“મેથીના લાડવા” – શિયાળો ચાલી રહ્યો છે તો બનાવો અને હેલ્ધી રહો..

“મેથીના લાડવા”

જરૂરી સામગ્રી:

1) ૧૦૦ ગ્રામ મેથી નો લોટ,
2) ૧૦૦ ગ્રામ ઘઉં નો કકરો લોટ,
3) ૩૫૦ ગ્રામ ગોળ,
4) ૧૫૦ ગ્રામ દળેલી સાકર,
5) ૩૦૦ ગ્રામ દેશી ઘી,
6) ૨૦ ગ્રામ સુંઠ પાવડર,
7) ૧૦ ગ્રામ ગંઠોડા પાવડર,
8) ૫૦ ગ્રામ સુકું છીણેલું ટોપરું,
9) ૫૦ ગ્રામ બાવળ નો ગુંદર,
10) ૧/૨ ચમચી સફેદ મુસળી નો પાવડર,
11) ૧/૨ ચમચી ખસખસ,
12) ૫૦ ગ્રામ કાજુ અને બદામ,
13) ૧ ચમચી સુકી દ્રાક્ષ,

આજે આપણે બનાવીશું શિયાળા માટે એક વસાણું, મેથી ના લાડવા. આ વસાણું શિયાળા માં કોઈપણ જાત ના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે અને આમાં સાથે આપણે મુસળી અને ડ્રાયફ્રુટ પણ ઉમેર્યા છે જે પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ.

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા એક નોન સ્ટીક ની કે જાડા તળિયા વળી કડાઈ માં થોડું ઘી ગરમ કરવા માટે મુકો


2) ઘી ગરમ થાય એટલે ઘઉં નો કકરો લોટ તેમાં શેકી લેવો તેને બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકવાનો છે


3) લોટ શેકાઈ જાય એટલે તેમાં ગુંદર નો પાવડર ઉમેરો જેથી ગુંદર પણ થોડો શેકાઈ જાય


4) હવે એમાં છીણેલું સુકું ટોપરું અને સુકી દ્રાક્ષ ઉમેરી મિક્ષ કરી લઈશું અને ગેસ બંધ કરી ને આને ઠંડુ થવા દો


5) હવે કડાઈ માં બાકી નું ઘી અને ગોળ મિક્ષ કરી ગરમ કરવા મુકીશું, ગોળ નો પાયો નથી કરવાનો ફક્ત ગોળ અને ઘી ને ગરમ કરી ને સરસ મિક્ષ કરવાનું છે


6) હવે જે વાસણ માં શેકેલો લોટ આપણે રાખ્યો હતો એમાં જ ગોળ અને ઘી નું મિશ્રણ ઉમેરી દો અને એને ૪-૫ મિનીટ સતત હલાવતા રહો


7) હવે એમાં સમારેલા કાજુ અને બદામ ઉમેરીશું


8) હવે એમાં મુસળી નો પાવડર, ખસખસ અને સુંઠ, ગંઠોડા નો પાવડર ઉમેરીશું


9) હવે આ મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે તેમાં મેથી નો લોટ ઉમેરીશું


10) મેથી સરસ રીતે મિક્ષ થઇ જાય એ પછી તેમાં દળેલી સાકર થોડી થોડી મિક્ષ કરતા જઈશું


11) હવે એમાંથી લાડુ બનાવીશું, જો આ મિશ્રણ તમને ડ્રાય લાગે તો આ સમયે થોડું ગરમ ઘી ઉમેરી લાડુ બનાવી શકો છો


12) લાડુ ને તમે ડબ્બા માં ભરીને ૧ મહિના સુધી ઉપયોગ માં લઇ શકો છો

નોંધ :

ઘી બને ત્યાં સુધી ગાય નું કે ઘર નું બનાવેલું ઉપયોગ કરશો તો લાડુ નો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. ગોળ ને સમારીને કે ઝીણો ભૂકો કરી ને લેવો જેથી તે ઘી ની સાથે સરસ એકરસ થઇ જાય અને કોઈ કની ના રહે, તમે ઈચ્છો તો આ લાડુ એકલા ગોળ કે એકલી સાકર લઇ ને પણ બનાવી શકો છો,મેથી નો લોટ વધારે ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય .

સૌજન્ય : શ્રીજી ફૂડ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી