શિયાળો ચાલે છે અને તમે હજી સુધી નથી બનાવ્યા આ લાડુ તો પછી આજે બનાવો અને ઘરમાં બધાને આપો..

મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે ખાસ કરીને સ્ત્રીઓ માટે. પણ મેથી કડવી હોવાથી આપણે તેને હંમેશા ટાળીએ છીએ પણ જો મેથીના લાડુ મળી જાય તો હોંશે હોંશે ખાઈએ છીએ અને આપણે સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવીએ છીએ. માટે જ તો મેથીના લાડુનો સમાવેશ મીઠાઈમાં નહીં પણ ઔષધિમાં કરવામાં આવ્યો છે. તો પછી ઘરે જ બનાવો મેથીના લાડુ. આ રહી તેની રેસીપી…

સામગ્રી:

100 ગ્રામ મેથીના દાણા,
½ લીટર દૂધ,
250 ગ્રામ શુદ્ધ ઘી,
100 ગ્રામ ગુંદર (ખાવાનો ગુંદર),
300 ગ્રામ ઘઉંનો લોટ,
300 ગ્રામ ગોળ/ખાંડ ,
8-10 કાળા મરી,
2 ટી સ્પૂન સૂંઠનો પાઉડર,
2 ટીસ્પૂન જીરા પાઉડર,
30-35 નંગ બદામ.,
2 નંગ જાયફળ,
4 નંગ તજ,

રીતઃ

– સૌ પ્રથમ મેથીને સરસ રીતે સાફ કરી લો. ત્યાર બાદ મેથીને મિક્સરમાં અધકચરી વાટી લેવી.

– એક તરફ દૂધ ગરમ કરવા મૂકી દેવું. દૂધનો એક ઉભરો આવી જાય એટલે ગેસ બંધ કરી દેવો.

– અધકચરી વાટેલી મેથીને દૂધમાં 8-10 કલાક માટે પલાળી રાખો.

– એક પેનમાં ½ કપ ઘી લેવું, તેમાં દૂધમાં પલાળેલી મથી નાખવી. ધીમી થી મધ્યમ ફ્લેમ પર તેને શેકાવા દેવું. મેથી હળવી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકવી. તેમાંથી ધીમે ધીમે મેથીની સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકતા રહેવી. તે બરાબર શેકાય જાય એટલે તેને એક થાળીમાં કાઢી લો.

– હવે બાકીનું ઘી પેનમાં નાખી તેને ગરમ કરવા મુકી દો. તેમાં ગુંદરને તળી નાખો અને તે ગુંદરને બીજી પ્લેટમાં કાઢી લેવો. ગુંદરને હંમેશા ધીમા તાપે જ તળવો જોઈએ. હવે પેનમાં બચેલા ઘીમાં ઘઉંનો લોટ નાખી તેને શેકો, તેને હળવો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો અને શેકાઈ જાય એટલે તેને પણ બીજી પ્લેટમાં કાઢી લેવું.

– હવે પેનમાં એક ચમચી ઘી નાખી તેમાં બધો ગોળ નાખી દેવો. ધીમા તાપે ગોળને ઓગાળી નાખો અને તેની ચાસણી બનાવો. ગોળની ચાસણીમાં જીરુનો પાવડર, સૂંઠનો પાવડર, કાળા મરી, તજ, જાયફળ, ઇલાયચી અને સમારેલી બદામ નાખી બધું બરાબર મિક્સ કરી લો.

– હવે શેકેલો લોટ, ગુંદર, શેકેલી મેથી બધું એક વાસણમાં લઈ હાથેથી બરાબર મિક્સ કરી લો.

– હવે તેમાં ગોળવાળુ મિશ્રણ નાખી બધી જ વસ્તુઓને હાથ વડે બરાબર મિક્સ કરી હળવા હાથે તેના લાડુ બનાવો. તેને થોડા કલાક માટે ખુલ્લી હવામાં મુકી રાખી. આમ કરવાથી લાડુ ટુટી નહીં જાય.
તૈયાર છે તમારા મેથીના લાડુ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી અને હેલ્થી રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી