ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ મેથીના મુઠીયા, રેસીપી જોઇને ટ્રાય કરો

મેથીના મુઠીયા

જો ખાવામાં મુઠીયા પોચા ન થાય તો મુઠીયા ખાવાનો મૂળ મરી જતો હોય છે… તો આજે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ મેથીના મુઠીયા બનાવીશું… જે લગભગ બધા ગુજરાતીઓને ભાવતા જ હોય છે…આ મેથીના બાફેલા મુઠીયાને રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે…
અને તેમાં પણ સાથે ચા મળી જાય એટલે મોજે મોજ થઈ જાય…

આ મુઠીયાને રાતે જમવામાં, બાળકો કે મોટાઓને ટિફિનમાં, મુસાફરીમાં, શ્રાવણ મહિનામાં શીતળા સાતમનો તહેવાર સ્ત્રીઓ રહેતી હોય ત્યારે ઠન્ડુ જમતી હોય ત્યારે આ મેથીના મુઠીયા ઘણા ઉપયોગી બને છે….

 સામગ્રી:

2 વાટકી ઘઉંનો લોટ,
1/2 વાટકી બાજરીનો લોટ,
1/2 વાટકી ચણાનો લોટ,
સમારેલી મેથી,
2 લીલા મરચા+આદુનો ટુકડો પેસ્ટ,
1.25 વાટકી દેશી ગોળ,
3 ચમચી ધાણાજીરું,
2 ચમચી હળદર,
3 ચમચી લાલ મરચું,
1 ચમચી ગરમ મસાલો,
મીઠું,
ચપટી ખાવાના સોડા,
2.5 ચમચા તેલ,
2 ચમચા તેલ + તલ + રાય+ લીમડાના પાન +સૂકા લાલ મરચા,કોથમીર
કોપરાનું ખમણ,

રીત:

– સૌ પ્રથમ એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ, બાજરીનો, ચણાનો લોટ, મસાલા, મીઠું, તેલ, સોડા, લીલા મરચાની પેસ્ટ અને ગરમ મસાલો લઇ મિક્સ કરવું.

– એક બાઉલમા મેથી ધોઈને નિતારીને લેવી, તેમા ગોળ ઉમેરી બરાબર હલાવી લેવું.મેથી ધોયેલી હોવાથી ગોળ જલ્દીથી ઓગળીને મિક્સ થઇ જાય…

– પછી લોટવાળા મિક્ષણમાં ગોળ અને મેથીનું મિક્ષણ ઉમેરી મિક્ષ કરી જરૂર પડે તેમ પાણી લઇ મૂઠિયાં વળે તેવું ન કઠણ ન ઢીલું એવો લોટ તૈયાર કરવો.

પછી મુઠીયા વાળી ચારણીમા મુકતા જવા.

– ઢોકલીયા કે તપેલામાં પાણી ઉકળે એટલે કાંઠલા પર મૂઠિયાં ભરેલ ચારણી મૂકી ઢાંકી દઈ, મુઠીયાને અડધી- પોણી કલાક મીડીયમ તાપે ચડવા દેવા.

પછી થોડાક ઠંડા થાય એટલે કટ કરી લેવા.

– એક વાસણમાં તેલ લઇ તેમાં રાય, લીમડાના પાન, સૂકા લાલ મરચા, તલ ઉમેરી વઘાર કરી મુઠીયાના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી ગાર્નિશ કરવું.

– તો તૈયાર છે મેથીના મુઠીયા.

નોંધ:

– તમે મેથી જોડે પાલક કે ગાજરનું છીણ કે દૂધીનું છીણ ઉમેરી શકો છો….
– દેશી ગોળ ઘરમાં અવેલેબલ ન હોય તો રેગ્યુલર ગોળ હોય તે પણ ઉમેરી શકો છો…
– તમે લસણીયા મેથીના મુઠીયા પણ બનાવી શકો છો તે પણ સ્વાદે બહુજ તેસી બને છે…

મેથીના મુઠીયા બનાવવા વિડીયો જુઓ :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી