મેકઅપ – મજબૂરી અને લાચારીથી ઘેરાયેલી બે સ્ત્રીઓની હ્રદયદ્રાવક દાસ્તાન

મનોરમા શાકની ખરીદી કરવામાં મગ્ન હતી. રીંગણાં, ગોબી …પતિ અને બાળકોની પસંદનું બધું જ શાક લેવાઈ ગયું હતું. પોતાની પસંદની કાકડી અને કોથમીર લેતી હતી ત્યાં પાછળથી કોઈએ ખભા પર હાથ મુક્યો. મનોરમાએ પીઠ ફેરવી જોયું તો કવિતા ઊભી હતી. મનોરમાના આશ્ચર્યનો પાર ન રહ્યો.” અરે કવિતા તું ? બહુ વર્ષે જોઈ તને.” કવિતાએ કહ્યું,” હા , પરણીને બીજે ગઈ હતી પણ તકદીર પાછી લઇ આવી. તું કહે ..હું તો બસ એમ જ બજારમાં નીકળી હતી.” બંને બહેનપણીઓ આસપાસની ભીડને ભૂલીને વાતો કરવા લાગી. આંખમાં કાજલ લગાડેલો એક શખ્સ દૂરથી કવિતાને જોઈ રહ્યો હતો. એનો ઈશારો થતાં કવિતા વાત ટૂંકાવીને ચાલી નીકળી.

મનોરમા ઘરે જઈને કપડાં ધોવા બેઠી. પરિમલ રિક્ષાના પૈસા ચૂકવી અંદર આવતો જણાયો. પિતાનો દુષ્કર સ્વભાવ અને માંની જીવનભરની ગુલામ જેવી પરિસ્થિતિથી સદાય અકળયેલો રહેતો મનોરમા અને પરિમલનો પુત્ર સુજય અંદર જતો રહ્યો. પરિમલે કટુ નજરે આમતેમ જોઈને બેઠક લીધી, મોટા અવાજે કોઈને ફોનમાં ધમકાવતાં, ગલોફામાં પાનનો ડૂચો ખોસ્યો. પરિમલ ઘરમાં હોય એટલે ઘરનું વાતાવરણ તંગ બની જતું.

ગમગીનીમાં ઊગતી સવાર અને ડરમાં આથમતી સાંજ વચ્ચે આજ મનોરમા ભૂતકાળને વાગોળવા બેઠી. બજારમાં મળી ગયેલી કવિતા અને પોતે, એક સ્ત્રી વિકાસ ગૃહમાં સાથે ભણતાં અને કામ કરતાં. કવિતા એક અનાથ બાલિકા હતી. કોઈ પાસેના મંદિરમાં આ નવજાત બાળકીને મૂકી ગયું હતું. મનોરમા પોતાના મામાને ત્યાં રહીને ભણતી. માતાપિતા ખેતી કરતાં આથી મનોરમા, મામા સાથે શહેર આવી ગયેલી. મામાએ તેને આ સ્ત્રી વિકાસ ગૃહમાં ગોઠવી આપી હતી.

કવિતા એક મહેનતી અને સુઘડ કન્યા હતી. મનોરમાને કવિતાની કાર્યદક્ષતા અને સ્થિરતા બહુ પસંદ હતાં. સમય જતાં મનોરમા પરણી ગઈ. સ્ત્રી વિકાસના વિચારો સાથે ઉછરેલી મનોરમાનો, એક અતિશય ઘાતકી કહી શકાય તેવા પતિ સાથે પનારો પડ્યો હતો. પરિમલ તેના પર ચાંપતી નજર રાખતો. મનોરમાને કોઈ જાતના વિશેષ કપડાં વગેરે પહેરવાની છૂટ નહોતી. એકવાર એક પ્રસંગમાં જતી વખતે તેણે લાલ ચટ્ટાક સાડી સાથે શોભતો ચાંલ્લો અને આભૂષણો પહેર્યાં હતાં. ઉપરથી થોડોઘણો મેકઅપ કરેલો હતો. બસ, પરિમલ નો આક્રોશ વરસી પડેલો. ઘસડીને તેણે મનોરમાને આંગણમાં પછાડી હતી..” સાલી…નાચવા નીકળી છે ? વેશ જો તારા…બજારુ દેખાય છે…મારી સાથે રહેવું હોય તો આ સસ્તા, છીછરા મેકઅપ નહીં કરવાના સમજી ?” ત્યારબાદ કદી પણ મનોરમાએ કોઈ સારા રંગની સાડી કે આભૂષણ પહેર્યાં નહોતાં..મેકઅપ તો દૂરની વાત હતી. મેકઅપ વાળી વાત યાદ કરીને મનોરમા ધ્રુજી ગઈ. ભૂતકાળને ખંખેરીને રસોડામાં કામે લાગી ગઈ.

લગભગ રાતના દસના સુમારે કોઈએ બારણું ખટખટાવ્યું. પરિમલ જ હશે માનીને તેણે બારણું ઉઘાડ્યું. દારૂના નશામાં લથપથ પરિમલ રૂમમાં આવીને ફસડાઈ પડ્યો. રાત દરમિયાન તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં લઇ જવાયો. ડોક્ટરે પ્રાથમિક તાપસ કરી વધુ સારવાર માટે ત્યાં જ રોકાઈ જવા કહ્યું. મનોરમા પાસે ડોક્ટરને આપવા પૈસા નહોતાં. પરિમલે પોતાના ખિસ્સા તરફ ઈશારો કરતાં મનોરમાએ તપાસ્યું તો પાકીટ નહોતું. પરિમલની પાસે દીકરાને બેસાડી તે ઘર તરફ ઉતાવળે પગલે ચાલવા લાગી. જોહુકમી કરનાર પતિ, મનોરમાને કદી ઘરખર્ચી સિવાય પૈસા આપતો નહીં. દારૂના નશામાં પાકીટ ક્યાંય પડી ગયું હશે તો ઘરમાં તો બિલકુલ પૈસા નથી એમ વિચારતી મનોરમા લગભગ દોડવા લાગી. ઘરની પાસે પહોંચી ત્યાં તેને કવિતા મળી.

“મનોરમા !!..ક્યાં જાય છે..ચાલ મારી સાથે..તારું ઘર ક્યાં છે ? હું મૂકી જઉં..” કવિતાએ પોતાની રીક્ષા અટકાવીને મનોરમાને પૂછ્યું.

” હા કવિતા, આમ તો ઘર પાસે જ છે..પણ જરા ઉતાવળમાં છું..”

અંદર બેસીને મનોરમાએ પૂછ્યું,” તું આટલી રાત્રે ક્યાં જાય છે..?”

કવિતા ફિક્કું હસીને કહ્યું, ” મારું તો કામ રાત્રે જ શરુ થાય છે..”મનોરમા અટકળો કરવા લાગી ત્યાં જ ઘર આવી ગયું.

જતાં જતાં તે બોલી, ” કવિતા તારો આભાર, માફ કરજે આજ મારી પાસે પૈસા નથી, નહીં તો હું ભાડું આપી દેત.”તેણે પોતાના પતિની હાલત વિશે ટૂંકમાં સમજાવ્યું.

કવિતાએ તેના હાથમાં એક પાકીટ આપતાં કહ્યું, ” લે આ લઇ લે, કામ આવશે.”

મનોરમાએ આનાકાની કરતાં જોયું તો પાકીટ પરિમલનું જ હતું. જ્યાં પાકીટ ભૂલીને આવ્યો તે પોતાની ખાસ મિત્ર તેવી કવિતા હતી. તેણે કવિતાના શબ્દો મગજમાં ઉકેલ્યા, ” મારું કામ તો રાત્રે જ શરુ થાય છે.”કવિતા લાચારીમાં ફસાઈને દેહનો સોદો કરનારી ,એક બજારુ સ્ત્રી હતી. તેની નજર ફટાફટ ફરવા લાગી. કવિતાના પ્રૌઢ શરીર પર ચમકતી સાડી, પરાણે ટકાવેલી જુવાની, માથામાં ગજરો, આંખમાં કાજલ અને ..અને…ચીકણો મેકઅપ..!!

-રૂપલ બક્ષી, વસાવડા

ટીપ્પણી