મેંદુવડા – સાઉથના લોકોની પ્રિય ડીશ હવે બનાવો તમારા ઘરે…..

 મેંદુવડા 

કોઈ પણ પ્રકારના વડામાં જો ક્રિસ્પ ન હોય તો તેને ખાવાની મજા આવતી નથી. આપણે આજે સાઉથ ઇન્ડિયન ફૂડમાં આપણી પ્રિય વાનગી એવાં મેંદુવડા બનાવવાની સરળ રીત શીખશું.

મેંદુવડા બનાવવા માટે દાળ, ચોખા તથા અન્ય સામગ્રી આ પ્રમાણે લેવાં :

  • 3 વાટકી અડદની સફેદ દાળ,
  • 1 વાટકી ચોખા,
  • ચપટી મેથીના દાણા,
  • અડધી ટી સ્પૂન ખાવાનો સોડા,
  • તેલ,
  • મીઠું સ્વાદ પ્રમાણે.

રીત :

મેંદુવડા જે દિવસે બનાવવા હોય તેની આગલી રાત્રે મોડેથી બતાવેલા માપ પ્રમાણે દાળ, ચોખા અને મેથીના દાણા એક તપેલીમાં ભેગા કરવા. અડદની સફેદ દાળ ખૂબ ચીકણી હોય છે એટલે પ્રમાણમાં ફેરફાર ન થાય તે જોવું.

ચોખાનો ઉપયોગ મેંદુવડામાં દર્શાવેલ માપ મુજબ કરવાથી મેંદુવડાનું દળ સારું થાય છે. તેમાં મેથીના દાણા નાખવાથી મેંદુવડામાં અંદર જાળી પડે છે અને મેંદુવડા વધારે ક્રિસ્પી બને છે. વધારે પ્રમાણમાં મેથી નાખવી નહીં, નહીંતર મેંદુવડામાં કડવાશ આવી શકે છે.

હવે, આ દાળ, ચોખા અને મેથીના મિશ્રણને પલાળી દેવું. સવારે વહેલા તેને મિક્સરમાં ક્રશ કરી નાખવું. ક્રશ કરતી વખતે, પાણી વધારે નાખવું નહીં. મેંદુવડાનું ખીરું થોડું જાડું હોય છે. તેને પાતળું બનાવવું નહીં. હવે, આ ખીરાને તડકામાં મૂકી દેવું. જો ગરમી વધારે હોય તો ઘરમાં નોર્મલ ટેમ્પરેચરમાં પણ રાખી શકાય છે. લગભગ પાંચથી છ કલાક પછી તેમાં આથો આવી જાય છે. શિયાળામાં થોડા કલાક વધારે લાગી શકે છે. હવે જો આથો આવી ગયો હોય તો તેમાં મીઠું નાખી દેવું. પછી ખાવાનો સોડા નાખવાનો. સોડા નાખીને ખીરું હલાવવું નહીં. તેમાં તળવા માટે એક્દમ ગરમ કરેલા તેલમાંથી એક મોટો ચમચો તેલ ખીરામાં એડ કરીને તેને હવે એક જ દિશામાં હલાવવું. આમ કરવાથી ખીરું એક્દમ મિકસ થઈ જાય છે.

હવે, ગરમ કરેલા તેલમાં ચમચી વડે અથવા હાથથી ફાવે તો તેમ, મેંદુવડાનું ખીરું નાખી અને કાચા ન રહે તેમ તળવા.ગરમ ગરમ સંભાર સાથે પીરસવા.જો મેંદુવડા વધે, તો તે દિવસે ફ્રીજમાં મૂકી દેવાં. બીજે દિવસે તેને ગરમ પાણીમાં બે – ત્રણ કલાક પલાળીને દહીંવડા બનાવી શકાય છે.

તો મિત્રો, આ છે એક્દમ સરળ રીતે મેંદુવડા બનાવવાની પદ્ધતિ. તમને ગમે તો શેર કરજો.

રસોઈની રાણી : પ્રાપ્તિ બુચ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી