ટ્રેકિંગ માટે પ્રકૃતિ દર્શન માટેનું તમારું મનગમતું સ્થળ કયું છે…

દેવઘાટ ટ્રેકિંગ, નીંદવાડા નર્સરી, માછીવેલી.
ધૂળમાં ઉડે ભવ્ય જિંદગી..
ને પ્રકૃતિના ખોળે એક ‘હાશ’..!

હજુ તો તારીખ ૬ઠ્ઠી ઓગષ્ટ ચીમેર ટ્રેકિંગનો આહ્લાદક નશો મનોમસ્તિકમાંથી ઉતર્યો નહોતો, ત્યાં જ ૨૧ તારીખે નીંદવાડા નર્સરી, દેવઘાટના જંગલે અમને બોલાવી લીધા. વાહનોના અવાજો, પ્રદુષિત ધૂળ ને ખોખલા સ્મિતમાં અટવાતી અમારી સુખી જિંદગીને જો પ્રકૃતિ નામની ‘મા’ બોલાવે તો ના કહેવાની કંઈ મજાલ છે કોઈની?
વ્યારા વન વિભાગના સુંદર પ્રયત્નોથી જીવનના પહેલા ટ્રેકિંગ ચીમેર વોટરફોલના અદ્ભુત અનુભવ બાદ ફરી ફરીને એ જંગલોમાં જવાની ઈચ્છા થઈ આવતી. ત્યારે આ વખતે પણ એ કુદરતના સૌન્દર્યને વધાવવાના અનેરા ઉત્સાહે શનીવારની ઊંઘને હાથતાળી આપી દીધી. ને ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી રૂપે રાત્રે પડી રહેલા ધોધમાર વરસાદ અને મમ્મી-પપ્પાની ‘ના હુકમી’ને ઓળંગીને પણ ટ્રેકિંગમાં જવાનો દઢ નિશ્ચય કરીને હું અને સખી ડીમ્પલ તથા ભાભી આખરે વ્યારાની બસમાં ચઢી જ ગયાં.

રાતના ૩.૩૦ વાગ્યાના અરસામાં વરસતો વરસાદ અને બસમાં ચાલતા જુના ગીતોની મહેફિલ, આંખો બંધ કરીને અનુભવતી એ બસની ચીર શાંતિ..! વ્યારા જતી વખતે બસનો આ અનુભવ પણ નવો જ હતો.. અને વ્યારા પહોંચ્યા ત્યારે સદભાગ્યે વરસાદે પણ વિરામ લીધો હતો. ગઈ વખતની જેમ આ વખતે પણ ફોરેસ્ટ ગાર્ડ ઓફિસર રમેશભાઈની જીપમાં અમે ત્રણ સખીઓએ સ્થાન લીધું. પાછળથી અમારી સાથે અન્ય ટ્રેકર્સ પણ જોડાયા. આશરે ૨ કલાકે અમે સોનગઢ સ્ટેટ હાઈ-વે વટાવી નીંદવાડા નર્સરીથી આગળ ગંતવ્ય સ્થાને પહોંચ્યા.


જ્યાં રજીસ્ટ્રેશન વિધિ, ગરમા-ગરમ ચા-બિસ્કીટ તેમજ ડેપ્યુ.કન્સર્વેટર આઈ.એફ.એસ. ઓફિસર એવાં કે. શશીકુમાર ભાઈના સૂચનોને સાંભળી ટ્રેકિંગ માટે આગળ વધ્યાં. ૨૫ કિમીના આ ટ્રેકમાં સો થી વધુ યુવાનો-યુવતીઓએ ભાગ લીધો હતો.
દરેક ટ્રેકર્સના ઉત્સાહમાં વધારો કરવા હેતુ આ વખતે ચીફ કન્સર્વેટર(આઈ.એફ.એસ.) સાહેબશ્રી સી.કે.સોનવણે પણ જોડાયા હતાં.


જંગલ પણ જાણે એના પ્રેમીઓની રાહ જોતું હોય તેમ પોતાની છટા વધારતું અમારી આંખો સામે ખુલતું જતું હતું. વનસ્પતિની અદ્ભુત ખુશ્બુ, તાપી નદીની શીતળતા અને રંગબેરંગી ફૂલોની તાજી સુગંધથી તન-મન તરબોળ થઈ રહ્યું હતું, ત્યારે ખ્યાલ પણ ના આવ્યો કે ક્યારે અમે ૧૦ કિમી ટ્રેક પૂરી કરી લીધું હતું. વરસતાં વરસાદે ભીંજાતા અમે નાસ્તા માટે રોકાયા. પગને વિશ્રામ આપી, ગ્રામજનો માટેની, ગુજરાત અને ગુજરાતના જંગલો માટેની શશીભાઈની અને સોનવણે સાહેબની લાગણીથી રસતરબોળ વાતો સાંભળી, રમુજથી તન-મનને રીચાર્જ કરી બપોરના ૧.૦૦ વાગ્યા આસપાસ બાકીનું ટ્રેક પૂરું કરવા સહુ સજ્જ થયાં.

કાદવમાં બેસવાનું, છત્રી-રેઇનકોટ હોવા છતાં વરસાદમાં ભીંજાવાનું, બૂટ-ચપ્પલ વિના ચીકણા રસ્તે જંગલની માટીને સ્પર્શતું ચાલવાનું, થાકથી લોથપોથ શરીરે આગળને આગળ ધપવાનું- આ પ્રસંગ ટ્રેકિંગના હોય કે જીવનના, પરીક્ષા તો સરખી જ હોય છે ને?


દેવઘાટના લાંબા ટ્રેકિંગે અમારા મનની ધીરજ અને શરીરની ક્ષમતાનો ઊંડાણમાં પરિચય આપી દીધો હતો. આપણું શરીર અસંખ્ય શક્યતાઓ ધરાવે છે, અને મજબુત મનોબળથી કોઈપણ કઠીન કાર્ય પૂર્ણ થઈ શકે છે, નાનપણથી સાંભળેલી આ વાતોનો સાચો અનુભવ આ ટ્રેકિંગથી જ મળ્યો- એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી!
અવિરત વરસાદમાં ભીંજાતા શરીરે, ૭ કલાકથી ચાલી રહેલા શરીર અને મનને ત્યારે હાશ થઈ જયારે અમે પૌરાણીક દેવઘાટ સ્થાને પહોંચ્યા. પ્રકૃતિના ખોળે વસેલું, ને અહીં સુધી આવવામાં પડેલા દરેક કષ્ટનો જવાબ આપતું એ પૌરાણીક દેવસ્થાન દેવઘાટનો સુંદર ધોધ અમને હાથ ફેલાવી જાણે આવકારતો હતો! પોતાની સુંદરતા પાથરી રહેલા ધોધની નજીક જઈને તેના પાણીમાં ભીંજાઈને બધા જ આનંદના ઝરણામાં છબછબીયા કરવા લાગ્યાં…! વ્યારા વન વિભાગના જવાનોનો આ માટે હૃદયથી આભાર માનવો ઘટે જ, કારણ તેમણે સલામતીની દ્રષ્ટિએ જોખમી પણ ટ્રેકિંગમાં સૌથી કઠીન એવાં સ્થળે આયોજન ગોઠવી દરેકને સહી-સલામત રીતે પહોંચાડ્યા.
દેવઘાટ ધોધ પર અડધા કલાકની મસ્તી અને કેમેરાને ન્યાય આપ્યા બાદ સહુ ગરમાગરમ મકાઈના ડોડા ઉપર તૂટી પડ્યા. ધીમો વરસાદ, ઠંડીથી ધ્રુજતા શરીર, આસપાસ લીલી હરિયાળી, દેવઘાટ ધોધનો પડછંદ અવાજ અને હાથમાં ગરમાગરમ મકાઈ.. પછી તો જોઈએ જ શું?
ફરીથી શશીભાઈની વાતો, ટ્રેકર્સના સૂચનો, અભિપ્રાયોને સાંભળી અને મકાઈને ન્યાય આપતા અમે બાકીનું ૧૦ કિમી ટ્રેક પૂરું કરવા આગળ વધ્યાં.


ખરેખર, આ ટ્રેકિંગે પગને નીચોવીને શરીરની શક્તિ અને મનની અધીરતાનો અમને પરિચય કરાવ્યો. પરત ફરતી વખતનું જંગલમાં અમારું ૧૦ કિમીનું અંતર થાકના કારણે વધુ લાંબુ તો લાગ્યું, પણ ગીતોના શોખીન એવાં અમે અંતાક્ષરી અને એક-બીજાના જીવન વિષેની વાતો કરતાં-સાંભળતા સાંજ સુધી ચાલતા જ રહ્યા. સાંજ પડ્યે પણ અમારું ટ્રેક પૂરું ના થતાં અંધારિયા સુમસામ જંગલમાં મનમાં થોડો ડર, ઘરની ચિંતા અને હાશ કહી ચૂકેલા પગથી અમે થાકી ગયા. અમારા દુર્ભાગ્યવશ (કે સદભાગ્યવશ!) અવિરત વરસાદના લીધે, જે નદી પસાર કરીને ટ્રેક પૂરું થતું હતું તે નદી વરસાદી પાણીથી છલોછલ થઈ જવાથી અમારું ટ્રેક લંબાયું. અંધારીયા જંગલમાં તીમરાઓ, પક્ષીઓના અવાજો વચ્ચે, ટોર્ચ લાઈટના પ્રકાશે મનમાં પેસી ગયેલા ડરને મહાત આપતા બધા જ યુવાનો થાકતા-થાકતા પણ શશીભાઈ અને ફોરેસ્ટ જવાનોની દોરવણીથી આગળ ચાલ્યા. આમ એક રીતે અમારું રાત્રી ટ્રેકિંગ પણ શરુ થયું.
આખરે રાત્રી ઘટ્ટ થઈ જવાથી સલામતી અર્થે શશીભાઈ અને અન્ય ફોરેસ્ટ જવાનોએ વાહનો મંગાવીને સહુને જંગલની બહાર ગામમાં ખસેડવાની વ્યવસ્થા કરી. રાત્રે ૯ વાગ્યાના અરસામાં અમે ગામના ઘરોની બહાર ઓટલા ઉપર વિશ્રામ કર્યો. ત્યારબાદ ટેમ્પા-જીપ વગેરે વાહનોમાં બેસાડીને વ્યારા વન વિભાગના જવાનોએ અમને સહુને જ્યાં ટ્રેક શરુ કર્યું હતું એ ગંતવ્ય સ્થાન પર પહોંચાડયાં.
થાકથી લોથપોથ શરીરે હવે જાણે બધાને ઘર જ યાદ આવતું હતું. પણ છતાં જંગલમાં લાંબા ટ્રેકિંગનો આ અનુભવ જ જાણે અમારામાં કોઈક અજાણી શક્તિનો સંચાર કરતું હતું. રાત્રીના ૧૧ વાગ્યે પણ વ્યારા વન વિભાગે અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી બધા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. શ્રીખંડ, પૂરી-શાક, કઢી-ભાતથી ભૂખ્યા-થાક્યા શરીરનો શક્તિ સંચાર કર્યા બાદ હવે બધાને જ ઘર યાદ આવતું હતું.


અંતે વ્યારા વન વિભાગના દરેક ઓફિસરોનો હૃદય-મનથી આભાર માની. પ્રકૃતિનો આભાર માની, કુદરતના ખોળેથી વિદાય લઈ સહુ પોત-પોતાના ઘરે જવા નીકળ્યાં.
અમારા વિચાર-મન-હૃદય-શરીરની ધીરજ અને શક્તિનો ખ્યાલ પામી, કલાકો સુધી લીલી પ્રકૃતિને માણવા-જોવાનો આનંદ લૂંટી, જીવનમાં પહેલી વાર શરીરના સંપૂર્ણ તંતુને થકવવાનો એક અવિસ્મરણીય અનુભવ લઈને મધરાતે અમે ઘરે પહોંચ્યા.


દસ દિવસ બાદ પણ જયારે આ ટ્રેકનો અહેવાલ લખું છું ત્યારે ટ્રેકના એક-એક અનુભવની યાદ તાજી કરાવતા પગની થકાન સંપૂર્ણ મટી નથી.. પણ જ્યાં ‘ખુદ’ને પામવાની, સત્યથી ધબકતી પ્રકૃતિને જીવવાની વાત હોય ત્યાં દરેક દર્દ નાનું જ લાગે છે!

લેખક : મીરા જોશી

દરરોજ અવનવી માહિતી અને અનુભવો જાણવા માટે લાઇક કરો આમારું પેજ.

તમે તમારા અનુભવ પણ અમને ઈનબોક્સ કરી શકો છો…

ટીપ્પણી