મેનોપોઝ – સ્ત્રીના અંગત વિશ્વનું એક અણવાંચ્યુ પાનું….તમે વાંચ્યું ????

સ્વભાવથી લઈને દેખાવ, વર્તણૂકની દ્રષ્ટિએ અને સાથે જ શરિરની દ્રષ્ટિએ પણ સ્ત્રી હંમેશા સમાજ માટે અને દુનિયા માટે એક કૂતુહલ સમી રહી છે. અનેક વિદ્વાનોથી લઈને રસ્તે ચાલતા સામાન્ય જન સુધીના તમામ લોકો વર્ષોથી કહેતાં રહ્યા છે કે ‘સ્ત્રી સમજવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે.’ જ્યારે જ્યારે આપણાં કાને આ વાક્ય સંભળાય ત્યારે એક જ વાત કહેવાની ઈચ્છા થઈ આવે કે, ભલા માણસ તમારે એને સમજવાની પડોજણમાં શા માટે પડવું છે. માત્ર તેને ચાહવાનો પ્રયત્ન કરો, પ્રેમ આપવાનો પ્રયત્ન કરો એટલું જ પુરતું છે. તેના પ્રત્યેની સમજણ આપો-આપ કેળવાતી જશે.

સ્ત્રી નામનું આ ગૂઢ રહસ્ય આપો-આપ તમારી સામે ખૂલતું જશે, સમજાતુ જશે. સ્ત્રીના શરિરમાં કિશોરાવસ્થાની સાથે સાથે આવતા એક અતિમહત્વના બદલાવ એટલે કે મેન્સ્ટ્રલ સાયકલ વિશે કેટલીક વાતો આ જ લેખકે થોડાં સમય પહેલાં આપની સાથે કરી હતી. જબરદસ્ત પ્રતિભાવ તે આર્ટિકલને સાંપડ્યા બાદ કેટલીક સ્ત્રી વાચક મિત્રો તરફથી બીજી એક ફરમાઈશ આવી કે, ક્યારેક મેનોપોઝ વિશે પણ કંઈક લખો.

નતમસ્તક તેમની આ ઈચ્છાને સ્વીકારી લેતાં મારી વિવેકબુધ્ધિ અનુસાર જે કંઈ મારી સમજણ આ વિશે મારી પાસે લખાવી રહી છે તે આપની સાથે વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

મેનોપોઝની ઉંમર કે તે અવસ્થા ક્યારેય એકલી આવતી નથી એમ કહું તો કદાચ ખોટું નથી. તે અનેક અલગ અલગ લાગણીઓ પોતાની સાથે લઈને આવે છે, એમ કહું કે અનેક માનસિક અને શારિરીક પરિસ્થિતિઓનો સમૂહ એટલે મેનોપોઝ. સાદી ભાષામાં એમ કહીશ કે જે સ્ત્રીએ આજીવન તમારા ટીફિનના સમયનું, તમારી સ્કૂલબેગનું, તમારા ટાઈમ ટેબલથી લઈને સ્કૂલે મૂકવા લેવા જવા સુધીનું, તમને શું ભાવે છે, શું નથી ભાવતું, તમને શું ગમે છે શું નથી ગમતું એ બધી જ બાબતોથી લઈને તમારી ગર્લફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે મુવી જોવા જવા દેવા માટે પપ્પાને મનાવવાથી લઈને શોપિંગ અને પોકેટ મની સુધીની અનેક પ્રકારની નાની નાની બાબતોની જેણે તકેદારી રાખી છે તે સ્ત્રી આ સમય કે આ ઉંમર દરમિયાન જિંદગીના એવા સ્ટેજ પર પહોંચી જાય છે જ્યાં તમારે તેણે રાખ્યું હતું એટલું પણ નહીં પરંતુ માત્ર તેના દસમા ભાગ જેટલું તેનું ધ્યાન રાખવું પડે અથવા તેને સાચવી લેવી પડે એવી પરિસ્થિતિ એટલે મેનોપોઝ.

પરંતુ, મજાની વાત એ છે કે માત્ર એક બર્થ ડે કે એનિવર્સરી જેવી નાની બાબત ભૂલી ગયા હોઈએ તો ફરિયાદો કરી કરીને આખુંય ઘર માથે લેતી કેટલીય સ્ત્રીઓ આ મેનોપોઝ જેવા આટલા મોટા પોતાના શારિરીક બદલાવ વિશે મહદાંશે દુરલક્ષ્ય સેવે છે. કહો કે ધ્યાન સુધ્ધા નથી આપતી. જેની પાછળનું કદાચ એ કારણ એ છે કે, તેની સાથે સંકળાયેલી બીજી વ્યક્તિઓ અને તેમની લાગણી કે કામો પ્રત્યે ધ્યાન આપવામાં તે એટલી ઓતપ્રોત થઈ ગઈ હોય છે કે પોતાનામાં આવી રહેલા આ શારિરીક બદલાવ બાબત તે પોતે તો ધ્યાન નથી જ આપતી કોઈ બીજા પણ તે બાબત ખાસ ધ્યાન આપે કે મહત્વ આપે તેવી તેની સભાનપણે ઈચ્છા નથી હોતી.

મૂડ સ્વિંગ, ડિપ્રેશન, ચિડીયાપણું, નાની નાની વાતમાં ઓછું આવી જવું કે ઝઘડો કરી બેસવું, કોઈ નાની બાબતમાં પતિ પર શક કરવો જેવી અનેક લાગણીઓની સાથે જ આ શારિરીક બદલાવ સ્ત્રીને શારિરીક રીતે જેટલો અસર કરે છે તેના ક્યાંય વિશેષ તેના મન પર અસર કરતો હોય છે.

સ્ત્રીના શરિરમાં રહેલાં ગર્ભાશયમાં આજ સુધી દર મહિને જે ઈંડાઓનું સર્જન થતું હતું અને પુરુષના શુક્રાણુઓ નહીં મળવાને કારણે તે ઈંડા ફલિત નહીં થઈ શકતા એક બિનજરૂરી બગાડ સ્વરૂપ ધારણ કરતાં હતાં અને સ્ત્રીનું ગર્ભાશય અને શરિર તે બગાડને દરમહિને પોતાનાથી દૂર કરતી રહી હતી જેને આપણે મેન્સ્ટ્રલ સાયકલ કહીએ છીએ તે હવેથી બંધ થઈ જશે. મતલબ કે, કુદરત એવો ઈશારો કરી રહી છે કે હવે આ સ્ત્રીનું શરિર કોઈ બીજા જીવને જન્મ આપવા જેટલું પ્રેશર સહન કરી શકે તેમ નથી અને આથી હું તેના શરિરમાં દરમહિને બનતા ઈંડાવાળી પ્રોસેસ બંધ કરું છું.

ગર્ભાશયમાં સર્જાતો બગાડ બંધ અને તેને કારણે મેન્સ્ટ્રલ સાયકલ પણ બંધ. પરંતુ આ આપણે જેટલી સરળ ભાષામાં કહી શક્યા એટલું જ સરળ જો હોત તો વાત કંઈ ઓર હતી. દરઅસલ વાત કંઈક એવી છે કે, જે રીતે તમે ભણતા હોવ ત્યારે પરિક્ષાઓ આવે તો તે માટે તમારે પહેલેથી વાંચવુ પડે, તૈયારીઓ કરવી પડે, બદામ ખાવી પડે, રાતના ઉજાગરા કરી ચોપડાઓ ઉથલાવવા પડે. આખેઆખો સિલેબસ નહીં તો પણ જરૂરી લાગે એટલું તો જાણી સમજી લઈને કદાચ ગોખી પણ મારવું પડે.

તો હવે આ બધી જ બાબત માટે આપણે એમ કહી શકીએ કે પરિક્ષાઓની તૈયારી કરી. તે જ રીતે એક જીવ જ્યારે તેની અંદર કોઈ બીજા જીવને પોશવાની, તેને જન્મ આપવાની તૈયારી કરી રહ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે તેનું શરિર તે માટે જરૂરી હોય તેવી બધી જ તૈયારીઓ કરતું રહે. તેનું દિમાગ જરૂરી વિટામીન્સ વધુ બનાવવા માંડે, તેના પગ તે વધનારા પેટનું વજન ઊપાડી શકે તે માટે મજબૂતી મેળવવા માંડે, તેનું પેટ ગર્ભાશયને વધવાની જગ્યા મળે તે પ્રમાણે સંકોચાવાની તૈયારી કરવા માંડે, તે સ્ત્રીના દિમાગને અગર લાગે કે તેના માલિકનામાં વિટામીન સી ઓછું છે તો તે વિટામીન સી વધુ બનાવવા માંડવાની પ્રોસેસ શરૂ કરી દેશે. ટૂંકમાં મેન્સ્ટ્રલ સાયકલ નજીક આવે એટલે આ પ્રમાણે તે સ્ત્રીનું શરિર અને દિમાગ પોતાનું કામ શરૂ કરી દેશે. જેને રૂટિનની ભાષામાં આપણે હોર્મોનલ બેલેન્સીંગ કહીએ છીએ.

હવે મારું માનવું છે કે મેનોપોઝની પરિસ્થિતિ દરમિયાન આ જ હોર્મોનલ બેલેન્સીંગવાળો મામલો ગરબડ કરતો હશે. એ કઈ રીતે? તો એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. એક સ્ત્રીનું શરિર જ્યારે કોઈ બાળકને જન્મ આપવાનો એટલે કે નવા ઈંડા બનવાનો સમય થયો છે એમ ખબર પડે ત્યારે તે પ્રમાણેની તૈયારીઓ કરવા માંડે છે. મતલબ કે, તેનું દિમાગ લાગણી નામની ફિલીંગનું ઉત્પાદન વધારી દેશે, કરૂણા નામનું કેમિકલ વધુ બહાર ફેંકવા માંડશે, કાળજી નામનો પ્રીકોશન કોડ બનાવવા માંડશે. હવે મેનોપોઝની ઉમંર આવતાની સાથે જ ઈંડાઓ બનતા તો બંધ થઈ જશે પરંતુ તેનું દિમાગ હજી એ વાતથી અજાણ છે કે અમારે હવે આ બધાં કેમિકલ બનાવવા બંધ કરવાના છે અથવા ઓછા કરવાના છે.

તે તો તેની રીતે બનાવતાં જ રહેશે. તો પછી થશે શું? એ વધારાની લાગણી, કરૂણા કે કાળજી જેવી તૈયાર થયેલી ફાઈલો શરિરમાં ઓગળી નહીં જતાં બહાર આવવા માંડે છે. જેને કારણે સ્ત્રી ઘણીવાર અણધાર્યુ વર્તન કરવા માંડે છે અથવા જરૂર વિનાનું વિચારવા માંડે છે. હવે આ સમય દરમિયાન તમે તેના દિમાગમાં ઘૂસી જઈ ઉત્પાદન અટકાવી શકો એમ છો નહીં. તો શું કરવાનું? તેનું દિમાગ આ શારિરીક ફેરફારને સમજે અને ઉત્પાદન ઓછું કરે ત્યાંસુધીનો સમય આપણે સાચવી લેવો પડે, મતલબ કે તે સ્ત્રીને સાચવી લેવી પડે.

કેટલીક સ્ત્રીઓને તેમની લાઈફનો આ સ્ટેજ નવી આઝાદીનો સ્ટેજ લાગે છે તો કેટલીક સ્ત્રીને લાગે છે કે તે હવે પૂર્ણ સ્ત્રી રહી નથી. સેક્સ એન્જોય કરતી વખતે હવે પછી તેણે ગર્ભ રહી જશે તો? જેવી ચિંતા કરવાની નથી. જે તેને માટે એક મોટી આઝાદીની લાગણી છે. તો વળી કેટલીક સ્ત્રીઓને લાગે છે કે હવે તે મેન્સ્ટ્રલ સાયકલમાં નહીં આવે તો આકર્ષક નહીં રહે, તેનો પુરૂષ તેનામાં રસ નહીં લે. પરંતુ આ બધા કરતાં પણ સૌથી અકળાવનારી બાબત એ છે કે, ઘણીય સ્ત્રીએ આ સમય દરમિયાન ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે અને છતાં તેમને ડિપ્રેશન શું છે કે હાલ તે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેવી પણ તેમને જાણ હોતી નથી.

સુધાબહેન આજે સવારના રોજના સમય કરતાં થોડા મોડા જાગ્યા. તેમના પતિ બલરાજની ચા બનાવવાનું તો તે ભૂલી ગયા જ હતાં, દીકરા રશેષના ટીફિન બાબતે પણ તેમણે આજે આળસ કર્યું. રશેષની પત્નીને સવારમાં ઓફિસ માટે નીકળવામાં મોડું થઈ રહ્યું હતું આથી વધારે જેભાજોડીમાં નહીં પડતાં તેણે રશેષને ટિફિનમાં બે ફ્રુટ્સ મૂકી આપ્યા અને નીકળી ગઈ. સવાર તો રોજના કામમાં અને દોડધામમાં નીકળી ગઈ પણ સાંજ પડતાં એક પછી એક બધાએ સુધાબેન પર વરસવાનું શરૂ કરી દીધું. ‘આજે મારે ચા વિના જ દિવસ કાઢી નાખવો પડ્યો, સવારમાં એક ચા પણ નહીં પીવડાવાય તારાથી?’ બલરાજ બોલ્યા.

‘મમ્મી વિણાને આજે ઓફિસ પહોંચવામાં મોડું થઈ ગયું ખબર છે તને? તું ટિફિન નહોતી બનાવવાની તો કહેવું તો જોઈએ…!’ રશેષે કહ્યું. આટલાં બે વાક્ય સાંભળતામાં તો સુધાબેન રળી પડ્યા. બલરાજ, રશેષ કે વિણા તમામને લાગ્યું કે આટલું જરા કહ્યું તેમાં રળવાનું શું આવી જાય? પરંતુ તે આખી રાત સુધાબેન સૂઈ પણ નહોતા શક્યા. ૫૦ની આસ-પાસ પહોંચેલા સુધાબેનને પોતાને પણ નહોતી ખબર કે આટલી નાની વાતમાં તેમને રળુ શા માટે આવી ગયું અને હવે આટલી અમથી વાતમાં તેમની આખી રાત ઊંઘ શું કામ નહોતી આવી રહી. વાસ્તવમાં એ દિવસો સુધાબેનના મેન્સ્ટ્રલ સાયકલના દિવસો હતાં અને તેમને માસિક આવ્યું નહોતુ, અને હવે આવવાનું પણ નહોતું કારણ કે તેઓ મેનોપોઝમાં પ્રવેશી રહ્યા હતાં. તે આખીય રાત અને ત્યારપછીની ચાર-પાંચ રાત સુધી સુધાબેનને શું શું વિચારો નથી આવ્યા.

બલરાજે તેમને ઘરમાંથી કાઢી મૂકી જેવા વિચારથી લઈને વિણા હવે તેમની સાથે બોલતી નથી, રશેષ નાની નાની બાબતોમાં તેમને મારવા માટે હાથ ઉપાડે છે જેવા અનેક મનઘડંત વિચારો તેમને આવતા હતાં. આ બધાં જ વિચારો તેમના સાવ પાયાવિહોણા વિચાર હતાં પરંતુ તેમ છતાં તે આવતા હતાં જેને તેઓ કેમેય કરી રોકી શકતા નહોતા.
પરંતુ, આ બધાની વચ્ચે એક કામ તેમનાથી સારું થઈ શક્યું. રવિવારની રજાનો દિવસ હતો તેમણે વહુ વિણાને પોતાના રૂમમાં બોલાવી અને બારણું બંધ કર્યું. ‘વિણા, મને ચાર દિવસ ઉપર ચઢી ગયા છે, હજી પીરિઅડ આવ્યો નથી. મને ખૂબ ડર લાગે છે. હું શું કરૂં.

મને કંઈ થઈ તો નહીં ગયું હોય ને?’ એક પિરીઅડ ચાર દિવસ સુધી નહીં આવવાને કારણે આવો વિચાર આવે કે મને કંઈ થઈ તો નહીં ગયું હોય ને? એ હાસ્યાસ્પદ લાગે પરંતુ આ સમય દરમિયાન ખરેખર જ એક સ્ત્રીની માનસિક હાલ એવી જ હોય છે કે તણખલું પડે તો પણ તેને એમ વિચાર આવે કે હવે ઝાડ તો નહીં પડે ને! વિણા આખીય વાત સમજી ગઈ. તે સાસુને ગાયનેકોલોજિસ્ટને ત્યાં લઈ ગઈ અને તેમની સાથે શાંતિથી વાત કરાવી. ઘરમાં પણ દરેક માણસ સુધાબેનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. તેમની વાતોને માનવાનો અને જરૂર લાગે ત્યાં સમજાવી લેવાનો પ્રયત્ન કરતાં હતાં. ટૂંકમાં સુધાબેનનું મેનોપોઝ અને સુધાબેન બંને સચવાઈ ગયા.

પરંતુ, દરેક સ્ત્રી એટલી ભાગ્યશાળી નથી હોતી. નાની નાની બાબત ભૂલી જવાથી લઈને મોટી મોટી બાબત વિશે દૂરલક્ષ્ય સેવવા સુધીની પરિસ્થિતિમાંથી સ્ત્રીએ આ સમય દરમિયાન પસાર થવું પડે છે. સ્વછંદી થઈને સેક્સ માણી લેવાની ઈચ્છાથી લઈને પરપુરૂષ સાથે વાતો કરવાનો અનુભવ લેવા સુધીના અનેક વિચારો આ સમય દરમિયાન આવી શકે. તો વળી દીકરાને આજે ખાવાનું આપવાનું રહી ગયું એ બાબતથી લઈને પૌત્રએ આજે મારી સાથે રમવાની ના પાડી એ બાબત સુધીની કોઈપણ બાબતે રડવું પણ આવી શકે. પતિને કોઈ સ્ત્રી સાથે વાત કરતા જૂએ તો ઝઘડો કરવાથી લઈને પાડોશમાં આવતી સિરીયલ પોતાના ઘરના ટી.વી સેટ પર નહીં જોઈ શકવાને કારણે તેને ખોટું પણ લાગી શકે. શોપિંગ કરવા જાય ત્યારે જીન્સ લેવાની ઈચ્છા થઈ આવે એવું પણ બને અને બહેનપણીઓ સાથે વાતો કરવા બેસે તો ઘરે જવાનું મોડું થાય છે તે ભૂલી જ જાય એવું પણ બને.

ત્યારે આટલી મોટી ઢાંઢી થઈ છતાં આમ…? એવો બાલિશ પ્રશ્ન નહીં કરતાં જો આપણે તેને પ્રેમથી સમજી શકીએ, જાળવી શકીએ અને આ સમયગાળાને વિતાવી લેવામાં તેની મદદ કરી શકીએ તો કદાચ એક સ્ત્રીએ આજીવન આપણાં માટે કરેલાં બધાં કામોનું જે વ્યાજ ચઢ્યું હશે તેના દસ ટકા જેટલું ભુગતાન કરી શકીશું.

મેનોપોઝ એક શારિરીક ફેરફારનો સમય માત્ર છે, વ્યક્તિ જ બદલાઈ ગઈ હોવાનો નહીં. જ્યાં ઊંમર શરિર આ નવા ફેરફારને સ્વીકારવા તૈયાર થઈ જાય છે પરંતુ દિમાગને તે બદલાવ ગ્રહણ કરતાં વાર લાગે છે એટલું જ. એનો અર્થ એ જરા પણ નથી કે મમ્મી હવે બદલાઈ ગઈ છે, પત્ની હવે એ રહી નથી જે પહેલાં હતી. જેવા સ્ટેટમેન્ટ આપણે આપવા પડે. એક સ્ત્રી જેણે ચાર દિવાલને ઘર બનાવ્યું તે જ ચાર દિવાલની વચ્ચે આપણે ખુલ્લા મને આ નવી બદલાઈ રહેલી પરિસ્થિતિ વિશે વાત નહીં કરી શકીએ? ચર્ચા કરવામાં શરમ શાની? અને જ્યાં ખુલ્લા મને ચર્ચા કરવાની વાત હોય ત્યાં પુરૂષ કે સ્ત્રી સાથે હોવાની સેહ કે શરમ શાની? ચર્ચા એ એક ચર્ચા જ છે અને તે ઊંમરને કારણે આવતા એક શારિરીક બદલાવ બાબતે છે, શરમાવું કે મુંઝાવુ શું કામ?

શું કોઈ દીકરો કે કોઈ પતિ એવો નહીં હોય શકે જે પોતાની માને કે પત્નીને આ સમય આવ્યે એવું કહી શકવાની ખેલદિલી દેખાડી શકે કે, ‘વાઉ મમ્મા યુ આર ફ્રી નાવ ફ્રોમ ઓલ ધેટ મન્થલી ડિસ્ટર્બન્સ, લેટ્સ સેલિબ્રેટ ઈટ. લેટ્સ હેવ અ પાર્ટી!’

લેખક : આશુતોષ દેસાઈ

કોમેન્ટ માં તમારા મંતવ્યો આવકાર્ય !!!

ટીપ્પણી