેલું કૂતરું જોરથી રડ્યું. એ સાંભળી તેને હાશકારો થયો. ધીમી ચાલ તેજ બની. એ વોર્ડમાં જવા ભાગી!

૨. છુટકારો – જાહ્નવી અંતાણી

“તબિયત સારી નથી?” સવિતાને ધીમેથી પોતું મારતાં જોઈ શેઠાણીએ પૂછ્યું.

“આખું શરીર તૂટે છે.” નીચી નજરે સવિતાએ જવાબ આપ્યો.

“છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું.

“અસ્ત્રીનો અવતાર સીએ બુન. સહન કયરે જ છૂટકો… છેટે થવાના પાંસ દા’ડા મારે મન ભગવાનના આશીર્વાદ સમ સે. મારે મન એ જ છુટકારો.”

શેઠાણી મનોમન એમના ઘરની આધુનિકતાને કોસી રહ્યા.

૩. ત્રેવડ – હિરલ કોટડીયા

“ઋષિ ક્યાં?”

“તું સ્કૂલે લેવા ગઈ હતી!”
“ના, તમે નથી ગયા?”

જવાબ આપવામાં સમય બગડ્યા વિના કે ડ્રાઇવરની રાહ જોયા વિના હું કાર લઈને નીકળી ગયો. “હું તો બિઝનેસ પાર્ટીમાં વ્યસ્ત હતો પણ રીતુને તો યાદ રહેવું જોઈએ ને…” શહેરના અજનબી ટ્રાફિકને જોઈને હું બબડ્યો.

“ડેડ…” ઋષિ મને વળગી પડ્યો… “હવે તમે ઓલા ભિખારી અંકલને એમ નહિ કહેતા કે ત્રેવડ ના હોય તો જણતા શું કામ હશો!”

૪. લાચારી – જલ્પા જૈન

કનુડાની વાત પર આજે ભરોસો બેઠો.

દમનો દર્દી, ખાટલેથી માંડ પાટલે પહોંચે એટલી એની દુનિયા. તે દિવસે દવાખાને જતાં, નજરે જોયું અને સૂર્યો અવાક બની ગયો. “આ જીવલી કોની હારે? આવી લાચારી? બાપડીને મારા લીધે!”

કાળી મજુરી કરવા છતાં, પૈસાના દુકાળે જીવલીને આ રસ્તે ચડાવી. સાંજના બે ચાર કલાકના આ ધંધાએ એનું ગાડું રોળવ્યું. પછી તો બની-ઠનીને નીકળવું હવે રોજનું બની ગયું.

“નજીકના બંગલે ઘર સાચવવા માટે બાઈ રાખવાની છે તે તારું નામ આપ્યું છે…” રાત્રે બેય માણા વાળું કરતાં હતાં ત્યારે સૂર્યાએ વાત માંડી.

“ચામડા ચુંથવા મટ્યા!” જીવલીને શાંતિ થઈ.

“કોણ રહે છે ત્યાં?” જીવલીએ પુછ્યું.

“વીઠ્ઠલ શેઠ…” જવાબ સાંભળતા જ જીવલી ખીલો થઈ ગઈ.

હવે બે ચાર કલાકનું એ બનવું ઠનવું, આખા દિવસે કબ્જે કરી લઈ લીધું.

૫. તૂઈ – નીવારોઝીન રાજકુમાર

“ભાભી, આ દુપટ્ટાની ધાર જરાક ફાટી ગઈ છે. તૂઈ મૂકી આપો ને.”

સંચાનું નાનું પૈડું અવશપણે મોટા પૈડાને અનુસર્યું. પણ એ અટકવાની ક્રિયા દરમિયાન દોરાએ છટકી લીધું અને સોઈએ બટકી લીધું. “ઓહ”, એક સીસકારા સાથે લીલાએ આંગળી મોંઢામાં નાખી દીધી.

સવારે આવેલા એક ફોને લીલાનાં ચિત્તતંત્ર પર અનેક સોઈઓ ઘોંચી દીધી હતી.

“લગન અને તારી હાર્યે? અજાણ્યા જણ હારે હુઈ જાય એનો ભરોહો કેમનો થાય?”

જૂના ઝખમની જેમ એક ઉદાસ સંભારણું ઉપસી આવ્યું. રમેશનાં લગ્ન!


નદી પાછળની ભેખડો, અંગઅંગ પર ફરી વળતા એ મજબુત હાથ, એ આસમાની આંખો અને એ ઉન્માદ! એ નશો બીજા દિવસનાં ત્રીજા પહોર પર રોજેરોજ હાવી થઈ જતો. ખાલી થવા બદલ છલકાઈ જવાતું.

અચાનક લીલાનું વિધુર સાથે લગ્ન, નમાયા નરેશની મા બની પરગામ જવાનો નિર્ણય ઘરનાં તો ઠીક આખા ગામને માટે નવતર હતો.

ઘોડિયામાં થતી હલચલ જોઈ લીલા બોલી ઉઠી,”દીવુબેન, હાંજ્યે લઈ જાજો. મને તૂઈ મેકવાની હારી ફાવટ સે.”

૬. વેર – અનુજ સોલંકી

“અરે બાપ રે! પછી શું થયું પપ્પા?”

“પછી તો જે દિશામાં ગયો ત્યાં મોટા મોટા અવરોધો સામે ભટકાતા રહ્યા, પણ મેં હિંમત ન હારી; દોડધામ ચાલું જ રાખી ને અચાનક….”

“અચાનક શું પપ્પા?” દીકરો અધ્ધર શ્વાસે બોલી ઊઠયો.

“અચાનક… મારી ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું ને એક ચીપિયા જેવા હથિયારે મને પકડી હવામાં ઊંચો કર્યો. પણ ત્યાં એકદમ કોઈ ગર્જના થઈ અને ચીપિયાએ મને હવામાં જ ફંગોળી નીચે નાખ્યો…” મંકોડાએ તેનો એક તૂટેલો પગ બતાવ્યો. “જો, આ એનું જ પરિણામ છે બેટા. માનવની બે ઘડીની રમતમાં મારી આ હાલત થઈ…” ને દીકરાએ બાપનું વેર વાળવા પોતાનાં આગળના ચીપિયા જેવા ડંખનો ટંકાર કર્યો.

૭. નવી સવાર -ઝીલ ગઢવી

હું આજે પથારીમાંથી ઉઠતાવેંત ખુશ હતો.

“અરે વાહ… આજે તો કૈંક અલગ જ મૂડ… મારા નામની બૂમો પણ નહિ…” પત્નીએ મારો બદલાવ પકડ્યો.

“ભાગ્યવાન… આગળ હજુ વધુ ખુશીઓ આવવાની છે.”

મેં મારું નિયમિત કાર્ય પતાવ્યું. ઓફીસે વિદાય આપવા એ ઘરના ઓટલા સુધી આવી.

“આ શું… બધા ઘર એક સરખા!” એ અવાચક થઈ જોતી રહી.

* * *
“ટીંગ… ટોંગ…”

જેવું બારણું ખુલ્યું કે ત્યાં પણ અજાયબી. અમારા ઘર જેવી જ વસ્તુઓ! પાડોશીબેને સ્મિત સાથે આવકારી.
“હું એ પૂછવા આવી હતી કે તમારા ઘરે ટીવી કે રેડિયો પર પ્રોગ્રામ આવી રહ્યા છે?” એમણે જવાબમાં ના ભણી. આખો દિવસ વિચારતી બેસી રહી.


“અરે… તમે આવ્યા… કંઈ સમજાતું નથી… ના પંખીઓનો કલરવ કે પછી કોઈપણ અવાજ…”

મેં એને રાતનાં સપનામાં પ્રભુ પાસે માંગેલ વરદાનની વાત કરી.

“આવું તો મંગાતું હશે…? આજે રાતના પ્રભુને કહેજો પહેલાં જેવું કરી આપે… નહીંતર કાયમી અબોલા!”

ઘડિયાળમાં દસ વાગી ગયા હતા. સૂરજ આથમવાનું નામ નહોતો લેતો.

હું આકાશમાં જોઈ બોલ્યો,”હવે રાત પણ નહિ પડે.”

૮. ગલી ક્રિકેટ – વિભાવન મહેતા

પોળની વચ્ચોવચ્ચ આવેલા નાના ચોકઠામાં ક્રિકેટ રમતાં કિશોરે બેટ વીંઝ્યું અને ‘જોરદાર શોટની બૂમો વચ્ચે, ત્યાંથી પસાર થતા જીતુભાઈના લમણામાં બોલ વાગ્યો અને એ તમ્મર ખાઈને નીચે પડી ગયા.

રમત અધવચાળે અટકી ગઈ, આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા અને જીતુભાઈને ઉંચકી વચલી શેરીમાં એમના ઘરે લાવી પરસાળમાં સુવાડ્યા.

જીતુભાઈના કપાળે ખાસ્સું મોટું ઢીમડું ઉપસી આવ્યું હતું. કોઈએ ફ્રીજમાંથી બરફ કાઢી લગાડ્યો તો કોઈ મલમ લઈ આવ્યું. થોડીવારે એમને સ્હેજ આરામ જેવું લાગતા સૌ વિખરાયા.

બળતી બપોરે શેરી સ્હેજ શાંત થઈ ત્યાં સાંકળ ખખડી, જીતુભાઈ બારણે ઉભેલી વિમળાને જોતાં જ રહી ગયા. તેમની આંખો હર્ષથી પહોળી થઈ ગઈ. વિમળાના ચહેરા પર ભારોભાર સાંત્વના હતી.

“બહુ વાગ્યુ તો નથીને? હવે કેમ છે? ખાસ્સુ મોટું ઢીમડું થયું છે ને?” વિમળા એકી શ્વાસે બોલી ગઈ.

અચાનક સણકો ઉપડતાં જીતુભાઈથી ઉંહકારો નંખાઈ ગયો. વિમળા દોડતીકને ફ્રીજમાંથી બરફ લઈ આવી અને જીતુભાઈના કપાળે ઘસવા લાગી.

પીગળતા બરફના રેલા ભેગા થોડા આંસુ પણ હતા તે વિમળાની નજરથી છાનું ન રહ્યું.

બીજે દિવસે જોગાનુજોગ જીતુભાઈ ફરી ચોકઠામાંથી નીકળ્યા ત્યારે કિશોરની જ બેટીંગ ચાલતી હતી. તેઓ બેટ લઈને ઉભેલા કિશોર તરફ આગળ વધ્યા. સૌ એના ધીબેડાઈ જવાની રાહ જોતા ઉભા રહ્યા. કિશોરની નજીક પહોંચી જીતુભાઈએ તેને ઉંચકી લીધો અને તેના કપાળને બચીઓથી ભરી દીધું.

૯. શહીદ – રાજુલ ભાનુશાલી

એ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો પણ જાજરૂ સુધી પહોંચે એ પહેલા જ એનું પેટ છૂટી ગયું.
“સીમમાં જ પડ્યા રે’તા હો તો… જ્યાં આવે બેહી પડવાનું,” પુત્રવધુ તિરસ્કૃત સ્વરે બોલી.
યુદ્ધકૈદી તરીકે દર બીજે દિવસે મીઠુંમરચું ભભરાવેલો બામ્બુ ગુદામાં દાખલ કરવામાં આવતો ત્યારે નહોતી થઈ એટલી પીડા એને આ શબ્દોથી થઈ.
કાશ પોતે શહીદ…

૧૦. કોમ્પ્રોમાઇઝ – નિમિષ વોરા

“માત્ર ટેલેન્ટથી કશું નહીં થાય… કોમ્પ્રોમાઈઝ કરશે?” લોલુપ નજર બોલી રહી.

“જી, ટોચ પર પહોંચવા કાંઈ પણ…”

“ઠીક છે… બાજુના રૂમમાં જા, આવું છું…”
ફૂલ્લી એસી રૂમ વચ્ચે વિશાળ હ્રદય આકાર ધરાવતું ડબલબેડ. તે ડબલબેડ પર બેઠી… ત્યાં જ દરવાજાના મિજાગરાનો અવાજ આવતાં એના શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઈ. બધું ઈશ્વર પર મૂકી એણે આંખો મીંચી દીધી અને જાતને સમર્પિત કરી.

માત્ર બે જ વર્ષોમાં તેનું નામ ‘ટોચ’ પર આવી ગયું અને એટલું જ નહીં બીજા પાંચ વર્ષે તે ખુદ ફિમેલ ડીરેક્ટર થઈ ગઈ!
આજે તેની પહેલી ફિલ્મ માટેનું ઓડિશન હતું. સહુથી બેસ્ટ લાગેલા મોડેલને પોતાની પ્રાઇવેટ કેબિનમાં બોલાવી પૂછ્યું, “માત્ર ટેલેન્ટથી કશું નહીં થાય… કોમ્પ્રોમાઈઝ કરશે?”

સૌજન્ય : સર્જન માઈક્રોફિક્શન

તમને કઈ વાર્તા વધુ પસંદ આવી કોમેન્ટમાં જરૂર જણાવશો… અને દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી