મેન્ટાલિટી – આજથી તારું જે પોતાનું ઘર હતું એ હવે “મમ્મી નું ઘર” છે.

લગ્ન બાદ દરેક છોકરીને કહેવામાં આવે છે કે, આજ પછી તારું સાસરું જ તારું ‘ઘર’ છે તથા આ જ માં-બાપ છે. આજથી તારું જે પોતાનું ઘર હતું એ હવે “મમ્મી નું ઘર” છે. તારી priority તારું સાસરું છે.

અને જયારે એ છોકરી પ્રેગ્નેન્ટ થાય છે ત્યારે ડિલિવરી માટે ‘મમ્મીના ઘરે’ જાય છે. ત્યાં મમ્મી એની રાત-દિવસ કાળજી રાખે છે. જે ખાવું હોય તે બનાવી આપે છે અને ડિલિવરી પછી પણ માં એની છોકરી અને એની દીકરી/દીકરા મતલબ આવનાર સંતાનની પણ દીલથી કાળજી રાખવે છે. તેને પૂરેપૂરો આરામ આપે છે. એટલું જ નહીં, ઘરમાં નાના બાળકને રમાડવા, આવનાર મહેમાનની પણ દિલથી આગતા-સ્વાગતા કરે છે.

પણ, જયારે બાળક રમાડવા લાયક થાય છે અને એને હાથમાં ઉંચકીને રમાડવાનો સમય આવે ત્યારે છોકરી ‘મમ્મીનું ઘર’ છોડી પાછી સાસરે જતી રહે છે. જયારે છોકરીને જરૂર હોય છે ત્યારે ‘માં’ નિઃસ્વાર્થ ભાવે એની આગળ-પાછળ રહે છે.

અને જ્યારે એ જ માં સમય જતાં કોઈ શારીરિક તકલીફમાં હોય અને માંદી પડે છે. ત્યારે એ છોકરી એ પોતાની ‘માં’ પાસે જવા માટે અને એની સેવા કરવા માટે કેટલા લોકોની પરવાનગી લેવી પડે છે અને જવાબદારી અને સમાજના સવાલોથી બંધાયેલી છોકરી માં પાસે જતાં પહેલાં કેટલું વિચારે છે.

તો જયારે છોકરી પ્રેગ્નેન્ટ હોય છે અને એને સહારાની જરૂર હોય છે ત્યારે કેમ ‘સાસરું’ જ પોતાનું ઘર માને છે. એ લોકો એને ‘મમ્મી ના ઘરે’ મોકલે છે.

અને ધારો કે, છોકરી મમ્મીને ત્યાં હકથી જઇ શકતી હોય અને સાસરાં વાળા હકથી છોકરીને delivery કરવા ‘મમ્મીના ઘરે’ “પોતાના ઘરે” જો મોકલી શકતા હોય તો જ્યારે ‘માં’ માંદી હોય છે ત્યારે એની છોકરીને એની ‘માં’ પાસે મોકલાવતા કેમ ખચકાય છે !!!

આ એક આપણાં સમાજ નો મોટો પ્રશ્ન છે. આપ શું માનો છો ?

લેખક : ડો કૃતિ આમ્રીવાલા ચંદારાણા

ટીપ્પણી